Opinion Magazine
Number of visits: 9871990
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કાગડા બધે … !

ઋતા શાહ|Opinion - Opinion|5 April 2015

૧૨મી માર્ચ, ૨૦૧૫નો દિવસ. જે યોગાનુયોગ દાંડીકૂચના પંચ્યાશી વરસનો દિવસ અને સેલ્માથી મૉન્ટગોમરી માર્ચના પચાસ વરસની ઉજવણીના પંદર દિવસ પછીનો દિવસ. ગાંધીજીએ ૧૯૩૦માં દોરેલી દાંડીકૂચ અને માર્ટિન લ્યુથર કિંગે ૧૯૬૫માં સેલ્માથી મૉન્ટગોમરી દોરેલી Civil Right movement. બંને લોકોના હક માટેની અહિંસક લડત.

આ દિવસે ન્યુયૉર્ક શહેરની લગભગ ૨૦૦ જેટલી સ્કૂલના વિદ્યાર્થીઓ અને વાલીઓએ તેમની સ્કૂલ બહાર શાંતિપૂર્વક દેખાવો કર્યા. એનું કારણ એ હતું કે ન્યુયૉર્ક રાજ્યનાં ગવર્નર કુએમોએ પબ્લિક સ્કૂલના શિક્ષકોનાં મૂલ્યાંકન માટેનું નવું બિલ મૂક્યું છે. જો તે સફળ થાય તો.

૫૦ ટકા જેટલા શિક્ષકોનાં મૂલ્યાંકનનો આધાર વાર્ષિક પરીક્ષાનાં ગુણ પર રહે.

• ૩૫ ટકા જેટલો આધાર બહારનાં નિષ્ણાતની એક જ મુલાકાતનાં નિરીક્ષણ પર રહે.

• ૧૫ ટકા (ફક્ત!) જેટલો આધાર સ્કૂલના પ્રિન્સિપાલ, જે શિક્ષકના કામને નજીકથી દરરોજ જુએ છે, જરૂર પ્રમાણે દોરે છે, તેના મૂલ્યાંકન પર રહે.

ટૂંકમાં, એક જ વાર્ષિક પરીક્ષા પર મોટા ભાગનો ભાર રહે. સ્વાભાવિક રીતે જ વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો બધો જ સમય અને શક્તિ વાર્ષિક પરીક્ષાની તૈયારીમાં ખર્ચાઈ જાય. તો પછી બાળકના માનસિક, શારીરિક વિકાસ અને ચેતો વિસ્તારનું શું ? આસપાસનાં વાતાવરણ, મ્યુિઝયમ, પ્રાણીસંગ્રહાલય, પ્રવાસો, પુસ્તકો, ફિલ્મો, રમત-ગમતો વગેરેમાંથી સહજ રૂપે પોષાતા અને વિસ્તરતાં કૌતુકનું શું ? અસરપસરની હૂંફ-સમજ અને એકબીજા સાથે હળીમળીને કામ કરવાથી થતાં જીવનઘડતરનું શું ? વળી, શિક્ષણ વિભાગે આ પરીક્ષાઓનો વહીવટ પ્રાઇવેટ કંપનીને સોંપ્યો છે, જે બાળકો અને શિક્ષણના ભોગે મિલિયન ડૉલર્સનો વેપાર કરે છે. વળી, આ પરીક્ષાઓ “High Stake”- ભારે બોજવાળી નિર્ણયાત્મક પરીક્ષા છે. કૉલમ્બિયા યુનિવર્સિટીના Humanityના પ્રોફેસરે જાત અનુભવ ખાતર આ પરીક્ષા લઈ જોઈ. એમણે કહ્યું કે આ પરીક્ષા મારે માટે પણ અઘરી છે. બાળકના શૈક્ષણિક વિકાસથી તદ્દન વિરુદ્ધ છે, અને અકારણે બાળક લઘુતાગ્રંથિ અને માનસિક તાણ અનુભવે છે જે બિનજરૂરી છે.

૨૦ વરસથી બાળકોના સાઇકોલૉજિસ્ટ તરીકે કામ કરતાં એક વાલીનું કહેવું છે કે એમણે પરીક્ષાના માહોલમાં નકારાત્મક વાતાવરણમાં ઊછરી રહેલા ઘણા વિદ્યાર્થીઓની સારવાર કરી છે. તેમના મતે નાની ઉંમરથી દરરોજ ઘણો સમય હોમવર્ક અને પરીક્ષાની તૈયારીમાં વીતાવવાથી કુટુંબ સાથેના સહજ મિલન અને હૂંફનો સમય રહેતો નથી. જેની સહુના – બાળક અને મોટેરાના વિકાસ માટે હવા-પાણી અને ખોરાક જેટલી પ્રાથમિક જરૂરિયાત છે. આનું પરિણામ આગળ જતાં માનસિક અને શારીરિક ડિપ્રેશન અને આત્મવિશ્વાસના અભાવમાં દેખાય છે. તો સૉફ્ટવેર એન્જિનિયર વાલીનું કહેવું છે કે ઘણા શિક્ષકો આર્થિક અને શૈક્ષણિક રીતે અવિકસિત સ્કૂલમાં દિલ દઈને કામ કરે છે. આ સ્કૂલોના ટેસ્ટ-સ્કોર સ્વાભાવિક રીતે નીચો છે. તો સમય અને શક્તિ ભરપૂર આપતા આવા પ્રતિબદ્ધ શિક્ષકોનો શું વાંક ? સહુ બાળકોને ખીલવા માટે સમાન તક – Equal Opportunity – હોવી જોઈએ, એ માટેના હકથી બાળકને કેમ વંચિત રાખી શકાય ?

આ દેખાવો દરમિયાન અનેક જગ્યાએ વિદ્યાર્થીઓ અને વાલીઓએ પ્રતિકાત્મક માનવ સાંકળ રચી હતી, જે સૂચવતી હતી.

‘We love our teachers.’

‘More teaching less testing.’

‘Test – Stress’

‘Save public education.’

Don’t judge a child / teacher because of his/her zip code.’

‘Protect our schools.’

ચાલો, દાંડીકૂચનાં પંચ્યાસીમા વરસે અને સેલ્માથી મૉન્ટગોમરી કૂચનાં પચાસ વરસે, આશા રાખીએ કે જાગૃત અને પ્રતિબદ્ધ વિદ્યાર્થીઓ અને વાલીઓનો નાનો પણ મક્કમ, અવાજ શિક્ષણવિભાગ અને સરકારને પહોંચે.

૨૩ માર્ચ, ૨૦૧૫

Hamilton Heights, New  York City — e.mail : rutanyc@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૅપ્રિલ 2015, પૃ. 19

Loading

ગાંધીકથાકાર, ચરિત્રકાર, સર્વોદયી નારાયણ દેસાઈની વિદાય

ઉર્વીશ કોઠારી|Opinion - Opinion|4 April 2015

તા. ૧૫ માર્ચ, ૨૦૧૫, રવિવાર. આજે સવારે સમાચાર મળ્યા. નારાયણ દેસાઈ ગયા. થોડા સમય પહેલાં એ કૉમામાં સરી ગયા પછી થોડા રિકવર થઈ રહ્યા હતા. ૯૦ વર્ષની ઉંમર તેમની સામે હતી ને દૃઢ મનોબળ તેમની સાથે. તેમની રિકવરીના સમાચાર જાણીને એકથી વધારે વાર એવો વિચાર આવ્યો હતો કે કાકા સાજા થાય પછી ‘સાર્થક સંવાદ શ્રેણી’ માટે તેમનો દીર્ઘ ઇન્ટરવ્યૂ કરવો છે; પરંતુ એ તક ન મળી.

આ લખાણમાં નારાયણભાઈના જીવન વિશેની વિગતો આપવાનો ઉપક્રમ નથી. થોડી અનૌપચારિક વાતો અને થોડાં સંભારણાં યાદ કરવાં છે.

મહાદેવભાઈ દેસાઈ પ્રત્યે અનન્યભાવ અને આદરને કારણે નારાયણભાઈ વિશે સાંભળેલું ખરું, પણ તેમને મળવાનું નડિયાદમાં તેમની ગાંધીકથા દરમિયાન થયું. ‘દિવ્ય ભાસ્કર’ની રવિવારની પૂર્તિ માટે તેમનો આખું પાનું ભરીને, એકંદરે જરા જુદી જાતનો કહેવાય એવો ઇન્ટરવ્યૂ કર્યો હતો. એ વખતે તેમણે ખૂલીને જવાબ આપ્યા હતા. પણ તેમના વ્યક્તિત્વમાંથી અનાવિલત્વની ઝીણી-ઝીણી ફુવારીઓ સતત ઊડતી રહેતી. (ક્યારેક તેમાંથી ફુવારો પણ થઈ જાય.) તેમની સાથે એક જ મુલાકાતમાં ફાવી જાય, એવી શક્યતા મારા જેવા માટે ઓછી. હવામાંથી આદર ડાઉનલોડ કરવાનું અમસ્તું ઓછું ફાવે. એટલે પ્રત્યક્ષ અનુભવ (કે વાચન) પછી જ ભાવ કે અભાવ જાગે. (ગાંધીની વાત કહેવા માટે ‘ગાંધીકથા’ના સ્વરૂપ સામે મને કેટલાક પ્રશ્નો હતા.)

નારાયણભાઈને ફરી જોવા-મળવાનું નડિયાદમાં જ થયું. નડિયાદ મહિલા આર્ટસ કૉલેજના આચાર્ય અને પરમ મિત્ર હસિત મહેતાએ ગુજરાતી સામયિકો વિશે એક અનોખો સેમિનાર તેમની કૉલેજમાં યોજ્યો. તેમાં રમણ સોની, દીપક મહેતા, જયદેવ શુક્લ જેવા સાહિત્ય અને અધ્યાપન જગતનાં ઘણાં નામો ઉપરાંત કુલીનકાકા (કુલીનચંદ્ર યાજ્ઞિક), રઘુવીર ચૌધરી, મહેન્દ્ર મેઘાણી અને નારાયણ દેસાઈ પણ ઉપસ્થિત હતા. (બધાં નામ અહીં આપતો નથી.)

એક વાર એવો ભેદી કાર્યક્રમ યોજાયો હતો કે સાહિત્ય પરિષદ(અમદાવાદ)ના પુસ્તકાલયમાં નારાયણભાઈ તેમને ગાંધીકથા દરમિયાન ભેટ તરીકે મળેલી ગાંધીજીની પ્રતિમા પરિષદને આપવાના હતા અને એ પુસ્તકાલયમાં વચ્ચોવચ મૂકાવાની હતી. પરિષદ-પ્રમુખ તરીકે ગાંધીજીની પ્રતિમા મૂકાય ત્યાં સુધી ઠીક, પણ એ પ્રતિમાના બેઝની પાછળ લખાયેલી ભેટની વિગતો પણ એમની એમ જ હતી, એ જરા વિચિત્ર લાગે એવું હતું.

નારાયણભાઈ સાહિત્ય પરિષદના પ્રમુખ બન્યા તે પહેલાં ઘણા બધાને બોલાવીને મળતા હતા. એવી રીતે મને પણ મળ્યા હતા. પણ તેમની સાથેની પહેલી – અને હવે છેલ્લી – નિરાંતવી, અનૌપચારિક મુલાકાત ૨૦ ઓક્ટોબર, ૨૦૧૪ની સાંજે થઈ. મિત્ર હસિત મહેતા સાથે તેમણે સંદેશો પાઠવ્યો હતો. એ સાંજે લગભગ એક-સવા કલાક સુધી, તેમના સદ્દગત મિત્ર નાનુભાઈ મઝુમદારના ભાઈ કિશોરભાઈના પંચવટી(અમદાવાદ)ના ઘરે ગપ્પાંગોષ્ઠિ થઈ. તેમને ‘સાર્થક જલસો’ના બે અંક આપ્યા. તેમણે મારી હાજરીમાં પાનાં ફેરવીને, શાંતિથી વાંચવાનું કહીને એ પાસે મૂક્યા.

ઘણા વખતથી સમયના અભાવે આવી મુલાકાતોની નોંધ કરી શકતો નથી, પણ તે દિવસે વળતાં ટ્રેનમાં જ નોંધ કરી લીધી હતી. એટલે એમાંથી થોડી વાતો, નારાયણભાઇ વિશેની મારી અંતરંગ સ્મૃિત તરીકે મૂકીને એમને વિદાય પાઠવું છું.

* * *

ટાગોરનાં ગીતોનો અનુવાદ

નાનુભાઈ મઝુમદારને વી.એસ. હોસ્પિટલમાં દાખલ કર્યા એ વખતની વાત કરતાં નારાયણભાઈએ કહ્યું હતું. ‘તેમને જોવા એટલા બધા લોકો આવતા હતા કે નર્સ કહે, આખી હોસ્પિટલમાં દર્દી આ એક જ લાગે છે. કેટલા બધા લોકો એમને જોવા આવે છે. એમની સાથે રાત રોકાવા માટે હું અહીં રહ્યો હતો. અમે નવ-દસ જણ રાત રોકાવા માટે તૈયાર રહેતા હતા. હું એમને ટાગોરનાં ગીતોના અનુવાદ કરીને સંભળાવતો. એ તેમાં કંઈ સૂચવે. એમને સંભળાવ્યા પછી જ હું ફાઇનલ કરું. એ મરણપથારીએ હતા. સાથે અરુણ ભટ્ટ પણ બેઠેલા હતા. એ સારુ ગાય. પણ નાનુભાઈએ મને રવીન્દ્રસંગીત ગાવા કહ્યું. હું વિચારતો હતો કે તેમની આ અવસ્થા માટે કયું ગીત ગાઉં. એટલામાં તે કૉમામાં જતા રહ્યા. અને પછી કદી બહાર આવ્યા જ નહીં. મને તેનો એટલો વસવસો રહી ગયો કે હું તેમને છેલ્લે છેલ્લે ગીત સંભળાવી શક્યો નહીં, એ અફસોસને કારણે મેં તેમને યાદ કરીને રવીન્દ્રનાં સો ગીતોના અનુવાદ કર્યા. પણ એ સ્વાનતઃ સુખાય. એ પ્રકાશિત કર્યા નથી. રવિ-ગીત તરીકે જે પ્રકાશિત કર્યા એ તો ચાળીસેક જ છે.’

રેંટિયાસંગીત અને રવીન્દ્રસંગીત

‘અત્યારના માહોલમાં ડિપ્રેશન નથી આવતું?’ એના જવાબમાં એમણે કહ્યું હતું,’ જ્યારે પણ એવું લાગે ત્યારે રેંટિયો કાંતું છું. (બાજુમાં પડેલી પેટી બતાવી) તેમાં સૌથી પહેલાં તો મેડિટેશન, પછી રિધમ અને ક્રિએટિવિટી તો ખરી જ.

બીજું છે રવીન્દ્ર-સંગીત. હું ગાઉં છું. બહુ સારો અવાજ તો નથી, પણ મારી રીતે ગાઉં. રવીન્દ્ર-સંગીત મને મારી સાસુ પાસેથી જાણવા-શીખવા મળ્યું. એ રવીન્દ્રનાથનાં પહેલી બેચનાં મહિલા શિષ્યાઓમાં. રવીન્દ્રનાથ ઘણી વાર ટ્યુન બનાવે, પણ પછી ભૂલી જાય. એટલે એ કોઈને સંભાળાવી રાખે અને કહે કે હું ભૂલી જઉં તો તારે મને યાદ અપાવવાની. એટલે એ મારાં સાસુને સંભાળવતાં. એ ૯૪ વર્ષની વયે ગયાં. પણ ૯૨ વર્ષ સુધી ગાતાં હતાં. છેલ્લે એ શબ્દો ભૂલી જાય ત્યારે હું એમને શબ્દો યાદ કરાવતો હતો.

બીજો મહાદેવભાઈનો વારસો. મહાદેવભાઈએ ગાંધીજી પાસે જતાં પહેલાં ટાગોરના ચિત્રાંગદા જેવા અનુવાદ કરેલા. એટલે એમનો મૂળ જીવ તો ટાગોરનો. આ બાબતમાં હું ગાંધીજી કરતાં ટાગોરની વધારે નજીક છું.

રાજગોપાલાચારી – રાજાજી, એમ.એસ. સુબ્બલક્ષ્મી સાથેનો નાતો

હું બનારસ હતો ત્યારે રાજાજીએ તેમનાં બહેનનાં અસ્થિ ગંગામાં વિસર્જન માટે મને મોકલ્યાં હતાં. મેં વિસર્જન કરીને તેમને વિગત લખી કે મને વિધિવિધાન તો ખબર નથી, પણ મેં નદીની વચ્ચે જઈને ઈશોપનિષદનો પાઠ કરીને વિસર્જન કર્યું. એ પત્રના જવાબમાં રાજાજીએ લખ્યું કે મહાદેવભાઈ હોત તો આવું જ કરત. આ ઘટનાના થોડા મહિના પછી રાજાજીનું અવસાન થયું, ત્યારે તેમનાં બધાં પરિવારજનો હાજર હોવા છતાં, તેમનાં અસ્થિ બનારસ અને અલાહાબાદમાં વિસર્જન કરવા માટે મને કહેવામાં આવ્યું.

રાજાજીને પત્રકારો જોડે વ્યક્તિગત સંબંધો હતા. એટલે ૧૯૪૨ પછી તેમનો રસ્તો જુદો પડ્યો, અને એ લગભગ પાકિસ્તાનની તરફેણમાં હોય એવું લાગતું હતું, ત્યારે પણ બધા પત્રકારો તેમની સાથે હતા. તમિલનાડુના મોટા અખબાર કલ્કિના એડિટરનું તેમણે સુબ્બલક્ષ્મી સાથે લગ્ન કરાવ્યું હતું. રાજાજીના સંબંધે હું જઉં ત્યારે સુબ્બલક્ષ્મી મારી સામે ગાય અને ભારત-રત્ન સુબ્બુલક્ષ્મી વેઢમી બનાવીને જમાડે. કારણ કે હું મહાદેવ દેસાઈનો દીકરો અને મહાદેવભાઈ રાજાજીના મિત્ર.

વિદ્યાપીઠનું કુલપતિપદું, પરિષદનું પ્રમુખપદું

‘જોબ સેટિસ્ફેક્શન કેવુંક મળ્યું?’ એવા સવાલના જવાબમાં એમણે કહ્યું, ‘જોબ સેટિસ્ફેક્શનનો સવાલ નથી, કારણ કે બન્ને ઠેકાણેથી મને સામેથી કહ્યું હતું અને મારી શરત હતી કે સર્વ સમંતિ હોય તો જ હું પદ સ્વીકારું. પરિષદમાં એટલું થયું કે મારા કાર્યકાળમાં અમદાવાદ કેન્દ્રી પરિષદ ગુજરાતમાં ઠેકઠેકાણે પહોંચી અને બધાને લાગ્યું કે પરિષદ અમારે આંગણે આવી.’

‘વિદ્યાપીઠમાં એ લોકો મને વેડછી મળવા – કહેવા આવ્યા હતા. વિદ્યાપીઠમાં એવો ધારો છે કે કુલપતિના મૃત્યુ પછી જ નવો કુલપતિ નીમાય, પરંતુ મેં પહેલેથી કહ્યું હતું કે હું એવું ઇચ્છતો નથી. આમ તો મેં એમને તારીખ પણ આપી દીધી હતી, પણ અત્યારે કુલનાયક પણ નવા હોય ત્યારે હું છોડી દઉં એના કરતાં કુલનાયક આવે ને સેટ થઈ જાય પછી હું છોડીશ.’ (તા.ક. – નારાયણભાઇ પછી ઈલાબહેન ભટ્ટ આ પદે નીમાયાં.)

અમારી વાતચીત વખતે એક બહેન કશીક સહી કરાવવા આવ્યાં અને કાકા આગળ મોટા અવાજે બોલવા લાગ્યાં, એટલે કાકા સહેજ બગડ્યા. કહે, ‘મેં મશીન પહેરેલું છે. એટલે મોટેથી બૂમો નહીં પાડો તો ચાલશે.’

હવે ગમે તેટલું મોટેથી બોલવાથી પણ કાકા સાંભળે એમ નથી. ફેસબુક પર તેમના મૃતદેહના ક્લોઝ-અપ જોઇને ખેદ થાય છે. કાકા માટે પ્રચંડ માત્રામાં આદરભાવ ન હોવા છતાં, માપસરનો પ્રેમભાવ થયો, તેના કારણે હું એમને ફેસબુક પર મુકાતા ભયાનક સ્વરૂપના ફોટાથી યાદ રાખવા માગતો નથી.

સૌજન્ય : http://urvishkothari-gujarati.blogspot.in/

સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૅપ્રિલ 2015; પૃ. 06−07

Loading

જેમનામાં મેં ગાંધી જોયા

મણિલાલ હ. પટેલ|Gandhiana|3 April 2015

અમારી પેઢી(૧૯૪૮ પછી જન્મેલી)ને ગાંધીજી પ્રત્યક્ષ જોવા ન મળ્યા, પણ અમે ગાંધીજીને એમનાં જીવનકાર્યો, એમના જીવનવિચાર, જીવનરીતિ તથા એમનાં લખાણોના અભ્યાસ દ્વારા પામવા મથતા રહ્યા. છતાં એવી વિરલ વિશ્વવિભૂતિને પ્રત્યક્ષ નહીં જોઈ શક્યાનો અફસોસ રહ્યો જ હતો. ગાંધીજીના તમામ સાહિત્યમાં એમનું જીવનકાર્ય તથા એમની જીવનદૃષ્ટિનો પરિચય શબ્દે-શબ્દે પદે-પદે પ્રાપ્ત થાય છે … !

નારાયણ દેસાઈનું પુસ્તક ‘સંત સેવતાં સુકૃત વાધે’ (૧૯૬૧) વાંચતાં તરત જ લાગેલું કે આ લેખનમાં ગાંધીમુદ્રા અને ગાંધીચેતના પદે-પદે હાજર છે. આ ગ્રંથના લેખકને જોયા વિના, મળ્યા વિના નહિ રહેવાય, એવો પણ ભાવ ઊંડે-ઊંડે જાગેલો. અસલ જીવનની સહજ ગતિ, વિચારનું આચારમાં પ્રગટવું તથા ભાષાની સાદગી છતાં તેની બળકટતાનો સાર્થ અનુભવ થવો – આ ત્રણે વાનાંનો વિરલ સંયોગ; જે ગાંધીજીની ‘આત્મકથા’માં અનુભવાયો હતો તે અહીં અનુભવાય છે. પછી તો નારાયણ દેસાઈને હાથે લખાયેલી, એમના પિતાશ્રી મહાદેવ દેસાઈની જીવનકથા ‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’ વાંચવા સાથે જ એક જુદી ભાવસૃષ્ટિમાં એક નોખી જ વિચારધારાવાળી જીવનશૈલીના અનુભવમાં મુકાવાનું બનેલું. નારાયણ દેસાઈને મળવા માટે છેક વેડછી આશ્રમ સુધી પણ બબ્બે વાર ગયો હતો. એક વાર એ આગલી સાંજે જ કશેક જવા નીકળી ગયેલા, ને બીજી વાર પ્રવાસથાક બાદ આરામમાં (તબિયતને લીધે પણ) હોવાથી મળી નહોતું શકાયું!

ત્રીજી વાર વેડછી ગયો. ગૂજરાત વિદ્યાપીઠે યોજેલાં કોઈ કાર્યશિબિરમાં ‘સાહિત્ય અને સમાજશિક્ષણ’ વિશે વાત કરવાની હતી. આ વખતે નારાયણભાઈ એમના નિવાસમાં હાજર હતા … હાથ જોડીને, નમસ્કારની મુદ્રામાં – એમ જ હું તો ઊભો રહી ગયેલો, એમનો આછેરું મલકતો સ્વસ્થ ચહેરો હું ભાવપૂર્વક જોતો રહેલો … મનમાં થયેલું કે ગાંધીજી પણ આ રીતે જ સૌને મળતા હશે. સાદગીભર્યું ઘર, સદરો અને ખુલ્લી મોરીનો લેંઘો પહેરીને બેઠેલા એ પ્રસન્નવદન નારાયણ દેસાઈમાં મને ગાંધી જોયાનો અહેસાસ થતો હતો. ગાંધીજીના ખોળામાં રમીને, એમની સાથે વાર્તા કરતાં-કરતાં જીવનઘડતરના પાઠ શીખતાં શીખતાં ‘મોટો’ થયેલો આ એક જ એવો માણસ હતો, જેમને ભેટી પડવાનું મન થતું હતું અને એમનો હાથ જે ગાંધીજીના હાથોમાં રહેલો હતો કે તે હાથ – મારા હાથમાં પકડી લઈને આંખે અડકાડવા મન ઊછળતું હતું …. પણ હજી એવો અવસર આવવાની વાર હતી.

થોડીક વાતો પછી અમો વાર્તાલાપ માટેના ખંડમાં હતા. મને આનંદ અને સંકોચ બંને થતાં હતાં. કાંતતાં-કાંતતાં એ મારો વાર્તાલાપ સાંભળી રહેલા. પછી રસોડા બહારના ઘટાદાર ઝાડ (આંબો) નીચે ગોઠવેલાં ટેબલ-પાટલી પર એમની સાથે જમવા બેઠા, ત્યારે મને થયેલું કે ‘આજનો મારો દિવસ જ નહિ, હું પણ ખરેખર ધન્ય થઈ ગયો છું …’ હું અનુભવતો હતો કે ગાંધીજી મારાથી માત્ર એક વ્યક્તિ જેટલા જ દૂર છે. જમતાં-જમતાં એમણે મારા વાર્તાલાપ સંદર્ભે કહેલું : ‘તમારી સ્મરણશક્તિ સારી છે. કશા કાગળો વિના પણ તમે તમારી બધી વાતો બરાબર મૂકી શક્યા છો … સરસ !’ દુનિયા ફરેલો, અનેક મહાન દેશભક્તોને, નેતાઓને, ચિંતકો, સેવકોને તથા સર્જકોને મળેલો તથા સભાઓને પોતાની વાતો બરાબરની પહોંચાડી શકેલો માણસ આટલો સરળ, સાદો તથા સહજ લભ્ય હોઈ શકે ?! મારી સામે એના ઉત્તર રૂપે નારાયણ દેસાઈ હાજર હતા. ગાંધીજીને નહીં જોયાનો મારો અફસોસ ઘણો ઘટી ગયો હતો.

‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’ વાંચતાં-વાંચતા અનેક રીતે સમૃદ્ધ થવા મળતું હતું. મહાદેવ દેસાઈના જીવનચરિત્રમાં ગાંધીજી તથા કસ્તૂરબાની જીવનછબી સાથે કઠોર આચરણોનો પરિચય તો થાય છે જ, પરંતુ એ સાથે આપણા સાંસ્કૃિતક જીવનની છબી પણ પ્રભાવકતાથી ઉપસેલી પમાય છે. મહાદેવભાઈનું મંત્રીકાર્ય કેવું તો સંનિષ્ઠ, ગૌરવ અને ગરિમાભર્યું હતું, એ તરત પમાય છે. વળી, એમનું સમર્પણ અને કડક જીવન-આચરણ પણ વાચકને વશ કરી લે એવું છે. નારાયણ દેસાઈ જીવનકથાકાર – જીવનકથાલેખક તરીકે મુઠ્ઠી ઊંચેરા લેખક છે, એની પ્રતીતિ તો ‘મારું જીવન એ જ મારી વાણી’(ગાંધીજીની જીવનકથા)ના ચાર ભાગ વાંચતાં થાય છે. સ્વામી આનંદ, કાકાસાહેબ કાલેલકર, ડાયરીના લેખક મહાદેવ દેસાઈ – જેવા ગાંધીયુગના બધા ગદ્યકારોમાં ખુદ ગાંધીજીને પણ મોટા ગદ્યકાર લેખવા જ પડે એવું એમનું ગદ્ય છે. આ બધા ગદ્યકારોની હરોળમાં નારાયણ દેસાઈનું ગદ્ય એની સમૃદ્ધિને બળે બેસવાનું સામર્થ્ય પ્રગટાવે છે. જેણે ઔપચારિક રીતે શાળા-કૉલેજમાં જઈને શિક્ષણ જ નથી લીધું, એવી વ્યક્તિનું આવું સમૃદ્ધ ગદ્યલેખન દેશદુનિયામાં વિરલ ઘટના હશે, એમાં શંકાને સ્થાન નથી.

જુગતરામ દવેની જન્મશતાબ્ધીના અવસરે લખતરમાં એમની નિશ્રામાં શિક્ષણ વિશે વિચારો વ્યક્ત કરવાની તક મળી હતી, ત્યારે એ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદે વરાયા હતા … ને ડિસેમ્બર અધિવેશનમાં ચાર્જ લેવાના હતા. કાર્યક્રમ પછી મને બેસાડીને પરિષદની રીતરસમો, પ્રવૃત્તિઓ, સમાજના પ્રતિભાવો વિશે પૂછતા હતા. કહે કે મારે બધી હકીકતો જાણવી જોઈએ ને, તો જ હું નવું કંઈક વિચારી શકું. એમની ‘ઘણું બધું’ જાણવાની અપેક્ષા ‘તટસ્થ’ રહીને સંતોષે એવી જાણકાર અને નિસબત સાથે સક્રિય વ્યક્તિની એમને જરૂર હતી. મેં રાજેન્દ્ર પટેલનું નામ સૂચવેલું … ને પછીનાં પરિષદકાર્યો તો જાણીતાં છે. છેક સુધી રાજેન્દ્ર પટેલ એમના વિશ્વાસુ તથા પ્રીતિપાત્ર રહ્યા. ગુજરાતમાં યોજાયેલી સાહિત્યયાત્રાઓ વડે એમણે પ્રજાજાગૃતિનું મહત્ત્વનું કાર્ય કરેલું, જે કાર્ય પાઠફેરે ‘ગુજરાતી ભાષાસંવર્ધન’ દ્વારા રાજેન્દ્ર પટેલ તથા અનેક મુરબ્બીઓ આજે પણ આગળ ધપાવી રહ્યા છે.

સાહિત્યયાત્રાઓમાં હું પણ શક્ય હોય ત્યાં-ત્યાં બધે હાજર રહું અને જોડાઉં એવી નારાયણભાઈની, રાજેન્દ્ર દ્વારા મને ખાસ દરખાસ્ત હતી. ને મેં એ તક ઝપડી લીધેલી. હાસ્તો, જેમનામાં મેં ગાંધીજીને જીવતા જોયા અને જેમના લેખન દ્વારા હું ગાંધીજીને થોડું ઘણું પણ-મારી શક્તિ મતિ પ્રમાણે – સમજવામાં સફળ રહ્યો, એવા ગાંધીજીના ‘પ્રિય બાબલા’ સાથે રહેવા મળે એ અમૂલ્ય અવસર કોણ જવા દે ભલા ! રાજકોટ – ભાવનગર – કચ્છ – ભરૂચ – અંકલેશ્વર – લુણાવાડા ઇત્યાદિ સ્થળે હું જોડાયો હતો.

આ દિવસોમાં એમની સાથે હાથ મેળવવાની (જે હાથને ગાંધીજીનો હાથ વારંવાર સ્પર્શ્યો હોય એવા હાથ સાથે હાથ મેળવવાની) મારી ઇચ્છા પૂરી થયેલી … રજા લઈને એમનો હાથ વધુ વખત પકડી પણ રાખેલો … એમણે કોઈ પરદેશીની આવી જ એષણાની વાત કહી હતી. અલાસ્કાના દૂર અંતરના પ્રવાસમાં જ્યારે ગાડી ચલાવનારને ખબર પડી કે નારાયણ દેસાઈ નામનો આ પ્રવાસી જણ તો ગાંધીજીના ખોળામાં રમીને મોટો થયેલો છે, ત્યારે એ ખુશીનો માર્યો ગાડી રોકીને નીચે ઊતરીને નાચી ઊઠતાં બોલેલો – ‘અરે ! ચમત્કારો તો આજે ય થાય છે.’ આપણે લોકો ‘દાંભિક વિદગ્ધતા’નો ડોળ કરવામાં રહીએ છીએ, એટલે આવા અવસરોમાં આવકાર્ય મુગ્ધતા કે રાચવા – નાચવાની વાતને અવગણી કાઢીએ છીએ. પરંતુ સરસ પ્રસંગોની વાર્તા કરતા નારાયણ દેસાઈ પોતે કેવા તો પ્રસન્ન થઈ ઊઠતા હતા, એ તો એમની ‘ગાંધીકથા’ના જિજ્ઞાસુ શ્રોતાઓને જ ખબર હોય તો હોય ! એમણે પૂરી ૧૧૮ ગાંધીકથાઓ દ્વારા દેશવિદેશમાં ગાંધીવિચાર વહેતો કર્યો …

સાહિત્યયાત્રાઓ દરમિયાન મેં વાર્તાલાપોમાં સાહિત્ય આપણને આનંદ સાથે કેવી રીતે શાણપણ તરફ દોરે છે, એ વાત પર ભાર મૂકેલો. નારાયણભાઈનું, આ પદ્ધતિને, અનુમોદન મળતું એટલે શાતા વળતી. આ દિવસોમાં નારાયણ દેસાઈને સાવ સમીપેથી –

• સવારે પ્રાર્થના કરતાં જોયા – સાંભળ્યા.

• સાંજે ભજન કહેતાં સાંભળ્યા. ગાવામાં તલ્લીન જોયા.

• એમને વખતનો સદ્દઉપયોગ કરતાં નીરખ્યા.

• એમના સાદગીનો – અલ્પ જરૂરિયાતોનો પરિચય થયો.

• એમને વાંચતાં અને સાથે આરામ કરતાં પણ જોયા.

• દેશવિદેશના અનુભવની વાતો કરતાં સાંભળ્યા!

• કપરા કડવા અનુભવોનું તટસ્થ બયાન કરતાં જોયા.

વલ્લભવિદ્યાનગરમાં એમણે ગાંધીકથા કરી, ત્યારે રોજ સવારે નિવાસ આસપાસમાંથી એ ચાલતા. હું એમની સાથે જોડાતો. એ વખતની વાતો પણ યાદગાર બની ગઈ છે.

ઇઝરાયેલના પ્રવાસ દરમિયાન એક વિદ્યાર્થિનીએ એમને પૂછેલું કે ‘તમે ગાંધીજીને જોયા હતા ?’ ત્યારે એમણે જવાબ આપેલો : ‘હું ગાંધીજીને જોઉં એ પહેલાં એમણે મને જોયો હતો.’ ને આ વાત પેલી બાળકીને ટૂંકી વિગતોમાં સચોટ ભાવે સમજાવેલી. આપણાં વિદ્યાર્થીઓ કદી ય કોઈ વાત આજે ય પૂછતાં કેમ નથી ?! ચિંતા થાય છે.

‘જિગરના ચીરા : હિંદના ભાગલા અને ગાંધીજી’ (૨૦૧૩) પુસ્તક આપણા કેટલાક ખ્યાલો / ખોટી ધારણાઓનું નિરસન કરે છે. આઝાદીની લડાઈ અને એમાં ગાંધીજી દ્વારા થયેલાં આંદોલનો કેમ ને કેટલાં, કેવી રીતે મહત્ત્વનાં હતાં એની ચર્ચાઓ નવી પેઢીને ઘણી જ માર્ગદર્શક નીવડે એવી છે.

ગુજરાતી-હિન્દી-અંગ્રેજી-બંગાળી-ઊડિયા જેવી ભાષાઓના જાણકાર આ બહુશ્રુત વિદ્વાને, ખાસ તો ગાંધીવાદને જીવી બતાવનાર તથા જીવન સાર્થક કરનાર આ માણસે પચાસ જેટલાં પુસ્તકોનું લેખન સંપાદન કર્યું છે. જે માણસે અનેક વિપરીત સ્થિતિઓમાં પણ પોતાનામાં ગાંધીજીને સહજ રીતે જીવી બતાવ્યા હોય એવી વ્યક્તિની ચિરવિદાયથી આપણે વધારે રાંક થયા છીએ.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૅપ્રિલ 2015; પૃ. 03-05

Loading

...102030...3,8863,8873,8883,889...3,9003,9103,920...

Search by

Opinion

  • 1991ના દેશના આર્થિક સંકટમાંથી આપણે શું શીખી શકીએ?
  • અનામત કોઈને માટે ક્યાં સુધી ચાલુ રાખવી જોઈએ?
  • પરફોર્મેટિવ પૉલિટિક્સઃ રાજકારણ હવે માત્ર શાસન નહીં, વાયરલ થવાની કળા પણ
  • રાષ્ટૃની વિભાવના : સંઘર્ષ સમજૂતિ અને સ્થાપિત એજન્ડા
  • ચલ મન મુંબઈ નગરી—342

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved