Opinion Magazine
Number of visits: 9456948
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અરવિંદ કેજરીવાલનું રાજકારણઃ માસ્ટર સ્ટ્રોક, વિક્ટિમ કાર્ડ અને મોદી શૈલીનું સગવડિયું અનુસરણ

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|29 September 2024

એક સમયે ભ્રષ્ટાચાર વિરોધી ચળવળનો ઝંડો પકડનારા, દેખાવો કરનારા કેજરીવાલ આજે રાષ્ટ્રીય સ્તરના પક્ષના વડા છે અને એ પોતાના રાજકીય નિર્ણયો બહુ ગણતરીપૂર્વક લઇ રહ્યા છે. તેમના આગલાં પગલાં વિશે ભા.જ.પા. અટકળ નથી લગાડી શકતી એટલે અકળાવા સિવાય અને આક્ષેપો સિવાય હવે તેમની પાસે બીજું કંઇ રહ્યું નથી.

ચિરંતના ભટ્ટ

અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્ય મંત્રી પદેથી રાજીનામું આપ્યું. આ નિર્ણય આમ જનતા માટે ચોંકાવનારો હશે પણ અત્યારની રાજકીય ગણતરીમાં કદાચ આ બંધબેસે એમ હતું કારણ કે ભા.જ.પા. પાસે મુદ્દો હતો કે દિલ્હીના મુખ્ય મંત્રી જામીન પર બહાર છે પણ રાજીનામું આપીને કેજરીવાલે ભા.જ.પા.ના આ ઘોંઘાટને સાવ બંધ કરી દીધો. મુખ્ય મંત્રી પદેથી ખસી જઇને હવે કેજરીવાલ પક્ષના પ્રચારમાં જોડાશે – સામે આમ પણ વિધાનસભાની ચૂંટણી આવીને ઊભી છે. કેજરીવાલ આપનો ચહેરો છે, બિલકુલ એ જ રીતે જે રીતે નરેન્દ્ર મોદી ભા.જ.પા.નો ચહેરો છે. કેજરીવાલ પોતાની ‘બ્રાન્ડ વેલ્યુ’નો ઉપયોગ કરવાનું સારી પેઠે જાણે છે. અમુક પ્રકારનું રાજકારણ માત્ર નરેન્દ્ર મોદીને જ આવડે એવું નથી હોતું, એ જેટલા મોટા પાયે એ કરી શકે છે તેનું અડધા ભાગનું ય જો કેજરીવાલ કરે તો તેમના પક્ષ અને પક્ષના મુખ્ય માણસ તરીકે તેમનું પોતાનું કદ વધવાનું જ છે.

ભારતીય રાજકારણમાં ‘નાયક’ – હીરોનો રોલ બહુ અગત્યનો છે જે વાસ્તવિકતા કેજરીવાલને બહુ જ સારી પેઠે સમજાઇ ગઇ છે. મતદાતાઓ સાથે જોડાઇ શકાય તે માટે ભારતીય રાજકાણીઓએ હંમેશાં પોતાની એક ચોક્કસ છબી ખડી કરી છે. ક્યાંક ચા વાળાના દીકરા હોવાથી છેક ટોચ સધી પહોંચવાની સફરવાળી વાત આગળ થઇ તો ક્યાંક ભુરું મફલર પહેરીને ભ્રષ્ટાચાર સામેની લડતનું કથાનક ચાલ્યું અને ક્યાંક મારા દાદી માર્યા ગયાં અને પિતા માર્યા ગયા વાળી વાત આગળ ધરાઇ. આ કથાનક જે મતદારોને અપાય છે એમાં કંઇ ગપગોળા નથી ચલાવાતા. અંગ્રેજીમાં એક શબ્દ છે ‘વિક્ટિમ કાર્ડ’ – આપણા રાજકીય ‘હીરો’ આ પત્તાંનો ઉપયોગ બહુ સારી રીતે કરે છે. કેજરીવાલની આમ આદમી પાર્ટીમાં પણ બીજા અગત્યના ઘણાં લોકો છે છતાં પણ મુખ્ય નાયક એક જ છે અને બાકી બધાં જ સહાયકો કે ટેકેદારો છે. ભારતીય રાજકારણ નેતાઓની લોકો સામે ખડી કરાયેલી છબીની આસપાસ વણાયેલું છે પણ હંમેશાં એ ‘હું બિચારો’ – ‘હું તમારામાંથી જ એક છું’ વાળું ‘વિક્ટિમ કાર્ડ’ ચાલી જાય છે એવું પણ નથી હોતું.

અરવિંદ કેજરીવાલ

કેજરીવાલના રાજકારણને ડી-કોડ કરીએ તો તેના ઘણાં સ્તર છે. રાજકીય રમતમાં કેજરીવાલ કંઇ વર્ષોથી પ્રવૃત્ત છે એમ નથી, પણ ધીમી અને મક્કમ ગતિ જાળવીને કેજરીવાલે પોતાના પક્ષને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો તો અપાવી જ દીધો. કેજરીવાલને સકંજામાં લેવા માટે ભા.જ.પા.એ કંઇ કેટલા ય પેંતરા અજમાવ્યા પણ કંઇ વળ્યું નહીં. મુખ્ય મંત્રી પદે બેઠેલા માણસને જેલભેગો કરવાનું પણ ભા.જ.પા.એ કર્યું પણ કેજરીવાલે પોતાની જાહેર છબીને મજબૂત કરવા માટે જેલવાસનો લાભ ઉપાડ્યો. દિલ્હીના રાજકારણમાં ભા.જ.પા.ને પાછળ પાડનારા કેજરીવાલ ભા.જ.પા.ને સખત અકળાવે છે અને એમાં ય પાછું રાજીનામા-વાળું પગલું તો માસ્ટરસ્ટ્રોક સાબિત થયો છે. કેજરીવાલ પાસેથી અમુક સત્તાઓ છીનવાઇ ગઇ હોવા છતાં તેના વહીવટના વખાણ થાય છે કારણ કે આઇ.આઇ.ટી.માં ભણેલા કેજરીવાલે દિલ્હીમાં માળખાકીય પ્રોજેક્ટમાં પૈસા બનાવ્યા, સ્વાસ્થ્ય અને શિક્ષણનું બજેટ વધાર્યું અને પાણી – વીજળી મફત આપ્યું. સરકાર ચોખ્ખા હાથે, સારા વહીવટથી ચાલી શકે છે એ એણે દેશની રાજધાનીમાં કરી બતાડ્યું જ્યાં કેન્દ્રમાં મોદી સરકાર બેઠી છે. કેજરીવાલનું રાજીનામું ભા.જ.પા. માટે કલ્પના બહારનો ફટકો સાબિત થયો છે અને હવે અચાનક જ મોં પર વાગેલા ફૂટબૉલથી જેનું મ્હોં લાલચોળ થઇ ગયું હોય અને રડવાની ગતાગમ ન પડતી હોય એવા માણસની જેમ ભા.જ.પા. પણ મોં વકાસીને દિલ્હીમાં મુખ્ય મંત્રીની ખુરશી પ્રતીકાત્મક રીતે ખાલી રાખી મુખ્ય મંત્રી બનેલાં અતિશી અને આમ આદમી પાર્ટી હવે શું કરે છે તે જોઇ રહી છે.

અતિશીએ અત્યારે દિલ્હીનો વહીવટ હાથમાં લીધો છે પણ ખુરશી ખાલી રાખીને રામાયણનું દૃષ્ટાંત આપ્યું કે જે રીતે રામના વનવાસ દરમિયાન ભરતે તેમની ચરણ પાદુકા મૂકી હતી પણ વહીવટ સાચવ્યો હતો. વળી મનીષ સિસોદિયાએ એવું વિધાન કર્યું કે પોતે કેજરીવાલના હનુમાન છે. ભા.જ.પા.ની હિંદુત્વની સોગઠીનો કેજરીવાલના પક્ષે બહુ જ સિફતથી ઉપયોગ કર્યો છે અને પોતાના પક્ષમાં ‘રામ’ કોણ છે – મુખ્ય નાયક કોણ છે તેની સ્પષ્ટતા કરી દીધી છે. પક્ષના લોકો કેજરીવાલને પૂરેપૂરો ટેકો આપે છે, તેમના પક્ષમાં સત્તાને મામલે કોઇ ખેંચાખેંચી કે મતભેદ નથી એવું પણ આ વિધાનો, વહેવાર સ્પષ્ટ કરે છે. આ પ્રતીકોનું રાજકારણ મજબૂત રાજકીય વિધાન અને વિચાર સાબિત કરે છે અને લોકોના મનમાં એક અલગ જ છાપ ખડી કરશે એ ચોક્કસ. અતિશીનું નેતૃત્વ કાયમી નથી. આ હંગામી નેતૃત્વથી જનતા અને ભા.જ.પા.ને સ્પષ્ટ સંદેશ અપાયો જ છે કે આ પક્ષના નાયક કેજરીવાલ છે પણ પક્ષમાં અંદરોઅંદર પણ સત્તાનું સંતુલન જાળવી લેવાયું છે જેથી પક્ષમાં કોઇ બીજું માથું મોટું ન બની જાય.

જે રીતે નરેન્દ્ર મોદી પણ નવા લોકોને, વરિષ્ઠ ન હોય તેવા રાજકારણીઓને સત્તા આપતા રહ્યા છે અને પોતાના ટેકેદારોનો વર્ગ વિસ્તારતા રહ્યા છે, એવું જ અરવિંદ કેજરીવાલે પણ કર્યું છે. આમ આદમી પાર્ટીમાં ઘણા વરિષ્ઠ નેતાઓ છે જેમ કે સૌરભ ભારદ્વાજ, કૈલાશ ગેહલોત, ગોપાલ રાય – પણ પસંદગી આતિશી પર ઉતારવામાં આવી. પક્ષમાં બીજા પાવર સેન્ટર ન બને, સત્તા માટે અંદરોઅંદર રસાકસી ન થાય એની પૂરી તકેદારી રાખીને જ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

કેજરીવાલના પક્ષનું પગલું એક કેલક્યુલેટિવ રિસ્ક અને એક રાજકીય સિક્સર છે. આમ કહેવાનાં મુખ્ય કારણો આ છે – એક તો દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી ઢૂંકડી છે – કેજરીવાલ નવેમ્બરમાં ચૂંટણી ચાહે છે જે ફેબ્રુઆરીમાં થવાની છે. ચૂંટણી જ્યારે પણ થાય પણ કેજરીવાલના પક્ષમાં કોઇ બીજું પણ મુખ્ય મંત્રી પદે હશે તો એ કેજરીવાલના માર્ગદર્શનમાં જ કામ કરશે એ નક્કી છે. રાજીનામાથી કેજરીવાલને જનતાના ઝુકાવ અને લાગણીને લાભ મળશે. કેજરીવાલ સામે ભ્રષ્ટાચારના આરોપ હતા, તેમના પક્ષનું મૂળ ભ્રષ્ટાચારનો વિરોધ છે અને આવામાં તેણે પોતાના રાજીનામાને અગ્નિપરીક્ષા ગણાવ્યું છે – ફરી એક રામાયણનો સંદર્ભ એટલે કે ‘સોફ્ટ હિંદુત્વ’ અને આમ કરી તે લોકોના ટેકાથી પોતાની જાતને પ્રામાણિક સાબિત કરાવશે. સત્તા પરથી ઉતરીને નવેસરથી લોકો સાથે જોડાવા મચેલા કેજરીવાલ કેન્દ્રિય સત્તા વિરોધી પક્ષની તરીકેની આમ આદમી પાર્ટીની ઓળખને નવેસરથી ઘડશે. ભા.જ.પા. સામેનો અસંતોષ જે પણ રાજ્યોમાં – ઝારખંડ, મહારાષ્ટ્ર – છે ત્યાં તે વિરોધ પક્ષોને ટેકો મેળવશે. વળી અતિશીને મુખ્ય મંત્રી પદ આપીને કેજરીવાલે કેન્દ્ર શાસનની શક્યતાઓને ઠગારી સાબિત કરી દીધી, જેને લાગુ કરવા માટે ભા.જ.પા.માંથી અવાજો ઉઠ્યા હતા.

કેજરીવાલ એક બાહોશ રાજકારણી છે અને ઝેરથી ઝેર કાઢવું વાળી નીતિ પારખીને ભા.જ.પા. અને મોદી સામે તે એમનાં જ શસ્ત્રો અને દાવ પેચથી લડી રહ્યા છે. માટે જ ભારતના નાયક લક્ષી રાજકારણમાં કાઠું કાઢનારા કેજરીવાલને હળવાશથી લેવાની ભૂલ કેન્દ્ર સરકાર નહીં જ કરે એ ચોક્કસ.

બાય ધી વેઃ 

ગમે કે ન ગમે પણ હકીકત તો એ છે કે મોદી અને કેજરીવાલ વચ્ચે અમુક સામ્યતાઓ છે. મધ્યમ વર્ગીય હિંદુઓ તેમના મતદારો છે, બન્નેને રાષ્ટ્રીય સેવક સંઘ સાથે જોડતી કડીઓ છે.  ઇન્ડિયા અગેનસ્ટ કરપ્શનની ચળવળનો લાભ કેજરીવાલે તો લીધો જ પણ નરેન્દ્ર મોદીએ પણ પોતાના રાજકારણમાં તેનો લાભ લીધો. શિલા દીક્ષિતને દિલ્હીમાં હરાવીને રાજકારણમાં એન્ટ્રી લેનાર કેજરીવાલે લોકસભાની ચૂંટણીમાં 2014માં ઝંપલાવી મોદી સાથે શિંગડા ભેરવ્યા. કેજરીવાલના મહત્ત્વાકાંક્ષાઓ ઊંચી છે અને દિલ્હીના લોકલ રાજકારણમાં ભા.જ.પા.ને પછાડવામાં આપને હંમેશાં સફળતા મળી. આ તરફ રાષ્ટ્રીય રાજકારણમાં પોતાના પક્ષનો દરજ્જો પણ કેજરીવાલે ઘડ્યો. ભા.જ.પા.ના પંજાબમાં પણ કેજરીવાલે જીતીને બતાડ્યું. મોદી અને ભા.જ.પા.ને સૌથી વધુ આ જ ખટકે છે કે કેજરીવાલ તેમના હિંદુ ગઢના કાંગરા જ ખેરવી નાખે છે. કેજરીવાલની પાંખો કાપવાનો પ્રયાસ કર્યો તો દિલ્હી મોડેલ અને ગુજરાત મોડેલ વાળી સરખામણી છેડીને કેજરીવાલે ટેકો મેળવી લીધો. કેજરીવાલની ધરપકડ કરી તો ભા.જ.પા. સરકારે સમય જોઇને ચૂંટણીમાં આમ આદમી પાર્ટી કંઇ બહુ કરી ન શકે એટલે એવું કર્યું એવો જ દૃષ્ટિકોણ ઘડાયો જે પણ કેજરીવાલની તરફેણમાં જ હતો. વળી કાઁગ્રેસ સાથે કેજરીવાલે હાથ મેળવ્યા એ પણ ભા.જ.પા. માટે મોટો ફટકો હતો. એક સમયે ભ્રષ્ટાચાર વિરોધી ચળવળનો ઝંડો પકડનારા, દેખાવો કરનારા કેજરીવાલ આજે રાષ્ટ્રીય સ્તરના પક્ષના વડા છે અને એ પોતાના રાજકીય નિર્ણયો બહુ ગણતરીપૂર્વક લઇ રહ્યા છે. તેમના આગલા પગલાં વિશે ભા.જ.પા. અટકળ નથી લગાડી શકતી એટલે અકળાવા સિવાય અને આક્ષેપો સિવાય હવે તેમની પાસે બીજું કંઇ રહ્યું નથી.

 પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 29 સપ્ટેમ્બર 2024

Loading

ન ઉત્તમ શાસન આપ્યું, ન ઉમદા માણસાઈનો પરિચય કરાવ્યો

રમેશ ઓઝા|Opinion - Opinion|29 September 2024

રમેશ ઓઝા

ગયા સપ્તાહનો મારો લેખ પૂરો કરતાં પહેલા મેં બે વાત કહી હતી. એક તો એ કે જ્યારે કોઈ ચીજની જરૂર હોય તો તેનો વિકલ્પ શૂન્યમાંથી પણ પેદા થાય અને ઉપલબ્ધ વિકલ્પને પાતાળમાં દફનાવી દો તો પણ એ કોળાય. કારણ કે સમાજને તેની જરૂર છે. સૃષ્ટિનો આ નિયમ છે. બીજી વાત મેં એ કહી હતી કે કાઁગ્રેસને બેઠી કરવાનો શ્રેય રાહુલ ગાંધી કરતાં નરેન્દ્ર મોદીને વધુ જાય છે.

કાઁગ્રેસને દાયકાઓ સુધી હાંસિયામાં ધકેલી દેવી હોય તો બે વિકલ્પ હતા. એક, સંઘ પરિવારને અભિપ્રેત હિંદુ ભારતની કલ્પના પ્રજા પાસે સ્વીકૃત કરાવવી જે રીતે ન્યાય અને સમાનતા આધારિત સહિયારા ભારતની કલ્પના મહાત્મા ગાંધીએ, જવાહરલાલ નેહરુએ અને બીજા ભારતીય નેતાઓએ સ્વીકૃત કરાવી હતી. એ વ્યાપક સ્વીકૃતિને કારણે કાઁગ્રેસે દાયકાઓ સુધી રાજ કર્યું હતું. અને બીજો વિકલ્પ હતો પ્રજાને કાઁગ્રેસ પાસેથી જેવા શાસનની અપેક્ષા હતી અને કાઁગ્રેસનાં શાસકો નહોતા આપી શક્યા એવું શાસન આપવું. અપેક્ષાની પૂર્તિ કરવી. જો દૂરંદેશી ધરાવનારા હિન્દુત્વવાદી શાસકો હોય તો આ બન્ને કરે. પ્રજાલક્ષી ઉત્તમ શાસન પણ આપે અને પોતાની કલ્પનાના ભારતને સ્વીકૃત પણ કરાવે. આ સિવાય સાદગી, પારદર્શકતા અને પ્રામાણિકતાનો પરિચય કરાવે. એવું પણ બન્યું હોત કે ઉત્તમ શાસન દ્વારા અને શાસકોનાં આચરણ દ્વારા હિંદુ ભારતની કલ્પના સ્વીકૃત કરાવવામાં સહાયતા મળી હોત.

સંઘ પરિવારને ૨૦૧૪માં સુવર્ણ અવસર મળ્યો હતો જેની તેઓ દાયકાઓથી રાહ જોતા હતા. પણ ૧૮મી સદીમાં જેમ હિંદુ પેશ્વાઓ દેશ પર રાજ કરવાનો સુવર્ણ અવસર ચૂકી ગયા તેમ ૨૧મી સદીમાં હિંદુતવવાદીઓ ચૂકી ગયા. તેની જગ્યાએ તેમણે કાઁગ્રેસ સામેની નારાજગીને નફરતમાં ફેરવવાનો, કાઁગ્રેસી નેતાઓને બદનામ કરવાનો, ગોદી મીડિયા અને ગોદીવૂડ દ્વારા ખોટો પ્રચાર કરવાનો, કાઁગ્રેસને નિર્બળ કરવાનો, રાહુલ ગાંધીની ઠેકડી ઉડાડવાનો, લોકતાંત્રિક વિકલ્પોને રૂંધવાનો, પોતે કેવા ઐશ્વર્યવાન છે તેના દેખાડા કરવાનો, લોકોને આંજી દેવાની ચેષ્ટા કરવાનો માર્ગ અપનાવ્યો. ન ઉત્તમ શાસન આપ્યું, ન ઉમદા માણસાઈનો પરિચય કરાવ્યો કે ન વૈકલ્પિક ભારતની કોઈ કલ્પના રાખી. આ જ એકમાત્ર માર્ગ હતો કાઁગ્રેસને દાયકાઓ સુધી સત્તાથી દૂર રાખવાનો, જે અપનાવવામાં ન આવ્યો.

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદીએ જે માર્ગ અપનાવ્યો એ જોઇને મને જરા ય આશ્ચર્ય નથી થતું. ગુજરાતમાં પણ તેમણે થોડેઘણે અંશે આ જ માર્ગ અપનાવ્યો હતો. આશ્ચર્ય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ માટે થાય છે. તેના નેતાઓ માટે થાય છે. કોઈએ ઉંહકારો નથી કર્યો કે આપણે ખોટે માર્ગે જઈ રહ્યા છીએ. આપણે તક ગુમાવી રહ્યા છીએ. આપણે નરવા હિંદુ રાષ્ટ્ર (જો એ શક્ય હોય તો) લોકોમાં સ્વીકૃત કરાવવા પ્રયત્નો કરવા જોઈએ. ચર્ચા યોજવી જોઈએ. શંકા કરનારાઓની શંકાનું નિવારણ કરવું જોઈએ. શાસકોએ તેમના આચરણ દ્વારા આદર્શ હિંદુ નેતા કેવો હોય તેનો દાખલો બેસાડવો જોઈએ. ગરીબોનું કલ્યાણ કરવું જોઈએ કારણ કે ગરીબોમાં ૮૦ ટકા હિંદુઓ છે. મને હવે ખાતરી થઈ ગઈ છે કે તેમની પાસે નરવા હિંદુ રાષ્ટ્રની કોઈ કલ્પના જ નથી. તેમની કલ્પનાનું હિંદુ રાષ્ટ્ર માથાભારે હિંદુ રાષ્ટ્ર છે જેનો અનુભવ થઈ રહ્યો છે.

આ બાજુ રાહુલ ગાંધી ઝંઝાવાતની વચ્ચે કશાકની શોધમાં હતા. તેમને બદનામ કરવામાં આવ્યા હતા, ઠેકડી ઉડાડવામાં આવતી હતી, લોકોએ રાજકીય વિકલ્પ તરીકે તેમના નામનું નાહી નાખ્યું હતું, કાઁગ્રેસનો સર્વત્ર પરાજય થઈ રહ્યો હતો, કાઁગ્રેસીઓ પક્ષ છોડીને બી.જે.પી.માં જતા હતા, રાજ્ય સરકારોને તોડવામાં આવતી હતી, લોકસભાનું સભ્યપદ રદ્દ કરવામાં આવ્યું હતું, પક્ષને મળતાં નાણાંના સ્રોત બંધ કરી દેવામાં આવ્યા હતા, વગેરે વગેરે. દુ:શ્મનને પણ આવા દિવસો જોવા ન પડે એમ આપણે કોઈનું દુઃખ જોઇને કહીએ છીએ એવા દિવસો રાહુલ કાઢતા હતા.

રાહુલ ગાંધી

પહાડ જેવો પડકાર હોવા છતાં અને ઠેકડીનો વિષય હોવા છતાં રાહુલ ગાંધી તૂટ્યા નહીં એ માટે આપણે તેમને સલામ કરવી જોઈએ. બીજો હોય તો ભાંગી પડે. રાહુલ ગાંધી હાર્યા વિના માર્ગ શોધવાનો પ્રયાસ કરતા રહ્યા. પહેલાં તેમણે રાજકીય નેતાઓ અપનાવે છે એવો પરંપરાગત માર્ગ અપનાવ્યો. બીજા પક્ષો સાથે સમજૂતી કરવાનો અને હિંદુઓ નારાજ ન થાય એનું ધ્યાન રાખવાનો. મંદિરોમાં જવાનો અને ટીલાટપકાં કરવાનો. તેઓ ભા.જ.પ.ની પીચ પર રમતા હતા અને તેમને સફળતા મળતી નહોતી.

૨૦૧૯ની લોકસભાની ચૂંટણી પછી એન.આર.સી.(નેશનલ રજીસ્ટ્રેશન ઓફ સિટીઝન)ની જોગવાઈ સામે લોકોએ કરેલું આંદોલન, એ પછી ખેડૂતોએ કરેલું આંદોલન અને બીજાં કેટલાંક આદોલન જોઇને તેમને બે વાત સમજાઈ ગઈ. એક તો એ કે તમામ હિંદુ હિંદુ રાષ્ટ્રના સમર્થક નથી. એન.આર.સી.નો વિરોધ મુસલમાનો કરતાં હિંદુઓએ વધારે કર્યો હતો. નરેન્દ્ર મોદીને સમર્થન કરનારા હિંદુઓ કરતાં તેમનો વિરોધ કરનારા હિંદુઓ ઘણી મોટી સંખ્યામાં છે. તેમના ધ્યાનમાં એ પણ આવ્યું કે જે લોકો નરેન્દ્ર મોદીનો વિરોધ કરી રહ્યા છે એ સહિયારા ભારતને બચાવવા માગે છે અને માટે વિરોધ કરી રહ્યા છે. આનો અર્થ એ થયો કે સેક્યુલર ઉદારમતવાદી હિંદુઓની સંખ્યા આ દેશમાં હિન્દુત્વવાદી હિંદુઓ કરતાં ઘણી વધુ છે. આ બાજુ બી.જે.પી.નું જે હિન્દુત્વ છે એ માથાભારે છે. બીજી વાત તેમને એ સમજાઈ ગઈ કે નરેન્દ્ર મોદીનું શાસન અને શાસનનું સ્વરૂપ જેટલા પ્રશ્નો ઉકેલે છે એનાં કરતાં વધુ પેદા કરે છે. દેખાડો, ખોટા વાયદાઓ, જૂઠાણા, બીજાની જગ્યા આંચકી લેનારી અંચાઈ, પસંદગીના ઉદ્યોગપતિઓને કરવામાં આવતી ઉઘાડી મદદ, અર્થતંત્ર તરફ દુર્લક્ષ, લોકતાંત્રિક મર્યાદાઓનું ઉલ્લંઘન અને ચીને કરેલું મર્દાનગીનું પંક્ચર વગેરેનો બચાવ હિન્દુત્વવાદી હિંદુઓ પણ નથી કરી શકતા. ગોદી મીડિયા પણ ધ્યાન ભટકાવવાની કોશિશ કરે છે, બચાવ નથી કરી શકતા.

રાહુલ ગાંધીએ હિંદુઓની સંભવિત નરાજગીની ચિંતા કર્યા વિના તીર સીધું સાવરકર-સંઘના  હિંદુરાષ્ટ્રની કલ્પના સામે અને નરેન્દ્ર મોદીના માથાભારે શાસન સામે ઉગામ્યું. સાવરકર – સંઘ – નરેન્દ્ર મોદીના હૃદયકમળમાં જ તીર મારવાનું શરૂ કર્યું. તેમણે ભા.જ.પ. અને નરેન્દ્ર મોદીની જગ્યાએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પૃથકતાવાદી હિંદુ રાષ્ટ્રને જ ટાર્ગેટ બનાવ્યું. ભારતની એક કલ્પના ગાંધીજીની છે અને બીજી સાવરકરની. ગાંધીજીની કલ્પનાના ભારતના પાયામાં ન્યાય છે, સમાનતા છે, મર્યાદા છે, સંયમ છે અને બંધારણ છે. સાવરકરની કલ્પનાનાં ભારતમાં હિંદુઓનું (સવર્ણ હિંદુ પુરુષ વાંચો) સર્વોપરીપણું છે જે માર્ગ માથાભારે હિંદુ રાષ્ટ્ર સુધી લઈ જાય છે. આગળ કહ્યું એમ વિવેકી હિંદુઓ હિંદુ રાષ્ટ્રના વિરોધી છે અને તેમની સંખ્યા મોટી છે. જેમ જેમ લોકોનો નરેન્દ્ર મોદી વિષેનો ભ્રમ તુટવા માંડ્યો રાહુલ ગાંધીની લાઈન મોટી થવા લાગી.

કાઁગ્રેસ અને રાહુલ ગાંધીનું કોઈ અસ્તિત્વ જ નહીં બચ્યું હોય ત્યાં સહિયારા ભારતની વકીલાત કરશે કોણ એમ નરેન્દ્ર મોદી અને સંઘ માનતા હતા. તેઓ એ ભૂલી ગયા કે સહિયારા ભારતની દેશને જરૂર છે, તેની પ્રાસંગિકતા છે, બહુમતી હિંદુઓ તેને શોધે છે, બચાવી લેવા માગે છે, તેને માટે તેઓ લડે છે અને તેના પ્રવક્તા તરીકે તેનો સીધો લાભ રાહુલ ગાંધીને મળી રહ્યો છે. ઉદારમતવાદી હિંદુઓને રાહુલ ગાંધીનો ખપ છે. માટે પ્રારંભમાં કહ્યું એમ જ્યારે કોઈ ચીજની જરૂર હોય તો તેનો વિકલ્પ શૂન્યમાંથી પણ પેદા થાય અને ઉપલબ્ધ વિકલ્પને પાતાળમાં દફનાવી દો તો પણ એ કોળાય. કારણ કે સમાજને તેની જરૂર છે. સૃષ્ટિનો આ નિયમ છે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 29 સપ્ટેમ્બર 2024

Loading

જીવતાં હોવું

જેમ્સ ક્રૂઝ [અનુવાદ : નંદિતા મુનિ]|Poetry|28 September 2024

અમેરિકન કવિ જેમ્સ ક્રૂઝના એક કાવ્ય ‘To Be Alive’ નો મારો અનુવાદ. એમનાં અન્ય કાવ્યો jamescrews.net પર વાંચી શકાશે. Thank you, James Crews.

શોકની દરેક પળમાં, એક 

નાનકડું દ્વાર હોય છે- કદાચ

મારા પાડોશીના બગીચામાં વૃક્ષ પર લટકતી માળાપેટીમાં કોતરેલા

કાણા જેવડું જ.

દેખીતું તો લાગે કે

આ સાંકડી, અંધારી જગ્યામાં 

શું પાંગરવાનું; પણ જલદી જ

ઝલક દેખાય છે મને, 

પીંછાં ફૂટવા લાગ્યા હોય એવાં બચ્ચાંની –

ઊડવા કાજે આતુર, પણ હજી

ઊડવાથી ડરતાં.

અને માદા પક્ષી 

ખોરાક લઈને આવે છે જ્યારે, અને ગમે તેમ કરીને

સાંકડા દ્વારેથી અંદર સમાય છે, ત્યારે 

સાંભળું છું હું

જીવવાની ભૂખનો કલબલાટ,

અને રેતી પાથરેલી કેડી પર

એકલા ઊભેલા મને પણ

અચાનક યાદ આવે છે

મારી પોતાની જીવનક્ષુધા.

સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...415416417418...430440450...

Search by

Opinion

  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved