Opinion Magazine
Number of visits: 9557510
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વડા પ્રધાનની સાખમાં ઘટાડો થવાનાં પાંચ કારણો

રમેશ ઓઝા|Opinion - Opinion|12 September 2024

રમેશ ઓઝા

નરેન્દ્ર મોદી ત્રીજીવાર દેશના વડા પ્રધાન બન્યા એ વાતને થોડા દિવસમાં સો દિવસ પૂરા થશે. શાસનમાં પહેલા સો દિવસનું મહત્ત્વ હોય છે અને વડા પ્રધાન મોદીએ તો ચૂંટણી પ્રચારમાં એકથી વધુ વખત અલગ અલગ જગ્યાએ રેલીઓને સંબોધતા કહ્યું હતું કે તેમની પાસે સો દિવસનો પ્રોગ્રામ તૈયાર છે. ચૂંટણી પતવા દો, ફરી વાર સત્તામાં આવવા દો, પછી જુઓ કેવો સપાટો બોલાવું છું. સો દિવસ પૂરા થવામાં છે, પણ સપાટો તો ઠીક, કોઈ પ્રયાસ પણ જોવા નથી મળતો. જે પ્રયાસ કર્યા એમાં પીછેહઠ કરવી પડી. ઊલટું સરકાર દિશાહીન અવસ્થામાં નજરે પડી રહી છે.

આનું મુખ્ય કારણ એ છે કે નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણીમાં જે ગર્વખંડન થયું તેની પીડા ભૂલી નથી શકતા અને તેને છૂપાવવા એવી રીતે વર્તે છે કે જાણે ૨૦૨૪માં લોકસભાની કોઈ ચૂંટણી જ નહોતી યોજાઈ. પક્ષની કોઈ પીછેહઠ થઈ નથી, અંગત પ્રતિષ્ઠામાં કોઈ ઘટાડો થયો નથી. ટૂંકમાં નવી વાસ્તવિકતાને તેઓ નકારે છે અને જૂનો દબદબો એવો ને એવો જ છે એવો દેખાવ કરે છે. આ બાજુ તેઓ એવી કશીક તકની શોધમાં છે કે લોકોને આંજી દઈ શકાય. તકની શોધમાં તેઓ રશિયા-યુક્રેન યુદ્ધ રોકવા યુક્રેન જઈ આવ્યા. બન્યું એવું કે ભારતના વડા પ્રધાન હજુ તો યુક્રેનની રાજધાની કીવ છોડે ન છોડે ત્યાં યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સકીએ પત્રકાર પરિષદ બોલાવીને કહ્યું કે ભારત તટસ્થ રહે એ ન ચાલે, તેણે સત્યનો પક્ષ લેવો જોઈએ, ન્યાયનો પક્ષ લેવો જોઈએ અને માટે યુક્રેનનો પક્ષ લેવો જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે મેં (ઝેલેન્સકીએ) આ વાત ભારતના વડા પ્રધાનને મોઢામોઢ કહી હતી. તમે રશિયા જાવ, પુતિનને ગળે મળો અને એ જ સમયે પુતિન યુક્રેનમાં બાળકો માટેનાં આશ્રયસ્થાન પર બોમ્બ હુમલો કરે એ તમારું (નરેન્દ્ર મોદીનું) અપમાન કરનારી ઘટના નહોતી? પુતિન થોડો સમય રોકાઈ ગયા હોત. તમને એમ ન લાગ્યું કે તમારું અપમાન કરવામાં આવ્યું હતું? માટે ભારત જો શાંતિ, સત્ય અને ન્યાયના પક્ષે હોય તો યુક્રેનના પક્ષે હોવું જોઈએ. અમને તમારી તટસ્થતા નથી જોઈતી.

ઝેલેન્સકીએ તેની એક કલાક લાંબી પત્રકાર પરિષદમાં બીજું ઘણું કહ્યું હતું, પણ તેની વાત જવા દઈએ. મુદ્દો એ છે ઝેલેન્સકી કોણ છે, કેવો માણસ છે, દોઢ વરસ લાંબી લડાઈ પછી તેના તેવર કેવાં છે, તે શું ઈચ્છે છે, બાંધછોડ કરવા માગે છે કે નહીં, તેની શરતો શું હશે તેની પૂર્ણ જાણકારી મેળવ્યા વિના વિષ્ટિ કરવા ગયા? આ તો જાગતિક મુત્સદીનો સ્વાભાવિક ક્રમ છે. પહેલાં વિદેશ સચિવો જઇને અનુકૂળ ભૂમિકા બનાવે, એ પછી બે દેશના વિદેશ પ્રધાનો મળીને હજુ વધુ અનુકૂળતા બનાવે, ત્રણેય દેશોના વિદેશ પ્રધાનો વચ્ચે ગુપ્તસ્થળે ગુપ્ત બેઠકો થતી હોય છે અને જ્યારે પાકી સમજૂતી થઈ જાય ત્યારે દેશના વડા વચ્ચે શિખર મંત્રણા યોજાતી હોય છે. જે તે દેશના વડાઓ સીધા મળે અને પહેલા જ રાઉન્ડમાં ગોદડું સમેટાઈ જાય એવું તો મેં પહેલી વાર જોયું.

પણ ગુમાવેલી સાખ પહેલી તકે પાછી મેળવી લેવાની ઉતાવળ છે અને તેમાં આવું બધું બની રહ્યું છે.

હવે મુદ્દાની વાત. સૌથી પહેલાં તો તેમણે અને તેમનાં સમર્થકોએ એ તપાસવું જોઈએ કે શેને કારણે સાખ ઘટી?

પાંચ કારણો છે :

૧. ચીન. ૨. મણિપુર, ૩. ખેડૂતોનું આંદોલન. ૪. પહેલવાન છોકરીઓનું આંદોલન અને ૫. અદાણી.

ચીને ૫૬ ઇંચની છાતીનું આભામંડળ ચીરી નાખ્યું છે. ૨૦૨૦થી ચીને લડાખમાં અંકુશરેખા ઓળંગીને ભારતની ભૂમિમાં પગપેસારો કર્યો છે અને તેમાં વધારો થઈ રહ્યો છે. ચીન લડાખ અને અરુણાચલ પ્રદેશમાં લશ્કરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર બાંધી રહ્યું છે અને એ આખી દુનિયા જાણે છે. ચીને નકશા બદલી નાખ્યાં છે અને અરુણાચલ પ્રદેશના શહેરો અને ઇલાકાઓના નામ બદલી નાખ્યાં છે. અને આવું બે-પાંચ ચોરસ કિલોમીટરમાં નથી બન્યું, સેંકડો ચોરસ કિલોમીટરમાં બન્યું છે. લદાખીઓએ તો આંદોલન કર્યું હતું કે પેનગોંગમાં કેટલો પ્રદેશ અમારા હાથમાં બચ્યો છે તે જોવા માટે અમને ચીનની સરહદ તરફ જવા દેવામાં આવે. જોઈએ તો ખરા કે આજે જ્યાં અમે છીએ એ પણ બચશે કે કેમ!

વડા પ્રધાન એક શબ્દ નથી બોલતા. ઊંહકારો નથી કરતા. લોકો આ જાણે છે અને ભક્તો બચાવમાં એક દલીલ નથી કરી શકતા.

આવું જ મણિપુરમાં અને મણિપુર તો પાછું સળગ્યું છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલકે ત્રણ મહિનામાં બે વખત મણિપુરનો પ્રશ્ન જાહેરમાં ઉચાર્યો છે અને ઘટતું કરવાની સરકારને સલાહ આપી છે, પણ વડા પ્રધાન ખામોશ છે. મણિપુરનો મ નથી ઉચ્ચારતા ત્યાં મણિપુરની મુલાકાત તો બહુ દૂરની વાત છે. મણિપુર સરહદી રાજ્ય છે એ છતાં ય. કોઈ કહે અને મારે કરવું પડે તો મર્દાનગી લાજે. આમાં કઈ મર્દાનગી છે? આમાં કયું આત્મગૌરવ છે? ભડવીરતા બતાવવી જ હોય તો ચીન સરહદે ઊભું જ છે. સંઘના સરસંઘચાલકની સલાહ પણ કાને ધરવામાં નથી આવતી. ચીનની જેમ જ મણિપુરની વાત આવે ત્યારે સમર્થકો પણ ચૂપ થઈ જાય છે.

ખેડૂત અને લશ્કરી જવાન આ દેશમાં આજે પણ આદરણીય છે. એક આપણું પેટ ભરે છે અને બીજો આપણું રક્ષણ કરે છે. જે રીતે ખેડૂતોનાં આંદોલનને હાથ ધરવામાં આવ્યું એ જોઇને દેશ સ્તબ્ધ થઈ ગયો હતો. આંદોલનને નિષ્ફળ બનાવવામાં અને તેમને હેરાન કરવામાં કશું બાકી નહોતું રાખ્યું. વડા પ્રધાન ખેડૂતોના પ્રતિનિધિ મંડળને મળ્યા હોત, સીધી પોતાના સ્તરે વાટાઘાટો કરી હોત, સહાનુભૂતિનાં બે શબ્દો કહ્યા હોત તો શું વડા પ્રધાનના પદની ગરિમા ઘટી જવાની હતી? ઊલટી વધી હોત. પ્રજાવત્સલ વડા પ્રધાન તરીકેની પ્રતિમા વિકસી હોત. પણ નહીં. કોઈ મને પડકારે? ખેડૂતોનું આંદોલન મહિનાઓ સુધી સાતત્યપૂર્વક ચાલ્યું એ જ બતાવે છે કે તેમની પીડા સાચી છે અને તેમની પીડાને લોકોનો સીધો કે આડકતરો ટેકો છે. સાચી પીડા અને લોકોની સહાનુભૂતિ વિના કોઈ આંદોલન સફળ થતાં નથી અને લાંબો સમય ચાલતાં નથી. શું એવું કોઈ નથી બચ્યું જે આ વાત વડા પ્રધાનને કહી શકે?

પહેલવાન છોકરીઓની પીડા અંતરને હચમચાવી મૂકે એવી હતી. એક ચારિત્ર્યહીન મુફલીસનાં પક્ષે વડા પ્રધાન ઊભા રહેલા જોવા મળે? મારો માણસ છે, એ ગમે એ કરે તમે બોલનાર કોણ? એક શબ્દ નહીં. આજ સુધી નહીં. ન નિંદાનો કે ન સહાનુભૂતિનો. કયા તર્કથી અને કયા મૂલ્યથી પ્રેરાઈને વડા પ્રધાને આવું વલણ અપનાવ્યું હતું એ જો કોઈ શકે તો દેશ પર મોટી મહેરબાની થશે.

અને છેલ્લે અદાણી જૂથ સાથેનો ઘરોબો, તેને કરવામાં આવતી મદદ, તેનો કરવામાં આવતો બચાવ શંકા પેદા કરનારો છે. બધું જ ખુલ્લેઆમ થઈ રહ્યું છે. થાય એ કરી લો. થોડુક અંતર રાખવાનો અને અંતર દેખાડવાનો પણ પ્રયાસ કરવામાં નથી આવતો. રાહુલ ગાંધીએ લોકસભામાં કહ્યું હતું કે અદાણીને ચીમટો ખણો તો પીડા વડા પ્રધાન અનુભવે છે. આ પછી પણ કોઈ અસર નહીં!

હવે એક વાત સમજી લો. આમાં કોઈ જગ્યાએ મુસલમાન નથી. કાં તો વિદેશી શત્રુ (ચીન) છે અથવા હિંદુ છે. ખેડૂતો હિંદુ હતા, પહેલવાન છોકરીઓ હિંદુ હતી, જેની ગૌરક્ષકોએ હત્યા કરી એ યુવક હિંદુ હતો, મણિપુરના લોકો મોટી સંખ્યામાં હિંદુ છે. કાશ્મીરના મુસલમાનો પાસેથી આર્ટીકલ ૩૭૦ છીનવી લીધો અને મુસલમાનો પાસેથી અયોધ્યામાં મસ્જીદ છીનવી લીધી એ જોઇને રાજી થયેલા હિંદુઓ ઉપર કહ્યા એવા હિંદુઓ સાથે થયેલા અને થઈ રહેલા અત્યાચારો જોઇને શું રાજી થયા હશે? બીજાનું છીનવાઈ જતું જોઇને કિકિયારી પાડનારા લોકો પોતાની નીચે રેલો આવે ત્યારે માણસ બની જતા હોય છે.

ટૂંકમાં આ પાંચ ચીજ છે જેને કારણે વડા પ્રધાનની સાખમાં ઘટાડો થયો છે. આર્ટીકલ ૩૭૦ રદ્દ કર્યો અને અયોધ્યામાં રામમંદિર બાંધી આપ્યું એ પછી પણ. લોકો અને લોકોના પ્રશ્નોની ઉપેક્ષા કરનાર, મોઢું ફેરવી લેનાર, અસંવેદનશીલ અને રાષ્ટ્રીય સુરક્ષા કરતાં પણ અંગત પ્રતિષ્ઠાને વધારે મહત્ત્વ આપનાર શાસક એક સમય પછી સાખ ગુમાવે. જે બની રહ્યું છે એ સ્વાભાવિક ક્રમે બની રહ્યું છે. આમાં આશ્ચર્યની કોઈ વાત નથી.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 12 સપ્ટેમ્બર 2024

Loading

એકસોમો જન્મદિવસ

નરેન્દ્ર ત્રિવેદી|Opinion - Short Stories|11 September 2024

“બેટા, બંટી, આપણા ઘરમાં આ ધમાલ શેની છે?”

“કંઈ નથી દાદીમા, આ તો ફક્ત ઘરને શણગારવામાં અને ઈલેક્ટ્રીક રોશનીથી, ફૂલોથી શણગાવામાં આવે છે.”

“એ તો મને પણ ખબર છે. તું કહે તો ખરો શું વાત છે?” બંટી કંઈ પણ કહ્યા વગર અંદર દોડી ગયો. જમનાબા વિચારમાં પડી ગયા. મનમાં ને મનમાં બોલ્યા, હશે જે હશે એ વાજતું ગાજતું માંડવે આવશે એટલે ખબર પડી જશે.

વાત, એમ હતી કે જમનાબાને સો વર્ષ પૂરાં થતાં હતાં અને ઘરના બધાએ નક્કી કર્યું કે જમનાબા તો આપણા ઘરનાં વટવૃક્ષ છે. સો વર્ષ પૂરાં થતાં હોય એવા પ્રસંગો બહુ ઓછા બને, એટલે ધામધૂમથી જન્મદિવસની ઉજવણી કરવી છે. પણ. જમનાબાને જન્મદિવસની ઉજવણીની સરપ્રાઈઝ આપવી છે એટલે જમનાબાને જાણ ન થાય એ ધ્યાન રાખવાનું નક્કી કર્યું હતું એટલે બંટી કંઈ કહ્યા વગર જતો રહ્યો હતો.

“ચાલો, બા, તૈયાર થઈ જાવ.”

“આપણે ક્યાં ય બહાર જવાનું છે?”

“ના, બા આપણે ક્યાં ય બહાર જવાનું નથી પણ આપણે ત્યાં ઘણા મહેમાન આવવાના છે.” જમનાબા હસ્યાં.

“કેમ બા હસ્યાં?”

“અમસ્થુ જ, બેટા. ચાલ મને તારી પસંદગીનો સાડલો આપ એટલે હું તૈયાર થઈ જાવ.”

નીચે દીવાનખંડમાં ઘરના બધા સદસ્ય અને મહેમાનો ગોઠવાઈ ગયા હતા. મોટી જમનાબાનું નામ અને “એકસોમો જન્મદિવસ મુબારક” લખેલી કેક દીવાનખંડમાં લાવવામાં આવી. બંટી, જમનાબા પાસે આવ્યો, “ચાલો બા.”

જમનાબા બધાં સામે મંદ મંદ હસતા ઊભા થયા. “બોલ, બેટા, ક્યાં જવાનું છે?”

“બા, કેક કાપવા માટે જવાનું છે. આજે તમારો એકસો મો જન્મદિવસ છે અને તેની ઉજવણી માટે તો આપણે બધાં ભેગા થયાં છીએ.”

 “એમ મને તો ખબર જ નથી કે આજે મારો એકસોમો જન્મદિવસ છે.”

જમનાબાએ બંટીને સાથે રાખી કેક કાપી. બધાએ જમનાબાના જન્મદિવસ મુબારકના નારાથી દીવાનખંડને ગુંજાવી દીધો. બાએ બધાને કેક ખવરાવી મુખ મીઠું કરાવ્યું. બધાં જમનાબાને સરપ્રાઈઝ આપ્યાની ખુશીમાં ખુશખુશાલ હતા.

બાએ હાંક મારી, “અરજણ.”

“જી બા, આ બધાને તેની મનગમતી ગિફ્ટ મારા વતી આપી દે.” બધાં જ એક બીજા સામે જોવા લાગ્યા કે આપણે આટલી ગુપ્તતા રાખી તો પણ બાને ખબર કેવી રીતે પડી ગઈ પણ કોઈ પાસે તેનો જવાબ નહોતો.

“તમને બધાંને મારી ગિફ્ટ ગમી?”

“બા, અમને બધાંને અમારી પસંદગીની ગિફ્ટ મળી છે પણ અમે તમારો જન્મદિવસ શાનદાર રીતે ઉજવવાના છીએ એ ખબર તમને કેવી રીતે પડી? અમે નક્કી કર્યું હતું કે આપણે બાને ખબર પડવા નથી દેવી. આપણે બાને જન્મદિવસની શાનદાર ઉજવણીની સરપ્રાઈઝ આપવી છે તેને બદલે બા તમે અમને સરપ્રાઈઝ ગિફ્ટ આપીને ચોંકાવી દીધા છે.”

“તમે ભૂલી ગયા કે હું તમારી બા છું. તમને એમ કે મને કંઈ ગતિવિધિની ખબર નથી, પણ તે દિવસે બંટી મને જવાબ આપ્યા વગર જતો રહ્યો એટલે મને થયું સાલું દાળમાં કંઈક કાળું છે. બાકી બંટી મને જવાબ આપ્યા વગર જાય નહીં.” એક દિવસ બંટીને પૂછ્યું, `બેટા તારા જન્મદિવસને તો હજી વાર છે તો આ શેની તૈયારીઓ ચાલે છે?` બંટીએ ભોળા ભાવે કહ્યું, `દાદીમા મને ખબર નથી પણ ઘરમાં બધા જન્મદિવસ આવે છે ને તૈયારી કરવી છે એવી વાત થતી હતી.`

“એટલે મેં વિચાર્યું કે હમણાં તો કોઈનો જન્મદિવસ આવતો નથી. અચાનક મને મારાં સો વર્ષ પૂરાં થાય છે એ વાત તમારી સાથે થઈ હતી એ યાદ આવ્યું ને વાતનો તાળો મળી ગયો. તમારે જેમ મને જન્મદિવસની ઉજવણીની સરપ્રાઈઝ આપવી હતી એમ મેં પણ તમને ગિફ્ટ આપીને સર પ્રાઈઝ આપવાનું નક્કી કર્યું અને અરજણને તમને લોકોને ખબર ન પડે તેમ ગિફ્ટ ખરીદવાનું કામ સોંપી દીધું. તમારી બા છું ને એટલે તમારી પસંદગીની પૂરેપૂરી ખબર છે.”

 “બા, તમે ગ્રેટ છો.”

“ના, બેટા, ગ્રેટ તો તમે લોકો છો કે મારો એકસોમો જન્મદિવસ શાનદાર રીતે ઉજવાવનું નક્કી કરીને તે પ્રમાણેની વ્યવસ્થા પણ ગોઠવી. બાકી આજે કોણ માબાપના જન્મદિવસ યાદ રાખે છે. તો, પછી તેને ઉજવવાની વાત તો દૂરની વાત થઈ. 

તમને બધાંને બાનો એકસોમો જન્મદિવસ મુબારક. બહાર આતશબાજી શરૂ થઈ ગઈ અને આકાશમાં લખાઈ ગયું, “હેપી બર્થડે બા”. ચારેકોર આકાશ રોશનીથી ઝળહળી ઉઠ્યું ….

(ભાવનગર)
e.mail : nkt7848@gmail.com

Loading

શૂટઆઉટ @અમેરિકા: આત્મરક્ષણની દોડમાં એક દેશ કેવી રીતે ગન કલ્ચરનો શિકાર બની ગયો

રાજ ગોસ્વામી|Opinion - Opinion|11 September 2024

રાજ ગોસ્વામી

અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીના રિપબ્લિકન ઉમેદવાર અને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર તાજેતરમાં થયેલા ગોળીબાર પછી, અમેરિકામાં ખાનગી હથિયારો પર ફરી એકવાર ચર્ચા શરૂ થઇ છે. અમેરિકામાં જ્યારે પણ ગોળીબારની ઘટના બને છે, ત્યારે તેના લોકોમાં અને બહાર પણ એ ચર્ચા શરૂ થાય છે કે અમેરિકામાં હવે ખાનગી હથિયારો પર નિયંત્રણની જરૂર છે.

ખાનગી હથિયારો અમેરિકામાં એક સંવેદનશીલ મુદ્દો છે અને રાજકીય રીતે વિભાજનકારી છે. એક અહેવાલ પ્રમાણે, માત્ર 2014થી 2022 વચ્ચે અમેરિકામાં સામૂહિક શૂટઆઉટની 4,011 ઘટનાઓ બની હતી. મજાની (!) વાત એ છે કે એવા જ એક શૂટઆઉટનો ભોગ બન્યા હોવા છતાં, ટ્રમ્પ કહે છે કે તે અમેરિકન લોકોના હથિયાર રાખવાના અધિકારનું રક્ષણ કરશે!

અમેરિકામાં ખાનગી હથિયારોના અધિકાર, જેને પ્રચલિત ભાષામાં ગન-કલ્ચર કહે છે, તે આખી દુનિયામાં અનન્ય છે. આ સંસ્કૃતિ સમજવા જેવી છે. 1970ના દાયકામાં, રાષ્ટ્રપતિ જોન એફ. કેનેડી, તેમના ભાઈ રોબર્ટ કેનેડી અને રંગભેદ વિરોધી નેતા માર્ટિન લુથર કિંગ જુનિયરની ગોળીઓ મારીને હત્યા થઇ, ત્યારે એક ઇતિહાસકારે લખ્યું હતું કે, “અમેરિકા એક માત્ર એવું ઔદ્યોગિક રાષ્ટ્ર છે, જ્યાં 5 કરોડ જેટલી રાઈફલો, શોટગન્સ અને હેન્ડગન્સ સામાન્ય નાગરિકોના હાથમાં છે.”

એ વખતે હથિયારોનો વરસાદ વરસતો હતો, તો હવે પૂર આવ્યું છે. આજે, અમેરિકનોના હાથમાં આશરે 40 કરોડ હથિયારો છે. એ જ કારણ છે કે અમેરિકા આખી દુનિયામાં એક માત્ર એવો દેશ છે, જ્યાં ખાનગી ગોળીબારમાં સૌથી વધુ બાળકો અને કિશોરોનાં મોત થાય છે.

અને દેશ વિશ્વમાં એકમાત્ર એવો દેશ હોવાનો કમનસીબ તફાવત ધરાવે છે જેમાં બંદૂકો બાળ અને કિશોર મૃત્યુના અગ્રણી કારણ તરીકે ઓળખાય છે. આજે, અમેરિકનો માથાદીઠ આશરે 1.2 બંદૂકો સાથે જીવે છે. અમેરિકાના રાજ્યોમાં બંદૂકોના કાયદા એટલા નરમ છે કે તાજેતરનાં વર્ષોમાં ખાનગી હથિયારોનું વેચાણ વધ્યું છે. 

બીજા વિશ્વયુદ્ધ પછી અને સોવિયત સંઘ સાથે શીત યુદ્ધના પ્રારંભે અમેરિકનોએ મોટાપાયે હથિયારો રાખવાનું શરૂ કર્યું હતું. એ સમયે અમેરિકામાં હથિયારો બનાવાનો ઉદ્યોગ ફૂલ્યોફાલ્યો હતો. એટલે, ચોકલેટ કેમ વેચવી તેની જેમ બંદૂકો કેમ વેચવી તેનું માર્કેટિંગ પણ અસ્તિત્વમાં આવ્યું છે. હોલીવૂડની ફિલ્મોમાં આટલી બધી એક્શન કેમ હોય છે તેનું મૂળ કારણ આ ગન કલ્ચર છે.

પ્યુ રિસર્ચ સેન્ટરનો એક સર્વે કહે છે કે દસમાંથી ત્રણ અમેરિકનો હથિયાર રાખતા હોવાનો દાવો કરે છે. રિપબ્લિકન પાર્ટીના 45 પ્રતિશત સમર્થકો અને ડેમોક્રેટિક પાર્ટીના 20 પ્રતિશત સમર્થકો હથિયારો ધરાવે છે. 40 પ્રતિશત પુરુષો અને 25 પ્રતિશત સ્ત્રીઓ બંદૂકો રાખે છે. ગામડાઓમાં 40 પ્રતિશત, સબર્બમાં 30 પ્રતિશત અને શહેરોમાં 20 પ્રતિશત લોકો હથિયારબદ્ધ છે. રંગ પ્રમાણે, 38 પ્રતિશત ગોરા અમેરિકનો, 24 પ્રતિશત અશ્વેતો, 20 પ્રતિશત હિસ્પાનિક અને 10 પ્રતિશત એશિયનો ઘરોમાં હથિયારો લટકાવી રાખે છે.

દસમાંથી સાત બંદૂકધારીઓ (72%) કહે છે કે તેઓ આત્મરક્ષણ માટે બંદૂક ધરાવે છે. 32 પ્રતિશત લોકો શિકાર માટે, 30 પ્રતિશત લોકો સ્પોર્ટ્સ માટે, 15 પ્રતિશત લોકો ગન કલેક્શન માટે અને 7 પ્રતિશત લોકો નોકરીના ભાગ રૂપે બંદૂક રાખે છે.

એવું તે શું છે કે દુનિયાના અન્ય તમામ આધુનિક લોકતાન્ત્રિક સમાજોમાં લોકો હથિયારોથી દૂર જવાની વાત કરે છે અને અમેરિકનો પોતાને હથિયારોથી સજ્જ કરવાનો આગ્રહ કરે છે? આખી દુનિયામાં માત્ર અમેરિકામાં જ આવું કેમ છે?

તેનાં બે કારણો છે. એક, અમેરિકાનો ઇતિહાસ અને તેના કાયદાઓ. અમેરિકા જ્યારે એક દેશ નહોતો, અને વિભિન્ન વસાહતીઓમાં વિભાજીત હતો, ત્યારે સૌથી પહેલાં યુરોપીયન લોકો બંદૂકો લઈને ત્યાં સ્થાયી થયા હતા, પરંતુ ગન સંસ્કૃતિની ઉત્પત્તિ 18મી સદીમાં ઉભરી આવેલી “સરહદી ભાવના”માં જોવા મળે છે. યુરોપીયન વસાહતીઓએ અમેરિકન વેસ્ટ તરફ આગેકૂચ કરી, ત્યારે સરહદોને અંકિત કરવાના ભાગ રૂપે મોટા પાયે હથિયારોનો ઉપયોગ શરૂ થયો હતો.

આ “સરહદી ભાવના”ને “મેનિફેસ્ટ ડેસ્ટિની” તરીકે ઓળખતા ઘણા વસાહતીઓ માનતા હતા કે તેઓ ભગવાનની ઇચ્છા પ્રમાણે પશ્ચિમની જમીન પર વિજય મેળવી રહ્યા છે. જો કે ઘણા લોકો માત્ર તક અને સમૃદ્ધિની શોધમાં ગયા હતા. આ વિસ્તરણ દરમિયાન, વસાહતીઓને જંગલી પ્રાણીઓનો શિકાર કરવો પડતો હતો અને તેમની સામે લડવું પડતું હતું, તેમ જ સ્થાનિક લોકો સાથે લડવું પડતું હતું. આ કારણોસર, કેટલીક વસાહતોએ સ્થળાંતર કરતા પહેલાં કાયદેસર રીતે હથિયારો મેળવવાનો નિયમ શરૂ કર્યો હતો.

બીજી રીતે કહીએ તો, પ્રાચીન અમેરિકામાં જંગલ રાજ હતું. હોલીવૂડની વાઈલ્ડ વેસ્ટ ફિલ્મોમાં તેની ઝાંખી આજે પણ જોવા મળે છે. બીજું, વસાહતોના સમયથી લઈને ગૃહયુદ્ધ સુધી, અમેરિકામાં અનેક ખાનગી સેનાઓ (મિલિશિયા) હતી. વસાહતોએ આવી સેનાઓ જાળવવા માટે નિયમ બનાવ્યો હતો. પ્રત્યેક પરિવાર તેના ઘરમાં ઓછામાં ઓછુ એક હથિયાર રાખશે અને ઘરનો એક હટ્ટોકટ્ટો માણસ સેનામાં ભરતી થવા તૈયાર રહેશે. 

અમેરિકામાં બ્રિટિશ સેના સામે ક્રાંતિકારી યુદ્ધ (1775-1783) થયું, જે સ્વાતંત્ર્ય યુદ્ધ પણ કહેવાય છે, તેમાં આ ખાનગી સેનાઓએ મોખરાની ભૂમિકા ભજવી હતી અને દેશ આઝાદ થયો ત્યારે તેના સ્થાપકોએ બંધારણમાં દ્વિતીય સુધારા મારફતે રાજ્યોની ખાનગી સેનાને રક્ષણ પૂરું પાડ્યું હતું. આ કાનૂની રક્ષણનું અર્થઘટન એવું થતું રહ્યું છે કે દરેક નાગરિકને હથિયાર રાખવાનો અધિકાર છે. અમેરિકામાં લોકો બંદૂકો રાખે છે કારણ કે તેમને બંધારણનું રક્ષણ છે. 

સમગ્ર 20મી સદી દરમિયાન દ્વિતીય સુધારાના અર્થઘટન પર ચર્ચા થઈ હતી કે શું તે લશ્કરનો હથિયારો રાખવાનો “સામૂહિક અધિકાર” છે કે તમામ નાગરિકોનો હથિયારો રાખવાનો “વ્યક્તિગત અધિકાર.” 2008માં, સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપ્યો કે દ્વિતીય સુધારો એક વ્યક્તિગત અધિકાર છે. 

બીજું, અમેરિકામાં નેશનલ ગન રજિસ્ટ્રી નથી. બીજા દેશોમાં, બંદૂકો કેટલી બને છે અને કોને વેચવામાં આવે છે તેનો રેકોર્ડ રાખવામાં આવે છે. અમેરિકનો આવી રજિસ્ટ્રીનો વિરોધ કરતા આવ્યા છે. તેમને ડર છે કે બંદૂકોની ફરજિયાત નોંધણીથી રાજ્યો તેને જપ્ત કરી લેવાનો પ્રયાસ કરશે. આજની તારીખે, માત્ર છ રાજ્યોમાં જ બંદૂકની નોંધણી થાય છે. ટૂંકમાં, કોની પાસે બંદૂકો છે અને તેનો ક્યાં ઉપયોગ થાય છે તેનો કોઈ સરકારી ડેટા નથી. 

આ ગન કલ્ચરના કારણે જ અમેરિકામાં અપરાધનું અને શૂટઆઉટનું પ્રમાણ વધુ છે. તમે દેશો વચ્ચે ‘શસ્ત્રોની દોડ’ શબ્દ સાંભળ્યો હશે. પાડોશી દેશ નવાં શસ્ત્રોથી સજ્જ થાય, તો તેનો હરીફ દેશ પણ એવાં હથિયારો માટે દોડ લગાવે છે. છેલ્લી અડધી સદીથી દુનિયામાં આવી શસ્ત્ર દોડ ચાલે છે. અમેરીકા આવી જ રીતે તેની આંતરિક શસ્ત્ર દોડનું શિકાર બન્યું છે. આત્મરક્ષણ માટેની આ દોડમાં બધા જ અસુરક્ષિત થઇ ગયા છે, રાષ્ટ્રપતિ પણ.

પ્રગટ : ‘બ્રેકીંગ વ્યુઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 08 સપ્ટેમ્બર 2024
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...527528529530...540550560...

Search by

Opinion

  • કૉમનવેલ્થ ગેમ્સ / ઓલિમ્પિક તો બહાનું છે, ખરો ખેલ તો જુદો જ છે !
  • સત્યકામ – ધર્મેન્દ્ર અને ઋષિકેશ મુખર્જીની શ્રેષ્ઠ ફિલ્મ
  • નાયકન : પોતાના જ બનાવેલા રસ્તામાં અટવાઈ જતા ઘાયલ માણસની જીવન યાત્રા
  • ‘પંડિત નેહરુ, રામની જેમ, અસંભવોને સંભવ કરનારા હતા !’
  • વીસમી સદીની પહેલી બ્લોક બસ્ટર નવલકથા

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved