
બબલભાઈ મહેતા
ગાંધીજીનું જીવન સમજવાનાં બે પાસાં છે: એક બાહ્ય અને બીજું આંતરિક. તેમના આંતરિક પાસામાં જીવનનાં વ્રતો આવે છે અને બાહ્ય પાસામાં તેમના બધાં રચનાત્મક કાર્યો આવે છે. એ જો અમલમાં આવે તો નવી સમાજરચના ઊભી થાય.
એમના તત્ત્વજ્ઞાનમાં સાધન શુદ્ધિ એ અતિ મહત્ત્વનું અંગ છે. હેતુ કે સાધ્ય પાર પડ્યું એટલે પત્યું, એમ માનનારાઓથી ગાંધીજી જુદા પડે છે. ઊંચી સિદ્ધિ ય ખોટા સાધનથી મળે તોયે તેમને ન ખપે. સ્વરાજ હિંદની પ્રજાને માટે અતિ મહત્ત્વની ચીજ છે એ સ્વરાજ પણ દગાફટકાથી કે જૂઠાણાંથી આવે તો ન જોઈએ એવું ગાધીજી કહેતા. સાધનના નજીવા દોષો આવે તો બાપુ હિમાલય જેવડી ભૂલ થઈ એમ કહીને મોટી હિલચાલ થંભાવી દે છે, એ ઘણા ઓછા લોકો ધ્યાનમાં રાખે છે. સિદ્ધિ લલચાવનારી ચીજ છે. તે લલચાવીને ટૂંકે માર્ગે ખેંચી જાય છે અને ટૂંકો માર્ગ છેવટે તો લાંબો બની રહે છે. ખરેખરો માર્ગ સાધનશુદ્ધિનો છે.
‘વાવે તેવું લણે’ એવી કહેવત આપણે ત્યાં પ્રચલિત છે. બાવટો વાવો તો ઘઉં ન જ મળે. પણ ખરેખર આચરણ કરવાનું આવે છે અને ફળ નજર સામે દેખાય છે ત્યારે શુદ્ધ માર્ગ છોડી દેવાનું મન થાય છે. આનાથી બચવું જોઈએ.
બાળકને વહેલે શીખવવાની દષ્ટિએ શિક્ષક મારે છે પણ મારથી તેની બુદ્ધિનું ઢાંકણ બંધ થઈ જાય છે. માર મારવો એ બુદ્ધિ ખીલવવાનો રસ્તો નથી. આવું જ જીવનમા અનેક વાર બનતું હોય છે. જે રસ્તે જવું છે તેની શરૂઆત સાધન છે; રસ્તાનો છેડો એ ધ્યેય છે. સાધન અને ધ્યેય જુદા નથી. ધ્યેય સત્ય છે, તો તેને પામવાનું સાધન અહિંસા છે, પ્રેમ છે. સત્ય અને અહિંસા એ એક સિક્કાના બે પાસાં છે. એને જુદા કેમ પડાય? અહિંસા હોય તો સત્યનાં દર્શન થાય.
સર્વોદયમાં માનવાવાળાએ આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ. ઘણા વાદો આપણી સમક્ષ આવે છે ત્યારે આપણે ધ્યેય સમજી લેવું જોઈએ. ગરીબોનું કલ્યાણ સામ્યવાદ, ગાંધીવાદ, સમાજવાદ કે બીજા કોઈ વાદ આવે એમાંથી ક્યે માર્ગે સારું થાય? ગાંધીવાદ કેમ સારો, બીજા વાદોમાં શી ત્રુટિઓ છે, એના સૂક્ષ્મ ભેદો, અને સાધનશુદ્ધિના આંકો પણ સમજી લેવા જોઈએ.
આપણો કસોટીકાળ આવે ત્યારે સાધનશુદ્ધિ જે માર્ગમાં દેખાય તે માર્ગ જ અપનાવવો. જો અશુદ્ધ સાધનો હશે તો તે જ આપણને ગબડાવી દેશે.
હિંસાનો માર્ગ સાચો નથી. દુનિયા એ માર્ગે જઈ રહી છે. એ માર્ગમાંથી હઠવું હોય તો આખી સમાજ-રચના બદલવી પડે. શરૂઆત એક દેશથી થાય તો વિશ્વમાં એ ફેલાશે. જ્યાં પ્રારંભ થાય ત્યાં ખુવારી થવાનો પણ સંભવ છે. પણ પ્રજા સાચેસાચ અહિંસક હોય તો અંતે તેનો વિજય છે. દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીએ માર ખાધો પણ તેમનું તેજ અહિંસક હતું એટલે તેમનો વિજય થયો. આપણી પ્રજામાં એ તેજ પૂરતું નથી.
તેથી જેટલી સાધન શુદ્ધિ રાખીશું તેટલો સર્વોદયનો પંથ આગળ વધશે.
જે સાધનો વડે ક્રિયા કરવાની છે તે જેટલાં શુદ્ધ તેટલું કામ પાકા પાયાનું થશે. ગાંધીજી આવાં કાર્યો સિદ્ધ કરી શક્યા કારણ કે તેમનાં સાધનો શુદ્ધ હતા. માણસના જીવનમાં પોતે જેટલી તૈયારી કરે તેટલે અંશે તે સફળ થાય. એ દૃષ્ટિએ જોતાં જે આદર્શ મન સમક્ષ રાખીએ તે પાર પાડવા માટે મન બુદ્ધિ આત્મા શરીર વિકસી શકે એવો આપણો પ્રયત્ન હોવો જોઇએ જે માણસ પોતાનું મન બુદ્ધિ શરીર બગાડી મૂકે તે પોતાના આત્માનો પણ નાશ કરે છે.
‘વિષયોનું ધરે ધ્યાન, તેમાં આસક્તિ ઊપજે,
જન્મે આસક્તિથી કામ, કામથી ક્રોધ નીપજે;
ક્રોધથી મૂઢતા આવે, મૂઢતા સ્મૃતિને હણે,
સ્મૃતિલોપે બુદ્ધિનાશ, બુદ્ધિનાશે વિનાશ છે.’
(અનાસક્તિયોગ, શ્રીમદ્ ભગવદ્ગીતા)
માનવીના વિનાશના આ પગથિયાં છે. નિરંકુશ મન ક્યાં લઈ જાય તેનું આ એક ચિત્ર છે. આદર્શ જો ઊંચો ન હોય તો ઊતરતા ઢાળ પર બેસતાં જ તે નીચે ગગડી જાય છે. ડુંગર પર ચડવું અઘરું છે પણ પડવું સહેલું છે. એક બોલ ને શત વિનિપાત. જીવનમાં ઊંચી જગ્યાએ જવાનું ધ્યેય નથી હોતું તો ગમે ત્યાં અથડાઈએ છીએ. જે પોતાના જીવનને ઉન્નત કરવા માગે છે તેની સમક્ષ કોઈ ઊંચો આદર્શ હોવો જ જોઈએ. મનુષ્ય નરનો નારાયણ થઈ શકે છે. ગાંધીજી જેવાએ પોતાના જીવનમાં એ કરી બતાવ્યું. વ્યક્તિ ધારે તેવી થઈ શકે છે. જેનું જીવન-ધ્યેય સ્પષ્ટ છે તે ગમે ત્યાં ગબડી ન પડે. તેથી જીવનમાં ઉચ્ચ ધ્યેયની જરૂર છે. તે ધ્યેયની પ્રાપ્તિ માટે તે આપણે નાનાં નાનાં પગથિયાં બનાવીએ.
જે ધ્યેય ગાંધીજીનું તે જ આપણું ધ્યેય. તેઓ એક સામટાં દસ પગથિયાં કૂદ્યા તો આપણે એકએક ચડીશું; પણ ધ્યેય તેમના જેવું ઉચ્ચ રાખીશું. મોટી ઉમ્મર સુધી જે જીવન ધ્યેય નક્કી કરતો નથી તે પસ્તાય છે. ને જીવનમાં ધ્યેય હશે તો નાનાં કામથી તેને સંતોષ મળશે. નહિ તો મોટાં કામો પણ તેના મનનું સમાધાન નહીં કરી શકે. માટે ધ્યેય નક્કી કરી તેની પ્રાપ્તિ માટે શુદ્ધ પગલાં ભરો.
27/28 જાન્યુઆરી 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર; ક્રમાંક – 224 અને 225