નીચેના ૫ત્ર પરથી બાપુજી આકાશદર્શનમાં કેટલો ઊંડો રસ લઈ રહ્યા છે અને બીજાંઓને પણ એ રસમાં ભાગ લેવા કેવા આકર્ષી રહ્યા છે એનો ખ્યાલ આવશે :
ચિ. રમા,
તારાનો નકશો ઘણે ભાગે આ સાથે હશે. તે ઉપરથી ખબર પડશે.
આઠ વાગે સૂતાં સૂતાં માથા ઉપર પણ જરા પશ્ચિમે ને દક્ષિણે ચાર સુંદર તારા ને તેની વચ્ચે ત્રણ એવું નક્ષત્ર દેખાશે. તેનું નામ મૃગ. એની પૂર્વે ને દક્ષિણે બહુ ચળકતો તારો દેખાશે તે વ્યાધ છે. એને મોટો કૂતરો પણ કહે છે. એની જ લીટીમાં પણ ઉત્તરે નાનો કૂતરો છે, તે ઓછો ચળકે છે. મૃગની ઉત્તરે (આકૃતિ) આવું નક્ષત્ર છે તે મિથુન. તેની ઉપર (આકૃતિ) આવું છે. એને વેલનો અગ્ર ભાગ કહે છે. એમાં એક સુંદર લાલ તારો છે. તેની જ પડખે કૃતિકા નક્ષત્ર છે તે લોલક જેવું ઝગમગે છે. લંકા જેવો તેનો ઘાટ છે. વેલના અગ્ર ભાગની પૂર્વે બ્રહ્મહૃદય છે. આટલું ઓળખો પછી બીજું લખીશ આ તો સહેલું છે. તેમાં જેટલો રસ પૂરીએ તેટલો રસ પૂરાય. પણ આજે તો આટલો જ પૂરાય એમ છે.
26-3-33
બાપુના આશીર્વાદ.
અન્યત્ર બાપુ લખે છે :
આકાશનું સામાન્ય જ્ઞાન મેળવવાની ઊંડે ઊંડે ઈચ્છા તો ઘણી વાર થયેલી, પણ પાસે પડેલી પ્રવૃત્તિ મને એમાં ન ખૂંચવા દે એમ માન લીધું. એ માન્યતા વસ્તુત: ભલે ને ખોટી હોય, પણ મારું મન ભૂલ ન જુએ ત્યાં લગી મને તો તે માન્યતા પ્રતિબંધ કરે જ.
’31ની સાલના જેલના છેલ્લા માસમાં એકાએક ધગશ થઈ. બાહ્યદૃષ્ટિએ જ્યાં સહેજે ઈશ્વર છે તેનું નિરીક્ષણ હું કેમ ન કરું? પશુની જેમ આંખ માત્ર જુએ, પણ જે જુએ તે વિશાળ દૃશ્ય જ્ઞાનતંતુ લગી ન પહોંચે એ કેવું દયાજનક? ઈશ્વરની મહાન લીલા નીરખવાની આ તક કેમ જવા દેવાય ? આમ આકાશની ઓળખ કરવાની જે તરસ લાગી તે હવે છિપાવી રહ્યો છું, અને એટલે લગી આવ્યો છું કે આશ્રમવાસીઓને મારા મનમાં ઊડતાં તરંગોના ભાગીદાર બનાવ્યા વિના ન જ ચાલે.
આપણને બચપણથી શીખવવામાં આવે છે કે આપણાં શરીર પૃથ્વી, પાણી, આકાશ, તેજ અને વાયુ નામનાં પંચમહાભૂતનાં બનેલાં છે. આ બધાં વિશે આપણને કંઈક જ્ઞાન તો હોવું જ જોઈએ. છતાં આ તત્ત્વો વિશે આપણને બહુ ઓછું જ્ઞાન હોય છે. અત્યારે તો આપણે આકાશ વિશે વિચારવાનું છે.
03 ફેબ્રુઆરી 2025
°°°
બાપુ આગળ લખે છે :
આકાશ એટલે અવકાશ. આપણા શરીરમાં અવકાશ ન હોય તો આપણે એક ક્ષણ પણ ન જીવી શકીએ. જેમ શરીરને વિષે તેમ જ જગતને વિષે સમજવું. પૃથ્વી અનંત આકાશથી વીંટળાયેલી છે. પૃથ્વીને છેડા છે. તે નક્કર ગોળો છે. તેની ધરી 7,900 માઈલ લાંબી છે. પણ આકાશ પોલું છે. તેની ધરી માનીએ તો તેને અંત નથી. આ અનંત અવકાશમાં પૃથ્વી એક રજકણસમ છે, ને તે રજકણ ઉપર આપણે તો તે રજકણનું પણ એવું એક તુચ્છ રજકણ છીએ કે તેની ગણતરી જ ન થઈ શકે. આમ શરીરરૂપે આપણે શૂન્ય છીએ એમ કહેવામાં જરા ય અતિશયોક્તિ કે અલ્પોક્તિ નથી. આપણા શરીરની સાથે સરખાવતાં કીડી-શરીર જેટલું તુચ્છ લાગે છે તેથી હજારોગણું પૃથ્વીની સાથે સરખાવતાં આપણું શરીર તુચ્છ છે. તેનો મોહ શો? તે પડે તો શોક શો?
આ શરીર આમ તુચ્છ હોવા છતાં તેની મોટી કિંમત છે; કેમ કે તે આત્માનું, અને સમજીએ તો પરમાત્માનું – સત્યનારાયણનું – નિવાસસ્થાન છે.
આ વિચાર જો આપણા હૃદયમાં ઘર કરે તો આપણે શરીરને વિકારનું ભાજન બનાવવાનુ ભૂલી જઈએ. પણ જો આકાશની સાથે આપણે ઓતપ્રોત થઈએ અને તેનો મહિમા સમજી આપણી અધિકાધિક તુચ્છતા સમજી લઈએ તો આપણો બધો મદ ઊતરી જાય. આકાશમાં જોવામાં આવતા અસંખ્ય દિવ્ય ગણો ન હોય તો આપણે ન હોઈએ.
ખગોળવેત્તાઓએ ઘણી શોધો કરી છે. છતાં આકાશ વિષેનું આપણું જ્ઞાન નહીંવત્ છે. જેટલું છે તે આ૫ણને સ્પષ્ટ રીતે બતાવે છે કે આકાશમાં સૂર્યનારાયણ એક દિવસને સારુ પણ પોતાની અતંદ્રિત તપશ્ચર્યા બંધ કરે તો આપણો નાશ થાય. તેમ જ ચંદ્ર પોતાનાં શીત કિરણો ખેંચી લે તો પણ આપણા એ જ હાલ થાય. અને અનુમાનથી આપણે કહી શકીએ છીએ કે રાત્રિના આકાશમાં જે અસંખ્ય તારાગણ આપણે જોઈએ છીએ તે બધાને આ જગતને નિભાવવામાં સ્થાન છે. એમ આપણો આ વિશ્વમાં બધા જીવોની સાથે, બધા દેખાવો(દૃશ્યો)ની સાથે બહુ ગાઢ સંબંધ છે, ને એકબીજાના આશ્રયે આપણે ટકીએ છીએ. એટલે આપણે આપણું આશ્રયદાતા-આકાશમાં વિચરતા આ દિવ્યગણો-નો થોડોઘણો પરિચય કરવો જ જોઈએ.
04 ફેબ્રુઆરી 2025
°°°
બાપુ આગળ લખે છે :
“આ પરિચયનું એક વિશેષ કારણ પણ છે. આપણામાં કહેવત છેઃ ‘ડુંગરા દૂરથી રળિયામણા.’ આમાં બહુ તથ્ય છે. જે સૂર્ય આપણે દૂર હોઈએ ને આપણું રક્ષણ કરે છે તે જ સૂર્યની પાસે જઈને આપણે બેસીએ તો તે જ ક્ષણે ભસ્મ થઈ જઈએ. તેમ જ આકાશમા વસતા બીજા ગણોનું છે. આપણી પાસે રહેલી અનેક વસ્તુના ગુણદોષ આપણે જાણતા હોવાથી આપણને કોઈ વેળા કંટાળો આવે, દોષોના સ્પર્શથી આપણે દોષિત પણ થઈએ. આકાશસ્થ દેવગણોના આપણે ગુણો જ જાણીએ છીએ. તેમને નિહાળતાં આપણે થાકતા જ નથી; તેમનો પરિચય આપણને હાનિકર થઈ જ ન શકે; અને આ દેવોનું ધ્યાન ધરતાં આપણી કલ્પનાશક્તિને નીતિ-પોષક વિચારો દ્વારા જેટલે દૂર લઈ જવી હોય તેટલે દૂર લઈ જઈ શકીએ છીએ.
એમાં તો શંકા જ નથી કે આકાશ અને આપણી વચ્ચે જેટલા અંતરાય આપણે મૂકીએ છીએ તેટલે અંશે આપણે શરીરને, મનને અને આત્માને હાનિ પહોંચાડીએ છીએ. આપણે સ્વાભાવિક રીતે રહેતા હોઈએ તો ચોવીસે કલાક આકાશ નીચે જ રહીએ. તેમ ન થઈ શકે તો જેટલો સમય તેમ કરી શકાય તેટલો સમય રહીએ. આકાશદર્શન એટલે કે તારાદર્શન તો રાત્રિના જ થાય. અને વધારે સારામાં સારું તે સૂતાં થઈ શકે છે. એટલે આ દર્શનનો જે પૂરો લાભ ઉઠાવવા માગે તેણે તો સીધા આકાશ નીચે જ સૂવું જોઈએ. આસપાસ ઊંચાં મકાનો કે ઝાડ હોય તો તે વિઘ્ન કરે છે.
બાળકોને અને મોટાને પણ નાટકો અને તેમા થતા દેખાવો બહુ ગમે છે. પણ જે નાટક કુદરતે આપણે સારુ આકાશમાં ગોઠવ્યું છે તેને એકે મનુષ્યકૃત નાટક પહોંચે તેમ નથી. વળી નાટકશાળામાં આંખ બગડે, ફેફસાંમાં મલિન હવા જાય, ને નીતિ બગડવાનો પણ ઘણો સંભવ. આ કુદરતી નાટકમાં તો લાભ જ છે આકાશ નિહાળતાં આંખને શાંતિ થાય છે. આકાશ નિહાળવા બહાર રહેવું જ જોઈએ, તેથી ફેફસાંને શુદ્ધ હવા મળે; ને આકાશ નિહાળતાં નીતિ બગડ્યાનું આજ લગી સાંભળ્યુ નથી. જેમ જેમ આ ઈશ્વરી ચમત્કારનું ધ્યાન ધરીએ તેમ તેમ આત્માનો વિકાસ જ થાય. જેને રોજ મેલા વિચારો, સ્વપ્નાં રાત્રિનાં આવતાં હોય તે બહાર સૂઈ આકાશદર્શનમાં લીન થવાનો પ્રયત્ન કરી જુએ. તેને તુરત નિર્દોષ નિદ્રાનો અનુભવ થશે. આકાશમાં રહેલા ગણો કેમ જાણે ઈશ્વરનુ મૂકસ્તવન કરતા ન હોય, એમ આપણે જ્યારે એ મહાદર્શનમાં ઓતપ્રોત થઈએ ત્યારે (તે સ્તવન) આપણે સાંભળતા જણાઈએ છીએ. જેને આંખ હોય તે આ નિત્યનવો નાચ જુએ. જેને કાન છે તે આ અસંખ્ય ગાંધર્વોનું મૂકગાન સાંભળે.”
05 ફેબ્રુઆરી 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર; ક્રમાંક – 230, 231 તેમ જ 232