Opinion Magazine
Number of visits: 9696689
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લોકપ્રિય તે સાહિત્યિક ન હોય એવી આબોહવા અને નવલકથા

દીપક મહેતા|Opinion - Literature|23 June 2014

૧૯૫૦ પછીનાં વર્ષોમાં થોડો વખત આપણે ત્યાં આધુનિકતાને નામે લેખકો અને તેમનાં લખાણો લોકોથી વિમુખ થવા લાગ્યાં. જે સાહિત્યિક હોય તે લોકપ્રિય ન થઈ શકે, અને જે લોકપ્રિય થાય તે સાહિત્યિક ન હોઈ શકે એવી એક (ગેર)સમજણ ફેલાવાઈ. આપણું લખેલું રખેને લોકોને સમજાઈ જશે એ બીકે લેખકો વધુ ને વધુ વાયવ્ય લેખન કરવા લાગ્યા. આધુનિકતાના પ્રચાર-પ્રસાર માટે ઘણાં લઘુ સામયિકો – લિટલ મેગેઝિન્સ – શરૂ થયાં. અને ઘણાંખરાં થોડા વખત પછી સમેટાઈ ગયાં. આ લઘુ સામયિકોની પહોંચ બહુ મર્યાદિત વાચકવર્ગ સુધી હતી, પણ સાહિત્યની દુનિયામાં તેમની આણ પ્રવર્તતી હતી. મનીષા, ક્ષિતિજ, એતદ્, રે, સંજ્ઞા, જેવાં આ પ્રકારનાં સામયિકોમાં તો ધારાવાહિક નવલકથાને અવકાશ જ નહોતો. ક્યારેક કોઈ સામયિક તો વળી તંત્રીઓની એવી નોંધ સાથે પણ પ્રગટ થતું કે ‘આ સામયિકમાં પ્રગટ થતી કૃતિઓ અમે સમજીએ જ છીએ એવું કોઈએ માની લેવું નહિ.’ સમજાઈ જાય એવી કૃતિઓ લખનારાઓ જાણે ગુનેગારો હોય તેવો હાઉ ઊભો થયો હતો. ગોવર્ધનરામ ત્રિપાઠી, કનૈયાલાલ મુનશી, રમણલાલ દેસાઈ જેવા નવલકથાકારોનું અવમૂલ્યાંકન કરવાના પ્રયત્નો થયા હતા. અને નવલકથાનો નાભિશ્વાસ ચાલી રહ્યો છે એવું નિદાન કરવામાં આવ્યું હતું. આપણા ઘણા લેખકો પર ભલે થોડો વખત, પણ આ આધુનિકતાની ભૂરકી છંટાઈ ગઈ હતી.

પછીથી છેક ૨૦૦૭માં વીનેશ અંતાણીએ નિખાલસતાથી લખ્યું: “મેં લખવાનું શરૂ કર્યું એ વખતે ગુજરાતી સાહિત્યમાં ચારેકોર પ્રયોગલક્ષી સર્જનની આબોહવા ચાલતી હતી … લાગતું હતું કે સાહિત્યમાં ટકવું હશે તો જે પ્રવાહ ચાલી રહ્યો  છે તેમાં જ ખાબકવું પડશે.” પ્રયોગશીલ તરીકે વખણાયેલી બે નવલકથા લખી પણ ખરી. પછી તેઓ જ કહે છે : “પણ પછી મને લાગ્યું કે હું જે દિશામાં જઈ રહ્યો હતો એનાથી સંતુષ્ટ નહોતો.” અને તેમણે પોતાની નવલકથાઓનું સુકાન ફેરવ્યું અને સાહિત્યિકતાને જોખમાવ્યા વગર લોકો સુધી પહોંચનાર નવલકથાકાર બન્યા. બહુ ઓછા વાચકો સુધી માંડ માંડ પહોંચી શકતી કેટલીક લઘુનવલો અને નવલકથાઓને અમૂક જૂથ દ્વારા વખાણી વખાણીને છાપરે ચડાવવામાં આવી હતી. સમજાય કે ન સમજાય, અધ્યાપકો એવી કૃતિઓ ભણાવતા હતા અને વિદ્યાર્થીઓએ એ ભણવી પડતી હતી. આજે એ ‘આધુનિક,’ ‘પ્રયોગશીલ,’ ‘ઘટનાનો હ્રાસ’ કરીને લખનારાઓ, ‘ભાષાકર્મ’ની લીલા કરનારાઓ અને તેમની નવલકથા નામધારી કૃતિઓ ક્યાં ખોવાઈ ગયાં છે એની પણ ખબર પડતી નથી.

પણ કોઈ નવલકથા પહેલાં ધારાવાહિક પ્રગટ થઈ હોય તો અને તેથી તે ઉત્તમ કૃતિ બની જતી નથી, તેમ નિકૃષ્ટ કૃતિ પણ બની જતી નથી. ધારાવાહિક નવલકથા ત્રણ રીતે લખાતી હોય છે. કેટલાક લેખકો – મોટે ભાગે બહુ જાણીતા થઇ ચૂક્યા હોય તેવા – પહેલાં આખેઆખી નવલકથા લખી નાખે છે, અને પછી તેને ધારાવાહિક રૂપે પ્રગટ કરવા માટે સામાયિકના કે અખબારના તંત્રીને તે સોંપે છે. દર્શકની ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ને ઉદાહરણ રૂપે ધરી શકાય. તો બીજા કેટલાક લેખકો પહેલાં આઠ-દસ પ્રકરણ લખે છે, પછી તંત્રી સાથે ધારાવાહિક પ્રકાશનની વ્યવસ્થા ગોઠવે છે. શરૂઆતનાં પ્રકરણ પ્રગટ થવા લાગે એટલે નવલકથા આગળ લખાતી જાય છે અને છપાતી જાય છે. તંત્રી કે વાચકોના અભિપ્રાયની અસર ક્યારેક લેખન પર પડી પણ શકે. તો ત્રીજી રીત એ છે કે નવલકથાનો એક હપ્તો લખાય અને એ છપાય પછી બીજો, ત્રીજો … આવા લેખકો ‘ચેપ્ટર ટુ ચેપ્ટર’ લખતા અને જીવતા હોય છે. ચુનીલાલ મડિયાની ઘણી નવલકથા આ રીતે લખાયેલી. મેટર મોકલવાનો છેલ્લો દિવસ હોય ત્યારે મડિયા લખવા બેસે અને લખાઈ રહે કે તરત આંગડિયા દ્વારા તંત્રીને મોકલી દે.

આ પ્રકારનું લેખન કદાચ સૌથી વધુ જોખમી હોય છે. મડિયાની જ એક ખૂબ જાણીતી નવલકથા ‘લીલુડી ધરતી’માં કથાનાયક માંડણનો કોણી સુધીનો એક હાથ અકસ્માતમાં કપાઈ ગયો હતો તેમ શરૂઅાતના એક પ્રકરણમાં લેખકે કહેલું. ઘણાં પ્રકરણ પછી એ જ માંડણ એક ગૂનામાં સંડોવાય છે ત્યારે લેખકે લખી નાખ્યું : ‘પોલીસે આવીને માંડણના બંને કાંડે બેડીઓ પહેરાવી દીધી.’ કોણી સુધીનો એક હાથ અગાઉ કપાઈ ગયો હતો એ વાત જ લેખક ભૂલી ગયેલા. એક સાથે બે-ત્રણ ધારાવાહિક નવલકથા લખનાર લેખની એક નવલકથામાંનું કોઈ પાત્ર ભૂલથી બીજી નવલકથામાં ઘૂસી ગયું હોય એવું પણ બન્યું છે. વાચકોના પ્રતિભાવો – એટલે કે વખાણ – ના નશામાં લેખક કૃતિની જરૂરિયાતને બદલે વાચકોને વશ થઈને લખવા લાગે એવું પણ બને. જો કે કેટલાક લેખકો પુસ્તક રૂપે છપાવતાં પહેલાં આખી નવલકથા રી-રાઈટ કરતા હોય છે અને તે વખતે બધું સમુસુતર કરી લેતા હોય છે.

પણ આધુનિકતાની આબોહવા વચ્ચે પણ કેટલાંક સામયિકો અને અખબારોએ ધારાવાહિક નવલકથાને આઘી હડસેલી નહોતી. પણ એ અંગેનો વધુ રસિક ભાગ ક્યારેક હવે પછી.

સૌજન્ય : ‘ડાયરી’, દીપક મહેતા સંપાદિત ‘અક્ષરની અારાધના’, “ગુજરાતમિત્ર”, 23 જૂન 2014 

Loading

અમેરિકન અંગ્રેજીની ડીક્ષનરીનો મરજીવો

દીપક મહેતા|Opinion - Literature|23 June 2014

એક નોહાએ મોટું જહાજ બનાવીને દુનિયાના જીવોને નવું જીવન આપ્યું, તો બીજા નોહાએ ડીક્ષનરી બનાવી અમેરિકાની અંગ્રેજી ભાષાને નવું રૂપ આપ્યું.

આ બીજા નોહાનું નામ નોહા વેબસ્ટર. ૧૭૫૮ના ઓક્ટોબરની ૧૬મી તારીખે કનેક્ટીકટ રાજ્યના હાર્ટફર્ડમાં તેનો જન્મ. પિતા ખેડૂત, પણ કુટુંબ હતું ખાધેપીધે સુખી. કાયદાનો અભ્યાસ કર્યો, પણ વકીલાત કરી નહિ. નાની નિશાળ કાઢી, પણ તેમાં નિષ્ફળતા. પણ તેને એક વાતનો ખ્યાલ આવી ગયો : નિશાળમાં ભણાવી શકાય એવાં અમેરિકન પુસ્તકો જ નથી. બ્રિટનથી મગાવેલાં પુસ્તકો અહીંની નિશાળોમાં ચાલે નહિ. એટલે તેણે પોતે ત્રણ પુસ્તકો તૈયાર કર્યાં : સ્પેલર (૧૭૮૩), વ્યાકરણ (૧૭૮૪) અને રીડર (૧૭૮૫). આ પુસ્તકોમાં તેણે અમેરિકન અંગ્રેજીને બ્રિટીશ અંગ્રેજી કરતાં જુદી પાડવાની શરૂઆત કરી. તેણે અંગ્રેજીના સ્પેિલન્ગમાં ફેરફાર કરવા માંડ્યા. ‘સેન્ટર’, ‘કલર’ જેવા ઘણા શબ્દોના બ્રિટીશ સ્પેિલન્ગમાં ફેરફાર કરી તેને વધુ સહેલા અને સરળ બનાવ્યા. નોહા વેબ્સ્ટરની હયાતી દરમ્યાન તેના ‘સ્પેલર’ પુસ્તકની ૩૮૫ આવૃત્તિ છપાઈ! જો કે તેમાંની મોટા ભાગની ભૂતિયા આવૃત્તિ – પાયરેટેડ એડિશન – હતી, કારણ એ વખતે અમેરિકામાં કોપીરાઈટનો કાયદો લગભગ નહોતો એમ કહીએ તો ચાલે.

વિદ્યાર્થીઓ માટેનાં ત્રણ પુસ્તકો તૈયાર કર્યા પછી નોહાએ એક મોટું કામ હાથમાં લીધું – અમેરિકન ઇંગ્લિશની પહેલી ડીક્ષનરી બનાવવાનું. પણ પોતાનાં અગાઉનાં ત્રણ પુસ્તકો છાપી છાપીને લેભાગુ લોકો માલેતુજાર થઈ ગયા હતા એટલે નોહાએ નક્કી કર્યું કે ડીક્ષનરી પ્રગટ કરતાં પહેલાં કોપીરાઇટના કાયદા માટે ચળવળ કરવી જરૂરી છે. એટલે તેણે એવી ચળવળ કરી. પરિણામે ૧૭૯૦માં અમેરિકન કોંગ્રેસે આખા દેશ માટે કોપીરાઈટનો કાયદો કર્યો. પણ તેમાં કોપીરાઈટની મુદત માત્ર ચૌદ વર્ષની હતી. એટલે નોહાએ પોતાની ઝુંબેશ ચાલુ રાખી. બહુ ઓછી વ્યક્તિઓને જે માન મળે છે તે નોહાને મળ્યું. મુદતમાં વધારો કરવાની જરૂર શા માટે છે તે અંગે અમેરિકન કોંગ્રેસમાં વક્તવ્ય આપવાનું તેને આમંત્રણ મળ્યું. છેવટે મુદત ૨૮ વર્ષની કરવામાં આવી અને બીજાં ચૌદ વર્ષ તે લંબાવી શકાય એવી જોગવાઈ પણ કરવામાં આવી.

આ ઝુંબેશ દરમ્યાન ડીક્ષનરી તૈયાર કરવાનું કામ તો ચાલુ જ હતું. નોહાનું માનવું હતું કે અમેરિકનોની ભાષા ભલે અંગ્રેજી તરીકે ઓળખાતી હોય, પણ હકીકતમાં તે બ્રિટીશ લોકોની અંગ્રેજી કરતાં જુદી હતી. શબ્દો એકઠા કરવા, તેના અર્થો નક્કી કરવા, વ્યુત્પત્તિ નક્કી કરવી, આ બધાં કામ પાછળ નોહાએ પૂરાં પચાસ વર્ષ ખર્ચી નાખ્યાં. અંગ્રેજી શબ્દોની વ્યુત્પત્તી નક્કી કરવા ખાતર તેઓ બીજી છવીસ ભાષા શીખ્યા, જેમાં સંસ્કૃતનો પણ સમાવેશ થતો હતો. ઘણા બધા શબ્દોના સ્પેિલન્ગમાં તેમ જ અર્થમાં પણ બ્રિટીશ અંગ્રેજી કરતાં તેઓ જુદા પડ્યા. છેવટે ૧૮૦૬માં તેમણે પોતાની પહેલી સંક્ષિપ્ત ડીક્ષનરી પ્રગટ કરી. પછી ફ્રાંસ અને ઇન્ગ્લંડનો પ્રવાસ કરી અંગ્રેજી શબ્દો વિશેની ઘણી માહિતી એકઠી કરી. અને ૭૦ હજાર શબ્દો ધરાવતી ડીક્ષનરી ૧૮૨૮માં પ્રગટ કરી. સુધારાવધારા સાથેની બીજી આવૃત્તિ પ્રગટ કરવા ખાતર તેણે પોતાનું મકાન ગીરવી મૂક્યું. એ પછી નોહા દેવામાંથી ક્યારેય બહાર નીકળી ન શક્યા. બીજી આવૃત્તિની પુરવણી તૈયાર કરવાનું કામ પૂરું થવા આવ્યું હતું ત્યાં ૧૮૪૩ના મે મહિનાની ૨૮મી તારીખે નોહાનું અવસાન થયું.

વિધિના ખેલ પણ વિચિત્ર હોય છે. પોતાની ડીક્ષનરીને કાયદાનું રક્ષણ મળે એટલા ખાતર નોહાએ કોપીરાઇટના કાયદા માટે ઝુંબેશ ચલાવી અને કાયદો કરાવ્યો. પણ તેના અવસાન વખતે ડીક્ષનરીની બંને આવૃત્તિની નકલોના ઢગલે ઢગલા પડ્યા હતા. જ્યોર્જ અને ચાર્લ્સ મેરિયમ નામના બે ભાઈઓએ એ ઢગલા ખરીદી તો લીધા, પણ સાથોસાથ ડીક્ષનરી માટે વેબસ્ટરનું નામ વાપરવાના હક્ક પણ ખરીદી લીધા. એટલે ૧૮૪૭ની આવૃત્તિથી આ ડીક્ષનરી બની મેરિયમ વેબસ્ટર ડીક્ષનરી. પણ વખત જતાં બીજા પ્રકાશકો પણ વેબ્સટરના નામવાળી ડીક્ષનરી છાપવા માંડ્યા. મેરિયમ-વેબ્સ્ટરે અદાલતનાં બારણાં ખખડાવ્યાં, પણ અદાલતે કહ્યું કે ૧૮૦૬માં પ્રગટ થયેલી પહેલી વેબસ્ટર ડીક્ષનરીને ૨૮ વર્ષ પૂરાં થયાં ત્યારે, એટલે કે ૧૮૩૪માં તેના કોપીરાઈટ પૂરા થઈ ગયા છે. એટલે હવે કોઈ પણ પ્રકાશક વેબ્સ્ટરનું નામ વાપરી શકે છે. આજે અમેરિકન બજારમાં ઘણી વેબસ્ટર ડીક્ષનરીઓ મળે છે. તેમાંની ઘણી સાથે નોહા વેબ્સ્ટરને કે તેની ડીક્ષનરીને સ્નાન-સૂતકનો પણ સંબંધ નથી. 

સૌજન્ય : ‘પ્રોફાઈલ’, દીપક મહેતા સંપાદિત ‘અક્ષરની અારાધના’, “ગુજરાતમિત્ર”, 23 જૂન 2014 

Loading

વિભાજનરેખાઓના રાજકારણનો ભોગ બન્યો અખિલ ભારત માટે સુલભ એવી કડીભાષા વિકસાવવાનો નિર્દોષ પ્રયાસ

રમેશ ઓઝા

, રમેશ ઓઝા|Opinion - Opinion|22 June 2014

તીર્થાટન માટે કે ધંધા માટે લોકો એક પ્રાંતથી બીજા પ્રાંતમાં જતા હશે ત્યારે સંવાદ કરવા માટેની કડીભાષા હિન્દુસ્તાની હતી જે પર્શિયન, સંસ્કૃત અને બીજી ડઝનેક લોકભાષાઓના મિશ્રણથી વિકસી હતી. આમ છતાં હિન્દી સામે સાંસ્કૃિતક આક્રમણનો આરોપ કરવામાં આવે છે, કારણ કે એમાં તામિલોને અને દ્રવિડ અસ્મિતાવાદીઓને વિભાજનરેખા મળે છે. હિન્દી સામેની વિભાજનરેખા કાલ્પનિક અને ઊપજાવી કાઢેલી



કેટલાક વાચકોને મારી રવિવારની કૉલમ જોઈને કદાચ લાગતું હશે કે એમાં ઇતિહાસની વાત વધુ આવે છે. આનું કારણ ઇતિહાસનું વળગણ નથી, પરંતુ વર્તમાનને સમજવા માટે ઇતિહાસને સમજવાની જરૂરિયાત છે. વર્તમાન ભારતના મોટા ભાગના પ્રશ્નો ૧૭૫૭માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં શાસક તરીકે પગ જમાવ્યો ત્યારથી લઈને ૧૯૪૭માં અંગ્રેજોએ વિદાય લીધી એ દરમ્યાન પેદા થયા છે અને વિકસ્યા છે. ભારતમાં આજે જોવા મળતી મોટા ભાગની વિભાજનરેખાઓ (ફૉલ્ટલાઇન્સ) એ સમયે પેદા થઈ છે અને વિકસી છે. કેટલીક વિભાજનરેખાઓ ભારતમાં અંગ્રેજો આવ્યા એ પહેલાંથી હતી જ જેને અંગ્રેજોએ પોતાના સ્વાર્થ માટે પોષી હતી અને કેટલીક અંગ્રેજોએ પેદા કરી હતી. એ તમામ અંગ્રેજો દ્વારા સર્જિત અને વિકસિત વિભાજનરેખાઓને લઈને ભારતીયો રાજકારણ કરે એ અંગ્રેજોને માફક આવતું હતું.



વિભાજન હોવું એ એક વાત છે, વિભાજનની રેખાઓ ખેંચવી એ બીજી વાત છે અને વિભાજનની ખેંચાયેલી રેખાઓને રણભૂમિમાં ફેરવી નાખવી એ ત્રીજી વાત છે. વૈવિધ્યના સ્વરૂપમાં વિભાજન આપણે ત્યાં હતું જ. અંગ્રેજોએ વૈવિધ્યને વિભાજન બનાવીને રેખાઓ ખેંચી આપી અને આપણે વિભાજનરેખાઓને રણભૂમિનું સ્વરૂપ આપ્યું. મુસલમાનો મોહરમના તાજિયા જોરશોરથી ઊજવે તો હિન્દુઓ ગણપતિ-મહોત્સવ અને દુર્ગા-મહોત્સવ હજી વધારે જોરથી ઊજવે. પુણેની શાકમાર્કેટમાં સવર્ણો મહાત્મા ફુલેનું પૂતળું માંડવાનો પ્રસ્તાવ ફગાવે તો બહુજન સમાજ લોકમાન્ય ટિળકનું પૂતળું મૂકવાના ઠરાવને ફગાવે. સર સૈયદ મુસલમાનો માટે અલીગઢ યુનિવર્સિટી સ્થાપે તો મદન મોહન માલવીય હિન્દુઓ માટે બનારસ હિન્દુ યુનિવર્સિટી સ્થાપે. વૈવિધ્યને રણભૂમિનું સ્વરૂપ આપનારા અહીં માત્ર ત્રણ જ દાખલા આપ્યા છે, બાકી શ્વાસ લીધા વિના આવા બીજા ૩૦ દાખલા આપી શકાય. 


અંગ્રેજોએ વૈવિધ્યને વિભાજન તરીકે કેવી રીતે સ્થાપ્યું? ભાગલા બરાબર નજરે પડે એમ રેખાંકિત કઈ રીતે કર્યા? એને ભારતીય પ્રજા માટે રણભૂમિમાં કેવી રીતે ફેરવ્યા? આની એક તરકીબ છે અને એ દુનિયાભરમાં વિભાજનવાદીઓ વાપરે છે. અંગ્રેજોએ અજમાવેલી તરકીબ હજી આજે પણ આપણે ત્યાં કેટલાક લોકો વાપરે છે.



વિભાજનરેખાઓ વિકસાવવાની તરકીબ એવી છે કે આપણને ન ગમતી હોય એવી પ્રત્યેક અજાણી અને પરાઈ ચીજ પર સત્તા અને પ્રભાવ કે વર્ચસ્વ (હેજેમની)નું આરોપણ કરો. જેમ કે મરાઠીઓને ઉત્તર ભારતીય ન ગમતા હોય તો એમ કહો કે મહારાષ્ટ્ર પર ઉત્તર ભારતનું સાંસ્કૃિતક આક્રમણ થઈ રહ્યું છે. ભોજપુરી સિવાય બીજી કોઈ ભાષા નહીં જાણનારો અને તુલસીદાસની પાંચ ચોપાઈ કે હનુમાન ચાલીસા સિવાય સાહિત્ય નહીં જાણનારો માણસ ભૂખ મિટાવવા મુંબઈ આવે એને સાંસ્કૃતિક આક્રમણખોર તરીકે ઓળખાવવામાં આવે છે. આવું આરોપણ એ વિભાજનરેખા વિકસાવવા માટેનો ભાગ્યે જ સાચો, મોટા ભાગે આછોપાતળો કે ક્યારેક સાવ કાલ્પનિક પદાર્થ છે. 



તામિલોનો હિન્દીવિરોધ આવો ત્રીજા પ્રકારનો, સાવ કાલ્પનિક એવો આરોપિત પદાર્થ છે. તેઓ હિન્દી ભાષાને ઉત્તર ભારતના સાંસ્કૃિતક આક્રમણ તરીકે ઓળખાવે છે અને ઉત્તર ભારતના સાંસ્કૃિતક આક્રમણથી બચવા હિન્દીનો વિરોધ કરે છે. આ વિભાજનરેખા પણ અંગ્રેજોના વારાની છે અને અત્યારે વધારે મજબૂત બની છે.



સંસ્કૃત ભાષા એક જમાનામાં સવર્ણોની અભિવ્યક્તિનું માધ્યમ હતી એટલે એ ભાષા આમ માણસથી ખાસ માણસને બચાવનારી સાંસ્કૃિતક કિલ્લેબંધીની ભાષા હતી. સંસ્કૃત ભાષાની પ્રચંડ વગ (હેજેમની) હતી એટલે સંસ્કૃત ભાષાની વગ તોડવા માટે બુદ્ધ અને મહાવીરે તેમનો સંદેશ લોકભાષામાં આપ્યો હતો. મધ્યકાલીન સંતોએ પણ સંસ્કૃત ભાષાની જ્ઞાન પરની ઇજારાશાહીને તોડવા લોકભાષાઓમાં તત્ત્વજ્ઞાન પીરસ્યું હતું. 



અંગ્રેજોએ કલકત્તાને રાજધાની બનાવી એટલે બંગાળીઓને પાશ્ચાત્ય શિક્ષણનો લાભ બીજા કરતાં પહેલાં મળ્યો હતો. બંગાળમાં સુધારો વહેલો થયો એટલે બંગાળી ભાષા પૂર્વ ભારતમાં વગ ધરાવતી ભાષા બની ગઈ અને એના દ્વારા પૂર્વ ભારતના પ્રાંતોમાં બંગાળી ભદ્રવર્ગ વર્ચસ્વ ધરાવતો હતો. બંગાળ, ઓડિશા, બિહાર, ઝારખંડ અને સમગ્ર ઈશાન ભારત પર ભદ્રવર્ગના બંગાળીબાબુઓ અને તેમની ભાષાનું વર્ચસ્વ હતું. બંગાળીઓ અને બંગાળી ભાષા સામેનો અણગમો આજે પણ પૂર્વ ભારતમાં જોવા મળે છે. ભારતમાં પર્શિયન ભાષા એક જમાનામાં વગદાર લોકોની વગ વિસ્તારનારી ભાષા હતી જે રીતે આજે અંગ્રેજી ભાષા છે. 



સવાલ એ છે હિન્દી ભાષાએ આવો દબદબો, સત્તા, વગ, ઐશ્વર્ય ક્યારે ભોગવ્યું છે? હિન્દી ઇતિહાસના કયા કાલખંડમાં સાંસ્કૃતિક ઇજારાશાહી કે આક્રમણની ભાષા હતી? સંસ્કૃત દ્વારા બ્રાહ્મણોએ, બંગાળી દ્વારા બંગાળી ભદ્રવર્ગે, પર્શિયન દ્વારા કાયસ્થોએ કે અંગ્રેજી દ્વારા સવર્ણો જે વગ ભોગવી છે એવી કઈ વગ હિન્દીભાષિકે ભોગવી છે કે ભોગવે છે? હિન્દીનો ઇતિહાસ તો સામાન્ય માણસનો બીજા સામાન્ય માણસ સુધી પહોંચવાની મથામણનો ઇતિહાસ છે. એને સાંસ્કૃિતક ઇજારાશાહી, સાંસ્કૃિતક આક્રમણ કે કલ્ચરલ હેજેમની સાથે દૂર-દૂરનો પણ સંબંધ નથી.



આવડા મોટા દેશમાં સેંકડો વર્ષ સુધી પ્રજા અપ્રવાસી તો નહીં રહી હોય. ર્તીથાટન માટે કે ધંધા માટે લોકો એક પ્રાંતથી બીજા પ્રાંતમાં જતા હશે ત્યારે સંવાદ કરવા માટે કોઈક તો કડીભાષા હશે જ. એ કડીભાષા હિન્દુસ્તાની હતી જે પર્શિયન, સંસ્કૃત અને બીજી ડઝનેક લોકભાષાઓના મિશ્રણથી વિકસી હતી અને જેમ-જેમ પ્રવાસન વધ્યું એમ વિકસી રહી હતી. આ એવી ભાષા હતી જે જરૂરિયાતમાંથી વિકસી હતી, એનો કોઈ ભવ્ય ઇતિહાસ નહોતો કે સાંસ્કૃિતક વારસો નહોતો. આજે જેને હિન્દી કહેવામાં આવે છે એનું તો દોઢસો વર્ષ પહેલાં અસ્તિત્વ જ નહોતું. આજે જેને હિન્દીનું મધ્યકાલીન સાહિત્ય કહેવામાં આવે છે એ વાસ્તવમાં અવધી કે વ્રજ કે એવી બીજી પ્રાદેશિક ભાષામાં હતું. હિન્દી કે હિન્દુસ્તાનીમાં સાહિત્ય લખાવાની શરૂઆત તો ભારતેન્દુ હરિશ્ચન્દે ઉત્તર ભારતીયો માટે ખડી બોલી વિકસાવી એ પછીનું છે. 



જેનો ઇતિહાસ આટલો ટૂંકો છે એના સાંસ્કૃિતક આક્રમણનો પ્રશ્ન જ ક્યાંથી આવ્યો? આમ છતાં હિન્દી સામે સાંસ્કૃિતક આક્રમણનો આરોપ કરવામાં આવે છે, કારણ કે એમાં તામિલોને અને દ્રવિડ અસ્મિતાવાદીઓને વિભાજનરેખા મળી રહે છે. આગળ કહ્યું એમ હિન્દી સામેની વિભાજનરેખા કાલ્પનિક અને ઊપજાવી કાઢેલી છે. દુર્ભાગ્ય એ વાતનું છે કે અખિલ ભારત માટે સુલભ એવી કડીભાષા વિકસાવવાનો નિર્દોષ પ્રયાસ વિભાજનરેખાઓના રાજકારણનો ભોગ બની ગયો.



હિન્દીને કેન્દ્રમાં રાખીને વિભાજનરેખાનું સંકુચિત રાજકારણ માત્ર તામિલો કરે છે એવું નથી. હિન્દુત્વવાદીઓએ અને હિન્દી ભાષાભિમાની બ્રાહ્મણ પંડિતોએ પણ વિભાજનરેખા વિકસાવવામાં ફાળો આપ્યો છે. એ બધાએ હિન્દુસ્તાનીનું કાસળ કાઢી નાખ્યું છે. આગળ કહ્યું એમ વિકસી રહેલી હિન્દુસ્તાની ભાષામાં સંસ્કૃત, પર્શિયન અને બીજી એક ડઝન લોકભાષાઓનું મિશ્રણ હતું. વિભાજનરેખાના રાજકારણના ભાગરૂપે હિન્દુત્વવાદી અને હિન્દી ભાષાભિમાની પંડિતોએ હિન્દુસ્તાનીમાંથી પર્શિયન, અરબી તેમ જ લોકભાષાઓના ગ્રામીણ શબ્દો હટાવીને શુદ્ધ સંસ્કૃતનિષ્ઠ હિન્દી ભાષા માટે આગ્રહ રાખ્યો હતો. હજી પણ તેઓ એ પ્રવૃત્તિ કરી રહ્યા છે. તેમની આવી પ્રવૃત્તિને કારણે દ્રવિડ અસ્મિતાવાદી રાજકારણ કરનારાઓને સંસ્કૃતના અને એ રીતે ઉત્તર ભારતની આર્યસંસ્કૃતિના આક્રમણનો આરોપ કરવાનો મોકો મળી ગયો હતો. શુદ્ધ સંસ્કૃતનિષ્ઠ હિન્દી ભાષાનો આગ્રહ રાખનારાઓ પોતે અંગ્રેજીમાં વહેવાર કરે છે. શાસનસંસ્થામાં દરેક જગ્યાએ તેઓ ગોઠવાયેલા છે. તેમના માટે હિન્દી હિન્દુ અસ્મિતાની ભાષા છે, જરૂરિયાતની ભાષા નથી. આ લોકોએ સામાન્ય ભારતીયની જરૂરિયાતની ભાષા હિન્દુસ્તાનીનું કાસળ કાઢી નાખ્યું અને તામિલોને વિરોધ કરવાનો મોકો આપી દીધો. હિન્દુસ્તાની ભાષા દ્વારા દેશને જોડવાનો એક સુંદર અને નિર્દોષ લોકપ્રયત્ન આ વિભાજનરેખાનું રાજકારણ કરનારાઓએ રોળી નાખ્યો.



ગાંધીજીને આ જોખમ ધ્યાનમાં આવી ગયું હતું. તેઓ તો દરેક પ્રકારની વિભાજનરેખાઓનો વિરોધ કરતા હતા અને એમાં કડીભાષાની વિભાજનરેખા કાલ્પનિક અને ઊપજાવી કાઢેલી છે એ તેમને સમજાઈ ગયું હતું. તેમણે ભારતની રાષ્ટ્રભાષા તરીકે હિન્દીની જગ્યાએ હિન્દુસ્તાનીને બનાવવાનો આગ્રહ રાખ્યો હતો. તેમણે હિન્દુસ્તાની પ્રચારસભાની સ્થાપના કરી હતી જે સમગ્ર દક્ષિણ ભારતમાં કામ કરતી હતી અને દક્ષિણ ભારતીયોમાં એને સારો પ્રતિસાદ મળતો હતો. સી. રાજગોપાલાચારી જેવા દક્ષિણ ભારતના દિગ્ગજ નેતા એમાં ગાંધીજીને સાથ આપતા હતા. એટલું તો તેમને પણ સમજાતું હતું કે આ દેશને કડીભાષાની જરૂર છે. પેરિયાર રામસ્વામી નાયકર જ્યારે આર્યઅસ્મિતા વિરુદ્ધ દ્રવિડ અસ્મિતાનું રાજકારણ કરતા હતા ત્યારે રાજાજીએ એનો વિરોધ કર્યો હતો, પરંતુ જ્યારે ઉત્તર ભારતના હિન્દી ભાષાભિમાની પંડિતોએ હિન્દીને સંસ્કૃતનિષ્ઠ કરવાનો આગ્રહ રાખવા માંડ્યો અને હિન્દી ભાષાને આર્યઅસ્મિતા સાથે જોડવા માંડી ત્યારે દક્ષિણમાં હિન્દુસ્તાની પ્રચાર કરનારા રાજાજી હિન્દીવિરોધી થઈ ગયા હતા.



ગાંધીજીને પરાસ્ત કરવા અને રાજાજીને ગુમાવવા એ આપણી કમાણી છે. 

‘નો નૉનસેન્સ’ નામે લેખકની સાપ્તાહિકી કટાર, ‘સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 22 જૂન 2014

http://www.gujaratimidday.com/features/columns/sunday-sartaaj-22062014-24

Loading

...102030...3,9873,9883,9893,990...4,0004,0104,020...

Search by

Opinion

  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved