આપણે ત્યાં એક માન્યતા ઘર કરી ગઈ છે કે અંગ્રેજોએ આપણા દેશમાં આવીને ગુલામ જેવા કારકૂનો પેદા કરવા માટે બ્રિટિશ પદ્ધતિનું શિક્ષણ દાખલ કર્યું. એટલું જ નહીં, આપણે ત્યાં પરંપરાગત રીતે શિક્ષણ આપતી જે નિશાળો હતી તેનો મૃત્યુઘંટ તેમણે વગાડ્યો. પણ વાત આટલી સીધી સાદી નથી. બ્રિટિશ પદ્ધતિનું શિક્ષણ આપવાનું શરૂ કર્યું, લગભગ તે જ વખતે મુંબઈ ઈલાકાની સરકારે આખા ઈલાકામાંની પરંપરાગત રીતે શિક્ષણ આપતી નિશાળોની મોજણી કરાવી હતી અને એ પ્રકારની નવી નિશાળો ખોલવી જોઈએ કે નહીં, ખોલીએ તો કેટલો ખર્ચ થાય, એ ખર્ચને કઈ રીતે પહોંચી શકાય, એને માટે કેટલા શિક્ષકો જોઈએ વગેરે બાબતોનો વિચાર કર્યો હતો. આ માટે ૧૮૨૪-૨૫ અને ૧૮૨૮-૨૯મા સરકારે બે સર્વે કરાવ્યા હતા. ૧૮૨૨માં મુંબઈમાં બોમ્બે નેટિવ એજ્યુકેશન સોસાયટીની સ્થાપના થઈ. મુંબઈના ગવર્નર માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિનસ્ટન તેના પ્રમુખ બન્યા. ૧૮૨૩ના ડિસેમ્બરની ૧૩મી તારીખે તેમણે ‘મિનિટ ઑન એજ્યુકેશન’ તરીકે જાણીતો થયેલો દસ્તાવેજ તૈયાર કર્યો. તેમાંના સૂચનને ધ્યાનમાં લઈને ધ સેક્રેટરી ટુ ધ ગવર્નમેન્ટ ઓફ બોમ્બે મિસ્ટર ફેરિશે એક પ્રશ્નાવલી તૈયાર કરીને રાજ્યના દરેક જિલ્લાના કલેકટર અને જજને મોકલી આપી. તેમાંના દસ પ્રશ્નોના જવાબ તેમણે લખી મોકલવાના હતા, વહેલામાં વહેલી તકે. અને ખરેખર આ અંગ્રેજ અધિકારીઓએ બને તેટલી ત્વરાથી જવાબો મોકલ્યા. એટલે ૧૮૨૫ના માર્ચની દસમી તારીખે તો અહેવાલ તૈયાર થઈ ગયો અને મિ. ફેરિશે તે સરકારને સુપરત પણ કરી દીધો – માત્ર એક જ વર્ષના ગાળામાં.
આ અહેવાલમાંની કેટલીયે વિગતો જાણવામાં આજે ય આપણને રસ પડે તેમ છે. જેમ કે સુરત જિલ્લામાં ૬૫૬ ગામ હતાં પણ ધૂડી નિશાળોની સંખ્યા હતી ફક્ત ૧૩૯ અને તેમાં ભણતા છોકરાઓની સંખ્યા હતી ૩૨૨૩. જ્યારે ભરૂચના પાંચ કસબામાં કુલ ૧૩ ધૂડી નિશાળ હતી જેમાંની છ તો જંબુસરમાં હતી. આ નિશાળોમાં જ્યારે છોકરો ભણવા બેસે ત્યારે માસ્તરને બે પાવલી – આજના ૫૦ પૈસાની દક્ષિણા આપવામાં આવતી. છોકરાને ઊંધી થાળી પર લખતાં શીખવવાનું શરૂ થાય ત્યારે માસ્તરને દક્ષિણમાં એક રૂપિયો મળતો અને અભ્યાસ પૂરો કરીને છોકરો નિશાળ છોડે ત્યારે માસ્તરને બેથી પાંચ રૂપિયાની દક્ષિણા મળતી. આ રોકડા રૂપિયા ઉપરાંત રોજેરોજ જ્યારે છોકરો ભણવા જાય ત્યારે મૂઠી – બે મૂઠી અનાજ માસ્તર માટે લઈ જતો. બ્રાહ્મણના છોકરાઓએ માસ્તરને દક્ષિણારૂપે કશું જ આપવાનું નહોતું. અમદાવાદના કલેકટરે મોકલેલા રિપોર્ટમાં જણાવેલું કે અમદાવાદ કલેકટરેટમાં કુલ ૯૨૮ ગામડાં છે જેમાંથી ફક્ત ૪૯ ગામડામાં ધૂડી નિશાળો છે અને તેમાં કુલ ૨૬૭૩ વિદ્યાર્થીઓ ભણે છે. અમદાવાદ શહેરમાં આવેલી ૨૧ નિશાળોમાં કુલ ૧૩૩૩ વિદ્યાર્થી હતા. અમદાવાદ કલેકટરેટની સ્કૂલોમાં ભણતા વિદ્યાર્થીઓમાં સૌથી મોટી સંખ્યા ૧૦૮૦ – વાણિયાઓની હતી. બીજે નંબર ૫૨૪ કણબી વિદ્યાર્થીઓ હતા, જ્યારે બ્રાહ્મણ વિદ્યાર્થીઓની સંખ્યા ૪૦૮ની હતી. મુસ્લિમ છોકરાઓની સંખ્યા હતી માત્ર ૬૪. અમદાવાદ કલેકટરેટની નિશાળોના અભ્યાસક્રમની જે માહિતી આપી છે તે જોતાં જણાય છે કે અંકગણિત અને લિપિલેખન સિવાય બીજું કશું શીખવાતું નહોતું. શીખવવા માટે છાપેલાં પુસ્તકો બિલકુલ વપરાતા નહીં. અંક ગણિતમાં પણ પહેલાં એકથી સો સુધીના આંક ગોખાવવામાં આવતા અને પછી અંક લેખન શીખવાતું. પા, અડધા, પોણાના આંક પણ ગોખાવતા. આ ઉપરાંત તોલમાપ, લંબાઈ, વજન વગેરેની માહિતી અપાતી. આટલું ભણી રહે પછી નિશાળ છોડતાં પહેલાં વિદ્યાર્થીને નીતિ અને ધર્મના થોડા પાઠ ભણાવતા.
હવે જરા વિચાર કરો, બ્રિટિશ પદ્ધતિનું શિક્ષણ આપણે ત્યાં ન આવ્યું હોત અને આ પરંપરાગત નિશાળો જ ચાલુ રહી હોત તો આજે આપણે ક્યાં હોત?
સૌજન્ય : ‘ફ્લેશબેક’, દીપકભાઈ મહેતા સંપાદિત ‘અક્ષરની અારાધના’, “ગુજરાતમિત્ર”, 05 મે 2014