વર્ષાવનમાં
અભાન વિચરતી
તરુણી
માદા જગુઆરને
અચાનક પકડી
એનેકોન્ડા
સાંગોપાંગ ગળે
એમ
ગ્રસિત છું હું
પ્રેમથી.
http://thismysparklinglife.blogspot.in
![]()
વર્ષાવનમાં
અભાન વિચરતી
તરુણી
માદા જગુઆરને
અચાનક પકડી
એનેકોન્ડા
સાંગોપાંગ ગળે
એમ
ગ્રસિત છું હું
પ્રેમથી.
http://thismysparklinglife.blogspot.in
![]()
ભારતીય ભૂખંડ ભૌગોલિક રચના, આબોહવા, ભાષા, ધર્મ, સંસ્કૃિત, પહેરવેશ, ખોરાક અને સાહિત્ય-કળા ક્ષેત્રે વિવિધતાઓથી ભરપૂર છે અને એ જ એની સમૃદ્ધિનું રહસ્ય છે.
જો કે ભારતમાં જેમ વૈવિધ્ય છે તેમ અનેક બાબતોમાં વિરોધાભાસ પણ એટલા જ છે. દાખલા તરીકે કરોડોપતિઓ વધે છે તો ગરીબીની રેખા નીચે જીવનારા ય કમ નથી, બહુમાળી આવાસોની છાયામાં ઝૂંપડપટ્ટીઓ આપણને સદી ગઈ છે. ચોરે ‘ને ચૌટે મંદિરો બાંધનાર આપણી પ્રજા નીતિમત્તાને તડકે મૂકીને ભ્રષ્ટાચાર આચરતા અચકાતી નથી. દેવસ્થાનોને અરીસા જેવા ઉજળા રાખનાર શ્રદ્ધાળુઓ શેરીઓ અને જાહેર સ્થળોને ગંદકી ભર્યા રાખવામાં કશી શરમ નથી અનુભવતા.
જે સનાતન ધર્મે આપણને ‘एकम सत विप्रा बहुधा वदन्ति’નો મંત્ર આપ્યો તેના અનુયાયીઓ બીજા ધર્મના અનુયાયીઓ પ્રત્યે ભારોભાર અસહિષ્ણુતા દાખવીને વેર ઝેર પોષતા રહ્યા જોવા મળે છે. ‘આપણે સહુ એક ઈશ્વરના સંતાનો છીએ’ એવું આપણા ધર્મ ગ્રંથો અને ધર્મગુરુઓએ હંમેશ પ્રબોધ્યું છે તો એ જ ધર્મના અનુસરનારાઓ જાતિ અને જ્ઞાતિભેદને છોડી શકતા નથી. કમ્પ્યુટર અને મોબાઈલ વાપરતો યુવા વર્ગ હજુ ગ્રહ શાંતિ અને માતાજીની બાધા આખડી વિના નિર્ણય લેતો નથી.
હાલમાં જે બહુ ચર્ચિત છે એવાં સ્ત્રી સન્માનની વાત આજે કરવી છે. નવરાત્રીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે ભારતીય નારીનું કયું સ્વરૂપ સાચું છે, માન્ય છે, પૂજનીય છે એ વિચારવું રહ્યું. ‘यत्र नार्यस्तु पूजन्ते तत्र रमन्ते देवता:’ એ વિધાન આપણાં શાસ્ત્રોમાં આલેખાયેલું છે, એવું શ્રદ્ધેય ધર્મગુરુઓ પાસે હંમેશ સાંભળતા આવ્યા છીએ, જેની સાથે આપણી સંસ્કૃિતમાં સ્ત્રીઓને અપાતા આવા ઉચ્ચ સ્થાન માટે ગૌરવ અનુભવીએ છીએ. તો એ જ સમાજમાં ભક્તિ પંથના એક સંતના મુખેથી ‘ढोर गंवार अरु नारी ये सब ताडनके अधिकारी’ જેવા ઉદ્દગારો પણ નીકળ્યા છે.
નારી માટે આવા પરસ્પર વિરોધી વલણો હિંદુ સમુદાયના રોજ-બ-રોજના જીવનમાં વ્યવહારમાં જોવા મળે છે. નવરાત્રીમાં મા દુર્ગાના નવ સ્વરૂપોની આરાધના કરતાં નર-નારીઓ એ નવે દેવીઓની આસુરી વૃત્તિ ધરાવનાર આતતાયીઓનો સંહાર કરી પોતાના સંતાનોની રક્ષા કરવાની શક્તિનું સ્મરણ કરીને ભક્તિથી નમન કરે છે. એ જ સ્ત્રી-પુરુષો આધુનિક સ્ત્રીઓમાં છુપાયેલ અનિષ્ટનો સામનો કરવાની શક્તિને અવગણી એનું શોષણ કરતાં વિચાર નથી કરતા. દિવાળીમાં ખાસ લક્ષ્મીની પૂજા કરીને સંતોષ માનનારી પ્રજા ઘરની લક્ષ્મીને જાકારો દઈ અસહાય કરી દેતાં શરમાતી નથી. લગભગ દરેક ધાર્મિક પ્રસંગે દેવોની સાથે દેવીઓનું અહ્વાન કરવામાં આવે છે, નવ ચંડીનો પાઠ કરવામાં આવે છે એમાંના કોઈ બે-ચાર પરિવારોમાંથી પાકેલા કપૂત અન્યની લક્ષ્મી પર એસીડ છાંટી તેને જન્મ ભર સમાજ બહાર ધકેલી દેતી વખતે માનવતા કોરાણે મૂકે છે. સવાલ એ થાય કે શાસ્ત્રો અને ગુરુજનોએ પ્રબોધેલ સ્ત્રી સન્માનની વાત સમાજના કેટલાક લોકો નથી સમજતા ? કબૂલ કરીએ કે ગુનો કરનાર લઘુમતીમાં છે, પણ તેને ઉશ્કેરનારા, આંખ આડા કાન કરનારા અને ઘર આંગણે અત્યાચાર ગુજારનારાની સંખ્યા ખાસી મોટી થવા જાય છે.
વિચાર કરતાં એવા તારણ પર આવી શકાય કે હવે ઘણી સંખ્યામાં માતા-પિતા પોતાના પુત્રોની જેમ જ પુત્રીઓને સમાન દૃષ્ટિથી જુએ છે, એમને પૂરતું શિક્ષણ આપે છે. એના કાકા-મામા અને ભાઈઓ પોતાની બહેનોના મનોરથો પૂરા કરવામાં પાછા નથી પડતા, પરંતુ જેવી એ પત્ની બનીને પર ઘેર સિધાવે છે તેવી સમાનતાના ત્રાજવાને ન્યાયી રીતે તોળી ન શકનાર શ્વસુર પક્ષના નાના મોટા ત્રાસનો ભોગ બની શકે છે. પોતાની દીકરી કે બહેનને પડતાં દુ:ખ સામે ગોકીરો કરનાર કુટુંબ પોતાના ઘરની પુત્રવધૂ કે ભાભીને અન્યાય કરવામાં કશું અજુગતું થતું નથી ભાળતા. આથી જ આ સમસ્યાનો ઉકેલ તો જ આવે જો નાનપણથી દરેક દીકરા-દીકરીને ‘મારા’ની વ્યાખ્યાનો પરિઘ વિશાળ કરીને સમજાવીએ કે જેવી તમારી દીકરી તેવી જ તમારે ઘેર આવેલ પુત્રવધૂ પણ બીજાની દીકરી છે. જેવી તમારી બહેન તેવી જ સમાજની તમામ સ્ત્રીઓ તમારી બહેનને સ્થાને છે. બીજી મહિલાને મારપીટ, બળાત્કાર, કે એસીડ એટેક કરનાર ગુનેગાર પોતાની માતા, બહેન કે પરિવારની અન્ય સ્ત્રી સભ્યો પર એ અત્યાચાર નહીં આચરે. અને તેથી જ તો ‘મારા’પણાની વ્યાખ્યાને વિસ્તારવી અત્યંત આવશ્યક છે. જો કે જેને ‘પોતાની’ ગણાય તેવી કુટુંબની જ સ્ત્રીઓને રમકડું માનીને ઉપયોગ કર્યા પછી ફેંકી દેવામાં આવે, તેના વિચારો અને લાગણીઓને અવગણવામાં આવે અને પુરુષની જાતીય વૃત્તિને સંતોષવાનું સાધન માત્ર ગણવામાં આવે, એ જાણે આપણા સમાજમાં સર્વમાન્ય ધોરણ બની ગયું છે. આથી જ તો પિતા, ભાઈ કે પતિની મરજી મુજબ ગ્રામ્ય વિસ્તારોમાં અંધશ્રદ્ધાથી દોરવાઇને ‘ઓનર કીલિંગ’, તેનામાં પિશાચી તત્ત્વ છે એવા તહોમત મૂકીને હત્યા કરવી અને જ્ઞાતિના કુરિવાજોને કારણે મારપીટ કરી કાઢી મુકવા જેવા કૃત્યો બને છે. શહેરોમાં સગીર વયની બાળકીઓ અને સ્ત્રીઓની છેડતી કરવી, બળાત્કાર થવા, ઈન્ટરનેટ પર અભદ્ર શરીર પ્રદર્શન કરાવવા મજબૂર કરવી અને ભોળવી જવાના અને એસીડ એટેક જેવા અપકૃત્યોની સંખ્યા વધી છે.
‘વિકસિત’ ગણાતા દેશોની પંગતમાં બેસીને પોતાના દેશની કુલ માથાદીઠ આવકના આંકડા આપીને હરખાતા અને કરોડોપતિઓના વૈભવનું દર્શન કરતા ભારતે તેની ૫૦% વસતી એટલે કે નારી જગતની પ્રતિમાને ઉજળી કરવાની તાતી જરૂર છે. યા તો દેવીઓની પૂજા કરવાનું અને તેનું મહિમાગાન કરવાનું તજી દઈએ અથવા એ પ્રમાણે વ્યવહાર-વર્તન કરીને આપણી માન્યતાને ખરી ઠરાવીએ તો જ આ નારી વિષયક વિરોધાભાસનો અંત આવશે. સ્ત્રીઓએ પોતે દેવી સરસ્વતીના સ્તવન ગાઈને સંતોષ માનવાને બદલે તેની જેમ વિદ્યા અને કલામાં પારંગત થવાનું છે. તેનામાં પણ લક્ષ્મીની માફક આર્થિક ફરજો બજાવવાની અને અધિકારો મેળવવાની શક્તિ છે એ પુરવાર કરવું રહ્યું. મા કાળી, અંબા અને દુર્ગાના ગરબા ગાતાં પોતે શી રીતે પોતાના શીલની રક્ષા કરી શકે અને પોતાના સંતાનો તથા અન્ય પુરુષ વર્ગને આસુરી વૃત્તિથી દૂર રાખી શકે એનું મનન કરી એ શક્તિનું પ્રદર્શન કરે તે જ ઉચિત થશે. તો સાથે સાથે પુરુષોએ પણ વેદની ઋચાઓ અને દેવ-દેવીઓનાં સ્તવનો રચાયાં એ સમયે સમાજમાં સ્ત્રીનું જે સ્થાન હતું તેવું પાછું લાવવામાં તેમની અન્યની બાળકી અને સ્ત્રી પ્રત્યેના વલણમાં ધરમૂળથી પરિવર્તન લાવે અને આચાર શુદ્ધિ કરશે તો જ ભારતની સ્ત્રીઓનો ચહેરો સુધરશે એ સ્વીકારવું રહેશે.
e.mail : 71abuch@gmail.com
![]()
સૉનેટ, ગીત, ગઝલ ઇત્યાદિ કાવ્યપ્રકારોમાં સંવેદનના ધોધને ચોક્કસ જગાએ બાંધવો જ પડે છે, તેવી રીતે અક્ષર-લય-છંદ ઉપરાંત પ્રાસાનુપ્રાસની ગોઠવણ કરવામાં આવી છે અને હાઈકુ, તાન્કા ઇત્યાદિમાં કાવ્યસ્વરૂપોમાં અક્ષરોની સંખ્યાનું બંધન છે. આ બંધનને કર્મઠ કવિ ગાંઠતો નથી પણ એવી રીતે બાંધે છે કે ભાવક-સર્જક બેમાંથી કોઈને તેની ગાંઠ દેખાતી નથી. જો કે જયારે આવી ગાંઠ દેખાય છે ત્યારે તે કવિનું નબળું પોત છતું થઈ જાય છે. કાવ્યસર્જન વખતે કવિ જાણી-પ્રમાણીને આવું ન થાય તેનું ધ્યાન રાખે છે, કારણ કે કવિતા એ સાંવેદનિક ભરતી સાથે તાલમેલ સાધીને કરવામાં આવતાં માનસિક કરતબનું જ નાજુક પરિણામ છે. ટૂંકમાં, આ તમામ સ્વરૂપોમાં એક ડેડ ઍન્ડ છે, જયાં તમારે રોકાવું પડે છે અને સંવેદનોને બંધનોની જરૂરિયાત મુજબ શબ્દોમાં કંડારવાં પડે છે. અછાંદસ કવિતામાં આવો કોઈ ડેડ ઍન્ડ હોતો નથી. સમર્થ કવિઓ અછાંદસને પણ લયના તાલે ઝુલાવે છે એ ખરું, પણ ક્યારેક લય અછાંદસને ઉપકારક નીવડે છે તો ક્યારેક લયનું ધસમસતું પૂર અછાંદસને બંધનમાં બાંધીને તેને છિન્નભિન્ન કરી નાખે છે. આમ, અછાંદસ એ કવિતાનું એવું બંધનવિહોણું સ્વરૂપ છે, જેની હથોટી દરેક કવિ પાસે નથી હોતી. તેની આ લાક્ષણિકતામાં જ તેનું મહત્ત્વ અને મર્યાદા છે. અછાંદસ કવિતામાં ક્યાં રોકાવું, કેટલું રોકાવું, કેવી રીતે રોકાવું તેની કાવ્યાત્મક સૂઝ ના હોય તો તે માત્ર અને માત્ર પદ્યનિબંધ બનીને રહી જાય છે.
છાંદસ કવિતા લય-છંદ આત્મસાત કર્યા વિના નથી લખી શકાતી એટલે કેટલાક કવિઓ અછાંદસ પ્રતિ વળે છે એવી એક ભ્રામક માન્યતા પણ છે. હકીકતમાં એવું નથી હોતું. છાંદસ હોય કે અછાંદસ હોય જ્યાં સુધી કાવ્યતત્ત્વ ન હોય ત્યાં સુધી તે માત્ર આત્મા વિનાના શરીર જેવી બની રહે છે. આ રીતે મહિમા કેવળ કાવ્યતત્ત્વને ઉપકારક હોય એવા ભાવસંવેદનનો જ છે, કવિતાના સ્વરૂપનો નહીં. અછાંદસ એ કવિતાસર્જનની અઘરી કળા છે. અન્ય સ્વરૂપોમાં બાહ્ય માળખું તૈયાર હોય છે, જયારે અછાંદસમાં પ્રત્યેકનવાં સર્જન વખતે નવું માળખું તૈયાર કરવું પડે છે. એકના એક લયમાં અનેક ગીતો ઝૂલી શકે, એકના એક છંદમાં અનેક ગઝલો ખૂલી શકે, પણ એકની એક પ્રયુક્તિમાં અનેક અછાંદસ નહીં ચાલી શકે. આમ, અછાંદસ લખવાની કળા ડગલેને પગલે કવિની કસોટી કરે છે. આજે સૉનેટનો સૂર્યાસ્ત લગભગ લગભગ થઈ ગયો છે અને ગીત-ગઝલનો સૂર્યોદય સંયુક્તપણે મધ્યાહ્ને તપી રહ્યો છે એવા સમયમાં અછાંદસનો વારસો પણ જળવાઈ રહ્યો છે તેનો આનંદ છે.
ઇતર કાવ્યસ્વરૂપોમાં કવિતાને ઉપકારક અન્ય તત્ત્વો આમેજ હોય છે, પણ અછાંદસમાં આવાં તત્ત્વોની અનુપસ્થિતમાં દૃશ્યાત્મકતા હોય એ જરૂરી છે. સારો અછાંદસકાર લયાત્મકતા અને દૃશ્યાત્મકતા સાથે રમે છે અને કવિતા જન્માવે છે. કેલિડોસ્કોપને જેમ જેમ ગોળ ફેરવીએ તેમ નાના નાના કાચના ટુકડા કોઈ નવીન આકૃતિ રચી આપે છે તેમ અછાંદસમાં પણ જુદા જુદા ભાવને સમગ્રયતા એકમેક કરીને એક ભાવાત્મક દૃશ્ય ઉપજાવવાની મથામણ રહેતી હોય છે. આ દૃશ્ય જેટલું જલદી ભાવકને વર્તાય એટલું જલદી અછાંદસ સફળ. હા, એ ખરું કે યોગ્ય સંદર્ભો વિના કે વાતાવરણના અભાવે કેટલીક વાર અછાંદસ મોડું સમજાય. અલબત્ત, આ ભયમાંથી કઈ કવિતા મુક્ત રહી શકે? આમ, અછાંદસ કવિતામાં વર્ણનનો અદકેરો મહિમા હોય છે.
આવા કંઈક વિચારો ભરતભાઈના 'અછાંદોત્સવ'માંથી પસાર થતી વખતે પ્રથમ વાંચને જ આવતા રહ્યા. આમ પણ અન્ય કાવ્યસ્વરૂપોની તુલનામાં અછાંદસને ઓછું મહત્ત્વ આપવામાં આવે છે પરંતુ આપણી ભાષાના અનેક સુખ્યાત કવિઓએ અછાંદસને પણ મૂઠી ઉંચેરું સિદ્ધ કર્યું છે. અમેરિકાના સ્પ્રિંગફિલ્ડમાં શ્વસતા ભરત ત્રિવેદી 'હસ્તરેખાનાં વમળ', 'કલમથી કાગળ સુધી', 'વિ-દેશવટો', 'બત્રીસ કોઠા વાવ' જેવા ગુજરાતી તેમ જ 'લવ પોએમ્સ ટુ ધ ટાઇગ્રેસ' જેવાં અંગ્રેજી એમ કુલ પાંચ કાવ્યસંગ્રહ બાદ પ્રસ્તુત કાવ્યસંગ્રહ લઈને આવે છે. તેમના અગાઉના કાવ્યસંગ્રહોમાં અછાંદસની સાથેસાથે ગઝલોનું પણ ઠીક ઠીક પ્રમાણ રહેલું છે. આમ પણ જો એક જ સ્વરૂપમાં કાવ્યરત રહેવાય તો પછી તેમાં એક પ્રકારની મોનોટોનિ અને લાગણીઓની મોનોપોલિ આવવાની સંભાવના વધારે રહેતી હોય છે. ભરતભાઈ સજાગ છે એટલે જ ગઝલ ઉપરાંત બીજું કાવ્યસ્વરૂપ પણ પોતાની અભિવ્યકિત માટે તેમણે સ્વીકાર્યું છે જે આવકાર્ય છે. આમ, પ્રસ્તુત કાવ્યસંગ્રહમાં અછાંદસ કવિતાનો ઉત્સવ મનાવાયો છે અને એટલે જ તેનું નામ 'અછાંદોત્સવ' રાખવામાં આવ્યું છે. 'પરાયા શ્વાસ' અને 'ભીતર અનરાધાર' જેવી લઘુ નવલકથાના સર્જક એવા ભરતભાઈ પાસે ગદ્યની પોતીકી સમજ છે, ચાલ છે અને ઉપરથી કાવ્યકસબ હાથવગો છે તેવું અહીં પ્રસ્તુત ૮૧ રચનાઓમાંથી પસાર થતી વખતે અનેક વાર અનુભવાય છે.
ભરત ત્રિવેદીની આ ગ્રંથસ્થ રચનાઓમાં સવિશેષ પશુપંખી-જીવજંતુ, પ્રકૃતિગત આધુનિકસંવેદન, પુરાકલ્પન, પ્રણય-ઉન્માદ અને અંગત સંવેદન – એમ પાંચ વિવિધ ભાવ-અભાવના લગાવનો અછાંદોત્સવ ઉજવવામાં આવ્યો છે.
૧. પશુપંખી-જીવજંતુ
અશ્વ, ગલુડિયું, દીપડો, વંદો, નિશાચર, ઘુવડ, મત્સ્ય, ચકલી, ડોગ, બકરી, માછલી, મંકોડો અને કાગડો ઇત્યાદિ પશુપંખી-જીવજંતુનાં નામ-કામ, વૃત્તિ-પ્રકૃતિનો પ્રાચીન, આધુનિક અને પુરાકલ્પન સાથે સાંપ્રતના અનુભવોનો તાલમેલ સાધીને કાવ્યતત્ત્વ ઊભું કરવાના ભરતભાઈના પ્રયાસો પ્રશંસનીય છે.
'અશ્વપુરાણ'માં ટ્રેનની સામે ઘોડાગાડી મૂકીને બદલાતા સમયની બદલાતી તાસીર મૂકી આપી છે. અશ્વ અને અશ્વમાલિક બેઉની લાચારીનું દૃશ્ય કંઈક આવું છે.
એક સાવ સૂકાં ઝાડ હેઠળ
માખોનાં બણબણાટ વચ્ચે
ખખડી ગયેલી બે પૈડાંવાળી ગાડીને
જોતરાયેલો ઊભો છે!
પોતાના માલિકની જેમ જ સાવ બેપરવા.
આજના આધુનિક સમાજની આ જ સ્થિતિ-પરિસ્થિતિ છે. ઐતિહાસિક સંદર્ભોનો સાંપ્રત સાથે વિનિયોગ કરવાની ભરતભાઈ પાસે સારી કુનેહ છે.
'ગલુડિયું'માં પણ પોતાના દેશમાંથી બીજા દેશમાં આવી ચડ્યા બાદની મનોસ્થિતિ ઝિલાઈ છે. પારકા દેશમાં પોતીકો વેશ શોધવો અને શોધ્યા પછી તેની સાથે પોતાનો સંન્નિવેશ સાધવો એ ખૂબ અઘરું છે.
એરપોર્ટની બહાર આવી ઊભેલો એક ઓળો
ચારે બાજુ જોતો જતો
આ ગલૂડિયાં જેવો જ પરેશાન
'સ્વભાવ'માં વાત ચકલીની છે, પણ કવિ ચકલીનાં પ્રતીકથી માનવ-માનવ વચ્ચેની હરીફાઈની વાત બખૂબી કરે છે. પોતાના જેવું બીજું કોઈ જ ના હોય એવા ઇગોમાં તે પોતાની જાતને જ નુકસાન કરે છે અને ખબર પડે ત્યાં સુધી ઘણું મોડું થઈ જતું હોય છે. અલબત્ત, કવનમાં તો કવિ વહારે આવે છે, પણ જીવનમાં કોણ આવે?
'વજૂદની વાત'માં કીડીનાં પ્રતીકથી કવિ સમાજજીવનમાં નાના-મોટાં માનવીઓ વચ્ચેનાં વજૂદની અસમાનતા રજૂ કરે છે. જેવું જેનું વજૂદ તેવો તેનો ખોરાક.
હું તો નાની કીડીનો અવતાર
ખાંડ ના ખાઉં
તો મારું કશું વજૂદ પણ શું?
'એક મંકોડો'માં પણ કવિ મંકોડાની વૃક્ષ તરફની ગતિ સમજવામાં વાર લાગી તેવો નિર્દેશ કરીને સંબંધોની, લગાવની, પ્રણયની માર્મિક વાત કરે છે. આ બધી એવી વાતો છે જે સમજાય તો પળમાં સમજાય નહીં તો જનમારો વીતી જાય.
'કાગડો' કવિતામાં કવિ કાગડાના રંગને લઈને લીલા, કાળો,પીળા, સફેદ અને ભૂખરાં એમ અન્ય રંગ-વિશેષણોનો ઉપયોગ કરીને કાવ્યાત્મકતા ઊભી કરે છે. 'પ્રશ્નકાવ્ય'માં પણ સફેદ ડોગીને કાળી કાર લાલ ધબ્બામાં રૂપાંતરિત કરે છે એવી છાશવારે જોવા મળતી સામાન્ય ઘટના અનેક કાવ્યપ્રશ્નો જન્માવે છે.
આમ, ભરતભાઈ પશુ-પંખી-જીવજંતુને યેનકેન પ્રકારે માનવ અને માનવજીવન સાથે, માનવજીવનની યાંત્રિકતા સાથે, રોજબરોજની ઘટમાળ સાથે સાંકળીને કાવ્યચિત્ર ઊભું કરવા પ્રયત્નશીલ રહે છે.
૨. પ્રકૃતિગત અને આધુનિક સંવેદન
બાવળ, પીપળ, વૃક્ષાનુભૂતિ, સૂરજ, કેરી, જંગલ, બપોર, પ્રભાત, ભેંકાર, પૂર્ણિમા ઇત્યાદિ પ્રાકૃતિક ભાવસૃષ્ટિને કવિ નિજ બાહ્ય-આંતરસૃષ્ટિ સાથે એકરૂપ કરીને પોતીકું કાવ્યવિશ્વ રચે છે.
આજની ભૌતિકવાદને ગળે લગાડીને જીવતો માણસ ઘરમાં રહેલા રાચરચીલાં જેવો જ છે. ફરક માત્ર એટલો પેલું નિર્જીવ છે અને પોતે સજીવ. 'આત્મારામ'માં કવિ સજીવ-નિર્જીવને એક સમાન ગણાવી સ-રસ કટાક્ષ કરે છે. જીવનમાં માત્ર તારીખો બદલાય છે, બાકીએ પણ લાઇવ ફર્નિચર સિવાય કશું નથી.
કૅલેન્ડરના પાનાં જેવી જિંદગી
છો ને તારીખો બદલતી રહે!
કવિનો પ્રકૃતિ લગાવ તો અહીં ઠેરઠેર જોવા મળે જ છે, સાથેસાથે આધુનિક જીવનશૈલીની વિશિષ્ટતા અને મર્યાદા પણ કવિ ઉજાગર કરતા રહે છે. કવિ વિચારક કવિ વિચારક છે અને એટલે જ વિચારોના વજનને સુપેરે જાણે છે
… જંગલને ય એકાદ હીબકું
આવી જતું હોય છે.
વડવા જેવો ભૂખરો હાથી
પોતાના જેવા જ મહાકાય
વૃક્ષને ખેંચી જતો હોય
પણ માખીઓ જેવા બણબણતા
વિચારોને હટાવવા માથું ધૂણાવ્યા કરે.
આમ 'જંગલ'માં કવિ પ્રાકૃતિક સજીવસૃષ્ટિનો મહિમા કરીને તેને આગળ જતા સાંસારિક સૃષ્ટિ સુધી વિસ્તારે છે. કવિ પાસે નગરસંવેદનો પણ મબલખભર્યા છે જેની પ્રતીતિ અનેક કૃતિઆમાં થતી રહે છે.
૩. પુરાકલ્પન
'અશ્વપુરાણ'માં ભીષ્મની એક લાચાર અશ્વ સાથે તુલના કરીને અયોધ્યાવર્ણનમાં સરી પડતા કવિ ક્યારેક ક્યારેક પુરાકલ્પનોનો ઉપયોગ પણ કરે છે. ક્યાંક સફળ થાય છે તો ક્યાંક સફળતા હાથમાંથી સરી જાય છે. 'રાવણવધ'માં રાજા રામના પોપટના પ્રતીકથી સીતા-રામનાં લગ્નજીવનની વાત કરી છે. રામ પોતાના લગ્નજીવનને બચાવવા માટે લક્ષ્મણ-ઊર્મિલાનાં લગ્નજીવનને હોમી દે છે તેવો સૂક્ષ્મ વ્યંગ અહીં સ્પષ્ટ વર્તાય છે અલબત્ત મિથ માત્ર નામ પૂરતું રહે છે.
… ને ઊર્મિલા તો હોય અયોધ્યામાં વલવતી
મહેલના ઝરૂખે ચડીને
દૂર દૂર દેખ્યા કરે.
સાંજ પડે ને
અંધારું થતામાં તો પલંગ પર
પડી પડી નિસાસા નાખતી રહે.
'શોકાંજલિ – મારી એક મર્હુમ કવિતાને'માં કવિ કાવ્યપ્રસવની ઘટના માટે કૃષ્ણજન્મના મિથનો ઉપયોગ કરે છે. જેમ દેવકીને આઠમા સંતાનની પ્રતીક્ષા છે એ જ રીતે કવિને બળૂકાં કવનની પ્રતીક્ષા રહે છે.
દીવો બુઝાતાં કાળા ગોખલા જેવી
થઈ ગયેલી આંખો
સળિયાવાળી બારીની બહાર જોવા મથે, ને
પાંદડાં ખરી પડ્યાં હોય તેવા તુલસીનીડાળી જેવી
આંગળિયુંના વેઢા ગણતી દેવકી
વિચાર્યા કરે –
હવે આઠમાને આવવાને છે કેટલી તે વાર?
'મહાશિવરાત્રિ'માં કવિ શિવ સાથે 'ફેસબુકિયા પોએટ્રી' વિશે સંવાદ સાધે છે. 'લાઇક'નું વ્રત સાંપ્રતનું અનુસંધાન રચી આપે છે. અલબત્ત અહીં પણ શિવ-પાર્વતી-કવિ સંવાદ સિવાય વિશેષ વ્યંગ સિવાય ખાસ નીપજતું નથી. કવિને મિથ-પ્રયોજન પ્રમાણમાં ઓછું ફળે છે.
૪. પ્રણય-ઉન્માદ
'પ્રેમપત્ર' કવિ પ્રેમપાશથી દૂર ભાગવા બધી નિર્જીવ યાદગીરીઓને નષ્ટ કરતા જોવા મળે છે, પણ અચાનક પાછા પ્રેમપાશમાં જ જકડાઈ જાય છે. તો 'પ્રેમ એટલે' કવિતામાં કવિપ્રેમની વ્યાખ્યા આપી તેને બહુ સાહજિકતાથી વર્ણવે છે. પ્રેમમાં મથામણ હોય જ.પ્રેમનો કોળિયો ઘણી વાર કાળ બની જતો હોય છે. બે ડાળ આલિંગવા મથે. આ મથામણથી ઘર્ષણ પણ થાય અને ઘર્ષણથી આગ … કેટકેટલી શક્યતાઓ આ પાંચ પંક્તિમાં રહેલી છે.
કોઈ વસંતની સવારે
વહેતા પવનને જોરે
એક ડાળનું જરા
આગળ વધીને
બીજી ડાળને આલિંગવા મથવું!
'એક પ્રણયકથા'માં કવિ સહુ કોઈએ સાંભળેલી ચકા-ચકીની વાર્તાને નવા અભિગમથી રજૂ કરે છે. આસપાસનું વાતાવરણ કવિતામાં લઈ આવવાની કવિને સારી હથોટી છે. વર્તમાન જીવનશૈલી અને પ્રેમની બદલાતી પરિભાષાને કવિએ અહીં હળવાશથી નિરૂપી છે. લગોલગ રહેનારાં જરૂર પડ્યે અલગતાનો સ્વીકાર કરી લેતા હોય છે.
કોઈ બીજી ચકલી ચોખાનો દાણો લઈને
તેની વાટ જોતી બેઠી હોય તો …
૫. અંગત સંવેદન
દેશનાં મૂળ સાથે અને વિદેશની ધૂળ સાથે રમમાણ રહેતા કવિને બંને દેશનું સાંસ્કૃિતક વાતાવરણ જાણવા-માણવા મળે છે એટલે તેમનું અંગત સંવેદન દેશ-વિદેશની સીમાની પરવા કર્યા વિના વિહરતું-વિસ્તરતું રહે છે. કવિતા આમ પણ અંદરના વાતાવરણની ફલશ્રુતિ છે. ભરતભાઈ પાસે કવિતાનું આવું આંતરિક વાતાવરણ છે, જે તેમનાં અંગત સંવેદનોને તન-મન-વતન એવા ત્રિપાંખિયા ઝૂરાપા સુધી વિસ્તારે છે. દેશ-વિદેશની સરહદોનાં આવરણને ઓગાળીને પ્રવેશીએ તો જ આવાં વાતાવરણમાં પ્રવેશી શકાય. સાચા ઉત્સવની મજા જે-તે ઉત્સવને અનુરૂપ થઈને માણવામાં છે. દેશની હોય કે વિદેશની હોય આખરે માટી એ માટી જ છે. દરેક માટીને તેનું પોતાનું મહત્ત્વ હોય છે. 'દાદીમા' અને 'ગ્રાન્ડમધર' વચ્ચેનું અંતર અંતરથી સમજી શકતા ભરતભાઈએ 'તુલસી ક્યારો'માં વતનની માટીનું મૂલ્ય બતાવ્યું છે અને સ્વાભાવિક રીતે જ ભારતીય પરંપરાનું પણ.
દાદીમા
દિવાનખંડમાં ટાંગેલા ફોટામાંથી
કોઈ જોતું ના હોય ત્યારે
આંગણામાં લટાર મારી આવે છે
ને પછી તેમની આદત મુજબ
મને કહ્યા કરે છે!
બધા તો કહે છે કે
અહીંની માટીમાં તુલસીનો છોડ
લાખ પ્રયત્નને અંતે ય ફાલતો નથી!
'સૂરજ'માં કવિ વિદેશની કાર્યશૈલીની કાવ્યાત્મક વાત કરે છે. ભારતીય સંસ્કૃિતમાં સૂર્ય દેવતા છે, પણ પાશ્ચાત્ય સંસ્કૃિત તો 'દેવતા'ને પણ 'માનવ' સાથે જ સરખાવતી રહે છે. આ આધુનિક વિચારસરણી છે અને એની આજના યુગમાં તાતી જરૂરિયાત પણ છે. સૂરજ જેવો સૂરજ પોતાનું કામ ઘરઘાટી જેમ ઊઠતાંવેંત શરૂ કરી દે છે, જે કર્મપરાયણતા માટેનું આદર્શ દૃષ્ટાંત છે. કર્મથી જ સહુ કોઈ મહાન બને છે એ પછી દેવ હોય કે માનવ. કહેવાતા કર્મકાંડોની આડશમાં કર્તવ્યોથી મોં ફેરવનારા એક આખા સમૂહ માટે અહીં સૂક્ષ્મ સંદેશાત્મક વ્યંગ પણ છે.
કોઈ જાગે તે પહેલાં
જૂનો ઘરઘાટી
સૂરજ આવી પરોઢિયે
કિરણોની સાવરણી ફેરવાતો
કામે લાગી ગયો!
'મહાદેવ ફળિયું' કવિની ઉત્કૃષ્ટ રચના છે. ગામનું મહાદેવ ફળિયું ને એમાં છીંકણી સૂંઘતી દાદી … ભાવકની આંખ સામે દાદીમાનું ચિત્ર ના આવે તો જ નવાઈ. આવું દૃશ્ય આજે માત્ર ગામડા પૂરતું સીમિત રહી ગયું છે. જ્યારે સંયુક્ત પરિવાર માત્ર રાશનકાર્ડ પૂરતા સીમિત રહી ગયા હોય અને મા-બાપનાં નામ પણ માત્ર સર્ટિફિકિટની શોભા હોય તેવામાં દાદા-દાદીની કે સંયુક્ત પરિવારની વાત જ ક્યાંથી કરવી?
મારી દાદીને છીંકણીનું ભારે વ્યસન
પાસે એક હાથીદાંતની ડબ્બી રાખે
અને તેમના હાથની
કરચલી વળી ગયેલી
પહેલી આંગળી ને અંગૂઠાથી
ચપટી ભરીને જે સપાટાભેર સૂંઘી લે કે
જાણે તેમની આંખ સામે
તેમનું પિયર ઉમરેઠ સામે આવી જાય …
કવિ પારિવારિક સંબંધોને કવિતાની શરતે લાવે છે પણ અંતે તો આ બધા સંબંધોનું નિરૂપણ મનઝૂરાપો જ છે. ડાયસ્પોરિક કવિઓ માટે મનઝૂરાપો વતનઝૂરાપા સુધી વિસ્તરે છે. વતનઝૂરાપો તો વતનમાં રહે રહે પણ સાલતો હોય તો વિદેશની ભૂમિમાં શ્વસતા કવિઓને એ સાલે તે સ્વાભાવિક છે. ભરતભાઈની કવિતામાં પણ તે ડોકાય છે ખરો અને સારી વાત તો એ છે કે તે માત્ર ઝૂરાપાનાં લાગણીવેડા નથી કરતા પણ કવિતા કરે છે. સાત સમંદર પારની પોતાની મર્યાદાને સ્વીકારીને કવિ આગળ વધતા રહ્યા છે તે આનંદની વાત છે. કવિ પોતાના ઝૂરાપાને 'ઘર' પાસે લાવી ઉતારો આપે છે.
બધી મુસાફરીને અંતે ઘર આવે
ઘર આવતાં જ મુસાફરીનો થાક
બારણાં પાસે પગરખાં જેમ
ઊભો રહી જાય કતારબંધ –
બા-અદબ હોંશિયાર
કવિની એકાધિક રચનાઓમાં 'દાદી' ડોકાય છે. 'ફાધર્સ ડે', 'મધર્સ ડે', વાસી મધર્સ ડે' ઇત્યાદિ કવિતાઓ પણ પારિવારિક સંબંધોની આસપાસ આધુનિકતાના સંસ્પર્શ સાથે વિસ્તરી રહી છે. 'ફેસબુકિયા પ્રણય કાવ્ય' અને 'પિઝા કાવ્ય' કવિનું આજ સાથેનું અનુસંધાન છે.
'મધર્સ ડે પોએમ'માં વૃદ્ધ માતાનાં નિધનની અને સ્મરણોની વાત સ-રસ રીતે રજૂ થઈ છે.
પછી તો એક દિવસ ખાંસી ગઈ પણ
સાથે માને પણ લેતી ગઈ
ક્યારેક થાય કે
ઘરના ચોકમાં હીંચકો હલી રહ્યો છે
ને કોઈની દબાયેલા અવાજે આવતી
ખાંસી સંભળાઈ રહી છે.
'વાસી મધર્સ ડે કવિતા'માં કવિ મા સાથેના સંબંધ કેટલો વાસી અને બિનજરૂરી થઈ ગયો છે તેની વાત કરે છે. બેઉ 'મધર' વિશેની કવિતાઓ એકબીજાના સામે છેડે છે. એક્સપાયર થઈ ગયેલો સંબંધ કવિ આમ રજૂ કરે છે.
તારા રૂમમાં બાપુજીનો
એક મોટ્ટો ફોટો ટાંગી આપ્યો છે ને?
તો પછી?
મા કોઈ આવે ત્યારે તારે પણ
લિવિંગરૂમમાં આવવાની કશી જરૂર નથી.
'એક ગરાજ સેલ'માં કવિ એક ગુજરાતી પુસ્તક ખરીદી લે છે તેવી એક ઘટના માત્ર છે. આ કવિતાથી કવિ માત્ર પોતાનો ગુજરાતીપ્રેમ જ વર્ણવે છે, બીજું કંઈ નહીં. અલબત્ત આજે ગુજરાતી ભાષા ગુજરાતના સીમાડા છોડી દેશના વિભિન્ન ભાગોમાં તો વિહરે જ છે સાથેસાથે પાકિસ્તાન, અમેરિકા, બ્રિટન, આફ્રિકા, ઈટલી, ઑસ્ટ્રલિયા ઇત્યાદિ દેશોમાં વસતા ગુજરાતી પરિવારોમાં પણ હોંશે હોંશે પ્રવેશી ગઈ છે એટલું જ નહીં ત્યાં નોંધપાત્ર ગુજરાતી સાહિત્યસર્જન પણ થઈ રહ્યું છે. પરંતુ તેમ છતાં વિદેશમાં ગુજરાતી પુસ્તકની શી વલે છે તેવું સાબિત કરવા મથતા કવિ પાસે અહીં કાવ્ય અપેક્ષા અધૂરી રહે છે. 'એક વેસ્ટર્ન સ્ટાઇલ ગુજરાતી કવિતા'માં કવિ વેસ્ટર્ન સ્ટિરીઓટાઇપ મેરેજ લાઇફની વાસ્તવિકતાનું વર્ણન કરી આપે છે. 'સ્ટારબકની કૉફી' પણ પાશ્ચાત્ય સંદર્ભો આપે છે તો 'આર્સ પોએટિકા'માં કવિ સર્જન નિમિત્તે ભીતરના વિસર્જનની વાત બખૂબી વર્ણવે છે.
'હોળી'માં કવિનું ગદ્યનિરૂપણ આસ્વાદ્ય બન્યું છે. અલબત્ત, ભરતભાઈની તમામ કવિતાઓ સંદર્ભે તેમની આ રસાળશૈલી પણ ધ્યાને લેવા જેવી છે ખરી.
શું થાય!
કેસૂડાંનો જે રંગ સફેદ કફની પર
ના ટક્યો તે
આજે આંસુની જેમ ટપકીને
મારી કવિતાને કેસરી રંગે
આમ ભીંજવી જાય છે.
આમ, સમગ્રતયા કવિની કવિતામાં ઉપર્યુક્ત પાંચ વિવિધ ભાવ-અભાવના લગાવના સંવેદનો પાંચ આંગળી જેવા બની એક સમગ્ર મજબૂત કાવ્ય હાથની છાપ ઉપસાવે છે. સમગ્ર હાથની મજબૂત છાપ અહીં ઠેરઠેર જોવા મળે છે. કવિ અહીંયાં પ્રસંગોચિત્ત વ્યંગને પણ વિસ્તારે છે જેમાં ક્યાંક તેમની મદદે આધુનિક નગર સંવેદનો અને દેશ-વિદેશનું સાંસ્કૃિતક વાતાવરણ પણ આવે છે.
કવિની કવિતા વધારે ખૂલે-ખીલે એટલે જ આ વિભાગો કરવાનું મન થયું છે. આમ પણ કાવ્યપદાર્થનો આસ્વાદ વ્યક્તિએ વ્યક્તિએ ભિન્ન રહેવાનો જ. અહીંયાં કેવળ ગમતાનો ગુલાલ કર્યો છે. કોઈ પણ સંવેદન પૂર્ણ હોવાનો દાવો કદાપિ ના થઈ શકે. અહીં પણ કેટલીક કૃતિઓ સંવેદનના અતિરેકથી પીડાઈ છે, પણ એવી જગાઓ પ્રમાણમાં ઓછી મળે તેમ ભરતભાઈની કવિતાનું પોત સ્થિતિસ્થાપક છે. એ સર્જક મથામણમાં લંબાય કે ટૂંકાય પોતનો કાવ્યાકાર ત્વરિત પામી લે છે. વરસોનો વિદેશવટો ક્યાંક ડોકાય છે, ક્યાંક રોકાય છેતો ક્યાંક ટોકાય છે, પણ ભરતભાઈની કવિચેતના સજાગ છે અને એટલે જ તેઓ આસપાસની પ્રથમ નજરે ક્ષુલ્લક લાગતી ઘટનાઓને, નિર્જીવ ચીજ-વસ્તુઓને, સજીવ પ્રાણીસૃષ્ટિને પોતીકી રીતે અવલોકીને આસ્વાદ્ય કાવ્યબાનીમાં પરોવી કાવ્યો રચે છે.
આ કવિની વિશિષ્ટતા એ છે કે તેઓ સજીવ-નિર્જીવ, માનવ-પશુ, મૂર્ત-અમૂર્ત એવી ભેદરેખાને કવિતામાં ઓગાળી દે છે અને કવિની અભિવ્યક્તિ વ્યક્તિ સુધી સીમિત ન રહેતા સમષ્ટિ સુધી વિસ્તારે છે. પદ્ય અને ગદ્ય બેઉ સાથે પનારો પાડતા આ કવિ પાસે પ્રતીકો પાસેથી પોતાની જરૂરિયાત મુજબનું દૃશ્ય ઊભું કરીને સફળ પ્રત્યાયન સાધવાનો કસબ પણ કલમવગો છે તેની પ્રતીતિ પણ સતત થતી રહે છે. વધારે તરબતર થવા માટે સહુએ 'અછાંદોત્સવ'મય થવું રહ્યું.
આવો, બાહ્ય-ભીતરના ભાવોને તરબતર કરનારા 'અછાંદોત્સવ'ને આવકારીએ અને ઉજવીએ.
('અછાંદોત્સવ', કાવ્યસંગ્રહ, કવિશ્રી ભરત ત્રિવેદી, પ્રકાશક – ફ્લેમિંગો પબ્લિકેશન, 2013, પ્રસ્તાવના)
17 September 2013 at 05:19
https://www.facebook.com/notes/ashok-chavda-bedil/ભાવ-અભાવના-લગાવનો-અનોખો-ઉત્સવ-અછાંદોત્સવ-ડૉ-અશોક-ચાવડા/648774485146713Vipool Kalyani
![]()

