Opinion Magazine
Number of visits: 9664846
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દીવાર @ 50 : જો પચ્ચીસ બરસ મેં નહીં હુઆ થા તે 1975માં થયું હતું

રાજ ગોસ્વામી|Opinion - Opinion|6 February 2025

રાજ ગોસ્વામી

‘દીવાર’ ફિલ્મને 50 વર્ષ થયાં. 24 જાન્યુઆરી, 1975ના રોજ તે રિલીઝ થઇ હતી. 1.3 કરોડના ખર્ચ પર 4.75 કરોડની કમાણી સાથે ‘દીવાર’ તે વર્ષની સૌથી સફળ ફિલ્મ હતી એટલું જ નહીં, તે હિન્દી સિનેમાના ઇતિહાસની સૌથી મોટી સીમાચિહ્નરૂપ ફિલ્મ સાબિત થઇ હતી. આ ફિલ્મે અનેક કલાકાર-કસબીઓની તકદીર બદલી નાખી હતી, તેણે ફિલ્મ નિર્માણની શૈલી બદલી નાખી હતી અને હિન્દી સિનેમાના હીરોની વ્યાખ્યા નવેસરથી લખી હતી.

ફિલ્મમાં એક મશહૂર ડાયલોગ છે. ગોદી કામદાર તરીકે કામ કરતો વિજય તેના સિનિયર કામદાર રહીમ ચાચા(યુનૂસ પરવેઝ)ને કેન્ટીનમાં કહે છે; “રહીમ ચાચા, જો પચ્ચીસ બરસ મેં નહીં હુઆ, વો અબ હોગા.” એક રીતે, આ બયાન સલીલ-જાવેદનું હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે હતું. ‘દીવાર’માં જે થવાનું હતું તે પચીસ વર્ષમાં કોઈ ફિલ્મમાં થયું નહોતું.

એવી બહુ ઓછી ફિલ્મો છે જેની સમાજ પર ઘેરી અસર પડી હોય. એ દૃષ્ટિએ, ‘દીવાર’ (તે જ વર્ષે આવેલી) ‘શોલે’ કરતાં પણ વધુ અસરદાર ફિલ્મ છે. ‘શોલે’ શુદ્ધ રૂપે ફેન્ટસી છે અને તેનો ઉદેશ્ય દર્શકોનું મનોરંજન કરવાનો છે. 

‘દીવાર’માં ય મનોરંજન તો છે, પણ તે તેનાં મૂળિયાં દેશની સામાજિક વાસ્તવિકતામાં ખૂંપેલાં છે અને એ રીતે તે એક બાયોપિક જેવી લાગે છે. તેનાં પાત્રો આપણી આસપાસના જ હતાં, એટલે તે ‘શોલે’ કરતાં પણ વધુ વિશ્વસનીય છે.

‘દીવાર’ની અભૂતપૂર્વ લોકપ્રિયતાનું કારણ તેની સુપર્બ ટેકનિકાલિટીમાં તો છે જે – જેમ કે સલીમ-જાવેદનો ચુસ્ત સ્ક્રીનપ્લે, તેમના સીટીમાર ડાયલોગ, યશ ચોપરાનું નિર્દેશન, કે.જી. કોરેગાંવકરની સિનેમેટોગ્રાફી, ટી.આર. મંગેશકર અને પ્રાણ મહેરાનું એડિટિંગ અને આર.ડી. બર્મનનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક, પરંતુ તેનું મહત્ત્વનું કારણ ફિલ્મની વાર્તાનો ઈમોશનલ પ્રભાવ અને તેનાં પ્રમુખ પાત્રો(ખાસ કરીને અમિતાભ બચ્ચનના વિજય વર્મા)ની નૈતિક દુવિધામાં છે. 

‘શોલે’થી વિપરીત, ‘દીવાર’નાં પાત્રો અને તેમના સંજોગો સાથે થિયેટરમાં બેઠેલા દર્શકો પર્સનલ કનેક્શન મહેસૂસ કરી શક્યા હતા તે તેની સ્થાયી લોકપ્રિયતા માટે મહત્ત્વનું કારણ છે. જેમ કે વિજય વર્મા મજબૂરીમાં અપરાધનો રસ્તો અપનાવે છે તેની સાથે દર્શકોને સહાનુભૂતિની હતી પરંતુ તેમનો ટેકો તો પ્રામાણિક પોલીસ ઓફિસર રવિ વર્મા (શશી કપૂર) સાથે હતો.

એ અર્થમાં, ‘દીવાર’ના દર્શકોની દુવિધા બંને ભાઈઓની માતા સુમિત્રા વર્મા (નિરુપા રોય) જેવી હતી; તેમનો પ્રેમ વિજય માટે હતો પણ ફરજ રવિ તરફે હતી. આપણે ત્યાં એક શબ્દ છે; ધર્મ સંકટ. ધર્મ સંકટનો મતલબ ધર્મ નહીં પણ નૈતિક દુવિધા. ધર્મ સંકટને ઇશ્વર-અલ્લાહ સાથે જોડીને સામાજિક અસમંજસને ફોકસમાં લાવવાનો પ્રયાસ હિન્દી સિનેમામાં ખૂબ થયો છે પરંતુ ‘દીવાર’ પહેલી ફિલ્મ છે જે એનાથી ય આગળ જઇને વ્યક્તિગત કશ્મકશની વાત કરે છે, જ્યાં વિકલ્પોની પસંદગી એટલી આસાન નથી હોતી જેટલી માનવામાં આવે છે.

દેખીતી રીતે જ, ‘દીવાર’ની પ્રેરણા 1957માં આવેલી મહેબૂબ ખાનની ‘મધર ઇન્ડિયા’ અને 1961માં આવેલી દિલીપ કુમારની ‘ગંગા જમુના’ છે. ‘મધર ઇન્ડિયા’માં રાધા (નરગિસ) તેના અપરાધી દીકરા બીરજુ(સુનીલ દત્ત)ને ખુદના હાથે સજા આપે છે. 

દિલીપ કુમારે આ જ વિષયવસ્તુને ‘ગંગા જમુના’માં બે ભાઈઓ વચ્ચેના નૈતિક ટકરાવમાં ફેરવી નાખી હતી. તેમાં ગંગારામ (દિલીપ કુમાર) જમીનદારની ક્રુરતાથી પરેશાન થઈને બંધૂક હાથમાં ઉઠાવી લે છે અને તેના બદનસીબે તેનો ભાઈ જમનારામ (નસીર ખાન – દિલીપ કુમારનો અસલી ભાઈ) પોલીસ ઓફિસર બનીને તેની પાછળ લાગે છે.

સલીમ-જાવેદે ‘મધર ઇન્ડિયા’ની રાધા અને ‘ગંગા-જમના’ના ગંગારામ-જમનારામને ‘દીવાર’માં ભેગા કરીને શહેરમાં કેન્દ્રિત એક આધુનિક ક્રાઈમ થ્રિલરની રચના કરી હતી. ‘દીવાર’ કેમ લોકોના દિલને વધુ સ્પર્શી ગઈ તેનું કારણ એ હતું કે તે 70ના દાયકાના ભારતીય સમાજમાંથી આવી હતી. તે વખતે શહેરોમાં બેરોજગારીથી યુવાનો પરેશાન હતા, રાજકારણીઓ અને માફિયાઓની સાંઠગાંઠ હતી, ચારેતરફ ભ્રષ્ટાચાર હતો. સલીમ-જાવેદે તેમની વાર્તામાં શહેરોના યુવાનોની હતાશાને પ્રતિબિંબિત કરી હતી.

એક રીતે, સલીમ ખાન અને જાવેદ ખાન પણ એ જ હતાશામાં મોટા થયા હતા. તેમની પાસે પ્રતિભા હતી, નવી વાર્તાઓ હતી પરંતુ ઇન્ડસ્ટ્રીમાં તેમને કોઈ ગણતું નહોતું. તે વખતે સ્ક્રીનપ્લે લેખકને ન તો પૈસા મળતા હતા કે ન તો નામ મળતું હતું. સલીમ-જાવેદ આ પરંપરાને તોડવા માંગતા હતા. ‘દીવાર’નો હતાશ અને ક્રોધિત વિજય વાસ્તવમાં સલીમ-જાવેદ અને બીજા લાખો બેરોજગાર યુવાનોનો પ્રતિનિધિ હતો.

ફિલ્મમાં વિજય જ્યારે મરીન ડ્રાઈવ પર આવેલી ઓબેરોય હોટેલના સ્યુટમાં મુલ્ક રાજ દાવર(ઈફ્તેખાર)ને કહે છે કે, “મૈં આજ ભી ફેંકે હુએ પૈસે નહીં ઉઠાતા,” ત્યારે તેમાં જવાનીનો જોશ ઓછો અને એક ખુદ્દાર યુવાનની આત્મસન્માનની ભાવના વધુ હતી. એ સંવાદમાં દર્શકોને પોતાની ભાવનાનાં દર્શન થયાં હતાં.

આ ફિલ્મે બચ્ચનની છબીને એક પરેશાન અને સત્તા વિરોધી હીરો તરીકે મજબૂત કરી હતી. ‘દિવાર’માં આ હીરો જેવું વિસ્ફોટક પ્રદર્શન તે પહેલાં કે તે પછી ક્યારે ય આવ્યું નહોતું. બે વર્ષ પહેલાં, ‘ઝંજીર’માં તેની આછી ઝલક જોવા મળી હતી અને તેની સફળતાથી જ સલીમ-જાવેદને તેમના એન્ટી-હીરો અથવા એન્ગ્રી યંગ મેન પર ભરોસો બેસી ગયો હતો, જે ‘દીવાર’માં લાવા બનીએ વહ્યો હતો.

તેમને તેમની વાર્તા અને હીરો પર એટલો ભરોસો હતો કે વિજય વર્માની ભૂમિકા માટે તે વખતના ચક્રવર્તી સુપરસ્ટાર રાજેશ ખન્નાને અવગણીને અમિતાભનો આગ્રહ રાખ્યો હતો. ‘દીવાર’ના નિર્માતા ગુલશન રાયે ખન્નાને આ ભૂમિકા માટે સાઈન પણ કરી નાખ્યો હતો. એક ઇન્ટરવ્યુમાં ખન્ના કહે છે, “સલીમ-જાવેદ સાથે મારે મતભેદો હતા. તેમને અમિતાભને લઈને જ ફિલ્મ કરવી હતી, પણ ‘દીવાર’ની બે રીલ જોઇને જ મેં કહેલું – વાહ! ક્યા બાત હૈ!” 

‘દીવાર’ની સ્ક્રીપ્ટ 18 દિવસમાં કરવામાં આવી હતી. તેના પરથી ખ્યાલ આવે છે કે સલીમ-જાવેદના દિમાગમાં કેટલી સ્પષ્ટતા હતી. તેમણે અમિતાભને ધ્યાનમાં રાખીને જ વાર્તા લખી હતી. જાવેદ અખ્તર જ્યારે અમિતાભને સ્ક્રીપ્ટ સંભળાવતા હતા, ત્યારે થોડા દૃશ્ય પછી તે વચ્ચે-વચ્ચે અમિતાભને કહેતા હતા, “એ આપ કે 15 હપ્તે હો ગયે … એ આપકે 25 હપ્તે હો ગયે.” અને સ્ક્રીપ્ટ પૂરી કરીને કહ્યું કે ‘એ આપકે 100 હપ્તે હો ગયે.” 

હપ્તા યાની ફિલ્મ કેટલા સપ્તાહ ચાલશે તે. તેમને પૂરો વિશ્વાસ હતો કે ફિલ્મ લંબી રેસ કા ઘોડા હૈ. ‘દીવાર’ પૂરા ભારતનાં સિનેમા થિયેટરોમાં 100 હપ્તાથી વધુ સમય સુધી ‘હાઉસફૂલ’નાં પાટિયાં સાથે ચાલી. તે ફિલ્મે હિન્દી ફિલ્મોના હીરોની શકલ બદલી નાખી, અને અમિતાભના વ્યવસ્થા વિરોધી એન્ગ્રી યંગ મેન અને એન્ટિ-હીરોની ઈમેજને સખ્ત રીતે દર્શકોની ચેતનામાં જડી દીધી. 

જાવેદ અખ્તર કહે છે, “અમિતજીએ ‘ઝંજીર’માં એન્ગ્રી યંગ મેનનો રોલ કર્યો હતો, પણ એમના પર સિક્કો વાગ્યો ‘દીવાર’થી. આપણે ‘મધર ઇન્ડિયા’ અને ‘ગંગા-જમુના’નમાં એન્ગ્રી યંગ મેન(સુનીલ દત્ત અને દિલીપકુમાર)ને જોયો હતો, પણ એ બહુ મોળો હતો, કારણ કે તે ફિલ્મોમાં રોમાંસ હતો, તમાશો હતો અને ગીતો હતાં. અમિતજીના આવવાથી એન્ગ્રી યંગ મેનને પાંખો આવી, કારણ કે એમાં મોળપણ ન હતું. એની અસર લોકો પર આજે ય છે.”

(પ્રગટ : ‘સુપરહિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”, 05 ફેબ્રુઆરી 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

દલિત અધિકારોના વિસ્મૃત લડવૈયા : જોગેન્દ્રનાથ  મંડલ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|6 February 2025

ચંદુ મહેરિયા

બાબાસાહેબ ડો. આંબેડકરના સાથી, પકિસ્તાનના પહેલા કાયદા મંત્રી અને દલિતોના અધિકારો માટે આજીવન સંઘર્ષરત જોગેન્દ્રનાથ મંડલ (જન્મ : ૨૯મી જાન્યુઆરી ૧૯૦૪ — અવસાન : ૫મી ઓકટોબર ૧૯૬૮) જીવનના અંતિમ વરસોમાં જ ભૂલાવા માંડેલા. ચોસઠ વરસની વયે તેમણે એક વિસ્મૃત નાયક તરીકે આ દુનિયાની વિદાય લીધી હતી. પૂર્વી બંગાળના દલિતોના હિત માટે મંડલે ભારતના વિભાજન પછી પાકિસ્તાનમાં રહેવાની પસંદગી કરી હતી તે નિર્ણય ખોટો પડ્યો. પાકિસ્તાનની બંધારણસભાના સભ્ય અને બંધારણસભાની પહેલી બેઠકના અધ્યક્ષ રહી ચૂકેલા મંડલ ભારતમાં મહાપ્રાણ (મહાન વ્યક્તિ) મટી ‘ભારતીય પાકિસ્તાની’ નાગરિકની ઓળખ પામ્યા હતા. તો પાકિસ્તાને તેમને વિશ્વાસઘાતી, જુઠ્ઠા અને કાયર કહ્યા હતા. પાકિસ્તાનથી મોહભંગ થતાં તેઓ પાકિસ્તાન છોડી ભારત પરત ફર્યા પણ અહીં લોકોનો વિશ્વાસ પુન: સંપાદિત ન કરી શક્યા તેથી. રાજકીય અસ્પૃશ્ય અને ગુમનામ નાયક બની જીવ્યા.  

વર્તમાન બાંગ્લાદેશ અને તત્કાલીન બ્રિટિશ ભારતના પૂર્વી બંગાળના બારીસાલ જિલ્લાના એક નાના ગામમાં તેમનો જન્મ થયો હતો. દલિતોમાં દલિત એવી નામશૂદ્ર જ્ઞાતિના ખેતમજૂર પરિવારમાં જન્મેલા જોગેન્દ્રનાથ ૧૯૩૨માં જિલ્લા મથક બારીસાલની કોલેજમાંથી સ્નાતક થયા અને પછી કલકત્તાની લો કોલેજમાંથી એલ.એલબી. કર્યું હતું. પરંતુ કોલેજકાળથી જ તેમનો ઝોક જાહેર કાર્યો તરફ હતો. એટલે ના તો એમણે વકીલાત કરી કે ના તો સરકારી નોકરી. મહાદલિત એવા નામશૂદ્રો અને અન્ય શોષિતોના સવાલો ઉકેલવા મથવું એ જ એમનું જાહેર કાર્ય અને વ્યવસાય બન્યા હતા.

જોગેન્દ્રનાથ મંડલ

જોગેન્દ્રનાથ મંડલની સંસદીય કારકીર્દિનો આરંભ બહુ જ શાનદાર હતો. ૧૯૩૫ના ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ અનુસાર દેશમાં પ્રાંતિક સ્વરાજ આવ્યું ત્યારે બંગાળ વિધાનસભાની સામાન્ય બેઠક પર કાઁગ્રેસના ઉમેદવારને હરાવીને તેઓ જીત્યા હતા. ભાગલા પૂર્વેની બંગાળની સરકાર અને વચગાળાની કેન્દ્ર સરકારમાં ૧૯૩૭થી ૪૬ અને પાકિસ્તાનની પહેલી સરકારમાં ૧૯૪૭થી ૫૦ તેઓ મંત્રી હતા. મહંમદ અલી ઝીણાના પ્રીતિપાત્ર હોવાના કારણે ભારતની વચગાળાની સરકારમાં મુસ્લિમ લીગના ક્વોટામાંથી ઝીણાએ મંડલની કેબિનેટ મિનિસ્ટ્રર તરીકે પસંદગી કરી હતી. કાયદો, ન્યાય, સહકાર, શ્રમ અને કશ્મીર જેવા મંત્રાલયોનું કામ તેમના શિરે ભારત અને પાકિસ્તાનની કેન્દ્ર સરકારોમાં અને બંગાળની રાજ્ય સરકારમાં નિભાવવાનું આવ્યું હતું.

ડો. બાબાસાહેબ આંબેડકર, નેતાજી સુભાષચન્દ્ર બોઝ અને કાયદે આઝમ મહંમદ અલી ઝીણા સાથે મંડલના ઘનિષ્ઠ સંબંધો હતા. યુવા વયથી જ તેઓ નેતાજીથી બહુ પ્રભાવિત હતા. નેતાજીને કાઁગ્રેસે પક્ષમાંથી દૂર કર્યા પછી તેઓ મુસ્લિમ લીગ તરફ ખેંચાયા હતા. સુભાષબાબુએ મંડલને “મધુર વ્યવહાર, અડગ દૃઢ સંકલ્પ અને સેવા પ્રત્યેની અન્યય ભક્તિ ધરાવતી વ્યક્તિ”  ગણાવ્યા હતા. ડો. આંબેડકર અને જોગેન્દ્રનાથની મિત્રતા દીર્ઘ અને અતૂટ હતી. ૧૯૪૨માં તેઓ પ્રથમ વખત મળ્યા હતા. ડો. આંબેડકર સ્થાપિત “ઓલ ઇન્ડિયા શેડ્યુલ્ડ કાસ્ટ ફેડરેશન”ની બંગાળ શાખાના તેઓ પ્રમુખ હતા. ૧૯૪૬માં તેઓ ફેડરેશનના ઉમેદવાર તરીકે બંગાળ વિધાનસભામાં ચૂંટાયા હતા. ડો. આંબેડકરને માટે બંધારણ સભામાં પ્રવેશવું અનિવાર્ય હતું. પણ ચૂંટાવું મુશ્કેલ હતું. ત્યારે મંડલે  બંગાળમાંથી બંધારણસભામાં તેમના પ્રવેશનો કઠિન માર્ગ સરળ કરી આપ્યો હતો. મંડલ અને આંબેડકરના વિચારોમા ભિન્નતા આવી ત્યારે પણ બંનેએ દોસ્તી ટકાવીને એકબીજાના દૃષ્ટિકોણને સમજવાનો પ્રયત્ન કર્યો હતો. 

વિભાજન પછી પાકિસ્તાન સાથે જોડાયેલા જોગેન્દ્રનાથ મંડલ માટે દલિતોનું હિત સર્વોપરી હતું. એટલે જ તેમણે પાકિસ્તાન જવાનો નિર્ણય લીધો હતો કે તે લેવા તેમને મજબૂર કરાયા હતા. બંગાળ વિધાનસભામાં જ્યારે કોઈ એક પક્ષને બહુમતી ન મળી ત્યારે ગઠબંધન સરકાર રચવી પડી હતી. આમ તો મંડલ એકલા જ ચૂંટાયા હતા. પરંતુ તેમણે દલિત ધારાસભ્યોનું જૂથ બનાવ્યું હતું. તેના સમર્થન સિવાય સરકાર રચવી મુશ્કેલ હતી. મંડલે સમર્થન માટે ત્રણ દલિતા ધારાસભ્યોને પ્રધાનપદ, ત્રણને સંસદીય સચિવ પદ, દલિત   વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ અને સ્કોલરશીપ તથા વસ્તી મુજબ અનામતની માંગણી કરી હતી. હિંદુ નેતાઓને તે માંગ સ્વીકાર્ય નહોતી પરંતુ મુસ્લિમ નેતાઓને મંજૂર હતી. એટલે મંડલે મુસ્લિમ લીગને સાથ આપવાનું નક્કી કર્યું હતું. શાયદ આ જ અનુભવે તેઓ પાકિસ્તાન તરફ પણ ખેંચાયા હતા. પાકિસ્તાનની પસંદગી સંદર્ભે તેમણે કહ્યું હતું કે તેમને ગાંધી નહેરુના ભારત કરતાં ઝીણાના પાકિસ્તાનમાં દલિતોના હિતને વધુ મહત્ત્વ મળશે તેમ લાગે છે. વળી, મુસ્લિમોને એક લઘુમતી તરીકે તેમના અધિકારો માટે ભારતમાં જે સંઘર્ષ કરવો પડ્યો છે તે  તેઓ તેમના દેશની દલિત લઘુમતીને નહીં કરવા દે અને તેમનું વલણ વધુ ઉદાર અને ન્યાયી  હશે તેમ માનીને તેમણે દલિત મુસ્લિમ એકતામાં ભરોસો મૂક્યો હતો.

૧૯૪૮માં ઝીણાના અવસાન પછીના પાકિસ્તાનના શાસકોને મંડલની પાકિસ્તાન પ્રત્યેની દેશભક્તિ પર શંકા રહેતી હતી. પ્રધાનમંડળના ઘણાં ગોપનીય નિર્ણયો મંડલથી છુપાવવામાં આવતા હતા. ઘણા નિર્ણયોની તેમને મોડેથી અને બહારથી જાણ થતી હતી. આ બધી બાબતોથી તેમ જ દલિતોની હાલતથી તેમને ચિંતા થઈ હતી. એટલે ૧૯૫૦માં તેઓ ભારત આવતા રહ્યા અને અહીંથી જ તેમણે પ્રધાન પદનું રાજીનામું પાકિસ્તાનના વડા પ્રધાનને મોકલી આપ્યું હતું. રાજીનામાના પત્રમા મંડલે પાકિસ્તાન સરકારની સાંપ્રદાયિક અને દલિત વિરોધી નીતિઓને કારણે તેમણે આ નિર્ણય કર્યાનું સ્પષ્ટ જણાવ્યું હતું. પાકિસ્તાનની સરકાર અને પોલીસના સાથથી લઘુમતી દલિતોને રંજાડવામાં આવતા હોવાનું અને હિંસા થતી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. 

વિભાજન પૂર્વેના બંગાળની કુલ આશરે ૫ કરોડની વસ્તીમાં ૨ કરોડ ૮૦ લાખ મુસ્લિમો અને ૨ કરોડ ૨૦ લાખ હિંદુઓ હતા. હિંદુઓમાં ૮૦ લાખ દલિતો હતા અને ૮૦ લાખ દલિતોમાં ૩૫ લાખ મંડલના જાતભાઈઓ એવા નામશૂદ્રો હતા. મુસ્લિમ બહુલ પૂર્વી બંગાળમાં વસતા નામશૂદ્રોના હિતમાં તેમણે પાકિસ્તાનનો વિકલ્પ પસંદ કર્યો હતો. પરંતુ ઝીણાના અવસાન પછીના શાસકોએ તેમને ખોટા ઠેરવ્યા હતા. આ સંદર્ભમાં ગજલ આસિફના પીએચ.ડી. થીસિસ “મંડલ એન્ડ પોલિટિકસ ઓફ દલિત રેકગ્નિશન ઈન પાકિસ્તાન”નું એક મૂલ્યાંકન પણ નોંધપાત્ર છે કે જોગેન્દ્રનાથ મંડલે પાકિસ્તાનના નિર્માણમાં દલિતોની આઝાદીનું સ્વપ્ન સાકાર થતું જોયું હતું. પરંતુ તેઓ પાકિસ્તાનની લઘુમતી એવા હિંદુઓને એક સમાન માની બેઠા હતા. તેમની વચ્ચેનો ભેદ તેઓ સમજ્યા નહોતા. લઘુમતી હિંદુઓમાં કથિત ઉચ્ચ જ્ઞાતિના હિંદુઓ અને દલિતો વચ્ચેના અંતરને સમજવામાં મંડલે થાપ ખાધી હતી. તેથી તેમનું દલિત મુસ્લિમ ભાઈચારાનું સપનું રોળાઈ ગયું હતું. 

દલિતો માટે ગુણવતાયુક્ત શિક્ષણ અને ન્યાયતંત્ર, અર્થતંત્ર, રાજકારણ, શિક્ષણથી માંડીને સહકારી ક્ષેત્ર એમ તમામમાં દલિતોનું પર્યાપ્ત પ્રતિનિધિત્વ એ મંડલના દલિત અધિકારો માટેના સંઘર્ષના મુખ્ય મુદ્દા હતા. તે માટે તેઓ આજીવન ઝઝૂમ્યા હતા. ભારત પરત આવીને તેઓ શરણાર્થીઓના અધિકારો માટે કાર્યરત રહ્યા. ૧૯૫૦ પછી તેઓ ચાર ચૂંટણીઓ લડ્યા પણ એકેય જીતી શક્યા નહીં કેમ કે તેમનો જનાધાર રહ્યો નહોતો. સત્તા સિવાય તેઓ દલિતોના સવાલો સતત ઉઠાવતા રહ્યા. તેઓ માત્ર પૂર્વી બંગાળના જ દલિત નેતા નહોતા. આખા દેશની દલિત ચળવળ સાથે જોડાયેલા રહેતા હતા. ૧૯૬૪માં અમદાવાદમાં ભરાયેલા આંબેડકરવાદીઓના અધિવેશનમાં પણ તેઓ ઉપસ્થિત રહ્યા હતા. 

જોગેન્દ્રનાથ મંડલના જન્મનાં લગભગ ૧૨૦ વરસો અને નિર્વાણનાં ૫૫ વરસો પછી આજે તેમના જીવનકાર્યોનું મૂલ્યાંકન કરીએ ત્યારે તત્કાલીન સમય સંદર્ભે તેમના નિર્ણયોને તપાસવા જોઈએ, નહીં કે આજના સમય સંદર્ભે. તો જ તેમને ઉચિત ન્યાય કરી શકાશે અને આધુનિક દલિત ઇતિહાસના નિર્માતા તરીકેના તેમના પ્રદાનને સમજી શકાશે. 

e.mail : maheriyachandu@gmail.com

Loading

ગાંધી એટલે શું ?

આશિષ નંદી|Gandhiana|6 February 2025

આશિષ નંદી

સામે બેઠેલી વિદ્યાર્થિનીઓને અને સૌને શરૂમાં જ કહી દઉં કે કોઈ ડાહી ડાહી સલાહો ને સદુપદેશના ખયાલથી નથી આવ્યો. મારે તો તમારી સાથે સંવાદ સાધવો છે. એટલે એ માટે ઉપયોગી થઈ પડે એ રીતે આપણા સમયમાં મને ગાંધી એટલે શું એનો જે અર્થ સમજાય છે તેની થોડી વાત કરીશ. વળી એ પણ શરૂમાં જ કહી દઉં કે સંવાદની આ કોશિશમાં હું ‘મહાત્મા’ કે ‘ગાંધીજી’ નહીં કહેતા ‘ગાંધી’ કહીને જ વાત કરીશ. કોઈને મહાત્માં બનાવી ઊંચે પધરાવતા (ખરું જોતા અભરાઈએ ચડાવી દેવા) અને આ તો ભૈ આપણું કામ નહીં એમ છડા ને છૂટા રહેવું એ આપણી ભારતીય પરંપરા છે. એમાં નહીં ખેંચાતાં હું તો ‘ગાંધી’ની વાત કરીશ જેથી સલામત અંતરનો સવાલ ન રહે.

આજે 30મી જાન્યુઆરી છે. દેશમાં જો કે બીજી ઑક્ટોબરે જાહેર રજાનો અને ઉત્સવનો માહોલ હોય છે. પણ હું 30મી જાન્યુઆરીને બીજી ઑક્ટોબર કરતાં વધુ મહત્ત્વ આપું છું. મારે મતે એ ઉજવણીનો દિવસ છે તે એટલા માટે નહીં કે ગાંધી મરીને અમર થઈ ગયા. એમ તો આપણાં પુરાણોમાં સાત અમર લોકોની વાત આવે જ છે ને − જેમ કે અશ્વત્થામા વગેરે. પણ 30મી જાન્યુઆરીએ ગાંધીએ મૃત્યુ પર વિજય મેળવ્યો. એ મૃત્યંજય થઈ ગયા. જીવતા રહીને ન કરી શક્યા તે મૃત્યુ દ્વારા કર્યું.

તમે જાણો છો કે ગાંધી ગોડસે થકી ગોળીએ દેવાયા હતા. એક રીતે એમની મૃત્યંજય અપીલમાં ગોડસેનો હિસ્સો પણ છે. 30મી જાન્યુઆરીની ઘટના સાથે ગોડસે જાણે કે મૃત્યુંજય ગાંધીનો સાથી (અકૉમ્પ્લિસ) બને છે. કારણ, બંને બે જુદા ભારતની શક્યતાઓ ને સંભાવનાઓ લઈને આપણી સામે અને આપણામાં આવે છે. બે જુદી જ વિશ્વદૃષ્ટિઓ છે. તમે કેવું ભારત ઈચ્છો છો અને કેવું ભારત નથી ઇચ્છતા, એને લગતા આ બે સંવાદો છે એમ પણ કહી શકાય.

અહીં મને કન્નડ લેખક પ્રસન્નની ગાંધી આસપાસની એક રચનાનું સ્મરણ થાય છે. એમાંનું બીજું દરેકે દરેક પાત્ર થોડી થોડી વાર માટે ગોડસે બની જાય છે. એટલે ગાંધી અને ગોડસે બેઉ આપણી અંદર પડેલી સંભાવનાઓ (પોટેન્શયલ વિધિન) છે. તો, ગાંધીએ એક રીતે જે મૃત્યુ વહોરેલું હતું, પોતે ગોળીએ દેવાતા હોય ત્યારે ય રામનામ લેતા હોય એવો મૃત્યુંજયી અભિગમ એમનો હતો. એમના એ પ્રકારના મૃત્યુએ, કહો કે ઈચ્છામૃત્યુએ, જે સમજસંજોગ અને પડકાર સર્જ્યો તે એ કે બેમાંથી કોને બહાર આવવા દેવું તે આપણા હાથમાં છે.

વારુ, તમે જાણો છો કે ગાંધીએ પહેલો સત્યાગ્રહ અહીં નહીં પણ દક્ષિણ આફ્રિકાની ભૂમિ ઉપર કર્યો હતો − 1906ના સપ્ટેમ્બરની 11મીએ. આ જ તારીખ, નાઈન ઇલેવન, 2001માં અમેરિકાનાં ટ્વિન ટાવર્સ ધ્વસ્ત થયાં તેની પણ તારીખ છે. આ ઘટના જોડે સાંકળવામાં આવતા લોકો પઠાણ છે, જેમણે લાદેનને રક્ષણ આપ્યું છે. હવે તમે જુઓ કે ગાંધીએ કહ્યું છે કે પઠાણો સ્વાતંત્ર્યસંગ્રામમાં મળેલા શ્રેષ્ઠ સત્યાગ્રહીઓ હતા. બ્રિટિશ શાસને આ પઠાણો ઉપર જુલમ કરવામાં પાછું વળીને તો જોયું જ નહોતું, કેમ કે એમને તો હજુ અફઘાન યુદ્ધનાં સંભારણાં તાજાં હતાં. પણ પઠાણોએ સત્યાગ્રહીની મર્યાદા છોડી નહોતી. આ પઠાણોના નેતા, ગાંધીના મિત્ર, બાદશાહ ખાન હતા, ખાન અબ્દુલગફાર ખાન. ગમે તેમ પણ, પઠાણ અને પઠાણની આ સહોપસ્થિતિ વાટે હું દર્શાવવા એ માગું છું કે મૃત્યંજય ગાંધીએ આપણને કહ્યું કે આપણે પસંદગી કરવાની છે કે શું જોઈએ છે − કોઈ વ્યક્તિ, કોઈ સમુદાય એ ‘ક્લોઝ સિસ્ટમ’ નથી.

ગાંધી ઘટનાને આ રીતે જોઈએ ત્યારે ગાંધી એક ઐતિહાસિક વ્યક્તિ ન રહેતાં આપણામાંની સંભાવના રૂપે સમજાય છે અને એક વ્યક્તિને બદલે વધુ તો સામાજિક અને રાજકીય બળ રૂપે સામે આવે છે. મને સાંભરે છે, એક ચર્ચામાં મારા મિત્ર રામુ ગાંધી (મો.ક. ગાંધીના પૌત્ર ફિલસૂફ રામચંદ્ર ગાંધી) એમના દાદાને આ દેશની સંત પરંપરામાં મૂકીને વાત કરતા ત્યારે કવિ ઉમાશંકર તીવ્રતાથી દરમ્યાન થયા હતા અને એમણે કહ્યું હતું કે સંતો તો આપણે ત્યાં જોઈએ એટલા હતા. આ માણસ તો સમાજ અને જગત સાથે સીધું કામ પાડતો સત્યાગ્રહી અને રાજકારણી હતો. આ ચર્ચાના સંદર્ભમાં મારે તમને કહેવું જોઈએ કે બધા આઈન્સ્ટાઈનની એ અંજલિ પર ભલે વારી જતા હોય કે ભવિષ્યમાં  કોઈ માનશે નહીં કે આવો કોઈ હાડચામનો માણસ આપણી વચ્ચે હતો; પણ મને તો ઇતિહાસાચાર્ય ટોયન્બીની એ મતલબની અંજલિ ગમે છે કે હવે ગાંધીપગલે લોકો પીરપયંગંબરોને પૂછશે કે રાજકારણની ગંદી ચાલોમાં તમે જવા-રહેવા તત્પર છો કે કેમ ?

વ્યાપક રાજકીય નિસબતવાળા આ ગાંધીને બથમાં લેવાની, બાથ ભીડવાની, આત્મસાત્‌ કરવાની આપણી અશક્તિને કારણેસ્તો ગુજરાત સહિત ભારત સમસ્તમાં આજે ગાંધીવિચારનો પ્રભાવ વરતાતો નથી. તમે જુઓ, આજની દુનિયાના ત્રણ જે જીવતાજ્યોત ગાંધીજનો છે (તેઓ એ નામથી ઓળખાતા હોય કે નહીં અને ઓળખાવું પસંદ કરતા હોય કે નહીં) એ તો નેલ્સન મંડેલા, દલાઈ લામા અને ઓંગ સાન સૂ ચી છે, ન કોઈ ભારતીય ન કોઈ હિંદુ ન કોઈ ગુજરાતી.

આ માણસને કોઈ માળખામાં કે પાલખામાં બેસાડવામાં માલ નથી. મારે નવું કશું કહેવાનું નથી, સત્ય અને અહિંસા તો પહાડ જેવાં પુરાણાં (as old as the hills) છે એમ કહેતે એ તમને સીધા સવાલો કરતો આવે છે. રોજ બ રોજ જાતને અને સમાજને પ્રશ્નો કરતી આ મૃત્યુંજયી પ્રતિભા તમને આજના કરતાં જુદું જીવન શક્ય છે કે કેમ તે વિચારવા વિવશ કરે છે.

આ તબક્કે મને પાટનગરી નવી દિલ્હીમાં ચાલતો એક વિવાદ સાંભરે છે કે ઇન્ડિયા ગેટના પેડેસ્ટલ (ઊંચી છત્રી) ઉપરથી પંચમ જ્યોર્જની પ્રતિમા હટાવી છે ત્યાં ગાંધીની મૂકવી જોઈએ. રાજાને સ્થાને આ માણસને બેસાડીને એની અવમાનના કરવાનું તો આપણને જ સૂઝે ! જરા તો વિચારો, આ તે ‘ફાધર ઑફ ધ નેશન’ છે કે ‘સ્ટેપ ફાધર’ ? આવો પ્રશ્ન પૂછું છું. કેમ કે આપણા દિલમાં ક્યાંક ગાંધીના ખૂનીના વિશ્વદર્શન માટે, રાજ્ય ને રાજકારણની એની સમજ માટે, સહાનુભૂતિ પડેલી છે. 

આ સહાનુભૂતિએસ્તો આપણને રાષ્ટૃ-રાજ્યવાદની દોટમાં ઉતાર્યા છે. કથિત સલામતીની શોધે આપણને વધુ ને વધુ બિનસલામતીની ભાવનાથી પીડાતા બનાવી દીધા છે. મોટા મોટા લશ્કરદાર દેશો આજે પોતાને અસુરક્ષિત અનુભવે છે, અને જે 14 દેશોએ લશ્કર સમૂળાં વિખેરી નાખ્યાં છે તે આપણા કરતાં ઓછી બિનસલામતી અનુભવતા હોય એવો ઘાટ છે. આ તો જો કે લાંબી ચર્ચાની બાબત છે, પણ સંવાદ સમેટતાં (અને જગવતાં) એટલું જ કહું કે વિશ્વ, સમાજ અને રાજ્ય પરત્વે જોવાની આપણી રીતિ જુદી હોવી જોઈએ એ મુદ્દો પકડાય તો સમજજો કે આપણે ગાંધીનો પડકાર ઝીલ્યો છે.

[ગાંધી આશ્રમ, અમદાવાદ ખાતે 30મી જાન્યુઆરીએ સવારે પ્રાર્થનામાં જે બોલાયું તેની નોંધમાંથી ટુંકાવીને. નોંધ : પ્રકાશ શાહ, “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2002]
સૌજન્ય : “અકાલ પુરુષ”; વર્ષ-3; અંક-5; જાન્યુઆરી 2025; પૃ. 06-07

Loading

...102030...394395396397...400410420...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved