Opinion Magazine
Number of visits: 9456988
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારતમાં ખેતીનું પૂર્ણ યાંત્રિકીકરણ ઈચ્છનીય નથી

ચંદુ મહેરિયા|Opinion - Opinion|12 September 2024

ચંદુ મહેરિયા

બાળપણમાં વાંચેલી કવિતાની આ પંક્તિઓ હમણાના દિવસોમાં ઘણીવાર ગણગણું છું :

સોનાવરણી સીમ બની

મેહુલિયે કીધી મહેર રે

 ભાઈ ! મોસમ આવી મહેનતની.

વરસાદી મોસમને કારણે તો તે યાદ આવે જ છે, પરંતુ ખેડૂતો માટે વરસાદ મહેનતની મોસમ છે, એટલે પણ યાદ આવે છે. જગતતાત ‘લિયો પછેડી દાતરડાં’ ને ‘રંગે સંગે કામ’ કરે છે અને ધાન પકવે છે. જો કે હવે ખેતી માત્ર માનવીના શરીરશ્રમ આધારિત નથી રહી. ખેતીમાં માનવ અને પશુઓના શ્રમના વિકલ્પે મશીનોનો ઉપયોગ થઈ રહ્યો છે. કૃષિ યાંત્રિકીકરણ વીસમી સદીની મહાન લબ્ધિ મનાય છે.

એગ્રિકલ્ચર, એનિમલ હસબંડરી એન્ડ ફૂડ પ્રોસેસિંગ વિભાગ સંબંધી પાર્લામેન્ટની સ્ટેન્ડિંગ કમિટીએ જુલાઈ ૨૦૨૩માં ‘દેશના નાના અને સીમાંત ખેડૂતો માટે કૃષિ યાંત્રિકીકરણમાં સંશોધન અને વિકાસ’ અંગેનો અહેવાલ રજૂ કર્યો હતો. આ રિપોર્ટ પ્રમાણે ઓગસ્ટ ૨૦૨૨માં દેશની અડધા કરતાં ઓછી કૃષિનું જ યાંત્રિકીકરણ થયું છે. અન્ય વિકાસશીલ દેશો, બ્રાઝિલ ૭૫ અને ચીન ૬૦ ટકાની તુલનામાં, ભારતમાં હજુ કૃષિ યાંત્રિકીકરણ ૪૭ ટકા જેટલું નિમ્ન સ્તરે છે.

ચોમાસા પૂર્વે કે અન્ય વખતે ખેતરો ખેડવા હળ અને બળદને બદલે હવે ટ્રેકટરનો વધુ ઉપયોગ થાય છે. ભારતમાં વાવણી-રોપણી માટે ખેતરો ખેડવા ૭૦ ટકા ટ્રેકટર વપરાય છે. રોપણી અને વાવણીનાં કામમાં યંત્રોનો ઉપયોગ ૪૦ ટકા, નિંદામણમાં ૩૨ ટકા અને કાપણી-લણણીમાં ૩૪ ટકા એમ સરવાળે ૪૭ ટકા ખેતીનું મશીનીકરણ થયેલું છે. સમગ્ર દેશમાં કૃષિ યાંત્રિકીકરણ અસમાન છે. દક્ષિણી રાજ્યો, પંજાબ, હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં લગભગ બધા જ કામો યંત્રોથી થાય છે. પરંતુ પૂર્વોત્તર રાજ્યોમાં કૃષિ યાંત્રિકીકરણ નહિવત છે. જેમ રાજ્યવાર તેમ પાક પ્રમાણે પણ કૃષિમાં મશીનોના ઉપયોગમાં ભિન્નતા છે. ઘઉંના પાક માટે ૬૯ ટકા અને ડાંગર માટે ૫૩ ટકા મશીનો વપરાય છે. જ્યારે બીજા કૃષિ પાકોમાં પચાસ ટકા કરતાં ઓછું યાંત્રિકીકરણ છે. ખાધ્ય પાકોની સરખામણીએ રોકડિયા પાકોની ખેતીમાં મશીનોનો વપરાશ વધુ થાય છે. આ ભિન્નતા માટે ખેડૂતોની સામાજિક-આર્થિક સ્થિતિ, સિંચાઈની સુવિધા, વીજળીની ઉપલબ્ધતા, ભૌગોલિક સ્થિતિ જેવાં કારણો જવાબદાર છે.

ભારત જેવા વધુ વસ્તી અને સંસાધનોની અસમાન વહેંચણી ધરાવતા દેશમાં ઝાઝા હાથ કામ માંગતા હોય ત્યારે તેમને બેરોજગાર બનાવી યંત્રોનો ઉપયોગ સવાલો પેદા કરે તે સહજ છે. પરંતુ કૃષિ યાંત્રિકીકરણના લાભ અને ખાદ્યાન્નની જરૂરિયાતને પહોંચી વળવાની દૃષ્ટિએ તે અપનાવવું આવશ્યક છે. ખેતીનાં કામો મહેનત, ચીવટ અને આવડત માંગી લે છે. એ વધુ સારી રીતે માનવી જ કરી શકે છે, પરંતુ મશીનના ઉપયોગથી માનવ અને પશુશ્રમ બચે છે, જે  ઈતર કામોમાં વાપરી શકાય છે. એકલા ટ્રેકટરના ઉપયોગે પણ કેટલો મોટો ફાયદો કરી આપ્યો છે. ટ્રેકટરના ઉપયોગથી જમીન વધુ સારી રીતે ખેડી શકાય છે. વધુ જમીન ખેતી યોગ્ય બનાવી શકાઈ છે. બીજ, જંતુનાશક દવાઓ અને ખાતરની બચત થાય છે. એટલે ખર્ચ ઘટે છે. સમય અને પાણીની બચત થાય છે. ઉત્પાદન વધે છે. નિંદામણ ઘટે છે. ખેત કામદારોની અછતનો વિકલ્પ મળે છે. વધુ શ્રમના કામો યંત્રોથી કરવા સરળ બન્યાં છે. કૃષિ યાંત્રિકીકરણનો સૌથી મોટો લાભ એ છે કે તે ભારતના ગામડાઓની સામાજિક સંરચનામાં પરિવર્તન આણી શકવાની સંભાવના ધરાવે છે. ખેડૂતો માટે ખેતી માત્ર બે ટંકના રોટલા જોગ ના રહેતાં તેમની આર્થિક સ્થિતિ અને જીવનની ગુણવત્તા સુધારે છે. પારંપરિક ખેતીને વ્યાવસાયિક બનાવી શકાય છે. શ્રમ, સમય અને નાણાંની બચત થાય છે તો ઉત્પાદનમાં વૃદ્ધિથી આવક વધે છે તે મશીનીકરણનો મોટો ફાયદો છે.

યાંત્રિકીકરણ મોટા ખેતરો માટે જ લાભપ્રદ છે. ભારતમાં ૮૬ ટકા કિસાનો બે હેકટરથી ઓછી જમીન ધરાવે છે ત્યારે નાના અને સીમાંત ખેડૂતો માટે જો નાના આકારના યંત્રો ન હોય તો તે બિનઉપયોગી અને નાણાંકીય બોજ વધારનાર છે. ખેત ઓજારો માનવહાથથી વપરાય છે.પરંતુ મશીનો ચલાવવા વીજળી કે ઈંધણની જરૂર પડે છે. તેના કારણે ડીઝલ અને વીજળીનો વપરાશ વધે છે. બીજી તરફ  પર્યાવરણમાં બગાડ અને પ્રદૂષણ જેવા પ્રશ્નો ઉદ્દભવે છે. ટ્રેકટરનો ઉપયોગ માટી પરનો ભાર ઘણો વધારે છે. બેરોજગારી વધે છે અને કૃષિ શ્રમિકોની અછતના અલ્પ ગાળામાં વધુ વેતન માટેની તેમની સોદાશક્તિ તથા ગરજ ઘટે છે. મોટા ખેડૂતો માટે કૃષિ યાંત્રિકીકરણ પ્રતિષ્ઠાનું પ્રતીક બની ગયું છે. જ્યારે નાના ખેડૂતો જાતમજૂરી પર નભે છે. એટલે યંત્રોનો ઉપયોગ સામાજિક-આર્થિક અસમાનતા વધારે છે.

આજે પણ દેશની એંસી ટકા કૃષિ જમીન પર ખાદ્ય પાકોની વાવણી-રોપણી માનવશ્રમ દ્વારા જ થાય છે ત્યારે દેશનું કૃષિ યાંત્રિકીકરણ પણ આંશિક જ છે. સરકાર આગામી પચીસેક વરસોમાં પોણા ભાગની કૃષિને યંત્રો હેઠળ આવરી લેવા માંગે છે. પરંતુ તે ઈચ્છનીય નથી. માનવશ્રમ આટલો શેષ હોય ત્યારે ખેતીને મશીનોના હવાલે કરી દેવી તેમાં કોઈ ડહાપણ નથી. કામ વગરના કરોડો હાથને યંત્રોએ કામ કરતા અટકાવ્યા છે. યંત્રોને લીધે બેકારી અને ગરીબી વધવાની છે. વળી કૃષિ કામોમાં માનવીય સ્પર્શ અને સંલગ્નતા ઘટે તે યોગ્ય નથી.

કૃષિનું માત્ર મશીનીકરણ જ નહીં રોબોટીકરણ કરવાની અને આર્ટિફિસિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરવાની વાતો પણ થઈ રહી છે. ભાવિમાં આ યંત્રો ડેટા સમૃદ્ધ સંવેદન અને નિરીક્ષણ પ્રણાલી બની જશે તેમ પણ કહેવાઈ રહ્યું છે. હળ, દાતરડુ, કોદાળી જેવાં ખેત ઓજારોનું સ્થાન હવે ટ્રેકટર, કંબાઈન હાર્વેસ્ટર, ટિલર જેવા યંત્રો-સાધનો અને ખેતીને આનુષાંગિક કામોમાં સિંચાઈ માટે પાવરલિફ્ટ, ટ્યુબ વેલ, વોટર પંપ, ઈલેકટ્રિક મોટર, ખેત પેદાશોને બજાર સુધી લઈ જવા માટે ટ્રક, પશુપાલન અને ડેરીનાં સાધનો, વોશિંગ મશીન, વેક્યુમ ક્લિનર, રેડિયો, ઈસ્ત્રી, થ્રેસર મશીન, ફૂડ પ્રોસેસિંગ મશીનો લેશે. પરંતુ તળ વાસ્તવિકતા કંઈક જુદી છે તેનો અંદાજ નથી. પરંતુ તળ વાસ્તવિકતા કંઈક જુદી છે તેનો અંદાજ નથી. કૃષિમાં આવનારા તળિયાઝાટક પરિવર્તનો વિશે જાણીને એક સામાન્ય, નાનો અને ઘર નભે એટલી જમીન ધરાવતો ગામડિયો ખેડૂત તેની ધરતીમાતા પર કોર્પોરેટ્સનો ડોળો પડતો જોઈ પહેલાં અચંભિત, અને પછી દુ:ખી તથા આક્રોશિત છે.

ગાંધીજી પણ યંત્રોના વિરોધી નહોતા. પરંતુ માનવ હાથને બેકાર કરી યંત્રોના ભરોસે જીવવું યોગ્ય નથી. ખાદ્યાન્નની વૈશ્વિક માંગ પૂર્ણ કરવા કૃષિ ઉત્પાદકતામાં વૃદ્ધિ પડકારજનક જરૂર છે પણ તેનો એકમાત્ર ઉકેલ કૃષિનું સંપૂર્ણ યાંત્રિકીકરણ ના હોઈ શકે. યંત્ર અને માનવ બેઉ સાથે રહીને કરી શકે તેવાં કૃષિ કામોની દિશામાં વિચારવું ઘટે. કૃષિ યાંત્રિકીકરણની મહિલાઓ પર પડનારી અસરો તો જુદા લેખનો વિષય છે.

હાથથી થતી સફાઈનાં કામો (ગટર, ખાળકૂવા અને માનવ કે પશુ મળની સફાઈ અને બીજાં અનેક કામો) કથિત નિમ્ન જ્ઞાતિમાં જન્મેલ માનવીના માથે થોપાયેલા છે. હાથથી થતી સફાઈમાં સો ટકા મશીનીકરણ શક્ય છે. પરંતુ રાજકીય ઈચ્છાશક્તિ અને સામાજિક જાગ્રતિના અભાવે તેમ કરવામાં આવતું નથી. કૃષિ પ્રધાન દેશનું કૃષિ બજેટ સંરક્ષણ બજેટ કરતાં ઓછું હોય ત્યાં સફાઈ કામદારો માટે યંત્રો વિશે વળી કોણ વિચારે. મોંઘાદાટ દેશી-વિદેશી સંરક્ષણ સાધનો અને હાથથી થતી સફાઈના મશીનો કે કૃષિ યંત્રોમાંથી નાગરિક તરીકે આપણી પસંદગીની પ્રાથમિકતા શું હશે તે કહેવાની જરૂર ખરી?

e.mail : maheriyachandu@gmail.com

Loading

સીધા વિરોધમાં ન હોય ત્યારે પણ ‘સત્તા’ને સોરવાય શાન

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|12 September 2024

લોકતંત્ર

વિધિવેત્તા કરતાં વધુ ન્યાયજોદ્ધા

વિધાનસભા વિસર્જનની માંગ સબબ એમણે કહ્યું કે કાનૂન સાર્વભૌમે (સરકારે) રાજકીય સાર્વભૌમ (મતદારો) સમક્ષ જવાની આ વાત, બિલકુલ એટલે બિલકુલ બંધારણસંમત છે.

પ્રકાશ ન. શાહ

તેઓ આપણી વચ્ચે હોત તો આજથી ત્રીજે દિવસે સોળમી સપ્ટેમ્બરે ખાસાં ચોરાણુ વરસના થયા હોત. વિધિવેત્તા અને એથીયે અધિકર તો ખરું જોતાં ન્યાયલડવૈયા એ.જી. નૂરાનીએ સો પૂરાં કર્યાં કે ન કર્યાં, ઇનિંગ્ઝની તો ખરેખરની ખરાખરીની ને પૂરેપૂરી ખેલીને ગયા.

ઊંચી પાયરીના અચ્છા ધારાશાસ્ત્રી એ અલબત્ત હતા. 1958માં દેશના સત્તા-પ્રતિષ્ઠામાં તેમ જ વ્યાપક લોકલાગણીની રીતે અણગમતા થઈ પડીને પણ જમ્મુ-કાશ્મીરના મુખ્ય મંત્રી શેખ અબદુલ્લાનો કેસ એ લડ્યા તેમાં એમનું શહર નિઃશંક ઝળક્યું હતું … એમનો અભ્યાસ, ઉત્સ્ફૂર્ત બૌદ્ધિક ક્ષમતા, નૈતિક સાહસ, એને વિશે તો શું કહેવું. ભગતસિંહના કેસ વિશે કે સાવરકર વિશે અગર આર.એસ.એસ. અંગે એમની કામગીરી સંશોધનના ઉત્તમ નિદર્શન શી હતી.

લઘુમતીની દાઝ જાણનારા એ સ્વાભાવિક જ હતા. પણ તે માટે એમનું ‘મુસ્લિમ’ હોવું જરૂરી નહોતું. દસ-અગિયાર વરસ પર એ પાકિસ્તાન ગયા ત્યારે જાહેર વાર્તાલાપમાં એમણે પાકિસ્તાની એલિટને ગમતા કેટલાક મુદ્દા કર્યા હશે, પણ કોઈક મુદ્દે એમણે શ્રોતાઓની લાગણીથી નિરપેક્ષપણે પણ કહેવા જેવું કહ્યું ત્યારે એમની સામે એવો ગણગણાટ ઊઠ્યો હતો કે તમે તો ‘ઇન્ડિયન’ની જેમ બોલો છો. એમણે કહ્યું કે જે કસોટીએ મેં તમને કહેલું કશુંક ગમ્યું તે જ કસોટીએ હું ‘ઇન્ડિયન’ પણ કેમ ન હોઈ શકું.

અબ્દુલ ગફૂર નૂરાની

એ.જી. નૂરાનીને જોવા મળવાનું તો એક જ વાર થયું છે. 2002ના ગુજરાતના ઘટનાક્રમને અંગે મનેસરમાં પ્રેસ ઇન્સ્ટિટ્યૂટે ચર્ચામિલન યોજ્યું હતું. બોંત્તેરના હશે, પણ ટી.વી. જર્નાલિઝમ સાથે જે તરુણ પત્રકારી નેતૃત્વ બહાર આવ્યું એ જે સજ્જતાથી વાત કરતું હશે એના કરતાં કેટલીક વાર વધારે શાર્પ એ વરતાતા. એમનો ઉછેર ટેકનોસાવી, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન તરેહનો નહીં પણ ‘ભયંકર સ્મૃતિ’ અને મુદ્દાને પકડવાની સ્ફૂર્તિ, કદાચ સૌથી વધુ હતી.

મેં આરંભે જ એમને વિધિવેત્તા કરતાં વધુ તો ન્યાયજોદ્ધા કહ્યા. નૂરાનીનું આ જોદ્ધાપણું બંધારણીય મૂલ્યો ને પ્રક્રિયા માટેની નિષ્ઠામાંથી આવ્યું હતું. આ લખું છું ત્યારે સાંભરે છે કે આશરે છ દાયકા પર ‘મજલિસે મુશવ્વરત’ના નેજા હેઠળ મુસ્લિમ નેતૃત્વ એક થિંક ટેંક પર એમને જોડાવા નિમંત્ર્યા ત્યારે એમણે અલબત્ત સાભાર પણ અસંદિગ્ધ શબ્દોમાં એ નિમંત્રણ નકારી કાઢ્યું હતું. એમણે કહ્યું’તું કે દેશના પ્રશ્નો બંધારણની વ્યાપક મર્યાદામાં વિચારવાના હોય, બધો વખત કેવળ ને કેવળ ‘કોમ’ તરીકે નહીં.

હમણાં મેં શેખ અબદુલ્લાના કેસમાં એમની કીર્તિદા કામગીરીની જિકર કરી પણ દેશના રાજકારણમાં ને સાર્વજનિક જીવનમાં સ્વરાજ પછી કદા જે સર્વાધિક મોટો, કહો કે શકવર્તી પલટો આવ્યો એના એક તરેહના બીજ-સંગોપન અને સંવર્ધનમાં એક કાનૂનવિદ ને ન્યાયલડવૈયા તરીકેનું અર્પણ વિસર્યું વિસરાય એમ નથી.

પ્રજાસત્તાક સ્વરાજ તરીકેની આપણી આયુર્યાત્રાની સૌથી મોટી જે જળથળ ઘટના હતી તે જયપ્રકાશના આંદોલનથી લઈ કટોકટીરાજ અને જનતાઆરોહણના તબક્કાની હતી. એ માટેનો મોટો ધક્કો સ્વાભાવિક જ વિધાનસભા વિસર્જનની માગનો હતો. ગુજરાતનું આંદોલન અલબત્ત જયપ્રકાશનું નહોતું, પણ બિહારમાં તો સુવાંગ નેતૃત્વ એમનું જ હતું. વિસર્જનની માંગ સુધી પહોંચતા એમણે ખાસો સમય લીધો હતો. સત્તા-પ્રતિષ્ઠાનની સંવેદનશૂન્યતાના લાંબા દોર પછી તેઓ આ માંગ સુધી પહોંચ્યા હતા. પણ ત્યારે પણ આરંભમાં એમને લાગતું હતું કે બંધારણ પ્રમાણે આ દુરસ્ત નથી. અલબત્ત, લોકતંત્રની દૃષ્ટિએ તે બિલકુલ શક્ય હોઈ શકે છે.

જયપ્રકાશની આ અભિજાત દ્વિધામાં સંશયનિવારણનું કામ નૂરાનીએ કર્યું હતું. એમણે વિશ્વના અદ્વિતીય બંધારણપટુ લોર્ડ ડાઇસીને ટાંકીને સમજાવ્યું કે તત્ત્વતઃ વિધાનસભા વિસર્જનની માંગણી એ કાનૂની સાર્વભૌમ (ઇંગ્લેન્ડના રાજા/રાણી કે ભારતના રાષ્ટ્રપતિ) તરફથી રાજકીય સાર્વભૌમ એટલે કે મતદાર જોગ અપીલ છે. રાષ્ટ્રપતિએ જનતાની અપીલને ધોરણે મંત્રીમંડળ બરખાસ્ત કરી જનતાની અદાલત સમક્ષ જવું જોઈએ. રાજકીય સાર્વભૌમ જ ચુકાદો આપે, તે બિલકુલ બંધારણીય ભૂમિકા છે.

નૂરાની જેવો રાહ લેનારા જ્યારે અપ્રિય ભૂમિકાએ ન હોય ત્યારે પણ સત્તા-પ્રતિષ્ઠાનોને સોરવાતા નથી. પણ એમનું હોઈ શકવું તે લોકતંત્રની ખુશકિસમતી છે તે છે.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 11 સપ્ટેમ્બર 2024

Loading

વડા પ્રધાનની સાખમાં ઘટાડો થવાનાં પાંચ કારણો

રમેશ ઓઝા|Opinion - Opinion|12 September 2024

રમેશ ઓઝા

નરેન્દ્ર મોદી ત્રીજીવાર દેશના વડા પ્રધાન બન્યા એ વાતને થોડા દિવસમાં સો દિવસ પૂરા થશે. શાસનમાં પહેલા સો દિવસનું મહત્ત્વ હોય છે અને વડા પ્રધાન મોદીએ તો ચૂંટણી પ્રચારમાં એકથી વધુ વખત અલગ અલગ જગ્યાએ રેલીઓને સંબોધતા કહ્યું હતું કે તેમની પાસે સો દિવસનો પ્રોગ્રામ તૈયાર છે. ચૂંટણી પતવા દો, ફરી વાર સત્તામાં આવવા દો, પછી જુઓ કેવો સપાટો બોલાવું છું. સો દિવસ પૂરા થવામાં છે, પણ સપાટો તો ઠીક, કોઈ પ્રયાસ પણ જોવા નથી મળતો. જે પ્રયાસ કર્યા એમાં પીછેહઠ કરવી પડી. ઊલટું સરકાર દિશાહીન અવસ્થામાં નજરે પડી રહી છે.

આનું મુખ્ય કારણ એ છે કે નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણીમાં જે ગર્વખંડન થયું તેની પીડા ભૂલી નથી શકતા અને તેને છૂપાવવા એવી રીતે વર્તે છે કે જાણે ૨૦૨૪માં લોકસભાની કોઈ ચૂંટણી જ નહોતી યોજાઈ. પક્ષની કોઈ પીછેહઠ થઈ નથી, અંગત પ્રતિષ્ઠામાં કોઈ ઘટાડો થયો નથી. ટૂંકમાં નવી વાસ્તવિકતાને તેઓ નકારે છે અને જૂનો દબદબો એવો ને એવો જ છે એવો દેખાવ કરે છે. આ બાજુ તેઓ એવી કશીક તકની શોધમાં છે કે લોકોને આંજી દઈ શકાય. તકની શોધમાં તેઓ રશિયા-યુક્રેન યુદ્ધ રોકવા યુક્રેન જઈ આવ્યા. બન્યું એવું કે ભારતના વડા પ્રધાન હજુ તો યુક્રેનની રાજધાની કીવ છોડે ન છોડે ત્યાં યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સકીએ પત્રકાર પરિષદ બોલાવીને કહ્યું કે ભારત તટસ્થ રહે એ ન ચાલે, તેણે સત્યનો પક્ષ લેવો જોઈએ, ન્યાયનો પક્ષ લેવો જોઈએ અને માટે યુક્રેનનો પક્ષ લેવો જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે મેં (ઝેલેન્સકીએ) આ વાત ભારતના વડા પ્રધાનને મોઢામોઢ કહી હતી. તમે રશિયા જાવ, પુતિનને ગળે મળો અને એ જ સમયે પુતિન યુક્રેનમાં બાળકો માટેનાં આશ્રયસ્થાન પર બોમ્બ હુમલો કરે એ તમારું (નરેન્દ્ર મોદીનું) અપમાન કરનારી ઘટના નહોતી? પુતિન થોડો સમય રોકાઈ ગયા હોત. તમને એમ ન લાગ્યું કે તમારું અપમાન કરવામાં આવ્યું હતું? માટે ભારત જો શાંતિ, સત્ય અને ન્યાયના પક્ષે હોય તો યુક્રેનના પક્ષે હોવું જોઈએ. અમને તમારી તટસ્થતા નથી જોઈતી.

ઝેલેન્સકીએ તેની એક કલાક લાંબી પત્રકાર પરિષદમાં બીજું ઘણું કહ્યું હતું, પણ તેની વાત જવા દઈએ. મુદ્દો એ છે ઝેલેન્સકી કોણ છે, કેવો માણસ છે, દોઢ વરસ લાંબી લડાઈ પછી તેના તેવર કેવાં છે, તે શું ઈચ્છે છે, બાંધછોડ કરવા માગે છે કે નહીં, તેની શરતો શું હશે તેની પૂર્ણ જાણકારી મેળવ્યા વિના વિષ્ટિ કરવા ગયા? આ તો જાગતિક મુત્સદીનો સ્વાભાવિક ક્રમ છે. પહેલાં વિદેશ સચિવો જઇને અનુકૂળ ભૂમિકા બનાવે, એ પછી બે દેશના વિદેશ પ્રધાનો મળીને હજુ વધુ અનુકૂળતા બનાવે, ત્રણેય દેશોના વિદેશ પ્રધાનો વચ્ચે ગુપ્તસ્થળે ગુપ્ત બેઠકો થતી હોય છે અને જ્યારે પાકી સમજૂતી થઈ જાય ત્યારે દેશના વડા વચ્ચે શિખર મંત્રણા યોજાતી હોય છે. જે તે દેશના વડાઓ સીધા મળે અને પહેલા જ રાઉન્ડમાં ગોદડું સમેટાઈ જાય એવું તો મેં પહેલી વાર જોયું.

પણ ગુમાવેલી સાખ પહેલી તકે પાછી મેળવી લેવાની ઉતાવળ છે અને તેમાં આવું બધું બની રહ્યું છે.

હવે મુદ્દાની વાત. સૌથી પહેલાં તો તેમણે અને તેમનાં સમર્થકોએ એ તપાસવું જોઈએ કે શેને કારણે સાખ ઘટી?

પાંચ કારણો છે :

૧. ચીન. ૨. મણિપુર, ૩. ખેડૂતોનું આંદોલન. ૪. પહેલવાન છોકરીઓનું આંદોલન અને ૫. અદાણી.

ચીને ૫૬ ઇંચની છાતીનું આભામંડળ ચીરી નાખ્યું છે. ૨૦૨૦થી ચીને લડાખમાં અંકુશરેખા ઓળંગીને ભારતની ભૂમિમાં પગપેસારો કર્યો છે અને તેમાં વધારો થઈ રહ્યો છે. ચીન લડાખ અને અરુણાચલ પ્રદેશમાં લશ્કરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર બાંધી રહ્યું છે અને એ આખી દુનિયા જાણે છે. ચીને નકશા બદલી નાખ્યાં છે અને અરુણાચલ પ્રદેશના શહેરો અને ઇલાકાઓના નામ બદલી નાખ્યાં છે. અને આવું બે-પાંચ ચોરસ કિલોમીટરમાં નથી બન્યું, સેંકડો ચોરસ કિલોમીટરમાં બન્યું છે. લદાખીઓએ તો આંદોલન કર્યું હતું કે પેનગોંગમાં કેટલો પ્રદેશ અમારા હાથમાં બચ્યો છે તે જોવા માટે અમને ચીનની સરહદ તરફ જવા દેવામાં આવે. જોઈએ તો ખરા કે આજે જ્યાં અમે છીએ એ પણ બચશે કે કેમ!

વડા પ્રધાન એક શબ્દ નથી બોલતા. ઊંહકારો નથી કરતા. લોકો આ જાણે છે અને ભક્તો બચાવમાં એક દલીલ નથી કરી શકતા.

આવું જ મણિપુરમાં અને મણિપુર તો પાછું સળગ્યું છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલકે ત્રણ મહિનામાં બે વખત મણિપુરનો પ્રશ્ન જાહેરમાં ઉચાર્યો છે અને ઘટતું કરવાની સરકારને સલાહ આપી છે, પણ વડા પ્રધાન ખામોશ છે. મણિપુરનો મ નથી ઉચ્ચારતા ત્યાં મણિપુરની મુલાકાત તો બહુ દૂરની વાત છે. મણિપુર સરહદી રાજ્ય છે એ છતાં ય. કોઈ કહે અને મારે કરવું પડે તો મર્દાનગી લાજે. આમાં કઈ મર્દાનગી છે? આમાં કયું આત્મગૌરવ છે? ભડવીરતા બતાવવી જ હોય તો ચીન સરહદે ઊભું જ છે. સંઘના સરસંઘચાલકની સલાહ પણ કાને ધરવામાં નથી આવતી. ચીનની જેમ જ મણિપુરની વાત આવે ત્યારે સમર્થકો પણ ચૂપ થઈ જાય છે.

ખેડૂત અને લશ્કરી જવાન આ દેશમાં આજે પણ આદરણીય છે. એક આપણું પેટ ભરે છે અને બીજો આપણું રક્ષણ કરે છે. જે રીતે ખેડૂતોનાં આંદોલનને હાથ ધરવામાં આવ્યું એ જોઇને દેશ સ્તબ્ધ થઈ ગયો હતો. આંદોલનને નિષ્ફળ બનાવવામાં અને તેમને હેરાન કરવામાં કશું બાકી નહોતું રાખ્યું. વડા પ્રધાન ખેડૂતોના પ્રતિનિધિ મંડળને મળ્યા હોત, સીધી પોતાના સ્તરે વાટાઘાટો કરી હોત, સહાનુભૂતિનાં બે શબ્દો કહ્યા હોત તો શું વડા પ્રધાનના પદની ગરિમા ઘટી જવાની હતી? ઊલટી વધી હોત. પ્રજાવત્સલ વડા પ્રધાન તરીકેની પ્રતિમા વિકસી હોત. પણ નહીં. કોઈ મને પડકારે? ખેડૂતોનું આંદોલન મહિનાઓ સુધી સાતત્યપૂર્વક ચાલ્યું એ જ બતાવે છે કે તેમની પીડા સાચી છે અને તેમની પીડાને લોકોનો સીધો કે આડકતરો ટેકો છે. સાચી પીડા અને લોકોની સહાનુભૂતિ વિના કોઈ આંદોલન સફળ થતાં નથી અને લાંબો સમય ચાલતાં નથી. શું એવું કોઈ નથી બચ્યું જે આ વાત વડા પ્રધાનને કહી શકે?

પહેલવાન છોકરીઓની પીડા અંતરને હચમચાવી મૂકે એવી હતી. એક ચારિત્ર્યહીન મુફલીસનાં પક્ષે વડા પ્રધાન ઊભા રહેલા જોવા મળે? મારો માણસ છે, એ ગમે એ કરે તમે બોલનાર કોણ? એક શબ્દ નહીં. આજ સુધી નહીં. ન નિંદાનો કે ન સહાનુભૂતિનો. કયા તર્કથી અને કયા મૂલ્યથી પ્રેરાઈને વડા પ્રધાને આવું વલણ અપનાવ્યું હતું એ જો કોઈ શકે તો દેશ પર મોટી મહેરબાની થશે.

અને છેલ્લે અદાણી જૂથ સાથેનો ઘરોબો, તેને કરવામાં આવતી મદદ, તેનો કરવામાં આવતો બચાવ શંકા પેદા કરનારો છે. બધું જ ખુલ્લેઆમ થઈ રહ્યું છે. થાય એ કરી લો. થોડુક અંતર રાખવાનો અને અંતર દેખાડવાનો પણ પ્રયાસ કરવામાં નથી આવતો. રાહુલ ગાંધીએ લોકસભામાં કહ્યું હતું કે અદાણીને ચીમટો ખણો તો પીડા વડા પ્રધાન અનુભવે છે. આ પછી પણ કોઈ અસર નહીં!

હવે એક વાત સમજી લો. આમાં કોઈ જગ્યાએ મુસલમાન નથી. કાં તો વિદેશી શત્રુ (ચીન) છે અથવા હિંદુ છે. ખેડૂતો હિંદુ હતા, પહેલવાન છોકરીઓ હિંદુ હતી, જેની ગૌરક્ષકોએ હત્યા કરી એ યુવક હિંદુ હતો, મણિપુરના લોકો મોટી સંખ્યામાં હિંદુ છે. કાશ્મીરના મુસલમાનો પાસેથી આર્ટીકલ ૩૭૦ છીનવી લીધો અને મુસલમાનો પાસેથી અયોધ્યામાં મસ્જીદ છીનવી લીધી એ જોઇને રાજી થયેલા હિંદુઓ ઉપર કહ્યા એવા હિંદુઓ સાથે થયેલા અને થઈ રહેલા અત્યાચારો જોઇને શું રાજી થયા હશે? બીજાનું છીનવાઈ જતું જોઇને કિકિયારી પાડનારા લોકો પોતાની નીચે રેલો આવે ત્યારે માણસ બની જતા હોય છે.

ટૂંકમાં આ પાંચ ચીજ છે જેને કારણે વડા પ્રધાનની સાખમાં ઘટાડો થયો છે. આર્ટીકલ ૩૭૦ રદ્દ કર્યો અને અયોધ્યામાં રામમંદિર બાંધી આપ્યું એ પછી પણ. લોકો અને લોકોના પ્રશ્નોની ઉપેક્ષા કરનાર, મોઢું ફેરવી લેનાર, અસંવેદનશીલ અને રાષ્ટ્રીય સુરક્ષા કરતાં પણ અંગત પ્રતિષ્ઠાને વધારે મહત્ત્વ આપનાર શાસક એક સમય પછી સાખ ગુમાવે. જે બની રહ્યું છે એ સ્વાભાવિક ક્રમે બની રહ્યું છે. આમાં આશ્ચર્યની કોઈ વાત નથી.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 12 સપ્ટેમ્બર 2024

Loading

...102030...436437438439...450460470...

Search by

Opinion

  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved