જે ફરીથી અમેરિકન કવિ જેમ્સ ક્રૂઝના એક કાવ્ય ‘ Say Yes’નો મારો અનુવાદ; આજે માનસિક સ્વાસ્થ્ય દિન નિમિત્તે ખાસ.
અનુવાદની મંજૂરી આપવા માટે James Crewsની આભારી છું. એમનાં અન્ય કાવ્યો jamescrews.net પર વાંચી શકાશે.
•
હા કહો.
ઘરની બહાર જવા માટે તમે પહેરો છો એ ચામડાના સેન્ડલને સ્વીકારો.
હાથ પર પડતા તડકાને વધાવી લો.
અરે, મચ્છરના ડંખથી ઊપસી આવીને તમને બોલાવતી ગુલાબી ફોલ્લીને હા બોલો.
હા કહો, ઘર પાછળના કાયમી અંધારિયા ખૂણે
ભૂલાઈ ગયેલા, ચિરાયેલા ભૂરા પ્લાસ્ટિક વચ્ચેથી
ઊગી નીકળેલા જંગલી ફૂલછોડના ઝુંડને.
જે અંધકારમાં તમે વધુ ને વધુ
ખૂંપતા જાઓ છો
એ જ અંધકારમાં ચમકી રહેલાં ઝીણાં ગુલાબી પુષ્પોને હા કહો,
જેથી એમણે આપેલું વચન તમને મળી શકે :
હા, એ કહે છે – હા, તમને પણ
પ્રકાશ દુર્લભ હોય એવી જગ્યાઓમાં
ખીલવાના રસ્તા મળી રહેશે.
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()


24 ઓગસ્ટે વિશ્વ ગુજરાતી દિવસ છે – મુનશીએ જેને ‘અર્વાચીનોમાં આદ્ય’ કહ્યો છે, સુંદરમ્ જેને ‘પ્રાણવંતો પૂર્વજ’ કહે છે, રા.વિ. પાઠક જેને ‘અર્વાચીન ગદ્યપદ્યનો પ્રહરી’ કહે છે અને ઉમાશંકર જોશીએ જેનાં કાવ્યોને ‘નવા યુગના નાંદી’ તરીકે ઓળખાવ્યાં છે તે નર્મદાશંકર લાલશંકર દવે – નર્મદનો જન્મદિન. નર્મદને નવયુગનો પ્રહરી, યુગવિધાયક સર્જક, નિર્ભય પત્રકાર, પ્રેમશૌર્યનો કવિ અને સુધારાનો સેનાની કહેવામાં આવે છે. આ બધા બિરુદ ઓછાં પડી જાય એવી પ્રેરણાદાયક અને તેજસ્વી એમની કલમ અને એમની જિંદગી હતી. અર્વાચીન ગુજરાતી સાહિત્ય આમ તો દલપતરામથી શરૂ થયું ગણાય, પણ નર્મદના સાહિત્યમાં અર્વાચીનતા તેના સાચા અને પૂરા અર્થમાં પ્રગટી છે તેથી તેને અર્વાચીનોમાં આદ્ય ગણવામાં આવે છે.
નર્મદે મધ્યકાળની ભક્તિકવિતાથી જુદા પડી કાવ્યનાં અનેક સ્વરૂપો લોકો સમક્ષ ઊઘાડ્યા. ગુજરાતી ગદ્યને ઘડવામાં પણ તેમનો સિંહફાળો છે. ‘રસપ્રવેશ’, ‘અલંકારપ્રવેશ’, ‘પિંગળપ્રવેશ’, ‘નર્મદવ્યાકરણ’ જેવા કાવ્યશાસ્ત્રીય ગ્રંથોનું ઐતિહાસિક મહત્ત્વ છે. ગુજરાતી ભાષાની પહેલી આત્મકથા ‘મારી હકીકત’નું નિખાલસ આત્મપૃથક્કરણ અને નિર્ભીક સત્યકથન નર્મદને ગાંધીજીના સમર્થ પુરોગામી બનાવે છે. ગુજરાતી ભાષાના ગૌરવ અંગે નર્મદ ઘણા જાગૃત હતા અને ગજગ્રાહમાં પણ ઊતરતા. પોતાની કવિતાની યોગ્યતા દર્શાવવા તેઓ દલપતરામ સાથે સ્પર્ધામાં ઊતર્યા હતા અને આ સ્પર્ધા અંગત માનસન્માનનો વિષય ન બને તે માટે સજાગ રહ્યા હતા. પોતાના ઘરનું નામ એમણે ‘સરસ્વતીમંદિર’ રાખ્યું હતું.