Opinion Magazine
Number of visits: 9870913
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

માણસનો પર્યાય શોધી રહેલી ટેક્નોલોજી ન પાલવે!

સનત મહેતા|Opinion - Opinion|24 October 2014

માણસનો પર્યાય શોધી રહેલી ટેક્નોલોજી ન પાલવે !

ત્રીજો પ્રવાહ : ગાંધી યંત્રવિરોધી નહોતા, માણસને બેકાર બનાવે એવા યંત્રોના વિરુદ્ધમાં હતા

બધા એ વાતનો સ્વીકાર છે કે, ભારત પાસે વિશ્વના, ચીન, અમેરિકા કે જર્મની પાસે નથી, તે છે. વિશાળ યુવાન જનસંખ્યા. ચીનની જનસંખ્યા ભારત કરતાં વધુ છે, પણ ત્યાંની જનતાની ઉંમર સરેરાશ ઊંચી છે. જ્યારે ભારત પાસે વિશ્વના સૌથી વધુ યુવાન જનતા છે. જેને અર્થશાસ્ત્રની પરિભાષામાં Demograhic Divdend ‘વસ્તીજન્ય ફાયદો’ કહેવાય છે. કુદરતે ચાર હાથે આપેલા આ ફાયદાનો લાભ લેવાનો સહુથી ઉત્તમ માર્ગ છે – પૂરતી રોજગારી ઊભી કરવાનો. ઉદ્યોગો આવશે તો રોજગારી લાવશે.

ઉદ્યોગો લાવવા વિશાળ મૂડી જોઈશે. ભારત હજુ વિકાસશીલ દેશ છે એટલે મૂડી રોકાણ ઊભુ કરવું પડશે. આ માટે ભારતના વડાપ્રધાન જાપાન જઈ આવ્યા. હમણાં જ વધુમાં જાહેર કરાયું કે જાપાન ગુજરાતને મેટ્રો માટે નાણાં આપશે. પણ સવાલ એફ.ડી.આઈ.થી નથી ઉકેલતો. એ તો ઉકલે કેટલી વધુ રોજગારી ઊભી થઈ છે એનાથી! આ વસ્તીજન્ય ફાયદો મેળવવા એવું રોકાણ કરવું પડે, જે રોજગારીમાં ઝડપી વધારો કરી શકે!

એટલે કે ઓછા મૂડી રોકાણ છતાં વધુ રોજગારી. હવે નજર નાંખીએ, આપણી રોજીની જરૂરિયાત પર. આધારભૂત ગણતરી જણાવે છે કે, 2012-17 વચ્ચે ભારતે દર વરસે ખેતી સિવાયના ક્ષેત્રમાં 170 લાખ રોજગારી પેદા કરવી પડશે. એટલે કે પાંચ વરસમાં (2012-17) વચ્ચે નવી સાડા આઠ કરોડ રોજગારી ઊભી કરવી પડે! આ વધારાને રોકી કે મોડો કરી શકાતો નથી. હવે, આપણે હકીકત પણ સમજી લઈએ. ગુજરાતમાં અખબારોમાં બે ઉદ્યોગો વિષે હમણાં સમાચારો ચમક્યા છે.બેચરાજી પાસે વિઠ્ઠલાપુર નજીક મુખ્યપ્રધાનશ્રીએ વરસે બાર લાખ સ્કૂટરનું ઉત્પાદન કરનારા હોન્ડા કંપનીના પ્લાન્ટનું ખાતમુર્હૂત કર્યું છે.

જેમાં રૂ. 1,100 કરોડનું રોકાણ થનાર છે. પરિણામે 3,000 વ્યક્તિને સીધી રોજગારી મળશે. એનો અર્થ એ થયો કે રૂ. એક કરોડ આઠ લાખના રોકાણે ત્રણ વ્યક્તિને રોજી મળશે. ગુજરાતના મુખ્ય પ્રધાને આજ સમયમાં ઝઘડિયામાં અમેરિકાની અબોટ કંપનીના ગ્રીન ફીલ ન્યુટ્રીશન મેન્યુફેકચરીંગ પ્લાન્ટનું લોકાપર્ણ કર્યું છે. આ પ્લાન્ટ પણ રૂ. 450 કરોડના રોકાણથી 400 વ્યક્તિને રોજગારી આપશે એટલે કે રૂ. 1.25 કરોડના રોકાણે એક વ્યક્તિને રોજી મળશે. હવે ભારતને દર વરસે 120 લાખને રોજી આપવી હોય તો રૂ. 1.25 કરોડના હિસાબે રૂ. 150 લાખ કરોડ જોઈએ.

નિષ્ણાતો કહે છે કે વિશ્વમાં અત્યાર સુધીમાં ત્રણ ટેકનોલોજી એવી આવી છે જેણે વિશ્વની પ્રગતિ અને સમૃદ્ધિમાં મુખ્ય હિસ્સો આપ્યો છે. પહેલી ટેકનોલોજી દુનિયામાં 18મી સદીના અંતમાં આવી જે ‘ઔદ્યોગિક ક્રાંતિ’ તરીકે જાણીતી છે. જ્યારે વરાળથી ચાલતા યંત્રો અમલમાં આવ્યા, ત્યાર પછીના 100 વરસ પછી બીજી ટેકનોલોજી વીજળીની આવી. જ્યારે ઘોડાથી દોડાવાતા વાહનો ગાયબ થઈ ગયા. હાથશાળોનો યુગ સમાપ્ત થઈ ગયો.

આ બે ટેકનોલોજીના કારણે નવાં આર્થિક માળખાં, કારખાનાં અમલમાં આવ્યાં. ટેકનોલોજીના આ બે પ્રવાહથી સમાજમાં રોજગારીના પ્રકારમાં અનિચ્છનીય ફેરફાર ન થયા. પણ વિશ્વમાં વીજળીના શોધક એડિસન પછી ત્રીજો પ્રવાહ કમ્પ્યૂટર અને કમ્પ્યૂટર આધારિત, એની ચીપ આધારિત સંદેશા વ્યવહારે, વિશ્વને બદલાવવાનું શરૂ કર્યું છે. 1950 સુધીમાં ઈન્ટીગ્રેટેડ સર્કિટ આવી પછી સ્માર્ટ ફોન આવ્યા અને પછી તો સુપર કમ્પ્યૂટરની શક્તિને વટાવી શકે એવી પ્રોસેસિંગ શક્તિ આવી.

તાજેતરમાં એરીક બ્રિન્જાલ્ફસન અને એન્ડ્રયુ મેકફીના પુસ્તક ‘Race against Machine’ જણાવે છે કે, આજે કમ્પ્યૂટરની અસરકારકતા 43 ગણી વધી ગઈ છે. હવે તો અશક્ય મનાતા ક્ષેત્રોમાં વિજ્ઞાન સફળ થવા માંડ્યું છે. હવે ડ્રાઈવર વગરની મોટરકાર અને પાયલોટ વગરના ડ્રોનનો ઉપયોગ શરૂ થયો છે. પહેલા જે ભાષાઓ બોલાવી કે સમજવી અઘરી ગણાતી હતી, એપલે એવી શોધ સફળ બનાવી છે કે ઈ-મેઈલ કોઈ પણ ભાષાનું ડિકટેશન લઈ શકે. ગુગલની ભાષાંતર શક્તિ ચોક્કસ અને પલકવારમાં ટાઈપ કરી તમારા હાથમાં એની પ્રત મૂકી શકે છે.

આ ત્રીજો પ્રવાહ તો વિકાસ, રોજગારીને નામશેષ કરી રહ્યો છે. વિશ્વના અર્થશાસ્ત્રીઓ માને છે કે, લગભગ 700 પ્રકારના ધંધા રોજગારને અસર કરશે. ટૂંકમાં વિકાસશીલ દેશો આ ત્રીજા રસ્તે આગળ વધશે તો મૂડીરોકાણ વધુ અને રોજગારીક્રમ એ પ્રક્રિયા ભયજનક સ્તરે પહોંચી જશે. એટલે ભારતે આજના વિશ્વમાં વિકાસ સાધવો હશે, કરોડોને રાતોરાત રોજગારી આપવી હોય તો મૂડીરોકાણ અને આવી રહેલી ટેકનોલોજીની પસંદગી ભારતની જરૂર મુજબની હોવી જોઈએ.

જે પહેલી અને બીજી ટેકનોલોજીથી સમૃદ્ધ બની ગયા છે એનું આંખમીંચી અનુકરણ કરીશું તો અબજો ખર્વોના મૂડી રોકાણ પછી પણ ટેકનોલોજીની આંધળી પસંદગી બરબાદી લાવશે. ગાંધી યંત્રવિરોધી નહોતા, માણસને બેકાર બનાવે એવા યંત્રોના વિરુદ્ધમાં હતા. વિશ્વમાં આ ટેકનિકક્રાંતિના ત્રીજા પ્રવાહની વિશદ્દ ચર્ચા અને વિચારણા ચાલી રહી છે ત્યારે ભારતે સમજવું પડશે કે, વરાળ કે વીજળીએ ઘોડાનો પર્યાય આપ્યો હતો. હવે ટેકનોલોજીનો આ ત્રીજો પ્રવાહ માણસનો પર્યાય વિકસાવી રહ્યો છે ત્યારે વિચારીને આગળ વધીએ.

સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, Oct. 23, 2014

Loading

જન્મ શતાબ્દી : ઉત્તમ આચાર્ય, સક્રિય સાક્ષર યશવંત શુક્લ

સંજય શ્રીપાદ ભાવે|Profile|24 October 2014

અમદાવાદમાં આશ્રમ રોડ પર નહેરુ પુલ પાસે શ્રી હરિવલ્લભદાસ કાળિદાસ (એચ.કે.) જૂથની કૉલેજોનો પરિસર છે. પાંચ માળની વિશાળ ઇમારત, માટી સાથેનું મેદાન, ભોંયતળિયે નાટ્યગૃહ, તેની પછવાડે નદી કિનારે ઇતિહાસ સંશોધન કેન્દ્ર છે. આ પરિસર જોતાં લાગે છે કે ઇમારત કભી બુલંદ થી !  શ્રી એચ.કે. આર્ટસ્ કૉલેજની એક જમાનાની બુલંદી પાછળ તેના સ્થાપક આચાર્ય યશવંત શુક્લની કાબેલિયત હતી. તેમનું આ જન્મશતાબ્દી વર્ષ છે.

કૉલેજની માતૃસંસ્થા ગુજરાત વિદ્યાસભાએ તેના આ દીર્ઘકાલીન કર્ણધારના સ્મરણમાં પ્રસિદ્ધ કરેલા ‘યશવંત શુક્લ : બહુમુખી પ્રતિભા’ (2000) સંચયના છત્રીસ લેખકોએ યશવંતભાઈને ‘વિદ્યાક્ષેત્રે કબીરવડ’, ‘શૈક્ષણિક વિશ્વના મહાજન’, ‘ખરા ઇલ્મી, ખરા શૂરા’, ‘વિદ્યાપુરુષ’, ‘સંસ્કારપુરુષ’, ‘વાત્સલ્યમૂર્તિ’, ‘ખરેખરા મિત્ર’ જેવા શીર્ષક સાથેના લેખોથી અંજલિ આપી છે. અલબત્ત તેમનું સહુથી વધુ ઉપસી આવતું પાસું આચાર્યપદનું છે. આજના માહોલમાં તે ઍકેડેમિક અને ઍડેમિનિસ્ટ્રેટિવ રીતે પ્રસ્તુત પણ છે.

યશવંતભાઈના વાસ્તવવાદી શિક્ષણદર્શનની વ્યાપકતાના ઘણા દાખલા આપી શકાય. વર્ષો પહેલાં તેમણે માનવવિદ્યાશાખામાં અનેક વિષયો ભણાવવાનું શરૂ કર્યું. એટલે આજે પણ એચ.કે.માં તત્ત્વજ્ઞાન, ભારતીય સંસ્કૃિત, ભૂગોળ અને રાજ્યશાસ્ત્ર વિષયો છે જે ભાગ્યે બીજી કોઈ કૉલેજમાં હોય. પત્રકારત્વ અને નાટ્યવિદ્યાના અભ્યાસક્રમો શરૂ કરવામાં પણ યશવંતભાઈ ગુજરાતમાં અગ્રસ્થાને હતા. રાષ્ટ્રીય સેવા યોજનાની પ્રવૃત્તિ બહુ વહેલી શરૂ કરનાર પણ આ કૉલેજ હતી. વળી તે વિદ્યાર્થીઓ અને અધ્યાપકો માટેની બૌદ્ધિક અને સાંસ્કૃિતક પ્રવૃત્તિનું કેન્દ્ર પણ હતી. તેમાં તેનું સ્થાન યશવંતભાઈના ઉત્તરાધિકારી ચીનુભાઈ નાયકે દોઢ દાયકા સુધી જાળવી રાખ્યું. વિદગ્ધ વાચક યશવંતભાઈના વારસાનો કૉલેજનો અત્યારનો એકમાત્ર નક્કર ઘટક એટલે બે માળનું સમૃદ્ધ અને સુવ્યવસ્થિત ગ્રંથાલય.

કૉલેજમાં અધ્યાપકો નિયમિત સમયસર આવે ત્યારથી લઈને તે વિદ્યાકીય સજ્જતામાં સમયની સાથે રહે તે માટેની લગભગ તમામ તકેદારીની શરૂઆત યશવંતભાઈએ પોતાનાં આચરણ, અભ્યાસ અને અધ્યાપનથી કરી. વિદ્યાર્થીશક્તિના ઉછાળાના સિત્તેરના દાયકામાં પણ તે વિદ્યાર્થીઓને શિસ્ત અને વિધાયકતામાં રાખી શક્યા તેનું કારણ અધ્યાપકોમાં તેમણે આ વૃત્તિઓનું સિંચન કર્યું. ધોરણસરનું વર્ગશિક્ષણ, ચોકસાઈભર્યું પરીક્ષાકાર્ય, સ્વાધ્યાય-વાચન-પ્રવચન, સામાજિક સહભાગિતા જેવી ઉચ્ચ શિક્ષણમાં આજે ઘટી ગયેલી બાબતો એક સમયે એચ.કે.ની ખાસિયતો હતી.  ગુજરાતના સંખ્યાબંધ સાક્ષરો એચ.કે. કૉલેજમાં અધ્યાપકો તરીકે અથવા વિદ્યાસભામાં લેખક-સંશોધક તરીકે જોડાયેલા હતા.

અધ્યાપકોની વિદ્વત્તા માટેના પૂરા આદર સાથે યશવંતભાઈ તેમને કૉલેજમાં કર્તવ્યનિષ્ઠ રાખતા. તેના પરિણામે વિદ્યાર્થી અને વ્યાપક રીતે સમાજને ઘણો લાભ થયો. અનેક ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રદાન કરનારા એચ.કે.ના પૂર્વ વિદ્યાર્થીઓ અને અધ્યાપકોની યાદી બહુ લાંબી છે. વિદ્યાર્થીઓ માટે બહારથી કડક પણ મનથી હિતચિંતક યશવંતભાઈના મદદ-માર્ગદર્શન-પ્રોત્સાહનથી સફળતા મેળવનારાના સંભારણાં વાંચવા મળે છે. તે જ રીતે કૉલેજની સમસ્યાઓને મક્કમ નિર્ણયથી ઉકેલી હોવાના દાખલા પણ પુસ્તકમાં છે. જો કે યશવંતભાઈ ‘સકલપુરુષ’ ન હતા. તેમના ભાગે એરર્સ ઑફ કમિશન ઍન્ડ ઓમિશન, અર્થાત્ સિદ્ધાન્તને જોડવા-છોડવાની, કેટલીક મર્યાદાઓ હતી. કહેવા ને કરવા વચ્ચેના ભેદના દેખીતા પ્રસંગો પણ હતા. પણ તેના કરતાં સમાજજીવનનું તેમનું એકંદર પ્રદાન વધુ મહત્ત્વનું છે.

ગુજરાતી સાહિત્યના પૂર્વ અધ્યક્ષ સાક્ષર યશવંત શુક્લ તેમની જિંદગીના ચોર્યાસીમા છેલ્લા વર્ષ 1999માં, અવસાનના બરાબર સવા બે મહિના પહેલાં, બીજી ઑગસ્ટે સેક્યુલર ડેમૉક્રસી આંદોલને યોજેલા માનવસાંકળના કાર્યક્રમમાં નહેરુ પુલ પર નાદુરસ્ત તબિયતે પણ  બે કલાક ઊભા રહ્યા હતા. તે પહેલાંના વર્ષે તે મીઠાખળી વિસ્તારની બાળકો માટેની મ્યુિનસિપલ શાળા પૈસાદારોના હાથમાં ન જાય તે માટે આઠેક મહિના ચાલેલા લોકઆંદોલનમાં રસ્તા પરનાં બધાં ધરણાં-દેખાવોમાં જોડાયા હતા. જાહેરજીવનની કેટલી ય ઘટનાઓમાં તેમણે નિસબત ધરાવતા નાગરિક તરીકે ભૂમિકા ભજવી હતી. તેમાં સાહિત્ય પરિષદમાં મુનશીના આધિપત્ય સામેની ચળવળ, ટીકાસ્પદ બનેલો સામ્યવાદી ચીનનો પ્રવાસ, ગુજરાત યુનિવર્સિટીની સેનેટ, અધ્યાપકોનાં સંગઠન, ભૂદાન, મહાગુજરાત અને નવનિર્માણ આંદોલનો, 1986માં દુષ્કાળ પ્રતિરોધ સમિતિના નેજા હેઠળ રાજકોટની શેરીઓમાં ફરીને અનાજની ઉઘરાણી જેવી સામેલગીરીનો સમાવેશ થાય છે. તેઓ અનેક પ્રકારની સંસ્થાઓનાં સંચાલકમંડળમાં હતા. 

નાગરિક વિમર્શમાં હંમેશાં અભ્યાસપૂર્ણ રસ લેનારા યશવંતભાઈનો માર્ક્સ અને ગાંધીને સમજવાનો પ્રયત્ન એમના ઓછા જાણીતા ‘ક્રાન્તિકાર ગાંધી’ પુસ્તકમાં જોવા મળે છે. ઉત્તમ વક્તા તરીકે સંખ્યાબંધ આમંત્રણો સ્વીકારનાર યશવન્તભાઈએ અનેક પુસ્તકો પણ આપ્યાં છે. ‘ઉપલબ્ધિ’, ‘શબ્દાન્તરે’ અને ‘પ્રતિસ્પંદ’માં સમજાય તેવાં વિવેચનલેખો છે. ‘કેન્દ્ર અને પરિઘ’ તેમ જ ‘કંઈક વ્યક્તિલક્ષી અને કંઈક સમાજલક્ષી’ સાહિત્ય ઉપરાંત ઇતિહાસ સંસ્કૃિત, રાજકીય વિચાર, પત્રકારત્વ જેવા વિવિધ વિષયો પરના લેખોનો સંગ્રહ છે. નબળી આર્થિક પરિસ્થિતિને કારણે કમાણી માટે કઠોર પરિશ્રમ કરીને મેળવેલા શિક્ષણમાં અર્થશાસ્ત્ર અને ઇતિહાસમાં બી.એ. તેમ જ ગુજરાતી અને અંગ્રેજી સાહિત્યમાં એમ.એ. કરનારા યશવંતભાઈએ કેટલાંક સંપાદનો ઉપરાંત અનુવાદો કર્યા છે. તેમાં નૉર્વેજિયન નાટકકાર ઇબ્સનના ‘લેડી ફ્રૉમ ધ સી’ નાટક તેમ જ યુરોપના કૌટિલ્ય મૅકિયાવેલીના ‘પ્રિન્સ’ અને વિશ્વચિંતક બર્ટ્રાન્ડ રસેલના ‘પાવર’ પુસ્તકો  છે.

વિદ્યાસભા અને એચ.કે. જૂથની કૉલેજમાં બીજી સંસ્થાઓની સરખામણીએ લોકશાહી અભિગમ અને ઉદારમતવાદિતા જોવા મળે છે તેમાં યશવંતભાઈના વિચાર-આચાર અને ચીનુભાઈના લાગણીપ્રધાન વાણીવ્યવહારનો ફાળો છે. એચ.કે.ની માટીમાં પડેલાં યશવંતભાઈનાં પગલાં ભૂંસાતાં જઈ રહ્યાં છે. કૉલેજ  પરિસરની માટીમાં તેમણે છેલ્લા પ્રવાસ પહેલાંનો છેલ્લો વિસામો લીધો હતો. તે તારીખ હતી 1999ના વર્ષની  ત્રેવીસ ઑક્ટોબર.

21 ઑક્ટોબર 2014                             

********

e.mail : sanjaysbhave@yahoo.com

Loading

નરેન્દ્ર મોદી ઃ એક મૂલ્યાંકન

જયંતી પટેલ|Samantar Gujarat - Samantar|22 October 2014

‘નરેન્દ્ર આપખુદશાહી વ્યક્તિત્વ અને તે સાથે સંલગ્ન ભયોન્માદ (Paranoia)નું લક્ષણ ધરાવે છે. તે સતત વિરોધીઓ અને હરીફોથી ભય અનુભવે છે. પરિણામે તેમની સર્વોચ્ચા તેને પડકારે તેવા કોઈને સાંખી લેતા નથી. તેમની સુરક્ષા માટે લેવાતી ઝીણવટભરી કાળજી તથા અનેક અંગરક્ષકો(કમાન્ડો)ની ફોજ તેની સાક્ષીરૂપ છે. આ પ્રકારનું માનસ ધરાવતી વ્યક્તિ કટોકટીભર્યા સંજોગોમાં અસમતોલ પ્રતિભાવ આપે તેવો સંભવ રહે છે.’

આરંભ

નરેન્દ્ર મોદી કિશોરવયથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિચારો અને પ્રવૃત્તિથી આકર્ષાયા હતા. કુટુંબ, પત્નીને ત્યજી સંઘના કાર્યને સમર્પિત થયા. સમય જતાં સંઘના કાર્યકરો અને યુવકોમાં તેમણે પોતાનું સ્થાન જમાવ્યું. પોતાની શૈક્ષણિક લાયકાતો સુધારવા તેમણે અનુસ્નાતક અભ્યાસ આરંભ્યો. ગુજરાત યુનિવર્સિટીના સમાજવિદ્યા ભવનમાં રાજ્યશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે જોડાયા. અહીં હું શિક્ષક હોવાથી તેઓ મારા સંપર્કમાં આવ્યા.નવનિર્માણ આંદોલન, તથા દસાડાની બેઠક પરથી ચૂંટણી લડતા જનતા મોરચાના ઉમેદવાર ભીમાભાઈની ચૂંટણીનું સંચાલન હું કરતો હતો, ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરોને તેમાં મદદરૂપ થવા તેમણે પોતાની વગનો ઉપયોગ કર્યો હતો. ઈન્દિરાઈ કટોકટી દરમિયાન શરૂઆતમાં તેઓ ભૂગર્ભમાં ચાલ્યા ગયા. દાઢી વધારી સરદારજી જેવો દેખાવ બનાવ્યો. આ દરમિયાન ક્યારેક તેઓ મારા ઘેર પણ આવતા.

વૈચારિક ભૂમિકા

નરેન્દ્ર, તેમનો પક્ષ તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નાઝીવાદી/ફાસીવાદી વિચારધારાનો વારસો ધરાવે છે. હિંદુવાદી આક્રમક રાષ્ટ્રવાદ તેમનો પાયો છે. આ પ્રકારની વિચારધારા માનવીય મૂલ્યો કરતાં સત્તા અને આધિપત્ય ઉપર વિશેષ ભાર મૂકે છે. તેઓ પ્રજાની લાગણીઓ ઉપર સવાર થઈ સત્તા ભોગવવા મથે છે. કોમવાદી લાગણીઓને ઉશ્કેરી ઝનૂની સમર્થન મેળવે છે. માનવીય, રેશનલ કે વૈજ્ઞાનિક અભિગમને તેઓ નકારે છે. વિશેષમાં, તેઓ કોઈ પુરાતન સુવર્ણયુગની ભ્રામક કલ્પનાનો હવાલો આપી, તે તરફ પાછા ફરવાની હિમાયત કરે છે. તે વફાદારી ઉપર ભાર મુકતા અને વિચારધારામાં પલોટાયેલા પ્રતિબદ્ધ યુવાનોનું મજબૂત સંગઠન ઊભું કરે છે, જે, જરૂર પડે, શેરીઓમાં ઊતરી આવી ભયનું વાતાવરણ સર્જી શકે છે. તેઓ મતભેદ કે વિરોધને સાંખી લેતા નથી.

સત્તાલાલસા

સત્તાલાલસા ગજબનું પ્રેરકબળ છે. સત્તા હસ્તગત કરવાની નેમ ધરાવતી વ્યક્તિ કોઈ બંધનો સ્વીકારતી નથી. તે પોતાના લક્ષ્યની પ્રાપ્તિ માટે, કોઈ પણ વ્યક્તિ, સંસ્થા, ધારાધોરણો, મૂલ્યો વગેરેનો, જરૂર હોય ત્યાં સુધી સાથ લે છે, ઉપયોગ કરે છે. પણ તે નડતરરૂપ કે બીનજરૂરી લાગે તો તેને ગાજરની પીપૂડી માફક, હટાવવામાં કે ફગાવી દેવામાં સહેજ પણ સંકોચ કે હિચકિચાટ અનુભવતી નથી. તેનું એક માત્ર લક્ષ્ય ને મૂલ્ય છે સત્તા. નરેન્દ્રમાં સત્તાની આવી એકલક્ષી સાધના દેખાય છે. યેનકેન પ્રકારે – સામ, દામ, ભેદ, દંડ અજમાવી – તે સત્તા હસ્તગત કરવા મથે છે.

કંટકશોધન

પ્રારંભમાં, નરેન્દ્રએ સંઘમાં પોતાના સ્થાનનો લાભ લઈને ગુજરાતમાં પગદંડો જમાવવા તથા કેશુભાઈની સરકારમાં પોતાનો પ્રભાવ સ્થાપવા કોશિશ કરી. તેમની પ્રવૃત્તિથી ચોંકેલા પક્ષે તેમને ગુજરાત બહાર મોકલી દીધા. દિલ્હીમાં તેમણે ગુજરાતના એક મોભાદાર વ્યક્તિની સહાયથી અડવાણી સાથે સંબંધો કેળવ્યા અને ગુજરાતમાં પાછા ફરવાની પરવાનગી મેળવી. (કેશુભાઈ જણાવે છે કે નરેન્દ્રએ અડવાણીને અનશનની ધમકી આપી હતી.) ગુજરાતમાં પ્રવેશ મળતાં જ તેમણે પોતાની રમત શરૂ કરી દીધી. પોતાના સમર્થકોનું જૂથ જમાવવા માંડ્યું. પોતાની યોજનામાં સહાયરૂપ ના હોય, અવરોધક જણાય, તેવા અગ્રણીઓને હાંસિયામાં ધકેલવા માંડ્યા. કેશુભાઈ, સુરેશ મહેતા, વગેરેને દૂર કરી તેમણે પોતાનો માર્ગ મોકળો કર્યો. બીજી બાજુ, તેઓએ અડવાણીના વફાદાર સમર્થક છે તેવું ઠસાવવા, અડવાણીની ચૂંટણી, રથયાત્રા વગેરેને સફળ બનાવવા મહેનત કરી. આમ, શરૂમાં નરેન્દ્ર અડવાણીના ખોળે બેઠા પણ હવે, લાગે છે કે, તેમણે અડવાણીને ખોળે લીધા હોય તેવું વર્તન શરૂ કર્યું છે. એટલું જ નહીં પણ પોતાના, દેશના વડાપ્રધાન બનવાના સ્વપ્ન આડેની આ આડખીલીનું કદ વેતરવાની પેરવી શરૂ કરી છે.

રાજરમત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ-જનસંઘ-ભા.જ.પ.ના જૂના જોગીઓને સ્થાનભ્રષ્ટ કરી સિંહાસનારૂઢ થતાં તેમને માટે બારે દરવાજા ખૂલી ગયા. સાથેસાથે, તેમના વિકાસમાં સહાય કે ટેકો આપનારા અદના કાર્યકરોને તે ટાળવા લાગ્યા. તેમને હવે, જૂના નરેન્દ્રને યાદ રાખી અંજાય નહીં તેવી વ્યક્તિઓની નહીં પણ, સત્તાધીશ નેતાની ચમચાગીરી કરે, તેનો પડ્યો બોલ ઝીલી લે, તેમની ઇચ્છા સમજીને કામ કરે, તેમને માટે પડકારરૂપ ના બને, તેવા વામનોની જરૂર હતી. અને, એવા લોકો તો ટકાના ત્રણ શેરના ભાવે ઉપલબ્ધ હોય છે જ.

‘ખાઈશ નહીં, ખાવા દઈશ નહીં’

સત્તાધીશ બનતાં તેમણે જાહેર કરેલું કે ‘ખાઈશ નહીં, ખાવા દઈશ નહીં’. આ વખતે ઉપવાસ કરવા કરાવવાની નોબત આવી ન હતી. આ તો લાંચ લેવા કે લેવાદેવા બાબતનું વચન હતું. મુખ્ય પ્રધાન બનતાં તેમના હાથમાં વહીવટીતંત્ર, પોલીસતંત્ર અને અમલદારો ઉપર કાબૂ જમાવવાની તક આવી. પોતાની સત્તાઓનો ઉપયોગ કરી, પોતાને લાભકર્તા તથા પક્ષને, સાથીઓને તથા મળતિયાઓને લાભ આપી શકાય કે તેમનો લાભ લઈ શકાય, તેવા નિર્ણયો લેવાની સત્તા તેમના હાથમાં આવી. તેમના કેટલાક પ્રધાનો તથા અમલદારો દ્વારા ‘ખંડણી’ એકત્ર કરવાનું વ્યવસ્થિત તંત્ર ચાલતું હોય તેવું વિવિધ તપાસોમાં બહાર આવ્યું છે. અલબત્ત, વહીવટીતંત્ર અને પોલીસમાં અનેક એવા પણ અધિકારીઓ હોય છે જેઓ પોતાની હિતસાધના માટે સત્તાધીશોને ખુશ રાખવા માંગતા હોય છે. ઉપરાંત, એવી પણ વ્યક્તિઓ હોય છે જે સત્તાધીશોની વિચારધારાના – આ સંજોગોમાં કોમવાદના – સમર્થક હોય.

શરૂઆતમાં નરેન્દ્રએ સાદાઈ અને પ્રામાણિકતાની છાપ ઉપસાવી. પરંતુ આજે, તેમની રહેણીકરણી, પોષાક વગેરે, જૂના નરેન્દ્રની યાદ આપે તેવાં નથી. ઉપરાંત, તેમના કેટલાક પ્રધાનો, અમલદારો, પોલીસ અફસરો સામે તથા તેમણે પોતે અનેક ઉદ્યોગગૃહોને આપેલા લાભોને કારણે તેમની સામે આંગળી ચીંધામણ થઈ રહ્યું છે. આમ, તેમની પ્રામાણિકતાની છાપ ખરડાઈ છે.

વાકપટુતાનો દુરુપયોગ

નરેન્દ્ર સારા વક્તા છે. તેમનામાં શબ્દોને રમાડવાની, તેનો અસરકારક ઉપયોગ કરવાની આવડત છે, વાકપટુતા દ્વારા લોકરંજક ભાષણો આપવાની ફાવટ છે. લોકોમાં પ્રવર્તતા દ્વેષ, પૂર્વગ્રહો અને અસ્મિતાના ખ્યાલને બહેકાવવાની કુશળતા તેઓ ધરાવે છે. આ દ્વારા તેઓ અણગમતા સવાલો કે સમસ્યોને ચાતરી જવાની તથા લોકોનું ધ્યાન અન્યત્ર દોરી જવાની રમત ખેલી શકે છે. વધુમાં, સત્તાધીશ બનતાં, તેમને સરકારી પ્રચારતંત્રનો મનગમતો ઉપયોગ કરવાની તથા પોતાનો કરીશ્મા સર્જવાની તક પણ સાંપડી છે. ઉપરાંત, જાસૂસી વિભાગનો ઉપયોગ કરી પોતાના સાથીઓ તથા વિરોધીઓ ઉપર લગામ રાખવાની મોકળાશ પણ તેમણે મેળવી છે.

આ ક્ષમતાઓનો ઉપયોગ કરી તેઓ, કોમી એકતાની હિમાયત કરનારા, બૌદ્ધિકો, સેક્યુલરીસ્ટો, ઉદારવાદીઓ વગેરેને બદનામ કરી, તેમને ગુજરાતદ્રોહી, હિંદુ વિરોધી અને તુષ્ટીકરણના હિમાયતીઓ ઠરાવી, તેમની વિશ્વીસનિયતા ખતમ કરવાની ચાલ અજમાવી શક્યા છે. પરંતુ, આ ચાલબાજીના પરિણામે, ગુજરાતમાં પાંગરતાં ઉદારવાદી, બુદ્ધિવાદી, રાષ્ટ્રઘડતર માટે આવશ્યક કોમી ઐક્યનાં પ્રેરક તથા સેક્યુલર આંદોલન જેવાં આધુનિકતાનાં પરિબળોને પીછેહટ સાંપડી છે. ગુજરાતને પાછું સત્તરમી સદીમાં ધકેલવાની કોશિશ થઈ રહી છે.

ભયનું સામ્રાજ્ય

હીટલરે યહૂદીઓને ખલનાયકો ઠરાવી જર્મન પ્રજાને એક ચૂસણી -ધાવણી પકડાવી દીધી હતી. નરેન્દ્રએ મુસ્લિમોને ખલનાયક ચીતરી ગુજરાતીઓને આવી ચૂસણી આપી છે. ગોધરામાં કારસેવકોના ડબ્બાને આગ ચાંપવાની ઘટનાએ તેમને મુસ્લિમો પ્રત્યે ધીક્કારનું વાતાવરણ સર્જવાની અને, 2002નાં રમખાણોમાં તેમના હત્યાકાંડને છૂટોદોર આપવાની, તક પ્રાપ્ત થઈ. તે જ રીતે મુસ્લિમો કે અન્ય અડચણરૂપ વ્યક્તિઓને આતંકવાદી ગણાવી, એન્કાઉન્ટરના નામે, હત્યાઓનો સિલસિલો આચરવાની પદ્ધતિ અજમાવાઈ હોવાનો આરોપ પણ તેમની સામે છે. તેમના જ એક સાથી અને હરીફ ગણાતા હરેન પંડ્યાની હત્યા બાબત પણ, પંડ્યાના પિતા તેમને દોષિત ગણતા હતા. તદુપરાંત, કેટલાક પ્રધાનોની ગેરકાયદે પ્રવૃત્તિ સામે માહિતી અધિકાર કે જાહેર હિતની અરજી દ્વારા ઝુંબેશ ચલાવનારાઓની હત્યાઓના અનેક કિસ્સા પ્રગટ થતા રહે છે. ભય તથા આતંક ફેલાવીને તેઓ વિરોધીઓને ચૂપ કરવાની ચાલ અજમાવી રહ્યા છે. એટલું જ નહીં પણ, રેશનલ અને વૈજ્ઞાનિક વિચારોનો પ્રસાર કરનારા, ચમત્કારો કે અંધશ્રદ્ધા સામે ઝુંબેશ ચલાવનારાઓને પણ તેમના પરિવારનાં હિંદુવાદી સંગઠનો દ્વારા, ભારતીય સંસ્કૃિતની રક્ષાના બહાને, ડામવાના પ્રયાસોને ઉત્તેજન સાંપડે છે.

ટૂંકમાં, ગુજરાતમાં તેમણે ભયનું સામ્રાજ્ય પ્રસરાવવાની કોશિશ કરી છે. એટલું સારું છે કેન્દ્રમાં તેમની સત્તા નથી અને સૈન્ય ઉપર તેમનો કાબૂ નથી. તેમ જ, ગુજરાતમાં હજી ખુમારી ધરાવતી વ્ચક્તિઓ અને સ્વૈચ્છિક સંગઠનો છે, અખબારી સ્વાતંત્ર્ય છે, નિર્ભીત અધિકારીઓ છે, સ્વાધીન ન્યાયતંત્ર છે જે લોકશાહી અને સ્વતંત્રતાનાં મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ છે.

કલ્પન

નરેન્દ્રએ પોતાના વિષે સાચી – ખોટી, સારી – નરસી છાપ કે કલ્પન (ઈમેજ), પોતાના પક્ષમાં તથા અન્ય પક્ષોમાં તેમ જ પ્રજામાં, ઊભાં કરવામાં પણ કુશળતા હાંસલ કરી છે. તેમના વિષેની આ છાપ કે કલ્પન સમજવાં જેવાં છે:~

1) તેઓ ચૂંટણી જીતવામાં મદદરૂપ થાય તેવા સારા વક્તા અને સંયોજક છે. વાસ્તવમાં, કેટલાક વિસ્તારોમાં તેની પ્રચારયાત્રા નિષ્ફળ રહી હતી તથા તેમના સંયુક્ત મોરચાના એક નેતા, બિહારના નીતીશકુમારે તો તેમને બિહારમાં ચૂંટણી પ્રચાર માટે મોકલવા સામે વાંધો દર્શાવ્યો હતો.

2) કાર્યક્ષમ વહીવટકર્તાનું પ્રમાણપત્ર આપતાં પહેલાં અ સવાલનો જવાબ આપવાનો રહે છે કે આ કાર્યક્ષમતા કોના લાભમાં યોજાય છે – પ્રજાના કે તેમના પોતાના, તેમના પક્ષના, તેમના મળતિયાઓના અને મુઠ્ઠીભર ધનકુબેરોના હિતમાં?     

3) તેઓ પ્રજાની નાડ પારખવામાં કુશળ છે. વાસ્તવમાં કોઈ પણ લોકરંજક નેતામાં આ કૌશલ્ય હોય છે. પ્રજાને કોઈ નક્કર લાભ આપ્યા વિના, તેમને ગલગલિયાં થાય, તેમની લાગણીઓ ઉશ્કેરાય, તેમનું અભિમાન સંતોષાય તેવાં વિધાનો કરવાની તેમનામાં ફાવટ હોય છે. તેઓ પ્રજાને પ્રગત્તિના પંથે દોરવા માટે, આવશ્યક હોય તો, કડવી ગોળી આપવાનું ટાળે છે. વાસ્તવમાં, તેઓ પ્રજાના ઉત્થાન કરતાં તેમની લાગણીઓનો લાભ લેવાની વૃત્તિ ધરાવતા હોય છે.

4) હિંદુ બહુમતીને આકર્ષવા તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વારસાને વફાદાર રહી તેઓ આક્રમક હિંદુવાદનો પુરસ્કાર કરે છે. મુસ્લિમોને બીજી કક્ષાના નાગરિકો તથા ભારત વિરોધી, આતંકવાદી અને હિંસાખોર ગણવાની શૈલીના તેઓ સમર્થક છે. પરંતુ હવે, રાષ્ટ્રીય કક્ષાના નેતા તરીકેનું ગજું કાઢવા તથા મુસ્લિમ મતોની જરૂર જણાતાં, તેઓ મુસ્લિમોને મનાવી લેવાની ચાલ અજમાવી રહ્યા છે. સદ્દભાવના મિશનના નામે આચરવામાં આવેલા સપ્તતારક ઉપવાસ તેનું ઉદાહરણ છે. વધુમાં, હવે તેઓ પાંચ-છ કરોડ ગુજરાતીઓના નામે નહીં પણ અબજ ઉપરાંત હિંદુસ્તાનીઓ (ભારતીય નહીં) વતી હાકલો કરવા લાગ્યા છે. આ દર્શાવે છે કે, પોતાના લક્ષ્યને હાંસલ કરવા માટે, રાજકારણના કુશળ ખેલાડી તરીકે તે પવન જોઈને દિશા બદલી શકે છે અથવા દિશા બદલતા હોવાનો દંભ કરી શકે છે, ભ્રમ પેદા કરી શકે છે. વધુમાં, આ ઉપવાસ માટે પ્રચારતંત્રનો બહોળો ઉપયોગ કરવા સાથે તેમણે એક એવી હવા પેદા કરવાની કોશિશ કરી કે તેઓ ભારતના આગામી વડાપ્રધાન છે. પરંતુ આમાં કાચું કપાયું. રથયાત્રા નિષ્ણાત અડવાણી સહિતના અન્ય દાવેદારો આથી ખફા થયા તથા અનેક ખુલાસાઓ કરવા પડ્યા.

5) નરેન્દ્ર એક એવી છાપ ઊભી કરવા મથે છે કે ગુજરાતમાં તથા દેશભરમાં આતંકવાદ સામેના તેઓ સક્ષમ લડવૈયા છે. મુંબઈના હુમલા વખતે ત્યાં દોડી જવું, માર્યા ગયેલા પોલીસકર્મીઓ માટે સખાવત જાહેર કરવી – જે નકારવામાં આવી, ગુજરાતમાં એન્કાઉન્ટરો દ્વારા હત્યાઓને ઉત્તેજન આપવું, પાકિસ્તાન સામે તથા કાશ્મીર બાબતમાં છાશવારે નિવેદનો કરવાં વગેરે આ દિશાનાં પગલાં ગણાવી શકાય.

6) તેને પડકારે તેવા કોઈને સાંખી લેતા નથી. તેમની સુરક્ષા માટે લેવાતી ઝીણવટભરી કાળજી તથા અનેક અંગરક્ષકો(કમાન્ડો)ની ફોજ તેની સાક્ષીરૂપ છે. આ પ્રકારનું માનસ ધરાવતી વ્યક્તિ કટોકટીભર્યા સંજોગોમાં અસમતોલ પ્રતિભાવ આપે તેવો સંભવ રહે છે. (દા.ત. ગોધરાકાંડ અને પછીના પ્રતિભાવો). આ પ્રકારના મનોરોગથી પીડાતી વ્યક્તિ, તેના પોતાના તથા અન્યના હિતમાં, પોતાના રોગની સારવાર માટે મનોચિકિત્સકની સહાય લે તે સલાહભર્યું છે.

7) કોમવાદ, રમખાણો અને ધિક્કારનાં રાજકારણ દ્વારા વિશ્વસનીય પ્રાદેશીક કે રાષ્ટ્રીય નેતા નહીં બની શકાય તે નરેન્દ્રને સમજાયું હશે. પરિણામે, તેમણે ગુજરાતના વિકાસના પ્રણેતા તથા શિલ્પી તરીકેની છાપ ઉપસાવવા મથામણ કરી છે. નર્મદા યોજના, ગુજરાતનું ઔદ્યોગીકરણ – અનેક ઉદ્યોગોની સ્થાપના – વગેરે તેમના પ્રયાસોનું જ ફળ છે તેવો ભ્રમ ઊભો કરવામાં આવ્યો છે. પ્રથમ તો, કોઈ પણ મોટી યોજના કે ઔદ્યોગિક વિકાસ પાંચ-દસ વર્ષમાં થતો નથી. નર્મદા યોજનાનું કામ તો છેલ્લાં વીસ વર્ષથી ચાલે છે. અને, હજી ગુજરાતનાં અનેક ગામડાં પાણી માટે વલખાં મારે છે.

ઔદ્યોગિક વિકાસ માટે નિમ્નતંત્ર ઊભું કરવું પડે છે તે કામ પાછળ આખી સદીના ખાનગી અને જાહેર સાહસોનો ફાળો રહેલો છે. તે માટેનું ગૌરવ કે માન કોઈ એકાદ નેતા કે પક્ષ લઈ શકે નહીં.

નરેન્દ્રએ મેળાઓ, સમારંભો યોજીને ગુજરાતમાં ઉદ્યોગો સ્થાપવા અંગે મેળવેલાં વચનોમાંથી માંડ દસ ટકા પણ આકાર પામ્યાં નથી. બીજી બાજુ, અનેક મનગમતા ઉદ્યોગપતિઓને પાણીનાં મૂલે લાખો હેકટર જમીનની લહાણી કરવામાં આવી છે. તેમના મળતિયાઓ દ્વારા બેફામપણે ખનિજો કાઢવામાં આવી રહ્યાં છે. ખેતીની જમીન, ભૂગર્ભ સંપત્તિ, પર્યાવરણ વગેરેના ભોગે થોડીક વ્યક્તિઓ ધનકુબેર બની ગઈ છે.

આ વિકાસ નથી. તેમના જ પક્ષના ડો. કલસારિયા દ્વારા ચલાવવામાં આવી રહેલું આંદોલન તેનું જીવંત ઉદાહરણ છે. વિકાસ તેમનો, તેમના થોડાક મળતિયાઓનો, બે-પાંચ ધનીકોને કે આમ પ્રજાનો? ખેતીની ઉપજાઉ જમીનો અને પર્યાવરણના ભોગે, આગામી પેઢીઓને બાનમાં લઈને કેટલીક ખાસ વ્યક્તિઓ આજે ગુલછર્રા ઉડાવે તેને વિકાસ કહી શકાય? વાસ્તવમાં, આ પ્રગત્તિકારક વિકાસ નહીં પણ મૂડીવાદી શોષણનું વરવું સ્વરૂપ છે.

જાગતા રહેજો

લોકશાહી વ્યવસ્થા અને મૂલ્યો સામે નરેન્દ્ર મોદી કેટલો ભયંકર ખતરો સર્જી રહ્યા છે તે આ વિવેચનમાંથી જોઈ શકાય છે. વાસ્તવમાં, તેમની શૈલી જર્મની અને વિશ્વમાં એક દુઃસ્વપ્નના ઓથાર બની ચુકેલા હીટલરની યાદ અપાવે છે. હીટલર જેવી સાદાઈ, સત્તાલાલસા, રાજરમત, વાકપટુતા, લોકરંજક શૈલી, યહૂદી વિરોધી વંશીય (અહીં મુસ્લિમ વિરોધી કોમવાદી) ઉશ્કેરણી, ભ્રમજાળ ફેલાવતું પ્રચારતંત્ર, વિરોધીઓને નાબૂદ કરવાની રીતરસમ, ખાસ નાઝી સ્વયંસેવક દળ દ્વારા વિરોધીઓ તથા લોકોને ભયાક્રાંત કરવા, આક્રમક રાષ્ટ્રવાદ જેવાં તત્ત્વો નરેન્દ્રમાં પણ પ્રતિબિંબિત થાય છે. આ પ્રકારનું માનસિક વલણ ધરાવતી વ્યક્તિ સમાનતાવાદી સામાજિક કે આર્થિક વ્યવસ્થા કે પ્રગતિશીલ, સેક્યુલર, રેશનલ કે વૈજ્ઞાનિક વલણો કે અભિગમને પોષક નથી.

(આ અગાઉ, “નયા માર્ગ”, 16 ડિસેમ્બર 2011માં, તેમ જ “વૈશ્વીક માનવવાદ”, માર્ચ-એપ્રિલ, 2012માં આ લેખ પ્રગટ થઈ ચુક્યો છે)

************

e.mail : jaykepatel@gmail.com

Loading

...102030...3,9623,9633,9643,965...3,9703,9803,990...

Search by

Opinion

  • 1991ના દેશના આર્થિક સંકટમાંથી આપણે શું શીખી શકીએ?
  • અનામત કોઈને માટે ક્યાં સુધી ચાલુ રાખવી જોઈએ?
  • પરફોર્મેટિવ પૉલિટિક્સઃ રાજકારણ હવે માત્ર શાસન નહીં, વાયરલ થવાની કળા પણ
  • રાષ્ટૃની વિભાવના : સંઘર્ષ સમજૂતિ અને સ્થાપિત એજન્ડા
  • ચલ મન મુંબઈ નગરી—342

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved