Opinion Magazine
Number of visits: 9697188
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

Vote bank

'Surendra'|Opinion - Cartoon|27 August 2013

courtesy : "The Hindu", 27-08-2013

Loading

દાભોળકર … અબ તો હમ અમર ભયે

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|26 August 2013

રાજકીય જાગૃતિ અને સંસારસુધારાની હિ‌લચાલ,

બેઉ સાથેલગાં નહીં ચાલે ત્યાં લગી આપણો જયવારો નથી હોવાનો

કોને સંભારીશું, આનંદધનને કે આપણા ગુજરાતી કવિને. આનંદધનનું અદ્દભુત પદ છે કે ‘અબ હમ અમર ભયે’. અને આપણો ગુજરાતી કવિ? એણે ગાયું છે કે ‘મૃત્યુ મરી ગયું રે લોલ’ : વીસમી ઓગસ્ટને મંગળવારે પુણેસ્થિત ઓમકારેશ્વર પુલ પાસે નરેન્દ્ર દાભોળકર ઉપર જે ગોળીઓ વછૂટી તે દેખીતો તો એમનો ભોગ લઈ ગઈ. પણ અંધશ્રદ્ધા નિર્મૂલન વાસ્તે એમની જિંદગીભરની જદ્દોજહદના એક પ્રતીકરૂપ અંધશ્રદ્ધાવિરોધી ખરડો અઢાર અઢાર વરસની અટકેલ-લટકેલ અવસ્થાને લાંધીને સહસા વટહુકમરૂપે વિલસી રહ્યો … દાભોળકર, તમે મરીને અમર થઈ ગયા, એમ જ ને. ના. ના. એમ કહેવું સાચું છતાં વધુ પડતું સરળ લેખાશે. આ દેશનો રાજકીય અગ્રવર્ગ, શું કહીશું એને – જ્યાં સુધી કોઈ બત્રીસલક્ષણા થકી ખપ્પર ન ભરાય ત્યાં સુધી આ વર્ગ હલવાચસવાનું નામ જ નથી લેતો.



વાત અલબત્ત સાચી કે દાભોળકરની લાંબી લડતને એમના મૃત્યુ સાથે ઉભરેલ લોકઉદ્રેક અને શાસકીય સક્રિયતાને કારણે કદાચ નવજીવન મળ્યું છે. અંધશ્રદ્ધા સામે એટલે કે ધર્મતત્ત્વ કે ઈશ્વર સામે નહીં પણ એમને નામે ચાલતાં શોષણ સામે લડનારો આ જોધ્ધો હતો. એને ધર્મવિરોધી અને ઈશ્વરવિરોધીના ખાનામાં ખતવી દઈને અંધશ્રદ્ધાઓ મારફતે શોષણનાં ચક્રો ચલાવનારાઓ બધો વખત મનમાની વાસ્તે મુસ્તાક પેશ આવ્યા છે. બીજી પાસ, સમાજવાદી ધરાણાના નરેન્દ્ર દાભોળકરે પૂરા સમયની દાક્તરી છોડીને તેમ બીજી પણ કારકિર્દીગત સંભાવનાઓ (કબડ્ડીમાં એ રાષ્ટ્રીય ચેમ્પિયન હતા) છોડીને નર્મદની બાનીમાં કહીએ તો 'વહેમ જવન’ સામેના રણરંગમાં જીવનની સાર્થકતા શોધી હતી.



ગાયનેકોલોજિસ્ટ પત્નીએ કુટુંબની જવાબદારી સંભાળી એમને નચિંત કર્યા હતા તો હવે જુવાનજોધ થતાં આવતાં દીકરા-દીકરીએ પણ માતાપિતાના આદર્શો અંગીકારવામાં ધર્મ જોયો હતો. પુત્રી મુક્તા તો પૂરા સમયની સામાજિક કર્મશીલ છે, અને પુત્ર હમીદ મનોવિશ્લેષક તરીકે કાર્યરત હોવા સાથે સામાજિક રુઝાન ધરાવે છે. આ 'હમીદ’ નામ દાભોળકર કુટુંબના સંદર્ભમાં પ્રથમ શ્રવણે કંઈક આગંતુક લાગે છે, નહીં? પણ એ આગંતુક નહીં એટલું આત્મીય છે, કેમ કે જેમ દલિત જાગૃતિ એ મહારાષ્ટ્રનો એક વિશેષ રહ્યો છે તેમ હમીદ દલવાઈ જેના પાયામાં હતા તે મુસ્લિમ સત્યશોધક સમાજ પણ એવો જ એક અન્ય વિશેષ છે. સામે પૂર નૈયા ઝુકાવનાર હમીદની ધન્યસ્મૃિત દાભોળકર પરિવારે પોતાની રીતે સાચવી છે.



અંધશ્રદ્ધા નિર્મૂલન ચળવળના મહારાષ્ટ્રમાં તો પર્યાય પુરુષ બની રહેલા આ જણની હત્યા કોણે કરી? મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચવાણે આરંભિક પ્રતિક્રિયામાં કહ્યું કે તપાસ જારી છે. પણ એમણે તરત ઉમેર્યું હતું કે જે પરિબળોએ ગાંધીજીનો ભોગ લીધો હતો તેમણે જ દાભોળકરનો યે લીધો છે. આ પ્રાથમિક પ્રતિક્રિયામાંથી સ્વાભાવિક જ કોઈ રાજકીય ફિરાક અને મતબેંકી ધ્રુવીકરણ બૂ આવી શકે. પણ દાભોળકરને એવી ધમકીઓ અવશ્ય મળતી રહી હતી કે 'અમે’ ગાંધીજીનું શું કર્યું તે નથી જાણતા? મૂંગા મરો રૂઢિચુસ્ત અને ધર્મઝનૂની સંસ્થાઓએ પણ અંજલિ નથી આપી, એવું નથી. માત્ર, સનાતન સંસ્થાને (જે નિર્મૂલન ખરડા અને હિ‌લચાલનો વિરોધ કરતું રહ્યું છે, એણે) અંજલિવચનોમાં એ એક પંક્તિ અધોરેખિત ધોરણે આથીઅંબોળી કે દરેક જણ એના કર્મ મુજબ પામે છે.



જ્યાં સુધી નરેન્દ્ર દાભોળકરનો સવાલ છે, એમણે સુરક્ષા લેવાની ના પાડી હતી. 'તમે મને સુરક્ષા છત્ર આપશો તો આ ચળવળના વિરોધીઓ મારે બદલે મારા સાથીઓને નિશાન બનાવશે,’ એ કહેતા અને ઉમેરતા : 'જો કોઇએ મરવાનું જ હોય તો તે હું જ શા માટે ન હોઉં.’ વિવેકબુદ્ધિનિષ્ઠ ચળવળનું એક આગળ પડતું જણ, નામે સનલ એડમારકુ, ઘરઆંગણે જાન પરના જોખમથી હટી યુરોપભરમાં વખતોવખત ઠામઠેકાણું બદલી ચળવળને બળ આપવાનો પ્રયાસ કરે છે. દાભોળકર સરખા વરિષ્ઠ સાથીને વિદાયવંદના પાઠવતે સનલે, પોતાને દાભોળકરે શું કહ્યું હતું તે સંભાર્યું છે : 'વતન પાછા ફરો અને તમને ડારનારાઓ સામે અદાલતની દેવડીએ કામ લો. શહીદ થશો તો પણ ચળવળને કામ આવશો’.



અહીં બી.બી.સી.એ બે’ક વરસ ઉપર એક ફ્રેન્ચ સમાચાર સંસ્થા સાથેની દાભોળકરની વાતચીત આ કલાકોમાં પુન: પ્રસારિત કરી છે તે સંભારવા જોગ છે : 'હું ધર્મમાં ને ઈશ્વરમાં માનું છું કે નથી માનતો એ મુદ્દો અસ્થાને છે. ભારતના બંધારણે સૌને ધર્મસ્વાતંત્ર્ય બક્ષ્યું છે, એની આદરમર્યાદામાં હું ચાલુ છું. પણ ઠેકેદારો લોકોને (અંધ)શ્રદ્ધાને નામે ભોળવીને જે રીતે શોષેસતાવે છે એની સામે તો લડવું જ રહ્યું.’ દાભોળકરે જે દેવસ્થાનમાં સ્ત્રીને પ્રવેશ ન હોય તેમાં પ્રવેશ માટે લડત આપેલી. શરૂમાં આવા એક પ્રયાસમાં એમને ભા.જ.પ. અને શિવસેનાએ આંતર્યા હતા. પણ પછી એક અન્ય પ્રસંગે ભા.જ.પે. સહયોગ પણ આપ્યો હતો. સનાતન સંસ્થાન, ભા.જ.પ., શિવસેના આદિના વિવેક પર દાભોળકર ખરા નહીં ઉતરવાને કોઈ કારણ ખરું જોતાં હોવું તો ન જોઇએ, સિવાય કે ખરોખોટો મતબેંકવાદ.



મહારાષ્ટ્રની કોંગ્રેસ-એન.સી.પી. સરકારે વટહુકમનો રાહ લીધો, પણ એ ભૂલવું ન જોઈએ કે પ્રસ્તુત ખરડો લટકતો રહ્યો એમાં સત્તાપક્ષ અને વિપક્ષ બેઉની જવાબદારી છે. ઉપરાંત, એ બંનેને જેમની કને લાગાની ગણતરી હોય એ કથિત હિંદુમુસ્લિમખ્રિસ્તી આદિ ધર્મસંસ્થાનોનીયે જવાબદારી છે. રાજકીય જાગૃતિ અને સંસારસુધારાની ચળવળ સાથે ન જાય તો નાગરિક સમાજનો જયવારો નથી, એ પાયાનું સત્ય ક્યારે સમજાશે?

(સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 24 અૉગસ્ટ 2013)

Loading

સમાજના દાક્તર ડો. દાભોળકર

દિવ્યેશ વ્યાસ|Opinion - Opinion|26 August 2013

ધર્મ, પરંપરા અને રિવાજના નામે અંધશ્રદ્ધાની દુકાન અને જ્ઞાતિઓની ધોરાજી ચલાવનારાઓને સમાજસુધારકો ક્યારેય સહન થતા નથી એટલે તેમનું મોં બંધ કરાવવા કોઈ પણ હદે જતા હોય છે. મહારાષ્ટ્રમાં જાદુટોણા અને અંધશ્રદ્ધાના પ્રખર વિરોધી ડો. નરેન્દ્ર દાભોળકરની હત્યા આનો વધુ એક પુરાવો છે. એકવીસમી સદીમાં પણ અંધશ્રદ્ધાની નાગચૂડમાં ફસાયેલા સમાજની સારવાર કોણ કરશે ?

એક જમાનો હતો જ્યારે ટપાલમાં પોસ્ટકાર્ડ મળતું, જેમાં કોઈ દેવી-દેવતાના પરચાની પાંચ-સાત લીટીઓ લખેલી હોય અને છેલ્લે ગર્ભિત ધમકી કમ લાલચ આપતા લખ્યું હોય કે આ પોસ્ટકાર્ડને ફાડશો તો તમારું ધનોતપનોત નીકળી જશે અને જો આનાં જેવાં જ ૧૧ કે ૨૧ પોસ્ટકાર્ડ લખીને બીજાને મોકલશો તો ફલાણા-ઢીંકણા દેવી-દેવતાની ત્વરિત કૃપા આપના પર વરસશે … હવે સમય બદલાયો છે. પોસ્ટકાર્ડ આઉટ ઓફ ડેઇટ થઈ ગયાનો ગર્વ લેવાય છે. લોકો ઈ-મેલ અને મોબાઇલથી સંદેશાની આપ-લે કરી રહ્યા છે, સોશિયલ નેટવર્કિંગ સાઇટો પર હાજરી નોંધાવીને જમાનાની સાથે ચાલવાના કેફમાં રાચે છે … કમનસીબે સમય બદલાયો છે, પણ સમાજ તો એનો એ જ છે. આજે દેવી-દેવતાઓના ગુણગાન કે તસવીરોવાળા એસએમએસ કે ઈ-મેલ મળે છે અને સાથે થોડી ધમકી ને થોડી લાલચવાળી ઓફર કરાય છે .. આ એસએમએસ-ઈ-મેલ ફોરવર્ડ કરો કે તસવીર લાઇક કરો અને ઇન્સ્ટન્ટ ફળ પ્રાપ્ત કરો કે ખુશખબરી મેળવો!!

આપણને આધુનિક બની ગયાનો દેખાડો કરવો ગમે છે, પણ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી વિચારવાની બાબતમાં આપણો મોટા ભાગનો સમાજ હજુ ભાંખોડિયાં જ ભરે છે. આપણે એકવીસમી સદીમાં પણ અંધશ્રદ્ધાના અંધારામાં કેમ અટવાયા કરીએ છીએ? ધર્મ અને પરંપરાના નામે ધુતારાઓ આજે પણ ઘીંગી કમાણી કરી રહ્યા છે. એક જમાનામાં એવો આશાવાદ વ્યક્ત કરવામાં આવતો હતો કે લોકો શિક્ષિત થશે પછી અંધશ્રદ્ધા આપોઆપ દૂર થઈ જશે, પણ આજે સાક્ષરતાના દરમાં અત્યંત વધારો થયો હોવા છતાં અંધશ્રદ્ધાનું પ્રમાણ ઘટવા કરતાં વધ્યું હોય એવું લાગે છે. સમૂહ માધ્યમોનો ઉપયોગ આજે જ્ઞાન-વિજ્ઞાન માટે થવાને બદલે અંધશ્રદ્ધા અને જાદુટોણાના પ્રચાર-પ્રસાર માટે વધારે થઈ રહ્યો છે, જેને છૂપા સામાજિક આતંકવાદથી કમ ન આંકી શકાય.

દેશ ગુલામ હતો ત્યારે રાજા રામમોહન રાયે બંગાળમાં સતીપ્રથા સામે અવાજ ઉઠાવીને અંગ્રેજો પાસે સતીપ્રથા વિરોધી કાયદો કરાવીને સામાજિક ક્રાંતિ આણી હતી. કાયદા થકી સમાજસુધારણાનો નવો ખયાલ આપણા દેશમાં વિકસ્યો, પણ આજે ય સમાજસુધારણા માટે આપણે કાયદાની જરૂર પડી રહી છે, એ આપણા સમાજની કમનસીબી જ ગણવી જોઇએ, કારણ કે લોકો જાગૃત હોય તો કોઈ નિયમ-કાયદા બનાવવાની જરૂર જ ન પડે! પણ એવું થઈ રહ્યું નથી. આટલું ઓછું હોય આપણી સરકારોને આવા જરૂરી કાયદા બનાવવાની ફરજ પાડવા માટે આંદોલનો ચલાવવા પડે છે! મહારાષ્ટ્રમાં જાદુટોણા અને અંધશ્રદ્ધા વિરોધી કાયદો બનાવવા માટે લગભગ બે દાયકાથી ઝુંબેશ ચાલી રહી છે. મહારાષ્ટ્ર અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના નેજા હેઠળ રાજ્યભરમાં જાદુટોણા વિરોધી ચળવળ ચલાવવામાં આવે છે, પણ કહેવાતાં ધાર્મિક સંગઠનો અને જૂથોને આ પ્રવૃત્તિ ઝેર જેવી લાગે છે, અને એટલે તેઓ સમિતિના સ્થાપક અને કાર્યાધ્યક્ષ ડો. નરેન્દ્ર દાભોળકરની હત્યા કરવા સુધી પહોંચ્યા છે. પુણેમાં ગત ૨૦ ઓગસ્ટના રોજ ડો. નરેન્દ્ર દાભોળકરની ગોળી મારીને હત્યા કરી દેવાઈ. મોર્નિંગ વોક પર નીકળેલા ડો. દાભોળકરને પીઠ પાછળથી કાયરતાપૂર્ણ હુમલો કરીને ગોળીથી વીંધી દેવાયા. ડો. નરેન્દ્ર દાભોળકરનો 'વાંક' એટલો જ હતો કે તેઓ સમાજમાંથી અંધશ્રદ્ધાનાં અંધારા ઉલેચવા માગતા હતા. છેલ્લાં ૧૮ વર્ષથી તેઓ રાજ્યમાં જાદુટોણા વિરોધી કાયદો લાવવા માટેની ચળવળ ચલાવી રહ્યા હતા. તેઓ મહારાષ્ટ્ર અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ થકી રાજ્યમાં શ્રદ્ધા અને પરંપરાના નામે ચાલતાં ધતિંગો સામે લોકજાગૃતિની ઝુંબેશ ચલાવવાની સાથે સાથે સામાજિક બદીઓને દૂર કરવા માટે પ્રયાસરત હતા. પણ કહેવાતા ધાર્મિક સંગઠનો-જૂથોથી ડો. દાભોળકરની પ્રવૃત્તિને સમાજસુધારણાની દૃષ્ટિએ તો ક્યાંથી જોઈ શકે, કારણ કે તેમને ખ્યાલ હતો કે લોકો જાગૃત થઈ જશે તો આપણી અબજો કમાતી દુકાનો બંધ થઈ જશે.

ડો. નરેન્દ્ર દાભોળકરનું નામ સામાન્ય ગુજરાતીઓ માટે કદાચ અજાણ્યું છે. ૧ નવેમ્બર, ૧૯૪૫ના રોજ સતારામાં જન્મેલા ડો. નરેન્દ્ર દાભોળકર વ્યવસાયે ડોક્ટર હતા. તેમણે એમબીબીએસની ડિગ્રી મેળવ્યા પછી લગભગ બાર વર્ષ સુધી પ્રેક્ટિસ ચલાવી પરંતુ તેમને શારીરિક રોગો કરતાં સામાજિક રોગો વધારે ખતરનાક જણાયા. તેમણે શારીરિક રોગોના ડોક્ટર તરીકેની પ્રેક્ટિસ બંધ કરીને સામાજિક ડોક્ટરની ભૂમિકા ભજવવાની શરૂ કરી. સામાજિક કાર્યકર તરીકે તેમને સમજાયું કે ધર્મ અને પરંપરાના નામે સમાજમાં જે ચાલે છે, તેનો ભોગ મોટા ભાગના લોકો બને છે, પરંતુ તેની સૌથી ખરાબ અસર ગરીબ લોકો પર પડતી હોય છે. નદીમાં મૂર્તિ વિસર્જનથી ફેલાતું પ્રદૂષણ હોય કે જ્ઞાતિ પંચાયતોના રૂઢીચુસ્ત વલણો, તેમણે ધર્મ-પરંપરાના નામે ચાલતાં ધતિંગોનો તમામ સ્તરે વિરોધ કર્યો. તેમણે અંધશ્રદ્ધાના મુદ્દે અગિયાર પુસ્તકો લખ્યાં હતાં. સાને ગુરુજીએ શરૂ કરેલા “સાધના” સામયિકના તંત્રી તરીકે પણ તેમણે સમાજની અનેક બદીઓને ખુલ્લી પાડી હતી અને તેનો વિરોધ કર્યો હતો. મહારાષ્ટ્રમાં જાદુટોણા વિરોધી કાયદો લાવવા માથે તેઓ આજીવન મથતા રહ્યા હતા. આ કાયદાને કેબિનેટમાં મંજૂરી મળ્યા છતાં વિધાનસભામાં રજૂ કરવામાં થઈ રહેલાં ઠાગાઠૈયાં બાબતે તેઓ નારાજ હતા. કોંગ્રેસ-એન.સી.પી.ની રાજ્ય સરકાર પાસે પૂરતી બહુમતી હોવા છતાં ભા.જ.પ.-શિવસેનાનો વિરોધ અને મત ગુમાવવાના ડરે તે આ કાયદો લાવતા ડરી રહી હતી, જો કે, ડો. દાભોળકરની હત્યા પછી તેઓ સફાળા જાગ્યા અને હવે રાતોરાત કાયદાનો વટહુકમ લાવવાનું સૂઝ્યું છે. વિધાનસભામાંથી આ કાયદાનું વિધેયક પણ પસાર થશે, છતાં પણ ગઢ આલા, સિંહ ગેલા જેવી દુઃખદ સ્થિતિ સર્જાયાનો અફસોસ કાયમ રહેશે.

કહેવાતા ધાર્મિક ગુરુઓ અને પરંપરા-પોલીસ બની બેઠેલાં સંગઠનોને ધર્મ અને પરંપરાની બદીઓને તાર્કિક રીતે પડકારનારા આંખના કણાની જેમ ખૂંચે છે. ધાક-ધમકી કે સામાજિક દબાણોને અવગણવાનું સાહસ કરનારાની હાલત ડો. દાભોળકર જેવી કરવામાં આવે છે, શું આપણે આવું ચલાવી લેવું જોઇએ? ધર્મના નામે ધતિંગ ચલાવનારા સામે આંખ ઉઘાડવાનો અને લાલ કરવાનો સમય ક્યારનો ય પાકી ગયો છે.   

e.mail : divyeshvyas.amd@gmail.com

(સૌજન્ય ઃ ‘સમય-સંકેત’, સંસ્કાર પૂર્તિ, “સંદેશ”, 25 ઓગસ્ટ 2013)

Loading

...102030...4,0924,0934,0944,095...4,1004,1104,120...

Search by

Opinion

  • ખોરાક બાબતે આપણે બેદરકાર, તો કંપનીઓ છેતરવા બેકરાર …
  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved