Opinion Magazine
Number of visits: 9456800
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પર્યાવરણ રક્ષક ગાંધી

લેખક: રામચંદ્ર ગુહા [અનુવાદક: આશા બૂચ]|Gandhiana|6 October 2024

ગાંધીજીના બહુઆયામી વ્યક્તિત્વના અનેક પાસાંઓની જાણ છે. તેમનું એક પાસું, તે એમના પર્યાવરણની સુરક્ષા માટેની તેમની દીર્ઘ દૃષ્ટિપૂર્વકની યોજના.

રામચંદ્ર ગુહાની કલમે એ વાતનો મર્મ સુંદર રીતે ઉજાગર થયો છે, જે અહીં સાદર પ્રસ્તુત.

રામચંદ્ર ગુહા

લગભગ ત્રીસેક વર્ષ પહેલાં ‘ઈન્ડસ્ટ્રીઅલાઈઝ – એન્ડ પેરિશ’ શીર્ષક હેઠળ ગાંધીજીના લખેલા લેખોનો સંચય વાંચતી વખતે પહેલી વખત 20 ડિસેમ્બર 1928ના ‘યંગ ઇન્ડિયા’ના અંકમાં પ્રગટ થયેલ ગાંધીજીનો નોંધપાત્ર અભિપ્રાય મારા ધ્યાનમાં આવ્યો : “ભારતને પશ્ચિમી દેશો જેવા ઔદ્યોગીકરણને અનુસરતાં ભગવાન બચાવે. ઇંગ્લેન્ડ જેવડા એક નાના ટાપુના આર્થિક સામ્રાજ્યવાદે આખી દુનિયાને એક સાંકળના બંધનમાં જકડી દીધો છે. જો 30 કરોડની વસતી ધરાવતો આખો દેશ એ જ પ્રકારના આર્થિક શોષણને પગલે ચાલશે તો, એ દુનિયા આખીના સ્રોતને તીડનાં ધાડાંની માફક સફાચટ કરી નાખશે.”

આ શબ્દોના અર્થને સંસાધનો અને ઉર્જાના અમર્યાદિત વપરાશ તથા વધુ પડતા ઔદ્યોગિક વિકાસ સામેની ચેતવણીના સંદર્ભમાં પર્યાવરણવાદી પરિભાષામાં ઘટાવવાની લાલચ થઈ શકે. ખરેખર, પશ્ચિમી દેશો પાસેથી પ્રેરણા લઈને એ માર્ગને અપનાવવાને પરિણામે આજે ચીન અને ભારત દુનિયાને તીડનાં ધાડાંની માફક વેરાન કરશે તેવો ભય સેવાઈ રહ્યો છે.

માનવીની લોભી વૃત્તિના આલોચક તરીકે, વિકેન્દ્રિત અને ગ્રામાભિમુખ અર્થ વ્યવસ્થાના (અને તેથી ઓછી ખાઉધરી વ્યવસ્થા) સમર્થક હોવાને કારણે તથા હાનિકારક સરકારી નીતિ સામે અહિંસક વિરોધ દર્શાવવાની પદ્ધતિનો પાયો નાખનાર વ્યક્તિ તરીકે ગાંધીને પર્યાવરણની સુરક્ષા માટે ચળવળ કરનારાઓએ આ ક્ષેત્રના પૂર્વજ તરીકે સ્થાપ્યા છે. સહુથી વધુ પ્રખ્યાત થયેલા ચિપકો અને નર્મદા બચાવો જેવા પર્યાવરણીય આંદોલનોના આગેવાનોએ પોતે ગાંધીના માર્ગે ચાલ્યા છે એવું પોતાના આચાર-વિચાર દ્વારા પુરવાર કરી બતાવ્યું છે. ગાંધીને પશ્ચિમી પર્યાવરણવાદીઓ જેવા કે ઈ.એફ. શુમાકર (‘સ્મોલ ઇઝ બ્યુટીફૂલ’ પુસ્તકના લેખક) જેવા અર્થશાસ્ત્રી અને જર્મનીની ગ્રીન પાર્ટીના આદર્શોમાં પણ ઉજાગર કરવામાં આવ્યા છે.

મારી અખબારની આ કટારમાં ગાંધીના એક પર્યાવરણની સુરક્ષા બાબત નિસબત ધરાવનાર વ્યક્તિ તરીકે આપણા સાંપ્રત સમય સંબંધિત સમસ્યાઓ સાથે સુસંગત છે તેવા વિચારોના કેટલાક પાસાંઓ વિષે વાત કરીને તેમના મુદ્દાને વધુ મજબૂત કરવા માંગુ છું. ખાસ કરીને વૃક્ષો વિષે કરેલા ઉલ્લેખ, જે ઓછા જાણીતા છે તેના પર ધ્યાન ખેંચવા માગું છું.

1925ના નવેમ્બર માસમાં ગાંધી કચ્છના રણ વિસ્તારની મુલાકાતે ગયેલા, જ્યાં અપૂરતા વરસાદ અને આખું વરસ પાણી વહેતું હોય તેવી નદીના અભાવને કારણે ત્યાં વનસ્પતિ બહુ ઓછી જોવા મળે છે. તેમના યજમાન જયકૃષ્ણ ઇંદ્રજી એક સામાજિક કાર્યકર હતા, જેને ગાંધીજીએ ‘ગુજરાતના રત્ન’ તરીકે ઓળખાવ્યા હતા, અને જેમને એક શબ્દમાં ‘વનસ્પતિના નૃવંશ વિજ્ઞાની’ (ethnobotanist) વર્ણવી શકાય. ગાંધી કરતાં વીસ વર્ષ પહેલાં 1849માં જન્મેલા જયકૃષ્ણ પોતાની જાતે જ તાલીમ મેળવીને બનેલા વનસ્પતિ વિજ્ઞાન જાણનારા હતા જેમણે પોરબંદર રાજ્યમાં કામ કરેલું (જેના શાસકોની એક સમયે ગાંધીના પૂર્વજોએ સેવા કરી હતી). આ વનસ્પતિશાસ્ત્રીને ભારતીય પ્રજામાં વૃક્ષો અને છોડવામાં રસનો અભાવ કેમ આટલો બધો જોવા મળે છે તેની નવાઈ લાગતી, અને એ બાબતમાં તેમણે આ અભિપ્રાય આપ્યો, “આ દેશ્માં રહેતા યુરોપિયન લોકો આપણા દેશમાં ઊગતાં છોડ અને વૃક્ષો વિષે જાણકારી ધરાવે છે અને તે વિષે લખે છે, અને મારા જ દેશના લોકો પોતાના ઘરના વાડામાં ઊગતાં ફૂલછોડ વિષે કશું જાણતા નથી અને તેને પોતાના પગ નીચે કચરતા હોય છે.” આ અજ્ઞાનતાને દૂર કરવા જયકૃષ્ણે પોરબંદરના બરડા ડુંગર વિસ્તારમાં ઊગતી વનસ્પતિનો સીમાચિહ્ન ગણાય તેવો અભ્યાસ કરીને તે વિષે લખ્યું, જેણે કચ્છના મહારાવનું ધ્યાન ખેંચ્યું, અને તેમણે પોતાના રાજ્યમાં આવી કામ કરવા નોતર્યા. ત્યાં આ વનસ્પતિના નૃવંશ વિજ્ઞાનીએ રણમાં વનસ્પતિ ફરી ઉગાડવા માટે પ્રોત્સાહન આપ્યું, અને સાથે સાથે કચ્છ રાજ્યમાં ઊગતી વનસ્પતિઓ વિષે સંશોધન કરીને તે વિષે લખ્યું.

જયકૃષ્ણને મળ્યા બાદ ગાંધીએ લખ્યું, “તેઓ બરડા વિસ્તારના એકે એક વૃક્ષ અને તેનાં પાંદડાંને ઓળખે છે. એમને વૃક્ષારોપણમાં એટલી શ્રદ્ધા છે કે એ કાર્યને સહુથી મહત્ત્વનું સ્થાન આપે છે. તેઓ માને છે કે વનસ્પતિની જાળવણી કરવાથી ઘણો ફાયદો થાય. આ બાબતમાં તેમનો ઉત્સાહ અને ભરોસો ચેપી છે. મને ઘણા વખતથી આ બાબતનું આકર્ષણ રહ્યું છે. આ પ્રાંતના રાજા અને પ્રજા તેમની વચ્ચે રહેતા આવા શાણા માણસનો પૂરેપૂરો લાભ લઈને સુંદર વન ઉગાડી શકે.” જયકૃષ્ણે ગાંધી પાસે એક સુંદર સ્થળે વૃક્ષારોપણ કરાવ્યું, જે આ પ્રખ્યાત મુલાકાતીને મન “કચ્છ ખાતે કરેલાં કાર્યોમાં સહુથી વધુ આનંદદાયક કામ” હતું. તે જ દિવસે વૃક્ષોની સુરક્ષા માટે એક સંગઠન સ્થાપવામાં આવ્યું, જેને માટે ગાંધીએ એ સંગઠન સફળતાને વરશે તેવી આશા સેવી હતી.

કચ્છના વનસ્પતિશાસ્ત્રી જયકૃષ્ણે ગાંધીને દક્ષિણ આફ્રિકામાં એક સમયે જે સુકાઈ ગયેલા અને વેરાન બની ગયેલા ગામનું સર્વાંગી પરિવર્તન થતું તેમણે નજરે જોયેલું તેની યાદ અપાવી. આ સ્થળે જ તેમણે વકીલાત કરી હતી અને જાહેર સેવાના ક્ષેત્રમાં ઝંપલાવ્યું હતું. આથી જ તો ગાંધીએ લખ્યું હતું, “જોહાનિસબર્ગ આ મુલક જેવો જ પ્રદેશ હતો. એક સમયે ત્યાં ઘાસ સિવાય કશું નહોતું ઊગતું. ત્યાં એક પણ મકાન જોવા નહોતું મળતું. ચાલીસ વર્ષના ગાળામાં એ સ્થળ સોનેરી શહેર બની ગયું. એવો સમય પણ આવતો જ્યારે લોકોને એક ડોલ પાણી માટે બાર આના ખર્ચવા પડતા અથવા ક્યારેક સોડા વોટરથી ચલાવી લેવું પડતું. ક્યારેક તો લોકોને પોતાનું મોઢું અને હાથ પણ સોડા વોટરથી ધોવા પડતા! આજે ત્યાં પાણી અને વૃક્ષો પણ છે. શરૂઆતથી જ સોનાની ખાણના માલિકોએ દૂરસુદૂરથી વિવિધ પ્રકારનાં ઝાડના રોપા લાવીને વાવ્યાં અને એ રીતે એ પ્રદેશને લીલોછમ્મ બનાવ્યો, એટલું જ નહીં, તેને કારણે વરસાદનું પ્રમાણ પણ વધ્યું. બીજા પણ કેટલાક ઉદાહરણો છે જ્યાં જંગલો કાપવાથી વરસાદ ઘટ્યો હોય અને ફરીને વૃક્ષો વાવવાથી વરસાદનું પ્રમાણ વધ્યું હોય.

થોડાં વર્ષો બાદ સાબરમતી આશ્રમમાં ગાંધી સૂવા જતાં પહેલાં સૂતર પીંજીને તેની પૂણી બનાવવા માંગતા હતા. તેમના શ્રદ્ધાળુ અનુયાયી મીરાં બહેને ધનુષની દોરી પર ઘસવા માટે એક નાની ઉંમરના આશ્રમવાસીને બગીચામાં બાબુલનું ઝાડ હતું તેના પરથી થોડાં પાન તોડી લાવવા કહ્યું. એ બાળક એક મોટો ઝુમખો લઇ આવ્યો, જેમાં દરેક પાન જોરથી બમણા વાળેલા હતા. એ વાતને યાદ કરતાં મીરાં બહેને ગાંધીને ચિંતિત સ્વરે જે કહ્યું હતું તે યાદ કરતાં કહેલું, “નાનાં પાન બધાં ઊંઘી ગયાં છે.” અને ગાંધીએ સંતાપ અને દયા ભરી નજર સાથે જવાબ આપ્યો, “વૃક્ષો પણ આપણી માફક જ જીવંત અસ્તિત્વ ધરાવે છે. એ આપણી જેમ જ શ્વાસ લે છે, ખોરાક અને પાણી લે છે અને આપણી માફક જ રાતે ઊંઘી જાય છે. ઝાડ આરામ કરતાં હોય ત્યારે તેનાં પાન તોડવાં એ ઘણું અશોભનીય કામ છે.” મીરાં બહેનના કહેવા મુજબ એ બાળક પાનનો આટલો મોટો જથ્થો તોડી લાવ્યો એ માટે ગાંધી એટલા જ વ્યથિત હતા જેટલા તાજેતરના એક સમારંભમાં તેમને સુંદર મજાની નાજુક કળીઓ વાળો એક મોટો ફૂલોનો હાર તેમને પહેરાવવામાં આવ્યો હતો.

ગાંધીએ ગુજરાતી અને ઇંગ્લિશમાં મીરાં બહેનના શબ્દોમાં આ વાત એક સાથે પ્રકાશિત કરી, જેમાં પોતાનું કથન પણ ઉમેર્યું: “વાચકો આને નિરર્થક લાગણીનો ઉભરો ન સમજે, કે મને અથવા મીરાં બહેનને આપણે જ્યારે ગાડું ભરીને શાક-ભાજી ખાઈએ છીએ ત્યારે એક ઊંટને ગળી જતા હોઈએ છીએ, તો પછી જ્યારે ઝાડ રાતે આરામ કરતું હોય છે માટે તેનું એક પાન તોડવાની બાબત વિષે મનમાં શા માટે આટલો મોટો ડંખ પેદા કરીએ છીએ એવી નિરર્થક પરસ્પર વિરોધી વાતો ન કહે. એક કસાઈ પણ થોડે ઘણે અંશે માણસાઈ દાખવતો હોય છે. માણસ મટન ખાય છે તેથી કરીને ઘેટાં રાતે ઊંઘતાં હોય ત્યારે તેની કતલ નથી કરતો. માનવતાનો સાર તમામ પ્રકારની જીવસૃષ્ટિ – પ્રાણીઓ તેમ જ વનસ્પતિ પ્રત્યે અપાર અનુકંપા સેવવામાં જ સમાયેલો છે. જે માણસ પોતાની ખુશીની શોધમાં અન્ય પ્રત્યે ઓછી નિસ્બત ધરાવે છે એ ખરે જ એટલો ઓછો માનવ છે. એ અવિચારી છે!”

આ રીતે કુદરતી સંસાધનોના ઉપભોગ પર સંયમ રાખવાની વાત કર્યા પછી ગાંધી ભારતની સંસ્કૃતિમાં વૃક્ષોનાં સ્થાનની ભારે પ્રશંસા કરે છે. એમણે લખ્યું, “ભારતે વૃક્ષો અને બીજા ઇન્દ્રિયગમ્ય પદાર્થો માટે કંઈ ઓછું માન નથી સેવ્યું. દમયંતી પોતાના સરીખી સ્ત્રીઓ માટે વિલાપ કરતી વનમાં એક ઝાડથી બીજા ઝાડ પાસે જઈને આંસુ સારે છે તેવું કવિ વર્ણન કરે છે, ઝાડ-પાન અને પશુ-પંખીઓ શકુંતલાના સાથીદાર હતા. મહાકવિ કાલિદાસ એ બધાથી વિખુટા પડવું  શકુંતલા માટે કેટલું પીડાજનક હતું તેનું વર્ણન કરે છે.”

અખબાર ‘ગાર્ડીયન’ના ગયા વર્ષના અંકમાં કહ્યું છે તેમ આપણે હવે જાણીએ છીએ કે, “વાતાવરણમાંથી કાર્બનને અલગ પાડીને તેને લાકડાના સ્વરૂપમાં સંગ્રહી રાખવાની કુદરતી શક્તિ ધરાવતા હોવાને કારણે પર્યાવરણની કટોકટીનો હલ કરવા માટેની એક સીધો, સાદો અને સહેલાઈથી સમજી શકાય તેવો માર્ગ છે વૃક્ષારોપણ અને તેની જાળવણી. (વધુ માહિતી માટે વાંચો: A beginners’ guide to planting trees – and fighting the climate crisis). માનવીની જીવન પદ્ધતિને કારણે પેદા થયેલા વૈશ્વિક તાપમાનમાં વૃદ્ધિ અને આબોહવામાં આવતા બદલાવના પુરાવા મળવા શરૂ થયા તેના દાયકાઓ પહેલાં ગાંધીએ આ વિષે લખેલું જ હતું. તેમણે વૃક્ષો વાવવાની ભલામણ કરેલ જેનાં કારણો હતાં: એ છાંયો અને આશ્રય આપે, માટી અને પાણીનું સંતુલન જાળવી રાખે અને માનવીની માનવેતર જીવો માટેની નિસબત જાળવી શકે. અલબત્ત, પર્યાવરણની કટોકટી તેમના આ વિધાનને વધુ દૂરંદેશી સાબિત કરે છે.

આ કટારને અંતે લેખક રામચંદ્ર ગુહાની નોંધ:

આ કટાર 5મી જૂનને દિવસે ઉજવાતા ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ – World Environment Day, પહેલાં પ્રકાશિત થઇ રહી છે. આપણે ગાંધીની ચેતવણી તે દિવસે યાદ કરી શકીએ, પણ વર્ષમાં બીજા દિવસે પણ યાદ રાખી શકીએ. રાજકીય સંઘર્ષોને અહિંસક રીતે હલ કરનારા, કોમી એખલાસ જાળવવા  અને અસ્પૃશ્યતા નિવારણ માટે મથનારા મહામાનવ તરીકે વધુ જાણીતા એવા ગાંધીની દેણગી આજે આપણને પરેશાન કરતી પર્યાવરણીય કટોકટીનો હલ શોધવા માટે પણ એટલી જ સુસંગત છે.”

[સૌજન્ય : mkgandhi.org માં પ્રકાશિત થયેલ આ લેખ મૂળ The Telegraph Online, 3.6.2023 પરથી લેવામાં આવેલ છે.] 
e.mail : 71abuch@gmail.com

Loading

જૂઠનું તંત્ર ઊઘાડું થઈ જાય પછી એ ફાયદા કરતાં નુકસાન વધુ પહોંચાડે છે

રમેશ ઓઝા|Opinion - Opinion|6 October 2024

રમેશ ઓઝા

જૂઠની સમસ્યા એ છે કે એને મેનેજ કરવું પડે. સત્યની સમસ્યા એ છે કે એ એની મેળે પ્રગટ થાય. તારસ્વરે જૂઠ ફેલાવવું પડે, ફેલાવનારાઓની ફોજ જોઈએ, એ ભાડૂતીઓ પાછા વ્હાલા થવા જૂઠમાં ઉમેરણ કરીને અને અતિશયોક્તિ કરીને જૂઠને હાસ્યાસ્પદ બાનાવી દે અને એને કારણે બને એવું કે મગજથી કેમ વિચારાય એની જેને ખબર ન હોય એ પણ હાસ્યાસ્પદ વાતો સાંભળીને વિચારતો થઈ જાય. કોઈ જૂઠનો ફુગ્ગો ફોડી ન નાખે એનું ધ્યાન રાખવું પડે, એટલે કે વિરોધીઓને પણ મેનેજ કરવા પડે અને સૌથી મોટી વાત તો એ કે કેટલા લોકો જૂઠને ગ્રહણ કરી રહ્યા છે તેના પર નજર રાખવી પડે. જ્યારે જૂઠની આવરદા ઘટવા લાગે અને જૂઠને ગ્રહણ કરનારાઓની સંખ્યા ઓછી થવા લાગે ત્યારે ચાલાક લોકો એકથી બીજી જગ્યાએ જતા રહેતા હોય છે. તમે જોયું હશે કે તંત્રમંત્ર અને ઝાડફૂંક કરનારાઓ ક્યારે ય એક જગ્યાએ લાંબો સમય રહેતા નથી. તેમને તેમના વ્યવસાયની મર્યાદાની જાણ છે. જૂઠ દ્વારા પેટ ભરનારા ચાલાક લોકો ઠેકાણાં બદલતા રહે છે.

પણ આપણે ત્યાં રાજકારણીઓએ જૂઠનું તંત્ર અપનાવ્યું તો છે, પણ જૂઠતંત્રનાં સ્વભાવ અને સ્વરૂપ સમજતા નથી. આ એકથી બીજી જગ્યાએ ફરતા રહેવાનો ધંધો છે. જૂઠ ફેલાવાની ટ્રીક બદલતી રહેવી જોઈએ, તેને પ્રચારિત કરનારાઓ બદલાતા રહેવા જોઈએ, તેના ફેલાવ માટે પેદા કરવામાં આવેલા લાભાર્થીઓ બદલાતા રહેવા જોઈએ, પ્રશ્ન અને શંકા કરનારાઓ પણ નવા હોવા જોઈએ અને ગ્રાહકો પણ નવા હોવા જોઈએ. એકની એક ટ્રીક, એકના એક અર્ણવ ગોસ્વામી અને એકના એક ગ્રાહકો હોય તો કેટલા દિવસ ધંધો ચાલે? સામે વિરોધીઓ પણ શંકા, પ્રશ્નો અને તર્ક સાથે ઊભા જ હોય. એ પણ એના એ જ લોકો અને એની એ જ મોડસ ઓપરેન્ડી જાણી ગયા હોય એટલે વધારે તૈયારી સાથે પોલ ખેલ.

હવે બન્યું એવું કે ગયા જૂન મહિનામાં આંધ્ર પ્રદેશમાં ચન્દ્રબાબુ નાયડુ મુખ્ય પ્રધાન બન્યા એ પછી ગયા જુલાઈ મહિનામાં તેમના ધ્યાનમાં આવ્યું કે તિરુપતિ બાલાજીમાં પ્રસાદના લાડુ બનાવવા માટે વાપરવામાં આવેલું ઘી ભેળસેળવાળું હતું. તિરુપતિ બાલાજીમાં રોજ ત્રણ લાખ લાડુ પ્રસાદ તરીકે બને છે અને વેચાય / વહેંચાય છે એટલે તમે કલ્પના કરી શકો કે રોજ કેટલું ઘી વપરાતું હશે. તિરુપતિ દેવસ્થાનમ્‌નું સંચાલન એક બોર્ડ દ્વારા થાય છે અને તેમાં રાજ્ય સરકારનો પણ પ્રતિનિધિ હોય છે. બોર્ડ ઘી, ખાંડ, અનાજ, એલચી વગેરેની ખરીદી કરવા ટેન્ડર મગાવે છે. મંદિરની અંદર જ જે તે ચીજની ગુણવત્તા તપાસવાની વ્યવસ્થા પણ છે. આવેલું ઘી ભેળસેળવાળું છે એ મંદિરના સંચાલકોને ઘરઆંગણે કરવામાં આવેલી તપાસ દ્વારા જ જાણવા મળ્યું હતું.

હવે અમિત શાહ કહેતા હોય છે એમ ક્રોનોલીજી સમજી લઈએ. ભેળસેળયુક્ત ઘીનાં બે ટેન્કર  અનુક્રમે ૬ઠ્ઠી અને ૧૨મી જુલાઈએ આવ્યાં હતાં. ઘરઆંગણેની તપાસમાં ઘી ભેળસેળવાળું લાગતા સંચાલકોએ ૧૭મી જુલાઈએ એ ઘીનાં ચાર સેમ્પલ ગુજરાતમાં નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડની લેબોરેટરીમાં સંપૂર્ણ તપાસ માટે મોકલ્યાં હતાં. ૨૩મી જુલાઈએ રીપોર્ટ આવી ગયો કે ઘીમાં ભેળસેળ છે. એમાં કોઈ એવું તત્ત્વ છે જે દૂધનિર્મિત નથી પણ વિપરીત (ટેકનીકલ ભાષામાં ફોરેન) છે. એ શું છે? તો એન.ડી.ડી.બી.એ તેનાં રીપોર્ટમાં ૧૪ શક્યતાઓ બનાવી છે. પ્રાણીજન્ય અને ગેર પ્રાણીજન્ય બન્ને. એન.ડી.ડી.બી.એ તેના રીપોર્ટમાં કોઈ જગ્યાએ કહ્યું નથી કે આમાં ગાયની ચરબી જોવા મળી છે. આ સિવાય લેબોરેટરીએ લાંબુ કેવીએટ ઉમેર્યું છે જેમાં કહ્યું છે કે આ રીપોર્ટ સંપૂર્ણ સત્ય કહે છે એમ માની લેવું નહીં, એને માટે હજુ વધુ અને વધારે સુક્ષ્મ ચકાસણી કરવી પડે.

એવી વધારે ચકાસણી કરાવવાની સંચાલકોને જરૂર લાગી નહોતી, કારણ કે એ ઘીને રીજેક્ટ કરવામાં આવ્યું હતું અને તેમાંથી લાડુ બનાવવામાં નહોતા આવ્યા. પ્લીઝ નોટ, એ ઘી લાડુ બનાવવા માટે વાપરવામાં નહોતું આવ્યું.

હવે જૂઠનો ખેલ ભજવાય છે. મુખ્ય પ્રધાન ચન્દ્રબાબુ નાયડુનાં ટેબલ પર આ રીપોર્ટ જુલાઈ મહિનામાં આવી ગયો હતો. તેમના અને તેમના નાયબ મુખ્ય પ્રધાન અને અભિનેતા પવન કલ્યાણના કોમળ હિંદુ હ્રદયને આ રીપોર્ટ જોઇને જરા ય આઘાત નહોતો લાગ્યો. જુલાઈ મહિનાનું એક અઠવાડિયું, આખો ઓગસ્ટ મહિનો અને અડધો સપ્ટેમ્બર એમ લગભગ ૬૦ દિવસ તેઓ બન્ને મસ્ત સત્તા ભોગવતા હતા રાતનાં સૂઈ જતા હતા. અચાનક ૧૮મી સપ્ટેમ્બરે ચન્દ્રબાબુ નાયડુના દિલમાં પીડા જાગી અને એમણે જાહેરમાં કહ્યું કે તિરુપતિનાં મંદિરમાં બાલાજી ભગવાનનાં ભક્તોને પ્રાણીઓની ચરબીથી યુક્ત લાડુ ખવડાવામાં આવ્યા હતા. હિંદુઓને અપવિત્ર કરવામાં આવ્યા હતા, તેમને અભડાવવાનું કાવતરું હતું અને તેમાં આંધ્ર પ્રદેશના આગલા મુખ્ય પ્રધાન જગનમોહન રેડ્ડીનો હાથ હતો, કારણ કે જગનમોહન ધર્મે ખ્રિસ્તી છે. તેમના ખ્રિસ્તી માસા બી. કરુણાકર રેડ્ડી જૂન મહિનામાં સત્તાપરિવર્તન થયું ત્યાં સુધી તિરુપતિ મંદિરના બોર્ડના અધ્યક્ષ હતા. ઘીના સપ્લાયરને કોન્ટ્રાક્ટ તેમણે આપ્યો હતો. માટે આ ખ્રિસ્તીઓનું હિંદુઓને અભડાવવાનું કાવતરું હતું. તેમણે લાખો ભોળા ભક્તોને અભડાવ્યા છે.

તેઓ બન્ને ૧૮મી સપ્ટેમ્બર સુધી શા માટે મૂંગા રહ્યા? હિંદુઓનું દિલ પાણીનાં નળ જેવું હોય છે કે ઓન કરો તો આંસુ ટપકવા લાગે? કારણ કે હરિયાણા અને જમ્મુ અને કાશ્મીરમાં  વિધાનસભાઓની ચૂંટણીને હજુ વાર હતી. ઑગસ્ટ મહિનાનાં અંતમાં ચૂંટણી જાહેર થઈ. હરિયાણામાં ચૂંટણી ભા.જ.પ. માટે સીધાં ચઢાણ જેવી છે અને હરિયાણા હાથમાંથી જઈ રહ્યું હોય એમ લાગે છે. એટલે લગભગ બે મહિના પછી ૧૮મી સપ્ટેમ્બરે ચન્દ્રબાબુ નાયડુનાં હ્રદયમાં પીડા ઉપડી. તેમણે ગંભીરતા બતાવવા સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમની રચના કરી જે આની તપાસ કરે.

આગળ કહ્યું એમ વહાલા થવા માટે કેટલાક લોકો અતિરેક કરવા લાગે છે અને તે વધારે શંકા પેદા કરે છે. આમાં પવન કલ્યાણ તો અભિનેતા! તેમને બધી જ જાણ હોવા છતાં પૂરા બે મહિના પછી ઓતાર આવ્યો. અને ઓતાર એટલે કેવો ઓતાર! ભગવા પહેરી લીધાં, કપાળે તિલક લગાવ્યું, ગળામાં ભગવો ઘમછો બાંધ્યો અને એ પછી એ માણસ જે ધૂણ્યો છે કે ભૂવા પણ તેની સામે હાર કબૂલી લે. અતિરેક કરવામાં તેને એ ભાન ન રહ્યું કે તે એ એક પબ્લિક ફિગર છે અને એમાં પણ ફિલ્મ અભિનેતા, જેની ઝીણામાં ઝીણી વિગતો જાણવામાં લોકોને ઉત્સુકતા હોય છે. પવન કલ્યાણ એક જામનામાં ક્રાંતિકારી હતા. નક્સલ આંદોલનના સમર્થક હતા. બુલંદ અવાજે લોહિયાળ ક્રાંતિનાં ગીતો ગાતા. તેઓ પોતાને ડૉ આંબેડકરના અનુયાયી તરીકે ઓળખાવતા. તેમણે હિંદુ ધર્મની ભરપૂર નિંદા કરી છે અને બ્રાહ્મણોને ગાળો દીધી છે. પોતે નાસ્તિક હોવાનું પણ કહ્યું છે. આપણે ભલે આ જાણતા ન હોઈએ, પણ તેલગુ ભાષીકો આ જાણે છે. તેમને આ નવો અવતાર જોઇને આશ્ચર્ય થયું હતું અને ભવાઈના ખેલને હસી કાઢ્યો હતો. આ સિવાય ગોદી મીડિયા અને સાયબર સેલે ઉપાડો લીધો હતો. ઘી સપ્લાય કરનાર કંપની મુસલમાનની માલિકીની છે એવું શોધી કાઢવામાં આવ્યું હતું, પણ માત્ર ચોવીસ કલાકમાં ફેક્ટચેકરોએ જૂઠાણું પકડી પાડ્યું હતું. એ જ નામની એક કંપની પાકિસ્તાનની હતી. આ બાજુ દેવસ્થાનમ્‌ના સંચાલકોએ નિવેદન બહાર પાડીને જાહેર જનતાને ખાતરી કરાવી કે એ ઘી વાપરવામાં જ નહોતું આવ્યું.

ફૂગો ફૂલ્યો નહીં, ઊલટો ફૂટી ગયો. ઉપરથી સોમવારે સર્વોચ્ચ અદાલતે ફિટકાર વરસાવ્યો. ચંદ્રાબાબુ નાયડુ અને બીજાઓને કહ્યું કે તમે ભગવાનને પણ છોડતા નથી! કોણે કહ્યું કે ઘીમાં પ્રાણીની ચરબી હતી? એક તો પ્રમાણ બતાવો? કોણે કહ્યું કે એ ઘી વાપરવામાં આવ્યું હતું? તપાસ કરવા માટે એસ.આઈ.ટી.ની રચના કરી હતી તો તેના અહેવાલ સુધી રાહ કેમ ન જોઈ?

મૂળ વાત પર પાછા ફરીએ. આગળ કહ્યું એમ જૂઠનું તંત્ર ઊઘાડું થઈ જાય પછી એ ફાયદા કરતાં નુકસાન વધુ પહોંચાડે છે. હરિયાણામાં તિરુપતિની કોઈ વાત નથી કરતું.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 06 ઑક્ટોબર 2024

Loading

સેક્સ એજ્યુકેશન અને વસ્તીવધારો

સોનલ પરીખ|Opinion - Opinion|6 October 2024

બાળકે ખોટું કર્યું તેમ તો આપણે કહીએ છીએ, તેને સજા પણ કરીએ છીએ, પણ શું સાચું છે તે કહેતા નથી. જિંદગીનાં સુંદર રહસ્યો પછી બાળક વિકૃત રીતે જાણે છે. પોતાના કે અન્યના શરીરનો આદર કરતાં શીખતા નથી. સંતાનને મિત્ર બનાવીએ અને તેના મિત્ર બની શકીએ તો ખાનાખરાબી ઓછી થાય. ‘વર્લ્ડ પોપ્યુલેશન ડે’નું એક લક્ષ્ય સેક્સ એજ્યુકેશન અને પ્રજનન આરોગ્ય પણ છે

સોનલ પરીખ

ફરી એક વાર વિશ્વ જનસંખ્યા દિન આવ્યો ને ગયો. 1987માં વિશ્વની વસ્તી 5 અબજ થઈ ત્યારે થોડા ડર સાથે ફાઇવ બિલિયન ડે ઉજવાયો હતો. બે વર્ષ પછી ચેતવણીના સૂર સાથે વર્લ્ડ પોપ્યુલેશન ડે એટલે કે વિશ્વ જનસંખ્યા દિનની ઊજવણી શરૂ થઈ. આજે વિશ્વની વસ્તી 8.2 અબજ થઈ છે. આઝાદી મળી એ વખતે 34 કરોડની વસ્તી ધરાવતા આપણા દેશમાં 2022ની વસ્તીગણતરી મુજબ 144 કરોડ લોકો થયા છે. 2050માં વિશ્વની વસ્તી 10 અબજ હશે અને તેમાં ભારતના 166 કરોડ લોકો હશે. આ આંકડા ચોંકાવનારા છે. સ્રોતોનો આડેધડ વપરાશ, આબોહવામાં ખતરનાક ફેરફારો અને વધતી ગુનાખોરી જેવાં મોટાં દૂષણો આની પાછળ ડોકાય છે.

એક મત એવો છે કે સેક્સ એજ્યુકેશન અને વસ્તીવધારાને સીધો સંબધ છે. સેક્સ એજ્યુકેશન અને સેક્સ ક્રાઇમ વચ્ચે પણ સીધો સંબધ છે. વિશ્વ જનસંખ્યા દિનની વિવિધ થીમ સમાનતા, સેક્સ એજ્યુકેશન, પ્રજનન આરોગ્ય, વસ્તીના વધારા સાથે વસ્તીના અજ્ઞાન અને અનારોગ્યને પણ તાકે છે. લાખો સગર્ભા સ્ત્રીઓ કુપોષણનો શિકાર છે. દોઢ કરોડ સ્ત્રીઓ 15થી 18 વર્ષની ઉંમરે મા બને છે. રોજની 800 સ્ત્રીઓ પ્રસૂતિને લીધે મૃત્યુ પામે છે. પરિવાર આયોજન, જાતીય શિક્ષણ, માનવ અધિકાર, પ્રજનન આરોગ્ય, બાળઉછેર, સ્ત્રીપુરુષ સમાનતા, બાળલગ્નો, ગર્ભનિરોધકોનો ઉપયોગ, જાતીય રોગો વગેરે વિષે જાગૃત થવું એ વિશ્વ જનસંખ્યા દિનનો હેતુ છે.

જો યોગ્ય સેક્સ એજ્યુકેશન અપાય તો આમાંના ઘણા પ્રશ્નો આપમેળે ઊકલી જાય. તેની અનિવાર્યતાને બધા સમજે છે, પણ એના વિષે ખૂલીને, વૈજ્ઞાનિક અને તાર્કિક રીતે વાત કરવા માબાપો કે શિક્ષકો કોઈ તૈયાર નથી. બીજી બાજુ કિશોરો અને તરુણોના હાથમાં એક ક્લિકે ખૂલી જાય તેવો વિકૃતિઓનો ખજાનો છે. ભારતની વસ્તીમાં યુવાનોની સંખ્યા સવાચાર કરોડ છે એટલે કે નજીકના ભવિષ્યના સવાચાર કરોડ કુટુંબો. શરીરસંબંધો વિષેના આડેધડ આચારવિચાર એમને ક્યાં લઇ જશે?

વિચાર કરવા પ્રેરે એવી બે ફિલ્મો યાદ આવે છે. એક તો છે મરાઠી ‘બાલક-પાલક’ અને બીજી ‘ઓએમજી-2’

અવિનાશ, ડોલી, ભાગ્યેશ અને ચિઉ. મુંબઈની એક ચાલીમાં સાથે રમતાં અને એક જ શાળામાં એક જ વર્ગમાં ભણતાં આ બારતેર વર્ષનાં તોફાની બારકસોએ એક વાર વડીલોને મોઢે ચાલીની છોકરીએ ‘મોં કાળું કર્યું’ એવું સાંભળ્યું. વડીલોએ સરખા જવાબ ન આપ્યા એટલે એના અર્થની શોધ એમને ચાલીના જ ભણવામાં ઢ પણ બીજી બાબતોમાં ‘જ્ઞાની’ વિશુ પાસે લઇ ગઈ. વિશુએ એમને શરીરસંબંધો વિષે કહ્યું અને બ્લ્યૂ ફિલ્મ પણ બતાવી. ફિલ્મ બેત્રણ મિનિટની જ હતી ને તેમાં અધકચરાપણું ને વિકૃતિ સિવાય કઈં ન હતું. પણ આ ચારે સામે એક અજાયબ વિશ્વ ખૂલી ગયું. એક તરફ એ જોવા માટે એકાંત મેળવવાની ને છૂપું રાખવાની મુશ્કેલી અને બીજી તરફ મન પર કબજો કરી બેઠેલું અદમ્ય આકર્ષણ ને કુતૂહલ – આ બંને એમની પાસે જે ધમાલ, કારસ્તાન, ગોટાળા અને છબરડા કરાવે છે તે પ્રેક્ષકોને હસાવે તો છે, પણ હસતાંકૂદતાં તોફાનમસ્ત બાળકો નાની ઉંમરે નિર્દોષતા ગુમાવી અકાળે પુખ્ત થઈ જાય છે તેની કરુણતા પણ પ્રેક્ષકોને સ્પર્શે છે. બાળકોને પોતાને પણ ખ્યાલ આવે છે કે જે જાણતાં નહોતાં તે ખોટી રીતે જાણવા ગયાં તો બાળપણ, નિર્દોષતા અને મસ્તી ખોઈ બેઠાં. એ કદી પાછાં નહીં આવે. આ હતી ‘બાલકપાલક’ની કથા.

‘બાલક-પાલક’ 2013ની ફિલ્મ હતી અને ‘ઓએમજી-2’ 2023ની. એક દાયકામાં એક સાદી જેટલું પરિવર્તન આવી જાય એવા ઝડપી યુગમાં આપણે જીવીએ છીએ, પણ સેક્સ એજ્યુકેશનના મામલામાં બધું જ્યાં હતું ત્યાં જ છે. ‘ઓએમજી-2’માં એક છોકરો વિવેક સ્કૂલમાં બેભાન થઈ જાય છે. કારણ? રાતભર કરેલું હસ્તમૈથુન. તેણે કેમ એવું કર્યું? ‘સાઇઝ’ વધારવા. સ્કૂલના રેસ્ટરૂમમાં હસ્તમૈથુન કરતા વિવેકનો વીડિયો વાઇરલ થાય છે ને ઘર-પાડોશીઓ-શિક્ષકો સુધી પહોંચે છે. સ્કૂલ વિવેકને કાઢી મૂકે છે. ગામ છોડવા તૈયાર થયેલા શિવભક્ત પિતા સામે શિવનો દૂત આવે છે અને કહે છે કે અપરાધી વિવેક નથી. અપરાધી તો એની સ્કૂલ છે, જે સેક્સ એજ્યુકેશન આપતી નથી. પિતા કેસ ફાઇલ કરે છે અને સ્કૂલને અને પિતા તરીકે પોતાને દોષી સાબિત કરે છે. વિષય અત્યંત સંવેદનશીલ છે, પણ હાસ્યને મધ્યમ બનાવીને સરળ રીતે છતાં અસરકારકતાથી છેડાયો છે. તરુણ સંતાનનાં માતાપિતાની મૂંઝવણ અને નવી બાબતોને જાણવાની અને એનો અનુભવ લેવાની તરુણ માનસની જીદ આ બંને સમસ્યાઓ દરેક કુટુંબની છે.

આપણા દેશની સ્થિતિ એવી છે કે એક તરફ અસ્તિત્વ ટકાવવાની મુશ્કેલી છે, બીજી તરફ કૂદકે ને ભૂસકે વધતી જતી વસ્તી એ મુશ્કેલીમાં વધારો કરે છે, ત્રીજી તરફ રિપ્રોડક્ટિવ હેલ્થ અંગેનું હળાહળ અજ્ઞાન પ્રવર્તે છે. પરિણામે કિશોરવસ્થામાં જાતીય હિંસાનો ભોગ બનતી દર ત્રણમાંની એક કિશોરી, નાની ઉંમરે લગ્ન ને કુપોષિત સગર્ભાવસ્થા. ભારતમાં દર વર્ષે પોણાબે લાખ કિશોરો યુવાનીમાં પ્રવેશે છે. આમાંના 30 ટકા લગભગ અભણ છે. 50 ટકાએ રિપ્રોડક્ટિવ હેલ્થ જેવો શબ્દ સાંભળ્યો નથી. શિક્ષિત કિશોરો પણ હેરાન છે કેમ કે સેક્સ એજ્યુકેશન આજે પણ ભડકામણો અને પ્રતિબંધિત શબ્દ છે. શરીરમાં થતાં અજબ પરિવર્તનો હેરાન કરે છે. ઘરમાં કે શાળામાં વાત થઈ શકતી નથી. મિત્રો સમજ-અણસમજમાં ગોથાં ખાય છે. નઠારી માહિતીઓ ગોટાળે ચડાવે છે. ઈન્ટરનેટ નામની જાદુઇ ચાવી હાથવગી છે. એક જ ક્લિકથી ઢગલો પોર્ન સાઇટો ખૂલે છે. માતાપિતા આધુનિક હોય કે પરંપરાબદ્ધ, એ જ નિષેધોમાં અટવાય છે જે નિષેધોમાં એમનાં માતાપિતા અટવાતાં હતાં.

બંને ફિલ્મોએ એક બોલ્ડ વિષયને બહુ સતર્કતાથી છેડ્યો છે અને હસતાંરમતાં વાતની ગંભીરતા સમજાવી છે. ‘બાલક-પાલક’ની શરૂઆતમાં એક બારેક વર્ષના છોકરાના રૂમમાંથી નગ્ન તસવીરો મળે છે ત્યારે તેનો પિતા તેના પર હાથ ઉપાડે છે, ‘તને સગવડ આપવા ને સારું ભણાવવા અમે આટલું કરીએ છીએ અને તું આવું બધુ જુએ છે?’ ફિલ્મના અંતે આ છોકરાના પિતા એની માતાને કહે છે કે બાળકે ખોટું કર્યું તેમ તો આપણે કહીએ છીએ, તેને સજા પણ કરીએ છીએ, પણ શું સાચું છે તે કહેતા નથી.’ ફિલ્મના અંતે એક કાકા બહુ દુ:ખ સાથે કહે છે કે બાળકોએ જિંદગીનું કેટલું સુંદર રહસ્ય કેટલી વિકૃત રીતે જાણ્યું! માબાપને મિત્રો બનાવી શકાયા હોત તો આવી ખાનાખરાબી ન થાત.

મારી મિત્ર સીમા કહે છે, ‘મેં મારાં સંતાનોને કહ્યું છે કે મા-છોકરાં તો એક જ કહેવાય. કોઈ વાત ખરાબ છે, ન પુછાય એવું ન વિચારવું. પૂછી લેવું. કહેવા જેવું હશે તો હું કહીશ. પણ જો હું રાહ જોવાનું કહું તો તમારે રાહ જોવાની પણ આડાઅવળા ખાંખાખોળા નહીં કરવાનાં. સમય આવશે ત્યારે તમારે જાણવા જેવું મારી મળે કહીશ, ચોક્કસ કહીશ. ત્યાં સુધી ભણવાનું ને મઝા કરવાની.’

હૃદય પર હાથ મૂકીને એક ખાતરી કરી લેવા જેવી છે, આપણે આપણા સંતાનના મિત્ર છીએ ને?

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 14 જુલાઈ  2024

Loading

...102030...401402403404...410420430...

Search by

Opinion

  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved