Opinion Magazine
Number of visits: 9664849
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અતીતનું વેર નહીં વાળી શકો, પણ અતીતના નામે ઝેર વાવી શકો છો

રમેશ ઓઝા|Opinion - Opinion|12 December 2024

રમેશ ઓઝા

એક નગર હતું. એ નગરમાં પુરુષો મનફાવે એ રીતે પત્નીનાં ચારિત્ર્ય વિષે શંકા કરતા હતા, તેનાં અતીતને ઉખેળતા હતા, આરોપો અને આક્ષેપો કરતા હતા, પોતાના સમાજના લોકોને એકઠા કરીને અને મોરચા કાઢીને પત્નીઓને ચેતવણી આપતા હતા કે ‘ઇસ ઘર મેં રેહના હો તો …’ વગેરે વગેરે. આ જોઇને નગરનાં ડાહ્યા લોકોએ વિચાર્યું કે જો આવું થતું રહેશે તો કુટુંબ સંસ્થા, પારિવારિક અને સામજિક વ્યવસ્થા ખોરવાઈ જશે. અરાજકતા અને અશાંતિ પેદા થશે અને આવનારી પેઢીના વિકાસ પર તેની અસર થશે. આવનારી પેઢીના પુરુષો પણ આ જ માર્ગ અપનાવશે અને આનો કોઈ દિવસ કોઈ અંત જ નહીં આવે. તેમણે ગામના કાજી સમક્ષ આવો ભય વ્યક્ત કરીને કહ્યું કે નગરમાં જે થઈ રહ્યું છે એ બહુ ખોટું થઈ રહ્યું છે અને આ સિલસિલાનો અંત આવવો જોઈએ. કાજીને પણ લાગ્યું કે વાત તો સાચી છે. આ ગૃહકલેશ અને અરાજકતાનો માર્ગ છે. તેમણે ચુકાદો આપ્યો કે ફલાણી તિથિ પછીથી જે લોકોએ કગ્ન કર્યાં છે એ લગ્ન કર્યાં પછી માત્ર શંકાના આધારે પત્નીને છૂટાછેડા નહીં આપી શકે. અજાણ અતીતનાં કહેવાતા કુકર્મોને સાચાં ઠેરવીને પત્નીઓને રંજાડવાનો પુરુષોને હક નથી. જો કોઈ એમ કરશે તો એને ગુનો ગણવામાં આવશે.

એ ચુકાદાને બહુ વધાવવામાં આવ્યો. લોકોએ પ્રસંશા કરી કે ચાલો હવે ગૃહકલેશ નહીં થાય અને સુખશાંતિ જળવાશે. નવી પેઢી શંકાના આધારે સ્ત્રીઓને નહીં રંજાડે. ઘરમાં શાંતિ જળવાશે અને લોકોનો વિકાસ થશે. પણ કેટલાક લોકો એ ચુકાદાથી ખુશ નહોતા. આખરે પૌરુષત્વનો સવાલ હતો. પુરુષાર્થથી વર્ચસ્વ ન રળી શકીએ તો નબળાને રંજાડીને તો એ મેળવી જ શકાય છે. થોડાં વર્ષો વીત્યાં અને કાજી બદલાયા. નવા કાજી વાચાળ હતા. દરેક જગ્યાએ અને દરેક અવસરે તેઓ કાયદાના રાજની, માનવીય મૂલ્યોની, આધુનિક સભ્યતાની, સમાનતાની વાત કરતા હતા. એ કાજીની અદાલતમાં જેને આગલા કાજીનો ચુકાદો નહોતો ગમ્યો એ લોકો અપીલ લઈને ગયા. સાહેબ, આગલા કાજીએ આપેલા ચુકાદા વિષે પુનર્વિચાર  કરો. એક પવિત્ર પુરુષ સંભવતઃ વ્યભિચારી સ્ત્રી સાથે કેવી રીતે જીવી શકે? આ પુરુષોની બનેલી પવિત્ર કોમને કરવામાં આવેલો અન્યાય છે.

અને એક દિવસ એ કાજીસાહેબે ચુકાદો આપ્યો કે તમે શંકાના આધારે છૂટાછેડા નહીં આપી શકો, પણ હા, તમે પત્નીનાં ચારિત્ર્ય વિષે અને તેણે અતીતમાં કરેલા સંભવિત કુકર્મો વિષે શંકા કરી શકો છો અને તમારી શંકા સાચી છે કે ખોટી એ વિષે તપાસ પણ કરી શકો છો. ખબરદાર ઠરાવેલી તિથિ પછીથી છૂટાછેડાની વાત કરી છે તો.

હવે વિચારો કે એ કાજીસાહેબ વિષે તમે શું કહેશો? એમની બૌદ્ધિક ક્ષમતા વિષે, તેમના વિવેક વિષે, તેમની પ્રામાણિકતા વિષે, તેમની સામાજિક નિસ્બત વિષે તમે શું કહેશો?

ડી.વાય. ચન્દ્રચૂડ

એ કાજીનું નામ છે હમણાં જ નિવૃત્ત થયેલા ન્યાયમૂર્તિ ધનંજય યશવંત ચન્દ્રચૂડ અને તેમણે ‘ધ પ્લેસીસ ઓફ વર્શીપ એક્ટ ૧૯૯૧’ની જોગવાઈમાં ફેરફાર કરીને શંકા કરવાનો અને અતીતમાં કરેલાં કહેવાતા શંકાજન્ય કુકર્મની તપાસ કરવાની છૂટનો ચુકાદો આપ્યો હતો. શંકા જ કલહ અને અશાંતિનું મૂળ છે એ વાત તેમને ધ્યાનમાં નહોતી આવી કે નહોતી લીધી. અને શંકા પણ પાછી અતીત વિષે જેને વર્તમાન સાથે કોઈ સંબંધ નથી અને હોય તો પણ એ તમે સો ટકા સિદ્ધ કરી શકવાના નથી. વળી અતીત પણ કેટલો અતીત? તમે ઇચ્છો એટલો. અતીતને તળિયું નથી અને ભવિષ્યને છાપરું નથી, માત્ર વર્તમાન જ બંધાયેલો છે. ધનંજય ચન્દ્રચૂડ સાહેબે કહ્યું કે તમે શંકાના આધારે તપાસ કરી શકો છો કે તમારી શંકા સાચી છે કે નહીં. બીજા શબ્દોમાં ચુકાદો એમ કહે છે કે તમે અતીતનું વેર નહીં વાળી શકો, પણ અતીતનાં નામે ઝેર વાવી શકો છો. જજ હોય તો આવા! લાખોમાં એક! અરે ભાઈ, ઝેર તો વેર વાળવા માટે કે વેર પેદા કરવા માટે જ વાવવામાં આવે છે. સો વરસથી આ જ તો કરવામાં આવી રહ્યું છે.

અયોધ્યામાં બાબરી મસ્જીદની જગ્યાએ રામમંદિર હતું એવી શંકા ૧૯મી સદીથી ચાલી આવે છે. ભારતમાં કંપનીનું રાજ હતું અને અયોધ્યા અવધના નવાબની હકુમતમાં હતું ત્યારથી ઝઘડો ચાલ્યો આવે છે. ૧૮૯૫ની સાલથી તો મામલો અદાલતમાં ઊભો હતો. ૧૯૪૮ પછીથી હિન્દુત્વવાદીઓએ એમાં રસ લેવાનું શરૂ કર્યું, કારણ કે મસ્જીદની જગ્યાએ રામમંદિરવાળી શંકા સાર્વત્રિક હતી અને તેને આધારે હિંદુઓને સંગઠિત કરવાનો તેમને મોકો મળ્યો. ૧૯૮૭ પછી સ્થિતિ વકરતી ગઈ. તેઓ જ્યારે તીન (અયોધ્યા, કાશી અને મથુરાની મસ્જીદ) નહીં, તીન હજારની વાત કરવા લાગ્યા ત્યારે કેટલાક લોકોને લાગ્યું કે આ રીતે તો દેશમાં કોમી અરાજકતા પેદા થશે. નાગરિક સમાજના આગ્રહથી અને સર્વોચ્ચ અદાલતના નિર્દેશથી સરકારે ૧૯૯૧માં કાયદો કર્યો કે ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ના દિવસે જે ધાર્મિક સ્થળો જે સ્વરૂપમાં હતાં અને જેનાં કબજામાં હતાં તેને અફર માનવામાં આવશે અને તેમાં કોઈ પરિવર્તન કરવામાં નહીં આવે. બની શકે કે જ્યાં પહેલાં બૌદ્ધ ધર્મસ્થાન હતું અને ત્યાં અત્યારે મંદિર કે મસ્જીદ હોય, બની શકે કે પહેલાં ત્યાં મસ્જીદ હતી અને અત્યારે મંદિર હોય, બની શકે કે એક જ સ્થળે મંદિર અને મસ્જીદ બન્ને હોય, બની શકે કે પહેલા જે દિગંબરોનું ધર્મસ્થાન હતું તે અત્યારે શ્વેતાંબરોના કબજામાં હોય (જૈનો વચ્ચે એક ડઝન જેટલા વિવાદો છે) બની શકે કે પહેલાં જ્યાં મસ્જીદ હતી ત્યાં ગુરુદ્વારા હોય કે તેનાથી ઊલટું. જો અતીતને ઊલેચો તો પાર જ ન આવે. સંભાવનાઓ અનેક છે અને શંકા? શંકાને જણવા માટે માબાપની જરૂર પડતી નથી. એ કાનથી જન્મ લે છે અને કર્ણોપકર્ણ તેનું કદ વધે છે. રાક્ષસી કદ પણ ધારણ કરે.

માટે એક અયોધ્યા બસ છે. હવે પછી આ શંકા અને સંભાવનાની રમત બંધ. હવે પછી શંકા કરીને અતીતને ઊલેચવામાં નહીં આવે. ઊલેચો તો કાદવ નીકળે અને દેશની આબરુ ખરડાય. અશાંતિ પેદા થાય અને વિકાસ ખોરવાય. કોઈ પણ શાણો સમાજ શંકા અને સંભાવનાને  હકીકત માનીને પોતાનો વર્તમાન ન બગાડે. પણ એ પછી આગળ કહ્યું એમ નવા કાજી આવ્યા અને તેમણે પત્નીના ચારિત્ર્ય વિષે શંકા કરવાની અને તેનાં અતીતની તપાસ કરવાની છૂટ આપી દીધી. પરિવાર નર્ક બની જાય પછી છૂટાછેડા તો થઈને જ રહેશે. બસ એ જ વાત ધર્મસ્થાનકોને લાગુ પડે છે. શરૂઆત થઈ ગઈ છે.

ભારતનું ન્યાયતંત્ર મૃત્યુશૈયા પર છે, પરંતુ એ છતાં ય અરુણ શૌરી કહે છે એમ અદાલતોના, વિશેષ કરીને સર્વોચ્ચ અદાલતના દરવાજા ખખડાવતા રહેવા જોઈએ. ન્યાયમૂર્તિઓની અગ્નિપરીક્ષા કરતા રહેવું જોઈએ. આવનારી પેઢીને ખબર તો પડે કે ધનંજય ચન્દ્રચૂડ પણ એક જજ હતા અને દેશના મુખ્ય ન્યાયમૂર્તિના પદ સુધી પહોંચ્યા હતા અને તેમણે આવો એક વિલક્ષણ ચુકાદો આપ્યો હતો. બીજા હીરામોતી પણ ભવિષ્યની પેઢી માટે ઇતિહાસમાં અમર થવાના છે.

આની સામેની રીટ પીટીશન સર્વોચ્ચ અદાલત સાંભળવાની છે. જોઈએ શું થાય છે. પવિત્ર સ્થાને બેઠેલા લોકોની પવિત્રતા ચકાસતા રહેવું જોઈએ. કરોડરજ્જુને તપાસતા રહેવું જોઈએ. ન્યાય ન મળે તો કશો વાંધો નહીં, ન્યાય નહીં કરનારાઓનો ન્યાય થઈ જાય છે અને તેટલું પૂરતું છે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 12 ડિસેમ્બર 2024

Loading

બાપુજી શું કળા પ્રત્યે વિમુખ હતા ? 

નિર્મળકુમાર બોઝ|Gandhiana|11 December 2024

જીવનનો કલાધર

નિર્મલ કુમાર બોઝ

સત્ય અને અહિંસાની ઉગ્ર સાધના દ્વારા બાપુજી સૌન્દર્યનું દર્શન કરતા હતા. બાહ્ય રૂપ કરતાં આંતરરૂપને, આંતરિક સુંદરતાને જ બાપુજી વધારે પ્રાધાન્ય આપતા હતા, તેથી બાપુજીના અંતરમાં જે કલાવિદ્-આત્મા રહેતો હતો એનું થોડાને જ દર્શન થતું હતું. બાપુજી તો દૃષ્ટા હતા; સત્ય દ્વારા સુન્દરતાને જોનારા હતા. પરંતુ આજે જ્યાં જયાં બાપુજીના વિચારોનું થોડેઘણે અંશે પણ અનુસરણ થાય છે ત્યાં માત્ર જીવનની શુષ્કતા જ દૃષ્ટિએ પડે છે. બાપુજીનું જીવન સાધનાશીલ હતું તોયે શુષ્ક ન હતું . 

બાપુમાં કલાની દૃષ્ટિ હતી. જીવનમાં શું કે વ્યવહારમાં શું, ક્યાં ય પણ લેશમાત્ર વિસંવાદિતા દેખાતી કે તરત જ બાપુજી અકળાઈ ઊઠતા. બાપુજીમાં રહેલી કલાદૃષ્ટિ બધે સંવાદિતા ઝંખતી હતી. પણ આજે બાપુજીને અનુસરનારાઓમાં એ દૃષ્ટિ નથી; તેથી બાપુજીના વિચારો પ્રાણ વિનાના હોય એમ લાગે છે. એમાં જીવનની તાજગી દેખાતી નથી એ કારણે જ ઘણા લોકો આજે બાપુના વિચારોથી દૂર ભાગતા હોય એમ લાગે છે.  હકીકતે બાપુજીમાં કલા અને સંસ્કૃતિને નીરખવાની પ્રાણવંત દૃષ્ટિ હતી અને જીવનમાં સંયમશીલ, સત્યશીલ આનંદ રહેલો  હતો.

•

ઘણાં માણસો એમ માને છે કે બાપુજીને કળાની કે સૌન્દર્યની દૃષ્ટિ ન હતી. એમનું જીવન ઉગ્ર તપસ્યાથી એટલું પ્લાવિત હતું કે એમાં સુકોમળ લાગણીઓને સ્થાન જ રહ્યું ન હતું. આવી માન્યતાવાળી વ્યક્તિઓમાં નંદબાબુ (પ્રસિદ્ધ ચિત્રકાર નંદલાલ બોઝ) પણ એક હતા. પણ એક એવો પ્રસંગ બન્યો જેનાથી નંદબાબુને પોતાનું મંતવ્ય બદલવું પડ્યું.

એક વખતે મહાસભાના અધિવેશન વેળાએ બાપુજીએ નંદબાબુને સુશોભન કરવા નિમંત્રણ આપ્યું અને જણાવ્યું કે તેમણે ગામડામાં મળતી વસ્તુઓનો જ ઉપયોગ કરીને સુશોભન કરવું. ગામડાની કળા અને ગ્રામ-ઉદ્યોગને લગતું પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું. બાપુજી પ્રદર્શનની મુલાકાતે આવ્યા. જ્યારે બાપુજીએ પ્રદર્શનમાં પ્રવેશ કર્યો ત્યારે નંદબાબુ એમનું સ્વાગત કરવા ગયા.

હરિપુરા મહાસભા અધિવેશન વખતે બાપુ સાથે નંદબાબુ

બાપુજી જેવા એક ઓરડામાં પ્રવેશ્યા કે તરત જ એમણે એક સૂચન કર્યું. એ સૂચનથી નંદબાબુ તેમ જ એમના સહાયકો લજ્જા પામ્યા. વાત એમ હતી કે જે ટેબલો ઉપર પ્રદર્શનમાં જોવા સારુ વસ્તુઓ ગોઠવવામાં આવી હતી એની નીચે એક ટોપલી રહી ગઈ હતી. સામાન્ય મહેમાનોને પ્રદર્શન બતાવતા પહેલાં એને ખસેડી લેવાનું ઉતાવળને લીધે કોઈને સૂઝ્યું ન હતું. ગાંધીજીનું એ તરફ ધ્યાન ગયું અને એમણે કહ્યું કે આ સ્થળની શોભામાં એ ટોપલી આંખને ખૂંચે એવી છે. પછી તો એને તરત જ ખસેડી લેવામાં આવી!

બાપુજી બહુ જ ઝીણવટથી પ્રદર્શનમાં મૂકેલી વસ્તુઓને તપાસતા એક ટેબલ પાસેથી બીજા ટેબલ તરફ જતા હતા. સાથે નંદબાબુ પણ હતા. અને બાપુજીને આમ આ બધી વસ્તુઓમાં તેમ જ તેના કારીગરોમાં આટલો  ઊંડો રસ લેતા જોઈને એમને આશ્ચર્ય થયું. પણ થોડી વાર પછી નંદબાબુએ જોયું કે બાપુજી અન્યમનસ્ક થઈ ગયા હતા અને પ્રદર્શનના મંડપની નીચેની લીંપેલી ભૂમિ તરફ એકીટશે જોઈ રહ્યા હતા. મંડપના ઉપર તાડનાં સૂકાં પાંદડાનું છાપરું કરવામાં આવ્યું હતું. સૂર્ય પૂરેપૂરો તપતો હતો. તેથી સૂર્યનાં કિરણો પાંદડાંની વચ્ચે થઈને અંદર પ્રવેશી લીંપેલી ભોંય પર આકર્ષક ભાત પાડતાં હતાં. બાપુજીનું ધ્યાન ત્યાં તલ્લીન બન્યું હતું. થોડી વાર પછી તેઓ બોલ્યા, “નંદલાલ, તમે આના જેવું તો ન જ કરી શકે, ખરું ને?” 

ત્યારે જ કલાવિદ્ નંદબાબુએ જાણ્યું કે બાપુમાં સૌન્દર્યની કેટલી ઊંડી દૃષ્ટિ હતી. એ દૃષ્ટિને જાણે બાહ્ય રૂપ કે ચિહ્નની જરાયે જરૂર ન હતી. તોયે બાપુમાં એ દૃષ્ટિ હતી જ. કદાચ એ સૌન્દર્યદૃષ્ટિનું પ્રાથમિક કાર્ય જ એ હતું કે એણે બાપુજીના સમગ્ર જીવન અને આચરણને અતીવ સુંદર અને મહાકાવ્યના વૈભવવાળા કાવ્યમાં ફેરવી નાખ્યાં હતાં.

•

નંદલાલ બોઝ, વૂડકટ

ઘણા જ ઓછા પ્રસંગોએ બાપુજીએ કળા વિશેના પોતાના વિચારો દર્શાવ્યા છે. પણ જ્યારે જ્યારે આવા પ્રસંગોએ બાપુએ જે ઉદ્ગારો કાઢ્યા છે તે જીવનને અનુલક્ષીને તારવેલી વિશિષ્ટતાથી સભર ભરેલા છે. હવે બાપુજીના જ થોડા વિચારોને નીચે દર્શાવી હું કૃતકૃત્ય થાઉં.

“કોઈ પણ વસ્તુની બે બાજુઓ હોય છે : બાહ્ય અને આંતરિક. આ તો મારે મન માત્ર દર્શાવવા ખાતર જ. ખરી રીતે જ્યાં સુધી બાહ્ય બાજુ આંતરિક બાજુને સહાય ન કરે ત્યાં લગી એ બાહ્ય બાજુનો કંઈ અર્થ નથી. આમ બધી સાચી કળા એ તો આત્માનો આવિષ્કાર જ છે. માનવના અંતરાત્માનો આવિર્ભાવ કરી શકે એટલું જ બાહ્ય રૂપનું મૂલ્ય છે. આવા પ્રકારની કળા જ મને સૌથી વધારે અપીલ કરે છે. પણ હું જાણું છું કે ઘણા લોકો પોતાને કલાકાર તરીકે માને છે, અથવા મનાય છે, પરંતુ તેમનાં સર્જનમાં આત્માની ઊર્ધ્વગામી આકાંક્ષા અને તાલાવેલીનું જરાયે દર્શન થતું નથી.

“બધી સાચી કળા આત્માને અંતર્યામીની ઝાંખી કરાવવા સહાયરૂપ થવી જોઈએ. મારી પોતાની બાબતમાં હું જોઉં છું કે મારા આત્માની ઝાંખી કરવામાં મને બાહ્ય રૂપોની જરૂર જણાતી નથી. ઓરડાની દીવાલો ભલે શોભા વિનાની હોય અને એના પર છાપરુંયે ન હોય, જેથી સૌન્દર્યના અનંત અવકાશમાં વેરાયેલા અસંખ્ય તારાઓનું હું દર્શન કરી શકું. પ્રકાશિત તારાઓથી આચ્છાદિત આકાશ ભણી જ્યારે હું જોઉં છું ત્યારે મને જે ભવ્ય દૃશ્ય જોવા મળે છે એવું દૃશ્ય, એવો અનુભવ મનુષ્યની સભાન કળા ક્યાંથી કરાવી શકે? આનો અર્થ એવો નથી કે હું, બધા મારે વિષે માને છે એમ, કળાની કૃતિઓની અવગણના કરું છું. પરંતુ મને પોતાને તો એવું લાગે છે કે કુદરતના સૌન્દર્યનાં શાશ્વત પ્રતીકોની તુલનામાં કળાની એ કૃતિઓ કેટલી ઝાંખી પડી જાય છે!

“બધાં સત્યો – માત્ર સત્ય વિચારો જ નહીં, પરંતુ સત્યશીલ મુખાકૃતિઓ, સત્યદર્શી ચિત્રો અને ગીતો અતીવ સુંદર હોય છે. લોકો, ઘણું કરીને, સત્યમાં રહેલ સૌન્દર્યને નીરખતા જ નથી; સામાન્ય માણસ તો એનાથી દૂર જ ભાગે છે અને એમાં રહેલ સૌન્દર્ય પ્રત્યે ઉદાસીન રહે છે. જ્યારે જ્યારે માણસ સત્યમાં સુંદરતા જોશે ત્યારે ત્યારે સત્ય કળાનો ઉદ્ભવ થશે.”

સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર : ક્રમાંક – 175, 176 તેમ જ 177  

Loading

પ્રેમને નથી સીમાડા

નરેન્દ્ર ત્રિવેદી|Opinion - Short Stories|11 December 2024

“કિરણ.”

“હા, મમ્મી.”

“બેટા, આપણે આવતા અઠવાડિયે ભારત જવાનું છે. ટિકિટ, વિઝા વગેરેનું કામ તારા પપ્પાએ પતાવી દીધું છે.”

“મમ્મી, મને શું કામ હેરાન કરો છો? મારે ઇન્ડિયા આવવું નથી. મને ત્યાં મજા નથી આવતી. કંપની વગર હું બોર થઇ જઈશ.”

“ના, આ વખતે તો તારે ભારત અમારી સાથે આવવાનું જ છે. આ તારા મોસાળનો છેલ્લો પ્રસંગ છે. અત્યાર સુધીના તું એક પણ પ્રસંગમાં આવ્યો નથી. ને સાથે સાથે તારા માટે કન્યા પણ જોઈ લઈશું.”

“મમ્મી, તું મારા માટે ઇન્ડિયન છોકરી વિશે તો વિચારતી જ નહીં, એ મારી સાથે અને અહીંના કલ્ચરમાં સેટ ન થાય.”

“ના બેટા, એવું નથી. એ તારી માન્યતા છે. હું ને તારા પપ્પા ભારતીય છીએ તો પણ અહીં સેટ થઈ ગયાં, ને ભારતીય સંસ્કૃતિના સંસ્કાર પણ જાળવી રાખ્યા.”

“મમ્મી, પપ્પા ને તમારી વાત અલગ છે. મમ્મી તું ઇન્ડિયામાં મારા માટે છોકરી ન જોતી.”

“ભલે પણ તારે અમારી સાથે ભારત આવવાનું છે, એ નક્કી છે. આ બાબતે અમારા નિર્ણયમાં કોઈ ફેરફાર નહીં થાય.”

માસીને ત્યાં લગ્ન પતી ગયાં. “મમ્મી, હું બે-ત્રણ દિવસ પછીની અમેરિકા જવાની ટિકિટ કન્ફર્મ કરવી લઉં?”

“જેવી તારી ઇચ્છા, થોડા દિવસ વધારે રહે તો સારું. અમે તો ભારત આવ્યાં છીએ એટલે રોકવાનાં છીએ. પછી વારંવાર ભારત આવી શકાતું નથી અને ભારતનો મોહ છૂટતો નથી.”

કિરણની માસીનો ફલેટ ‘ઓમ હાઇરાઈઝ એવન્યુ’માં બી વિંગમાં હતો. બહુ મોટો એરિયા હતો. વૉકિંગ માટેનો એરિયા, સરસ મજાનો બગીચો, ફુવારા વગેરે હતું. કિરણ ફ્રી હતો. તેણે વિચાર્યું, ચાલ જરા બગીચામાં આંટો મારું. બાંકડા ઉપર આરામથી બેઠો હતો. અચાનક તેની નજર બાજુના બાંકડા ઉપર બેઠેલી યુવતી ઉપર પડી. વેલ ડ્રેસ, આત્મવિશ્વાસથી ભરી, હરણી જેવી આંખો અને અવાજ પણ મીઠો હતો, ધીમા અવાજે કંઈક ગીત ગણગણી રહી હતી. કિરણ તો, તેને જોઈને જ મુગ્ધ થઈ ગયો.

“હાઈ, હું છું કિરણ ત્રિવેદી. આ સામે દેખાય એ `ઓમ એવન્યુ`માં મારી માસીને ત્યાં યુ.એસ.થી આવ્યો છું. આપનું શુભ નામ કહેશો?”

“મારુ નામ સોનલ, સોનલ ભટ્ટ. હું પણ એજ `ઓમ એવન્યુ`માં રહું છું અને રોજ સાંજે બગીચામાં વોક પર આવું છું. મને પ્રકૃતિનું સાનિધ્ય બહુ ગમે છે.” આટલી વાત કરીને સોનલ ચાલી ગઈ. કિરણને સોનલને રોકવાની અને વધારે વાત કરવાની ઘણી ઇરછા હતી, પણ એ સંકોચવસ એમ ન કરી શક્યો.

બીજે દિવસે કિરણ જરા વહેલો આવીને થોડા દૂરના બાંકડા ઉપર બેઠો. રોજના નિયત સમય પ્રમાણે આજે પણ સોનલ આવીને બાંકડા ઉપર બેઠી. મસ્તીથી બગીચાની મજા લઈ રહી હતી અને ધીમું ધીમું ગીત ગણગણી રહી હતી.

“હાય!”

“હાય! .. કેમ છો?”

“બસ બગીચાની, પ્રકૃતિની મજા માણી રહી છું.”

“ગઈકાલે આપણી પ્રથમ મુલાકાત હતી. વિશેષ વાત ન થઈ શકી.”

“તો આજે કરોને. ગઈ કાલે કહ્યું હોત તો હું રોકાઈ જાત, મારે જવાની કોઈ ઉતાવળ નહોતી.”

“હું, યુ.એસ.માં સોફ્ટવેર એન્જિનિયર છું અને અમારો વિવિધ પ્રકારનો પારિવારિક બિઝનેસ છે. મારું આખું ફેમિલી તેની સાથે સંકળાયેલું છે. બહુ મોટો કારોબાર છે.”

“મારી વાત કરું, તો મેં, ફેશન ડિઝાઇનિંગનો કોર્સ કર્યો છે. મારા પપ્પાને દરેક પ્રકારના રેડીમેડ ગારમેન્ટસનું પ્રોડકશન હાઉસ અને હોલસેલ બિઝનેસ છે. દરેક પ્રકારના ગારમેન્ટસનું ફેશન ડિઝાઈન હું કરું છું. એ રીતે મારા પપ્પાના બિઝનેસ સાથે સંકળાયેલી છું.”

“યુ.એસ.માં પણ ફેશન ડિઝાઇનિંગનો બહુ ક્રેઝ છે. ત્યાંના લોકોમાં ઇન્ડિયન ફેશન ડિઝાઇનનો બહુ ક્રેઝ છે. યુ.એસ.માં આ ક્ષેત્રમાં આગળ વધવા માટેની વિશાળ તકો છે.”

પછી તો કિરણ અને સોનલની રોજ મુલાકાત થતી રહી. કિરણનાં મમ્મી-પપ્પા વિચારમાં પડી ગયાં કે ‘કિરણ તો બે-ત્રણ દિવસમાં યુ.એસ. પાછો જવાનું કહેતો હતો. તે વાતને અઠવાડિયું થઇ ગયું પણ તેણે ટિકિટ કેમ કન્ફર્મ કરાવી નથી? કંઈક ગરબડ લાગે છે અને રોજ સાંજે નિયત સમયે બગીચામાં વોક કરવા પણ જાય છે.’

“તમે આજે કિરણ પાછળ જઈ વાતનો તાળો મેળવો. હકીકત શું છે? જે કિરણ ભારત આવવા માટે તૈયાર નહોતો, એ હવે, પાછા જવાની ટિકિટ કન્ફર્મ કરાવતો નથી. અહીંયાં નહીં ગમે એમ કહેતો હતો. મને તેના મૂડમાં પણ ફેરફાર લાગે છે.”

કિરણના પપ્પાએ જોયું, કે કિરણ કોઈ યુવતીની સાથે બેઠો હતો. બંને ખૂબ પરિચિત હોય એ રીતે વાતચીત કરતાં ને એવું જ વર્તન કહેતાં એટલે કદાચ કિરણને, આ યુવતીમાં રસ જાગ્યો હોય એમ લાગ્યું. તેણે તેની પત્નીને વાત કરી. બંને મનોમન ખુશ થયાં કે ભારતની છોકરી તો તેને ના પસંદ હતી. ચાલો આપણી ઇચ્છા પૂરી થશે. પણ કિરણ સાથે વાત કરીને સાચી પરિસ્થિતિ તો જાણવી પડે, કદાચ બંને વચ્ચે ખાલી મિત્રતા હોય અને અમે કંઇક જુદું સમજી બેઠાં હોઈએ તો લોચો પડી જાય.

“કિરણ, તું આપણી રિટર્ન ટિકિટ કન્ફર્મ કરવી લે. અહીંયાંનું કામ પતી ગયું છે. અમે પણ તારી સાથે જ આવીએ છીએ. આપણે યુ.એસ. પાછા જવું છે.”

“મમ્મી, થોડા દિવસ વધારે રોકાઈએ તો ? મને અહીં મજા આવે છે.”

“મને ખબર છે, તારે તો ઇન્ડિયા આવવું જ નહોતું ગમતું. હવે, અહીંયાં ગમે છે. આ સોનલ કોણ છે? તને ઇન્ડિયા નહીં સોનલ ગમી ગઈ છે.”

“મમ્મી, તારી વાત સાચી છે. સોનલને મળ્યા પછી મારા ઇન્ડિયા વિશેના વિચારો, માન્યતા બદલાઈ ગયા છે. મમ્મી, તું સાચી છો, ભારત એ ભારત છે. ભારત જેવો માહોલ, લાગણી અને સંબંધનું મૂલ્ય બીજે ક્યાં ય ન મળે.”

“તે સોનલને વાત કરી?”

“મમ્મી સોનલને વાંધો નથી પણ સોનલનાં મમ્મી-પપ્પા યુ.એસ. જેટલે દૂર કદાચ ન પણ મોકલવા માગે.”

“બેટા, એ લોકોની ચિંતા સાચી છે. દીકરી નજર સામે હોય તો પણ ચિંતા થતી હોય છે, જ્યારે આ તો યુ.એસ. અને અજાણ્યા કુટુંબમાં લગ્ન કરી મોકલવાની. પાછા સમાજમાં છેતરવાના બનાવો પણ બનતા રહે છે. તું ચિંતા ન કર, અમે વાત કરી લઈશું.”

કિરણના મમ્મી-પપ્પા અને સોનલનાં મમ્મી-પપ્પાની મિટીંગ થઈ. સોનલની મમ્મીએ પોતાની ચિંતા વ્યક્ત કરી,

“સોનલ અમારું એક જ સંતાન છે. બહુ લાડકોડથી ઉછેરી છે એટલે આટલી દૂર મોકલવાની વાતે મન માનતું નથી.”

“તમારી ચિંતા વ્યાજબી છે. આપણે જરા આપણા ફેમિલીમાં એકબીજાની ઓળખાણ જોઈ લઈએ, પછી આગળ વધીએ.”

પછી તો વાતચીત થતાં કિરણનું અને સોનલનું ફેમિલી પરિચિતોમાંથી નીકળ્યું. કિરણ અને સોનલનાં લગ્ન નક્કી થઈ ગયાં.

“કિરણ.”

“હા, મમ્મી.”

“બેટા, પ્રેમને સીમાડા હોય છે? અમારા વખતમાં તો આવું નહોતું. ત્યારે તો મુંબઈ પણ પરદેશ કહેવાતું.”

“ના મમ્મી, પ્રેમને સીમાડા નથી હોતા! અને ભારતના (હવેથી હું, ઇન્ડિયા નહીં પણ ભારત કહીશ) સીમાડે હું બંધાયો તેને મારું ખુશનસીબ માનું છું.”

“બેટા, હવે તો એક વધારાની ટિકિટ સાથે યુ.એસ. જવાની રિટર્ન ટિકિટ તું કન્ફર્મ કરાવીશ ને?”

કિરણ અને સોનલના મુખ પરના શરમના શેરડા સાથે હોલ તાળીઓથી ગુંજી ઊઠ્યો ….

ભાવનગર, ગુજરાત
e.mail : nkt7848@gmail.com

Loading

...102030...460461462463...470480490...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved