
આશિષ નંદી
સામે બેઠેલી વિદ્યાર્થિનીઓને અને સૌને શરૂમાં જ કહી દઉં કે કોઈ ડાહી ડાહી સલાહો ને સદુપદેશના ખયાલથી નથી આવ્યો. મારે તો તમારી સાથે સંવાદ સાધવો છે. એટલે એ માટે ઉપયોગી થઈ પડે એ રીતે આપણા સમયમાં મને ગાંધી એટલે શું એનો જે અર્થ સમજાય છે તેની થોડી વાત કરીશ. વળી એ પણ શરૂમાં જ કહી દઉં કે સંવાદની આ કોશિશમાં હું ‘મહાત્મા’ કે ‘ગાંધીજી’ નહીં કહેતા ‘ગાંધી’ કહીને જ વાત કરીશ. કોઈને મહાત્માં બનાવી ઊંચે પધરાવતા (ખરું જોતા અભરાઈએ ચડાવી દેવા) અને આ તો ભૈ આપણું કામ નહીં એમ છડા ને છૂટા રહેવું એ આપણી ભારતીય પરંપરા છે. એમાં નહીં ખેંચાતાં હું તો ‘ગાંધી’ની વાત કરીશ જેથી સલામત અંતરનો સવાલ ન રહે.
આજે 30મી જાન્યુઆરી છે. દેશમાં જો કે બીજી ઑક્ટોબરે જાહેર રજાનો અને ઉત્સવનો માહોલ હોય છે. પણ હું 30મી જાન્યુઆરીને બીજી ઑક્ટોબર કરતાં વધુ મહત્ત્વ આપું છું. મારે મતે એ ઉજવણીનો દિવસ છે તે એટલા માટે નહીં કે ગાંધી મરીને અમર થઈ ગયા. એમ તો આપણાં પુરાણોમાં સાત અમર લોકોની વાત આવે જ છે ને − જેમ કે અશ્વત્થામા વગેરે. પણ 30મી જાન્યુઆરીએ ગાંધીએ મૃત્યુ પર વિજય મેળવ્યો. એ મૃત્યંજય થઈ ગયા. જીવતા રહીને ન કરી શક્યા તે મૃત્યુ દ્વારા કર્યું.
તમે જાણો છો કે ગાંધી ગોડસે થકી ગોળીએ દેવાયા હતા. એક રીતે એમની મૃત્યંજય અપીલમાં ગોડસેનો હિસ્સો પણ છે. 30મી જાન્યુઆરીની ઘટના સાથે ગોડસે જાણે કે મૃત્યુંજય ગાંધીનો સાથી (અકૉમ્પ્લિસ) બને છે. કારણ, બંને બે જુદા ભારતની શક્યતાઓ ને સંભાવનાઓ લઈને આપણી સામે અને આપણામાં આવે છે. બે જુદી જ વિશ્વદૃષ્ટિઓ છે. તમે કેવું ભારત ઈચ્છો છો અને કેવું ભારત નથી ઇચ્છતા, એને લગતા આ બે સંવાદો છે એમ પણ કહી શકાય.
અહીં મને કન્નડ લેખક પ્રસન્નની ગાંધી આસપાસની એક રચનાનું સ્મરણ થાય છે. એમાંનું બીજું દરેકે દરેક પાત્ર થોડી થોડી વાર માટે ગોડસે બની જાય છે. એટલે ગાંધી અને ગોડસે બેઉ આપણી અંદર પડેલી સંભાવનાઓ (પોટેન્શયલ વિધિન) છે. તો, ગાંધીએ એક રીતે જે મૃત્યુ વહોરેલું હતું, પોતે ગોળીએ દેવાતા હોય ત્યારે ય રામનામ લેતા હોય એવો મૃત્યુંજયી અભિગમ એમનો હતો. એમના એ પ્રકારના મૃત્યુએ, કહો કે ઈચ્છામૃત્યુએ, જે સમજસંજોગ અને પડકાર સર્જ્યો તે એ કે બેમાંથી કોને બહાર આવવા દેવું તે આપણા હાથમાં છે.
વારુ, તમે જાણો છો કે ગાંધીએ પહેલો સત્યાગ્રહ અહીં નહીં પણ દક્ષિણ આફ્રિકાની ભૂમિ ઉપર કર્યો હતો − 1906ના સપ્ટેમ્બરની 11મીએ. આ જ તારીખ, નાઈન ઇલેવન, 2001માં અમેરિકાનાં ટ્વિન ટાવર્સ ધ્વસ્ત થયાં તેની પણ તારીખ છે. આ ઘટના જોડે સાંકળવામાં આવતા લોકો પઠાણ છે, જેમણે લાદેનને રક્ષણ આપ્યું છે. હવે તમે જુઓ કે ગાંધીએ કહ્યું છે કે પઠાણો સ્વાતંત્ર્યસંગ્રામમાં મળેલા શ્રેષ્ઠ સત્યાગ્રહીઓ હતા. બ્રિટિશ શાસને આ પઠાણો ઉપર જુલમ કરવામાં પાછું વળીને તો જોયું જ નહોતું, કેમ કે એમને તો હજુ અફઘાન યુદ્ધનાં સંભારણાં તાજાં હતાં. પણ પઠાણોએ સત્યાગ્રહીની મર્યાદા છોડી નહોતી. આ પઠાણોના નેતા, ગાંધીના મિત્ર, બાદશાહ ખાન હતા, ખાન અબ્દુલગફાર ખાન. ગમે તેમ પણ, પઠાણ અને પઠાણની આ સહોપસ્થિતિ વાટે હું દર્શાવવા એ માગું છું કે મૃત્યંજય ગાંધીએ આપણને કહ્યું કે આપણે પસંદગી કરવાની છે કે શું જોઈએ છે − કોઈ વ્યક્તિ, કોઈ સમુદાય એ ‘ક્લોઝ સિસ્ટમ’ નથી.
ગાંધી ઘટનાને આ રીતે જોઈએ ત્યારે ગાંધી એક ઐતિહાસિક વ્યક્તિ ન રહેતાં આપણામાંની સંભાવના રૂપે સમજાય છે અને એક વ્યક્તિને બદલે વધુ તો સામાજિક અને રાજકીય બળ રૂપે સામે આવે છે. મને સાંભરે છે, એક ચર્ચામાં મારા મિત્ર રામુ ગાંધી (મો.ક. ગાંધીના પૌત્ર ફિલસૂફ રામચંદ્ર ગાંધી) એમના દાદાને આ દેશની સંત પરંપરામાં મૂકીને વાત કરતા ત્યારે કવિ ઉમાશંકર તીવ્રતાથી દરમ્યાન થયા હતા અને એમણે કહ્યું હતું કે સંતો તો આપણે ત્યાં જોઈએ એટલા હતા. આ માણસ તો સમાજ અને જગત સાથે સીધું કામ પાડતો સત્યાગ્રહી અને રાજકારણી હતો. આ ચર્ચાના સંદર્ભમાં મારે તમને કહેવું જોઈએ કે બધા આઈન્સ્ટાઈનની એ અંજલિ પર ભલે વારી જતા હોય કે ભવિષ્યમાં કોઈ માનશે નહીં કે આવો કોઈ હાડચામનો માણસ આપણી વચ્ચે હતો; પણ મને તો ઇતિહાસાચાર્ય ટોયન્બીની એ મતલબની અંજલિ ગમે છે કે હવે ગાંધીપગલે લોકો પીરપયંગંબરોને પૂછશે કે રાજકારણની ગંદી ચાલોમાં તમે જવા-રહેવા તત્પર છો કે કેમ ?
વ્યાપક રાજકીય નિસબતવાળા આ ગાંધીને બથમાં લેવાની, બાથ ભીડવાની, આત્મસાત્ કરવાની આપણી અશક્તિને કારણેસ્તો ગુજરાત સહિત ભારત સમસ્તમાં આજે ગાંધીવિચારનો પ્રભાવ વરતાતો નથી. તમે જુઓ, આજની દુનિયાના ત્રણ જે જીવતાજ્યોત ગાંધીજનો છે (તેઓ એ નામથી ઓળખાતા હોય કે નહીં અને ઓળખાવું પસંદ કરતા હોય કે નહીં) એ તો નેલ્સન મંડેલા, દલાઈ લામા અને ઓંગ સાન સૂ ચી છે, ન કોઈ ભારતીય ન કોઈ હિંદુ ન કોઈ ગુજરાતી.
આ માણસને કોઈ માળખામાં કે પાલખામાં બેસાડવામાં માલ નથી. મારે નવું કશું કહેવાનું નથી, સત્ય અને અહિંસા તો પહાડ જેવાં પુરાણાં (as old as the hills) છે એમ કહેતે એ તમને સીધા સવાલો કરતો આવે છે. રોજ બ રોજ જાતને અને સમાજને પ્રશ્નો કરતી આ મૃત્યુંજયી પ્રતિભા તમને આજના કરતાં જુદું જીવન શક્ય છે કે કેમ તે વિચારવા વિવશ કરે છે.
આ તબક્કે મને પાટનગરી નવી દિલ્હીમાં ચાલતો એક વિવાદ સાંભરે છે કે ઇન્ડિયા ગેટના પેડેસ્ટલ (ઊંચી છત્રી) ઉપરથી પંચમ જ્યોર્જની પ્રતિમા હટાવી છે ત્યાં ગાંધીની મૂકવી જોઈએ. રાજાને સ્થાને આ માણસને બેસાડીને એની અવમાનના કરવાનું તો આપણને જ સૂઝે ! જરા તો વિચારો, આ તે ‘ફાધર ઑફ ધ નેશન’ છે કે ‘સ્ટેપ ફાધર’ ? આવો પ્રશ્ન પૂછું છું. કેમ કે આપણા દિલમાં ક્યાંક ગાંધીના ખૂનીના વિશ્વદર્શન માટે, રાજ્ય ને રાજકારણની એની સમજ માટે, સહાનુભૂતિ પડેલી છે.
આ સહાનુભૂતિએસ્તો આપણને રાષ્ટૃ-રાજ્યવાદની દોટમાં ઉતાર્યા છે. કથિત સલામતીની શોધે આપણને વધુ ને વધુ બિનસલામતીની ભાવનાથી પીડાતા બનાવી દીધા છે. મોટા મોટા લશ્કરદાર દેશો આજે પોતાને અસુરક્ષિત અનુભવે છે, અને જે 14 દેશોએ લશ્કર સમૂળાં વિખેરી નાખ્યાં છે તે આપણા કરતાં ઓછી બિનસલામતી અનુભવતા હોય એવો ઘાટ છે. આ તો જો કે લાંબી ચર્ચાની બાબત છે, પણ સંવાદ સમેટતાં (અને જગવતાં) એટલું જ કહું કે વિશ્વ, સમાજ અને રાજ્ય પરત્વે જોવાની આપણી રીતિ જુદી હોવી જોઈએ એ મુદ્દો પકડાય તો સમજજો કે આપણે ગાંધીનો પડકાર ઝીલ્યો છે.
[ગાંધી આશ્રમ, અમદાવાદ ખાતે 30મી જાન્યુઆરીએ સવારે પ્રાર્થનામાં જે બોલાયું તેની નોંધમાંથી ટુંકાવીને. નોંધ : પ્રકાશ શાહ, “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2002]
સૌજન્ય : “અકાલ પુરુષ”; વર્ષ-3; અંક-5; જાન્યુઆરી 2025; પૃ. 06-07