પન્નાબહેન મારા ચાર દાયકા જૂના એક અઝીઝ દોસ્ત છે. અહીં વિલાયતમાં અનેકવાર અને ત્યાં અમેરિકે ય એમને મળવાહળવાનાં ઝાઝેરા અવસરો મળ્યા છે. એમની કનેથી ખૂબ પામ્યો છું. આરાધના ભટ્ટે લખ્યું છે તેમ, ફિલાડેલ્ફિયા કદાચ એમને જ કારણે ગુજરાતીઓમાં સુપ્રસિદ્ધ થયું છે. અને આથી જ એ આપણાં એક ‘આઇકોનિક ફિગર’ છે.
ગુજરાતી સાહિત્ય જગતમાં પન્નાબહેન એમની કવિતોઓને કારણે વિશેષે જાણીતાં છે. પન્નાબહેને જ લખ્યું છે, વિશ્વભરમાં વસતા મારા સહૃદય ભાવકો સાથેનો મારો સેતુ, મારો સંબંધ એટલે મારી કવિતા. ભાવકો સાથેનું આ સખ્ય, ભાવકો સાથેનો આ નાતો મને ગમે છે. એમણે લંબાવેલો ઉષ્માસભર હાથ મને લખતી રાખે છે.
અમેરિકામાં રહું છું અને ભારત છોડ્યું નથી. અવારનવાર ભારત આવું છું છતાં અમેરિકા છૂટતું નથી. કવિતા લખતી ન હોત તો અમેરિકામાં ટકી શકી ન હોત. કવિતાએ મારું ભારતીયપણું અને મારું ગુજરાતીપણું જાળવી રાખ્યું છે. અને છતાં ય મને ક્યારેક એમ લાગે છે કે હું પૂરેપૂરી ભારતની નથી. તો આટલાં વર્ષને અંતે એમ પણ લાગે છે કે હું પૂરેપૂરી અમેરિકાની પણ નથી. સ્વદેશ અને પરદેશની કરવતથી વહેરાયા કરું છું. એટલે ‘વિદેશિની’. એવું પણ મને મારે વિશે થાય છે કે ‘I am wandering between two worlds, one already dead and the other powerless to be born.’
પ્રાધ્યાપક મધુસૂદન કાપડિયા લખે છે, ‘ …. પણ અહીં અમેરિકામાં, જ્યાં ગુજરાતીઓ પોતાની માતૃભાષા ગુજરાતીને ભૂલી જવામાં અભિમાન અનુભવે છે ત્યાં એની કાવ્યસરવાણી ફૂટી. પન્નાબહેને જ ‘અબ તો બાત ફેલ ગઈ …’ કહ્યું છે તે સાંભરે છે : ‘ભારતમાં હતી ત્યારે તીવ્ર ઇચ્છા હોવા છતાં કવિતાનો ક ત્યાં ને ત્યારે ન ઘૂંટાયો તે ન જ ઘૂંટાયો.’ અને માનશો ? પન્ના નાયકે અમેરિકામાં વસીને કાવ્યોનું, ઉત્તમ કાવ્યોનું સર્જન કર્યું.
જેની જન્મ શતાબ્દી હાલ ચાલે છે, એ દોસ્ત દીપક બારડોલીકરે નેવુંમે વરસે એક દીર્ઘ કાવ્ય આપ્યું છે. તેનો આદર આમ છે :
નેવું થયાં
હા, નેવું થયાં છે.
અને
આ જીવનસેતુ તળેથી
વહી ગયાં છે પુષ્કળ પાણી.
ઊછળતાં પાણી
કાંઠા ફલંગતાં પાણી.
આ ઊછળતાં પાણી, કાંઠા ફલંગતાં પાણીનો સથવારો, સતત હૂંફાળો સથવારો તમને નિરામય હજો. આ એકાણુંમે પડાવે આ પેરેથી અમારી દરેકની અનેકાનેક શુભ કામનાઓ તમને હજો, પન્નાબહેન.
‘ગુજરાતી લિટરરી અકાદમી ઑવ્ નોર્થ અમેરિકા’ આયોજિત અને ‘આપણું આંગણું’ સંયોજિત નેટ કાર્યક્રમમાંની રજૂઆત; 29 ડિસેમ્બર 2024
E.mail : vipoolkalyani.opinion@btinternet.com