Opinion Magazine
Number of visits: 9457172
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

“If On a Winter’s Night a Traveler” વિશે — 10

સુમન શાહ|Opinion - Literature, Opinion - Opinion|23 June 2024

પ્રકરણ -10 (સારસંક્ષેપ)

બીજા દેશમાં જઈને તમે – you – ઍટાગુઇટેનિયાના સીક્રેટ મિશનમાં મદદગાર થશો એ શરતે એ તમને મુક્ત કરે છે. સ્ટેટ પોલીસના આર્કાઇવ્ઝ વિભાગના ડાયરેક્ટર આર્કાદિયન પોર્ફિરિચ સાથે તમે ચા પીતા હોવ છો અને એવી રીતે ઇર્કાનિયા દેશથી તમારો છૂટકારો થાય છે. આર્કાદિયન પોર્ફિરિચ તમને સમજાવે છે કે આખી દુનિયામાં પોલીસ આ જ ધ્યેય સિદ્ધ કરવા મથતી હોય છે, અને તેથી, પ્રતિસ્પર્ધી રાષ્ટ્રોની પોલીસ જોડે આરામથી સહયોગી થઈ જતી હોય છે.

આર્કાદિયન પોર્ફિરિચનું એમ માનવું છે કે જુદાં જુદાં રાજ્યોની પોલીસ લિખિત શબ્દોમાં જ માનતી હોય છે કેમ કે પુસ્તકો બૅન્ન કરવા માટે તેઓને એ જ શબ્દોને અનુસરવું પડે છે. એ તમને એમ પણ જણાવે છે કે બૅન્ન થયેલાં પુસ્તકો એવાં જ પુસ્તકોની એકથી બીજા દેશમાં લેવડદેવડ માટેનાં સમર્થ પ્રતીકો છે અને એને ગુપ્ત કરારો પણ કહી શકાય.

આર્કાદિયન પોર્ફિરિચ પોતાના સ્પિરિટને વાચા આપે છે, જેમાં, પોલીસ ફોર્સના કાર્યમાં વિશ્વાસ રાખવો, સૅન્સરશિપના અમલ માટે અને એ પ્રકારે રાજ્યને સહકારી થવું, જેવી ભાવનાઓ રહેલી છે. આર્કાદિયન પોર્ફિરિચના કેટલાક શબ્દો તમને – you – ડિસ્ટર્બ કરે છે, છતાં, પોતાનાં કામ પૂરાં કર્યાં પછી એ માણસ વાચનની મજા લે છે, એ વાતે તમને સારું લાગે છે. તમે એર્મિસ મારનના સંદર્ભે તમે સાંભળેલી ઍપોક્રિફા-કાવતરાની વાત કરો છો, પણ આર્કાદિયન પોર્ફિરિચ એ વિશે બધું જ જાણતો હોય છે. જો કે, એ કાવતરાના કેન્દ્રમાં રહેલી (લુદ્મિલા જેવી) કો’ક રહસ્યમય રમણીને એ અને એની ટીમ હજી શોધી શક્યાં નથી.

તમે – you – બૅન્ન પુસ્તકોના આર્કાદિયન પોર્ફિરિચના વિનિમયકાર્યમાં પ્રદાન અર્થે એને કાલિક્ષ્તો બાન્દેરાકૃત “Around an empty grave” ભેટ આપો છો. એ જણાવે છે કે પુસ્તકને પોતે જોઈ જશે. એ દરમ્યાન, પોલીસ ઍનાતોલિ ઍનાતોલિનકૃત “What story down there awaits its end” નામના એક અતિ મહત્ત્વના બૅન્ન પુસ્તકને જપ્ત કરવા માટેનો પ્લાન બનાવતી હોય છે.

ઍનાતોલિ ઍનાતોલિનકૃત એ પુસ્તકને પોલીસ જપ્ત કરી લે એ પહેલાં તમે –  you –  મેળવવા માગો છો. લુદ્મિલા તમને ટ્રેનમાં મળી છે એવું એ રાત્રિએ તમને સ્વપ્ન આવે છે. સવારે તમે જાગો છો અને પાર્કની એક બૅન્ચ પર બેસી ઍનાતોલિનની રાહ જોતા હોવ છો. સંવારેલી દાઢીવાળો એક જુવાન – ઍનાતોલિન – આવે છે અને તમને જણાવે છે કે સમગ્ર પાર્ક પાકી દેખરેખ હેઠળ છે. ઍનાતોલિન તમને કેટલાંક પેપર્સ આપે છે, વધારાનાં પેપર્સ આપવા એ ખિસ્સામાં હાથ નાખતો હોય છે, પણ ત્યાં, એક વાડમાંથી નાગરિક પોશાકમાં સજ્જ બે એજન્ટ ફૂટી નીકળે છે – એને ઍરેસ્ટ કરવા.

કથક નગરના ‘પ્રોસ્પેક્ટ’ નામના ઇલાકામાં થઈને જતો હોય છે, માત્ર પોતાને ગમતી ચીજો જ જોતો જાય છે. એને એમ થાય છે કે મિત્ર ફ્રાન્ઝિસ્કા મળી જાય તો … કેમ કે એને ફ્રાન્ઝિસ્કાને મળવું ગમે છે બહુ પણ સમ્બન્ધથી કદી બંધાતો નથી. 

કથક જગત પર જાણે ઈશ્વર જેવું પ્રભુત્વ ધરાવે છે, એટલે એવી વસ્તુઓ બનાવવા માંડે છે, જે કદી અદૃશ્ય ન થાય. જાહેર ઇમારતો, સરકારી કારભારીઓ અને પોલીસ સ્ટેશનોથી છૂટકારો મેળવવાનું શરૂ કરે છે. જો કે જ્યારે એને થાય છે કે અગ્નિશમનવાળાઓથી અને પોસ્ટના ટપાલીઓથી પોતે આઘો ગયો એ ભૂલ હતી, અગ્નિ અને અને ટપાલોનો નાશ કરે છે. આર્થિક વ્યવસ્થાઓનો ત્યાગ કરતાં પહેલાં સરકારી તન્ત્રોથી છૂટવાની મથામણ કરતો રહે છે. એ પછીથી તો, કથક પ્રકૃતિથી પણ છૂટવા કરે છે – ત્યાં લગી કે ‘પ્રોસ્પેક્ટ’ વેરાન થઈ જાય.

કથક ચાલ્યા કરતો હોય છે, એકાએક, ફ્રાન્ઝિસ્કા મળી જાય છે. જેવો એ એની નજીક જાય છે, ઓવરકોટ અને હૅટધારી બે શખ્સ એને રોકે છે. કથકને અચરજ થાય છે કેમ કે એને યાદ આવે છે કે એ બન્ને જેવાઓને પોતે ક્યારના ભૂંસી નાખ્યા છે. બન્ને શખ્સ કથકને અભિનન્દન આપે છે કેમ કે એઓને કથક એમનામાંનો લાગ્યો હોય છે, એ રીતે કે એઓ પણ વિશ્વના ઘણા ભાગોને ભૂંસી શકે એવા છે. પોતે ભૂંસી નાખેલા ભાગો વળી દેખાતા થાય એ માટે કથક મથે છે ખરો પણ નિષ્ફળ જાય છે. 

કથક અને ફ્રાન્ઝિસ્કા વચ્ચેની ધરતીમાં તિરાડ પડે છે, તિરાડ પ્હૉળી થવા લાગે છે. સૅક્શન – ડી કહેવાતા વિભાગના ગણાતા એ હૅટધારીઓ કથકને એનાં કાર્યો માટે શાબાશી આપે છે. કથક એમનાથી છૂટીને ફ્રાન્ઝિસ્કા ભણી સરકે છે, પરન્તુ એ વેળાએ એક મોટી ખાઇ એમને બન્નને જુદાં પાડી દે છે. સામેથી ફ્રાન્ઝિસ્કા સ્મિત કરે છે – જ્યારે પણ મળી જતાં, ત્યારે કરતી એવું સ્મિત. ત્યાંથી બોલે  છે — નજીકમાં એક કાફે છે, કાફેમાં સંગીત પણ હોય છે, લઈ જઈશ મને ત્યાં?  

= = =

(06/22/24 : A’bad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ગાંધી સાથે ગાંધીઃ ઉત્તર અને દક્ષિણમાં વહેંચાયેલાં ભાઇ-બહેનનાં રાજકારણનો પ્રભાવ કેવો

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|23 June 2024

પ્રિયંકા ગાધીનું રાજકારણ પોતાના ભાઇને સફળ બનાવવાની આસપાસ ગુંથાયેલું છે. પોતાના ભાઇને પોતાના નેતા તરીકે સંબોધી ચુકેલ પ્રિયંકા વાયનાડ પરથી પેટા ચૂંટણી લડીને ભાઇની અસમંજસ દૂર કરી રહી છે.

ચિરંતના ભટ્ટ

આખરે પ્રિયંકા ગાંધીએ ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. આમ તો 2019માં પ્રિયંકા ગાંધી સક્રિયપણે રાજનીતિમાં જોડાયાં અને એ પછી એ ક્યારે ચૂંટણી લડશે એ અંગે અટકળો ચાલી. દાવા તો અનેક થયા કે તે ઉત્તર પ્રદેશની બેઠક અમેઠી પરથી ચૂંટણી લડશે તો ક્યાંક કહેવાયું કે મા સોનિયા ગાંધીની રાયબરેલી બેઠક પરથી પ્રિયંકા ગાંધી ચૂંટણીના મેદાનમાં ઉમેદવાર તરીકે ઉતરશે તો ક્યારેક વારાસણીનું નામ પણ લેવાયું. જો કે પ્રિયંકા ગાંધી હજી સુધી રાજકારણમાં પ્રચાર પૂરતાં જ સક્રિય રહ્યાં અને પોતાના ભાઇ રાહુલ ગાંધીને સતત ટેકો આપ્યો. એક સમયે રાહુલની ભારત જોડો યાત્રામાં તેમની તબિયત ઠીક ન હોવાથી તેમની ગેરહાજરીને ભાઇ – બહેન વચ્ચેના ભેદભાવ તરીકે ચિતરવાનો પ્રયાસ થયો ત્યારે તેની સામે બન્ને જણાએ સાથે મળીને વખત આવ્યે પોતાની વચ્ચે કોઇ મતભેદ કે મનભેદ નથી તેની સાબિતી આપી દીધી.

આ વર્ષે લોકસભાની ચૂંટણીમાં કાઁગ્રેસનો દેખાવ અણધારી રીતે સારો રહ્યો, ખાસ કરીને આ પહેલાંની બે ચૂંટણીઓની સાથે સરખામણી કરતા એ સમજાય છે. બબ્બે વાર કારમી હાર પછી આ વખતે નરેન્દ્ર મોદી અને ભા.જ.પા.ના જોર સામે કાઁગ્રેસને 99 બેઠકો મળી. રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશની રાયબરેલી અને કેરળની વાયનાડની બેઠક પરથી ચૂંટણી જીત્યા. સ્વાભાવિક છે એક બેઠક જતી કરવી પડે અને વાયનાડની બેઠક પરથી રાજીનામું આપતી વખતે રાહુલ ગાંધીએ પોતાના બહેન વાયનાડ બેઠક પરથી પેટાચૂંટણીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે એવી જાહેરાત કરી. આખરે પ્રિયંકા ગાંધી ચૂંટણીના મેદાનમાં ક્યારે ઉતરશેની કાઁગ્રેસની આતુરતાનો અંત આવ્યો. ગમે કે ન ગમે પણ ગાંધી કુટુંબનું પારિવારિક રાજકારણ પ્રસરી રહ્યું છે. અમુક લોકોને નહીં ગમતું હોય છતાં ય ગાંધી પરિવારનું છોગું સાચવવું તો પડવાનું જ છે. વળી ‘ટ્રોલ’ થઇને ય રાહુલ ગાંધીએ જે શાલિનતા જાળવી, જે રીતે લોકો સાથે જોડવાના પ્રયાસો કર્યા તેની અસર ચૂંટણી પરિણામમાં દેખાઇ ગઇ. હવે ગાંધી ભાઇ-બહેન કઇ રીતે તેમના રાજકારણને આગળ ધપાવે છે તે જોવું રહ્યું. ઉત્તરે રાહુલ ગાંધી અને દક્ષિણમાં પ્રિયંકા ગાંધીને કાઁગ્રેસે પક્ષના ચહેરા તરીકે મુક્યાં છે. આ પગલું બહુ વૈચારિક છે કારણ કે આમ કરીને કાઁગ્રેસની ચૂંટણીલક્ષી રાજનીતિ પર પકડ બહેતર થશે. આ કાઁગ્રેસનો અન્ય પક્ષોને સંદેશો છે કે કાઁગ્રેસ હિન્દી પટ્ટા પરથી પોતાની લડાઇ સરળતાથી જતી નથી કરવાની. હિન્દી પટ્ટાની વાત આવે ત્યારે હંમેશાં ભા.જ.પા. એક હિન્દુ પક્ષ તરીકે આગળ રહી છે પણ રાહુલ ગાંધીની રાયબરેલી પરથી જીત અને અમેઠીમાં પણ કાઁગ્રેસની જીતને પગલે કાઁગ્રેસને જતું નહીં કરવાનુ પ્રેરક બળ મળ્યું.

અત્યારે તો વાયનાડ કાઁગ્રેસ માટે સલામત બેઠક ગણાય અને જો પ્રિયંકા ગાંધી પેટા ચૂંટણીમાં જીતી જશે તો નહેરુ-ગાંધી પરિવારનાં ત્રણ સભ્યો સંસદમાં હશે. આવું થશે એટલે કાઁગ્રેસે પણ સગાંવાદ અને પરિવારવાદ વાળા વિધાનો સાંભળવાની તૈયાર કરવી જ પડશે. વળી જે કાઁગ્રેસે 2019માં ઉત્તર પ્રદેશમાં રાયબરેલી સિવાય એકેય બેઠક નહોતી જીતી તેને આ વખતે છ બેઠક જીતીને સારી એવી કળ વળી છે એમ કહી શકાય. વ્યૂહાત્મક રીતે જોઇએ તો સમાજવાદી પાર્ટી સાથેનું કાઁગ્રેસનું ગઠબંધન રાહુલ ગાંધીને ફળ્યું હોવાથી તે રાયબરેલીની બેઠક પર પોતાની પકડ રાખે તે યોગ્ય નિર્ણય છે.

વાયનાડના રાજકારણને સમજીએ તો રાહુલ માટે એ બેઠક એક મજબૂત તરણું રહી છે એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. ભલે ભૂતકાળમાં રાહુલ ગાંધીએ અમેઠીથી ચૂંટણીમાં હાર મેળવી હોય પણ કાઁગ્રેસના અમુક સભ્યોને મતે તેઓ કેરળમાં અમુક બેઠકો ત્યારે જીતી શક્યા તેનું કારણ રાહુલ ગાંધીની ઉમેદવારી હતી. જો કે 2021માં વિધાનસભાની ચૂંટણીમાં કેરળમાં કાઁગ્રેસને ભારે ખોટ ગઇ હતી અને કાઁગ્રેસની યુ.ડી.એફ. અને સી.પી.આઇ. (એમ.)ના નેતૃત્વ હેઠળના એલ.ડી.એફ. એમ બે જૂથ વચ્ચે સત્તા હિલોળા લેતી હોય પણ 2021માં એલ.ડી.એફ.ની ફરી જીત થઇ હતી અને પિનારયી વિજયનની સત્તા યથાવત્ રહી. જો કે હવે ત્યાં લોકો વિજયનનો વિરોધ કરી રહ્યા છે તેવું કાઁગ્રેસના સભ્યોને લાગે છે. રાહુલ ગાંધીનું વાયનાડને છોડવું ત્યાંના મતદાતાઓમાં એવી લાગણી ન ફેલાવે કે ગાંધી પરિવારને માત્ર ઉત્તર પ્રદેશની જ પડી છે માટે ત્યાંથી પ્રિયંકા ગાંધીને ચૂંટણી લડાવવાનો નિર્ણય લેવાયો છે. આમ તો કાઁગ્રેસ ધારે તો તેમની પાસે વાયનાડની બેઠક માટે મજબૂત ઉમેદવારોના ઢગલા વિકલ્પો છે પણ ભા.જ.પા.ને બેઠકોને મામલે ફટકો પડ્યો છે એ સમય પ્રિયંકા ગાંધીને મેદાનમાં ઉતારવા માટે સલામત છે એવું પણ કાઁગ્રેસના સભ્યો સારી રીતે સમજે છે. જે બેઠક પરથી સોનિયા ગાંધી પહેલાં ત્રણ વાર જીતી ચૂક્યાં છે તેનાથી વધારે સલામત બેઠક પહેલીવાર ચૂંટણી લડનારાં પ્રિયંકા ગાંધી માટે બીજી કઇ હોઇ શકે. વળી રાયબરેલી જે મોટે ભાગે ગાંધી પરિવાર પાસે રહેલી બેઠક છે ત્યાં રાહુલ ગાંધી રહે એવી ત્યાંના મતદાતાઓને પણ અપેક્ષા હોય તે સ્વાભાવિક છે.

હવે ભાઇ-બહેનનાં સમીકરણોને રાષ્ટ્રીય રાજકારણના પરિપ્રેક્ષ્યમાં મુકીએ તો એ સ્પષ્ટ છે કે પ્રિયંકા ગાધીનું રાજકારણ પોતાના ભાઇને સફળ બનાવવાની આસપાસ ગુંથાયેલું છે. પોતાના ભાઇને પોતાના નેતા તરીકે સંબોધી ચુકેલ પ્રિયંકા વાયનાડ પરથી પેટા ચૂંટણી લડીને ભાઇની અસમંજસ દૂર કરી રહી છે. જો એ ત્યાંથી જીતી જશે તો માધવરાવ સિંધિયા અને વસુંધરા રાજે સિંધિયાની માફક સંસદમાં બેસનારી આ ભાઇ-બહેનની બીજી જોડી હશે. જો કે સિંધિયા ભાઇ બહેન વિરોધી પક્ષોમાં રહ્યાં છે. વળી રાહુલ અને પ્રિયંકા ગાંધી વચ્ચેની હૂંફ બહુ દેખીતી છે અને લાગણીશીલ મતદારો માટે એક અગત્યનું પાસું પણ છે.

જ્યારે જવાહરલાલ નહેરુ વડા પ્રધાન હતા ત્યારે 1959માં ઇન્દિરા ગાંધી કાઁગ્રેસ પ્રમુખ બન્યાં હતા જેની પણ લોકોને નવાઇ તો લાગી હતી, પણ પ્રિયંકા ગાંધીની જીત ગાંધી-નહેરુ પરિવારના સભ્યો સાથે કાર્યભાર સંભાળે એવી સ્થિતિ ફરી ખડી કરશે. 2004-2014ના યુ.પી.એ. સરકારના ગાળા દરમિયાન રાહુલ ગાંધી એક મુંઝાયેલા ‘યુવા’ રાજકારણી લાગતા હતા. પ્રિયંકા ગાંધીએ સારું, નરસું, બોગસ બધું જોયું છે અને હવે એ રાજકારણમાં ઝંપલાવે છે ત્યારે તે રાહુલ ગાંધી માટે સારો ટેકો સાબિત થશે. વળી જો વાયનાડ પરથી પ્રિયંકા ગાંધી જીતી જશે તો વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ભાઇ-બહેને મળીને સારી એવી લડત આપી હોવાની હકીકત ઘૂંટાશે.

કાઁગ્રેસના સભ્યોને એવી અપેક્ષા છે કે પ્રિયંકા ગાંધી વ્યૂહાત્મક સમજ સાથે કામ કરશે. એક ખાસ વાત એ કે પરિવારવાદ અંગે ભલે આટલી બધી હો-હા થાય પણ કાઁગ્રેસના સભ્યોને પણ ગાંધી પરિવાર વિનાની પોતાની ઓળખ અંગે હજી બહુ આત્મવિશ્વાસ નથી. કાઁગ્રેસને ગાંધી પરિવારની એટલી જ જરૂર છે જેટલી ગાંધી પરિવારને આ રાજકારણની.

બાય ધી વેઃ

પહેલી વાત તો એ કે કાઁગ્રેસને કલ્પના જ નહોતી કે પક્ષ બન્ને બેઠકો પરથી જીતી જશે. લોકસભાની આ ચૂંટણીમાં પોતના ‘પરફોર્મન્સ’થી કાઁગ્રેસ પક્ષ પોતે જ અચંબામાં છે. એક તરફ કાઁગ્રેસ માટે આશ્ચર્ય છે તો ભા.જ.પા.ને બહુમતી ન મળવી એ ભા.જ.પા. માટે આધાત છે.  પિછડા, દલિત અને અલ્પસંખ્યક એટલે કે પી.ડી.એ.નું સમીકરણ કાઁગ્રેસ માટે કામ કરી ગયું છે. જો સ.પા. અને કાઁગ્રેસનુ ગઠબંધન આ જ મજબૂતાઇથી ચાલશે તો ભા.જ.પા.ને તે સારી એવી લડત આપી શકશે. વળી આ ગઠબંધનમાં જો માયાવતીની બહુજન સમાજ પાર્ટી પણ ભળી જશે તો ચૂંટણીમાં આ ગઠબંધનને માત આપવી સહેલી નહીં હોય. અને હા, પ્રિયંકા ગાંધી જેણે હવે રાજકારણમાં ઝંપલાવ્યું છે તેમણે ભૂતકાળમાં, 2009માં એક ઇન્ટરવ્યુમાં કહેલું કે તેને રાજકારણમાં કોઇ રસ નથી.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 23 જૂન 2024

Loading

અત્યારનું હિન્દુત્વવાદી રાજકારણ સત્તાલક્ષી અને સત્તાકેન્દ્રી ?

રમેશ ઓઝા|Opinion - Opinion|23 June 2024

રમેશ ઓઝા

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતના ભાષણ પછી આખી ચર્ચા સંઘ-બી.જે.પી. સંબંધ વિષે, નરેન્દ્ર મોદી સંઘ વચ્ચેના ૨૦૦૨થી લઈને અત્યાર સુધીના સંબંધ વિષે, મોદી-શાહને નાથવા સંઘ હવે પછી શું કરશે કે નહીં કરે કે કરી શકે એ વિષે થઈ રહી છે અને તેમાં મહત્ત્વનો પ્રશ્ન જ ચર્ચામાં આવતો નથી. મોહન ભાગવતે તેમનાં ભાષણમાં ભારતનાં સહિયારાપણા વિષે, સહઅસ્તિત્વ વિષે, લઘુમતી–બહુમતી વચ્ચે બંધુત્વ વિષે, સંવાદ વિષે, સહમતી વિષે, બંધારણનિષ્ઠા વિષે, મર્યાદા વિષે અને તેમની અથવા સંઘની કલ્પનાના હિંદુ વિષે જે વાત કરી છે એ મહત્ત્વની છે અને તેના વિષે વાત થવી જોઈએ.

સવાલ એ છે અને બહુ મહત્ત્વનો અને મુંઝવનારો સવાલ છે કે જો સંઘને આવો મર્યાદામાં માનનારો વિવેકી હિંદુ અભિપ્રેત છે તો મુસલમાનનાં ઘરમાં ડોકિયાં કરનાર, મુસલમાનની ટોળે મળીને હત્યા (લીન્ચિંગ) કરનાર, મુસ્લિમ પ્રેમીની હત્યા કરનાર, વિરોધીઓને માંબહેનની ગાળો દેનાર, ટ્રોલીંગ કરનાર, વિરોધીઓને સતાવનાર, મુસ્લિમ છે એટલે હિંદુઓની બહુમતી ધરાવતી સોસાયટીમાં પોતાના જ ઘરમાં પ્રવેશતી મુસ્લિમ સ્ત્રીને રોકનાર, મુસલમાનોની દુકાનનો બહિષ્કાર કરનાર, મણિપુરમાં અનેક ચર્ચોને આગ લગાડનાર, ખ્રિસ્તી મિશનરીઓની હત્યા કરનાર, મુસ્લિમનું અહિત થતું જોઇને કિકિયારી કરનાર, સીટી વગાડનાર હિંદુ આવ્યા ક્યાંથી? આવા હિંદુઓનો પરિચય આપણને ૨૦૦૨થી થઈ રહ્યો છે. જો આપણને એ નજરે પડી રહ્યા છે તો સંઘને પણ નજરે પડતા જ હશે. કોણે પેદા કર્યા? આ એવા હિંદુ છે જે મોહન ભાગવતના અભિપ્રાય મુજબ સંઘને જેવા હિંદુ અભિપ્રેત છે તેનાથી સાવ વિપરીત છે. મોહન ભાગવતને અને સંઘને જે હિંદુ નથી ખપતા એ હિંદુ આવ્યા ક્યાંથી? કોણે પેદા કર્યા?

મોટા ભાગના લોકો એમ માનીને ચાલે છે કે જરૂરિયાત મુજબ સમયે સમયે અનેક ભાષામાં બોલવું અને કઠણ જમીન આવે તો ચાતરી જવું એ સંઘની દાયકાઓ જૂની રમત છે એટલે મોહન ભાગવતનું વક્તવ્ય પણ આવું જ, એ જ શ્રુંખલાનું છે એટલે એ બધી ડાહી વાતોને ધ્યાનમાં લેવા જેવું નથી. આ લખનારે પણ આગલા લેખમાં આમ જ કહ્યું હતું. માટે મોહન ભાગવતના વક્તવ્યમાં મહત્ત્વનો મુદ્દો છે સંઘ-બી.જે.પી. સંબંધ (અર્થાત્‌ રાજકીય સૂચિતાર્થો) બાકી ડહાપણ તો ઠીક છે.

પણ આની વચ્ચે મારા જોવામાં એકાદ બે અભિપ્રાય એવા પણ આવ્યા જેમાં કહેવામાં આવ્યું છે કે સંઘ ખરેખર ચિંતિત છે. નરેન્દ્ર મોદી-અમિત શાહના સત્તાકેન્દ્રી અને સત્તાલક્ષી હિન્દુત્વવાદી રાજકારણનું જે સ્વરૂપ જોવા મળી રહ્યું છે એ સંઘના હિન્દુત્વવાદી રાજકારણ કરતાં જૂદું છે. એ રાજકારણે જે હિંદુ પેદા કર્યા છે એ બધા જ સંઘની શાખાઓમાંથી પેદા થયેલા નથી. તેમણે સંઘસાહિત્ય વાંચ્યું નથી, સંઘની શિબિરોમાં હાજરી આપી નથી, સંઘના નેતાઓને સાંભળ્યા નથી, સંઘના સામયિકો વાંચતા નથી અને સંઘનાં જે કોઈ મૂલ્યો છે તેને આત્મસાત કર્યાં નથી. તેમને મન હિંદુરાષ્ટ્ર એટલે હિંદુઓની સરસાઈવાળું રાષ્ટ્ર અને સરસાઈ એટલે કેવળ માથાભારેપણું. આ સંઘ બહારના હિંદુઓનું જે હિંદુત્વકરણ થયું છે એ સંઘના હિન્દુત્વવાદી રાજકારણને નુકસાન પહોંચાડી રહ્યું છે. ટૂંકમાં સંઘના હિન્દુત્વને વરેલા હિન્દુત્વવાદીઓ અને એક નેતાના સત્તાલક્ષી અને સત્તાકેન્દ્રી રાજકારણે પેદા કરેલા હિન્દુત્વવાદીઓ એક નથી, પણ અલગ અલગ છે.

શું આ સત્ય છે? આપણે જાણતા નથી, પણ સંભાવના નકારી શકાય એમ નથી. અત્યારનું હિન્દુત્વવાદી રાજકારણ સત્તાલક્ષી અને સત્તાકેન્દ્રી માથાભારે છે અને એ પણ એક વ્યક્તિની આસપાસ. આવું આ પહેલાં જોવા મળ્યું નથી. નથી કેન્દ્રમાં જોવા મળ્યું કે નથી ગુજરાતને છોડીને કોઈ રાજ્યમાં. હવે સર્વત્ર જોવા મળી રહ્યું છે. બીજી બાજુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વ્યાપક એજન્ડા ધરાવે છે અને દૂરનું વિચારે છે. તેની સો વરસની યાત્રા છે. વ્યક્તિ તો જાય અને આવે, તો ત્યાં કોઈ એક વ્યક્તિની સત્તાની એષણા સંઘ માટે ગૌણ હોવાની. પણ અત્યારે જે જોવા મળી રહ્યું છે એ સંઘ માટે પચાવવું મુશ્કેલ બની રહ્યું છે. એ વાત ખરી કે નરેન્દ્ર મોદીના કારણે બી.જે.પી.ને એકલા હાથે કેન્દ્રમાં સત્તા સુધી પહોંચવા મળ્યું. એ વાત પણ ખરી કે નરેન્દ્ર મોદીના કારણે રામમંદિર, આર્ટીકલ ૩૭૦ જેવા સંઘના એજન્ડા લાગુ કરવા મળ્યા અને એ વાત પણ ખરી કે નરેન્દ્ર મોદીના કારણે બી.જે.પી.ને બંગાળમાં, ઓડીશામાં, આસામ સિવાયના ઇશાન ભારતમાં અને કર્ણાટક ઉપરાંત દક્ષિણ ભારતમાં ફેલાવા મળ્યું. એટલે સંઘે ચૂપકીદી સેવી હશે, પણ એની જે કિંમત છે એ સંઘને અત્યારે મોંઘી પડતી નજરે પડી રહી હોય એવું બને. ચૂંટણીનાં પરિણામોએ બતાવી આપ્યું કે એ મોંઘી પડી પણ રહી છે.

શાસકો સંઘના, પક્ષ સંઘનો, એજન્ડા સંઘનો પણ રાજકીય સંસ્કૃતિ સંઘબાહ્ય એવી કોઈક વિચિત્ર સ્થિતિ નજરે પડી રહી છે અને એ સંઘના નેતાઓને અકળાવતી હોય એ શક્ય છે. એમાં આગળ કહ્યું એમ સંઘને અભિપ્રેત નથી એવી હિંદુઓની એક જમાત પણ પેદા થઈ છે જે હિંદુ રાષ્ટ્રવાદી ઓછી છે અને મુસ્લિમ માટે દ્વેષ ધરાવનારી વધુ છે.

શું ખરેખર આમ છે? આપણે જાણતા નથી. આ પણ સંઘની એક વિશેષતા છે. અટકળો કરતા રહો.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 23 જૂન 2024

Loading

...102030...526527528529...540550560...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved