
રવીન્દ્ર પારેખ
છે તે સંભાળાતું નથી અને આમથી તેમથી હરામનું શોધવામાંથી પાકિસ્તાન ઊંચું જ નથી આવતું. જન્મ્યું ત્યારથી જ તે ઉપદ્રવી રહ્યું છે ને ભારત સાથે મૈત્રીનું નાટક કરીને કે મૈત્રીની ઈચ્છા કરીને ભારતને કઈ રીતે પજવી શકાય તેની વેતરણમાં જ તે આજ સુધી રહ્યું છે. અત્યારે તેને જૂનાગઢ પાકિસ્તાનનું છે એવો એટેક આવ્યો છે. એ ઉપરાંત જમ્મુ-કાશ્મીર પણ તેનું છે તેવું ફેફરું ફરી ઊપડ્યું છે. પોતાના રોટલા નીકળતા નથી અને જૂનાગઢને મેળવવાની લાલસા જાગી છે જે કોઈ રીતે પૂરી થવાની નથી તે પાકિસ્તાને સમજી લેવાનું રહે. પાકિસ્તાનના વિદેશ કાર્યાલયનાં પ્રવક્તા મુમતાઝ ઝહરા બલૂચે એક મીડિયા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે જૂનાગઢ પર ભારતે ગેરકાયદે કબજો કરી રાખ્યો છે. ગુજરાતનાં જૂનાગઢને ભારતે 1948માં કબજે કર્યું હતું. આ અંગે પાકિસ્તાનની નીતિ શરૂઆતથી જ સ્પષ્ટ રહી છે. પાક આ મામલાને ઐતિહાસિક અને કાનૂની દૃષ્ટિથી જુએ છે. ભારતે ગેરકાયદે જૂનાગઢનો કબજો કરીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ-UNSC-ના ઠરાવનું ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાન હંમેશાં જૂનાગઢનો મુદ્દો રાજકીય અને રાજદ્વારી મંચ પર ઉઠાવતું આવ્યું છે. જમ્મુ-કાશ્મીરના મુદ્દાની જેમ જ જૂનાગઢના મુદ્દાને પણ તે વણઉકેલાયેલો મુદ્દો જ ગણે છે. મુમતાઝ ઝહરા બલૂચ આટલેથી જ અટક્યાં નથી, તેમણે એ પણ ઉમેર્યું કે જમ્મુ-કાશ્મીરનું ભવિષ્ય સંયુક્ત રાષ્ટ્ર પરિષદના ઠરાવ અને જમ્મુ-કાશ્મીરના લોકોની ઈચ્છા મુજબ નક્કી કરવામાં આવશે.
ખરેખર તો આ મામલે પાકિસ્તાને 7 નવેમ્બર, 1947નો દિવસ યાદ કરવો જોઈએ. એ દિવસે શાહનવાઝ તેમના વરિષ્ઠ કેબિનેટ સહયોગી હાર્વે જોન્સને શામળદાસ ગાંધીને મળવા રાજકોટ મોકલે છે. હાર્વે રાજકોટમાં શામળદાસને જૂનાગઢનો કબજો લેવા અપીલ કરે છે. 8 નવેમ્બરે શાહનવાઝ પોતાની વાતમાંથી ફરી જતાં કહે છે કે આરઝી હકૂમતે નહીં, પણ ભારત સરકારે જૂનાગઢ કબજે લેવું જોઈએ. આવું કહીને તે પાકિસ્તાન ભાગી જાય છે. એ પછી 9 નવેમ્બર, 1947ને રોજ ભારતે જૂનાગઢ પર કબજો મેળવ્યો. એ દિવસ જૂનાગઢના સ્વતંત્રતા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. આ મામલે સરદાર પટેલની ઈચ્છા વિરુદ્ધ 20 ફેબ્રુઆરી, 1948ના રોજ લોકમત યોજાયો હતો. એમાં નોંધાયેલા 2,01,457 મતદારોમાંથી 1,90.870 લોકોએ મતદાન કર્યું હતું ને એમાં પાકિસ્તાનને માત્ર 91 મત મળ્યા હતા. એ પછી પણ મુમતાઝ ઝહરા બલૂચ આ હકીકત જાણ્યા વગર લવારા કરે તો તે પાકિસ્તાનમાં પણ ઘણાંનાં ભેજામાં ન ઘૂસે એમ બને. પાકિસ્તાન આ લવારાથી દુનિયાભરમાં ફરી એક વાર હાંસીને પાત્ર ઠર્યું છે. તે કહે છે તે મુજબ ગુજરાતનાં જૂનાગઢને ભારતે 1948માં કબજે કર્યું છે. હવે જો તે પોતે જ જૂનાગઢને ગુજરાતનું ગણાવતું હોય તો તે પાકિસ્તાનનું કઈ રીતે ગણાય? ગુજરાત પણ પાકિસ્તાનમાં આવેલું છે, એમ? વળી 1948માં ગુજરાત રાજ્ય તરીકે જ અસ્તિત્વમાં ન હતું, તો ગુજરાતનું જૂનાગઢ એમ કહેવાય જ કઈ રીતે? આવો બફાટ પાકિસ્તાને 2020માં પણ કર્યો હતો. પૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાને તો નવો નકશો બનાવીને જમ્મુ-કાશ્મીર અને લદાખને પાકિસ્તાનનાં બતાવ્યાં હતાં ને ત્યારે પણ જૂનાગઢને પાકિસ્તાનનું બતાવવામાંથી તે ચૂક્યા ન હતા. સારું છે કે આખા ભારતને પાકિસ્તાને તેનાં નકશામાં બતાવ્યું નથી, નહિતર એવું પણ કહી શકે કે ભારત જ પાકિસ્તાનનું છે ને ભૂગોળનું જ્ઞાન ન હોય ને કોઈ નબળો વિદ્યાર્થી, અમેરિકાને પાકિસ્તાનમાં બતાવે તેમ જમ્મુ-કાશ્મીર, લદાખ, જૂનાગઢને પાકિસ્તાનમાં બતાવીને પાક નેતાઓ નાપાક હરકત કરી રહ્યા છે, પણ તેથી કૈં એ એમના પિતાજીની મિલકત થઈ જતી નથી, તે પાકિસ્તાને અને તેના નેતાઓએ સમજી લેવાનું રહે. પાકિસ્તાન ક્યારેક જ સાચું બોલે છે. એ સાચું તે 1999નાં કારગિલ યુદ્ધ મુદ્દે છેક હમણાં 25 વર્ષે બોલ્યું. પાકિસ્તાની સેનાના વડા જનરલ અસીમ મુનિરે કબૂલ કર્યું કે કારગિલ યુદ્ધમાં પાકિસ્તાનના સૈનિકો સંડોવાયા હતા, બાકી, અત્યાર સુધી તો એમ જ ચલાવાયું હતું કે કારગિલ યુદ્ધને અંજામ કાશ્મીરી ઉગ્રવાદીઓએ આપ્યો હતો.
જો કે, ભારત પણ પાકિસ્તાનને મામલે વધારે પડતી ઢીલાશ રાખે છે. તે સર્જિકલ સ્ટ્રાઇકથી રાજી રહે છે જે કોઈ રીતે યોગ્ય નથી. પાકિસ્તાન આતંકી પ્રવૃત્તિથી મુક્ત ન થાય ત્યાં સુધી કોઈ વાટાઘાટ નહીં, એવું કેન્દ્રીય ગૃહમંત્રી કે વિદેશ મંત્રી બોલતા ફરે છે, તો સવાલ એ થાય કે આટલો ઉપદેશ આપવાનું પણ કામ શું છે? આ વાતો ભારતીય મંત્રીઓએ અગાઉ કહી નથી કે વારંવાર થૂંક ઉડાડવું પડે? લાતથી કામ લેવાનું હોય ત્યાં વાતથી કામ ન લેવાય. સ્વતંત્રતા મળી એ સમયથી પાકિસ્તાન ઓકયુપાઈડ કાશ્મીર(POK)નો મુદ્દો ચાલ્યો આવે છે ને ભારતીય મંત્રીઓ વર્ષોથી બોલ્યા કરે છે કે POK લઈને રહીશું, પણ હજી સુધી તે લેવાનું મુહૂર્ત આવ્યું નથી ને આતંકીઓ તો વખતો વખત જાત બતાવતા જ રહ્યા છે. આતંકીઓ મરતા પણ હશે, પણ આપણા જવાનો તો મરે જ છે. તે શું કામ મરવા જોઈએ? આપણો એક પણ જવાન વધારાનો નથી. એક વસ્તુ બહુ સ્પષ્ટ છે કે પાકિસ્તાન સાથે આજે નહીં ને ગમે ત્યારે યુદ્ધ વગર કોઈ વાતનો ઉકેલ આવવાનો નથી. એમાં જેટલો સમય જશે એટલા આપણા જવાનો કારણ વગર મરતા રહેશે. સીધી વાત તો એ છે કે આપણા જવાનોને યુદ્ધ વગર શહીદી વહોરવાની સ્થિતિમાં મૂકવા જ શું કામ જોઈએ?
વધારામાં કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી નજીક છે. ભા.જ.પે. ચૂંટણી ઢંઢેરો તો બહાર પાડી દીધો છે, પણ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે એક વાત બહુ યોગ્ય સમયે સ્પષ્ટ કરી છે કે નીકળી ગયેલી કલમ 370 હવે પાછી આવવાની નથી. બીજી તરફ કાશ્મીરી નેતા ફારુક બાપોકાર કહે છે કે અમે સત્તામાં આવીશું તો 370મી કલમ પાછી લાવીશું, તો કાઁગ્રેસના વિપક્ષી નેતા રાહુલ ગાંધી કહે છે કે કાશ્મીરને રાજ્યનો દરજ્જો અપાવીશું. આવું બધું ચૂંટણી જીતવા બોલાતું હોય તો પણ 370મી પાછી લાવવાની વાત અત્યંત જોખમી છે. કાશ્મીરને અલગ રાજ્યનો દરજ્જો હતો ત્યારે જે સ્થિતિ હતી, તે કાઁગ્રેસને ખબર નથી? કાશ્મીરી નેતાઓએ ત્યારે જે મનમાની કરી તે પણ કોઈથી અજાણી નથી. અન્ય રાજ્યનો કોઈ પણ ભારતીય કાશ્મીરમાં એક ઇંચ જમીન ખરીદીને ત્યાં રહી શકતો ન હતો. અલગ રાજ્યમાં જ એ સ્થિતિ પણ હતી કે કેટલાક વિધર્મી નેતાઓ અને નાગરિકોને પાકિસ્તાન માટે સોફ્ટ કોર્નર હતો. એને લીધે પાકિસ્તાનને ફાવતું આવ્યું ને તે આતંકી પ્રવૃત્તિઓ વિસ્તારી શક્યું. કેન્દ્રીય ગૃહ મંત્રીએ સંસદમાં જ કહ્યું છે કે વિધાનસભાની ચૂંટણી પછી યોગ્ય સમયે કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવામાં આવશે. એ પછી પણ રાહુલ ગાંધી કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવાની કઈ સત્તા ધરાવે છે તે નથી સમજાતું. આમ પણ રાજ્યનો દરજ્જો આપવાની સત્તા કેન્દ્ર સરકારની છે. ચૂંટણી પ્રચારમાં રાજ્યનો દરજ્જો આપવાની વાત મતદારોને ભોળાવવાથી વધારે કૈં નથી. એ નોંધનીય છે કે 370મી હટ્યા પછી કાશ્મીરમાં પહેલી વખત વિધાનસભાની ચૂંટણી થવા જઈ રહી છે, ત્યારે પાકિસ્તાનને તેલ રેડાય અને તે જૂનાગઢ કે કાશ્મીરને લવારે ચડે તે સમજાય એવું છે. એ સ્થિતિમાં ભારતીય પક્ષોએ એ જોવાનું રહે કે વિધાનસભાની ચૂંટણી નિર્વિઘ્ને સંપન્ન થાય.
‘કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મ બનાવનાર વિવેક અગ્નિહોત્રીએ ઓક્સફર્ડ યુનિયનનું, કાશ્મીર મુદે થનાર ચર્ચામાં ભાગ લેવાનું નિમંત્રણ ધરાર નકાર્યું છે, તે એટલે કે ચર્ચાનો વિષય ‘હાઉસ બિલિવ્સ ઇન એન ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટ ઓફ કાશ્મીર’ હતો. વિવેક અગ્નિહોત્રીએ આમંત્રણ કેમ નકાર્યું એની સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે પ્રસ્તુત વિષય ભારત અને કાશ્મીર વિરોધી છે. કાશ્મીરી હિન્દુઓ સાથે જે થયું છે તે એવી કહાણી છે કે જેની કિંમત લોકોએ પોતાના લોહીથી ચૂકવી છે, નહીં કે મજાકમાં અપાયેલા જવાબ કે તાલીઓથી ! વિષય સંદર્ભે વિવેક અગ્નિહોત્રીએ પૂછ્યું પણ છે કે જે બાબત અંગે કોઈ વિવાદ જ નથી, તેની ચર્ચા શું કામ? વિષયમાં એવી પૂર્વધારણા લઈને ચાલવું કે કાશ્મીર સ્વતંત્ર રાજ્ય છે, એમ માનવા-મનાવવામાં ગંદુ રાજકારણ છે.
વિવેકની એ વાત સાચી છે કે વિષય પૂર્વગ્રહથી અપાયો છે. એમ મનાવવું કે કાશ્મીર સ્વતંત્ર રાજ્ય છે, એમાં જ ચર્ચામાં ભાગ લેનારને વિષય સીમિત કરવાની ફરજ પાડવા જેવું છે. કાશ્મીર સ્વતંત્ર રાજ્ય છે એ માન્યતામાં સ્વતંત્ર રાજ્ય નથી એનો છેદ ઉડાવવા જેવું પણ થાય છે. આવો પૂર્વગ્રહ વધારનારો વિષય શરમજનક છે. વિવેકે તો એનો વિવેક આમંત્રણ નકારીને દાખવ્યો, પણ કાઁગ્રેસ તેને રાજ્યનો દરજ્જો આપવાની વાત ચૂંટણી ટાણે કરે એમાં વિવેક નથી, દખલ છે. માંડ કાશ્મીરમાંથી 370મી કલમ નીકળી છે, ત્યાં તેને ફરી લાવવાની વાત, કાશ્મીરને શું લાભ અપાવશે તે નથી ખબર, પણ તે પાકિસ્તાનની કાશ્મીરમાં દખલ વધારનારી જ સાબિત થશે તેમાં કોઈ શક નથી. અસ્તુ !
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 09 સપ્ટેમ્બર 2024