પ્લાસ્ટર ઊખડી ગયેલી, પડું પડું થતી દીવાલ વાળું જર્જરિત ખંડેર જોઈને કોઈ માની ન શકે કે, એક જમાનામાં અહીં જમીનદારની શાનદાર હવેલી ઊભી હતી. જેવી હાલત હવેલીની એવી જ, કે કદાચ એનાથી ય બદતર હાલત હતી એની માલકણ પારવતીની. ચીંથરું થઈ ગયેલી ચાદર ર્જીણ શરીર પર લપેટતાં એ રોજ કહેતી, “વહુ, આ બુઢ્ઢાં હાડકાંઓમાં ઠંડી સહન કરવાની તાકાત નથી રઈ. એકાદ જૂનું ગોદડું હોય તો કાઢી આલજે. વરંડામાં પડેલી પાટ પર સૂઉં છું તે રાતે ટાઢથી થીજી જવાય છે.” “ગોદડું ક્યાંથી લાવું? માવતરેથી લગન વખતે લાવી’તી ઈ ફાટીને તાર તાર થઈ ગ્યું છે. ઈ બે ય છોકરાંઓનાં ડિલ પર નાખું છું. બસ! ઈ સિવાય હવે કાંઈ નથ.”
ડોસી ચુપચાપ ઘરની કંગાળ હાલત પર નિસાસો નાખતી. માલિકના ગયા પછી હવેલીની પડતી શરૂ થઈ. ત્યારબાદ એક પછી એક નોકરોએ પોતાનો રસ્તો લઈ લીધો. એક ફક્ત ગોપી એને આપેલી ખોલીમાં પડી રહેતો ને થઈ શકે એવું પરચૂરણ કામ કર્યા કરતો. નવરાશના સમયે ઓટલે આવીને બેસતો ને કહેતો, “શેઠાણીબા, ઉં તો ક્યાં ય નંઈ જવાનો. મારો જેંતી શેરમાં રે’વા બવ બોલાવે છ પણ મીં કીધું કે, જીવ્યો ઐયાં ને મરવાનો પણ ઐયાં જ!”
એની ઇચ્છા પૂરી થઈ. ચાર દિવસ પહેલાં એણે દેહ છોડ્યો. ગઈકાલે જેંતી મોટર લઈને આવ્યો ને એણે જાહેરાત કરી, “મારા બાપનું સરાધ હું ધામધૂમથી કરવાનો છું. આખા ગામને જમવા નોતરવાનો છું.”
ડોસી આ સાંભળીને બબડ્યાં, “જોઈએ તો ખરાં કે, મોટો સાયેબ થઈ ગ્યો છે તે શું જમાડે છે?”
ત્યાં તો સ્કૂલેથી આવેલી નાનકડી દીકરીએ કહ્યું, “દાદી, ગોપીકાકાના ઘર પાસેથી આવી ને, ત્યારે મેં જોયું કે, ત્યાં આ…ટલો બધો ભાત રંધાય છે.”
“હા, તે જમાડવાનો હશે, આખા ગામને – લાંગની દાળ ને જાડા ચોખા!”
“ના બાઈજી, હવે તો ઈ લોકો ય તુવેરની દાળ ને બાસમતી ભાત જમાડે છે.” સાસુની વાત સાંભળી રહેલી જમનાએ કહ્યું, “બાસમતી એટલે શું? દીકરીએ પૂછ્યું.”
“બચાડીએ કોઈ દી જોયું હોય તો ખબર પડે ને? બેટા, બાસમતી ઈ ચોખાની એક જાત છે. કોલમ, મસૂરી, પરિમલ … કેટલી બધી જાતના ચોખા આવે, ખબર છે?” બોલતાં બોલતાં ડોસીનાં મોંમાં પાણી આવવા લાગ્યું. આ બધું સાંભળી રહેલા પ્રતાપને બહુ ગુસ્સો આવતો હતો. “સાલ્લા, બે બદામના નોકરડા, આખા ગામને જમાડે ને આપણે એમાં જમવાનું?” મોટેથી ઘાંટો પાડીને એણે સૌને કહી દીધું હતું, “જેંતી ભલે જાતે નોતરું આપવા આવે, પણ ખબરદાર છે કોઈ જમવા ગયું છે તો! ગમે તેમ તોયે આપણે એના માલિક છીએ. એમ ભુખ્ખડની જેમ જમવા બેસી જઈએ તો કેવું લાગે?”
સાયકલ લઈને પ્રતાપ બહાર નીકળતો હતો ત્યારે જમનાએ એની પાછળ જઈને કહ્યું, “રોજ રોજ જાડા કુસકાના રોટલા ખાઈને બધાં કંટાળ્યાં છે. વીસ દિવસથી રોટલા ને ભાજીનું શાક – એની સિવાય કંઈ બનાવાયું જ નથી. માથી તો રોટલો ચવાતો પણ નથી.”
“બધું સમજું છું પણ નસીબ આડેથી પાંદડું ખસતું નથી તો શું કરું?”
થોડીવાર પછી જેંતી નિમંત્રણ આપવા આવ્યો હતો. શેઠાણીને પગે લાગીને ગળગળા સાદે કહ્યું હતું, “તમે તો અમારા અન્નદાતા છો. આજે જે કંઈ છું એ તમારા પ્રતાપે. સહકુટુંબ જમવા જરૂર પધારજો.”
બંને નાનાં બાળકો જમવા જવા તૈયાર થઈ ગયાં હતાં પણ જમનાએ કહ્યું, “તમારા બાપા જાણશે તો ટાંટિયો ભાંગી નાખશે. બેસો, છાનાંમાનાં ઘરમાં!”
પ્રતાપ આવ્યો ને પાંચે જણ જમવા બેઠાં પણ બેસ્વાદ ભોજન કોઈને ગળે ઊતરતું નહોતું. જેમતેમ લૂસ લૂસ ખાઈને ચારે અંદરના ઓરડામાં સૂવા જતાં રહ્યાં પણ પાટ પર સૂતેલી ડોસીને કેમે કરીને ઊંઘ આવતી નહોતી. ડેલી ખખડવાનો અવાજ આવ્યો ને એણે પૂછ્યું, “કોણ?”
જેંતીએ કહ્યું, “મા, એ તો હું. તમે કોઈ જમવા ન આવ્યાં તે હું ખાવાનું ઢાંકવા આવ્યો છું. લાપસી, દાળ-ભાત, શાક બધું છે.” સાંભળીને ડોસીની આંખો ચમકી ઊઠી.
“મા, કોની સાથે વાત કરતી હતી? કોઈ આવેલું?” પ્રતાપ ને એની પાછળ છોકરાંઓ અને જમના બધાં બહાર આવ્યાં.
“જેંતી આવ્યો’તો. પરાણે ખાવાનું મૂકી ગયો. મેં ઘણી ના પાડી કે, હજી તો હમણાં બધાં પેટ ભરીને જમ્યાં છીએ, પણ ઈ ન માન્યો.”
જમના ડરતાં ડરતાં બોલી, “હવે આવ્યું જ છે તો બે ય છોકરાંઓને જમવા બેસાડી દઉં? ભૂખ્યા પેટે બેયને નીંદર નથી આવતી.”
જવાબની રાહ જોયા વિના બેઉ બાળકો દોડતાં આવ્યાં ને થાળી લઈને ગોઠવાઈ ગયાં. હજી એ બંનેની થાળી પીરસાય ત્યાં ડોસીમા ડગુમગુ કરતાં આવ્યાં, “વહુ, મને ય ખાવાનું આપી જ દે. વરસો થયાં આવું બધું ખાધાને! ને ગોપી આપણો નોકર હતો એટલે એના ઘરનું ન ખાવું એવું ઓછું છે? કોઈ ઊંચું નથી કે કોઈ નીચું નથી.”
પ્રતાપ ત્રણેને અકરાંતિયાની જેમ ખાતાં જોઈ રહ્યો પછી જમના સામે જોઈ ધીમેથી બોલ્યો, “હજી ખાવાનું ઘણું વધ્યું છે, નહીં? આટલું સારું ખાવાનું ફેંકી દેવા કરતાં ચાલ, આપણે બેઉ પણ જમી લઈએ. થાળી પીરસ.”
જમનાને પતિનો ‘ખબરદાર’ બોલતી વખતનો જુસ્સો યાદ આવ્યો. એ વિચારી રહી, ‘આ ભૂખ કેવી ભૂંડી છે! ગમે તેવા મગરૂર માણસને પણ કેવો લાચાર બનાવી દે છે! સ્વમાન સામે ભૂખ હંમેશાં જીતી જાય છે.’
બંનેની થાળી પીરસીને સામે મૂકી ત્યારે પ્રતાપ પત્નીની આંખમાં આંખ નહોતો મેળવી શકતો. નીચી મૂંડી કરીને કોળિયા ભરી રહેલા પતિની મજાક કરતાં જમનાને કહેવું હતું કે, ‘કેમ, ના કહેતા હતા પણ આખરે જમવું પડ્યું ને?’
પણ એનાથી એવી ક્રૂર મજાક ન થઈ શકી. હસવાનો પ્રયત્ન કરવા જતાં એની આંખમાંથી નીકળેલાં આંસુ દાળમાં પડ્યાં. જમીને આંગળાં ચાટી રહેલાં સાસુ અને બાળકોને જોઈને એના ચહેરા પર સંતોષનો ભાવ આવ્યો કે કરુણાનો એ એને પોતાને જ ન સમજાયું.
(બસવરાજ સાદરની મૈથિલી વાર્તાને આધારે)
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 16 સપ્ટેમ્બર 2024; પૃ. 24