Opinion Magazine
Number of visits: 9872393
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રેસિઝમ મિટાવવાની રેસમાં આપણે છીએ ખરા ?

મેહુલ મંગુબહેન|Samantar Gujarat - Samantar|12 February 2014

તાજેતરમાં દિલ્હીમાં અરુણાચલી યુવાન નિડો તાનિયાનના મોતે ફરી એક વાર વંશીય ભેદભાવની ચર્ચા ઊભી કરી છે. નોખી શારીરિક ભાત અને સંસ્કૃિત ધરાવતા ઉત્તર-પૂર્વના પ્રદેશના નાગરિકો એમના પોતાના દેશમાં જ આઉટસાઈડર ગણાય એ વાત થકી ભારતની એક દેશ તરીકેની કલ્પનાનો જ છેદ ઊડી જાય છે. વર્ણ, જાતિઓ, પેટા જાતિઓ, ગોળ, પરગણાંઓથી ખદબદતા આપણા દેશની સૌથી મોટી તકલીફ એ છે કે સમસ્યાનો સ્વીકાર જ નથી કરાતો. 2001માં ડરબન ખાતે મળેલા વંશીય ભેદભાવો વિરુદ્ધના વૈશ્વિક સંમેલનમાં 'જાતિપ્રથા એ દેશનો આંતરિક મુદ્દો છે અને રેસિઝમ એ વેસ્ટર્ન કોન્સેપ્ટ છે' તેમ સરકારે જણાવેલું. આજે 2014માં જો નવી દિલ્હી પોતે જ વંશીય ભેદભાવોની રાજધાની હોય તો પછી બાકીના દેશની તો કલ્પના જ કરવી રહી.

"શું તમે સમાનતામાં માનો છો?" આ સવાલનો જવાબ મોટાભાગના લોકો 'હા' આપશે. પણ હા જવાબ મળ્યા પછી જો તમે સહેજ ખણખોદ કરો તો તરત જ ખ્યાલ આવે કે સમાનતામાં આપણે માનતા નથી. સમાનતામાં માનતો માણસ એટલે એવો માણસ કે જે બીજી કોઈ વ્યક્તિને તેના રંગ, વેશ, પદ, વર્ણ, જાતિ, પેટા જાતિ, ધર્મથી અલગ રહીને એક વ્યક્તિ તરીકે જ જુએ. હવે આ જ લાઈન પર આગળ જઈએ અને આપણા રોજિંદાં વર્તન-વ્યવહારોની જો એક સૂચિ બનાવીએ તો આપણને ખ્યાલ આવશે કે બોસ, સમાનતામાં તો આપણે માનતા જ નથી. હાલતાંચાલતાં આપણી વાણી, આપણું વર્તન તથા વહેવાર અસમાન છે. એટલે કે આપણે ભેદભાવમાં માનીએ છીએ અને ભેદભાવ આચરીએ પણ છીએ. ઓફિસમાં સહકર્મચારી સાથે થતી વાતચીતનો ટોન પટાવાળા સાથેની વાતચીતમાં બદલાઈ જાય છે. આકર્ષક કપડાં પહેરેલી અને જીભેથી અંગ્રેજીમાં સરસ્વતી વહાવતી છોકરી સાથેની વાતચીતનો ટોન અલગ અને દેખાવે ગામઠી લાગતી લારીમાં શાકભાજી વેચીને પેટિયું રળતી બાઈ સાથેની વાતચીતનો ટોન અલગ. કાળી વ્યક્તિ સામેની નજર નોખી અને ગોરીચટ્ટ ચામડી સામેની નજર નોખી. આપણો ધર્મ, વર્ણ, અટક મેચ થતી હોય તેની સાથેની દોસ્તી અલગ અને ન મેચ થતી હોય તેની સાથેની દોસ્તી અલગ. 'આ તો આપણા' એ માનસિકતા શરૂ થાય એટલે તરત જ સમાનતાનો છેદ ઊડી જાય. ક્યાંક તેમાં તરફેણ ભળે તો ક્યાંક વેર. નવી દિલ્હીમાં તાજેતરમાં અરુણાચલ પ્રદેશના યુવાન નિડો તાનિયાનની કરપીણ હત્યાને લીધે ફરી એક વાર વંશીય ભેદભાવોની ચર્ચા નીકળી છે. અદાલતે સુઓમોટો દાખલ કરી છે એટલે કાયદો કાયદાનું કામ કરશે તેવી ધરપત બંધાય છે પણ મૂળ મુદ્દો જ વિસરી જવાય છે.

વર્ણ-નાતજાત-કોમ-ધરમ કે રંગભેદની વાત આવે એટલે 'હવે પહેલાં જેવું ક્યાં કંઈ રહ્યું જ છે!' કે પછી 'અમે તો આવું કશું માનતા જ નથી' કહીને હાથ સહિત બધું ખંખેરી લેવામાં આવે છે. મૂળ વાત, સમસ્યાના સ્વીકારની છે. જ્યાં સુધી સમસ્યાનો સ્વીકાર ન થાય ત્યાં સુધી સમસ્યા કદી ઉકેલી શકાય નહીં. જે દેશમાં જોક્સ પણ બાપુ અને સરદારના જ હીટ જતા હોય તે દેશમાં વંશીય ભેદભાવો નથી તેમ કહેવું તે નરી મુર્ખામી છે. નોખી શારીરિક ભાત અને સંસ્કૃિત ધરાવતા ઉત્તર-પૂર્વના પ્રદેશના નાગરિકો એમના પોતાના દેશમાં જ આઉટસાઈડર ગણાય એ વાત થકી ભારતની એક દેશ તરીકેની કલ્પનાનો જ છેદ ઊડી જાય છે. નિડો તાનિયાનની ઘટના ભલે હમણાં બની પણ આવી ઘટનાઓ વિવિધ સ્તરે આખા દેશમાં સતત બનતી જ રહે છે. એ દલિતો પરના અત્યાચારો સ્વરૂપે હોય, આદિવાસી પરના અત્યાચારો સ્વરૂપે હોય કે પછી ધર્મને આધારે થતાં રમખાણો હોય. ઘટના બને ત્યારે હઈશો હઈશો કરીને બૂમો પડે છે પણ પછી ફરીથી સમસ્યાને વિસારે પાડી દેવાય છે.

2001માં ડરબન ખાતે વંશીય ભેદભાવો વિરુદ્ધનું વૈશ્વિક સંમેલન મળ્યું હતું. આ સંમેલનમાં ભારતમાં કાસ્ટ સિસ્ટમને લીધે થતા ભેદભાવોની પણ ચર્ચા થવી જોઈએ એવી માગણી 'નેશનલ કેમ્પેઈન ઓન દલિત હ્યુમન રાઈટ્સ' સહિતનાં અનેક જૂથોએ કરી હતી. જો કે, આ માગણી સંતોષાય તો આંતરરાષ્ટ્રીય ફોરમમાં ભારતની બદનામી થાય એવો મત સરકારે રજૂ કર્યો. ટૂંકમાં, એક સામાન્ય માણસ ગામમાં આબરૂ જવાની બીકે પોતાની જ કેડ ભાંગી જાય તે હદે સમાધાનો કરતો હોય છે, તેમ જ તે વખતે ભારત સરકારે કર્યું. સરકારનો મત એ હતો કે 'જાતિપ્રથા એ દેશનો આંતરિક મુદ્દો છે અને રેસિઝમ એ વેસ્ટર્ન કોન્સેપ્ટ છે.' અનેક લોકોએ ડરબન કોન્ફરન્સની બહાર દેખાવો કરેલા. હવે, આ જ ભૂતકાળની ઘટનાને 2001 પછી દેશમાં થયેલા દલિત અત્યાચારો કે એ પછી ભારતમાં જ કાસ્ટ ઉપરાંત ધર્મ-રંગ-પ્રદેશને લઈને થયેલા અત્યાચારોના સંદર્ભમાં જોવામાં આવે તો સમજાય કે કુલડીમાં ગોળ ભાંગવાની વાતને લીધે જ સમસ્યાઓ ઉકેલાવાને બદલે વકરતી જાય છે. આજે 2014માં જો નવી દિલ્હીમાંથી જ વંશીય ભેદભાવો અને તેને લીધે હત્યાની ઘટના બહાર આવતી હોય તો બાકીના દેશની તો કલ્પના પણ શી કરવી? રેસિઝમ મિટાવવાની રેસમાં આપણે ઊણા ઊતર્યા હોત તો તો ઠીક પણ ખરેખર તો આપણે રેસમાં ઊતર્યા જ નથી!

આપણને રંજ પણ નથી

આપણે ફક્ત આપણા દેશના લોકો સાથે જ ભેદભાવ રાખીએ છીએ એવું નથી. પરદેશથી આવતા લોકોના અનુભવો પણ આપણને કોઈ રીતે સારા કહેવડાવે તેવા નથી. 2009ની સાલમાં “આઉટલુક” મેગેઝિનના જૂન મહિનાના અંકમાં 'ઈન્ડિયા ઈઝ રેસિસ્ટ એન્ડ હેપ્પી અબાઉટ ઈટ' મથાળા સાથે એક લેખ પ્રગટ થયો હતો. આ લેખમાં એક બ્લેક અમેરિકનના ભારતની સડકો પર થયેલા સીધા અનુભવોની વાત હતી. એ ભાઈએ લખ્યું હતું કે "પ્રેમ ને દોસ્તી તો ઠીક પણ અહીં તો લોકો ઘૂરકિયાં કરે છે સામે. એ લોકો ટોણાં મારે છે, ચીડવે છે. એક વાર હું લખનઉના પ્રાણી સંગ્રહાલયમાં જિરાફને જોઈ રહ્યો હતો અને મેં પાછા ફરીને જોયું તો લગભગ 50 માણસોનું એક ટોળું જાણે કે હું આ ઝૂનું જ કોઈ પ્રાણી હોઉં એમ મને ઘૂરકી રહ્યું હતું." આખા લેખનો સાર એટલો જ છે કે આપણે આપણી વાહિયાત ભેદભાવભરી માનસિકતા પર લાજવાને બદલે ગાજતા હોઈએ છીએ. આ ફરક એક પ્રજા તરીકે આપણામાં અને બીજામાં છે. વંશીય ભેદભાવ જો ભૂલથી પણ થઈ ગયો હોય તો છેક સાતમી પેઢી સુધી માફી માગનારી પ્રજાની સામે આપણે તો દરરોજ એટલો બધો ભેદભાવ સાહજિક રીતે આચરીએ છીએ અને તેમાંથી ખુશ પણ થઈએ છીએ. પરદેશમાં ભારતીય લોકો પરના વંશીય હુમલાના બનાવો વખતે કૂદી પડનારો, અમેરિકા-ઓસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડને ગાળો દેનારો ભારતીય નાગરિક એના પોતાના દેશમાં જ થતા ભેદભાવોને સહજ અને સાંસ્કૃિતક ગણાવે છે. અખબારોમાં આવતી લગ્નની જાહેરાતોમાં ગોરા રંગ સાથે ઉચ્ચ કુળની કે પછી પોતાની નાતની માગણી પણ જોડાયેલી હોય છે. ખાપ પંચાયતોના વાહિયાત ફતવાઓ અને કબરો બની ગયેલી અનેક પ્રેમકથાઓ બાબતે આપણે શરમાતા નથી. આપણી અટકની આગળ 'ધ' લગાવવાની માનસિકતા છૂટતી નથી. આપણે દેશ પહેલાં એમ માનીએ તો છીએ પણ 'આંતરજ્ઞાતીય લગ્નો દેશના હિતમાં છે' એવું દેશની સર્વોચ્ચ અદાલતે કહેવા છતાં પોતાનાં સંતાનો તો જ્ઞાતિમાં જ પરણે એવો આગ્રહ રાખીએ છીએ.

સાચે જ, આપણે નખથી ચોટી સુધી એક રેસિસ્ટ પ્રજા છીએ. આપણને આ બાબતની જાણ શરમ બેઉ હોવું ઘટે. 

e.mail : mmehul.sandesh@gmail.com

સૌજન્ય : લેખકની ‘વિગતવાર’ નામે કટાર : http://www.sandesh.com/article.aspx?newsid=2909331

Loading

‘ઢાઈ ટક્કેચી સંસ્કૃિત’

રમેશ ઓઝા|Samantar Gujarat - Samantar|5 February 2014

નરેન્દ્ર મોદી આજે રાહુલ ગાંધીને પડકારવા જેટલી શક્તિ મેળવી શક્યા છે એમાં રાહુલના બાપ -દાદાઓનો ફાળો છે. બોલો કઈ રીતે? 

ગુજરાતમાં બ્રાહ્મણ ઘનશ્યામ ઓઝાની જગ્યાએ પટેલ ચીમનભાઈ આવે કે પટેલ ચીમનભાઈની જગ્યાએ પછાત ક્ષત્રીય જાતિમાંથી આવતા માધવસિહ સોલંકી આવે અને માધવસિંહ સોલંકીની જગ્યાએ આદિવાસી અમરસિંહ ચૌધરી આવે તો પરિવારને કોઈ ફરક નહોતો પડતો. … પરિવારની વગ અને સત્તા સુરક્ષિત હતાં માટે પરિવારે સશક્તિકરણના રહેંટને અટકાવ્યા વિના ચાલવા દીધો હતો, બલકે એ વધારે ઝડપથી અને સરળતાથી ચાલી શકે એ માટે એના પૈડામાં ઊંજણ પુરવાનું કામ પરિવારે કર્યું હતું.

•

ટીવી-ચેનલ ટાઈમ્સ નાઉના અર્ણવ ગોસ્વામીને આપેલી મુલાકાતમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેઓ વંશવાદમાં માનતા નથી, તેઓ કોઈ પણ કોન્ગ્રેસીને એક સરખી તક આપવા માગે છે અને કોંગ્રેસના ઢાંચાને લોકતાંત્રિક બનાવીને પક્ષને વિસ્તારવા માગે છે. રાહુલ વારંવાર સંકેત આપતા રહે છે કે તેઓ નેહરુ-ગાંધી પરિવારના છેલ્લા વારસ હશે અને હવે પછી કોંગ્રેસે પરિવારની (પરિવાર=નેહરુ-ગાંધી પરિવાર) કાખઘોડી વિના ચાલતા શીખવું પડશે. મારી સમજ મુજબ તેમની પ્રાથમિકતા સત્તાપ્રાપ્તિ નથી, પરંતુ કોંગ્રેસને આંચકો ન આવે એ રીતે ધીરેધીરે પરિવારમુક્ત કરવાની છે. આ રીતે ગાંધીપરિવાર પણ કોંગ્રેસમુક્ત થવા માગે છે.

વંશવાદ માટે કોંગ્રેસને અને નેહરુ-ગાંધી પરિવારને યોગ્ય રીતે જ ભાંડવામાં આવ્યા છે. વંશવાદને કારણે પક્ષની અંદર લોકતંત્રનો અંત આવ્યો છે, પક્ષમાં પરિવારની એકાધિકારશાહી ચાલે છે, પરિવારને પડકારી શકે એવા વ્યાપક જનસમર્થન ધરાવતા લોકપ્રિય નેતાઓની ખસી કરી નાખવામાં આવી છે અને કોંગ્રેસમાં ખુશામતખોરીની બોલબાલા છે. ઓછું કૌવત ધરાવતા ચાલુ લોકો પરિવારની ખુશામત કરીને સત્તાસ્થાને ગોઠવાઈ જાય છે જેને કારણે દેશનું જાહેરજીવન અભડાયું છે. વંશવાદે જે કોંગ્રેસ-કલ્ચર વિકસાવ્યું છે એ આજે ભારતીય રાજકીય કલ્ચર બની ગયું છે. કેટલાક લોકો પરિવારને એટલી હદે ધિક્કારે છે કે તેઓ દેશના આજના દરેક પ્રકારના અનર્થ માટે પરિવારને જવાબદાર ઠેરવે છે.

કોંગ્રેસમાં અને દેશમાં પરિવારના વિકસેલા અને પછી પરિવારે પોષેલા વંશવાદે અનેક અનર્થો પેદા કર્યા છે એ વાતમાં કોઈ શંકા નથી, પણ એનું એક જમા પાસું પણ છે. જાણીતા અંગ્રેજી રૂઢીપ્રયોગ Blessing in disguiseનો અર્થ થાય છે છૂપા આશીર્વાદ. અનેકવાર એવું બને છે કે કોઈ અનિચ્છનીય બાબત આડકતરો ફાયદો કરાવી આપતી હોય. તમને આશ્ચર્ય થશે, પણ પરિવારને કારણે અને કોંગ્રેસે અપનાવેલા વંશવાદને કારણે દેશને આડકતરો મોટો ફાયદો થયો છે. એ ફાયદો જેવોતેવો નથી, છૂપા આશીર્વાદરૂપ છે. એ કઈ રીતે એ જોઈએ.

૧૯૫૨માં લોકસભા માટેની અને પ્રાંતોની વિધાનસભાઓ માટેની પહેલી સામાન્ય ચૂંટણી થઇ ત્યારે એ ચૂંટણીઓ લડનારાઓ, જીતનારાઓ અને પ્રધાન બનનારાઓ કોણ હતા એના પર એક નજર કરવા જેવી છે. સ્થળસંકોચને કારણે એની વિગતો આપતો નથી, પણ એમાંના ખુલ્લી બેઠકો પરનાં ૯૫ ટકા લોકો ઉચ્ચ કુલીન સવર્ણો હતા. એ લોકો આઝાદીની લડતમાં અગ્રેસર હતા, સુશિક્ષિત હતા, સાધનસંપન્ન હતા અને સત્તાના બિનહરીફ દાવેદાર હતા. જે કંઈ હરીફાઈ હતી એ તેમની વચ્ચેની આંતરિક હતી. પછાત જનજાતિઓ હજુ તેમને પડકારવાની સ્થિતિમાં નહોતી. તમે જવાહરલાલ નેહરુની પહેલી કેબીનેટના પ્રધાનો અને પ્રાંતોના મુખ્ય પ્રધાનોની યાદી બનાવશો તો ધ્યાનમાં આવશે એમાંના લગભગ બધાજ લોકો બ્રાહ્મણ અથવા કાયસ્થ કે એમની સમકક્ષ હતા જેઓ ભારતની કુલ વસ્તીમાં પાંચ ટકાનો હિસ્સો પણ નથી ધરાવતા. ભટકતી જાતિમાંથી આવતા મરાઠી સાહિત્યકાર લક્ષમણ માને આને ‘ઢાઈ ટક્કેચી સંસ્કૃિત’ તરીકે ઓળખાવે છે. અઢી ટકા બ્રાહ્મણોની સંસ્કૃિત હિંદુ સંસ્કૃિત, ભારતીય સંસ્કૃિત કે રાષ્ટ્રીય સંસ્કૃિત તરીકે ઓળખાય છે.

પછાત જનજાતિઓ જ્યાં સુધી જાગૃત નહોતી થઇ ત્યાં સુધી આ ઢાઈ ટક્કેચી સંસ્કૃિત અને શાસનમાં તેમની નિર્વિરોધ ઈજારાશાહી સામે કોઈ પડકાર પેદા નહોતો થયો. આ પડકાર ભારતમાં ૧૯૫૨ પછી ધીરેધીરે, લોકતાંત્રિક માર્ગે, કોઈ પણ પ્રકારની હિંસા વિના, કોઈ પણ પ્રકારના મોટા આંચકા વિના પેદા થવા લાગ્યો અને કુવા પરના રહેંટની માફક સમાજમાં સ્થાનફેર થવા લાગ્યો. આજે કેન્દ્રમાં અને દેશભરમાં સત્તાસ્થાને બેઠેલા લોકો પર નજર કરશો તો ધ્યાનમાં આવશે કે તેમાંના અંદાજે ૭૦ ટકા લોકો પછાત જાતિઓમાંથી આવે છે. આવી જ રીતે પત્રકારત્વ, તબીબી વ્યવસાય, વકીલાત, શિક્ષણ કે એવા બીજા કોઈ પણ ક્ષેત્ર પર નજર કરશો તો જોવા મળશે કે એમાં પણ સવર્ણોની ઈજારાશાહી ખતમ થઇ રહી છે. પરિવારના વંશજ રાહુલ ગાંધીને આજે પડકારનારા નરેન્દ્ર મોદી અત્યંત પછાત ઘાંચી જાતિમાંથી આવે છે અને રાહુલના પિતા રાજીવ ગાંધી જ્યારે કેમ્બ્રિજમાં ભણતા હતા ત્યારે નરેન્દ્ર મોદી રેંકડી પર ચા વેચતા હતા. આવી અદ્દભુત શાંત સામાજિક ક્રાંતિ પૂર્વીય સાંસ્થાનિક દેશોમાંથી માત્ર ભારતમાં થઇ છે અને એમાં પરિવારનું આડકતરું યોગદાન છે.

ભારતની અહિંસક સામાજિક ક્રાંતિમાં પરિવારના આડકતરા યોગદાનને સમજવું હોય તો એ પહેલાં બીજા પૂર્વીય સાંસ્થાનિક દેશોમાં શું થયું છે એ સમજવું જરૂરી છે. જેમકે ભારતની સાથે જ આઝાદ થનાર પાકિસ્તાનમાં પણ શાસકોની પહેલી પેઢી ઉચ્ચ કુલીન મુસલમાનોની હતી. ઊંચનીચના ભેદભાવ કોઈને કોઈ સ્વરૂપમાં જગત આખામાં છે અને મુસલમાનો એમાં અપવાદ નથી. પાકિસ્તાનના ૯૫ ટકા નહીં; સો ટકા શાસકો ઉચ્ચ કુલીન હતા, ઉચ્ચ શિક્ષિત હતા અને કેટલાક જમીનદારો હતા. ડિટ્ટો ભારત જેવી જ સ્થિતિ હતી. ફરક એ છે કે ભારતમાં અહિંસક સામાજિક ક્રાંતિ થઇ શકી, જ્યારે પાકિસ્તાનમાં એ શક્ય ન બની. આનાં કેટલાંક મહત્ત્વનાં કારણોમાં એક મહત્ત્વનું કારણ એ છે કે પાકિસ્તાનમાં લોકતાંત્રિક માર્ગે સશકતીકરણ દ્વારા સામાજિક પરિવર્તનને પોષણ આપનારો પરિવાર નહોતો જે ભારતમાં હતો. આ વાત પહેલી નજરે જરા વિચિત્ર લાગશે, પણ એને સમજવાની કોશિશ કરીએ.

પરંપરાગત વગ અને હાથમાં આવેલી સત્તા બને ત્યાં સુધી છોડવી નહીં એવો માનવ-સ્વભાવ છે. ઘરમાં વડીલો પણ બને ત્યાં સુધી રસ્તામાંથી ખસીને નવી પેઢી માટે રસ્તો કરી નથી આપતા એટલે ઘરમાં બે પેઢી વચ્ચે સંઘર્ષ થાય છે. આ દુનિયાનો દસ્તૂર છે અને એમાં કોઈ દેશનો કોઈ સમાજ અપવાદ નથી. ૧૯૪૫ પછી જેટલા દેશો આઝાદ થયા એ બધામાં શાસકોની પહેલી પેઢી પરંપરાગત વગ ધરાવનારા ભદ્રવર્ગની હતી. એમાંના કોઈ સ્વેચ્છાએ પરંપરાગત વગ અને એને કારણે મળેલી સત્તા છોડવા નહોતા માગતા. બીજી બાજુ ધીરેધીરે જાગૃત થઇ રહેલી બહુમતી પ્રજા પહેલાં અધિકાર અને પછી સત્તામાં ભાગ માગવા લાગી હતી. ભદ્રવર્ગ સત્તા છોડવા નહોતો માગતો અને આમવર્ગ સત્તામાં ભાગીદારી માગતો હતો એમાંથી સંઘર્ષ થયો હતો. ૧૯૪૫ પછી જેટલા દેશો આઝાદ થયા હતા એમાંના મોટાભાગના દેશોએ લોકતંત્રનો માર્ગ અપનાવ્યો હતો, પરંતુ હવે પહેલી પેઢીના ભદ્રવર્ગના શાસકો સામે પ્રશ્ન ઉપસ્થિત થયો કે સત્તા બચાવવી કે લોકશાહી? જો લોકશાહી બચાવવી હોય તો બહુમતી આમવર્ગની તરફેણમાં ખસી જવું પડે અને બહુમતીની દયા સાથે જીવવું પડે. જો લોકશાહી બચાવે તો એક દિવસ નરેન્દ્ર મોદી નક્કી કરે કે બ્રાહ્મણ મુરલીમનોહર જોશીને ટીકીટ આપવી કે નહીં? આ અસ્તિત્વનો પ્રશ્ન હતો હતો અને વસમો નિર્ણય હતો. ભારતની આગળપાછળ આઝાદ થયેલા મોટાભાગના દેશોના ભદ્ર વર્ગીય શાસકોએ લોકતંત્રની જગ્યાએ પોતાની સત્તા બચાવવાનો નિર્ણય લીધો હતો, જેમાં એ બધા દેશોએ લોકશાહી ગુમાવી દીધી હતી. પાકિસ્તાનમાં હજુ આજે પણ ભદ્રવર્ગનું શાસન છે.

ભારત આ બાબતમાં નસીબદાર છે અને એની નસીબદારીનાં કેટલાંક કારણોમાં એક કારણ પરિવાર છે. યોગાનુયોગ એવું થયું કે ભારતીય લોકશાહીમાં ભારતની આમજનતા પરિવાર સાથે હતી અને પરિણામે પરિવારની વગ અને સત્તા સુરક્ષિત હતી. સામાજિક પરિવર્તનની ક્રાંતિની કોઈ અંગત અસર પરિવારને થવાની નહોતી. પરિવારની વગ અને સત્તા સુરક્ષિત હતી એટલે એણે સામાજિક પરિવર્તનના રહેંટને અટકાવ્યા વિના ચાલવા દીધો હતો. મુંબઈ પ્રાંતના મુખ્ય પ્રધાનપદે બ્રાહ્મણ મોરારજી દેસાઈની જગ્યાએ મરાઠા યશવંતરાવ ચવાણ આવે અને ચવાણની જગ્યાએ હજી પછાત મારુતિરાવ કન્નમવર આવે કે ગુજરાતમાં બ્રાહ્મણ ઘનશ્યામ ઓઝાની જગ્યાએ પટેલ ચીમનભાઈ આવે કે પટેલ ચીમનભાઈની જગ્યાએ પછાત ક્ષત્રીય જાતિમાંથી આવતા માધવસિહ સોલંકી આવે અને માધવસિંહ સોલંકીની જગ્યાએ આદિવાસી અમરસિંહ ચૌધરી આવે તો પરિવારને કોઈ ફરક નહોતો પડતો. ઉલટું ઝડપથી થઇ રહેલા પરિવર્તનમાં પરિવારને ફાયદો હતો, કારણ કે કોઈ સમાજ કે સમાજની વ્યક્તિ પોતાનું સ્થાન મજબૂત નહોતાં કરી શકતા. પરિવારની વગ અને સત્તા સુરક્ષિત હતી માટે પરિવારે સશકતીકરણના રહેંટને અટકાવ્યા વિના ચાલવા દીધો હતો, બલકે એ વધારે ઝડપથી અને સરળતાથી ચાલી શકે એ માટે એના પૈડામાં ઊંજણ પૂરવાનું કામ પરિવારે કર્યું હતું. અન્ય દેશોમાં ભદ્રવર્ગ અને આમવર્ગ વચ્ચે સીધો સત્તાસંઘર્ષ થયો હતો જેમાં એ દેશોએ લોકશાહી ગુમાવી દીધી હતી, જ્યારે ભારતમાં સત્તાપરિવર્તની પ્રક્રિયાને પરિવારે પ્રોત્સાહન આપ્યું હતું, વેગ આપ્યો હતો અને સંઘર્ષ ન થાય એ માટે બફરનું કામ કર્યું હતું. લોકસમર્થનમાંથી જે સત્તા નીપજતી હતી એ સીધી પરિવારને જતી હતી એટલે ભારતનો ભદ્ર શાસકવર્ગ પરિવારનો ઓશિયાળો હતો. અન્ય દેશોથી ઉલટું, આ ઓશિયાળાપણાને કારણે ભારતનો શાસક ભદ્રવર્ગ પરિવર્તનના રેહેંટને ફરતો રોકી નહોતો શક્યો.

આ કોઈ યોજના નહોતી. નહોતી કોંગ્રેસની, નહોતી પરિવારની કે નહોતી બીજા કોઈની. એ જો યોજના હતી તો દૈવીયોજના હતી એમ જ કહેવું પડે. આઝાદી પછી દેશ પગભર થતો હતો, લોકશાહી હજુ તો પાંગરતી હતી ત્યારે દેશને એક એવો માળી પરિવાર મળી ગયો હતો જેની સત્તા સલામત હોવાને કારણે તેણે લોકશાહીના બગીચામાં દરેક પ્રકારના ફૂલને ઉગવા દીધાં હતાં. આમ આપણે પરિવર્તનની પ્રક્રિયાના સંકટના કાળમાંથી પસાર થઇ ગયા એમાં પરિવારનું આડકતરું કે છૂંપું યોગદાન છે. નરેન્દ્ર મોદી આજે રાહુલને લલકારી રહ્યા છે એમાં રાહુલના બાપદાદાઓનો ફાળો છે. કંઈક અંશે પરિવાર થકી આપણે નસીબદાર છીએ એવું નથી લાગતું?

(સૌજન્ય: લેખકની ‘નો-નોનસેન્સ’ કટાર)

Loading

હમ હોંગે કામિયાબ … અલવિદા સીગર

મેહુલ મંગુબહેન|Profile|5 February 2014

આપણા દેશમાં ૧૯૬૩ પછી જન્મેલા દરેકે 'હમ હોંગે કામિયાબ …' ગીત તો જરૂર ગાયું જ હશે, ગાયું નહીં હોય તો સાંભળ્યું તો હશે. એક જુવાળ બનીને દુનિયામાં ફેલાયેલા આ ગીતમાં એક મુક્ત, ન્યાયી, આશાવાદી અને આનંદિત સમાજની રચનાનો પોકાર છે. આ ગીતના જનક એટલે અમેરિકન લોકગાયક પીટર સીગલ. એક એવા લોકગાયક કે જેમણે આખી જિંદગી લોકોના અધિકાર માટે ગળું ફાટી જાય ત્યાં સુધી ગાયું. એક ગીતમાં દુનિયાને બદલવાની તાકાત છે એ સાબિત કરનાર સીગરનું ગયા અઠવાડિયે ૯૪ વર્ષની ઉંમરે અવસાન થયું. વિયેતનામ યુદ્ધમાં માર્યા ગયેલા લોકોના શોકમાં 'વ્હેર હેવ ધ ઓલ ફ્લાવર્સ ગોન?' જેવું માઇલસ્ટોન ગીત ગાનાર સીગરને જો એક જ વાક્યમાં અંજલિ આપવી હોયને તો આપણે પોતાને ફક્ત એટલું જ કહેવું પડે … હો હો મન મે હૈ વિશ્વાસ …

આજથી અડધી સદી પહેલાંનો સમય. વર્ષ ૧૯૬૩, સ્થળ કલકત્તાનું પાર્ક સરકસ મેદાન. શ્વાસની ગતિ પણ નારા જેવી લાગે તેવી વીસ હજારની મેદની અને આ મેદનીની વચ્ચે એક કલાકાર, એક ગાયક. દેખાવ સાદો-સીધો અને જોમ પહાડ જેવડું. આ મેદનીની વચ્ચે ગોરો લોકગાયક લલકારે છે 'રઘુપતિ રાઘવ રાજા રામ, પતિતપાવન સીતારામ’ અને ‘હમ હોંગે કામિયાબ.’ સામે લોકો હામી ભરે છે "હમ હોંગે કામિયાબ એક દિન … ઓ હો હો મનમેં હૈ વિશ્વાસ, પૂરા હૈ વિશ્વાસ, હમ હોંગે કામિયાબ એક દિન."

અરે, આ તો સાવ પોતાનું ગીત લાગ્યું! હા, આ દરેકને પોતીકું લાગે અને બધી આશા ગુમાવી બેઠેલો માણસ દુઃખને ખંખેરી ફરી બેઠો થઈ જાય તેવું આ ગીત એટલે પીટર સીગરની ભારતીય ઓળખાણ. અલબત્ત, આ એક ગીત સિવાય પણ પીટર સીગરની ઓળખાણ બહુ લાંબી છે. ૧૭ વર્ષની ઉંમરથી લોકઆંદોલનોમાં જોડાનાર અને સમાજને બદલવાના અમોઘ શસ્ત્ર તરીકે સંગીતને વાપરનાર પીટર સીગલ એટલે આ સદીના લોકસંગીતના મહાનાયક. અંગ્રેજી માધ્યમમાં ભણનારા લોકો સિવાય કદાચ બહુ ઓછા લોકોને ખબર હશે કે હમ હોંગે કામિયાબનું મૂળ અંગ્રેજી વર્ઝન એટલે 'વી શેલ ઓવરકમ.' મૂળ કોઈ હબસી પાદરીએ રચેલા આ ભજનને પીટર સીગલે જરાક ફેરફાર કરીને લલકાર્યું અને પછી જે બન્યું તે તવારીખી ઇતિહાસ છે. ૧૯૫૫થી ૧૯૬૮ દરમિયાન અમેરિકામાં નાગરિક અધિકારોની ચળવળની ઓળખ આ ગીત બન્યું. પછી આખી દુનિયામાં ફેલાઈ સ્વાતંત્ર્યનું વિશ્વગાન બન્યું.

પીટર સીગરનો જન્મ ૧૯૧૯માં થયેલો. સંગીત તેમના પરિવારનો વારસો હતું. તેમની પોતાની તાલીમ પણ શાસ્ત્રીય સંગીતની હતી, પણ સીગરનો મિજાજ નોખો હતો. ૧૭ વર્ષની ઉંમરે તેઓ કોમ્યુિનસ્ટ પાર્ટી સાથે લોકઆંદોલનોમાં જોડાયા. વીસ વર્ષની ઉંમરે તેમણે ગાવાનું શરૂ કર્યું. લોકઆંદોલનો સાથે સાથે લોકસંગીતમાં પણ રસ વધતો જતો હતો. કોલેજનો અભ્યાસ મૂકીને તે લોકસંગીતના અભ્યાસ તરફ વળ્યા. અમેરિકાનું લોકવાદ્ય બેન્જો લઈને તે પછી તો આખા અમેરિકામાં ફરી વળ્યા. લોકોનાં ગીતો, લોકોનું જીવન, લોકોની વેદના-સંવેદનાઓને જાણે કે પોતાના સૂરતાલમાં ઓગાળીને પી ગયા. આપણે ત્યાં લોકગીતો બાબતે ઝાઝી દરકાર કોઈને નથી પણ પીટર સીગરે અમેરિકામાં લોકગીત-સંગીતના પુનરુદ્ધારની આગેવાની લીધી. ફક્ત અમેરિકા જ નહીં દુનિયા આખીમાંથી તેમણે લોકગીતો ભેગાં કરવા માંડયાં, શીખવા માંડયાં, ગાવા માંડયાં અને રચવા માંડયાં. યુદ્ધવિરોધી ગીતો, હબસી ગુલામોનાં ભજનો, પીડિતોનાં ગીતો એવાં જાતજાતનાં ગીતો જ જાણે કે એમનું જીવન બન્યાં. પીટર સીગરની એક લોકગાયક તરીકેની મોટી વાત એ હતી કે તે પોતે ગાતા જ નહીં ગવડાવતા પણ ખરા. ૧૯૯૬માં “ભૂમિપુત્ર”ના અંકમાં પીટર સીગર વિશેના એક લેખમાં આપણા લોકગાયક-લોકસાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીના કિતાબકર્મી પુત્ર મહેન્દ્ર મેઘાણીએ લખ્યું હતું કે, "ઇન્સાનિયત માટેની ઊંડી ખેવનાથી એમનું ગાન તરબતર છે. માનવ આત્માનું અવિજયપણું તેમનો મુખ્ય સૂર છે. સીગર ગીતો ગાય છે તેમ લખે છે પણ ખરા અને ઘણી વાર બીજાનાં ગીતોમાં જરાક ફેરફાર કરીને તેને પોતાની પરંપરામાં પરોવી લે છે." આ વાત આજે પીટર સીગર માટે યથાર્થ અંજલિ લાગે છે.

લોકસંગીત અને લોકસંવેદના

પીટર સીગર એટલે વંચિતોના અધિકારો માટે, માનવ ઐક્યની સ્થાપના માટે અને શાંતિના ગૌરવ ખાતર આજીવન મથનારા ગાયક. તેમણે બાવન સ્ટુડિયો આલબમ, ત્રેવીસ કમ્પાઇલેશન આલબમ, દસ લાઇવ આલબમ અને પાંચ સિંગલ્સ આપ્યાં. તેમનાં ગીતોની વિશેષતા એ જ કે તેમાં નક્કર રાજકીય વિચાર સાથે માનવસંવેદના એવી તો ઓતપ્રોત રહેતી કે તે દુશ્મનને અસર કરતી. વિયેતનામ યુદ્ધમાં અમેરિકાની સામેલીગીરીનો પીટર સીગરે આકરો વિરોધ કર્યો. આ યુદ્ધમાં માર્યા ગયેલા નવજુવાન સૈનિકો માટે તેમણે રચેલું 'વ્હેર હેવ ઓલ ધ ફ્લાવર્સ ગોન' આંખમાં આંસુ લાવી દેનારું અને શાંતિનો પોકાર કરનારું પ્રખ્યાત શોકગીત બન્યું. સીગરે અનેક ગીતો ગાયાં અને ધ વીવર્સની સ્થાપના કરીને લોકગીતોને ખરા અર્થમાં લોકપ્રિય બનાવ્યાં. ક્યૂબાના દેશભક્ત હોઝ માર્ટીએ સ્પેિનશ ભાષામાં લખેલાં ગીત 'ગ્વાન્તાનામેરસ'ને સીગરે ગાયું અને તે ગીતને જાણે કે પાંખ ફૂટી. આજે આખી દુનિયામાં તે ગવાય છે. તેઓ ફકત વિદ્રોહી લોકગાયક કે જનપ્રચારક નહોતા. તેમના સંગીતકાર પિતા ચાર્લ્સ સીગર અને તેમના સહકર્મી એલન લોમાક્સની જેમ જ પીટર સીગરે પેઢીઓની પેઢીઓએ સાથે ગીતો ગાયાં અને પોતાનો વારસો સતત વહેંચ્યો. છ દાયકાની લાંબી સંગીતયાત્રા દરમિયાન ૫૦ના દસકામાં તેમના વિદ્રોહી સંગીત માટે અમેરિકન સરકાર દ્વારા તેમનાં ગીતો પર પ્રતિબંધ પણ લાદવામાં આવ્યો હતો અને ધરપકડ પણ કરાઈ હતી. જો કે, સીગરનો બેન્જો અને ગળુ સતત ગાજતા જ રહ્યાં. ઈરાક યુદ્ધ હોય કે વોલસ્ટ્રીટ કલા ખાતર કલાની નફ્ફટ ચૂપકીદી એમણે કદી ન સ્વીકારી.

મહાનતા અને સાદગી

સીગર કુદરતના જબ્બર ચાહક હતા. ન્યૂયોર્કથી સોએક કિલોમિટર દૂર હડસન નદીને કાંઠે તેમણે બાંધેલા એક સાદા ઘરમાં તેઓ રહેતા. આ જ હડસન નદીને તેમણે પર્યાવરણ સામેની ઝુંબેશનું પ્રતીક બનાવી. હડસન રિવર સ્લૂપ ક્લીયર વોટર નામના પ્રોજેક્ટમાં તેઓ સંકળાયા. આપણે ત્યાં નદીઓનો મુદ્દો અવારનવાર ચગતો હોય છે ત્યારે સીગરે હડસન નદીને કાંઠેથી પોતાનાં ગીતો થકી લોકમાતાને બચાવવાનો લલકાર કર્યો. તેમના અવસાન બાદ હડસન નદી પરના પ્રખ્યાત ન્યૂયોર્ક બ્રીજને તેમનું નામ આપવાની માગણી થઈ છે. ૯૪ વર્ષે અવસાન પામનાર સીગર ૨૦૧૧માં થયેલી ઓક્યુપાય વોલસ્ટ્રીટ ચળવળમાં પણ સક્રિય હતા. અમેરિકાના સર્વોચ્ચ નાગરિક સન્માન, દુનિયાભરમાં અનેક બહુમાનો તથા ત્રણ ગ્રેમી એવોર્ડના છોગું હોવા છતાં સીગર આખર સુધી એક સાદા-સરળ અને સામાન્ય માણસ તરીકે જ જીવ્યા. તેમને છેલ્લો ગ્રેમી એવોર્ડ ૨૦૧૧માં બાળકો માટેના સંગીતની શ્રેણીમાં 'ટૂમોરોસ ચિલ્ડ્રન' માટે એનાયત થયો હતો. માનવીય સંવેદનાઓને ઉજાગર કરી તથા એક ન્યાયી સમાજની સ્થાપના તેમના જીવનનું અને સંગીતનું આજીવન ધ્યેય બની રહ્યાં. સીગરે ગાયેલું રઘુપતિ રાઘવ રાજા રામ તથા બીજાં અનેક ગીતો ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે. ચાલો એમની સ્ટાઇલ મુજબ સાંભળતાં સાંભળતાં આપણે પણ ગાઈએ.

mmehul.sandesh@gmail.com

'વિગતવાર' કટાર, અર્ધસાપ્તાહિક, “સંદેશ” 05 ફેબ્રુઅારી 2014 http://sandesh.com/article.aspx?newsid=290712

અા લેખમાં દર્શાવાયેલાં ત્રણેય ગીત અહીં સૌજન્યભેર સાદર છે : 

https://www.youtube.com/watch?v=ICNVzQmd01M&feature=youtube_gdata_player

Raghupati Raghav Raja Ram performed by Mr. Pete Seeger at The Academy of Fine Arts, Calcutta, India, circa 1963.

https://www.youtube.com/watch?v=N-FmQEFFFko

Pete Seeger, in a conversation with Tim Robbins for Pacifica Radio, talks about the history of the song "We Shall Overcome" (2006)

https://www.youtube.com/watch?v=2b24Ewk934g

We shall Overcome

https://www.youtube.com/watch?v=1y2SIIeqy34

https://www.youtube.com/watch?v=7pZa3KtkVpQ

On July 26, 1956, the House of Representatives voted 373 to 9 to cite Pete Seeger and seven others (including playwright Arthur Miller) for contempt, as they failed to cooperate with House Un-American Activities Committee (HUAC) in their attempts to investigate alleged subversives and communists. Pete Seeger testified before the HUAC in 1955.

In one of Pete's darkest moments, when his personal freedom, his career, and his safety were in jeopardy, a flash of inspiration ignited this song. The song was stirred by a passage from Mikhail Sholokhov's novel "And Quie Flows the Don". Around the world the song traveled and in 1962 at a UNICEF concert in Germany, Marlene Dietrich, Academy Award-nominated German-born American actress, first performed the song in French, as "Qui peut dire ou vont les fleurs?" Shortly after she sang it in German. The song's impact in Germany just after WWII was shattering. It's universal message, "let there be peace in the world" did not get lost in its translation. To the contrary, the combination of the language, the setting, and the great lyrics has had a profound effect on people all around the world. May it have the same effect today and bring renewed awareness to all that hear it.

Loading

...102030...4,0914,0924,0934,094...4,1004,1104,120...

Search by

Opinion

  • 1991ના દેશના આર્થિક સંકટમાંથી આપણે શું શીખી શકીએ?
  • અનામત કોઈને માટે ક્યાં સુધી ચાલુ રાખવી જોઈએ?
  • પરફોર્મેટિવ પૉલિટિક્સઃ રાજકારણ હવે માત્ર શાસન નહીં, વાયરલ થવાની કળા પણ
  • રાષ્ટૃની વિભાવના : સંઘર્ષ સમજૂતિ અને સ્થાપિત એજન્ડા
  • ચલ મન મુંબઈ નગરી—342

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved