Opinion Magazine
Number of visits: 9696380
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઉત્તર પ્રદેશમાં ૭૦ દિવસમાં ૬૦૫ હુલ્લડો કરાવાય એને સબકા સાથ, સબકા વિકાસ કહેવાય?

રમેશ ઓઝા

, રમેશ ઓઝા|Samantar Gujarat - Samantar|7 August 2014

હુલ્લડોની પૅટર્ન એકસરખી છે. તમામ રમખાણો એકસરખાં છ બહાનાંઓ આગળ કરીને કરાવવામાં આવ્યાં છે. એ છ બહાનાંઓમાં મસ્જિદ, મદરેસા કે કબ્રસ્તાનનાં બાંધકામ સૌથી મોટું કારણ છે

લોકસભાની ચૂંટણી પહેલાં પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી (BJP) અને સમાજવાદી પાર્ટીએ મળીને ૨૦૦થી વધુ સ્થળોએ કોમી હુલ્લડો કરાવ્યાં હતાં જેમાં મુઝફ્ફરનગરનાં કોમી હુલ્લડો હાથમાંથી સરકી ગયાં હતાં જેને પરિણામે બન્ને પક્ષોની મિલીભગત ઉઘાડી પડી ગઈ હતી. એ રમતમાં BJPને પ્રચંડ ફાયદો થયો હતો અને સમાજવાદી પાર્ટી(SP)ને મોટું નુકસાન પહોંચ્યું હતું. લોકસભાની ચૂંટણી જે વિધાનસભ્યોએ લડી હતી એમાંથી ૧૨ વિધાનસભ્યો ચૂંટાઈ આવ્યા છે એટલે આવનારા મહિનાઓમાં એ ૧૨ મતદારક્ષેત્રોમાં પેટાચૂંટણી યોજાવાની છે અને એમાં મતદાતાઓનું કોમી ધ્રુવીકરણ કરીને ચૂંટણી જીતવાનો જૂનો ખેલ પાછો શરૂ થયો છે.



“ઇન્ડિયન એક્સપ્રેસ”ના અહેવાલ મુજબ ૧૬ મેએ લોકસભાની ચૂંટણીનાં પરિણામો આવ્યાં એ પછીથી અત્યાર સુધીમાં ઉત્તર પ્રદેશના સંબંધિત પ્રદેશોમાં કોમી હુલ્લડોની ૬૦૫ ઘટનાઓ બની છે. ૭૦ દિવસમાં ૬૦૦ ઘટનાઓ બની શકે તો એનો અર્થ એ જ કરવો રહ્યો કે કોઈ કોમી હુલ્લડો લોકોના રોષના પરિણામે નથી થતાં, પણ સ્થાપિત હિતો દ્વારા કરાવવામાં આવે છે. એકથી વધુ સંનિષ્ઠ નિવૃત્ત પોલીસ-અધિકારીઓએ કહ્યું છે કે કોમી હુલ્લડો થોડા કલાકો કે એક દિવસથી વધુ લંબાય તો સમજી લેવું કે એ હુલ્લડો સ્થાપિત હિતોએ પોલીસને સાથે રાખીને કરાવડાવ્યાં છે. લોકોનો રોષ થોડા કલાકોથી વધુ નથી ટકતો. ગયા વખતની જેમ જ આ વખતે પણ બને ત્યાં સુધી નાના પાયે સ્થાનિક હુલ્લડો કરાવવામાં આવી રહ્યાં છે. જે ગામ કે કસબામાં હુલ્લડો થાય ત્યાં તાત્કાલિક કોમી ધ્રુવીકરણ થઈ જતું હોય છે અને એના દ્વારા રાજકીય પક્ષોની વોટબૅન્ક અસ્તિત્વમાં આવે છે. ૧૨ મતદારક્ષેત્રોમાં ચૂંટણી થવાની છે એટલે ગણતરીપૂર્વક એ જ પ્રદેશોને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે.



“ઇન્ડિયન એક્સપ્રેસ”ના અહેવાલ મુજબ પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં કોમી હુલ્લડોની ૨૫૯ ઘટનાઓ બની છે જેમાં સહારનપુરનાં હુલ્લડો હાથમાંથી સરકી ગયાં હતાં અને છાપે ચડ્યાં હતાં. આ રમત ફરી વાર ઉઘાડી પડી ગઈ છે. ઉત્તર પ્રદેશની ચૂંટણી BJPના વર્તમાન અધ્યક્ષ અમિત શાહે કોઈ રાજકીય જાદુ કરીને નહોતી જીતી, પણ તેમણે ઠેકઠેકાણે કોમી હુલ્લડો કરાવીને જીતી હતી. ચૂંટણી જીતવાની પૅટર્ન તેઓ આપતા ગયા છે જે ફરી વાર લાગુ કરવામાં આવી રહી છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશનાં પાંચ મતદારક્ષેત્રોમાં વિધાનસભાની પેટાચૂંટણી યોજાવાની છે. પૂર્વ ઉત્તર પ્રદેશમાં નેપાલની સરહદે આવેલા તરાઈ પ્રદેશમાં બે બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે અને ત્યાં કોમી ધ્રુવીકરણ કરવા ૨૯ સ્થળે હુલ્લડો કરાવવામાં આવ્યાં છે. અવધ પ્રદેશમાં એક બેઠક પર ચૂંટણી યોજાવાની છે એટલે ત્યાં ૫૩ હુલ્લડો કરાવવામાં આવ્યાં છે. પૂર્વ ઉત્તર પ્રદેશમાં બે બેઠકો પર ચૂંટણી યોજાવાની છે એટલે ત્યાં ૧૬ સ્થળે હુલ્લડો થયાં છે. બુંદેલખંડમાં બે મતદારક્ષેત્રમાં ચૂંટણી જીતવા ૬ જગ્યાએ હુલ્લડો કરાવવામાં આવ્યાં છે. 



હુલ્લડોની પૅટર્ન એકસરખી છે. તમામ રમખાણો એકસરખાં છ બહાનાં આગળ કરીને કરાવવામાં આવ્યાં છે. એ છ બહાનાંઓમાં મસ્જિદ, મદરેસા કે કબ્રસ્તાનનાં બાંધકામ સૌથી મોટું કારણ છે. ગયા માર્ચ મહિનામાં મુઝફ્ફરનગરમાં પણ હુલ્લડોનું આ જ કારણ મુખ્ય હતું. ૭૦ હુલ્લડો બાંધકામ સામે વિરોધ કરીને કરાવવામાં આવ્યાં છે. ૪૦૦માંથી ૧૨૦ હુલ્લડો નમાજના સમયે મસ્જિદની બહાર લાઉડસ્પીકર વગાડવાને કારણે થયાં છે. ૬૧ સ્થળે ગાયની હત્યા કરવામાં આવી હોવાનું બહાનું આગળ કરીને હુલ્લડો કરાવવામાં આવ્યાં છે. હુલ્લડોની ૫૦ ઘટનાઓ મુસ્લિમ છોકરા દ્વારા હિન્દુ છોકરીની છેડતી કે પછી હિન્દુ પ્રેમિકાને લઈને નાસી જવાના બહાને થયાં છે. છ બહાનાં અને ૬૦૦ હુલ્લડો માત્ર બે મહિનામાં થાય એને વૈમનસ્ય ન કહેવાય. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ‘સબકા સાથ સબકા વિકાસ’ની મધુર વાતો કરી રહ્યા છે. આમાં કયો સાથ અને કયો વિકાસ નજરે પડી રહ્યો છે? ચૂંટણી જીતવા એક કોમને સતત ટાર્ગેટ બનાવવામાં આવે એ લોકતંત્ર નથી, વિકૃત ફાસીવાદી લોકતંત્ર છે.



ઉત્તર પ્રદેશની સમાજવાદી પાર્ટીની સરકાર ફરી એક વાર નિષ્ફળ સાબિત થઈ છે. મુખ્ય પ્રધાન અખિલેશ યાદવને રાજ કરતાં નથી આવડતું. દેશના સૌથી ફૂહડ મુખ્ય પ્રધાન જો કોઈ હોય તો અખિલેશ યાદવ છે. લોકસભાની ચૂટણીમાં બુરી રીતે દાઝવા છતાં તેમની અક્કલ ઠેકાણે નથી આવી. શક્ય છે કે SP કોમી હુલ્લડોમાં વળતી બૅટિંગ કરીને મુસ્લિમ મતનું ધ્રુવીકરણ થાય એની તક શોધતી હોવી જોઈએ. લોકસભાની ચૂંટણી વખતે BJP અને SP મળીને કોમી હુલ્લડો કરાવીને વોટબૅન્ક ઊભી કરતી હતી જેમાં SPને માર પડ્યો હતો. મુસલમાનોએ ચિડાઈને SPને મત નહીં આપીને તમાચો માર્યો હતો. અખિલેશ યાદવ જો એની એ રમત ફરી વાર રમતા હોય તો તેમને મૂરખ શિરોમણિ જ કહેવા જોઈએ. 



લોકસભાની ચૂટણીમાં SP કરતાં માયાવતીની બહુજન સમાજ પાર્ટીને મત વધુ મળ્યા હતા. આ વખતે માયાવતીના પક્ષના મત કાપવા એવાં પસંદ કરેલાં પૉકેટ્સમાં હુલ્લડો કરાવવામાં આવી રહ્યાં છે જ્યાં દલિતો અને મુસલમાનોની સંખ્યા મોટા પ્રમાણમાં હોય. માયાવતી આયોજનપૂર્વકનાં હુલ્લડો સામે ઊહાપોહ કરી રહ્યાં છે, પણ એ પૂરતો નથી. BJPની રમત કોમી ધ્રુવીકરણ કરીને દલિતોને મુસલમાનોની વિરુદ્ધ હિન્દુ ફોલ્ડમાં લેવાનો છે જેથી માયાવતીનું દલિત-મુસ્લિમ સમીકરણ તૂટી પડે. BJPનું હિન્દુ રાજકારણ હિન્દુિહતનું રાજકારણ નથી, દેશહિતનું રાજકારણ પણ નથી, પરંતુ સત્તા માટેનું છે એ હજી પણ જો કોઈને ન સમજાતું હોય તો એવી વ્યક્તિ કાં કોમવાદી હોવી જોઈએ અને કાં મૂરખ હોવી જોઈએ.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામે લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 06 અૉગસ્ટ 2014

Loading

માણસ (એક)વીસમી સદીનો, પુસ્તકો ઓગણીસમી સદીનાં

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Literature|7 August 2014

દીપક મહેતાએ ઓગણીસમી સદીનાં ગુજરાતી પુસ્તકો પર આપણી ભાષામાં કોઈએ ન કર્યું હોય એવું બહુઆયામી  સંશોધન કર્યું છે. અમૃતે પહોંચેલા આ ગ્રંથજ્ઞને જીવન ગૌરવ પુરસ્કાર દ્વારા મુંબઈની મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી ચોવીસ ઑગસ્ટે નર્મદના જન્મદિવસે સન્માનશે. સામાજિક સુધારાના અગ્રણી નર્મદની પંક્તિ, તેના જમાના પરનાં દીપકભાઈના પહેલા પુસ્તકના નામ, ‘દીપે અરુણું પરભાત’માં વણાયેલી છે. પાંચ વર્ષ પછી ‘ઓગણીસમી સદીની ગુજરાતી ગ્રંથસમૃદ્ધિ’(2010)મળે છે. આ જ વિષય પરનું દીપકભાઈનું ત્રીજું પુસ્તક આવવાની તૈયારીમાં છે. 

દુર્લભ પુસ્તકોની દુનિયાના નિવાસી દીપકભાઈના કામનું પટ, તેમના પોતાના શબ્દોમાં કહીએ તો  ‘રૉબર્ટ ડ્રમન્ડથી રમણભાઈ નીલકંઠ’ સુધીનું છે. મુંબઈના એક અંગ્રેજ અધિકારી ડ્રમન્ડે ગુજરાતી ભાષાનું પહેલું પુસ્તક આપ્યું.  1808માં છપાયેલા આ પુસ્તકનું નામ ‘ઇલસ્ટ્રેશન્સ ઑફ ધ ગ્રામેટિકલ પાર્ટસ્ ઑફ ધ ગુજરાતી મહરટ્ટ ઍન્ડ ઇન્ગ્લિશ લૅન્ગ્વેજિસ’. દીપકભાઈ સાબિત કરે છે કે આ પુસ્તક ગુજરાતી ભાષાનું પહેલું વ્યાકરણ હોવા ઉપરાંત ગુજરાતી ભાષાનો પહેલો સાર્થ શબ્દકોશ છે અને ભલે અધૂરી, તો ય આ પહેલી ગુજરાતી ડિક્શનરી છે. ગુજરાતી સાહિત્ય પરિષદે પ્રસિદ્ધ કરેલા સાહિત્યકોશમાં આ પુસ્તક વિશે આઠ શબ્દોની માહિતી છે, જેમાંના ચાર શબ્દો ખોટા છે. સામે દીપકભાઈ તેના વિશે નવ પાનાંનો લેખ આપે છે. આવા અનોખા મૌલિક અભ્યાસોનો તેમના પુસ્તકોમાં ખજાનો છે.   

દેશમાં નવજાગૃતિ લાવનાર ઓગણીસમી સદી વિશે દીપકભાઈ નોંધે છે : ‘અર્વાચીનતાના એ સૂર્યરથને અંગ્રેજ  અરુણ સારથિ બનીને હંકારી રહ્યો હતો. એ રથના સાત અશ્વો તે કયા ? એ હતા મુદ્રણકલા, બ્રિટિશ પદ્ધતિનું શાળા શિક્ષણ, લેખનના માધ્યમ તરીકે ગદ્યની પ્રતિષ્ઠા, સમાજ સુધારો, વર્તમાનપત્રો અને સામયિકો, અંગ્રેજી સાહિત્યનો પ્રભાવ, પરદેશનો, ખાસ કરીને ઇંગ્લેન્ડનો પ્રવાસ અને પરિચય.’ 

આ બધાં પાસાં પર દીપકભાઈએ કરેલાં નક્કર અને ચોકસાઈભર્યા સંશોધનનો અંદાજ તેમનાં બંને પુસ્તકોના સો લેખોના વિષયો પરથી આવશે. જાણીતાં આદ્ય પુસ્તકો અને સામયિકો  ઉપરાંતનાં, જે પહેલવહેલા ગુજરાતી પુસ્તકો વિશે તેમણે લખ્યું છે તેમાં પાઠયપુસ્તકો, વાચનમાળા, વિશ્વકોશ, વિસ્તૃત સચિત્ર જીવનચરિત્ર, મુદ્રિત નાટક, પ્રવાસવર્ણન, શેક્સપિયરના નાટકનો અનુવાદ, ખિસ્સાકોશ વગેરેનો સમાવેશ થાય છે. ગુજરાતી કવિતા વિશે અંગ્રેજીમાં લખાયેલા અને બોલચાલની અંગ્રેજી ભાષા શીખવતા સહુ પહેલા પુસ્તકો, તેમ જ પ્રથમ ગુજરાતી સામયિકો  વિશે પણ લેખો છે.

નવજાગરણકાળના જે અનેક અક્ષરસેવી વ્યક્તિવિશેષો પર તેમણે લખ્યું છે તેમાંના કેટલાંક છે : ફરદુનજી મર્ઝબાન, કૅપ્ટન જર્વિસ, રણછોડભાઈ ઝવેરી, ઍલેક્ઝાન્ડર કિન્લૉક ફાર્બસ, નાનાભાઈ રાણીના, બહેરામજી મલબારી, ઇચ્છારામ દેસાઈ, કૉર્નેલિયા સોરાબજી, ડાહ્યાભાઈ ધોળશાજી, રાણી નંદકુંવરબા અને બીજાં અનેક . 

પ્રોજેક્ટો અને ગ્રાન્ટોના જમાનામાં દીપકભાઈએ સરકારી કે સંસ્થાકીય આર્થિક સહાય વિના એક ધ્યાસ તરીકે સંશોધન કાર્ય કર્યું છે. ઓગણીસમી સદીના પુસ્તકના સગડ મળે એટલે તે એક સાદો નિકોન કૅમેરો લઈને પહોંચી જાય છે. ઝેરોક્સ ન થઈ શકે તેવાં પાનાંનાં ફોટા પાડી લે છે. સિત્તેરની ઉંમરે કૉમ્પ્યુટર અને ઇન્ટરનેટ સાથેની દોસ્તી વધારી છે. પુસ્તકો માટે પ્રવાસ પણ વધ્યા છે. ગયાં ત્રણેક વર્ષમાં, યુવાનના તરવરાટથી સંશોધન માટે રાજકોટ, ભાવનગર અને અમદાવાદનાં ગ્રંથાલયો ખૂંદ્યા છે. મુંબઈમાં ફૂટપાથ પરનાં કિતાબવાળા, પુસ્તકભંડારો, મરાઠી ગ્રંથસંગ્રહાલય, એશિયાટિક સોસાયટી લાઇબ્રેરી અને ફાર્બસ ગુજરાતી સભાના પુસ્તકસંગ્રહ સાથે ઘરોબો છે. સભાના એ ટ્રસ્ટી જ નહીં, અવિભાજ્ય અંગ છે. તેના ઉપક્રમે સો દુર્લભ ગુજરાતી પુસ્તકોનાં ડિજિટલાઇઝેશનનું જે શકવર્તી કામ થયું છે તેમાં દીપકભાઈનો ફાળો સહુથી મહત્ત્વનો છે. 

ગુજરાતી સાહિત્યમાં  વિવેચન, અનુવાદ અને સંપાદનનાં પુસ્તકો આપનાર દીપકભાઈ મુંબઈની સોમૈયા કૉલેજમાં 1963થી અગિયાર વર્ષ અધ્યાપક હતા. પરિચય ટ્રસ્ટમાં યશવંત દોશી સાથે સહાયક સંપાદક તરીકેનાં બે વર્ષ પછી તેમણે એક દાયકા માટે અમેરિકાની વિશ્વવિખ્યાત લાઇબ્રેરી ઑફ કૉન્ગ્રેસના દિલ્હીની કચેરીમાં ગુજરાતી ભાષા-સાહિત્યના નિષ્ણાત તરીકે કામ કર્યું. યુનાઇટેડ સ્ટેટ્સ્ ઇન્ફર્મેશન સર્વિસની મુંબઈની શાખામાં સાંસ્કૃિતક બાબતોના નિષ્ણાત તરીકેની તેર વર્ષની કામગીરી બાદ દીપકભાઈ વીસમી સદીને અંતે વ્યવસાયમાંથી ઔપચારિક રીતે નિવૃત્ત થઈને ઓગણીસમી સદીના વ્યાસંગમાં વધુ વ્યસ્ત બન્યા. 

આ વ્યાસંગને વિશેષ પોષણ લાઇબ્રેરી ઑફ કૉન્ગ્રેસમાં મળ્યું. પણ તેના બીજ તેમના ઘડતરનાં વર્ષોમાં હતાં. ગિરગામના તેમના મધ્યમ વર્ગના ઘરમાં તેમનાં માતુશ્રી અને એક ભાઈની પહેલથી ઉત્તમ પુસ્તકોનું વર્ષો લગી દરરોજ સહવાચન થતું. ઘરમાં એ વખતે ત્રણ-ચાર હજાર પુસ્તકો હતાં. અત્યારની  સંખ્યા બમણી છે, તેમાંથી બાર-પંદર ઍટિક્વેરિયન કહેતાં સવાસોએક વર્ષ પહેલાંનાં છે. 

ગ્રંથસંગ્રહ વિશે દાવો કે ગ્રંથજ્ઞાનનો દેખાડો કે નથી. સાહિત્યજગતને ય  દીપકભાઈનું મહામૂલું કામ ઓછું દેખાય છે. ઓગણીસમી સદી સમાજશાસ્ત્રીય રીતે સાંપ્રત માટે અત્યંત પ્રસ્તુત અને છતાં ય આપણા વિદ્યાવિશ્વમાં ઉવેખાઈ છે. દીપક મહેતાના સંશોધનકાર્યનું પણ કેટલેક અંશે એવું છે. 

4 ઑગસ્ટ 2014

+++++      

e.mail : sanjaysbhave@yahoo.com

સૌજન્ય : ‘કદર અને કિતાબ’ નામક લેખકનો સ્થંભ, “નવગુજરાત સમય”, 06 અૉગસ્ટ 2014

Loading

કોમનવેલ્થ ગેઇમ્સ પાસેથી પ્રેરણા લઈને આપણે સુખી થઈશું

અાશા બૂચ|Opinion - Opinion|5 August 2014

તારીખ 23મી જુલાઈને દિવસે ગ્લાસગોમાં 20મી કોમનવેલ્થ ગેઈમ્સનું મંગલાચરણ થયું અને ત્રીજી ઓગસ્ટને દિવસે પૂર્ણાહુતિ પણ થઈ ત્યારે કળા અને સ્કોટલેન્ડની સંસ્કૃિતનું સુંદર પ્રદર્શન થયું. સહુથી મનભાવન વાત એ નોંધી કે સારાયે કાર્યક્રમ દરમ્યાન ‘આપણે સહુ કોમનવેલ્થ કુટુંબના સભ્યો છીએ’ અને ‘આ મૈત્રીપૂર્ણ તથા પરસ્પર પ્રત્યેના વિશ્વાસથી ખેલાતો રમતોત્સવ છે’ એવી ઘોષણા થતી હતી. હાલની હિંસાથી તરબોળ બનેલ આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિમાં આ શબ્દો જાણે આગમાં શીતલ પાણીના છંટકાવ જેવા શાતાદાયક લાગ્યા.

જ્યારે હરીફ દેશોના ખેલાડીઓ પોતપોતાના દેશના વિશેષ વેશપરિધાન કરીને 45 હજારની પ્રત્યક્ષ મેદની અને લાખો ટેલીવિઝનના માધ્યમના પ્રેક્ષકો સમક્ષ ગૌરવથી કૂચ કરતા પસાર થયા, ત્યારે દિલને એક કરાર વળ્યો કે આટલી મોટી સંખ્યાના યુવક-યુવતીઓ તંદુરસ્ત છે, જીવનમાં રમત-ગમત દ્વારા કંઈક સિદ્ધિ હાંસલ કરવાની મહત્ત્વાકાંક્ષા ધરાવે છે અને ખેલદિલીપૂર્વક હરીફાઈ કરી શકે છે.

કક્કાવારી પ્રમાણે એક પછી એક દેશોના ખેલાડીઓ હસતા, ઝૂમતા પસાર થતા જોઈને આંખો ઠરી, સાથે સાથે જે તે દેશોના નામોલ્લેખ થતાં જ તેના વિષે સાંભળેલ, વાંચેલ અને જોયેલી કેટલીક ભૂતકાળની અને વર્તમાન કાળની હકીકતો યાદ આવ્યા વિના ન રહી. કોમનવેલ્થના સભ્ય દેશોમાંથી કોઈ દેશમાં વીસેક વર્ષ પહેલાં જેનોસાઈડ થયેલો, તો એક દેશમાં બોકો હરામ નામના એક સંગઠને બસો જેટલી વિદ્યાર્થિનીઓનું અપહરણ કરી તેમને ધર્મ પરિવર્તન કરવાની ફરજ પાડી એ ઘટના હજુ તાજી જ બની. જ્યાં મબલખ હીરા મળી આવે છે એવા દેશમાં વર્ષોથી સિવિલ વોર ચાલે છે જેમાં લાખો લોક મરાયા અને વિસ્થાપિત થયા. તો વળી કોઈ બે પાડોશી દેશો વચ્ચે એકાદ જમીનના ટુકડાની માલિકી માટે છ છ દાયકાઓથી વારંવાર યુદ્ધના છમકલાં થયા કરે છે એટલું જ નહીં પણ એ દેશોની આંતરિક શાંતિ પણ કોમી વિખવાદથી જોખમાઈ છે. એક બાજુથી જે દેશમાં ઇ.સ.પૂર્વે 1,25,000 વર્ષ પહેલાં માનવ વસવાટ થયેલો માનવામાં આવે છે અને જ્યાં અહિંસાના પ્રખર પૂજારી એવા બૌદ્ધ ધર્મનો પ્રસાર થયો ત્યાં જ બે જુદી જુદી કોમ વચ્ચે હિંસક લડાઈઓ થઈ અને હજારોના જાન ગુમાવાયા. અરે, જે ધરા પર લગભગ 3,00,000 વર્ષ પહેલાં શિકારી માનવે પોતાના ડેરા તંબુ તાણ્યા, જ્યાં દુનિયાની સહુથી પુરાતન સંસ્કૃિતનું પારણું ઝૂલ્યું એ મુલ્ક આંતરિક ટંટા ફિસાદ, સરમુખત્યારોના દમનકારી શાસન, લશ્કરી બળવા અને આતંકવાદીઓના ભય નીચે કચડાયેલો રહે છે.

જે  કોમનવેલ્થના સભ્ય દેશો આવા સહકારથી ખેલ-કૂદના મહોત્સવનું આયોજન કરી શકે, એકબીજા પ્રત્યે મૈત્રીપૂર્ણ વ્યવહાર રાખીને પણ સ્વચ્છ હરીફાઈ કરી શકે એ જ દેશના લોકો અંદર અંદર લડી ઝઘડી મરે કે પાડોશી દેશ સાથે કાયમનું વૈમનસ્ય પોષે તે કેમ ચલાવી લેવાય? સવાલ એ થાય કે આંતરિક અને આંતરરાષ્ટ્રીય પ્રશ્નોના નિરાકરણ માટે એ દેશો હિંસાત્મક રાહ અપનાવે છે જેને સારુ એ દેશો  શસ્ત્ર સરંજામ આયાત કરે છે અને પોતાના જ દેશના નાગરિકો ભૂખમરાથી પીડાય, શિક્ષણ અને સ્વાસ્થ્ય વિના ટળવળે તો પણ વેર ભાવનાને છાંડતા નથી. અને ખરી  મજા તો એમાં છે કે એમને શસ્ત્રો પૂરા પાડનાર એ જ દેશો છે જેમણે ભૂતકાળમાં એમના પર શાસન કર્યું હોય. એલા ભાઈ, પહેલાં પારકી ભૂમિ પર રાજ્ય કરવું, તેનું શોષણ કરવું, પછી એ બધાને રાજકીય સ્વતંત્રતા આપ્યા બાદ ‘ચાલો હવે આપણા બધાની સંપત્તિ સહિયારી ગણીએ’ કહીને ‘કોમનવેલ્થ’ની ભાવના જગાવવી (જેની પાછળનો એક હેતુ એ બધા દેશો તેમના ભૂતપૂર્વ શાસક સામે માથું ન ઊંચકે અને છતાં એમની સંપત્તિમાં થોડો ઘણો પણ હિસ્સો મળતો રહે તે પણ છે) અને સાથે સાથે મોતનો વેપાર કરતા હોય તેમ શસ્ત્રો પૂરાં પાડવા એ તે કેવી રીત?

એક વાત ચોક્કસ સમજાય છે કે હવે કોઈ એક દેશ બીજા દેશને ગુલામ બનાવે એ જમાનો પૂરો થયો તેવી જ રીતે ‘અમે ગુલામીમાં સબડયા એટલે …’ એવા ઓઠા નીચે પોતાના જ દેશમાં બે કોમ અને જાતિઓ વચ્ચે આંતર કલહની આતશ અખંડ સળગતી રાખવાનો અને પાડોશી દેશો સાથે અવિરામ લશ્કરી સંઘર્ષ ચાલુ રાખવાનો સમય પણ પૂરો થવો રહ્યો. જો કોમનવેલ્થના સભ્ય દેશો પહેલાં વિદેશી શાસન તળે કચડાયેલા હોવાના નાતે દુ:ખના સહભાગી હતા અને હવે જેમ આ ખેલ-કૂદમાં સહિયારો આનંદ લૂંટે છે તેમ જ એ તમામ દેશ પોતાના દેશમાં બે જાતિઓ અને કોમ વચ્ચે સુમેળ સાધવાની પ્રતિજ્ઞા લે, પાડોશી દેશો સાથે સરહદના પ્રશ્નો વાટાઘાટ દ્વારા હાલ કરવાનો નિર્ણય લે, અણુ શસ્ત્રો બનાવવાને બદલે પીવાના પાણીનો પૂરવઠો પૂરો પાડવો, સ્વાસ્થ્ય અને સ્વચ્છતાની સગવડો ઊભી કરવી અને શિક્ષણનું સ્તર સુધરવાને અગ્રતાક્રમ આપવો અને પોતાના દેશના તમામ નાગરિકોના માનવ અધિકારોનું રક્ષણ થશે એવા નિશ્ચય કરશે તે દહાડે એ દેશોના નાગરિકો ખરા અર્થમાં ‘કોમનવેલ્થ’ના ધણી થશે.

ખેલ-કૂદની સ્પર્ધામાં ભાગ લેવાં રમતવીરો-વીરાંગનાઓ એક કડક શિસ્તનું પાલન કરે છે, તાલીમ મેળવે છે અને બીજાને હાનિ પહોંચાડ્યા વિના પોતપોતાના ક્ષેત્રમાં અવ્વલ આવવાની પ્રમાણિકપણે કોશિશ કરે છે તેવી જ રીતે એ બધા દેશના નાગરિકો પોતપોતાની કારકિર્દી નિભાવવા અને નાગરિક ફરજો બજાવવા શિસ્તનું પાલન કરે, પોતાના કામ-ધંધા માટે ઉત્તમ તાલીમ મેળવે અને દેશબંધુ કે વિદેશી લોકોને બિલકુલ હાનિ પહોંચાડ્યા વગર ઉત્તમ સિધ્ધિઓ હાંસલ કરવા કૃતનિશ્ચયી બને તો કમ સે કમ આ ખેલ-કૂદની સ્પર્ધાઓમાં ભાગ લેનારા 72 દેશોમાં તો શાંતિમય વાતાવરણ રહે. એ બધા દેશોના રાજ્યકર્તાઓને ચાર વર્ષ સુધી કોઈ એક ખેલ માટે તાલીમ આપી, કોમનવેલ્થ ગેઈમ્સમાં ભાગ લેવા ફરજ પાડીએ અને પછી પોતપોતાના દેશનો વહીવટ કોમનવેલ્થ ગેઈમ્સના નિયમો મુજબ કરવા અનુરોધ કરી જોઈએ. કદાચ એમ કરવાથી નિષ્પક્ષ ન્યાય પદ્ધતિ, સુઘડ વ્યવસ્થાતંત્ર અને સ્વચ્છ વહીવટ આપીને સુરાજ્ય લાવી શકશે.

જે દેશમાં માનવ અધિકારોનું રક્ષણ થતું હોય, કોમી રમખાણો ન થતાં હોય અને જેનો પાડોશી દેશો સાથેનો વ્યવહાર મૈત્રીપૂર્ણ હોય તેવા દેશોમાં કોમનવેલ્થ ગેઈમ્સ યોજવાનો નિર્ણય જો તેની કમિટી લઇ શકે તો કદાચ સભ્ય દેશો પોતપોતાનું આંગણું સાફ કરે અને શેરી-ગામને રૂપાળું કરવા પ્રેરાય અને માત્ર ખેલાડીઓ જ નહીં પણ એ બધા દેશોની આમ પ્રજા સુખ ચૈનથી જીવી શકે તેવું ઈચ્છીએ.

e.mail : 71abuch@gmail.com

Loading

...102030...3,9613,9623,9633,964...3,9703,9803,990...

Search by

Opinion

  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved