તને મેં ઝંખી છે –
યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી.
– સુન્દરમ્
આ દોઢ પંક્તિમાં પ્રેમીની ઉત્કટ ઝંખના એ રીતે વ્યક્ત થાય છે કે તે યુગોથી ધીખેલા સહરાની તરસથી પ્રેમિકાને ચાહે છે. હું પણ એટલી જ ઉત્કટતાથી આ કાવ્ય ભણાવતો હતો, પણ તેનાં પર પાણી ફરી વળ્યું છે. રણમાં રેલ આવે? તમે કહેશો કે ન આવે, પણ આવી ને તે નાનાં મોટાં રણમાં નહીં, સહરાનાં રણમાં ! હવે રણ જ ભીનું હોય તો પ્રેમી તરસ્યો ક્યાંથી રહે? રણ વિષેની મારી ધારણા જ ખોટી પડી હોય ત્યાં પ્રેમ વિશે તો ધારવાનું જ શું રહ્યું? જો કે, પત્નીને પ્રેમ સાથે ભાગ્યે જ બને છે એટલે એને વિષે ધારવામાં વાંધો નહીં. (બીજાની હોય તો ખાસ) પત્નીનું અદકેરું મૂલ્ય છે. તમે નહીં માનો, પણ હું સાચું કહું છું. પત્ની છે તો પતિ પતે છે, નહીં તો પતવાનું તેને કારણ જ કયું છે? તમે પત્નીનું મૂલ્ય જાણવા પાછા પુરાવા માંગશો, તો દાખલો આપું –
એક ગામમાં એક યુવક રહેતો હતો. બધી વાતે, ખાસ તો પત્નીની વાતે પણ, સુખી હતો ને બીજાને સગવડ પ્રમાણે દુ:ખી કરતો રહેતો હતો. સારો ધંધો હતો ને માબાપ, ભાઈ-બહેન સાથે રહેતો હતો, પણ ઉપરવાળાથી કોઈનું સુખ બહુ જોવાતું નથી એટલે તે પાર્ટ ટાઈમ દુ:ખ બધાંને જ આપતો રહે છે. આ યુવક પણ લાગમાં આવ્યો ને એક દિવસ તેનો એકનો એક બાપ એકાએક જ ગુજરી ગયો. યુવકને માથે તો આભ તૂટી પડ્યું. ગામનાં વડીલો તેને મળવા આવ્યા ને યુવકને આશ્વસ્ત કરતાં બોલ્યાં કે દીકરા, આમ દુ:ખી ન થા. બાપ ગયો તો શું થયું, અમે પણ તારા બાપ જેવા જ છીએને ! અમને બાપ માનજે. યુવકે મન મનાવ્યું ને ધંધે લાગ્યો. થોડા દિવસમાં બૂમ પડી કે બહેનને સાપ કરડયો છે. યુવક ઘરે પહોંચ્યો તો બહેનનાં મોઢામાંથી ફીણ નીકળી ગયાં હતાં. બહેનનાં અણધાર્યાં મોતથી યુવક બહુ દુ:ખી થયો. ગામની થોડી યુવતીઓ આવી ને બોલી કે ભાઈ, બનવા કાળ બની ગયું ને કુદરત આગળ કોનું કૈં ચાલ્યું છે? બહેન નથી તો અમને બહેન ગણજે. દુ:ખનું ઓસડ દા’ડા એ ન્યાયે યુવક જેમ તેમ સ્વસ્થ થયો. વરસેક ગયું ને એક દિવસ પત્ની હાર્ટ એટેકથી ગુજરી ગઈ. યુવકે બહુ રાહ જોઈ, પણ આટલી મહિલાઓ છતાં કોઈ કહેવા ન આવી કે અમને તારી …
હવે તો સમજાયુંને પત્નીનું મહત્ત્વ ! જો કે, રાવણને સમજાયું ન હતું. મંદોદરી જેવી સુંદર રાણી હતી, પણ રાવણ સીતાના મોહમાં ખેંચાયો હતો, છતાં અશોકવાટિકામાં તેણે આંગળી ય અડાડી ન હતી. તે બળજબરી કરી શકતો હતો, પણ તેણે તેવું ન કર્યું. તે મહાજ્ઞાની ને પંડિત હતો. રાવણ યુદ્ધમાં હણાયો ત્યારે રામ, લક્ષ્મણને જ્ઞાન લેવા રાવણની પાસે મોકલે છે ને આપણે દશેરાએ રાવણ દહનનો કાર્યક્રમ કરીએ છીએ. આ દહન રાવણનું નથી, અહંકારનું છે. મનુષ્ય માત્રમાં રહેલા અહંકારનું દહન થવું જોઈએ, પણ આપણે તો અહંકાર સામે જ હોય એમ તેનું જ દહન કરીએ છીએ !
આ વખતના દશેરામાં જાહેર દહન કે હવન થાય એવી તકો ઓછી જ હતી, તે એટલે કે વરને સાદ ન પડે એટલો વરસાદ, નોરતાના છેલ્લા દિવસોમાં આવ્યો ને વરસાદને કારણે માઇક ચાલતાં ન હતાં એટલે આરતી કે થાળ કેટલાકે જેમ તેમ ગાયો. આરતીમાં જ થાળ ભળી ગયો હોય તેમ ઘણાં ‘જયો જયો મા જગદંબે !’ ગાતાં હતાં કે ‘જમો જમો મા જગદંબે !’ તે સમજાતું ન હતું. દશેરો પણ પલળતો ને પલાળતો આવ્યો. આષાઢમાં ન આવે એટલો વરસાદ આસોમાં આવ્યો. નોરતાના ઓરતા ઘણાંના અધૂરા રહ્યા. માતાજીને તો વદા કર્યાં, પણ રાવણ દહન હવાઈ ગયું. કુંભકર્ણ ઊંઘમાં વળી ગયો કે વરસાદમાં કે આપણાં પર હસતો હતો તેથી, પણ બેવડ વળી ગયો હતો, તો મેઘનાદ, મેઘના નાદ સાથે વગર દહને જ પટકાયો હતો. રાવણના દસ દસ માથાં, વરસાદમાં કયું ઢાંકવું ને કયું રહેવા દેવું એની પંચાત હતી. ક્યાંક તો રાવણે રેઇનકોટ પહેરીને જ દહનની તૈયારીઓ કરી લીધી હતી. એટલો પલળ્યો કે રાવણ ઘણી જગ્યાએ ઇન્સ્ટોલમેન્ટ્સમાં ફૂટ્યો. ક્યાંક તો એટલો વરસાદ પડ્યો કે રાવણનું દહન કરવું કે જળમાં વિસર્જન કરવું તેની સમસ્યા થઈ પડી. પેટની જરા પણ દયા ખાધા વગર હવાયેલાં તો હવાયેલાં પણ કરોડોનાં ફાફડા-જલેબી દશેરામાં ઘણાં એ હોજરીમાં ઠાંસ્યાં. પછી ઘણાંને મોડે સુધી હવાઈઓ ફૂટી હોય તો નવાઈ નહીં !
હવે જ્યાં આટલું ખવાતું હોય, કરોડોની ઘારી ચંદની પડવે માત્ર સુરત જ ઝાપટી જતું હોય ત્યાં ‘ગ્લોબલ હંગર ઇન્ડેક્સ’માં ભારતનો નંબર 127 દેશોમાં 105મો બતાવાય તો ગધેડાને ય તાવ આવે કે નહીં? આવ્યો. તેમાં આશ્વાસન એવું અપાયું કે ગયે વર્ષે એ ક્રમ 111મો હતો, તે 105 પર આવ્યો છે. આવો ક્રમ, ચક્રમ નક્કી કરે છે કે વિક્રમ, તે ખબર નથી, પણ એ નમૂનાઓ છે કોણ તે નથી સમજાતું. ભારતમાં ભૂખમરો છે કે સુખમરો, એ નક્કી કરવાનો હક તેમને આપ્યો કોણે? ચાલો 105મો ક્રમ આપ્યો તો ધૂળ નાખી, ઉપરથી આપણો જીવ બાળવા એ નમૂનાઓ કહેતાં ફરે છે કે એ ઇન્ડેક્સમાં અનુક્રમે નેપાળ 68, શ્રીલંકા 56 અને બાંગ્લાદેશ 86માં નંબરે છે. એટલું સારું કર્યું કે પાકિસ્તાનને 109માં નંબરે મૂક્યું. આવું નક્કી કરવામાં કોઇ લૉજિક મને તો દેખાતું નથી. એમ કહેવાયું કે હંગર ઇન્ડેક્સમાં નેપાળ, શ્રીલંકા કે બાંગ્લાદેશ, ભારત કરતાં આગળ છે, તે હોય જ ને ! એ દેશો છે કેટલા? છાબડી જેવા એ દેશો પોતાના લોકોને ખવડાવે એમાં કૈં ધાડ મારવાની નથી. ત્રણે દેશો ભેગા કરો તો ભારતને ઘૂંટણીયે આવે એમ પણ નથી. એ ગમે એટલા આગળ હોય તો પણ ભારતની 142 કરોડની વસ્તીને આંબી શકે એમ છે? એ ભૂખ્યા ઇન્ડેક્સને ખબર છે કે બીજા દેશની વસ્તી જેટલા 81.35 કરોડ લોકોને કોરોના કાળથી ભારત મફત અનાજ આપે છે ને છેલ્લી જાહેરાત મુજબ 2028 સુધી ભૂલ્યા વગર મફત ખવડાવવાનું છે?
ગુજરાતનાં ગાંધીનગરમાં, માત્ર આસો સુદ નોમને દિવસે રૂપાલના પલ્લી મેળામાં 25 કરોડથી વધુનું સવા ચાર લાખ કિલો ઘી 14 લાખથી વધુ ભક્તો ધૂળમાં મેળવી દે છે, એ લકઝરી, હંગર ઇન્ડેક્સને પરવડે એમ છે? તિરૂપતિમાં રોજના ત્રણ લાખ લાડુ પ્રસાદમાં જ વેચાય છે એ હંગર ઇન્ડેક્સ નક્કી કરનાર સાહેબો જાણે છે? અરે ! મધ્યાહ્ન ભોજન યોજનામાં રોજ લાખો બાળકો સ્કૂલોમાં ભણે કે ન ભણે, પણ જમે છે. આવો જમણવાર કોઈ દેશ રોજ કરી શકે એમ છે? કોઈ દેશમાં વર્ષો સુધી ચાલતી મફત અનાજની આવી સદાવ્રતની યોજના છે? તો, ભારતમાં ભૂખમરો છે એવું કેવી રીતે કહેવાય? આપણે તો રેલ હોય કે દુકાળ, રેલમછેલમાં જ માનીએ છીએ.
મારા બૂટમાં કાંકરી હોય તો મને ખૂંચે ને તે મારે જ કાઢવી પડે, એ કોઈ બીજો કેવી રીતે કાઢે? આપણને આપણી કાંકરીની પરવા નથી, પણ પારકાને એવું છે કે એ કાંકરી કાઢવાનું ને કાંકરીચાળો કરવાનું જાણે છે. એને ચિંતા નથી, પણ એટલી જાણકારી છે કે કાંકરી ન હોય તો ય લલચાવીને આપણી પાસે નવા બૂટ લેવડાવે ને આપણે એટલા ઇન્ટેલિજન્ટ પણ ખરા કે તે લઈએ પણ ખરા …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 14 ઑક્ટોબર 2024