Opinion Magazine
Number of visits: 9456990
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બાંધવું

અનિલ વ્યાસ|Opinion - Short Stories|26 August 2024

અનિલ વ્યાસ

મૃત્યુ સાથે અરુણને સગપણ જેવું હતું.  કોઈના ય ઘેર મરણ થાય કે અરુણને બિનાચૂક તેડું આવ્યું સમજો. અને કેમ ના બોલાવે? અરુણ જેવા નનામી તૈયાર કરનાર હવે છે ક્યાં? અંતિમયાત્રા વિધિ ઝીણી ઝીણી કાળજીપૂર્વક કરાવવી એટલું જ નહીં, સ્મશાનેથી અસ્થિ લઈ આવવાથી માંડી ગંગા મૈયાને ખોળે પહોંચાડવા સુધી અરુણની જરૂર પડતી.

બસ, આ એક વાતે યશોદાનું મન સહેજ પાતળું પડી ગયું હતું. અરુણ સાથે સગપણ માટે યશોદાએ વિચારીને જવાબ આપવાનું કહ્યું ત્યારે બન્ને પરિવારને નવાઇ લાગી હતી.

અરુણમાં કંઇ કહેવાપણું ન હતું, સારું ભણતર, સરકારમાં નોકરી અને એકનો એક દીકરો. નાક નકશે દેખવો ગમે એવો …… પણ, અરુણ વિશે, ‘એ ગામ આખાના મરણ પ્રસંગે  દોડી જાય છે’ વાત સાંભળી યશોદાનું મન પાતળું પડી ગયું હતું. પછી કોની સલાહ કે સમજાવટ કામ આવી એ તો એણે ક્યારે ય કહ્યું જ નહિ, હા. એ બાબતની ચર્ચા ઉકેલાય કે યશોદા લેવાઈ જતી. એ બોલતી નહીં પણ ગૌરી માસીના ‘પેલો મડદા બાંધવાવાળો?’ના શબ્દો એને શૂળ જેમ ભોંકાતા.

શરૂઆતમાં અરુણની આવી સમાજ સેવાથી અકળામણ થતી. આંખ સામે વંદો આવી ગયા જેવી લાગણી અનુભવાતી. યશોદાએ ન છૂટકે સ્વીકારી તો લીધું હતું પણ સ્વીકારની સભાનતાથી મન રહેંસાયા કરતું.

*

ડૉક્ટરના ગયા પછી અરુણ ક્યાં ય સુધી યશોદાનો મૃતદેહને જોઈ રહ્યો. યશોદા ચહેરે મોહરે રૂપાળી, તીણું નાક આંખો …. એની આંખો ધ્યાનથી ક્યારે જોઈ હતી? કથ્થઈ રંગની હતી. એની સામે સ્મિત કરો ત્યારે એની કથ્થઈ આંખોમાં ચમક આવી જતી. એના હોઠ પાતળા હતા. સોનાની ગોળ બુટ્ટીઓના વજનથી સહેજ ઢળી પડેલી કાનની બૂટ નીચે મંગળસૂત્રની સેર ચમકતી હતી. પહેલીવાર જોતો હોય એમ એની આંખો યશોદાના લાંબા કાળા વાળ પર થઈ, સહેજ દૂબળી દેહ કાઠી પર સ્થિર થઈ. એની લાંબી પાતળી આંગળીઓના નખ ટૂંકા થઈ ગયા હતા. ઘણીવાર એ માથામાં તેલ નાંખી આપતી. હળવા સ્પર્શથી એ વાળમાં ટેરવાં ફેરવતી ત્યારે એના ટૂંકા નખનો આછેરો ઘસરકો અનુભવાતો.

જેમ જાણ થતી ગઈ એમ એમ માણસો આવતા ગયા. બારણું ખોલબંધ થવાના અવાજોની જાણે ટેવ પડી ગઈ, જો કે કેટલીયે વારથી કોઈ આવ્યું નહોતું. યશોદાના નિર્જીવ દેહ પાસે બધા ચિંતાતુર બેઠાં હતાં. ભાદરવાની ગરમ લહેર ભેગા અંદર આવી રમણભાઈ બેસું કે ઊભો રહુંની મુદ્રામાં સહુને જોઇ રહ્યા. ‘આ ધવલ અરુણનો મોટો, આ વચેટ દિવ્યા, એની પાછળ ધવલની વહુ વૈશાલી અને ખૂણે મોબાઈલમાં મોઢું ઘાલીને બેઠેલો વરુણ, યશોદાનો મોઢે ચઢાવેલો.’

પાડોશી તરીકે આનાથી આગળ કશું સૂઝ્યું નહીં પણ નજર હજી આમ તેમ ફરતી હતી. બે દિવસ પહેલાં જ સવિતા કહેતી હતી,

‘કહું છું, આ ધવલિયો ને વૈશાલી બરાબર બાઝેલાં.’

‘યશોદાએ કહ્યું તને?’

‘ના હવે, બે ય માણસ આખું ગામ સાંભળે એમ ચભડ ચભડ કરતાં’તા તે હું ના સાંભળું?’

એમણે ધવલના ગમગીન ચહેરા તરફ જોઈ વૈશાલી સામે જોયું અને યશોદા પર નજર ઠેરવી. મડદાંને ચાદરેય ઓઢાડી નથી. સીધું ભોંયે નાખ્યું હશે કે અબોટ ચોકા કર્યા હશે? હાળા, ત્રણેય પ્રજા તીતાલી નીકળી. સારું થયુ બચાડી સવાસણ ગઈ.

બહારથી વાહનો થોભવાના, બારણાં પછડાવાના અવાજો આવતા હતા. અગરબત્તીની સેરમાં આવનાર સ્ત્રીઓની રડારડ અટવાઈ વજનદાર શાંતિમાં ગૂંચવાઈ ગઈ. છવાયેલી ચુપકીદીને સંકોરાવા જેવું થયું. યશોદાની અંત્યેષ્ટિ કરવી પડશે એ વિચાર આવ્યો અને અરુણના હોઠે સહેજ મલકાટ ચમક્યો. રમણલાલ દીવાલે આંગળી ફેરવતા એને તાકી રહ્યા હોય એવો ભ્રમ થયો.

અરુણકુમાર પૂજાલાલ ત્રિવેદી : હવે શેના અરુણકુમાર? અંબાલાલભૈ શહેરમાં આવી સાહેબ બન્યા એટલે અરુણકુમાર થઈ ગયા? છેવટે પ્રખ્યાતી તો ડાઘુની જ ને? યશોદા  સહેજ ઉપહાસમાં ચશ્માંની દાંડી નીચે લાવતાં, કથ્થઈ આંખોથી ઊંચી ભ્રમરે ત્રાટક જેવું કરતી. પછી સહેજ મલકાઈ મોઢું નીચું કરી લેતી.

બે-એક કલાક પહેલાં ધવલ સગાવાળાઓને ફોન કરતો હતો ત્યારે અરુણને થયેલું કે કેટલી ય વાર આવી રીતે કોઈના અજાણ્યા છોકરાઓએ મને ફોન કર્યા હશે. ટાણે કટાણે બારણું ખખડે;

“અરુણભાઈ છે ઘરે?”

 “ના, શું કામ હતું?”

 “ઈશ્વર દાદાને ઘરેથી આવીએ છીએ. તમે નહીં ઓળખો.”

“હા, સાચું કો’ છો, અમે કોઈને નથી ઓળખતા.”

ક્યારેક યશોદા પર ગુસ્સે થતા. “આ પપ્પાને કહે હવે જેનાં તેનાં મડદાં બાંધવા જવાનું બંધ કરે. આખી નાતમાં એમના ડંકા વાગે છે …. કોઈને ઘેર મરણ થયું નથી કે એમના નામની પોક પડી નથી. હવે તો કેવી સરસ એલ્યુમિનિયમની સીડી જેવી ઠાઠડીઓ મળે છે! પણ આમનાથી વાંસડા ચીરવાનો મોહ મુકાતો નથી. પાછા કહે છે કે ‘આયે એક વિદ્યા છે. ઠાઠડી બાંધવામાં વિદ્યા?’ ‘હા,એમાં ય આવડત હોવી જોઈએને?’

વરુણ મરડાટમાં ઉમેરતો, “બાંધ્યા હવે, ઘરના બારણેથી શબવાહિની સુધી ચાર ડગલાંમાં આટલી બધી પળોજણ શેની? હવે તો સીધા સ્ટ્રેચરમાં સુવાડીને લઈ જવાય છે ભાઇ, હેં ને.”

છોકરાઓ વધારે ઉકળી ન પડે એટલે યશોદા એમને વારતી. “જો બેટા, કોઈને ખપમાં આવવા જેવી કોઈ પુણ્યાઈ નથી, ખબર છે તમને? એટલે આ છેલ્લી યાત્રામાં મદદ બાંધવા કરવાનું એમને ગમે છે.”

“પણ પોતે ગેઝેટેડ ઓફિસર છે એનો એ વિચાર નથી કરતા.”

યશોદાના હોઠે આવી જતું : આ તું ને વૈશાલી દર ત્રીજે દિવસે બાખડો છો, ત્યારે એકેય ને યાદ આવે છે કે તું યુનિવર્સિટીમાં પ્રોફેસર છે ને આવી આ બેંક મેનેજર? બંધાઈને રહેતાં જ નથી શીખ્યાં! અરુણ એને કાયમ કહે છે. તને યાદ છે એ બન્ને પ્રેમમાં હતાં ત્યારે એક બીજાંના સુખ માટે ગમે એ છોડવા તત્પર રહેતાં. અને હવે?

દીકરાનાં કડવા વેણ સાંભળતાં અરુણકુમાર ત્રિવેદીનું આખું ય કલેવર અંબાલાલ બની જતું. એ ધવલ કે વરુણ સામે એવી રીતે જોતા જાણે એ બન્ને સાવ સંજવારીમાં નીકળેલો કચરો હોય. તેમની નજરથી દીકરાઓ વધુ ઘવાતા.

*

ઠાઠડી બરાબર કચકચાવીને બંધાવી જોઈએ. બંને વાંસ એક સરખી જાડાઈના, ચપાટો ગાંઠો વગરની, સરખા માપે અને મજબૂત. કાથી બરાબર પલળેલી હોવી જોઈએ. આંટો મારીએ ને ફોંટા હથેળી કે આંગળીઓમાં ઘસાય તો આંટો વીંટવો કાઠો પડે.

દસ પંદર ડગલાં ચાલે ને સાંધા ઢીલા પડી જાય એવું બાંધવાવાળા તો ઘણા મળી રહે. અંબાલાલની વાત જુદી છે. આપણી જ્ઞાતિમાં છે કોઈ બીજો? અંત્યેષ્ટિની સામગ્રીની દુકાનો ધીમે ધીમે બંધ થતી ગઈ ને રહી જતું’તું તે સામાજિક સંસ્થાઓ વહીવટમાં આવી ગઈ. હવે હોસ્પિટલ નજીક મરવા પડી હોય એવી એકાદ દુકાન રહી છે.

યશોદા ને પહેરાવવા લાલ સાડી હશે ઘરમાં? પંચક તો નહીં હોય ને? ધવલે એ ચેક કર્યું હશે? એને શું ખબર પડે …. પણ પંચક હશે તો ચોખાના લાડવા વાળવા પડશે. અડદ લાવવા પડશે તાંબાનો લોટામાં ઘી જોશે …. પાંચ પૂતળાં … કોણ કરે છે હવે આ બધું? કોઈને કશું શીખવું નથી. બસ ઇલેક્ટ્રિક મસાણમાં લઈ જાવ રેલગાડીના પાટે સુવડાવો એમ સુવડાવી ચાંપ દબાવતાંક ધકેલી મૂકો બોગદામાં.

અરુણની આંખોમાં પાણી ભરાયાં. સાથોસાથ, યશોદા હવે નથી એની વાસ્તવિકતા સમજાઈ.

દિવ્યા સાસરેથી રિસાઇને  આવી … ‘મમ્મા  મારાથી તારા જમાઇને હાજી  હાજી નહિ કરાય. ટોટલ સરન્ડર? મારે રોજ મારા હક માટે લડવાનું? તારા જમાઈને તો મને નોકરાણી બનાવી ઘરમાં ગોંધી રાખવી છે. એનાં મા બાપ માટે મને લાગણી છે, મમ્મા. બટ, આઇ એમ હિઝ વાઈફ નોટ અ કેરટેકર. આઈ કાન્ટ સેક્રિફાય માય કેરિયર ફોર હિઝ સો કોલ્ડ ઓર્થોડોક્સ આઈડિયોલોજી. તમે મને આ માટે ભણાવી હતી?’

‘આવી રીતે સંસાર પાટે ના ચડે, બેટા, એકે તો થોડું જતું કરવું પડે ને?’

‘આ સલાહ ભાઈ માટે રાખ.’ પછી ગળતું નાક અવળી હથેળી વડે લૂછતાં કહે, ‘હું તમારા ઘરમાં રહુ એની શરમ આવતી હોય તો કહી દેજો, હું મારી વ્યવસ્થા કરી લઈશ. સંસારના નામે મને સાસરુ દેખાડવાની જરૂર નથી.’

‘આવું કેમ બોલે છે, બેટા, હું તારી મા છું.’

‘એમ?’ કહેતાં દિવ્યા ઊભી થઈ પાછલા બારણા તરફ વળી ગઈ.

યશોદા સોફામાંથી ઉઠવા ગઈ ને અડબડિયું આવવા જેવું થયું. અરુણે ઝડપથી એને સાહી લીધી.

એ દિવસે  એને  સધિયારો ન આપ્યો હોત તો અત્યારે સૂતી છે ત્યાં જ પડી હોત.

રમણભાઈ કાનમાં ફૂસફૂસાતા કહે, ‘ચોકો કર્યો’તો કોઈએ? આ તો છાણની સુગંધ ના આવી એટલે પૂછું છું.’ અરુણની ભીની આંખોમાં યશોદાના ટૂંકા નખ તરવર્યા. એણે આંગળીઓ વાળી પોતાના નખ જોયા. ચોકો કરતી વેળા લાદીએ નખ ઘસાયને છાણની ઝીણી તણખલી નખમાં રહી ગઈ હશે … એની કરચ શોધતી નજર ભોંઠી પડી.

ત્રણેક વર્ષથી એ દરેક મરણ પ્રસંગે સતત કોઈને શોધતો રહે છે. કોઈ જુવાનિયો મળી જાય જેને આ પરંપરા આપી શકાય. જેમ એને કોઈએ શિખવાડ્યું હતું એમ બધું શિખવાડી દે.

અરુણ કોલેજના બીજા વર્ષમાં હતો ત્યારે વેકેશનમાં ગામડે ગયો હતો. ત્યાં પહેલી વાર મામા એને અંત્યેષ્ટિમાં લઇ ગયા હતા. બહાર વાડામાં ત્રંબક કાકા નગીનદાસનું શબ નવરાવતા હતા ત્યારે કોરાણે ઊભેલા અરુણને એમણે પાણી રેડવા બોલાવેલો. કોઈ ચિત્રકાર હળવેથી કેનવાસ પર પીંછી ફેરવે એમ ત્રંબકકાકા મૃતદેહના પગના તળિયાં ધોતા હતા. એની સામે જોઈ કહ્યું,

“જો દોસ્ત, છેલ્લાં દર્શન ટાણે બધા અહીં હાથ કે માથું અડાડે. અહીંથી જરા ય વાસ ના આવવી જોઈએ સમજ્યો?” બોલતાં એમણે અંગૂઠા અને આંગળી વચ્ચેનો ભાગ ઘસતા એને પાણીની ધાર રેડવા સૂચવ્યું. પછી લાગ્યું કે આને રસ પડે છે એટલે ધોતિયું કે લેંઘો કેવી રીતે પહેરાવો, આખી રાત મડદું પડી રહ્યું હોય તો જામી ગયેલા સાંધા કે અક્કડ બાવડામાં ઝભ્ભો કે બુશકોટની બાંય કેવી રીતે નાંખવી. આપણને કષ્ટિ ના પડે એમ દેહ કેવી રીતે ઊંચો કરવો કે ફેરવવો, વાળ ઓળવા જેવું કરીને ગોઠવવા, હોઠ બંધ રહે એ વાસ્તે થોડી વાર ચપટીમાં ભીડી રાખવા જેવી ઝીણી ઝીણી ચીવટ ચિંધતા કહે, “જો અમલા સાંભળ. સૌભાગ્યવતીના સોળે શણગાર કરવાના હોય. પછી આંખ ફાંગી કરી મરકાય, પાછું … માટી બાંધવા જમનાને મોકલવી પડે, દોસ્ત. તને ખબર છે આખા શરીરમાં આપણું કાળજું અને ગરભદાની, એ બે બહુ કાઠા હોય એટલે સૌથી છેલ્લાં બળે. જમની ગાભાનો ગોટો વાળી દાટો મારી દે.”

“જો મરનારી વિધવા હોય તો મજેઠિયા રંગનું કે સફેદ કપડું પાથરવું પડે અને એને ચંદનની આડ થાય. વળી બ્રાહ્મણ મરે તો દોણી ઝાલનારને પીતાંબર પહેરવું પડે.”

ઉત્સુક ચહેરે અને આભારવશ નજરે સાંભળતા અંબાલાલને જોઈ ત્રંબકકાકાને કોઈ અજબ ઠંડક અનુભવાતી.

સમય જ એવો હતો. દૂર દૂર સ્મશાન અને વાહન વ્યવહારના સાધનો સાવ ટાંચાં. ઘરમાં મરણ થાય ત્યારે નજીકના સગાને કશું સૂઝે નહિ. અરુણને શરૂઆતમાં તો ઠાકોરવાસથી કે કોઈના ખેતરેથી વાંસ કાપી લાવવા પડતા. પાતળો નક્કર વાંસ કાપી, ચીરી એક સરખા ખપાટો બનાવવી, કાથીનો ગોટો વાળી લોખંડની ડોલમાં પલાળવા જેવાં કામો મળતાં. એ પછી ઠાઠડી બાંધતા શીખ્યો. ખપાટ બરાબર ગોઠવી વાંસની ઉપર બરાબર બંધાઈને રહે એમ ચોકડી પાડી તાણીને બાંધવી. ગાંઠ ઉપરની બાજુ રહે જેથી મડદું ઊંચકનારને ખૂંચે કે વાગે નહીં. એવી નાની નાની ઊલટ શીખતાં ક્યારે એમાં નિષ્ણાત થઈ જવાયું એની સરતેય ના રહી.

યશોદા સાથે સગાઈ થઈ પછી ચંદ્રિકાબાના લગ્નમાં એને મળવાનો જોગ થયેલો. યશોદા દરબાર ગઢની ડેલીની પછીત અઢેલી ને ઊભી હતી. એણે ઓઢેલી નારંગી ઓઢણીના સોનેરી તાર તડકામાં ચમકતા હતા. એ આંખમાં ન આવે એટલે એણે યશોદાની ઓઢણી સરખી કરવા હાથ લંબાવ્યો ત્યારે થડકીને એ ડગલું પાછળ ખસી ગઈ હતી. એની આંગળીઓ અનાયાસ હાથમાં આવી ગઈ. એ છોડાવવાની દરકાર ન હોય એમ એ હાથ ખેંચવાનો ખોટો ખોટો દાખડો કરતી હતી. એની નવી નોકરી અને શહેરના મકાનો, રસ્તાઓ વિશે પૂછતાં એણે પૂછી લીધું હતું.

“હજી બધાના મરણ પ્રસંગે પહોંચી જાવ છો? લોકો કેવી વાતો કરે છે. છોડી દો.”

ઊંડો શ્વાસ લેતો હોય એમ છાતી ફુલાવતા એણે હા પાડતાં કહેલું, “ના ચાલે જવું જ પડે, યશુ.”

એ યશુ ના બોલ્યો હોત તો કદાચ યશોદાએ ગુસ્સામાં મોં ફેરવી લીધું હોત એવું લાગ્યું હતું. પણ એ તો સમજશે, હજી નાની છે બિચારી તેમ વિચારતા એણે યશોદાને નજીક ખેંચી લીધી હતી. એની નાજુક કાયા સહેજ ધ્રુજતી હતી. એમાંથી એક આછી આંચ અનુભવાતી હતી. આમ તેમ નજરો તાણતી એ “શું કરો છો?  કોઈ જોઈ ……” પણ એ પહેલાં અરુણે એના ગાલ ચૂમી લીધેલા. ધરવ ન થયો હોય એમ ફરી ચૂમેલા.

યશોદાના એ ગાલ જોવા ડોક ફેરવી ત્યારે પાંપણની તિરાડમાંથી ઊંચા નીચા થતા ચહેરાઓ ધ્યાને આવ્યા. કોઈ એકાદને સહેજ ખસેડી ધવલ એમની નજીક આવ્યો. ‘પપ્પા’ કહેતા એ સહજ નમ્યો. એની નજરમાં હવે શું કરવાનું છે એવો ભાવ ડોકાતો હતો.

ઘરમાં યશોદા સૌથી પહેલી જાગતી, ઝટપટ નાહવાનું પતાવી પૂજા દીવો કરી છોકરાઓનું ટિફિન તૈયાર કરતી. જેમ જેમ સૌ ઊઠે એમ ઓઢવાનું સંકેલી, ચાદર ઝાટકી ફરી પાથરતી. પછી જા બ્રશ કર, નાહવા જા, કપડાં પે’ર બોલતી ચા નાસ્તો પીરસતી. એને સતત ઘર સંભાળતી, ફરતી જ જોઈ છે. ધવલ પરણ્યો એ રાત્રે  બહુ મોડા સુધી જાગતી હતી.

‘સૂઇ જા હવે.’

‘ના. કાલથી વૈશાલી ઘર સંભાળશે, મારી સવાર વરુણની જેમ લંચ ટાઇમે પડવાની, તમે જો જો.’

‘સારું જોઈશું, હમણાં સૂઇ જા.’ યશોદાની પાંપણો પર બેઠેલા કોડ ક્યારે વરસી ગયા એ સમજાયું નહિ.

વૈશાલીના પિયરમાં શનિ રવિ રેસ્ટોરાંમાં જવું અને રાત્રે ઓફિસથી સહુ મોડાં આવે એટલે જમવાનું બહારથી મંગાવી લેવાનો ચાલ. યશોદાનો સાંજે સહુએ સાથે જ જમવુંનો વણલખ્યો નિયમ વૈશાલીને ખાવામાં ઝેર ઘોળતો. વૈશાલી યશોદા સાથે ઓછું બોલતી, બોલે તો ય ખપ પૂરતું. હા, વ્યંગ કરતી હોય ત્યારે અવાજ ખૂલી જતો. ધવલ વૈશાલીની રોજની કચકચથી ફફડતો. વૈશાલીએ આ ઘરમાં આવીને એ કેટલો સેલ્ફ સેન્ટર્ડ છે એનું ભાન કરાવ્યું હતું. વૈશાલીની મહત્ત્વાકાંક્ષા અને ધવલનું સરકારીપણું સામસામે આવે ત્યારે સહન કરવાનું માત્ર યશોદાએ. દીકરાનો થાગડ થીગડ સંસાર તો એ સહી લેતી પણ એને સહુથી વધારે આઘાત દિવ્યા છાનીમાની જઈ ગર્ભપાત કરાવી આવી એનો લાગ્યો હતો.

‘તું  આવી નિષ્ડુર બની ગઇ, બેટા?’

‘જેને હું ગમી નહિ એના વંશને હું શું કામ ગમાડું?’

‘એનું સંતાન, દિવ્યા? તારું ….’ પોતાના અવાજથી પીડાતી હોય એમ યશોદા બાકીના શબ્દો બોલી શકી નહોતી.

યશોદા દેખાતી નથી. આંસુથી ખરડાયેલા શાંત ચહેરે કશું દેખતી ના હોય એમ દિવ્યા બારી સામે જોઈ રહી હતી. એનાથી ઊંચા અવાજે બોલાઇ ગયું, “દિવ્યા ..” દસેક ડોકા તણાયાં. કો’ક ઉભડક થયું. કંઈ જોઇએ છે, ભાઈ? સંગીતાબે’ને નજીક આવી પૂછ્યું.

અરુણે નાની મુદ્રામાં માથુ હલાવતાં દેહાકૃતિઓ વચ્ચેથી સૂતેલી યશોદા તરફ જોયું. એના પેટ પરથી સાડલાનો છેડો સરકી ગયો હતો એ ધ્યાને આવ્યું.

આને નવડાવી પડશે, સૌભાગ્યવતીના શણગાર, લાલ ચૂંદડી, ગુલાબનો હાર, કંકુ, માટીએ ઠોંસવાનો ગાભા નો દાટો … કોણ બોલ્યું? નથી મૂકવાના એવા ડાટા, એ ભલે મોડી બળતી.  લબડી પડેલા પગ વાંસડાંથી ઊંચા કરી સળગતી ચિતામાં પાછા ગોઠવતા નરોત્તમ ઘંટનું ચિત્ર અરુણની આંખ સામે આવ્યું.

હવે ચિતા ગોઠવવી પડતી નથી. જાડી મજબૂત ગાંઠો છાતીના ભાગે વચ્ચે, અને લાંબી ફાડશો ફરતે ગોઠવી ચિતા સજાવવી પડતી નથી. આગ તપાવવા ઘી રેડ્યા પછી ચામડી બળવાનો તડ તડ અવાજ અને પાકેલું ફળ પીચકાયું હોય એવી વાસ અનુભવાયાં. સિવિલ હોસ્પિટલ સામે લારીમાં કબાબ શેકાતા ત્યારે વહી આવતી સુગંધમાં એને કાયમ મડદું બળવાની વાસ યાદ આવતી.

યશોદાને કોણ તૈયાર કરશે?

‘ચોરાનો વંશ ખાલી નહીં જાય, તમે બળતરા કર્યા વગર શાંતિથી જમી લો.’ કો’કવાર ઉતાવળે નીકળવાનું હોય ને એ લાસલૂસ ખાતો હોય ત્યારે યશોદા ટપારતી. ક્યારેક એકાંતરે મરણ થાય ને દોડવું પડે ત્યારે એ અકળાતી.

એ અચાનક જ જતી રહી. પેલી પાતળી હવામાં દેખાતી બંધ થઈ જતી એમ.

આજે યશોદા સાવ પડખામાં સૂતી હતી. હાથ લંબાવી સાહી લેવાય એટલી જ દૂર. રાત્રે ત્રણેક વાગ્યે એ ઊઠ્યો ત્યારે એણે આંખ ખોલી અરુણ સામે જોયેલું. એ પેશાબ કરીને પાછો આવ્યો ત્યારે ફરી માથું ઊંચું કરી અવળા પડખે સૂઇ ગઇ હતી. બસ. સવારે ઊઠીને  ત્રણ ચાર બૂમો પાડી … “યશુ, યશુ … યશોદા …!” પણ એ પડી રહી હતી, પછી ઊઠી જ નહીં.

ધવલ સાંત્વન આપવું હોય એમ તેમની સામે બેસી ગયો હતો. બધા મૂંઝાતા ઊભા હતા. “જનાર તો ગયું પણ આપણે એને પહોંચાડવાનું તો ખરું ને. અરુણભાઈ જેવા એક્સપર્ટ તો નહીં પણ માણસો તો છે જ ને. ભાઈ, હેંડો સામાન આવી ગયો હોય તો …” કહેતાં રમણભાઈ ઊભા થયા. પાછળ ધવલ દોરવાયો. અરુણ દીકરાને જતા જોઈ રહ્યો. આને કદી શીખવાનું મન ના થયું. આવડતું હોત તો કેવા પ્રેમથી પોતાની માને તૈયાર કરત?

પ્રેમ? આપણા સુખી પરિવારનું સુખ કશેક આડે હાથે મુકાઈ ગયું, અરુણ. પછી, સમજાવટ, વ્હાલ કે સમભાવના બે ચાર વાક્યોના આધારથી ટકી જવાતું.

પોતે ઓછા પ્રયત્નો નથી કર્યા … રમણભાઈનો દીકરો આનંદ, પરેશભાઈનો ચિન્મય કે દામુ કાકાનો નિખિલ. માળા, ગામ આખાની ડાહી ડાહી વાતો કરે. મીઠો લીમડો કે કેસર કેરીની કલમ કેમ ઉગાડવી એની લાંબી ચર્ચા કરે પણ સાત ભવનું પુન મળે એવી આવડત શીખવાની વાતે મોઢાં સિવાઈ જાય. અંબાલાલને સમજાતું નથી કે જીવ વગરનું શરીર ઉકરડાથી ય બદતર? જાણે કોઈ ચેપી રોગના દર્દીની એંઠ પડી હોય એમ કોઈ એને સ્પર્શવા ય તૈયાર નહીં. દૂર રહ્યા રહ્યા રેલવેના વરાળ એન્જિનમાં કોલસો ભરતા હોય એમ પોતાનું માણસ ભઠ્ઠીમાં પધરાવી પાછા. બીજે દિવસે મળેલા અસ્થિ યે કોનાં અને કેવાં?  નર્યો દળ, નદીની રેત જોઈ લો.

યશોદા પાસે કોઈ જાદુઈ છડી ફેરવીને દુઃખ દર્દ ગાયબ કરી દેવાની અનોખી તરકીબ હતી. એ આમ એના ભાગનું જીવન લઈને ચાલી નીકળી. કશી વાતચીત વગર સ્ટેશન આવે અને કોઈ મુસાફર ચૂપચાપ ઊતરી જાય એમ. આસનાવાસના મળે એવાં બે ચાર વાક્યો કે ખપ લાગે એવા શબ્દોએ લેતી ગઈ.

આખી જિંદગી દેહ શણગારી શણગારી અગ્નિદેવને સુપ્રત કર્યા પણ આ યશોદાની વિધિ …. બે ય છોકરાઓએ પાધરું કહી દીધું, માની અંતિમ ક્રિયા અમે કરી લઈશું, તમે શાંતિથી ભગવાનનું નામ લો. સાવ આવું? આખા ગામને ખબર છે કે મારા જેવું છેલ્લી યાત્રાનું સુશોભન કોઈને ન આવડે. પણ, દીકરા જ નહિ સગાંવહાલાં કે પાસપાડોશ … સહુની એક જ વાત, જો, ધવલ, તારા પપ્પાને તકલીફ ના આપતો. એમનાથી તારી મમ્મીને હાથ નહિ અડાડી શકાય. બહુ આકરુ લાગશે બચાડા જીવને. એને એના દુઃખમાં છોડી દો.

યશોદાને બે ચાર સ્ત્રીઓને હવાલે છોડી એક પછી એક સૌ બહાર નીકળ્યા ત્યારે લીમડાનો છાયો સહેજ લંબાયો હતો. દૂર બે કાબરો, એક કાગડો ચણ માટે ફાંફાં મારતાં હતાં. યશોદા પક્ષીઓને નિયમિત ચણ નાંખતી. વરંડામાં બાંધેલી ઠીબમાં પાણી રેડી, હમણાં પક્ષી આવવાનું હોય એમ બાર સાખે હાથ ટેકવી આકાશ તાકી રહેતી.

બહાર એલ્યુમિનિયમની ચમકતી ઠાઠડી જોતાં જ અંબાલાલને ઊબકો આવવા જેવું થયું.  એ બૂમ પાડવા મથ્યા … ધવલ … ધવલ … પણ અવાજ નીકળ્યો નહીં. હોઠ ધ્રૂજીને બંધ થઈ ગયા. એ બોલ્યા વગર બેસી રહ્યા. સામે રમણભાઈ બારીને સળિયે હથેળી ટેકવી ઊભા હતા એ ય આ તરફ જોતા નહોતા.

અંદર ઊભરાઈને જે શમી ગયું એ વિશે કશું કહેવાનો વિચાર આવ્યો પણ શું બોલવાનું?

“આપણને ગમતું સઘળું સામે ચાલીને આપણી પાસે ન પણ આવે એવા સંજોગોમાં આપણે ડગલું માંડવું પડે, મિસ્ટર ત્રિવેદી.” યશોદાએ એકવાર કહ્યું હતું. ક્યારે? હા યાદ આવ્યું. ઓફિસમાં ગણપત ભાદાણીને પ્રમોશન મળવાની ચર્ચા હતી ત્યારે.

અરુણે વિષાદથી માથું હલાવતાં રમણભાઈ સામે જોયું. રમણભાઈને એટલું સમજાયું કે અરુણ કશુંક કહેવા માગે છે.  રમણભાઈ નજીક આવ્યા એટલે એણે એલ્યુમિનિયમની સીડી જેવા આકાર સામે જોતાં હવામાં હથેળી ફેરવી.

“તમારી વાંસવાળી નનામીની ઈચ્છા છે? એમ બોલો ને ભલા માણસ. હું કરું છું વેવસ્થા.” કહી એ ઝડપથી ખસ્યા.

અરુણને થયું કે અંદર જઈને જોઈ આવે. સૌભાગ્યવતીના શણગાર, કંકુનો ચાંદલો બધું બરાબર થયું છે ને? એની સેંથી કોણે પૂરી હશે? બે ત્રણ વાહનો શરૂ થવાના ઊંચા અવાજો સંભળાયા. એ બારણા પાસે આવ્યા, ધક્કો દેવા હાથ ઊંચકાયો ત્યાં કોઈએ તેમનો હાથ સાહી લીધો.

“અરુણભાઈ મોડું થશે, યાર, શબવાહિની આવી ગઈ છે એટલે આમાં લઈ જઈએ તો શું વાંધો છે?” એ શું બોલતા હતા એ સંભળાતું નહોતું. આંખોમાં તડકો વાગતો હતો એટલે આડી હથેળીએ ચહેરો જોવા મથ્યા. એમને બોલતા અટકાવી એમણે બારણું ધકેલ્યું પણ અંદરથી બંધ બારણું હલ્યું નહીં.

ઝાપાં પાસે ત્રણ ચાર જણ ઊભા ઊભા ઊભા હસતા હતા. કોઈ તમાકુ ચોળતું એમને જોઈ રહ્યું હતું.

જાણકાર માણસો ઝડપથી બધું લઈ આવ્યા એટલી વારમાં યશોદાને શણગારી દેવામાં આવી. “ફૂલના હાર અને છૂટાં ફૂલ … એમને અત્યારે જ ….” વાક્ય અધૂરું છોડી પુષ્પાબે’ન અરુણભાઈ સામે જોઈ રહ્યાં. એ યશોદાને જોઈ રહ્યા હતા. જવાબ ન મળ્યો એટલે પુષ્પાબે’ને નિર્ણય લેતા હોય એમ ફૂલનો હાર લઈ દિવ્યા તરફ લંબાવ્યો. કોઈએ ટેપ રેકોર્ડર પર ‘શ્રી કૃષ્ણં શરણમ્‌ મમ્‌’ની ધૂન શરૂ કરી.

પુષ્પાબે’ને યશોદાનું માથું ઊંચું કર્યું એટલે દિવ્યાએ ગુલાબનો હાર પહેરાવ્યો. ચીવટ પૂર્વક છાતી ઉપર એમ હથળીઓ દબાવી દબાવી ગોઠવ્યો. વરુણ મોબાઇલમાં આખી ઘટના રેકોર્ડ કરતો હતો. ધવલે ગુલાબની પાંખડીઓ મૂકી એટલામાં સહુ હારબંધ ગોઠવાઇને પગે લાગવા માંડ્યાં.

અરુણને કશું સમજાયું નહિ. એમને બહારથી વાંસ ખખડવાના અવાજો સંભળાતા હતા. ‘પાણી લાવો લ્યા, એ આ છાણું સળગાવો’ની બૂમો કાને પડતાં એમના પગમાં થનગન થતું હતું. હું જાઉં ત્યાં … આમને કોઈને નહીં આવડે,  કશી ગતાગમ નહીં પડે. આ રમણિયો ….’ અચાનક એમને ધકકો વાગ્યો.

“ભાઈ ધવલ, નાનકા … મમ્મીના કાનમાં પ્રાણપોક મૂકો બેટા”. એક પ્રૌઢ સ્ત્રીએ દબાયેલા અવાજે કહ્યું.

જો ખપાટો બરાબર નહીં બંધાય ને આવડી આ ગબડી પડશે તો?  કોણ બાંધતું હશે? આ ધૂન ધીમી કરો ભૈ’સાબ તો બહારનું કશું સંભળાય. એમણે બહાર જવા ડગલું ભર્યું ત્યાં દિવ્યાએ એમની તરફ ફૂલોની થાળી અંબાવી. એમણે યંત્રવત હથેળીમાં ફૂલો લીધાં.

હમણાં નનામી તૈયાર કરશે ત્યારે બધું વેરણ છેરણ થઈ જશે. પહેલેથી આવું બધું ના હોય. ફૂલો ચડાવતાં પહેલાં એમની નજર યશોદાના પગથી શરૂ કરી ધીમે ધીમે ઉપર આવવા લાગી. અંગૂઠા ખુલ્લા, સાડીની કોરેથી ડોકાતી જાંબુડી ચણિયાની ધાર,  લાલ સાડી ફૂલના હાર અને પાંખડીઓથી ઢંકાઈ ગઈ હતી. મોં ઉપર આવતા આંખોમાં પાણી ઊભરાયાં. કશું બરાબર નહોતું. આખી જિંદગી એક એક મરેલાને ઠાઠથી મોકલ્યા અને ….. ઠાઠડી અંદર આવી ત્યારે જોયું વાંસની ખપાટો પ્લાસ્ટિકની ચપટી દોરીથી બાંધેલી હતી. પેલું લાલ રેશમી વસ્ત્ર ક્યાં મૂક્યું હશે? વિચારતા એમણે હળવેથી ખોબો ઠાલવ્યો. યાદ આવ્યું બહારના ખાનામાં છે. ધવલને નજીક બોલાવી એમણે હળવેથી કાનમાં લાલ વસ્ત્ર લઈ આવવા કહ્યું. યાદ ન કરાવ્યું હોત તો?

યશોદા એમની મરણ પ્રસંગની જરૂરી વસ્તુઓ ગેરેજના કબાટમાં રખાવતી.

‘મારા ઘરમાં તમારું કાંણમોંકાણનું ચીંથરું ય ના જોઈએ, કીધું તમને. સમજે કાંટિયાબાબુ?’ કહેતી અદબ વાળી એમની છાતી લગોલગ ઊભી રહેતી.

સહુ બહાર ગયા પછી નિખિલ અને ચંદ્રેશે યશોદાબે’નને નનામી પર લીધાં ત્યારે એમના પર પાથરેલાં ફૂલો ચારે તરફ વેરાયાં. ચંદ્રેશની કોણીથી કોરા કંકુનો ચાંદલો ઠરડાયો. જો કે એ વાત પર કોઈનું ધ્યાન ન હતું. બારીમાંથી જોઈ રહેલા અરુણ રૂંવાડે રૂંવાડે થરથરતા હતા. માથે ગાજતી એરકન્ડિશનની ધમધમાટી એમને સંભળાતી નહોતી. પારાવાર રડવું આવતું હતું.

એકવાર ઝઘડો થયો ત્યારે યશોદાએ મોટા અવાજે સામું બોલી હાથ ઉગામ્યો ત્યારે અરુણે ઉશ્કેરાઈને એને બે તમાચા મારી દીધા હતા. આથમતા અજવાળામાં યશોદાની આંસુમાં ડૂબ ડૂબ આંખોમાં કેટલાયે ન બોલાયેલા શબ્દો તરવરી રહ્યા. રાત્રે એ જમવાનું પીરસતી હતી ત્યારે માફી માગવા હોઠ ફફડે એ પહેલા અરુણની આંખો દદડી પડી હતી. એ જોઈ યશોદાએ છાતીએ વળગી એમનું શર્ટ આંસુથી પલાળ્યું હતું અને શાકવાળો ચમચો હાથમાં હતો એટલે એ પાછળથી ય ખરડ્યું હતું. યશોદાની નજીક ગયા વગર ન રહેવાયું. નિખિલ અને ચંદ્રેશ સામસામે બેસી દોરી તાણતા હતા. તેમણે આંટો લઈ બીજા હાથે દોરી ખેંચી એટલે પગ હાલ્યા. એને છોલાશે જરા ધીમે, ક્યારે શીખશો? તમે આવી રીતે ના ખેંચો. આંગળીઓમાં દોરી ભીડી ને છત્તી હથેળી પર ખેંચાય.

તેમને પોતાનાં આંગળાં જુઠ્ઠાં પડતાં હોય એમ લાગ્યું. આનો કોઈ ઈલાજ નથી. બસ, ચૂપચાપ સહન કરવું. દોરી ઝડપથી લપેટાતી, ખેંચાતી જતી હતી. ખાટલાની પાંગત તણાય અને વચ્ચેનું વાણ તંગ બને એમ રેશમી વસ્ત્રમાં લપેટાયેલાં યશોદાનાં અંગો ઉપસતાં હતાં. નિખિલે છેલ્લો આંટો કપાળ વીંટવા જતો હતો એ જોઈ ના…ના કહેતા અરુણનો અવાજ તણાઈ ગયો, પણ પળ સાચવી લેતાં ધીમેથી કહ્યું, ના કપાળે નહીં.

નહીં ઊભા રહેવાય. ઉતાવળે પગલે એ બહાર આવ્યા. સૌ ટોળે વળ્યા હતા. શબવાહિની ઊભી હતી, કોઈએ કહ્યું, સોસાયટીના નાકે ઊભી રાખો, થોડીક યાત્રા તો કરાવવી પડે.  જમણી તરફ સળગાવેલી દોણીમાંથી ધુમાડો નીકળતો હતો. ‘અંદર ચાલો, પપ્પા.’ ખ્યાલ ન આવ્યો ધવલ બોલ્યો કે વરુણ? એ ચૂપચાપ ચાલતો હતો. પગથિયું ઊતરતાં ખભે ગોઠવાયેલા વાંસ પર યશોદાનું હલનચલન અનુભવાયું. એ છેલ્લી વાર આમ આટલી નજીક હતી. ત્યાં જ કોઈએ ‘રામ બોલો ભાઈ રામ’ કહેતા એને હડસેલી વાંસે ખભો ટેકવી દીધો. લથડતું પગલું સંભાળતાં અરુણે ફરીથી ટેકો આપ્યો. સાવ ટૂંકા અંતરમાં સૌને લાભ લેવાની ઈચ્છા હતી એટલે મચેલી ધક્કાધક્કી અને ‘રામ બોલો’ના પોકારમાં દિવ્યાનો રડવાનો અવાજ, ટીનીની ચીસો દબાતાં, વિલાતાં ગયાં.

સ્મશાનમાં કપાળે, પગના તળિયે ઘી ચોપડી ધવલ અને વરુણે યશોદાને પટ્ટીઓ પર લગાડેલા પાટિયે ગોઠવી હતી. એને ઓઢાડેલી સાડી …. પણ એ બોલે એ પહેલાં આજ્ઞા આવી, ‘પ્રદક્ષિણા કરી લો.’

પ્રદક્ષિણા હજી પતે ત્યાં ઘરરર અવાજ સાથે પતરાં સરક્યાં. ગરમ ગરમ હવા ફેલાઈ ન  ફેલાઈ ને યશોદા અંદર ધકેલી દેવાઈ. એના પ્રવેશ સાથે જ આગ ઝબકી, લબકારા વિસ્તર્યા. એ પમાય એ પહેલાં દરવાજો ભીડાયો. કોઈએ આવી તેમનો હાથ પકડ્યો ને અરુણ દોરાયો.

સહેજ ડાબી તરફ પાણીની ટાંકીની પાછળની બાજુ ઉપર જવાનાં પગથિયાં હતાં. ત્યાં છેડે નાની ટેકરી જેવું બનાવ્યું હતું. પકડેલો હાથ છોડતાં પેલા જણે કહ્યું હતું, હાથ મોં ધોઈ લો. સામે કપાયેલા થડિયાંના બાંકડે ધવલ બેઠો હતો. એનાથી ખાસ્સે દૂર વરુણ કોઈ સાથે વાત કરતો હતો. અરુણે ચાલવા પગ ઉપાડ્યો ત્યારે શરીર સાવ અચેતન લાગ્યું. ના, એ શરીર વશવર્તીને નહિ ચાલે. એણે ચાલવા માંડ્યું. ટેકરી પરથી એને ચોતરફ વિસ્તરેલી ઊંચી ઊંચી ઈમારતો વરતાઈ. એ ફર્યો તો દિશા બદલાતાં સોસાયટીઓનાં ધાબાં દેખાયાં. એ ફર્યા ને એને યાદ આવ્યો દૂર દૂર ફેલાયેલો રેતાળ પટ, નદીના વહેતાં પાણીનો રમરમાટ, નાના મોટા પથ્થરો, કહોવાયેલી ડાળીઓ, છીપલાં ….. સઘળું એમને ઘેરવા ધસમસતું આવ્યું. એનો ભય અનુભવાયો. અરુણ પહેલાં ધવલને પછી વરુણને બૂમ મારવા યત્ન કર્યો પણ બંધ હોઠ ઊઘડ્યા નહિ.

  *      *     *

8, Carlyon Close, Wembley, Middlesex, HA0 1HR United Kingdom HA0 1HR
e.mail : anilnvyas@yahoo.co.uk
પ્રગટ : “એતદ્દ” – 242; ઍપ્રિલ–જૂન 2024; પૃ. 29-39

Loading

लड़की किसे चाहिए ?

कुमार प्रशांत|Opinion - Opinion|26 August 2024

कुमार प्रशांत

पूरा कोलकाता पहले गुस्से से लाल हुआ, फिर जल-भुन कर राख हुआ ! अस्पताल में ही नहीं, वह राख कोलकाता शहर में भी सब दूर फैली. जुलूस-धरना-प्रदर्शन चला तो लगातार चलता ही रहा. उसे भाजपा समेत विपक्षी दलों ने उकसाया-भड़काया जरूर लेकिन वह जल्दी ही कोलकाता के भद्रजनों के आक्रोश में बदल गया. ऐसा जब भी होता है, बंगाल से ज्यादा खतरनाक भद्रजन आपको खोजे नहीं मिलेंगे. ममता बनर्जी यह अच्छी तरह जानती हैं क्योंकि इसी भद्रजन के आक्रोश ने, उन्हें मार्क्सवादी साम्यवादियों का पुराना गढ़ तोड़ने में ऐसी मदद की थी कि वे तब से अब तक लगातार सत्ता में बनी हुई हैं. लेकिन सत्ता ऐसा नशा है एक जो जानते हुए भी आपको सच्चाई से अनजान बना देता है. ममता भी जल्दी ही बंगाल के भद्रजनों की इस ताकत से अनजान बनती गईं.

किसी भी अन्य मुख्यमंत्री की तरह सत्ता के तेवर तथा सत्ता की हनक से उन्होंने बलात्कार व घिनौनी क्रूरता के साथ लड़की रेजिंडेंट डॉक्टर की हत्या के मामले को निबटाना चाहा. लेकिन उस मृत डॉक्टर की अतृप्त आत्मा जैसे उत्प्रेरक बन कर काम करने लगी. जैसे हर प्रदर्शन-जुलूस-नारे-पोस्टर के आगे-आगे वह डॉक्टर खुद चल रही थी. ऐसी अमानवीय वारदातों को दबाने-छिपाने-खारिज करने की हर कोशिश को विफल होना ही था. वह हुई  और कोलकाता का आर.जी.कर अस्पताल, ममता की राजनीतिक साख व संवेदनशील छवि के लिए वाटर-लू साबित हुआ. अब ममता भी हैं, उनकी सत्ता भी है लेकिन सब कुछ कंकाल मात्र है.

यह आग कोलकाता से निकल कर देश भर में फैल गई. मामला डॉक्टरों का था जो वैसे भी कई कारणों से सारे देश में हैरान-परेशान हैं. सो देश भर की सूखी लकड़ियों में आग पकड़ गई. आंच सुप्रीमकोर्ट तक पहुंच गई. नागरिक अधिकारों, संवैधानिक व्यवस्था, प्रेस की आजादी, अभिव्यक्ति की स्वतंत्रता से ले कर सत्ता के मर्यादाविहीन आचरण तक के सभी मामलों में देश में जैसी आग लगी हुई है, उसकी कोई लपट जिस तक नहीं पहुंचती है, उस अदालत को यह लपट अपने-आप कैसे दिखाई दे गई, कहना कठिन है. मणिपुर की लड़कियों को जो नसीब नहीं हुआ, कोलकाता की उस डॉक्टरनी को वह नसीब हुआ- भले आन व जान देने के बाद!  सुप्रीम कोर्ट ने आनन-फ़ानन में अपनी अदालत बिठा दी और कड़े शब्दों में अपनी व्यवस्था भी दे दी, एक निगरानी समिति भी बना दी जिसकी निगरानी वह स्वयं करेगी. मैं हैरान हूं कि हमारी न्यायपालिका, जो इसकी निगरानी भी नहीं कर पाती है कि उसके फैसलों का सरकारें कहां-कब व कितना पालन करती हैं, वह डॉक्टरों पर हिंसा की जांच भी करेगी व उसकी निगरानी भी रखेगी, यह कैसे होगा ! लेकिन अदालत कब सवाल सुनती है ! अगर वह सुनती तो उसे सुनायी दिया होता कि सत्ता की शह से जब समाज में व्यापक कानूनहीनता का माहौल बनाया जाता है, तब राजनीतिक ही नहीं, सामाजिक-नैतिक-आर्थिक एनार्की का बोलबाला बनता है. कानूनविहीनता का आलम देश में बने तो यह सीधा न्यायपालिका का मामला है, क्योंकि संविधान के जरिये देश ने यही जिम्मेवारी तो उसे सौंपी है. न्यायपालिका के होने का यही, और एकमात्र यही औचित्य है. 2014 से अब तक अदालतों को यह दिखाई नहीं दिया तो अंधेरा और किसे कहते हैं ? बताते हैं कि कोलकाता के अस्पताल में जब वह अनाचार हुआ तो वहां भी अंधेरा था.

कोलकाता की घटना के बाद यौनाचार व यौनिक हिंसा की कितनी ही वारदातों की खबरें देश भर से आने लगीं. लगा जैसे कोई बांध टूटा है ! पता नहीं, ऐसा कहना भी कितना सही है. जब घर-घर में ऐसी वारदातें हो रही हों, जब सब तरफ हिंसक उन्माद खड़ा किया जा रहा हो तब कोई कैसे कहे कि यह जो सामने है, यह पूरी तस्वीर है!

यह सब हुआ, होना चाहिए था. आगे भी होता रहेगा. प्रधानमंत्री यूक्रेन की आग बुझा कर लौटेंगे तो चुनावी आग में इस मामले को होम कर, धू-धू जलाएंगे. लेकिन जो नहीं पूछा गया और जिसका जवाब नहीं मिला वह यह सवाल है कि लड़की किसे चाहिए ? आर.जी.कर अस्पताल में जो अनाचार व अत्याचार हुआ, वह डॉक्टर पर नहीं हुआ, लड़की पर हुआ. वह लड़की डॉक्टर थी और वह जगह अस्पताल थी, यह संयोग है. महाराष्ट्र में जो हुआ वह स्कूल था, और जिनके साथ हुआ वे छोटी बच्चियां थीं. तो जो यौन हिंसा हो रही है, उसके केंद्र में लड़की है जिसका स्थान, जिसकी उम्र, जिसका पेशा आदि अर्थहीन है. तो सवाल वहीं खड़ा है कि लड़की किसे चाहिए ? जवाब यह है कि हर किसी को लड़की चाहिए : व्यक्तित्वविहीन लड़की ! शरीर चाहिए. वह स्त्री-पुरुष के बीच जो नैसर्गिक आकर्षण है, उस रास्ते मिले कि प्यार नाम की जो सबसे अनजानी-अदृश्य भावना है, उस रास्ते मिले या डरा-धमका कर, छीन-झपट कर, मार-पीट कर मिले. वह मिल जाए, यह हवस है; मिल जाने के बाद हमारे मन में उसकी प्रतिष्ठा नहीं मिलती है. इसलिए घर, जो लड़की के बिना न बनता है, न चलता है, लड़की के लिए सबसे भयानक जगह बन जाता है जहां उसकी हस्ती की मजार मिलती है. हर घर में लड़की होती है लेकिन मिलती किसी घर में नहीं है. इसकी अपवाद लड़कियां भी होंगी लेकिन वे नियम को साबित ही करती हैं.

इसलिए समस्या को इस छोर से देखने व समझने की जरूरत है. अंधी-कुसंस्कृति की नई-नई पराकाष्ठा छूती राजनीति व जाति-धर्म-पौरुष जैसे शक्ति-संतुलन का मामला यदि न हो, तो भी स्त्री के साथ अमानवीय व्यवहार होता है. ऐसी हर अमानवीय घटना हमें बेहद उद्वेलित कर जाती है. दिल्ली के निर्भया-कांड के बाद से हम देख रहे हैं कि ऐसा उद्वेलन बढ़ता जा रहा है. यह शुभ है. लेकिन यह भीड़ का नहीं, मन का उद्वेलन भी बने तो बात बने. स्त्री-पुरुष के बीच का नैसर्गिक आकर्षण और उसमें से पैदा होने वाला प्यार का गहरा व मजबूत भाव हमारे अस्तित्व का आधार है. वह बहुत पवित्र है, बहुत कोमल है, बहुत सर्जक है. लेकिन इसके उन्माद में बदल जाने का खतरा हमेशा बना रहता है. यह नदी की बाढ़ की तरह है. नदी भी चाहिए, उसमें बहता-छलकता पानी भी चाहिए, बारिश भी चाहिए, वह धुआंधार भी चाहिए लेकिन बाढ़ नहीं चाहिए. तो बांध मजबूत चाहिए. कई सारे बांध प्रकृति ने बना रखे हैं. दूसरे कई सारे सांस्कृतिक बांध समाज को विकसित करने पड़ते हैं. समाज जीवंत हो, प्रबुद्ध हो व गतिशील साझेदारी से अनुप्राणित हो तो वह अपने बांध बनाता रहता है.

परिवार में स्त्री का बराबर का सम्मान व स्थान, परिवार के पुरुष को सांस्कृतिक अनुशासन के पालन की सावधान हिदायत, समाज में यौनिक विचलन की कड़ी वर्जना, कानून का स्पष्ट निर्देश व उसकी कठोर पालना से ऐसा बांध बनता है जिसे तोड़ने आसान नहीं होगा. प्यार की ताकत समर्पण में ही नहीं, उसके अपमान की वर्जना में भी प्रकट होनी चाहिए. नहीं देखता-पढ़ता या सुनता हूं कि किसी प्रेमिका ने अपने प्रेमी को, किसी पत्नी ने अपने पति को, किसी मां ने अपने बेटे को, किसी बहन ने अपने भाई को यानी किसी स्त्री ने अपने दायरे में आने वाले किसी भी पुरुष-संबंध को रिश्ते से, परिवार से बाहर कर दिया हो क्योंकि उससे यौनिक अपराध हुआ है. बलात्कारी को यदि यह अहसास हो, उसके आसपास ऐसे उदाहरण हों कि यौनिक हिंसा के साथ ही वह समाज व परिवार से हमेशा-हमेशा के लिए वंचित हो जाएगा, तो यह एक मजबूत बांध बना सकता है. मनुष्य सामाजिक प्राणी है. वह समाज को तब तक ही ठेंगे पर रखता है जब तक उसे विश्वास होता है कि वह समाज को हांक ले जाएगा. ऐसा इसलिए होता है कि आज अधिकांशत: समाज जीवंत, संवेदनशील मनुष्यों की जमात नहीं, भीड़ भर है. भीड़ में से मनुष्य को निकाल लाना बड़ी दुर्धर्ष मनुष्यता का काम है. लेकिन बांध बनाना कब आसान रहा है !

यह हमारी खुद से लड़ाई है. लड़का डराएगा नहीं, लड़की लुभाएगी नहीं, तभी दोनों एक-दूसरे के प्रति सहज-स्वस्थ-सुंदर रिश़्ता बना व निभा पाएंगे. फिर बच जाएंगी दुर्घटनाएं जिन्हें संभालने-सुधारने-स्वस्थ बनाने का काम घर-समाज-कानून मिल कर करेंगे. अगर ऐसा कुछ बोध समाज को हुआ तो कोलकाता के उस अस्पताल की वह डॉक्टर सच में हम सबकी डॉक्टर बन जाएगी.

(26.08.2024)
मेरे ताजा लेखों के लिए मेरा ब्लॉग पढ़ें
https://kumarprashantg.blogspot.com

Loading

14 ભાષાના જ્ઞાની કુંવર નટવર સિંહ : એક એવો લીડર જે રીડર પણ હતો

રાજ ગોસ્વામી|Opinion - Opinion|26 August 2024

રાજ ગોસ્વામી

અમેરિકાના 33મા રાષ્ટ્રપતિ હેરી એસ. ટ્રુમેનનું એક નોંધપાત્ર કથન છે : નોટ ઓલ રીડર્સ આર લીડર બટ ઓલ લીડર્સ આર રીડર્સ. આ કથનમાં, ટ્રુમેન વાંચવાની ટેવનું મહત્ત્વ સાબિત કરવા માંગતા હતા; એટલું જ નહીં, ખાસ તો તેઓ એમ સાબિત કરવા માંગતા હતા કે એક લીડર ત્યારે જ એક અચ્છો લીડર ગણાય જ્યારે તે પુસ્તકો વાંચવાનો શોખીન હોય – જે વાંચે જે તે બધા લીડર નથી હોતા, પણ જેટલા લીડર છે તે બહુ સારા વાચક જરૂર હોય છે.

લીડર્સ અચ્છા રીડર્સ હોય છે કારણ કે તેઓ જાણે છે તેમના પહેલાં જીવન જીવી ગયેલા લોકો પાસેથી ઘણું શીખવાનું છે. તેઓ એ પણ જાણે છે કે ઇતિહાસ ખુદને અલગ રંગ અને રૂપમાં દોહરાવે છે. જે અતીતમાંથી બોધપાઠ શીખે છે તે જ નવા ભવિષ્યની કલ્પના કરી શકે છે. જે નથી શીખતા તે અતીતને દોહરાવે રાખે છે. અમેરિકન ફિલોસોફર જ્યોર્જ સંતાયાનાએ કહ્યું હતું તેમ, “જે લોકો ઇતિહાસને યાદ રાખી શકતા નથી તેઓ તેનું પુનરાવર્તન કરવા માટે મજબૂર છે.”

ભારતના 78મા સ્વતંત્રતા દિવસના પાંચ દિવસ પહેલાં, 10મી ઓગસ્ટે, અવસાન પામેલા કુંવર નટવર સિંહ એ અર્થમાં ખાલી લીડર નહોતા, પણ એક અચ્છા રીડર હતા. 31 વર્ષ સુધી કૂટનીતિક ક્ષેત્રે સેવા આપ્યા બાદ કાઁગ્રેસ પાર્ટી તરફથી સાંસદ અને 2004-5માં વિદેશ પ્રધાન બનેલા નટવર સિંહને લખવા-વાંચવાનો બહુ શોખ હતો. તેમના અંગત પુસ્તકાલયમાં 10,000થી વધુ પુસ્તકો હતાં અને તેમની મોટા ભાગની સાંજ પુસ્તકો વચ્ચે પસાર થતી હતી. તેમને 14 ભાષાનું જ્ઞાન હતું. 

તેમણે માત્ર એક વિદ્વાનની આંખોથી જ નહીં, પરંતુ એક કવિના હૃદયથી પુસ્તકો પણ વાંચ્યાં હતાં અને મહાન કૃતિઓમાંથી પોતાના માટે પ્રેરણા અને સાંત્વના મેળવી હતી. લેખિત શબ્દ માટેના આ પ્રેમનો વારસો તેમણે ઘણા નવોદિત લેખકોને આપ્યો હતો. છેલ્લે છેલ્લે તો તેમણે રાહુલ ગાંધીને પણ બે જીવનચરિત્રો વાંચવા માટે આપ્યાં હતાં.

નટવર સિંહે ધ લેગસી ઓફ નેહરુઃ અ મેમોરિયલ ટ્રિબ્યુટ, માય ચાઇના ડાયરી-1956-88, મહારાજા સૂરજમલ હિઝ લાઇફ એન્ડ ટાઇમ્સ સહિત અનેક પુસ્તકો પણ લખ્યાં છે. તેમની આત્મકથા ‘વન લાઇફ ઇઝ નોટ એનફ’ને લોકોએ પસંદ કરી હતી.

ભારતીય રાજનીતિમાં, પુસ્તકોના શોખીન નેતાઓની પ્રજાતિ ઘટતી જાય છે, અને નટવર સિંહ તેના આખરી વારસ પૈકીના એક હતા. તેમણે ગ્વાલિયરની સિંધિયા સ્કૂલ, અજમેરની મેયો કોલેજ તેમ જ દિલ્હી અને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો. તેઓ ચીનની પેકિંગ યુનિવર્સિટીમાં સ્કોલર હતા.

કે. નટવર સિંહ એક એવી વ્યક્તિ હતા જેમણે કૂટનીતિ અને રાજકારણના ક્ષેત્રમાં તો પોતાની ઓળખ બનાવી હતી, પરંતુ જ્યારે તેમણે લેખનના ક્ષેત્રમાં હાથ અજમાવ્યો, ત્યારે તેમને ત્યાં પણ ઘણી પ્રશંસા મળી હતી. આ ગુણો ઉપરાંત, તેમના વ્યક્તિત્વની વિશેષતા તેમની હાજર જવાબી અને નિખાલસતા હતી, જેનાથી તેમને ઘણી લોકપ્રિયતા મળી હતી.

તેનો એક શરૂઆતી કિસ્સો છે. દિલ્હીની સેન્ટ સ્ટીફન્સ કોલેજમાંથી સ્નાતક થયા પછી, નટવર ઇંગ્લેન્ડના કેમ્બ્રિજમાં ગયા હતા. વિમાનમાં તેઓ નહેરુના નજીકના સહયોગી કૃષ્ણ મેનનને મળ્યા હતા. તેમણે નટવરને સિવિલ સર્વિસિ ઇન્ટરવ્યૂ માટે ઘણી ટીપ્સ આપી હતી. નટવરે સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરી અને ભારતીય વિદેશ સેવા માટે પસંદગી પામ્યા. 

વડા પ્રધાન નેહરુએ વિદેશ સેવા માટેના તમામ પ્રોબેશનરોને મળવા માટે બોલાવ્યા હતા. નટવર તેમના ભત્રીજાઓના મિત્ર હતા, એટલે તેઓ નહેરુને અનોપચારિક રીતે જાણતા હતા. એકબીજાના હાલચાલ પૂછ્યા પછી નહેરુએ નટવરને ચીન અંગે પ્રશ્ન પૂછ્યો હતો : શું આપણને ચીનથી જોખમ છે? નટવર સિંહે કૂટનીતિક પ્રશ્નનો જવાબ હોંશિયારીથી આપ્યો હતો : હા અને ના, તમારો પડોશી તમારો સૌથી સારો મિત્ર બની શકે છે અને સૌથી ખરાબ દુ:શ્મન પણ. નહેરુ આંખોમાં એક તોફાની ચમક સાથે બોલ્યા હતા, “તમે મને ચાણક્ય નીતિ શીખવી રહ્યા છો, નટવર?”

બીજા એક કિસ્સામાં, પાકિસ્તાનમાં તેમની પોસ્ટિંગ દરમિયાન, ત્યાંના લશ્કરી સરમુખત્યાર જનરલ ઝિયા-ઉલ-હકે એક દિવસ નટવર સિંહને કહ્યુંઃ “કુંવર સાહેબ, કાશ્મીર અમારી નસમાં લોહીની જેમ વહી રહ્યું છે.” 

નટવરે સામે જવાબ આપ્યો હતો, “જનરલ સાહેબ, તમે તો લોહીની વાત કરો છો. કાશ્મીર અમારા અસ્થિમજ્જા(બોન મેરો)નો ભાગ છે.”

એ બેઠકમાં હાજર લોકોનું કહેવું છે કે નટવર સિંહનો જવાબ સાંભળીને ઝિયા હક્કાબક્કા થઇ હતા. હકીકતમાં બંને એકબીજાને ઓળખતા હતા. બંને સાથે અભ્યાસ કરતા હતા. જનરલ ઝિયા-ઉલ-હક અને નટવર સિંહ વચ્ચે તેમના વિદ્યાર્થીઓના દિવસો વખતથી જ ગરમાગરમી હતી. બંને દિલ્હી યુનિવર્સિટીની સેન્ટ સ્ટીફન્સ કોલેજના વિદ્યાર્થીઓ હતા. એટલા માટે જ્યારે સેન્ટ સ્ટીફન્સની એક ટીમે પાકિસ્તાનની મુલાકાત લીધી, ત્યારે ત્યાંના શિક્ષકો અને વિદ્યાર્થીઓને જનરલ ઝિયાએ ભવ્ય ભોજન અને ઘણી ભેટો આપી હતી.

1931માં રાજસ્થાનના ભરતપુરના શાહી વૈભવમાં જન્મેલા નટવર સિંહ રીડર અને લીડર બનવાનું નસીબ લઈને જ આવ્યા હતા. નાની ઉંમરથી જ, તેમનું જીવન સન્માન અને ફરજના મૂલ્યોથી ઓતપ્રોત હતું, જે લક્ષણો તેમને પડકારજનક કારકિર્દીમાં હેમખેમ આગળ લઇ જવાનાં હતાં.

તેમણે 1953માં ભારતીય વિદેશ સેવામાં પ્રવેશ કર્યો હતો અને એવી દુનિયામાં પગ મૂક્યો હતો જે બીજા વિશ્વયુદ્ધની તબાહી અને શીત યુદ્ધની શરૂઆતથી હજુ પણ ઝઝૂમી રહી હતી. બદલાતા ગઠબંધન અને ઉચ્ચ દાવની વાટાઘાટો વચ્ચે, નટવર સિંહે પોતાને નોંધપાત્ર બુદ્ધિ અને અચળ સંકલ્પના માણસ તરીકે સાબિત કર્યા. 1983માં બિનજોડાણવાદી ચળવળ શિખર સંમેલન દરમિયાન અન્ય રાજદ્વારી મિશનમાં તેમણે કરેલાં કાર્યોએ 20મી સદીના કેટલાક સૌથી તોફાની દાયકાઓ દરમિયાન ભારતની વિદેશ નીતિના મુખ્ય ઘડવૈયા તરીકે તેમની ભૂમિકાને રેખાંકિત કરી હતી.

તેમાં, તેમની આત્મકથાએ ખાસો વિવાદ ઊભો કર્યો હતો. તેમાં તેમણે 2004માં સોનિયા ગાંધી કેમ વડા પ્રધાન ન બન્યાં તેની આંતરિક વાતો જાહેર કરી હતી. 

તેમણે લખ્યું હતું, “રાહુલે માતાને વડા પ્રધાન બનતાં રોક્યા હતા કારણ કે તેને ડર હતો કે તેની દાદી અને પિતાની જેમ તેમની પણ હત્યા થઈ જશે. આ મામલો ત્યારે વધુ ગંભીર બન્યો જ્યારે રાહુલે કહ્યું કે તે માતાને વડા પ્રધાન બનતાં અટકાવવા માટે કોઈપણ પગલું ભરવા તૈયાર છે. રાહુલ એક મજબૂત ઈચ્છાશક્તિ ધરાવતો માણસ છે, તેથી તે એક સરળ ધમકી નહોતી. તેણે આ નિર્ણય લેવા માટે સોનિયા ગાંધીને 24 કલાકનો સમય આપ્યો હતો. તે સમયે મનમોહન સિંહ, સુમન દુબે, પ્રિયંકા અને હું હાજર હતા. સોનિયાને જોઈને એવું લાગતું હતું કે તેઓ ખૂબ જ દુઃખી હતાં અને તેમની આંખોમાં આંસુ હતાં. એક માતા તરીકે તેમના માટે રાહુલની અવગણના કરવી અશક્ય હતી. આ જ કારણે તેઓ વડા પ્રધાન બન્યા ન હતાં.”

સોનિયા ગાંધીએ આ આરોપોને ગંભીરતાથી લીધા હતા. તેમણે તે વખતે કહ્યું હતું, “હું મારું પુસ્તક લખીશ અને પછી દરેકને સત્ય ખબર પડશે. સત્યને બહાર લાવવાનો એકમાત્ર રસ્તો લખવાનો છે. હું તેના વિશે ગંભીર છું.”

(પ્રગટ : ‘બ્રેકિંગ વ્યુઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 25 ઑગસ્ટ 2024)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...454455456457...460470480...

Search by

Opinion

  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved