
સુમન શાહ
આ અગાઉના લેખમાં મેં લખ્યું હતું કે હરારીને ‘નવ્ય વિશ્વયુદ્ધ અસંભવ નથી ભાસતું’. મારે એમાં એ ઉમેરવું છે કે એ એમનું અંગત સંવેદન પણ હોઈ શકે છે. કેમ કે એમનો દેશ ગઈ સાલથી યુદ્ધગ્રસ્ત છે. અને, તાજેતરમાં સમાચારો મળે છે, કે —
ઇરાને ઇઝરાઇલ પર ડ્રોન્સ અને આશરે ૧૮૦ મિસાઇલ છોડીને અપૂર્વ હુમલો કર્યો, કેટલાંક મિસાઈલ્સ તો બૅલિસ્ટિક હતાં. ઇરાને ધમકી આપી કે ભાવિ હુમલા માટે તે ઇઝારાઇલના સિવિલિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સને પણ ટાર્ગેટ કરશે. જેરુસલામ-નેતાઓએ કહ્યું કે ઇઝરાઇલ વળતો હુમલો કરશે, ઍપ્રિલમાં કરેલો એથી પણ ઘાતક. સામે, ઇરાન પોતે ઇઝરાઇલ માટે વિચારી રાખેલી ‘ઑક્ટોપસ હેડ’, ઑક્ટપસને હોય છે એવી અષ્ટહસ્તવાળી, મલ્ટિ-ફ્રન્ટ સ્ટ્રેટેજી, સંભવ છે, કે ઝીંકે!
કહે છે, આ યુદ્ધ કોઈ સાયન્સ-ફિકશન નથી, દારુણ હકીકત છે!
એટલે, બને કે ઇઝરાઇલ-ઇરાન યુદ્ધ વિકસે. ૭ ઑક્ટોબર ૨૦૨૩-થી શરૂ થયેલા ઇઝરાઇલ-ગાઝા યુદ્ધને આવતી કાલે ૭ ઑક્ટોબરે ૧ વર્ષ પૂરું થશે. ઇઝરાઇલ-ઇરાન એકબીજાને ધમકીઓ આપી રહ્યાં છે કે જો યુદ્ધ આગળ વધશે તો ધરતી પરથી — તમારું નામોનિશાન મિટાવી દઈશું. બને કે ૭ દિવસમાં ૭ સ્થાનો પર ૭ વિનાશક હુમલા થશે. અને કોઈ કોઈ પત્રકારો બકે છે કે ૭ દિવસમાં સર્વનાશ થશે. પણ પશ્ચિમી એશિયામાં, આમ, મહાયુદ્ધના અણસાર વરતાઈ રહ્યા છે, જરૂર.
કહે છે, આ યુદ્ધ કોઈ સાયન્સ–ફિકશન નથી, દારુણ હકીકત છે!
+ +
વિશ્વયુદ્ધના વિષયમાં મારે મારા કેટલાક વાચકોને ખાસ જણાવવું છે કે ‘કોલ્ડ વૉર’ – સમયે હતાં તેથી ઓછાં, પણ વિશ્વમાં આજે ૨૦૨૪-માં, આશરે ૧૨,૦૦૦ ન્યુક્લીયર વૉરહેડ્સ છે.
વૉરહેડ્સ એટલે, અણુશસ્ત્રોના વિવિધ એકમો. કહેવાય છે કે fission / fusion-ની ક્રિયાપ્રતિક્રિયાઓથી વિનાશક શક્તિ ઉદ્ભવે છે, એક નાના ઍરિયામાં અતિશિયત માત્રામાં શક્તિપાત થાય છે, ચિર કાળ લગી ચાલે એટલી બધી રેડિયો-ઇફૅક્ટ્સ જનમે છે.
વૉરહેડ ધરાવનારા દેશો છે : મુખ્યત્વે યુનાઇટેડ સ્ટેટ્સ (અમેરિકા) અને રશિયા; ચીન, ફ્રાન્સ, યુનાઇટેડ કિંગ્ડમ, ભારત, પાકિસ્તાન, ઇઝરાઇલ, અને ઉત્તર કોરિયા.
+ +
હરારી વિશેની વાત આગળ ચલાવું :
હરારી કહે છે કે શક્તિશાળી વસ્તુઓ સરજી લેવાની આપણી વૃત્તિનું પરિણામ, સ્ટીમ ઍન્જિન કે AI -ની શોધ માત્ર નથી, પરન્તુ એ વૃત્તિનું પરિણામ ધર્મની શોધ પણ છે. કહે છે, પયગમ્બરો અને આસ્તિક ધર્મવેત્તાઓએ પૃથ્વી પર પ્રેમ અને આનન્દના આવિર્ભાવને સારુ શક્તિસમ્પન્ન આત્માઓનાં – સ્પિરિટ્સનાં – આવાહન તો કરેલાં, પણ દુ:ખદ વાત એ બનેલી કે એ એથી વિશ્વ અવારનવાર રક્તરંજિત પણ થયું હતું.

યુવલ હરારી
હરારીનું એક આ મન્તવ્ય પણ સમજવા જેવું છે. એ કહે છે કે માનવ-શક્તિ કોઈ એક વ્યક્તિના પ્રયાસનું ફળ નથી હોતી. શક્તિ હમેશાં અનેક મનુષ્યોના પારસ્પરિક સહકારનું પરિણામ હોય છે. પોતાના આ પુસ્તકનો મુખ્ય તર્ક અથવા વિચાર-પક્ષ રજૂ કરતાં હરારી કહે છે કે માનવજાતિ સહકારનાં વિશાળ નેટવર્ક્સ ઊભાં કરીને અઢળક શક્તિ હાંસલ કરી શકે છે, પણ એ નેટવર્ક્સ એવી રીતે રચાયાં હોય છે કે આપણે એ શક્તિના મૂર્ખતાભર્યા ઉપયોગ માટે તત્પર થઈ ઊઠીએ.
હરારી ઉમેરે છે, એટલે આપણો પ્રોબ્લેમ નેટવર્ક પ્રોબ્લેમ છે, સ્પષ્ટતાથી કહીએ તો, ઇન્ફર્મેશન પ્રોબ્લેમ છે.
માહિતીને હરારી ગ્લુ, એટલે કે, ગુંદર ગણે છે. એ ગુંદર એક અને બધી માહિતી-જાળોને ચૉંટાડીને જોડી રાખે છે. પણ બન્યું શું, હરારી કહે છે, હજારો વર્ષોથી માનવજાતિએ જે વિશાળકાય માહિતી-જાળો શોધી કાઢી છે, અને પ્રસરાવી છે, એ કાં તો દેવો વિશેની અથવા AI વિશેની કપોળકલ્પનાઓ અને કથા-વારતાઓ છે.
બાકી, હરારી કહે છે, દરેક મનુષ્ય-વ્યક્તિને તો પોતાને વિશેનું અને વિશ્વને વિશેનું સત્ય જાણવામાં જ રસ હોય છે.
પરન્તુ, આ માહિતીજાળો એવી ગોઠવણ – ઑર્ડર – કરે છે, જે એને પેલી કપોળકલ્પનાઓ અને કથા-વારતાઓ પર વિશ્વાસ રાખતો કરી દે, આંધળો બનાવી દે.
હરારી નાઝિઇઝમ અને સ્તાનિલઇઝમને મનુષ્યના ભ્રાન્ત વિચારો પર આધારિત મનુષ્ય-સરજિત અને નિરપવાદપણે અતિ શક્તિશાળી નેટવર્ક્સ ગણે છે. જ્યૉર્જ ઑરવેલના સુખ્યાત વચનને યાદ કરીને કટાક્ષમાં કહે છે, ignorance is strength. હરારી વિશેષ એ ઉમેરે છે કે ભલે હિટલર અને સ્તાલિન નિષ્ફળ ગયા, પરન્તુ ૨૧-મી સદીમાં, નવાં ટોટાલિટેરિયન રેઝિમ્સ – એકહથ્થુસત્તાવાદી શાસનો – સંભવ છે કે સફળ પણ થાય. શી રીતે? હરારી જણાવે છે કે સર્વથા શક્તિશાળી નેટવર્ક્સ રચીને. એ એવાં નેટવર્કસ હશે કે ભાવિ પેઢીઓ એનાં જૂઠાણાં અને એની કથાવારતાઓને ખુલ્લાં પાડવાનો પ્રયાસ કરશે, પણ ફાવશે નહીં.
હરારી ઉમેરે છે કે આપણે એવું ન માનવું કે ભ્રાન્તિઓ પર રચાયેલાં નેટવર્ક્સ તો નિષ્ફળ જ નીવડવાનાં ને! ના. ઉમેરે છે કે આપણે જો એ નેટવર્ક્સની સફળતાઓને વિદારવી હશે, તો કઠિન શ્રમ આપણે જ કરવો જોઈશે.
+ +
હું ૩૩ કરોડ દેવોના દેશ ભારતમાં, જીવન-પરમ્પરાઓ કેવી કેવી કથા-વારતાઓથી સ્થિર થઈ છે એ વીગતોમાં ન જઉં, કેમ કે સુવિદિત છે.
પણ વ્યક્તિની જિજ્ઞાસા કે પોતે અને વિશ્વ બન્ને શું છે, એ વિશે એક વાક્યમાં કહું કે વેદોથી માંડીને શંકરાચાર્યના દર્શન સુધીના તમામ ભારતીય તત્ત્વદર્શનોએ વ્યક્તિને એનું અને વિશ્વનું સત્ય જુદી જુદી રીતે સરસ સમજાવ્યું છે.
ઇતિહાસમાં, એ પછી મોટી હરણફાળ ભરાઈ હતી, અને તે હતી, ૧૫-મી સદીની ભક્તિપરમ્પરા. દેશ આખામાં પ્રસરેલો એ હતો, એક ભક્તિ-જુવાળ. એણે પ્રજા માટે તત્ત્વદર્શનોનાં સત્યોને ભજનોમાં પ્રસરાવ્યાં હતાં. એ રસપ્રદ ભજન-પરમ્પરા હજી ભારતના કસબાઓમાં અને ગામડાંઓમાં જીવન્ત છે.
તેમછતાં, ઉત્તરોત્તર જે બનતું આવ્યું અને બની રહ્યું છે, તે છે, મન્દિરોનાં નિર્માણ.
મન્દિર-સ્થાપનોએ નિ:સામાન્ય કર્મકાણ્ડનો અને મન્દિરોમાં પોતે બેસાડેલા દેવોનો જ મહિમા વિકસાવ્યો. ક્રમે ક્રમે દર્શનોનું અને ભજનપરમ્પરાનું વિસ્મરણ થયું અને આજે તો કેટલાંક મન્દિરોનું તન્ત્ર જ એ પ્રકારે ગોઠવાયું હોય છે કે એને એક કમર્શ્યલ નેટવર્ક ગણવું પડે. વેપારની રીતે આરામથી ચલાવાતાં એ ધામોએ પોતાની સૉડમાં રેસ્ટોરાંઓને પણ બેસવા દીધી છે. ભક્ત ઈશ્વરનો ‘પ્રસાદ’ ભૂલી ગયો છે, અને વેચાતા પ્રસાદનો ગ્રાહક બની ગયો છે. એને અંધાપો જ કહેવાય ને!
+ +
મને હરારીનો અભિગમ એમના ગ્રન્થોમાં કે વાર્તાલાપોમાં હમેશાં ડીમિસ્ટિફાઇન્ગ અને ડીકન્સ્ટ્રક્ટિવ લાગ્યો છે – રહસ્યસ્ફોટકારી અને વિઘટનશીલ. તેઓ મને હમેશાં ફિલસૂફ નથી લાગ્યા. પોતે દરેક વખતે નમ્રતાથી સૂચવતા હોય છે કે પોતે history કે brief history રજૂ કરી રહ્યા છે. પણ વાસ્તવિકતા એ છે કે તેઓ Big history-ના વિદ્વાન છે.
બિગ હિસ્ટરી શું છે? એ એક વિદ્યાશાખા છે. તદનુસાર, ‘બિગ બૅન્ગ’-થી માંડીને વર્તમાન સુધીના ઇતિહાસનું અધ્યયન હાથ ધરાય છે. આ એક સમગ્રલક્ષી આન્તરવિદ્યાકીય અભિગમ છે. એમાં, ઇતિહાસ ઉપરાન્ત, જીવવિજ્ઞાન, અને જરૂરત પડી હોય તો ભૂસ્તરશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર કે કોઈપણ વિદ્યાનો સહયોગ સાધીને જ્ઞાનસમ્પાદન થાય છે.
એમાં, વિશ્વની ઉત્ત્પતિથી માંડીને આજ દિન લગીની એક વ્યાપક સમયરેખા હોય છે – ટાઇમલાઇન. એમાં, સાર્વત્રિક રીતો અને વિવિધ ભાતોના તારણ પરથી સ્પષ્ટતાઓ રજૂ થાય છે કે વિશ્વના અને માનવ-સભ્યતાના વિકાસમાં કયાં પરિબળો જવાબદાર હતાં. એમાં, વિવિધ ઘટનાઓ અને વૈશ્વિક, જૈવિક, માનવીય તેમ જ યન્ત્રવિજ્ઞાનીય પરિવર્તનો વચ્ચેના સમ્બન્ધોની તપાસ હાથ ધરાય છે; એથી સમજાય છે કે સમયાન્તરે વિભિન્ન સમાજો અને સંસ્કૃતિઓ વચ્ચે કેવાંક આદાનપ્રદાન થયાં, કેવા કેવા પ્રભાવો જનમ્યા.
પરિણામે, ઇતિહાસ વિશે એક સર્વાંગી સમજ સાંપડે છે. સમજાય છે કે વિશ્વમાં આપણું સ્થાન શું છે અને મનુષ્ય રૂપે આપણી મહત્તા શી છે. (‘બિગ હિસ્ટરી’-નું આ વિવરણ, Khan Academy અનુસાર).
એવા ઇતિહાસવેત્તા હોવાથી હરારી મને વિવિધ સમયોના દોરમાં અનેક પ્રસંગો, અર્થઘટનો અને વિચારો પરોવતા લાગે છે. એટલે, એવા અનેક સમયદોરા એમનાં લેખનોમાં લ્હૅરાતા હોય છે. તેથી કેટલાક વાચકોને લાગે કે તેઓ ‘sweeping statements’ કરી રહ્યા છે, એવી ટીકાઓ પણ થઇ છે. પણ હરારીને ન્યાય ખાતર એ સામાન્યીકરણને વરેલાં વિધાનોને હું તો એમની વિદ્વત્તાનો વિશેષ ગણું છું.
બીજું, તેઓ હિસ્ટરી જાણે છે એટલે સ્ટોરી-ટેલિન્ગની રીત જાણે છે. પરિણામે, એમની શૈલીમાં તત્ત્વચિન્તનનું ઊંડાણ ઘણી વાર નથી વરતાતું, બલકે ઊંધું, કે તેઓ વાચક પાસે બેસીને વાતો કરતા લાગે છે, વાતચીતની ઢબ છે એમની શૈલીની. એમની વાતોમાં વાર્તાકથકની હૉંશ હોય છે, ઉત્તેજના પણ ખરી. એમ પણ કહેતા હોય છે કે પોતે પોતાના વાચકને વિચારો વડે અને વિચારો વિશે ઉત્તેજિત કરવા ચાહે છે.
(ક્રમશ:)
(06Oct24USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર