Opinion Magazine
Number of visits: 9870870
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એકતા દોડ વચ્ચે … જરી પોરો ખાઈને !

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|1 November 2014

એકતા દોડ વચ્ચે … જરી પોરો ખાઈને !

સન ચોરાસી : વળતર વધારો એ તો જાણે કે સમજ્યા, પણ ગુનેગારો ઉઘાડે છોગ મહાલે છે એનું શું?

શુક્રવારે નમતે પહોરે મુંબઈ સ્થિત વાનખેડે સ્ટેિડયમના તામઝામ અને શિવસેનાના મનામણાંની ટીવી ઝલક જોઉં છું. દરમિયાન, નવી દિલ્હીથી સમાચાર ઉતરે છે કે બાદલ અકાલી દળનું પ્રતિનિધિ મંડળ ગૃહપ્રધાન રાજનાથસિંહને 1984ના શીખવિરોધી રમખાણ સબબ પાંચ પાંચ લાખની રકમ જાહેર કરવા બદલ આભાર માનવા મળ્યું છે. જો કે, પૂર્વે મનમોહન સરકારે જાહેર કરેલ સાડા ત્રણ લાખ કે નમો સરકારના ત્રણ લાખ કે નમો સરકારના પાંચ લાખ પણ ઓછા છે એમ કહેવા સાથે અકાલી દળે એવી પણ માંગ કરી છે કે કેટલાયે ગુનેગારો હજી ઉઘાડે છોગ ફરી રહ્યા છે.

એમને કાયદેસર નસિયત આપવી રહે છે. નમો સરકાર આ બાબતમાં કેટલી આગળ વધશે તે જોવું રહે છે. પંજાબમાં સત્તા-સહભાગી અકાલી દળને રીઝવવા અને શીખ કોન્સ્ટિટ્યુન્સીમાં વિસ્તરવા સારુ આ મુદ્દે એને એક તક ચોક્કસ છે. સવિશેષ તો, કોંગ્રેસને કદ પ્રમાણે વેતરી અગર ઓગાળી કાઢવાની રાજનીતિની દૃષ્ટિએ પણ આ મુદ્દો મહત્ત્વનો છે. અને વાત પણ સાચી કે 1984ના સંહારસત્રની જવાબદારી બાબતે ત્યારનો સત્તાપક્ષ હાથ ઊંચા કરી શકે નહીં, જેમ 2002ના ઘટનાક્રમની જવાબદારી બાબતે ગુજરાતના નાગરિક સમાજે હંમેશ કહ્યું છે; અને અહીં કંઈક પરિણામ પણ આણ્યું છે. બલકે, હવે સંકેલાઈ રહેલી ગોધરા તપાસની વાસ્તવકિતાને વિગતસમૃદ્ધ અને તર્કબદ્ધ રીતે રજૂ કરતા પુસ્તક "ધ ફિકશન ઓફ ફેકટ ફાઈન્ડિંગ'(‘તપાસ નહીં પણ તરંગ કથા')ના લેખક મનોજ મિટ્ટાએ સુપેરે ચર્ચ્યું છે તેમ ગુજરાત એ સર્વપ્રથમ ‘પોગ્રામ' (સંહારકિસ્સો) નહોતો. 1984 એથી પૂર્વે થયેલ ‘પ્રોગ્રામ' કિસ્સો છે. અડવાણીએ પોતાનાં સંસ્મરણોમાં િમટ્ટાની આ વાત સંભારી પણ છે.

નમો સરકાર જો 1984 બાબતે વધુ તપાસમાં જવા માગતી હોય – કેજરીવાલની ટૂંકજીવી દિલ્હી સરકારે તો આ મુદ્દે ‘એસઆઈટી'ની જિકર કરી જ હતી, પણ એ સરકાર ગઈ અને લેફટનન્ટ ગવર્નર હાલ્યાચાલ્યા નથી – તો તે ઠીક જ થશે, પણ 1984 અને 2002ના સરખાપણાનો પેરેલલ આગળ કરતી વખતે ભાજપે જરી જાતતપાસમાં પણ જવું પડશે. 1984 કરતાં 2002માં કસુરવારોને કંઈકે નસિયત આપી શકાઈ હોય તો તે ભાજપની સિદ્ધિ નથી.

સર્વોચ્ચ અદાલતની દરમિયાનગીરી અને ગુજરાતના નાગરિક સમાજની જાગૃતિએ રાજ્ય સરકાર અને સત્તાપક્ષના અવરોધો વટીને તે હાંસલ કરેલ છે. કદાચ, 1984માં નહીં માલૂમ પડેલો એટલો સંવેદનશીલ અને સક્રિય નાગરિક સમાજ એની બધી મર્યાદાઓ વચ્ચે 2002માં બહાર આવ્યો છે. જો કે, અહીં પણ ખાસું અંતર કાપવાનું છે એ વળી જુદી વાત થઈ. ગમે તેમ પણ શીખવિરોધી સંહારસત્રમાં ન્યાયનો મુદ્દો માથે ચઢાવવા સાથે અને છતાં સમગ્ર પ્રશ્નને વધારે વળતરમાં કે કાનૂની સજાપ્રક્રિયામાં જ સમેટી શકાય તેમ નથી.

ભાજપની દિલ્હી ફતેહ અને મહારાષ્ટ્ર-હરિયાણાનાં પરિણામોમાં નાતજાતકોમથી ઉફરી તરાહ જોવાનું એક વલણ છે. એમાં સત્યાંશ છતાં ચોક્કસ મર્યાદા પણ છે. તમે ઉજળિયાતથી ઓબીસી સંક્રાન્તિ જુઓ : પૂર્વે ભાજપને આ પ્રક્રિયામાં નાતજાતવાદ લાગતો હતો ! મહારાષ્ટ્રમાં એસ.એમ. જોષી સહિતના અનેક સમાજવાદી (અને બ્રાહ્મણ) નેતાઓએ નવા સમાજને સારુ રસ્તો ખોલવાની રીતે વ્યાપક અભિગમ લીધો તો મરાઠાઓ સત્તા લગી પહોંચી શકયા. નવી દિલ્હીમાં મોદી અને મહારાષ્ટ્રમાં એક તબક્કે મુંડે એવાં જે ઓબીસી નામો ચાલ્યાં એની પૃષ્ઠભૂ આ રીતે જોવા જેવી છે.

શિવશાહી ઠોકશાહી છાપ શિવાજી સામે ફૂલે જેવાને શિવાજી જે કારણસર ‘અમારા શુદ્રોના રાજા' લાગતા હતા તે પણ તપાસવા જેવું છે. આજે હરિયાણામાં બિનજાટ અને મહરાષ્ટ્રમાં બિનમરાઠા નેતૃત્વનું જે મહિમાગાન ચાલે છે તે િહંદુત્વ રાજનીતિને વરેલી મંડળીના વશની સરળ વાત નથી. શુક્રવારે સરદાર વિશે વિગતે વાત કરવા સાથે મોદીએ પુણ્યતિથિ પ્રસંગે ઇન્દિરાજીને સંભારવા માટે પણ એકબે લીટી ખતવી છે એની અહીં નોંધ લેવી જોઈએ. ભાઈ, આ કટોકટીખ્યાત મહિલાએ શીખ અંગરક્ષકોથી કિનારો ન કર્યો એ વ્યક્તિગત ધોરણે કોઈ સામાન્ય વાત નથી.

ભીંદરાંવાલે કોંગ્રેસની આંતરિક રાજનીતિમાં ઇન્દિરાજીનું સર્જન હતા એ જો સાચું હોય તો એ પણ સાચું છે કે ઓપરેશન બ્લુ સ્ટાર એ દેશની અખંડિતતા માટેની કારવાઈ હતી. ભીંદરાંવાલેની વિભાજક-વિઘાતક રાજનીતિ વિશે ભાજપના સત્તાસાથી અકાલી દળે ક્યારેક તો ખોંખારીને બોલવું જોઈશે. જેની પ્રતિભા કોઈ સ્થૂળ ઊંચાઈની મોહતાજ નથી તે સરદારને ‘હિંદુ રાષ્ટ્ર' એક પાગલ ખયાલ લાગતો હતો. એકતા દોડના આયોજકોની સામે દેશનું આવું કોઈ સમગ્ર ચિત્ર છે કે કેમ તે હજી આપણે જોવું જાણવું સમજવું રહે છે.

મુદ્દે, ઉજળિયાતમાંથી ઓબીસી સંક્રાન્તિ કે કેવળ દલિત ઉન્મેષ અગર તો ચૂંટણીની રાજનીતવિશ ‘મતબેંકવાદ' કે ‘સામાજિક ઈજનેરી' – આ કશાથી આપણી મૂળભૂત ભાવઠ ત્યાં સુધી ભાંગવાની નથી જ્યાં સુધી આપણા પક્ષો તમને અને મને નાગરિક તરીકે જોતા ન થાય, અને આપણે એમને એ ધોરણે ઠમઠોરતા ન થઈએ. કાશ, બિનજાટ, બિનમરાઠા નેતૃત્વનાં દૂખણાં લેતી એસ્પિરેશનલ મિડલ કલાસ ચિયરાંગનાઓ આ સમજી શકે !

સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, Nov 01, 2014

Loading

ટેન ફોર્ટી એકસપ્રેસ

વલ્લભ નાંઢા|Opinion - Short Stories|1 November 2014

શિવાની ઘેર જવા આમ તો ઑફિસમાંથી દસેક મિનિટ વહેલી જ નીકળી જતી. પણ આજે એ ક્રમ તૂટ્યો હતો. દસેક મિનિટ પહેલાં સોર્ટિંગ ઑફિસનો રનર એક અરજંટ ફાઈલ લઈને તેની પાસે આવ્યો હતો. ફાઈલ તેને સુપરત કરતાં તેણે બોસનું ફરમાન તેને સંભળાવ્યું હતું – ‘બોસે કહ્યું છે શિવાનીને કે’જો, આ ફાઈલ ક્લિઅર કરીને ઘેર જાય.

શિવાની સમસમીને રહી ગઈ. પણ, શું થાય ? બોસનો આદેશ હતો. ક્પ્યુટર ચાલુ કર્યું અને કી-બોર્ડ પર આંગળીઓ ટપ ટપ કૂદકા મારવા લાગી, પણ તેનું ધ્યાન તો ઑફિસ-ક્લૉકના કાંટા તરફ ચોંટેલું રહ્યું .. સમયની ચુસ્ત કટોકટી વચ્ચે કામ પૂરું કર્યું ત્યારે તેની ઑફિસનો સ્ટાફ ચાલ્યો ગયો હતો.

બહાર આવી ત્યારે ફૂટપાથ પર લોકોની આછોતરી અવરજવર હતી. રોઝ્બેરી એવેન્યુને બન્ને તરફથી ઘેરી વળીને ઊભેલી ઊંચી ઊંચી ઇમારતો, ફ્લેટ્સ અને ઑફિસ-બ્લોક્સના પડખામાંથી પસાર થતી ફૂટપાથ પર થઈને એ બસ-સ્ટન્ડ સુધી પહોંચતી, ત્યારે ડબલ-ડૅકરમાં તેને એકાદ બારી પાસે બેસવાની આસાનીથી સીટ મળી જતી. બસમાં ચડનારાંઓમાં એ સાવ એકલી હોય તેવું પણ ભાગ્યે જા બનતું.

બસ આગળ વધવા માંડે અને ગ્રેઈઝ ઈન રોડ અને તેને સમાંતર નૅશનલ રેલના પાટાઓ ફટાફટ પસાર થઈ જાય, ફેરિંગડન રૉડ અને તેની રોનક, બધું દૂર દૂર સરકતું જાય અને કિંગ્ઝ્ક્રોસ વિસ્તારની ઝાકઝમાળ ખૂલવા લાગે. ઊંચી અને વિશાળ બિલ્ડિંગો, સરિયામ સાફસુથરી હાઇ-સ્ટ્રીટ્ની ભભક અને જમણી તરફ અડધો કિલોમિટર જગ્યા રોકીને કોઈ તપસ્વીની જેમ ઊભેલો “ટાઇમ્સ’’નો વિશાળ કૉમ્પ્લેક્સ, છૂટાં છવાયાં કેફિટીરિઆ અને રેસ્ટોરેંટોની ભીડભાડ જોઈને શિવાની રોમાંચિંત થઈ ઊઠતી.

પણ આજે શિવાનીનું મન કશાંયમાં લાગતું નહોતું. બધું રસહીન જણાતું હતું. એક બગાસું ખાઈ લેતાં તેણે રિસ્ટવૉચમાં જોયું. સાડા દસ !! ફાળ પડી શિવાનીને. ઑફિસમાંથી નીકળતાં ખાસું મોડું થઈ ગયું હતું, અને 10:40ની એક્સપ્રેસ ચૂકી જવાની ધાસ્તીએ તેને ડરાવી દીધી. બોસને શી પડી હોય? હું મારી ટ્રેન ચૂકી જાઉં, ઘેર મોડી પહોંચું કે ટ્રાફિકમાં અટવાઈ પડું તેની ચિંતા બોસને થોડી જ રાખવાની હોય? શિવાની ટ્રેન ચૂકી જશે તો બીજી ટ્રેન માટે આટલી રાતે કલાક સુધી સ્ટેશનના બાંકડા પર ખોડાઈ રહેવું પડશે; બોસને એવી ચિંતા ન રહેતી. બોસ એવું કેરિંગ નેચર પણ ધરાવતા નહોતા. હીમ વર્ષાવતો વિન્ટરનો આ ઠંડોગાર રાત્રિસમય હોવા છતાં ટ્રેન ચૂકી જવાના ડરે તેના શરીરે પરસેવો વળી ગયો. હેન્કિથી કપાળ પર બાઝેલાં પ્રસ્વેદબિંદુઓ લૂછતાં લૂછતાં એ ફરીથી વિચારોના ચગડોળે ઘમરોળાવા લાગી –

બે દિવસ પહેલાં તવિસ્તોક સ્ક્વૅરમાં 30 નંબરના રુટની બસ પર ત્રાસવાદીઓએ કરેલા આત્મઘાતી બોઁબ-બ્લાસ્ટથી લંડન શહેર ખળભળી ઉઠ્યું હતું. સારવાર માટે અસંખ્ય લોકોને હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આમાંના કેટલાક મૃત્યુ પામવાની અણી પર હતા અને ઘાયલ થયેલાઓનો આંક પણ મોટો હતો. જાહેર સ્થળોએ અને રાજમાર્ગોમાં પાકો પોલીસ બંદોબસ્ત તહેનાતમાં હતો. બે દિવસ પછી તંગદિલીનું વાતાવરણ હટી જતાં શિવાની કામે આવી હતી. બોસે તેની પીઠ થાબડવાને બદલે મોડા છૂટવાની આકરી સજા ફટકારી હતી- ફાઇલ ક્લિઅર થઈ ગયા પછી જ ઑફિસ છોડવી !

શિવાનીથી બારી પર મૂઠી પછાડાઈ ગઈ.

આજે 10:40ની એક્સ્પ્રેસ ચૂકી જવાશે તો પપ્પાની દાંટ ખાવી પડશે. પપ્પા અવારનવાર ઠપકો આપે છે – ‘શિવાની બેટા, તેં આવી શિફ્ટવાળી જૉબ શા માટે લીધી? આ જોબ તું કેમ છોડી દેતી નથી?’ પણ પપ્પાને કેમ સમજાવું કે મેં આ નોકરી શા માટે લીધી છે? બે વર્ષ પહેલાં પપ્પાએ ટપાલખાતાની નોકરીમાંથી નિવૃત્તિ લીધી, નાની બહેન ઈશિતાએ આ વર્ષે જ યુનિ જોઈન કરી છે, નાનો ભાઈ તો હજી “ઓ-લેવલ્સ” સુધીયે પહોંચ્યો નથી અને મમ્મી છ મહિના પહેલાં પરૅલિસિસના અટૅકથી પથારીવશ છે. એકલા પપ્પાના પૅન્શનમાંથી ઘર થોડું જ ચાલે? પૅન્શનની આછીપાતળી આવકમાંથી ઘર ચલાવવું, વહેવાર સાચવવો, નાના મોટા પ્રસંગો ઉકેલવા – કેટલું વસમું લાગતું હશે પપ્પાને? શિવાની ઘરની આ નબળી પરિસ્થિતિથી જ્ઞાત હતી અને એટલે જ પપ્પાની થોડી નારાજગી વહોરીને તેણે “રોયલ મેલ’’માં ક્લેરિકલ ઑફિસરની જોબ લીધી હતી, અને હવે નોકરીમાં એ સ્થિર પણ થઈ ગઈ હતી. પગાર, બૉનસ અને નાઈટ અલાઉન્સથી ઘર ચાલે છે. ટ્રેન અને બસના સમય જાણી લીધા પછી લેટ શિફ્ટથી પણ એ ટેવાઈ ગઈ છે. પણ શિવાનીના પપ્પા આ નોકરીથી અને ખાસ કરીને રાતની પાળીથી હજુ પણ નારાજ રહે છે.

ગઈ કાલથી શહેરનો અલર્ટ હટાવી લેવાયો છે, પણ લોકોનો ફફડાટ હજુ ઓસર્યો નથી. ગાય ફોક્સના ફટાકડાના અવાજમાં લોકોને બોઁબ બ્લાસ્ટના ધડાકા સંભળાય છે. ચોવીસે કલાક એમનાં તનમન પર આતંકવાદનો ઓછાયો છવાયેલો રહે છે. થોડાં વર્ષોથી આતંકવાદ વકર્યો છે અને તેણે લંડનવાસીઓની નિંદર હરામ કરી નાખી છે. એશિયન છોકરીઓને ગોરા છોકરા યુનિમાં સતાવે છે, મોટાં મકાનોની લિફ્ટમાં હિન્દુ છોકરીઓ ઉપર બળાત્કારના કિસ્સાઓની ગુસપુસ મોટી ઉંમરની સ્ત્રીઓ કરે છે. મુસ્લિમ ગુંડાઓ છરાથી છોકરીઓનાં કપડાં ચીરી નાખે છે, અને શીખ છોકરાઓ નવરાત્રિના ગરબા વખતે સરેઆમ છોકરીઓની છેડતીઓ કરે છે, અરે ઉપાડી પણ જાય છે. ફજેતીની બીકમાં કોઈ પોલીસમાં જતું નથી. કેટલાંક પોતાના વતન ચાલ્યા જાય છે. શિવાની રોજ આવા કિસ્સાઓ છાપાંઓમાં વાંચતી, સાવચેત રહેતી અને ભાગ્યે જ એકલી બહાર નીકળતી. પણ આ નોકરીને કારણે કોઈ કોઈ વાર ઘેર પહોંચવામાં મોડું થઈ જતું. પણ આજે તો ખાસું મોડું થઈ ગયું હતું.

પ્લૅટ્ફોર્મ પર ભીડ હતી. ભીડમાંથી માર્ગ કરી એ પ્લૅટફોર્મ સુધી આવી પણ ટ્રેન પ્લૅટફોર્મ પરથી સરકી રહી હતી.

‘ઓહ ગોડ! આજે આ શું થવા બેઠું છે?’ ધૂંધવાઈ ઊઠતાં શિવાની મનમાં બબડી, ‘બોસની અવળચંડાઈનું જ આ પરિણામ! છેલ્લી ઘડીએ ફાઈલ ન મોકલી હોત તો આટલું હેરાન ન થવું પડત!’

એસ્કલેટર પાસે જ એક ટી-સ્ટોલ હતો. શિવાનીએ કૉફીનો ઓર્ડર દીધો. કૉફીનો ડિસ્પોઝલ કપ લઈ તે બેસવાની જગ્યા શોધવા આમતેમ જોવા લાગી. ટી-સ્ટોલની પાસે જ એક ખાલી બાંકડો હતો. એ તરફ જવા એ પગ ઉપાડવા જતી હતી ત્યાં ટી-સ્ટોલના કાઉન્ટર પાસે ઊભેલો કોઈ લફંગા જેવો લાગતો માણસ તેના તરફ જોઈને બોલ્યો,  ‘યંગ લેડી, યુ વિલ હેવ ટુ વેઈટ લોંગ ફોર નેક્સ્ટ ટ્રેન.’ કહી તેણે ખભા ઉલાળ્યા અને સ્ટોલની પછીતમાં અદૃશ્ય થઈ ગયો.

પ્લૅટફોર્મ સૂમસામ હતું. લોકોની ભીડ શમી ગઈ હતી. ટ્રેન ગયા પછી તેનો નકશો જ બદલાઈ ગયો હતો. ચકલીઓ તરફ કોઈએ પથરો ફેંક્યો હોય અને બધી ચકલીઓ એકીસાથે ઊડી જાય તેમ લોકો પ્લૅટફોર્મ ખાલી કરી ગયા હતા.

શિવાનીના શરીરમાંથી ઠંડીનું એક લખલખું પસાર થઈ ગયું. એ વિચારી રહી હતી – પેલો લફંગો મને કેવી વિચિત્ર નજરે નિહાળતો સલાહ આપી રહ્યો હતો ? કોણ હશે એ શયતાન? આતંકવાદી તો નહીં હોય? શું એ જાણી ગયો હશે કે હું હિન્દુ છું ? આમે ય મારો પહેરવેશ, મારી બોલવાની તરેહ અને વર્તણૂક મારા ધર્મ અને જાતિની ચાડી ખાધા વિના થોડાં જ રહેશે? હું હિન્દુ છોકરી છું એની ગંધ આવતાં એ નીચ …. એ આગળ વિચારી ના શકી.

શિવાનીએ બેગમાંથી પાણીની બૉટલ કાઢી. બોટલમાં પાણીનું ટીપુંયે બચ્યું નહોતું. તેને થયું – ચાલ, ટી-સ્ટોલમાંથી જ મિનરલ વૉટરનો એક શીશો લઈ આવું. અને મોબાઈલમાંથી ઘેર પણ જણાવી દઉં. – દસ ચાલીસની એક્સપ્રેસ ચૂકી ગઈ છું.

મોબાઈલ જોડ્યો. ટ્રેન ચૂક્યાની હકીકત પપ્પાને જણાવી તો એ બૂમાબૂમ કરવા લાગ્યા. હું પપ્પાને અપસેટ કરવા નહોતી માગતી એટલે મેં ફોન કાપી નાખ્યો. મારી જગ્યા તરફ પાછી વળતી હતી ત્યારે ટી-સ્ટોલ વાળો છોકરો મને કહેવા લાગ્યો, ‘મૅડમ, યુ શુડ નોટ ટ્રાવેલ એટ ધીસ ટાઇમ. ઇટ્સ નોટ સૅઈફ.’ હું તેને પૂછું છું – ‘વ્હાય?’ એ કહે છે, ‘ધ વર્લ્ડ હેઝ ચૅન્જડ!’

મારું ભેજું ફાટફાટ થવા લાગ્યું. મેં ચાલતી પકડી.

–  નો, વર્લ્ડ હેઝ નોટ ચૅન્જડ એટોલ! પાછલા દસ વર્ષોમાં શું બદલાયું છે? શિવાની પોતાની જાતને જ સવાલતી રહી – શું લોકો રડતાં નથી? એક બીજાંને પ્રેમ-નફરત કરતાં નથી ? બાળકો જન્મતાં નથી ? લોકો મૃત્યુ પામતા નથી ? ને ખીલતાં ફૂલો કરમાતાં નથી ? ના, કાંઈ જ નથી બદલાયું.

પોતાના બાંકડા પાસે આવી ત્યારે તેને લાગ્યું કે અત્યારે તો આ ટી-સ્ટોલ પાસે બેસી રહેવામાં જ સલામતી છે. પણ આ સ્ટોલ બંધ થઈ જશે ત્યારે? સ્ટોલવાળા છોકરાઓને પૂછી લેવાનો વિચાર આવતાં એ પાછી ઊઠી. ને પૂછી આવી. સ્ટોલ મોડે સુધી ખૂલો રહે છે, એ જાણ્યા પછી તેને થોડી રાહત થઈ. ગુડ.

શિવાનીએ આસપાસ જોયું – પ્લૅટફોર્મ ભેંકાર થઈ ગયું હતું. રાતને કોઈએ જકડી રાખી હોય તેમ આગળ વધવાનું નામ નહોતી લેતી. ટ્રેમ્પ જેવો લાગતો એક આદમી સામેના બાંકડા પર સિગારેટના કશ ખેંચી રહ્યો હતો. તેના પગની આસપાસ તેનો પાલતુ કુત્તો કૂદાકૂદ કરે છે. ઘડીક અટકે છે, ઘડીક ડોક ઊંચી કરીને કશુંક સૂંઘે છે અને પછી ઝનૂનથી બંને કાન ફફડાવી પેલા માણસના પગ પાસે આળોટવા લાગે છે.

એ જ વખતે શિવાનીની નજર બાજુના બાંકડા તરફ વળી અને તે બાંકડા પર બેઠેલી એક ઓરત પર સ્થિર થઈ ગઈ. તેના હાથમાં ચામડાની બેગ છે. તેણે શ્યામ વસ્ત્રો પહેર્યાં છે અને તેનું મોં કાળા બુરખાથી ઢંકાયેલું છે. અને બુરખામાંથી બે ચમકતી આંખો તેને ટીકી રહી છે. શિવાની વિમાસે છે, હમણાં સુધી તો એ અહીં નહોતી, અને હતી તો અત્યાર સુધી મારું ધ્યાના તેના તરફ કેમ નહીં ગયું હોય ? અચાનક ક્યાંથી ટપકી પડી ? અને તેણે મારી પાસેનો જ બાંકડો કેમ પસંદ કર્યો હશે ? થોડી વાર પહેલાં ટી-સ્ટોલ પાસે મને ભેટી ગયો હતો એ લફંગો અને આ ભેદી ઓરત ત્રાસવાદી અને એકબીજા સાથે ભળેલાં તો નહીં હોય ? એ લોકોનો ઈરાદો શો હશે ? આ ઓરતના હાથમાં બેગ છે, એમાં ટાઇમ-બોમ્બ તો નહીં છુપાવ્યો હોય ? શિવાનીના દિમાગમાં સવાલો પર સવાલોના ઢગ ખડકાવા લાગ્યા હતા. અને પેલો ટાઇમ-બોમ્બ ફૂટ્યો તો? એવી કલ્પના કરતાં શિવાની પવનના ઝાપટે ધ્રૂજતા વૃક્ષનાં પર્ણોની જેમ હચમચી ગઈ.

અરે ! મને આવા નૅગેટિવ વિચારો કેમ આવે છે? એ બાઈ તો બિચારી એની જગ્યાએ શાંતિથી બેઠી છે. પણ મન પાછું જુદી દિશામાં દોડવા લાગ્યું –

શિવાની … શિવાની … શિવાની, એ બાઈ શાંતિથી બેઠી છે અને ત્રાસવાદીઓ સાથે ભળેલી હોય એવું પણ નથી લાગતું છતાં વિશ્વાસ કેમ નથી બેસતો ? એ બુરખામાં કોઈ આતંક્વાદી ચહેરો નહીં છુપાયો હોય તેની શી ખાતરી ? વળી આ ઓરત લાગે છેયે બેવડા બાંધાની ! કોઈ પુરુષે બુરખો પહેરી લીધો હોય તો પણ કેમ ખબર પડે ?

ડરની એક કંપારી તેના શરીરમાંથી પસાર થઈ ગઈ. દિલમાં સમર્પિત ભાવ ઊઠતાં એ પોતાના મન સાથે સંવાદી – એ મારા પર હુમલો કરશે તો હું તેને સાફ સાફ કહી દઈશ, મારી મા !  તારે જે જોઈતું હોય તે મારી પાસેથી લઈ જા; પણ મને જવા દે.

એવામાં પ્લૅટફોર્મની લાઈટો એકાએક ઝબકી ઊઠી. સાથે ટ્રેનના આગમનના ધ્વનિએ સૂમસામ પ્લૅટફોર્મને ચેતનરસથી ભરી દીધું. શિવાનીના વિચારોની શૃંખલા પણ તૂટી અને એ સહસા બાંકડા પરથી ઊભી થઈ ગઈ. હવે ડરવાનું કોઈ કારણ નહોતું. એ દોડીને એક ડબ્બામાં ચઢી ગઈ. ડબ્બામાં દાખલ થયા પછી તેણે પાછળ જોયું. પેલી ઓરત પણ તેની પાછળ પાછળ તેના જ ડબ્બામાં ચડી રહી હતી ! આજે, આ ચૂડેલ મારો પીછો છોડવાની નથી ! એ મનમાં બડબડી.

શિવાની જગ્યા શોધવા લાગી. ડબ્બાની એકા તરફની વિન્ડો સીટમાં એક વૅસ્ટ ઈન્ડિયન છોકરી પોતાની છાતી પર કોઇ ચોપાનિયું રાખીને સૂતી હતી. શિવાનીએ તેની સામેની સીટમાં જગ્યા લીધી તો પેલી ચૂડેલ પણ એ તરફ આવતી જણાઈ. અને એ પણ શિવાનીની સામેની સીટ પર પેલી વૅસ્ટ ઈન્ડિયન છોકરીની બાજુમાં ગોઠવાઈ ગઈ.

બે-એક મિનિટ પછી ટ્રેનનો ધક્કો આવ્યો અને ટ્રેન પ્લૅટ્ફોર્મ પરથી આસ્તે આસ્તે સરકવા લગી. શિવાનીએ ત્રાંસી નજર કરી પેલી બાનુ તરફ જોયું. હજી પણ એ તેને જ તાકી રહી હતી. શિવાનીએ અાંખો બંધ કરી લીધી. પેલી વેસ્ટ ઈન્ડિયન છોકરી તો ઘોરે છે અને આ ડબ્બામાં અમારા ત્રણ સિવાય બીજું કોઈ નથી, હવે એ કોઈ પણ ક્ષણે મારા પર હુમલો કરશે. બેગમાં છુપાવી રાખેલા હથિયાર વડે મારી કત્લ કરી છૂમંતર થઈ જશે ….. શું કરું ? શિવાનીને ચાલતી ટ્રેનમાંથી બહાર કૂદી પડવાનો વિચાર આવ્યો, પણ બીજી જ ક્ષણે એ વિચારને દાબી દેતાં તેણે આંખો બંધ કરી સીટ પર લંબાવી દીધું.

ભય, અને તંદ્રાના ભારણમાં કેટલાં સ્ટેશનો પસાર થઈ ગયાં તેની સરત પણ ન રહી. લુટન સ્ટેશન આવતાં ટ્રેનની ગતિ ધીમી પડવા લાગી ત્યારે પેલી ઓરતનો અવાજ કાને પડતાં તેની આંખો સહસા ખૂલી ગઈ – બહેનજી … ! બહેનજી … ! બુરખાવાળી ઓરત શિવાની પાસે આવીને કહેતી હતી, ‘સચ મૂચ મુઝે બહોત ડર લગ રહા થા. અલ્લાહ કા શુકર હૈ કિ આપ કા સાથ થા. અબ મેરા સ્ટેશન આ ગયા હૈ. આપ કા બહોત બહોત શુકરિયા.’ કહી એ ઊતરી ગઈ.

શિવાની દિંગ્મૂઢ બનીને જોઈ રહી.

***

e.mail : vallabh324@aol.com

Loading

લોકશાહીનો પોકાર : હાઈસ્કૂલના છાત્રો સામે હાંફી રહેલું ચીની નેતૃત્વ

સનત મહેતા|Opinion - Opinion|31 October 2014

ટ૫કા જેવા હોંગકોંગના વિદ્રોહનું કારણ ચીનનું સંપૂર્ણ લોકતંત્રના વચનમાંથી ફરી જવું છે

1947માં ભારત સ્વતંત્ર થયું એ સદી વિદેશી ગુલામીમાંથી રાષ્ટ્રોને સંસ્થાનવાદમાંથી મુકત થવાની હતી. એ સદીમાં ચીન સહિત એશિયાના અનેક દેશો સ્વતંત્ર થયાં. ગાંધી અને જવાહરલાલ નેહરુ જેવાં અનેક રાષ્ટ્રીયસ્તરના નેતાઓ લોકતંત્રના ચુસ્ત હિમાયતી હતા. એટલું જ નહિ પણ લોકતંત્રનું જતન કરી શકે એવા વિચારો અને અનુરૂપ નાગરિક સંસ્થાઓ સ્થપાઈ હતી. પરિણામે આજે સ્વરાજને લગભગ પોણાસો વરસ થવા આવ્યા, તો ય ભારતમાં લોકતંત્ર છે.  ભારતમાંથી જ  અલગ બનેલા પડોશી દેશ પાકિસ્તાનમાં કે એ જ અરસામાં મુકત બનનાર ચીનમાં લોકતંત્ર પાંગરી શકયું નથી. આ દેશોની જનતા લોકતંત્ર ઝંખે છે પણ એને એક યા બીજા રસ્તે દાબી દેવાય છે.

ચીન જનસંખ્યામાં ભારતથી પણ મોટો દેશ હોવા છતાં અને રશિયા કરતાં જુદી રીતે કિસાનક્રાંતિ થઈ, પણ ત્યાં લોકતંત્ર ના પાંગર્યુ અને માઓત્સેતુંગના નેતૃત્વવાળી સામ્યવાદી છતાં બિનલોકતાંત્રિક સરકાર સ્થપાઈ. આજે ત્યાં આર્થિક ઉદારીકરણ વ્યાપક રીતે અપનાવાયું છે પણ લોકતંત્ર નથી. વિશ્વની કુલ વસતીના માત્ર 45 ટકા જ લોકતંત્ર ભોગવે છે. બીજે લોકતંત્ર સ્થિર નથી તો કયાંક એક જ પક્ષનું એકહથ્થું શાસન છે, તો કયાંક લશ્કરનું આધિપત્ય છે અને કયાંક હજૂ વિદેશી શાસન ટકી રહ્યું છે. આ સંદર્ભમાં હોંગકોંગના વિદ્યાથીઓના ‘છત્રી વિદ્રોહે’ દુનિયાનું ધ્યાન ખેચ્યું છે. શું આ સફળ થશે? વિશ્વનો નકશો જોઇએ તો, સાડત્રીસ લાખ ચોરસમાઈલ વિસ્તારમાં રહેતા 130 કરોડની જનસંખ્યાવાળા ચીનના સામ્યવાદી સામ્રાજયના ખૂણે સાગરકાંઠે માત્ર 415 ચોરસ માઈલમાં પથરાયેલું એક કરોડથી પણ ઓછી વસ્તીવાળું હોંગકોંગ એક ટપકા જેવડું છે.

180 વરસ સુધી બ્રિટિશ સામ્રાજયનો ભાગ રહ્યા પછી 1993માં ચીનને સોપાયું અને ચીનનો સ્વાયત્ત પ્રાંત બન્યું. કુદરતી સંપત્તિ વગરનું હોંગકોંગ કુદરતી બંદર હોવાના કારણે વિશ્વનું વેપાર કેન્દ્ર બન્યું છે. બ્રિટને હોંગકોંગ ચીનને સોપવાનું નકકી કર્યું ત્યારે જબ્બર વિરોધ થયેલો, એટલે ચીનને પુખ્ત મતાધિકાર આધારિત ચૂંટણીનું વચન આપવું પડેલું. ત્યારે ચીનનો ટાઇનાનમેન ચોકનો વિદ્રોહ હજૂ તાજો હતો. એટલે ચીને પુખ્ત મતાધિકાર આધારિત ચૂંટણીનું વચન આપી એક રાષ્ટ્રમાં બે પ્રથા એવું સૂ્ત્ર વહેતું કર્યું હતું. ૫ણ હોંગકોંગના શાસકની ચૂંટણી 2017 સુધી ઠેલી દીધી હતી. હવે 2017 નજીક છે, ત્યારે શાસનના રૂપ વિષે 31મી અૉગસ્ટે વાત બહાર આવી કે હોંગકોંગ પોતાના શાસકની ચૂંટણી પુખ્ત મતાધિકારથી કરશે, પણ ઉમેદવારો બે કે ત્રણ ચીનનો સામ્યવાદી પક્ષ નકકી કરશે. ઉમેદવારી સ્વતંત્ર ઢબે નહિ થઈ શકે.

બસ, હોંગકોંગ અને દુનિયાના લોકતંત્ર ચાહકોને જાણ થઈ કે હોંગકોંગમાં પણ ચીની ઢબની લોકશાહી સ્થપાશે અને સપ્ટેમ્બરથી શાળાના હજારો વિદ્યાર્થીઓ સાચા લોકતંત્ર માટે મેદાનમાં આવ્યા છે. હોંગકોંગના સરકારી દફતરોમાં જવાના દસ લેનના રાજમાર્ગ પર હજારો વિદ્યાર્થીઓ જમા થયા. પ્રારંભમાં પોલિસ શાંત રહી પણ પછી શાળાના આ શાંતિમય વિરોધ કરનાર વિદ્યાર્થીઓ પર પાણી છોડયું, ટીયરગેસ છોડયો, છેલ્લે મરચાંની ભૂકી ફેંકી.  વિદ્યાર્થીઓએ મરચાંની ભૂકી અને ટીયરગેસથી બચવા છત્રીઓ ધરી. એટલે એનું નામ “છત્રી વિદ્રોહ” પડી ગયું. વિદ્યાર્થીઓએ અમેરિકામાંથી ઉદાહરણ લઈ નામ આપ્યું,  “OCCUPY CENTRAL WITH LOVE AND PEACE’’.

આ વખતે તો ચીને વાટઘાટોનું નિમંત્રણ મળ્યું તો વિદ્યાર્થી આગેવાનોએ પરિણામ નહિ આવવાની ખાતરી છતાં સ્વીકાર કરેલો. જેથી વધુ સંગઠિત થવાનો થોડો સમય મળે. હવે તો ચીનના શાસકો આ વિરોધને પોતાના વિરોધી દેશોનું કાવત્રું માને છે. વિદ્યાર્થીઓમાં સૌથી વધુ પ્રિય આગેવાન એવા માત્ર 17 વરસના જોશુઆ વોગે તો વિદ્યાર્થીઓને વધુ બેડીંગ સાથે આવવા હાકલ કરી અને હવે કેટલાક તો માર્ગો પર રહેવા મકકમ છે. હવે પોલિસે 18 કલાકની શિફ્ટ ગોઠવી દીધી છે. ચીની સત્તાવાળાઓએ ચૂંટણીનું વરસ 2017 નકકી કર્યું ત્યારે, એમની ગણતરી એવી હતી કે, આવતાં વરસોમાં ધીમે ધીમે હોંગકોંગવાસીઓ ચીનના વિકાસથી આકર્ષાશે. પણ એવું બન્યું નથી.

આજે પણ હોંગકોંગવાસીઓમાં એવી લાગણી પ્રબળ છે કે, અમે પહેલા હોંગકોંગવાસીઓ છીએ. ચીની પછી છીએ. ચીની સત્તાવાળાઓના મનમાં ભય છે કે, હોંગકોંગનું આ આંદોલન ચીનમાં તો નહિ પ્રસરે ને? કારણ ચીનમાં વિદ્યાર્થીઓ અને સત્તાવાળાઓ વચ્ચે વરસોથી 36ના આંકડાનો સંબંધ રહ્યો છે. હોંગકોંગનો વિદ્રોહ હાઇસ્કૂલના વિદ્યાર્થીઓએ શરૂ કર્યો છે. આમા સંપૂણ લોકતંત્ર ચીની ઢબની નહિ સાથોસાથ ચીની ઢબના અર્થતંત્ર સામે પણ વિરોધ છે. ચીનમાં માત્ર હોંગકોંગમાં જ ચોથી જૂનથી ટાઇનાનમેન ચોકની વિદ્યાર્થીઓની કત્લેઆમને યાદ કરાય છે. ઘણીવાર હવા એવી જામે કે, હવામાં ઉડતી રજકણ તુફાન સામે વિજયી થાય છે અને વૃક્ષોને ઉખેડી નાંખતું તોફાન રજકણ સામે હારી જાય છે.

[સનત મહેતા લેખક ગુજરાત રાજ્યના પૂર્વ નાણાપ્રધાન છે.]

સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, Oct 30, 2014

Loading

...102030...3,9603,9613,9623,963...3,9703,9803,990...

Search by

Opinion

  • 1991ના દેશના આર્થિક સંકટમાંથી આપણે શું શીખી શકીએ?
  • અનામત કોઈને માટે ક્યાં સુધી ચાલુ રાખવી જોઈએ?
  • પરફોર્મેટિવ પૉલિટિક્સઃ રાજકારણ હવે માત્ર શાસન નહીં, વાયરલ થવાની કળા પણ
  • રાષ્ટૃની વિભાવના : સંઘર્ષ સમજૂતિ અને સ્થાપિત એજન્ડા
  • ચલ મન મુંબઈ નગરી—342

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved