Opinion Magazine
Number of visits: 9872466
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘મધુકર’ બન્યો ‘કલાપી’ અને ‘ગુંજારવ’ બન્યો ‘કેકારવ’

દીપક મહેતા|Opinion - Literature|27 January 2014

અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં જો કોઈ કવિઓને સાચા અર્થમાં લોકપ્રિયતા મળી હોય – અને લાંબા કાળ સુધી, આજ સુધી – ટકી રહી હોય તો તે બે કવિઓને. એક ઝવેરચંદ મેઘાણીને અને બીજા કવિ કલાપીને.

તેમાંથી કલાપીના જન્મને આજે ૧૪૦ વર્ષ પૂરાં થાય છે અને તેમના એકમાત્ર કાવ્યસંગ્રહના પહેલા પ્રકાશનને આ વર્ષે ૧૧૧ વર્ષ પૂરાં થાય છે. આ કાવ્યસંગ્રહ એટલે ‘કલાપીનો કેકારવ.’ અને આ કેકારવના પ્રકાશનનો ઇતિહાસ પાછો કોઈ રહસ્યકથા જેવો છે. પૈસા કે પહોંચ કે ધગશનો અભાવ તો હતો નહિ, એટલે પુસ્તક તૈયાર થાય તે પહેલાં અતિ ઉત્સાહમાં – કે અતિ આત્મશ્રદ્ધામાં – તેમણે તો પ્રસ્તાવના પણ લખી નાખી હતી, છેક ૧૮૯૩ના જાન્યુઆરીમાં. પણ કેકારવ પ્રગટ થઈ શક્યો કલાપીના અવસાન પછી છેક ૧૯૦૩માં. અને તે પહેલાં – અને પછી પણ – આ સંગ્રહને કલાપીના મિત્રો અને અનુયાયીઓની અહમહમિકામાંથી પસાર થવું પડ્યું હતું!

કાવ્યસંગ્રહ પ્રગટ કરવાનો વિચાર પહેલી વાર આવ્યો ત્યારે સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલે પોતાનું ઉપનામ ‘મધુકર’ અને તેથી કાવ્યસંગ્રહનું નામ ‘મધુકરનો ગુંજારવ’ રાખવાનું નક્કી કરેલું. ૧૮૯૬માં ભાવનગરના પ્રેસમાં છાપકામ શરૂ પણ થયું. પણ ઝાઝું આગળ ન ચાલ્યું. (ભાવનગરના પ્રેસમાં છપાતા ‘નર્મકોશ’ અંગે નર્મદને પણ કડવો અનુભવ થયો હતો, અલબત્ત, જુદાં કારણો સર.) પછી છાપકામ મુંબઈના એક અત્યંત પ્રતિષ્ઠિત એવા નિર્ણયસાગર પ્રેસને સોપાયું. પણ ત્યાં છાપકામ ધીમું ચાલતું હતું એમ કહેવાય છે, અને એટલે કલાપીના સાહિત્યગુરુ મણિલાલ નભુભાઈ દ્વિવેદીના ‘સુદર્શન મુદ્રણાલય’માં તેનું છાપકામ કરવાનું નક્કી થયું. પણ સાથોસાથ એમ પણ નક્કી થયું કે સુરસિંહજીનાં કાવ્યો મણિલાલના ‘વિવરણ’ સાથે છાપવાં. પણ મણિલાલ તે માટે સમય ફાળવી ન શક્યા અને ૧૮૯૮ના ઓક્ટોબરમાં મણિલાલનું અવસાન થયું એટલે કવિ જટિલને સંગ્રહના છાપકામની જવાબદારી સોંપાઈ.

એ વખતે જીવણરામ લક્ષ્મીરામ દવે ઉર્ફે જટિલના સૂચનથી સુરસિંહજીએ પોતાનું તખલ્લુસ ‘મધુકર’ને બદલે ‘કલાપી’ રાખવાનું ઠરાવ્યું અને એટલે પછી કાવ્ય સંગ્રહનું નામ પણ બદલાયું – ‘મધુકરનો ગુંજારવ’ ને બદલે ‘કલાપીનો કેકારવ.’ પણ ૧૯૦૦ના જૂનમાં સુરસિંહજીનું અવસાન થયું અને ૧૯૦૧માં જટિલનું પણ અવસાન થયું. આમ, પૂરતાં સાધન-સગવડ અને ઇચ્છા હોવા છતાં સુરસિંહજીનો એકમાત્ર કાવ્યસંગ્રહ તેમની હયાતીમાં પ્રગટ ન જ થઈ શક્યો.

કલાપીના અવસાન પછી તેમના મિત્ર અને પ્રતિષ્ઠિત કવિ કાન્ત(મણિશંકર રત્નજી ભટ્ટ)ને માથે જવાબદારી આવી. પણ તેમને હાથે પણ ઢીલ થતી જોઈ આપણા પ્રતિષ્ઠિત કવિ-વિવેચક બલવન્તરાય ઠાકોર અકળાયા.  એટલે કાન્તે ભાવનગરના દરબારી પ્રેસમાં છાપકામ શરૂ કરાવ્યું, અને છેવટે ૧૯૦૩માં કાન્ત સંપાદિત ‘કલાપીનો કેકારવ’ પહેલી વાર પ્રગટ થયો. એ વખતે તેમના સંપાદનને સારી એવી સફળતા મળેલી એટલે ૧૯૦૯, ૧૯૧૧, ૧૯૧૬, ૧૯૨૦ અને ૧૯૨૨માં આ પુસ્તક ફરી છપાયું હતું. અલબત્ત, ૧૯૦૯ની આવૃત્તિમાં કલાપીનાં એક પત્ની શોભના વિશેના પત્રો ઉમેરાયા હતા તો ૧૯૨૦ની આવૃત્તિમાં કેટલાંક ચિત્રો પહેલી અને છેલ્લી વાર મૂકાયાં હતાં.

કાન્તના અવસાન પછી જગન્નાથ દામોદર ત્રિપાઠી ઉર્ફે ‘સાગર’ દ્વારા થયેલું કેકારવનું સંપાદન ૧૯૩૧માં પ્રગટ થયું. જો કે તેના પર સંપાદક તરીકે સાગરનું નહિ પણ કલાપીના પુત્ર જોરાવરસિંહજીનું નામ મૂકાયું હતું. કાન્તને નહિ મળેલાં એવાં કેટલાંક કાવ્યો સાગર મેળવી શક્યા હતા એટલે કાન્તના સંપાદનમાં ૨૧૫ કાવ્યો હતાં, ત્યારે સાગરના સંપાદનમાં ૨૪૯ કાવ્યો અને લાંબા કાવ્ય ‘હમીરજી ગોહેલ’ના કેટલાક ખંડ હતા. ૧૯૪૬ અને ૧૯૫૩માં સાગરનું સંપાદન ફરી છપાયેલું. ત્યાર બાદ ૧૯૫૯માં કલાપી સ્મારક ફંડ તરફથી નવી આવૃત્તિ પ્રગટ થઈ તેમાં હમીરજી ગોહેલ સહિત કુલ ૨૪૦ કાવ્યો હતાં. પણ આ આવૃત્તિમાં મૂળ કાવ્યોમાં મનમાની રીતે ફેરફારો, સુધારા, અને બગાડા કરવામાં આવ્યા હતા. છતાં ૧૯૬૩ અને ૧૯૬૮માં તેનું પુનર્મુદ્રણ થયું. પછી ૧૯૮૨ અને ૧૯૯૫માં યુ. એમ. પટેલ કલ્યાણ ટ્રસ્ટ તરફથી કેકારવ પ્રગટ થયો પણ તેમાંના કાવ્યો કલાપી સ્મારક ફંડની આવૃત્તિ પ્રમાણે જ હતાં.

કેકારવના પ્રકાશનની રહસ્યકથાનું છેલ્લું પ્રકરણ ઇ.સ. ૨૦૦૦માં શરૂ થયું. નવી સંશોધિત અને સંવર્ધિત આવૃત્તિ તૈયાર કરી આપવા માટે ગાંધીનગરની ગુજરાત સાહિત્ય અકાદમીએ ડો. રમેશ મ. શુક્લને લેખિત આમંત્રણ મોકલ્યું. પુષ્કળ જહેમત પછી આવી આવૃત્તિ તેમણે તૈયાર કરી. પણ પછી કોઈ અગમ્ય કારણોસર તે પ્રગટ કરવાને બદલે અકાદમીએ ‘સામાજિક આવૃત્તિ’ પ્રગટ કરી નાખી. અકાદમીના આમંત્રણથી તૈયાર થયેલી આવૃત્તિ છેવટે ૨૦૦૧માં સુરતના ‘સાહિત્ય સંકુલ’ દ્વારા પ્રગટ થઈ. અગાઉની બધી આવૃત્તિઓ કરતાં આ આવૃત્તિ મુઠ્ઠી ઊંચેરી છે તે તેમાં સૌથી વધુ – ૨૫૮ – કાવ્યો છે એટલે જ નહિ, તેનું સંપાદન પૂરી શાસ્ત્રીયતાથી અને સજ્જતાથી થયું છે તેથી.

કલાપી અને મેઘાણીને મળેલી લોકપ્રિયતાની સરખામણી કરવા જેવી છે. કલાપી તેમના ટૂંકા જીવનકાળ દરમ્યાન કવિ તરીકે લોકોમાં જાણીતા થયા નહોતા કારણ તેમનો એકમાત્ર કાવ્યસંગ્રહ તેમના અવસાન પછી પ્રગટ થયો. જ્યારે મેઘાણીને તેમના જીવનકાળમાં જ અસાધારણ લોકપ્રિયતા મળી. તેમની મુખ્ય અને મહત્ત્વની મૂડી લોકજીવન અને લોકસાહિત્યનો પ્રગાઢ સ્પર્શ છે. તેમના પ્રભાવક વ્યક્તિત્ત્વ, વક્તૃત્ત્વશક્તિ અને બુલંદ કંઠે પણ તેમને લોકો સુધી પહોંચાડવામાં ઘણી મદદ કરી હોય. બંનેનાં પુસ્તકો લગભગ સતત ફરી ફરી છપાતાં રહ્યાં તેને કારણે પણ તેમનું લોકહૃદયમાંનું  સ્થાન ટકી રહ્યું. તો બીજી બાજુ વર્ષો સુધી કવિ નાનાલાલનાં પુસ્તકો ફરી છપાયાં જ નહિ તેથી અત્યંત સશક્ત કવિ હોવા છતાં તેઓ લોકહૃદયથી આઘા ખસતા ગયા. મેઘાણીનું ‘લોક’ સાથેનું અનુસંધાન મહત્ત્વનું બન્યું તો કલાપીને લાઠી રાજ્યના ‘રાજવી કવિ’ તરીકે અદકેરો દરજ્જો અપાયો.

પણ હકીકતમાં લાઠી એ વડોદરા કે ભાવનગરના રાજ્ય જેવું નહોતું, અંગ્રેજ સરકારના વિભાગીકરણ પ્રમાણે તે ચોથા વર્ગનું રજવાડું હતું અને તેના રાજ્યકર્તા ‘મહારાજ’ કે ‘રાજા’ તરીકે નહિ પણ ‘ઠાકોર’ તરીકે ઓળખાતા. કલાપીનું અવસાન થયું એ અરસામાં લાઠીના રાજ્યની કુલ વસ્તી માત્ર ૮૮૩૧ લોકોની હતી અને રાજ્યની કુલ વાર્ષિક આવક ૧૮૬,૩૮૭ રૂપિયાની હતી. રમા, શોભના અને કલાપીના પ્રણય-ત્રિકોણને કારણે પણ લોકોનું ધ્યાન તેમના તરફ રહ્યું, પણ બહુપત્નીત્વની પરંપરા ધરાવતાં રાજવી કુટુંબો માટે તે બહુ અસાધારણ ઘટના તો ન જ ગણાય. કલાપીની ઘણી કવિતાના ભાવો અને તેમના આર્દ્ર ઉદ્ગારોમાં યુવાવર્ગના સાહિત્યપ્રેમીઓને પોતાના હૃદયની વાત જ કહેવાતી હોય એમ લાગ્યું હોય અને કલાપીની લોકપ્રિયતાનું મુખ્ય કારણ કદાચ એ હોઈ શકે.

(ઋણસ્વીકાર : ડો. રમેશ મ. શુક્લ કૃત પુસ્તક ‘કલાપીઘટના’ અને તેમના દ્વારા સંપાદિત ‘કલાપીનો કેકારવ’ની ૨૦૦૧માં પ્રગટ થયેલી સંશોધિત અને સંવિવર્ધિત આવૃત્તિ)

(સૌજન્ય : ‘ગ્રંથયાત્રા’, “ગુજરાતમિત્ર”, 26 જાન્યુઅારી 2014)   

Loading

ઊંચી પ્રતિમા બનાવીને શું પ્રમાણિત કરવું છે?

સનત મહેતા|Samantar Gujarat - Samantar|24 January 2014

– આભને આંબવાની સ્પર્ધા – આમ કરીને ચારિત્ર, જ્ઞાન કે કર્તવ્ય ઊંચાઈ પ્રાપ્ત કરવાની નિષ્ફળતા ઉજાગર કરતા નથી ને?

ભારત વિશ્વના સૌથી ઊંચા પર્વત હિમાલયની ઓથે કુદરતના

કરિશ્માના કારણે વસ્યું છે. સૈકાઓથી હિ‌માલયનું શિખર અજીંક્ય રહ્યું હતું. જ્યારે હિલેરી અને તેન્સીંગે હિમાલય સર કર્યો ત્યારે ઘણા ભારતીયોને એક પ્રકારનો આંચકો લાગ્યો હતો, ત્યારથી આ બંને વિજેતાઓ વિશ્વભરના મીડિયામાં હિમાલયનાં શિખરોની વાત આવે તો અવશ્ય પ્રચારનું માધ્યમ બની જતા હતા. હિમાલયને કવિઓએ તો 'સંતરી હમારા પાસવાં હમારા' ગણાવ્યો છે.



અલબત્ત ચીનના લાલ શાસને જ્યારે ભારત-ચીન યુદ્ધમાં ભારતને પરાજિત કર્યું ત્યારે ભારતના સ્વાતંત્ર્ય યુદ્ધમાં જાહેર જીવનની ઘણી ઊંચાઈ પ્રાપ્ત કરી શકનાર જવાહરલાલ નેહરુએ અકલ્પ્ય ઘાવ અનુભવ્યો હતો, ઘણા માને છે કે એટલે જ એ આ આઘાત પછી તેઓ લાંબું ન જીવી શક્યા. પણ મનુષ્ય જ્યારે જ્ઞાન, ચારિત્ર્ય કે કર્તવ્યમાં આવી ઊંચાઈ પ્રાપ્ત કરી શકતો નથી ત્યારે એ ભૌતિક ઊંચાઈ સર્જી પોતાનું મન સંતોષે છે.



ભારતની જનતાનાં દિલોદિમાગમાં હિમાલય જે ભાવ અને વિચાર પ્રગટાવે છે, એવો ભાવ અન્ય રાષ્ટ્રવાસીઓનાં દિલમાં જન્માવતો નથી. પણ એ બધાને ભૌતિક ઊંચાઈ પ્રાપ્ત કરવી ગમે છે. એમાંથી જ મંદિર અને એના શિખરની. મિનારાની કે ઊંચા ભવ્ય મહેલાતો કે વિવિધ ઉપયોગવાળા વસવાટોવાળા ટાવર કે ઊંચી પ્રતિમાને હાંસલ કરવાની ઇચ્છા જાગૃત થાય છે. ખાસ કરીને જ્યારે મનુષ્ય ચારિત્ર્ય કે કર્તવ્યમાં ભવ્ય ઊંચાઈ પ્રાપ્ત કરી શકતો નથી ત્યારે ભૌતિક ઊંચાઈ કરવામાં લાગી જાય છે. કારણ એમ કરીને એનું મન સંતોષ મેળવી લે છે.



આજના વિશ્વમાં ચીનને ઊંચા ટાવર કે ગગનચૂંબી ઈમારતનો લગાવ લાગ્યો છે. પરિણામે વિશ્વની દસ ગગનચૂંબી ઈમારતોમાંથી પાંચ ગગનચૂંબી ઈમારતો ચીનમાં અત્યારે બંધાઈ રહી છે. આ પાંચમાંથી બેનું બાંધકામ ૨૦૧૪માં પૂરું થનાર છે. આમાંની એક 'શાંધાઈ ટાવર' બંધાઈ જશે ત્યારે ચીનની સૌથી ઊંચી ઈમારત બનશે. એની પાછળ પાછળ બંધાઈ રહેલ 'સ્કાય સિટી' પૂરી થશે ત્યારે એ વિશ્વની સૌથી ઊંચી ઈમારત બનશે. પર્યાવરણની જાળવણી માટે શાંઘાઈ ટાવરમાં પુન:પ્રાપ્ય ઊર્જા અને ગગન બગીચા બનશે.



જ્યારે 'સ્કાય સિટી' ચીનના ઈજનેરી કૌશલ્યને વિશ્વભરમાં ઉજાગર કરશે. સ્કાય સિટીની ઇમારત ૮૩૮ મિટર ઊંચી હશે. આમ થશે તો વિશ્વની હાલની સંયુક્ત આરબ અમિરાતની સૌથી ઊંચી ઈમારત 'બુર્જ ખલિફા' કરતાં દસ મીટર ઊંચી ઈમારત બનશે. ટૂંકમાં વિશ્વની ઊંચી ઈમારતોનો ક્રમ કંઈક આવો રહેશે: સ્કાય સિટી (૮૩૮ મિટર) – ચીન, બુર્જ ખલિફા (૮૨૮ મિટર) – અબુધાબી, શાંઘાઈ ટાવર (૬૩૨ મિટર) – ચીન, ક્લોક રોયલ ટાવર (૬૦૧ મિટર) સાઉદી અરેબિયા – મક્કા, વન વર્લ્ડ ટાવર (પ૪૧ મિટર) અમેરિકા.



'સ્કાય સિટી સફળ થશે?' એવા સવાલના જવાબમાં ગેન્સ્લેરે જણાવ્યું કે, 'ના, એ નિષ્ફળ નહીં થાય કારણ એ ઊંચી ઈમારત નથી, પણ પિરામિડ ઢબે બંધાવાનું છે.' એક તરફ ઊંચી ગગનચુંબી ઈમારતની સ્પર્ધા છે તો બીજી તરફ ભારતમાં ઊંચી પ્રતિમાની સ્પર્ધા છે. ભા.જ.પ.ના વડા પ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદી નર્મદાના બંધ પાસે નદીનાં વહેણ વચ્ચે આવતા સાધુબેટ પર ૧૮૨ મિટર ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ભારતની એકતાના પ્રતીક તરીકે ઊભી કરી રહ્યા છે અને એમણે આ કાર્ય પાર પાડવા 'બુર્જ ખલિફા' બાંધનાર ઈજનેરી પેઢીની સહાય લેવાનું ઠરાવ્યું છે.



૨૦૦૨માં ગુજરાતમાંના ગોધરાકાંડ પછીનાં રમખાણોમાં વિકૃત વિભાજન કર્યા પછી હવે એકતા માટે સરદારની પ્રતિમા બાંધવાની ઘોષણા ઠેરઠેર કરી રહ્યા છે. સાથોસાથ રાહુલના 'નાના' જવાહરલાલ નેહરુને ઉતારી પાડવા માગે છે. કેવી છે ઇતિહાસની વિટંબણા વાજપેયી પ્રથમ વખત ભારતના મંત્રી બન્યા ત્યારે એમણે વિદેશી વિભાગ સંભાળ્યો ત્યારે આ જ જવાહરલાલ નેહરુની તસવીર પોતે પાછી મુકાવી હતી. ખેર માનવ સ્વભાવ જ એવો છે બીજી તરફ મહારાષ્ટ્ર છત્રપતિ શિવાજીની ૧૯૦ મિટર ઊંચી (સરદાર કરતાં પાંચ મિટર વધુ) પ્રતિમા નરીમાન પોઈન્ટથી અઢી કિલોમિટર દૂર આવેલ ટાપુ પર બાંધી રહ્યું છે. પ્રથમ જૂની જગાએ પ્રતિમા મુકાવાની હતી ત્યારે એનો ખર્ચ રૂપિયા સો કરોડ અંદાજ્યો હતો.



પછી રૂપિયા પાંચસો કરોડ થયો અને હવે એક હજાર કરોડથી વધી જશે. આ પ્રતિમાનો ખ્યાલ ખ્યાતનામ સંસ્થા જે.જે. સ્કૂલ ઓફ આર્કિટેકચરે તૈયાર કર્યો છે. શિવાજીની પ્રતિમાનું પેડસ્ટેલ અષ્ટકોણી શિવાજી મહારાજના રાજ્યના શાહી પ્રતીક જેવું બનશે. આ માટે પર્યાવરણીય મંજૂરીની વિવિધ પ્રક્રિયા શરૂ કરાઈ છે. અગાઉની ૯૮ મિટર (૩૨૧ ફિટ) પ્રતિમાનું આ નવું સ્વરૂપ છે. નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રમાં કોઈ સમારંભમાં ગયા ત્યારે શિવાજીએ સૂરત લૂંટયું નહોતું એવું વિવાદિત વિધાન રાજકીય હેતુસર કરેલું. આ સિવાય પ્રતિમા અંગે કોઈ વિવાદ મહારાષ્ટ્રમાં નથી. ઈમારત અને પ્રતિમાની ઊંચાઈને બદલે ભારત ફરી જૂની બુદ્ધિ, ચારિત્ર્ય અને શાસન ક્ષેત્રે ઊંચાઈ પ્રાપ્ત કરે એવું કરીએ તો કેવું સારું?

(સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, જાન્યુઅારી 23, 2014)

http://www.divyabhaskar.co.in/article/ABH-article-of-sanat-mehta-in-editorial-4500682-NOR.html

Loading

વધતી અાર્થિક અસમાનતા શાન્તિ હણશે અને સમસ્યાઅો સર્જશે

દિવ્યેશ વ્યાસ|Opinion - Opinion|22 January 2014

આજથી સ્વીટ્ઝર્લેન્ડમાં દાવોસ ખાતે વર્લ્ડ ઇકોનોમિક ફોરમનું વાર્ષિક સંમેલન શરૂ થશે. આ સંમેલનમાં દુનિયાના મોટા ભાગના દેશના અગ્રણીઓ મળશે અને અર્થતંત્ર, વ્યાપાર, વૈશ્વિક સમસ્યાઓ, રાજકીય મુદ્દાઓ વગેરે અંગે મોટી મોટી ચર્ચાઓ કરાશે પછી પાર્ટીઓ માણશે. દેશના વડાઓ સ્વીટ્ઝર્લેન્ડની સફરનો લુત્ફ ઉઠાવાશે અને મોજશોખ કરીને સ્વદેશ સીધાવી જશે.

આ બેઠકમાં આર્થિક બાબતો કેન્દ્રમાં હશે, પણ કમનસીબે તેમની ચિંતાનો વિષય દુનિયાભરના આમ આદમીની આર્થિક સંકડામણ નહીં હોય! અને એટલે જ વર્લ્ડ ઈકોનોમિક ફોરમના આવાં સંમેલનોનો ઘણા સભાન નાગરિકો અને બૌદ્ધિકો દ્વારા વિરોધ થતો આવ્યો છે. આ વખતે દાવોસ ખાતે સંમેલન શરૂ થાય તેના આગલા દિવસે જ બ્રિટનની દાતા સંસ્થા ઓક્સફામ દ્વારા 'વર્કંિગ ફોર ધ ફ્યુ : પોલિટિકલ કેપ્ચર એન્ડ ઇકોનોમિક ઇનઇક્વાલિટી' નામનો અહેવાલ પ્રસિદ્ધ કરીને દુનિયામાં વધતી આર્થિક અસમાનતા તરફ રાજકીય-આર્થિક વડાઓનું ધ્યાન દોરવાની કોશિશ કરવામાં આવી છે.

આ અહેવાલમાં અનેક દેશોની ૧૯૮૦થી ૨૦૧૨ દરમિયાનના સમયગાળાની આર્થિક વિગતોનું વિશ્લેષણ કરીને કેટલાંક તારણો રજૂ કરવામાં આવ્યાં છે, જે ચોંકાવનારાં છે. વિકસિત અને વિકાસશીલ એમ બન્ને પ્રકારના દેશોમાં કઈ હદે આર્થિક અસમાનતા વધી રહી છે, તેનો વિસ્તૃત ચિતાર આ અહેવાલમાં વ્યક્ત કરાયો છે. આ અહેવાલનું શીર્ષક પણ ઘણું સૂચક છે – વર્કિંગ ફોર ધ ફ્યુ, જેનો અર્થ થાય, અમુક લોકો માટે જ બધું કાર્ય કરવામાં આવે છે!

આ અહેવાલમાં શબ્દો ચોર્યા વિના જણાવાયું છે કે આજકાલ સરકારો અમીરો, મૂડીપતિઓ અને ઉદ્યોગપતિઓના હાથની કઠપૂતળી બની ગઈ છે. સરકાર મૂડીપતિઓનાં હિતો તરફી જ નિર્ણયો લે છે, કાયદા ઘડે છે અને અમીરોને જ વધારે અમીર બનાવે છે. આમ, લોકો દ્વારા ચૂંટાયેલી સરકાર પણ સાધારણ લોકો માટે નહીં પણ અમુક ખાસ લોકો માટે જ કામ કરતી હોય છે. આપણા દેશમાં સાંસદો પૈસા લઈને સંસદમાં પ્રશ્નો પૂછતાં હોવાનો પર્દાફાશ થયો હતો, જેણે આ અંગે પુરાવો પૂરો પાડેલો છે.

આ અહેવાલમાં તીવ્ર બનતી આર્થિક અસમાનતા દર્શાવતાં કેટલાક આંકડા પણ રજૂ કરાયા છે. વિશ્વમાં એક ટકા અમીર લોકો પાસે દુનિયાની અરધી વસતી કરતાં વધારે સંપત્તિ છે. દુનિયાના માત્ર ૮૫ અમીર લોકો પાસે જેટલી સંપત્તિ છે, એટલી સંપત્તિ દુનિયાની અરધી ગરીબ વસતી પાસે પણ નથી! છેલ્લાં પચીસ વર્ષમાં ગણતરીના લોકો પાસે જ ધન-સંપત્તિ કેન્દ્રિત થતી ગઈ છે, તેનો આ પુરાવો છે. દુનિયામાં એક તરફ સંપત્તિની રેલમછેલ છે તો બીજી તરફ બે ટંકનું ખાવાનાં પણ સાંસા છે. અમીર વધુ અમીર બનતો જાય છે અને ગરીબ વધુ ગરીબ. આર્થિક અસમાનતાની ખાઈ દિવસે દિવસે વધી રહી છે અને હવે તો વિકરાળ બની ગઈ છે. આરબ વસંત હોય કે ઓક્યુપાઇ વોલસ્ટ્રીટ આંદોલન હોય કે પછી આપણા દેશમાં વકરતો નક્સલવાદ હોય, આ બધાનાં મૂળમાં આખરે તો તીવ્ર આર્થિક અસમાનતા અને આર્થિક અન્યાય જ કારણભૂત છે.

લોકશાહી દેશોમાં સ્વતંત્રતા છે, પણ સમાનતા નથી અને એટલે જ અશાંતિ, અસ્થિરતા અને અંધાધૂંધીને આમંત્રણ મળતું હોય છે. આર્થિક અસમાનતાને કારણે અનેક સામાજિક સમસ્યાઓ પેદા થાય છે. આ અહેવાલમાં દાખલા-દલીલ સાથે આર્થિક અસમાનતાના ઉપાય પણ દર્શાવ્યા છે, આશા રાખીએ કે દાવોસમાં મળનારા નેતાઓ એ અંગે સકારાત્મક રીતે વિચારશે. આર્થિક અસમાનતાનો ઉકેલ કાઢવામાં નહીં આવે તો પછી કોઈ સરકાર કે વ્યવસ્થા પણ અમીરને ધોળા દિવસે લૂંટાતો બચાવી શકશે નહીં!

http://www.sandesh.com/article.aspx?newsid=2903068

Loading

...102030...4,0944,0954,0964,097...4,1004,1104,120...

Search by

Opinion

  • 1991ના દેશના આર્થિક સંકટમાંથી આપણે શું શીખી શકીએ?
  • અનામત કોઈને માટે ક્યાં સુધી ચાલુ રાખવી જોઈએ?
  • પરફોર્મેટિવ પૉલિટિક્સઃ રાજકારણ હવે માત્ર શાસન નહીં, વાયરલ થવાની કળા પણ
  • રાષ્ટૃની વિભાવના : સંઘર્ષ સમજૂતિ અને સ્થાપિત એજન્ડા
  • ચલ મન મુંબઈ નગરી—342

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved