
ઝાકિયા જાફરી
પોતાના પતિ સહિત 69 લોકોની સામૂહિક હત્યાઓ માટે ન્યાય મેળવવા સંઘર્ષશીલ ઝાકિયા જાફરીનું અવસાન 1 ફેબ્રુઆરી 2025ના રોજ થયું, તેમની દફનવિધિ થઈ ન હતી ત્યાં ગોદી પત્રકાર / લેખકે કહ્યું કે ‘હાશ, પૃથ્વી પરથી પાપ ઓછું થયું !’
કોઈ પણ ગુનેગારે ગુનો કર્યો છે કે નહીં તે નક્કી કરવા ન્યાયશાસ્ત્ર મુજબ ત્રણ બાબતો જોવાય છે : [1] ગુનો કરતા પહેલાનું વર્તન / ગુનાની તૈયારી. [2] ગુના દરમિયાનનું વર્તન. [3] ગુના પછીનું વર્તન.
28 ફેબ્રુઆરી 2002ના રોજ, અમદાવાદમાં બનેલી કોમી હિંસાને આ રીતે જૂઓ : [1] ગુનો કરતા પહેલાનું વર્તન / ગુનાની તૈયારી : વિક્ટિમની લાશોનું અમદાવાદમાં સરઘસ કાઢી હિન્દુઓને ઉશ્કેર્યા. હિંસા નહીં કરવા મુખ્ય મંત્રીએ અપીલ કરવાનું ટાળ્યું. [2.] ગુના દરમિયાનનું વર્તન : અહેસાન જાફરીએ ફોન કરવા છતાં મદદ ન કરી. [3] ગુના પછીનું વર્તન : ગુનેગારોને છાવર્યા તેમને સજા કરવાને બદલે 2014 પછી મલાઈદાર પોસ્ટિંગ આપ્યા !
SIT-સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમના સભ્યો : [1] Y.C. મોદી. તત્કાલિન IPS અધિકારી, CBI સાથે કામ કર્યું (2002-10) બાદમાં NIA (2017-21) ના ડિરેક્ટર જનરલ તરીકે નિયુક્ત કર્યા. [2] કે વેંકટેશમ્. તત્કાલિન IPS અધિકારીને નાગપુરમાં પોલીસ કમિશનર (2016-20) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. [3] આર.કે. રાઘવન. IPS અધિકારી કે જેમણે CBI(1999-01)ના ડિરેક્ટર તરીકે સેવા આપી હતી, 2008માં SITના વડા તરીકે નિમણૂક કરવામાં આવી. તેમને 2017માં સાયપ્રસના ઉચ્ચ કમિશનર તરીકે નિમણૂક કરી. રાજદૂતની જગ્યાઓ સામાન્ય રીતે IFSના સભ્યો માટે આરક્ષિત હોય છે IPS માટે નહીં !
અન્ય અધિકારીઓ : 27 ફેબ્રુઆરી, 2002ના રોજ સાંજે હિંસાની શરૂઆત થઈ હતી ત્યારે મુખ્ય મંત્રી મોદીજીના નિવાસસ્થાને મિટિંગ મળી હતી અને મોદીજીએ ‘હિન્દુઓને આક્રોશ વ્યક્ત કરવા દેવો’ તે મતલબની સૂચના આપેલ. તેમાંના કેટલાંક અધિકારીઓને મલાઈદાર પોસ્ટિંગ આપવામાં આવ્યા.
[1] અશોક નારાયણ IAS. ગૃહ બાબતોના મુખ્ય સચિવ બાદમાં તેમને 2003માં રાજ્યના તકેદારી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. તેઓ 2004માં નિવૃત્તિની ઉંમરે પહોંચ્યા છતાં, 2008 સુધી તેમને 5 એક્સટેન્શન આપ્યા.
[2] પી.સી. પાંડે IPS. પાંડેને 27 ફેબ્રુઆરી 2002ના રોજની મિટિંગ અંગે પ્રશ્ન કરવામાં આવ્યો, ત્યારે તેમણે કહ્યું કે ‘હિંદુ ટોળાને આક્રોશ વ્યક્ત કરવા દેવો તેવું મોદીજીએ કહ્યું ન હતું.’ 2006માં, પાંડેને ગુજરાતના DGP તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. તેમને ચૂંટણીપંચે DGPના હોદ્દા પરથી દૂર કર્યા હતા. પરંતુ મોદીજીએ જાન્યુઆરી 2008માં પાંડેને ફરી DGP તરીકે મૂકી દીધા ! તેમની નિવૃત્તિ પછી, 2012 સુધી GPHC-ગુજરાત પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા. તેમાંથી નિવૃત્ત થયા પછી, તેઓ અદાણી જૂથમાં સુરક્ષા અધિકારી તરીકે જોડાયા.
[3] કે. નિત્યાનંદમ્ IPS. તત્કાલિન ગૃહ સચિવ. તેમણે મોદીની મિટિંગમાં મોદીજીના નિવેદન અંગેના આરોપોને નકારી કાઢ્યા હતા. 2005માં, તેઓ રાજકોટ શહેરના પોલીસ કમિશનર તરીકે નિયુક્ત થયા. 2008માં, તેમની GPHCના મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી.
[4] પી.કે. મિશ્રા IAS. 2002માં મુખ્યમંત્રી મોદીના મુખ્ય સચિવ હતા.તેમને 2014માં મોદીના વધારાના મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.
[5] અનિલ મુકિમ IAS. જેમણે CMOમાં મોદી સાથે નજીકથી કામ કર્યું હતું. 2013માં, તેમને ગુજરાત સરકારના નાણાં વિભાગના મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. 2016માં, તેમને GSPL – રાજ્યની માલિકીની કુદરતી ગેસ ટ્રાન્સમિશન કંપનીના ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. 2018માં, તેમને ખાણ મંત્રાલયમાં સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. બાદમાં ACS ફાઇનાન્સ તરીકે નિમણૂક કરવામાં આવી. 2020માં તેઓ નિવૃત્ત થવાના હતા પરંતુ તેમને 6 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું. તે પછી તેમને 2021માં 6 મહિનાના વિસ્તરણ સાથે ગુજરાતના મુખ્ય સચિવ બનાવ્યા.
[6] જી. સુબ્બારાવ IAS. તત્કાલિન મુખ્ય સચિવ. તેમને 3 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું અને મે 2003થી 6 વર્ષ માટે નિયત કાર્યકાળ સાથે Gujarat Electricity Regulatory Commissionના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા. તેમની નિવૃત્તિ પછી GSPCAના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી. આક્ષેપ છે કે ‘સુબ્બારાવે નીચેના અધિકારીઓને મોદી સરકારની ગેરકાનૂની નીતિઓને સમર્થન આપવા દબાણ કર્યું હતું. નિર્ણાયક કેસોમાં પુરાવાને નષ્ટ કરવા સૂચનાઓ આપી.’
[7] G.C. Raiger IPS. રમખાણોના નિર્ણાયક સમયગાળા દરમિયાન 27મી ફેબ્રુઆરી 2002 થી 9મી એપ્રિલ, 2002 સુધી ADGP – ઇન્ટેલિજન્સ. 2009માં નિવૃત્તિ પછી તેમને લઠ્ઠાકાંડની તપાસપંચમાં સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. ADGP ક્રાઈમ તરીકે પણ તેમણે ફેઈક એન્કાઉન્ટરને ઢાંકવા મદદ કરી. તેઓ ADGP ઇન્ટેલિજન્સ હતા છતાં તેમણે નાણાવટી-મહેતા કમિશન સમક્ષ એફિડેવિટ ફાઇલ ન કરી.
[8] રાકેશ અસ્થાના IPS. એપ્રિલ 2003માં વડોદરા રેન્જના IGPના પદ પર નિમણૂક કરવામાં આવી. ગોધરાની ઘટનામાં કાવતરું ઘૂસાડ્યું. તેથી તેમને વડોદરા શહેરના તથા સુરત શહેરના પોલીસ કમિશ્નર તરીકે નિયુક્ત કર્યા. તેમને CBIમાં મૂક્યા. ત્યાં વિવાદ કર્યો. 2021માં, તેમને નિવૃત્તિ મહિને જ દિલ્હીના પોલીસ કમિશનર તરીકે નિયુક્ત કર્યા.
નાણાવટી-મહેતા કમિશન : જી.ટી. નાણાવટી નિવૃત્ત હાઈકોર્ટ જજ. હુલ્લડોની તપાસ માટેના કમિશનના અધ્યક્ષ તરીકે નિમ્યા. 3 વર્ષ પછી 2005માં, તેમના પુત્ર એડવોકેટ મૌલિક નાણાવટીને ગુજરાતના વધારાના સરકારી વકીલ (AAP) તરીકે નિયુક્ત કર્યા.
IPS ગીથા જોહરી. સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર કેસની (2006) તપાસ CBIએ હાથમાં લીધી, તે પહેલાં આ કેસની દેખરેખ તેમણે રાખી હતી, રેકોર્ડ સાથે ચેડાં કર્યા. 2017માં તેણીને ગુજરાતના DGP-પોલીસ મહાનિર્દેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં. નિવૃત્તિ પછી, તે કેડિલા ફાર્માસ્યુટિકલ્સમાં જોડાયાં. કેડિલા કંપની રાજીવ આઈ. મોદીની છે.
જ્યાં રાજ્યના IAS/ IPS અધિકારીઓ તથા કોર્ટના ન્યાયાધીશો જ પોતાની બંધારણીય ફરજ ન બજાવે તો ઝાકિયા જાફરીને ન્યાય મળે? SIT-સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમના વડા આર.કે. રાઘવને તપાસમાં ઢાંકોઢૂંબો કર્યો હોય ત્યાં મોદીજીને ક્લીન ચિટ જ મળે ને? ગુજરાતના પૂર્વ DGP આર.બી. શ્રીકુમાર કહે છે કે SITએ ‘સત્ય પર ઢાંકપિછોડો કર્યો.’ એટલે જ આર.કે. રાઘવનને 2017માં સાયપ્રસના ઉચ્ચ કમિશનર તરીકે મૂક્યા હશે ને? ન્યાયાધીશોને ગુના પહેલાનું / ગુના દરમિયાનનું અને ગુના પછીનું વર્તન કેમ દેખાયું નહીં હોય? સૌથી મોટો સવાલ એ છે કે પાપ કોણે કર્યા છે, ઝાકિયા જાફરીએ કે બીજાએ?
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર