Opinion Magazine
Number of visits: 9664844
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સાધનશુદ્ધિ

બબલભાઈ મહેતા|Gandhiana|28 January 2025

બબલભાઈ મહેતા

ગાંધીજીનું જીવન સમજવાનાં બે પાસાં છે: એક બાહ્ય અને બીજું આંતરિક. તેમના આંતરિક પાસામાં જીવનનાં વ્રતો આવે છે અને બાહ્ય પાસામાં તેમના બધાં રચનાત્મક કાર્યો આવે છે. એ જો અમલમાં આવે તો નવી સમાજરચના ઊભી થાય.

એમના તત્ત્વજ્ઞાનમાં સાધન શુદ્ધિ એ અતિ મહત્ત્વનું અંગ છે. હેતુ કે સાધ્ય પાર પડ્યું એટલે પત્યું, એમ માનનારાઓથી ગાંધીજી જુદા પડે છે. ઊંચી સિદ્ધિ ય ખોટા સાધનથી મળે તોયે તેમને ન ખપે. સ્વરાજ હિંદની પ્રજાને માટે અતિ મહત્ત્વની ચીજ છે એ સ્વરાજ પણ દગાફટકાથી કે જૂઠાણાંથી આવે તો ન જોઈએ એવું ગાધીજી કહેતા. સાધનના નજીવા દોષો આવે તો બાપુ હિમાલય જેવડી ભૂલ થઈ એમ કહીને મોટી હિલચાલ થંભાવી દે છે, એ ઘણા ઓછા લોકો ધ્યાનમાં રાખે છે. સિદ્ધિ લલચાવનારી ચીજ છે. તે લલચાવીને ટૂંકે માર્ગે ખેંચી જાય છે અને ટૂંકો માર્ગ છેવટે તો લાંબો બની રહે છે. ખરેખરો માર્ગ સાધનશુદ્ધિનો છે. 

‘વાવે તેવું લણે’ એવી કહેવત આપણે ત્યાં પ્રચલિત છે. બાવટો વાવો તો ઘઉં ન જ મળે. પણ ખરેખર આચરણ કરવાનું આવે છે અને ફળ નજર સામે દેખાય છે ત્યારે શુદ્ધ માર્ગ છોડી દેવાનું મન થાય છે. આનાથી બચવું જોઈએ.

બાળકને વહેલે શીખવવાની દષ્ટિએ શિક્ષક મારે છે પણ મારથી તેની બુદ્ધિનું ઢાંકણ બંધ થઈ જાય છે. માર મારવો એ બુદ્ધિ ખીલવવાનો રસ્તો નથી. આવું જ જીવનમા અનેક વાર બનતું હોય છે. જે રસ્તે જવું છે તેની શરૂઆત સાધન છે;  રસ્તાનો છેડો એ ધ્યેય છે. સાધન અને ધ્યેય જુદા નથી. ધ્યેય સત્ય છે, તો તેને પામવાનું સાધન અહિંસા છે, પ્રેમ છે. સત્ય અને અહિંસા એ એક સિક્કાના બે પાસાં છે. એને જુદા કેમ પડાય? અહિંસા હોય તો સત્યનાં દર્શન થાય.

સર્વોદયમાં માનવાવાળાએ આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ. ઘણા વાદો આપણી સમક્ષ આવે છે ત્યારે આપણે ધ્યેય સમજી લેવું જોઈએ. ગરીબોનું કલ્યાણ સામ્યવાદ, ગાંધીવાદ, સમાજવાદ કે બીજા કોઈ વાદ આવે એમાંથી ક્યે માર્ગે સારું થાય? ગાંધીવાદ કેમ સારો, બીજા વાદોમાં શી ત્રુટિઓ છે, એના સૂક્ષ્મ ભેદો, અને સાધનશુદ્ધિના આંકો પણ સમજી લેવા જોઈએ. 

આપણો કસોટીકાળ આવે ત્યારે સાધનશુદ્ધિ જે માર્ગમાં દેખાય તે માર્ગ જ અપનાવવો. જો અશુદ્ધ સાધનો હશે તો તે જ આપણને ગબડાવી દેશે.

હિંસાનો માર્ગ સાચો નથી. દુનિયા એ માર્ગે જઈ રહી છે. એ માર્ગમાંથી હઠવું હોય તો આખી સમાજ-રચના બદલવી પડે. શરૂઆત એક દેશથી થાય તો વિશ્વમાં એ ફેલાશે. જ્યાં પ્રારંભ થાય ત્યાં ખુવારી થવાનો પણ સંભવ છે. પણ પ્રજા સાચેસાચ અહિંસક હોય તો અંતે તેનો વિજય છે. દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીએ માર ખાધો પણ તેમનું તેજ અહિંસક હતું એટલે તેમનો વિજય થયો. આપણી પ્રજામાં એ તેજ પૂરતું નથી.

તેથી જેટલી સાધન શુદ્ધિ રાખીશું તેટલો સર્વોદયનો પંથ આગળ વધશે. 

જે સાધનો વડે ક્રિયા કરવાની છે તે જેટલાં શુદ્ધ તેટલું કામ પાકા પાયાનું થશે. ગાંધીજી આવાં કાર્યો સિદ્ધ કરી શક્યા કારણ કે તેમનાં સાધનો શુદ્ધ હતા. માણસના જીવનમાં પોતે જેટલી તૈયારી કરે તેટલે અંશે તે સફળ થાય. એ દૃષ્ટિએ જોતાં જે આદર્શ મન સમક્ષ રાખીએ તે પાર પાડવા માટે મન બુદ્ધિ આત્મા શરીર વિકસી શકે એવો આપણો પ્રયત્ન હોવો જોઇએ જે માણસ પોતાનું મન બુદ્ધિ શરીર બગાડી મૂકે તે પોતાના આત્માનો પણ નાશ કરે છે.

‘વિષયોનું ધરે ધ્યાન, તેમાં આસક્તિ ઊપજે, 

જન્મે આસક્તિથી કામ, કામથી ક્રોધ નીપજે; 

ક્રોધથી મૂઢતા આવે, મૂઢતા સ્મૃતિને હણે, 

સ્મૃતિલોપે બુદ્ધિનાશ, બુદ્ધિનાશે વિનાશ છે.’ 

                                                                        (અનાસક્તિયોગ, શ્રીમદ્ ભગવદ્ગીતા)

માનવીના વિનાશના આ પગથિયાં છે. નિરંકુશ મન ક્યાં લઈ જાય તેનું આ એક ચિત્ર છે. આદર્શ જો ઊંચો ન હોય તો ઊતરતા ઢાળ પર બેસતાં જ તે નીચે ગગડી જાય છે. ડુંગર પર ચડવું અઘરું છે પણ પડવું સહેલું છે. એક બોલ ને શત વિનિપાત. જીવનમાં ઊંચી જગ્યાએ જવાનું ધ્યેય નથી હોતું તો ગમે ત્યાં અથડાઈએ છીએ. જે પોતાના જીવનને ઉન્નત કરવા માગે છે તેની સમક્ષ કોઈ ઊંચો આદર્શ હોવો જ જોઈએ. મનુષ્ય નરનો નારાયણ થઈ શકે છે. ગાંધીજી જેવાએ પોતાના જીવનમાં એ કરી બતાવ્યું. વ્યક્તિ ધારે તેવી થઈ શકે છે. જેનું જીવન-ધ્યેય સ્પષ્ટ છે તે ગમે ત્યાં ગબડી ન પડે. તેથી જીવનમાં ઉચ્ચ ધ્યેયની જરૂર છે. તે ધ્યેયની પ્રાપ્તિ માટે તે આપણે નાનાં નાનાં પગથિયાં બનાવીએ. 

જે ધ્યેય ગાંધીજીનું તે જ આપણું ધ્યેય. તેઓ એક સામટાં દસ પગથિયાં કૂદ્યા તો આપણે એકએક ચડીશું; પણ ધ્યેય તેમના જેવું ઉચ્ચ રાખીશું. મોટી ઉમ્મર સુધી જે જીવન ધ્યેય નક્કી કરતો નથી તે પસ્તાય છે. ને જીવનમાં ધ્યેય હશે તો નાનાં કામથી તેને સંતોષ મળશે. નહિ તો મોટાં કામો પણ તેના મનનું સમાધાન નહીં કરી શકે. માટે ધ્યેય નક્કી કરી તેની પ્રાપ્તિ માટે શુદ્ધ પગલાં ભરો.

27/28 જાન્યુઆરી 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર; ક્રમાંક – 224 અને 225

Loading

બાવડાંથી બોલતો મૂંગો પહેલવાન

સુરેશ જાની|Opinion - Opinion|28 January 2025

જ્યારે કોઇ વ્યક્તિમાં કોઇ શારીરિક ખોડ હોય ત્યારે ભગવાન એનામાં અન્ય ઘણાં ગુણો અને આવડતો ભરી આપીને એની શારીરિક કમીને પૂરી દે છે. ઇન્સાનની એક ઇન્દ્રિય ઓછું કામ કરે તો અન્ય ઇન્દ્રિયો વધુ સતેજ બની જતી હોય છે અને ઉપરવાળાની મહેરબાની વિના સંભવ પણ નથી. એટલે જ કદાચ પ્રજ્ઞાચક્ષુઓ સંગીત ક્ષેત્રે કમાલનું સર્જન કરી શકતા હશે. લોકો પોતાની નાની-નાની પરેશાનીથી દુ:ખી થતા હોય છે. ત્યારે એક એવી વ્યક્તિ પણ છે જેણે ક્યારે પોતાની શારીરિક કમજોરીને મન પર હાવી થવા નથી દીધી. ઊલટુ પોતાની પાસેની આવડતને ઉત્તમ રીતે વિકસાવીને દુનિયામાં દૃષ્ટાંત પૂરું પાડ્યું આ વાત એક મૂક-બધીર પહેલવાનની છે. સામાન્ય રીતે અખાડો જ પહેલવાનની દુનિયા હોય છે, પરંતુ આ પહેલવાને પોતાને અખાડાની બહાર લાવીને આંતરરાષ્ટ્રીય સ્તર પર મૂકી દીધી. એની પાસે વાચા નથી, પરંતુ તેણે પોતાનો બુલંદ અવાજ વિશ્વભરમાં પહોંચાડ્યો.

ગુંગા પહેલવાન તરીકે જાણીતો થયેલો વિરેન્દ્ર સિંહ યાદવે નાની વયે જ કુસ્તીના દાવપેચ ચાલુ કરી દીધા હતા. કુસ્તીમાં દિવસે ને દિવસે કાબેલિયત પ્રાપ્ત કરનારા ગુંગા-પહેલવાને અખાડાની સ્પર્ધાઓમાં ભાગ લેવાનું શરૂ કર્યું અને સતત જીતતો રહ્યો. એ જ્યાં પણ કુસ્તી લડવા જાય ત્યાંથી જીતીને આવતો.

વિરેન્દ્ર સિંહના પિતા સી.આર.પી.એફ.માં હતા અને તેમને કુસ્તી બહુ જ પસંદ હતી. સ્વાભાવિક રીતે વિરેન્દ્ર સિંહ મૂક-બધીર હોવાથી કુટુંબને એની પાસેથી કોઇ આશા-અપેક્ષા ન હતી. બીજી તરફ અખાડાના અન્ય કુસ્તીબાજો એની શારીરિક ખોડની મજાક ઉડાવતા. વિરેન્દ્ર સિંહ કસરત કરતો ત્યારે કુસ્તીબાજો એવો ટોણો મારતા કે હવે મૂંગો-બહેરો પણ પહેલવાન બનશે! પરંતુ વિરેન્દ્ર સિંહે કડવા ઘૂંટડા ઉતારી જઇને પોતાનું કામ ચાલુ રાખ્યું. અખાડામાં નિયમિત જવું, કસરત કરીને શરીર કસાયેલું-મજબૂત રાખવું અને કુસ્તી લડવાને તેણે લક્ષ્ય બનાવ્યું હતું. વિરેન્દ્ર સિંહ તેને મારવામાં આવતા પ્રત્યેક મહેણાં ટોણાનો જવાબ અખાડામાં કુસ્તીમાં હરીફને પરાજિત કરીને આપતો. વિરેન્દ્ર સિંહની પહેલવાની જોઇને ધીરેધીરે અન્ય કુસ્તીબાજોની જીભ સિવાઇ ગઇ. અચ્છા-અચ્છા અખાડિયનોને ધૂળ ચાટતા કરનાર વિરેન્દ્ર સિંહ છત્રસીલ સ્ટેડિયમમાં પહેલવાનોને તાલીમ આપવા લાગ્યો હતો.

હરિયાણાના ઝાઝુર જિલ્લાના સિસરોલી ગામે જન્મેલા વિરેન્દ્ર સિંહ ૨૦૦૨માં નેશનલ ચેમ્પિયનશિપમાં ટૉપ-થ્રીમાં હતો, પરંતુ ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપ માટે તેની પસંદગી ન હતી. આ વાતે દુ:ખી થવાને બદલે તેણે વધુ મહેનત કરવાનું શરૂ કર્યું. એના કઠોર પરિશ્રમ અને સંર્ઘષનું પરિણામ એ આવ્યું કે ઇન્ટરનેશનલ સ્તરે તેણે ગોલ્ડ મેડલો જીત્યા. ૨૦૦૫માં મેલ્બર્ન ડેફલિમ્પિક્સમાં તેણે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ૨૦૦૯માં તાઇપેઇમાં યોજાયેલી ડેફલિમ્પિક્સમાં કાસ્યચંદ્રક જીત્યો હતો. ૨૦૦૮ અને ૨૦૧૨ની ડેફ સટલિંગ ચેમ્પિયનશિપમાં પણ વિરેન્દ્ર સિંહે રજત અને કાસ્ય ચંદ્રકો જીત્યા હતા.

બી.બી.સી.ને આપેલી મુલાકાતમાં વિરેન્દ્ર સિંહે કહ્યું હતું કે ‘મારા પિતાના પ્રોત્સાહનથી મેં કુસ્તીબાજ બનવાનું નક્કી કર્યું હતું.’ કુસ્તી કરવાનો વિચાર કઇ રીતે આવ્યો એવું સવાલના જવાબમાં તેણે કહ્યું કે ‘મારા ઘરની નજીક જ એક અખાડો હતો. મારા પિતા પણ કુસ્તી કરતા હતા.’

વિરેન્દ્ર સિંહે ધીરે ધીરે મેડલો જીતી બતાવ્યા છતાં ય સરકાર તરફથી કોઇ સહાય કે પ્રોત્સાહન ન મળ્યું. આનાથી નિરાશ થયેલા વિરેન્દ્ર સિંહને એના પિતા ૨૦૧૧માં દિલ્હીના છાત્રસાલ સ્ટેડિયમમાં લઇ ગયા ત્યાંના કૉચ રામફલ માનેએ તેને તાલીમ આપવાનું શરૂ કર્યું હતું. રામફલે એના વિશે કહ્યું હતું કે ‘વિરેન્દ્ર સિંહ એક શિસ્તબદ્ધ પહેલવાન છે. અન્ય કુસ્તીબાજોની સરખામણીમાં એનું દિમાગ વધુ તેજ છે. સફળતા મેળવવા માટે એ હંમેશાં મહેનત કરે છે.’

મૂક-બધીર વિરેન્દ્ર સિંહના જીવનકવન પર એક ડૉક્યુમેન્ટરી બની છે જેનું નામ ‘ગુંગા પહેલવાન’ છે એનું કારણ વિરેન્દ્ર સિંહ યાદવ ‘ગુંગા પહેલવાન’ તરીકે વધુ લોકપ્રિય બન્યો છે.

તૂર્કીમાં યોજાયેલી સમર ડેફલિમ્પિક્સમાં પાંચ મેડલો જીતનાર વિરેન્દ્ર સિંહનું બાળપણ સંઘર્ષ અને ભવિષ્યની યોજનાને આવરી લેતી આ ડૉક્યુમેન્ટરી શારીરિક રીતે સક્ષમ ન હોય એવી વ્યક્તિઓને માટે પ્રેરણારૂપ છે. મહેનત અને સંઘર્ષ કરવાની તૈયારી હોય તો તમે પંગુતા છતાં ય ધ્યેય હાંસલ કરી શકો છો એનું જીવતું-જાગતું ઉદાહરણ વિરેન્દ્ર સિંહ છે. અર્જૂન અવૉર્ડ નવાજિત વિરેન્દ્ર સિંહે પણ પોતાનું લક્ષ્ય અર્જૂન જેવું જ રાખ્યું હતું.

વરસો પહેલાં અમદાવાદના દિગ્દર્શકો વિવેક ચૌધરી, મિત જાની અને પ્રતીક ગુપ્તાએ ‘ગુંગા પહેલવાન’ વિશે જાણ્યું હતું. એમનાં સંઘર્ષની પ્રેરણાદાયી વાતથી પ્રેરાઇને તેમણે ડૉક્યુમેન્ટરી બનાવવાનું નક્કી કર્યું હતું. વિવેક ચૌધરીએ એના વિશેનો એક ન્યૂઝ રિપોર્ટ વાંચ્યો ત્યારથી ડૉક્યુમેન્ટરી બનાવવાનો દૃઢ નિર્ધાર કરી લીધો હતો.

આ સર્જકોને ‘ગુંગા પહેલવાન’ પર ડૉક્યુમેન્ટરી બનાવવાનો વિચાર કે પ્રેરણા ક્યાંથી મળ્યા? દિગ્દર્શક વિવેક ચૌધરીએ એના વિશે પ્રકાશિત એક ન્યૂઝ રિપોર્ટ વાંચ્યો. જેમાં લખ્યું હતું કે વિરેન્દ્ર સિંહ મૂક-બધીર કુસ્તીબાજ છે, આમ છતાં તેણે વર્લ્ડ ચેમ્પિયન બન્યો છે, ગોલ્ડ મેડલો પણ જીત્યા છે, છતાં ય સરકારે એના તરફ ઉદાસીનતા દાખવી છે, એને જોઇએ એટલી પ્રસિદ્ધિ મળી નથી એની આ વિરલ સિદ્ધિઓની જાણે કે કોઇએ નોંધ જ લીધી નથી. આ ડૉક્યુમેન્ટરી દ્વારા અપંગ રમતવીરોની અવહેલના, ઉપેક્ષા પ્રત્યે ધ્યાન દોરવાનો પ્રયાસ થયો છે.

અપંગ રમતવીરોને પૂરતી તક મળતી નથી. શારીરિક રીતે સક્ષમ ન હોય એવા રમતવીરોની સમાજ તરફથી ઉપેક્ષા થતી હોય એવું ચિત્ર ઊભું થયું છે. જે ચિંતાનો વિષય છે. આ ડૉક્યુમેન્ટરી બનાવવા પાછળનો નિર્માતાઓનો અન્ય એક આશય એના ભાઇ શક્ય એટલો વધુ સપોર્ટ ઊભો કરવાનો હતો.

વક્રતા તો એ વાતની છે કે વિરેન્દ્ર સિંહ યાદવે એટલે કે ગુંગા પહેલવાને એક અચ્છા કુસ્તીબાજ તરીકે સિદ્ધિઓ પ્રાપ્ત કરી હોવા છતાં તેણે જીવનનિર્વાહ ચલાવવા માટે શારીરિક રીતે સક્ષમ કુસ્તીબાજો સામે કુસ્તી લડવી પડી હતી.

ડૉક્યુમેન્ટરીના આ સર્જકોએ આ સમસ્યાનો મૂળ તંતુ પકડીને એનો ઉકેલ લાવવા તેમ જ આ સંઘર્ષમાં નીતિવિષયક ફેરફારો કરવાની માગણી કરતી રાઇટ ટુ ઇન્ફર્મેશન (આર.ટી.આઇ.) અને પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન (પી.આઇ.એલ.) પણ કરી છે.

‘ગુંગા પહેલવાન’ ડૉક્યુમેન્ટરીને નૉન-ફીચર કેટેગરીમાં બેસ્ટ ડેબ્યુ ફિલ્મનો ૨૦૧૪માં ૬૨મો નેશનલ ફિલ્મ અવૉર્ડ મળ્યો હતો. તે ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયામાં ઇન્ડિયન પેનોરમાની ઓપનિંગ ફિલ્મ તરીકે પસંદગી પામી હતી.

૨૦૧૪માં કેરળમાં યોજાયેલા ઇન્ટરનેશનલ ડૉક્યુમેન્ટરી ઍન્ડ શોર્ટ ફિલ્મ ફેસ્ટિવમાં આ ડૉક્યુમેન્ટરીને ‘સ્પેશ્યલ મેન્શન’ તરીકેનું બહુમાન પ્રાપ્ત થયું હતું. દક્ષિણ એશિયામાં અલ્ટરનેટિવ ફિલ્મ ફેસ્ટિવલ તરીકે વિખ્યાત બનેલા વિગબ્યૉર ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં આ ડૉક્યુમેન્ટરી દર્શાવાઇ હતી. ૨૦૧૫માં વી કૅર ફિલ્મ ફેસ્ટિવલ તેમ જ એન.એફ.ડી.સી. દ્વારા આયોજિત અપંગો માટેના ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ખાતે પણ આ ફિલ્મને શ્રેષ્ઠ ફિલ્મના અવૉર્ડસ મળ્યા હતા.

ચિત્તા જેવી ઝડપ અને સ્ફૂર્તિ ધરાવતા વિરેન્દ્ર સિંહની રગેરગમાં કુસ્તી છે. એનામાં ગજબનો લાવા ધગધગે છે એની ચિત્તા જેવી ચકળ વકળ થતી આંખો હરીફ કુસ્તીબાજની ચાલને પામી જાય છે. ઘડીના છઠ્ઠા ભાગમાં એ હરીફને પક્કડમાં લઇ લે છે, જમીન પર પટકાવે છે. વિરેન્દ્ર સિંહ મૂક-બધીર હોવાનું કોઇ માની શકે નહીં એવું એનું વ્યક્તિત્વ છે.

દિગ્દર્શકોએ વિરેન્દ્રસિંહ વિશે વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો. ગુગલ પર પણ કોઇ માહિતી ઉપલબ્ધ નહીં હોવાનું જણાયું. એક મૂક-બધીર કુસ્તીબાજની આવી ઘોર ઉપેક્ષા?

પરિણામે તેને મળવાની ઉત્કંઠા વધુ સતેજ બની. રૂબરૂ મુલાકાત થઇ ત્યારે એક કદાવર કુસ્તીબાજ – ઋજુ સ્વભાવ અને લાગણીસભર દિલ સાથે ઊભો હતો. એમની વચ્ચે તરત જ ઘરોબો સ્થપાઇ ગયો. એમની સાથે વાતચીતનો દોર શરૂ થયો, સંઘર્ષ, અને સપનાંનાં પાનાં એકપછી એક ઉઘડતાં ગયાં. ડૉક્યુમેન્ટરીમાં વધુ ને વધુ જાન રેડાતી ગઇ.

એક મૂક-બધીરે આંતરાષ્ટ્રીય સ્તરે ભારતને નામના અપાવી હોવા છતાં એની ઉપેક્ષા થાય અથવા તો આવા અન્ય રમતવીરોને પ્રોત્સાહન આપીને ઇન્ટરનેશનલ લેવલે લઇ જવાની દરકાર સુધ્ધાં સરકાર ન કરે ત્યારે સરકાર જ મૂક-બધીર લાગે. સરકારી સિસ્ટમ અપંગ બની ગઇ હોય એવો અહેસાસ થાય. સ્વાભાવિક છે ને?

Kindly embed these videos –

 

સંદર્ભ –
https://en.wikipedia.org/wiki/Goonga_Pehelwan
https://yourstory.com/2017/08/virender-singh-deaflympics/
e.mail : surpad2017@gmail.com

Loading

રાજ્યની વડી અદાલતમાં ગુજરાતની વૈકલ્પિક છૂટ માટેનો સમય પાકી ગયો છે

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion, Samantar Gujarat|28 January 2025

મારો ન્યાય, મારી ભાષામાં

બંધારણ મુજબ જે તે રાજ્યની વડી અદાલતને પ્રદેશભાષામાં કામકાજ માટે વૈકલ્પિક છૂટ અપાયેલી છે. આ છૂટને અમલી જામો ન પહેરાવાય તે લોકશાહીના છડેચોક ભંગ રૂપ છે.

પ્રકાશ ન. શાહ

હવે તરતમાં આપણું પ્રજાસત્તાક અમૃતવર્ષોમાં પ્રવેશશે. સ્વરાજનું આ અઠ્ઠોતેરમું વરસ છે, અને ભાષાવાર પ્રાંતરચનાને અન્વયે ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યું તે પણ કે’દીનું સાઠી વટી ગયું છેઃ આટલે વરસે, સ્વરાજ ને સ્વભાષા, પ્રજાસત્તાક ને પ્રજાની ભાષા, એ સાદો હિસાબ અને બુનિયાદી લોકશાહી સમજ છતાં ગુજરાતની ચેતના આ મુદ્દે કણસી રહી છે. ખબર નથી, ‘મારો ન્યાય, મારી ભાષામાં’ એ કણસાટ સંબંધકર્તાઓને સંભળાય છે કે કેમ.

દેશની બંધારણીય જોગવાઈ મુજબ હાલ સર્વોચ્ચ અદાલતે અને રાજ્યોની વડી અદાલતોની કાર્યભાષા અલબત્ત અંગ્રેજી છે. કંઈક કોલોનિયલ હેંગઓવર, કંઈક લાંબી અંગ્રેજ રાજવટ થકી ઊભો થયેલ કાર્યસુવિધાનો ખયાલ. ભલે ભાઈ. પણ આ જ બંધારણે એ દ્વાર પણ લોકશાહી ધોરણે બેલાશક ખુલ્લાં રાખ્યાં છે કે પ્રજાની પોતાની ભાષામાં સર્વોચ્ચ ને વડી અદાલતોમાં કામ ચાલી શકે તેવી વૈકલ્પિક જોગવાઈ શક્ય છે. ચાર રાજ્યોની વડી અદાલતોમાં એ રીતે હિંદીમાં કામકાજની સોઈ થઈ પણ છે. 

પ્રશ્ન આ છેઃ જો આ ચાર રાજ્યોમાં સ્વભાષાને ધોરણે ન્યાયિક પ્રક્રિયાનો વિકલ્પ ખૂલી શકતો હોય તો ગુજરાતમાં કેમ નહીં? સ્વરાજ પછી શરૂનાં વર્ષોમાં એ ટોણો મારી શકાતો હતો કે રાજ્યકર્તાઓ જે ભાષામાં રાજ કેમ ચાલી ન શકે. સદ્ભાગ્યે એ હિંસામાં કંઈક લોકહિલચાલ અને કંઈક શાસકીય સંકલ્પે ઠીક ભોં ભાંગી છે. 

આ લખું છું ત્યારે સાંભરે છે કે 1977માં ‘બીજા સ્વરાજ’ની હવામાં ગુજરાતમાં બાબુભાઈ જશભાઈની સરકારે રામલાલ પરીખના વડપણ હેઠળ એક સમિતિ (જેના પર આ લખનારને પણ કામ કરવાનું બન્યું હતું) નીમી હતી, રાજ્યના વહીવટમાં સર્વ સ્તરે ગુજરાતીમાં વહીવટ શક્ય બને તે દૃષ્ટિએ. સરકારે સમિતિની ભલામણોનો સૈદ્ધાંતિક સ્વીકાર કર્યો હતો એટલું જ નહીં પણ પોતાના કાર્યકાળમાં તંત્ર જોગ એક પછી એક સત્તાવાર પરિપત્ર મારફતે ઘટતી ચોંપ પણ દાખવી હતી. (સચિવાલયની સ્ટેનો મંડળીએ અંગ્રેજી સિવાય કામ કરવા બાબતે અદાલતી દ્વાર ખખડાવેલાં એવું આછું સ્મરણ છે.)

વચ્ચે જાણે રાજ્ય સરકાર ઝોકું ખાઈ ગઈ હોય તેમ છેક બે’ક વરસ પર જ એ દોર પાછો સાહ્યો. જો કે વચમાં એણે એક મોટી વાત ચોક્કસ કરી હતી, અને તે એ કે 2012માં વડી અદાલતમાં વૈક્લિપક ગુજરાતી અમલી બનાવવા સારુ વિધાનસભાના નિર્ણયને પગલે રાજ્યપાલે યોગ્ય સ્તરે ભલામણ મોકલી આપી હતી. 

તેમ છતાં, જો આ મુદ્દે આગળ ન વધાતું હોય તો એનું રહસ્ય એ લાંબો સમય ગોપિત રહેલી બીનામાં છે કે 1965માં દેશના સઘળા વડા ન્યાયમૂર્તિઓની કૉન્ફરન્સમાં એવો નિર્ણય લેવાયો હતો કે જે તે રાજ્યભાષાને વૈકલ્પિક ધોરણે સ્વીકૃતિ માટે સર્વોચ્ચ અદાલતનના વડા ન્યાયમૂર્તિની રજા જરૂરી છે. કેન્દ્ર સરકાર તે સિવાય નિર્ણય નહીં લે. આ ચોક્કસ જ એક મોટો અવરોધ છે અને બંધારણની ભાવનાથી તે તદ્દન વિપરીત છે. 

અસીમ પંડ્યા

હવે એ સમય નિશ્ચે પાકી ગયો છે કે સર્વ સ્તરેથી ‘મારો ન્યાય, મારી ભાષામાં’ એ નાદ બુલંદ બને. આ સંદર્ભમાં ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ્સ એસોસિયેશનના પૂર્વ પ્રમુખ અસીમ પંડ્યાએ ઝંડો સાહ્યો છે તે જરૂર અભિનંદનપાત્ર છે. હમણાં અસીમ પંડ્યાએ ઉલ્લેખ પૂર્વપ્રમુખ તરીકે કર્યો એ આપણી દુર્દૈવ અનવસ્થાની દ્યોતક બીના છે. એમણે એસોસિયેશનના પ્રમુખ તરીકે પરબારું લખ્યું જ કેમ એવી ફરિયાદ એસોસિયેશનમાં ઊઠી એથી એમણે પત્ર પાછો ખેંચ્યો અને વ્યક્તિગત ધોરણે નવેસર લખ્યું. આ વિવેક પણ એસોસિયેશનનાં કેટલાંક વર્તુળોને સોરવાયો નહીં ત્યારે એમણે વળતું રાજીનામું ધરી દીધું. 

હવે 21મી ફેબ્રુઆરીએ, માતૃભાષા દિવસે, લડત વેગવતી બનાવવાની યોજનાની વિચારાઈ છે. 

દેખીતી રીતે જ આ લડત કોઈ એક પક્ષની નહીં પણ સર્વ પક્ષો સહિત નાગરિક સમાજ સમસ્તની છે. એડવોકેટ્સ એસોસિયેશન પણ એમાં ભળી શકે તો શોભીતું થશે.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 22 જાન્યુઆરી 2025

Loading

...102030...406407408409...420430440...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved