ગોરા જમીનદારોના અત્યાચારથીયે અધિક દુ:ખની બિના તો એ હતી કે આ અભણ ગરીબ ખેડૂતવર્ગ સભ્ય સમાજથી પણ ઉપેક્ષિત હતો. જ્યાં સુધી આ લોકોને અક્ષરજ્ઞાન આપવાની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી તેઓની એટલે સમાજની ઉન્નતિની કોઈ આશા નહોતી. આ પછાત વર્ગને ખરેખર સહાય કરવી હોય તો સહુ પ્રથમ ગામવિકાસ અને પ્રાથમિક શિક્ષણની જરૂર હતી. આ માટે ગાંધીજીએ વર્તમાનપત્રમાં સેવાભાવી શિક્ષકોને અપીલ કરી. પરિણામ ઉત્તમ આવ્યું. દાદા ગંગાધર રાવ દેશપાંડેએ બેલગામથી તરત જ બાબાસાહેબ સોમણ અને પુંડલિકને રવાના કર્યા અને અવંતિકાબાઈ ગોખલેને મુંબઈથી ચંપારણ રવાના કર્યાં. તમિળનાડથી આનંદીબાઈ વૈશંપાયન આવ્યાં. આ જ સમયગાળામાં મહાદેવ દેસાઈ અને એમના પરમ મિત્ર નરહરિ પરીખ સાથે ગાંધીજીને પરિચય થયો. આ બંને વકીલ મિત્રો પત્ની દુર્ગાબહેન દેસાઈ તથા મણિબહેન પરીખને લઈને ગાંધીજીની સેવામાં ચંપારણ પહોંચ્યા. કસ્તૂરબા તથા દેવદાસને પણ ગાંધીજીએ બોલાવી લીધાં. આ સ્વયંસેવકોએ છ ગામ પસંદ કર્યા અને દરેક ગામમાં એક પુરુષ અને એક સ્ત્રી રહેવા લાગ્યાં. ગામલોકો આ સમાજસેવકોને રહેવા માટે ચોપાડમાં વ્યવસ્થા કરી આપતા અને સીધું આપતા. એ સિવાયનો ખર્ચ મુંબઈના મિત્રો મોકલતા. બિહારનાં ગામડાંમાં અક્ષરજ્ઞાનની જેટલી જરૂર હતી એથી પણ વિશેષ આવશ્યકતા હતી સંસ્કારી જીવનની. ઊઠવું—બેસવું, સ્વચ્છતા રાખવી, સ્વાસ્થ્યની કાળજી અને સમજ કેળવવાની. સદ્દગત ગોખલેના મિત્ર ડૉ. દેવ છ મહિના સુધી નિયમિત આ ગામડાંમાં રહ્યા અને લોકસેવા કરતા રહ્યા.
ગામડાંની માંદગી એટલે શરદી, ખાંસી, અજીર્ણ વગેરે. આ તકલીફોમાં ઘરગથ્થુ ઇલાજ અજમાવવામાં આવતા અને પરિણામ સો ટકા આવતું.
મારાં દાદી (કસ્તૂરબા) અને અન્ય મહિલાઓએ ગામનાં બાળકોને એકત્રિત કરીને એમનાં નાક સ્વચ્છ કરી આપવાં, ગડગૂમડ ધોઈ સ્વચ્છ કરી મલમપટ્ટા કરવા, માથું ચોળવું, માથામાંથી જૂલીખ કાઢવી, વાળ કાપવા વગેરે સેવાપ્રવૃત્તિ શરૂ કરી. આથી બાળકોનાં સ્વાસ્થ્યમાં પણ સુધારો થવા માંડ્યો. ગંભીર બીમારી હોય તો ડૉ. દેવ અઠવાડિયામાં એક વખત નક્કી કરેલે દિવસે ગામડામાં જઈને ઍલોપથીની સારવાર આપતા.
ખરું કામ તો ઠેરઠેરથી ઉકરડા દૂર કરવાનું હતું. વળી ગામડાંમાં સંડાસની વ્યવસ્થા નહોતી, અને ક્યાંક હોય તો સંડાસ ખૂબ ગંદાં, દુર્ગંધ ફેલાવતાં હતાં. સ્વયંસેવકોએ વહેલી સવારે ઊઠીને રસ્તા, આંગણાં, પશુઓને પાણી પીવાના હવાડા, અહીંતહી થયેલી વિષ્ટા ભેગી કરવી અથવા ઢાંકવી—વગેરે કામો ઉત્સાહભેર ઉપાડી લીધાં. કેટલીક વાર તો લોકો પોતાની વિષ્ટાની સફાઈ માટે પણ અણગમા દાખવતા. સ્વયંસેવકોની કામગીરી જોઈને કેટલાંક ગામોમાં એવી સ્ફૂર્તિ આવી કે ગામલોકોએ જાતે ઈંટ, રોડાં, માટી, પથ્થર વગેરે લાવી લાવીને રસ્તાઓનું સમારકામ શરૂ કરી દીધું જેથી ગાંધીજીની મોટર એમના ઘર સુધી જઈ શકે. એક ગામડામાં કસ્તૂરબા અને સોમણજીએ મળીને વાંસ અને લાકડાં લાવીને કામચલાઉ ઓરડા જેવું બનાવીને તેમાં નિશાળ શરૂ કરી. આસપાસના ગોરા જમીનદારોને આવી પ્રવૃત્તિઓ પસંદ નહોતી. આમે ય તેઓ સમસમીને બેઠા હતા. એક રાત્રે ગોરા જમીનદારોએ આ વાંસ—લાકડાંની શાળાને આગ ચાંપી દીધી. પ્રભુકૃપાએ કસ્તૂરબા અને સોમણજી ઊગરી ગયાં. આ બનાવથી કસ્તૂરબા કે સોમણજી સહેજ પણ નાસીપાસ થયાં નહિ. હવે તેઓએ નિશાળ માટે ઈટ-પથ્થરનો મજબૂત ઓરડો બનાવવાનો નિર્ણય કરી લીધો. ગામલોકોના સહકારથી થોડા જ સમયમાં નિશાળ માટે પાકું મકાન તૈયાર થયું, જેને બાળવું કે તોડી પાડવું મુશ્કેલ હતું.
એક વખત ગાંધીજી કસ્તૂરબાની સાથે જ ભીતિહરવા ગામની નિકટના ઓછી વસ્તીવાળા એક ગામમાં ગયા. ત્યાંની કેટલીક સ્ત્રીઓ તદ્દન ગંદી અને ઘૃણા ઉપજાવે તેવી હતી. ગાંધીજીએ કસ્તૂરબાને કહ્યું કે, ‘આ સ્ત્રીઓને સમજાવો કે શરીર સ્વચ્છ રાખે, કપડાં નિયમિત ધુએ.’ સ્ત્રીઓ કસ્તૂરબાને પોતાનાં ઝૂંપડાંઓમાં લઈ ગઈ અને અંદરની હાલત બતાવીને કહેવા લાગી : ‘જુઓ, અહીં એકે અભરાઈ કે તાકું નથી. પહેરેલા સાડલા સિવાય બીજું વધારાનું એકે કપડું નથી. મહાત્માજીને કહો કે તેઓ અમને એક એક સાડી અપાવે. અમે વચન આપીએ છીએ કે પછી અમે ગંદાં નહિ રહીએ.”
બીજા એક ગામમાં ગયાં તો બે સ્ત્રીઓ ઝૂંપડીની બહાર જ નીકળી નહોતી. કારણ જાણવા માટે કસ્તૂરબા ઝૂંપડીની અંદર ગયાં. ઝૂંપડીમાં બે સ્ત્રીઓ લગભગ નગ્ન હાલતમાં બેઠી હતી. એમની પાસે શરીર ઢાંકવા સુધ્ધાં કપડું નહોતું. ઘરનાં કામકાજ પણ રાતના અંધારામાં થતાં જેથી એમની લાજ રહે.
ગરીબાઈની આ પરાકાષ્ઠા હતી. આવી બદતર હાલતમાંયે તેઓનો વિનયવિવેક, નમ્રતા અને પ્રેમ એવાં ને એવાં હતાં. કસ્તૂરબા અને દેવદાસે આ રીતે છ મહિના સુધી ચંપારણનાં તદ્દન પછાત અને ગરીબ ગામડાંની સેવા કરી. બિહારની દારુણ ગરીબાઈ જોઈને ગાંધીજીને મગફળી અને ખજૂરનો ખોરાક પણ મોંઘો લાગ્યો અને તે ખાવામાં પણ સંકોચ થતો હતો. ગરીબોના જેવી સાદગી અપનાવવાના હેતુથી ગાંધીજીએ એ દિવસોમાં મુઠ્ઠીભર ચોખા અને મીઠા વગરનાં બાફેલાં કારેલાંનો ખોરાક શરૂ કર્યો. આ આહાર સસ્તો અને સાત્ત્વિક પણ હતો. કેટલીક વખત દેવદાસ તો ચોખા અને કારેલાં ભેગાં જ બાફી નાખતા.
૧૯૧૭માં પહેલી વાર ગ્રામસેવાનો પાયો નખાયો. પહેલી વાર સ્ત્રીઓ સંકોચ દૂર કરીને સમાજસેવામાં જોડાઈ. ભારતમાં સ્ત્રીશક્તિ અને સ્ત્રીસ્વાતંત્ર્યનો જન્મ ૧૯૧૭થી શરૂ થયો. હજી પશ્ચિમના દેશોમાં આ દિશામાં વિચારવાની શરૂઆત પણ નહોતી થઈ.
ત્રણ મહિના દરમિયાન પૂરતા પ્રમાણમાં પુરાવાઓ એકત્રિત થયા. ગાંધીજીની સૂચના પ્રમાણે સરકારે સર એડવર્ડ ગેટના નેતૃત્વમાં એક તપાસ—સમિતિની રચના કરી. ખૂબ જહેમત બાદ અહેવાલ તૈયાર થયો. સમિતિનાં સઘળાં સૂચનોનો સરકારે સ્વીકાર કર્યો. સો સો વર્ષથી ચાલ્યા આવતા ‘તીનકઠિયા’ના આ અન્યાયી કાયદાનો આખરે અંત આવ્યો. ગોરા જમીનદારોને કેટલાયે ખેડૂતોને નુકસાની પેટે વળતર ચૂકવવું પડ્યું. આમ ખેડૂતોના શોષણનો અંત આવ્યો. ગરીબોને પણ પોતાની શક્તિનો પરિચય થયો. બ્રિટિશ સરકાર પર જનતાજનાર્દનનો આ પ્રથમ અહિંસક પ્રહાર હતો જે ત્રીસ વર્ષ પછી આઝાદીમાં પરિણમ્યો.
[‘અણમોલ વિરાસત’]
31 ડિસેમ્બર 2024
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર; ક્રમાંક 197