Opinion Magazine
Number of visits: 9695610
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અલ્વિદા દિલ્હી

ઉમાશંકર જોશી|Poetry|13 February 2015

[એપ્રિલ 1976]

અલ્વિદા ! દિલ્હીનાં ફૂલો અલ્વિદા !
શિયાળુ બપોરનો હૂંફાળો તડકો પીતાં
સારી દિલ્હીમાં અમે જ બસ અમે છીએ
ફૂલ્યાં ન માતાં,
વેશ ખુશ્બૂ, લુચ્ચી ચુપકીદી,
− ક્યાંક રંગોની છોળ, રંગોનો શોર;
ગુલાબ જ લોને :
રાતાં, સુનેરી-તડકાથી છલોછલ,
સિંદૂરિયા, મિશ્રરંગી, … કહું ?
મને ગમે છે ગુલાબી ગુલાબો.
સલામ સૌનેય તે હમેશાં થઈ ગઈ.

રસ્તાઓને ખેંચતાં, ચોમેર ફેકતાં મધ્યવર્તુળોમાં
ટોળે વળેલાં ઉત્-કંઠ ફૂલોને તરછોડી
દોડી જતાં શુંનું શું થયું ?
નજરથી તમને પસવાર્યા વિના, કહો જો,
કદી આગળ વધ્યો છું હું ?

દિલ્હીની વિલંબાતી વસન્તની
વિજય ફરફરતી પતાકા, ફૂલો, અલ્વિદા !

અલ્વિદા દિલ્હીનાં વૃક્ષો !
બારી પાસેના શુકવત્સલ બુલ્બુલી સિલ્વર ઓક, અલ્વિદા !
રસ્તાની અદબ રાખી બે બાજુ તોતિંગ હારબંધ ઊભાં વૃક્ષો;
રહેવાતું નહીં, ઉપર બાહુઓ લંબાવી ભેટતાં;
રસ્તાને ભીંસતાં,
રસ્તાના રસ્તાપણાને પીસતાં,
એક હર્યાભર્યા પાંદડાંના મંડપથી મંદિર રચી દેતાં
એકાન્ત શાંતિનું મહાનગરમાં.
કોઈ રોકાય નહીં, ટોકતાં નથી.
કોઈક જ ચાલનાર નીકળે, ઊભાં ઊભાં જુએ છે
રાહ શાની ? ગમે તેમ, પણ …
માનવી નાનો, એને ઊંચાં ઊંચાં વૃક્ષ જોઈએ
ટેકા માટે, નહીં તો એ ગબડી પડે.
દિલ્હી, તારાં વૃક્ષો વિના
દિલ્હીમાં માનવી – દેશને ખૂણેથી ખેંચાતાં માનવી
ગાંડાં થઈ ગયાં હોત.
મધ્યવર્તુળનાં છત્ર સમાં વૃક્ષો
રાજપથ-ફરતાં ઘટાઝૂમતાં વૃક્ષો
લાંબા લાંબા રાજમાર્ગો પર હરિયાળી હથેળી ફેલાવતાં વૃક્ષો
ઊંચાં ઊંચાં એકલવાયાં નિજ-મગ્ન
વૃક્ષો દિલ્હીનાં, અલ્વિદા !

અલ્વિદા સંસદ !
સંસદગૃહ, તારા કૉરિન્થિયન સ્તંભો સમક્ષ
ગમે તેવો માનવ, મહામાનવ, દેવ માનવ
તેય માંડ માનવ જેવડો લાગે.

સમયની ગુહા સમા ગુંબજની નીચે, પરંતુ,
એના સ્વરમાં ક્યારેક ક્યારેક
વૈખરીનાં અવિશ્રાન્ત વારિવલોણાં વચ્ચે
માનવતા-ભીંજ્યો
અમૃતરણકો જાગે.

અલ્વિદા કેન્દ્રીય ખંડ !
અજબ આ ભારતચૉરો …
દેકારા, હોકારા, પડકારા,
આ – તે વાતોના ગબારા,
ખુશખુશાલ અટ્ટહાસ્ય,
ઉપહાસ,
ક્યારેક ઉગ્ર સ્ફોટ …
એક એક આદમી અનેક સમસ્યાઓનું પોટકું.
નાનાં નાનાં ઝૂમખાં, આકાર પામતા ઉકેલ
કે ઊંડી ઊતરતી વાસી વ્યથાઓ ?
સાત પ્રવેશે, પાંચ જાય, ભરતીઓટ … ઓટભરતી …
ચરુ ઊકળ્યા કરે.
દીવાલો પર દિવંગત નેતાઓની માણસ-અદકેરી છબીઓ
છે – નથી સમી.
વીજળી પ્રકાશ ચોપડેલી ગાંધી બાપુની આંખો બધું જોયાં કરે.
મારા દેશનું ધન આ,
પ્રજાહિતનાં રખોપાં કરનારા,
ખૂણેખૂણાના જાણતલ.
માનવજાતિના સાતમા ભાગની ચિંતા
આ સૌને સોંપીને પ્રભુ જરીક આરામ કરે છે.
જોઈ રહું, મૌનપણે મોહું
ચૉરાની અડાબીડ ભીડ પર.
તું બોલ્યે જા, ચૉરા ! ચૉરો બોલે, સમય બોલે.

એકાએક સોપો પડ્યો.
કોઈક ગણગણ્યું : હવે જબાન-બંધ જાણજો.
ફલાણા ભાઈ કરે આપણા પક્ષની વાત જો,

ભૂંડાએ વગોવ્યાં મોટાં ખોરડાં.
કોઈ આંખ ચોળે,
કોઈ આંખ ચોરે, − સલામ અધવચ પડી જાય.
મોં કહો કે તોબરા, અંદર શબ્દ ચાવ્યાં કરે.
પોલાં હાસ્ય, બોદી ચાલ, …
વડાઓની આસપાસ ઘૂમતો આછો માનવ-બણબણાટ.
દીવાલ પરની છબીઓ માત્ર બોલે,
બોલે મહાત્માનું મૌન.

શબ્દ, તું મને અહીં લઈ આવ્યો,
લઈ ચાલ ત્યાં,
જ્યાં તું કર્મ સાથે સરસાઈ કરે,
જ્યાં અર્ધેક ઇશારે દુનિયા વરતી જાય સત્તાનો ફરેબ,
જે આપતો આશા ને લઈ લે ભાષા.

અલ્વિદા, શાહજહાનાબાદ, આમપ્રજાની દિલ્હી !
જામા મસજિદના ઊડવા કરતા નમણા મિનારા,
લાલ કિલ્લાના સ્વપ્નિલ કોટકાંગરા,
રાજઘાટ શાંતિવન વિજયઘાટની ઊની ઊની સ્મૃિતરાખ
− તે તો હૈયે સદાયે −
નિર્જીવ મૃત્યુદમામ અલ્વિદા !

અલ્વિદા, પુરાણા કિલ્લા ! એક અસ્ત પામેલી દિલ્હી.
કાંકરે કાંકરે, અધઊભી ભીંત-કરાડે, કરાળ બખોલે,
મૃત્યુનાં જડબાંની નિશાની ભીષણ.
મહાનગરની વચ્ચે વચ્ચે અનેક
બાવળની કાંટ્યમાં સાંજુકી વેળા
જાગી ઊઠતી શિયાળવાંની લાળી,
જાણે મહાનગરની કરોડરજ્જુમાં કાળધ્રુજારી.

નવી, સાતમી દિલ્હી, ખબર છે તને તો −
ઇતિહાસ રાજધાનીઓની છેડતી કરે છે.

ખેડુની − શ્રમિકની વાંકી વળેલી પીઠ પર ઊભી છે
એને વધુ વાંકી વાળતી

દુનિયાની રાજધાનીઓ
રૂડી રૂડી વાતોને નામે.
સાતમી દિલ્હી, નીચે ઊતરી શકીશ,
જીવી જઈશ,
દિલ્હીપણાને કરી તારી − અને મારી પણ −
દિલી અલ્વિદા ?

નવી દિલ્હી, 25-04-1976

[વંચાયું તા. 08-01-1977, અમદાવાદ ગુજરાતી સાહિત્ય પરિષદના કવિસંમેલનમાં]

(‘ધારાવસ્ત્ર’)

Loading

વૅલેન્ટાઇન ડે પર साँझी विरासत

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|13 February 2015

‘कहते है कि प्यार अंधा होता है। यकिनन नहीं। ना कल था ना आज है।

प्यार नहीं, नफरत अंधी होती है।

अंधे तो वो है जो निर्दोष युवाओं को प्रेम की सजा देते है, पीडा देते है, अपमानित करते हैं, उनका बहिष्कार करते है, जिंदा जलाते है। 

नफरत से घिरे वो लोग प्यार में उन्नत हों इस उम्मीद के साथ, …।

આ ચોટદાર શબ્દોથી, લવજિહાદના ઝનૂની માહોલમાં, ‘લોકનાદ’ના આ વર્ષના તારીખિયાની શરૂઆત થાય   છે. કૅલેન્ડરનાં દર બે મહિનાનાં પાને પ્રેમ વિષય પર ભારતની ભાષાઓના ઐતિહાસિક કવિઓની પંક્તિઓ હિન્દી અને અંગ્રેજી અનુવાદ તેમ જ કર્તાઓના ટૂંકા પરિચય સાથે મૂકવામાં આવી છે. જેમ કે પહેલા બે મહિના માટે કબીર છે :

हमन हैं इश्क मस्ताना,
हमन को होशियारी क्या।
रहें आझाद या जग में,
हमन दुनियाँ से यारी क्या।।

અન્ય પાનાં પર છે પંજાબી કવિઓ બુલ્લે શાહ અને શાહ હુસેન, ગુજરાત-રાજસ્થાનનાં દાદુ દયાલ અને મીરાં, હિન્દી સહિત અનેક ભાષાઓમાં લખનાર રહીમ. આ પ્રકારનું અર્થપૂર્ણ અને સુરુચિસભર કૅલેન્ડર साँझी विरासत નામે ગયાં પંદર વર્ષથી બહાર પડે છે. તેમાં દર વર્ષે એક વિષય પસંદ કરવામાં આવે છે અને તેને લગતી કાવ્યપંક્તિઓ મૂકવામાં આવે છે. કવિઓ ભારતીય સંત કે સૂફી પરંપરાના હોય છે. અત્યાર સુધી શાંતિ,સાંસ્કૃિતક સમરસતા, જ્ઞાતિપ્રથા, માટી, પાણી અને હિંસા જેવા વિષયો પરનાં કૅલેન્ડર બન્યાં છે. આ વર્ષે જે કવિઓ છે તે ઉપરાંત પહેલાં અખો, તુકારામ, તુલસી, નરસિંહ, નાનક, બહિણાબાઈ જેવાં રચનાકારોનો સમાવેશ થઈ ચૂક્યો  છે.

‘સાંઝી વિરાસત’ ગુજરાતના અનોખા લોકધર્મી કલાકાર તેમ જ સંશોધક ચારુલ અને વિનયના અનેક કામમાંનું એક છે. આ દંપતી સામાજિક નિસબત ધરાવતાં હૃદયસ્પર્શી મૌલિક ગીતોનો ‘ઇન્સાન હૈં હમ’ કાર્યક્રમ માટે સમાજકાર્યના ક્ષેત્રે જાણીતું છે. ગયા બે દાયકા દરમિયાન દેશભરનાં શહેરો અને અંતરિયાળ ગામોમાં તેની પાચસો જેટલી રજૂઆતોથી થઈ છે. વિનયે ડફલીના અને ચારુલે ઘૂંઘરુના તાલે ગાયેલાં ગીતોની આર્તતા હજારો દેશવાસીઓને ભાવવિભોર બનાવતી રહી છે. કાર્યક્રમમાં ઉત્કટતાપૂર્વક રજૂ થતાં દસેક ગીતો અદના આદમીને સમજાય તેવી અને સોંસરી ભાષામાં લખાયેલાં છે અને સહજ યાદ રહી જાય તેવી સ્વરરચના પામેલાં છે. ‘મંદિર મસ્જિદ ગિરજાઘરને બાંટ દિયા ભગવાન કો ….’ ગીત તો દેશના ‘સેક્યુલર ઍન્થેમ’ એટલે કે ‘બિનસાંપ્રદાયિકતાના રાષ્ટ્રગીત’ તરીકે જાણીતું થયું છે. તે ગુજરાતમાં 1985માં થયેલાં કોમી રમખાણોને પગલે લખાયું છે.

ત્યાર પછીનાં વર્ષોમાં વેદનાનાં અને સપનાનાં સુંદર ઊર્મિકાવ્યો સમાં ગીતો રચાતાં ગયાં, ‘લોકનાદ’ના ઉપક્રમે ગવાતાં રહ્યાં. ‘ઇન દિનોં …’ ગીતમાં સર્વત્ર ફેલાયેલી હિંસાની વાત છે. તેમાં એક પંક્તિ છે : ‘ચુપ રહેના હી હિંસા કી શુરૂઆત હૈ, કાતિલોં મેં ગિને જાનેકી બાત હૈ’. પૃથ્વી અને જિંદગીની સુંદરતાની વાત કરતાં ‘ઇન્સાન હૈં હમ …’ ગીતનો સંદેશ છે : ‘હિંદુ યા મુસલમાન, સિખ હૈં, ઈસાઈ હૈં યા પારસી હૈં હમ / પ્યાર સે એતબાર સે આજ સે કહે ઇન્સાન હૈં હમ …’ . ‘રબ્બા યાર’ ગીતમાં સહુને જોડતા,આવરી લેતા માણસાઈભર્યા પ્રેમનું ગાન છે. ‘આઓ લકીરેં મિટા દેં …’ રચના માણસોને લડાવતી-જલાવતી, લોકો પાસે દીવાલો ચણાવતી સરહદો વિશે છે. ‘જાનને કા હક’ ગીત માહિતી અધિકારની ચળવળમાં બધે ગવાય છે. તેમાંની એક પંક્તિ છે : ‘મેરે વોટોં કો યે જાનને કા હક રે / ક્યું એક દિન બડે બડે વાદે, ફિર પાંચ સાલ કામ નહીં.’ રોજગાર અધિકાર ચળવળ માટે 2005માં ‘હાથોં કો કામ’ ગીત લખાયું છે. આ ઉપરાંત વિનય-ચારુલના રચનાગુચ્છમાં બાળપણ અને બાળમજૂરી, શસ્ત્રવ્યાપાર અને વિશ્વશાંતિ, માનવનાં પ્રગતિ અને ગૌરવની વાત પણ ઝીલાય છે. દરેક ગીત પછીની કૉમેન્ટરીમાં જે તે સમયગાળાના બનાવો તેમ જ તેમની વંચિતવર્ગો પર પડતી અસર જેવા મુદ્દાઓને સમાવી લેવામાં આવે છે.

વિનય-ચારુલે ગુજરાતના માલધારી અને અગરિયાઓ પર કરેલું તલસ્પર્શી સમાજશાસ્ત્રીય સંશોધન માતબર પ્રકાશનોમાં પ્રસિદ્ધ થયું છે. તેના માટે તેઓ આ ઉપેક્ષિત સમુદાયો સાથે મહિનાઓ રહ્યાં અને માઈલો રખડ્યાં છે.વિનય મહાજન પંજાબમાંથી કૃષિ વિષયમાં એન્જિનિયર થયા પછી અમદાવાદની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમેન્ટ(આઇ.આઇ.એમ.)માંથી અનુસ્નાતક થયા છે. તેમણે હાંસિયા બહારના લોકોના રોજીરોટીના સવાલો પર અભ્યાસ શરૂ કર્યો. સાથે તેમણે જુદી જુદી લોકચળવળો તેમ જ સંગઠનો માટે જળસિંચન, બાગાયત અને સજીવ ખેતીના પ્રોજેક્ટ કર્યા. તેમણે 1994માં લોકોના પ્રશ્નોને સમજવા માટે ગુજરાતના સાગરકિનારે 500 કિલોમિટરની સાઈકલ-યાત્રા કરી.

ચારુલ ભરવાડા મુંબઈમાં સ્થાપત્યશાસ્ત્રની પદવી મેળવ્યાં બાદ અમદાવાદના સેન્ટર ફૉર એનવાયર્નમેન્ટ ઍન્ડ પ્લાનિન્ગ ટેકનોલૉજી(સેપ્ટ)માંથી અનુસ્નાતક થયાં. કડિયાકામ કરતી મહિલાઓને બાંધકામની વૈકલ્પિક પદ્ધતિઓની તાલીમ આપવાની શરૂઆત કરી. પછી તેમણે વંચિત સમૂહોનાં વિસ્થાપન, પાણી અને ઝૂંપડપટ્ટીઓનાં પુનર્વસનનો અભ્યાસ શરૂ કર્યો. ચારુલ અને વિનય કૉર્પોરેટ કે ઉદ્યોગ ક્ષેત્રે દર વર્ષે લાખો રૂપિયાનાં પૅકેજ મેળવી શક્યાં હોત. છેવાડાના લોકો અંગેના સંશોધનના અનુભવો આ કલાકારોને  ગીતરચનાઓ માટે સામગ્રી તેમ જ કાર્યક્રમને અનોખી સચ્ચાઈ આપે છે. દેશભરના શ્રમજીવીઓ, કાર્યકરો તેમ જ નિસબત ધરાવતા નાગરિકોએ આ ગીતોને હોંશભેર અપનાવ્યાં છે, હજારો કૅસેટ અને સી.ડી. લોકોએ વસાવી છે. તેમાં  વિનય-ચારુલને તેમનાં કામની મોટામાં મોટી કદર જણાય છે.

પચાસે પહોંચેલા વિનય અને છેંતાળીસ વર્ષનાં ચારુલનાં કાર્યક્રમો ચાલુ છે. સાથે શ્રમજીવીઓ, ખોવાયેલાં સંતાનો, બંધારણના આમુખના સાર જેવા વિષયોને લગતાં ગીતોનાં એક નવા આલ્બમની તૈયારી છે. તેનું લોકાર્પણ પંદરમી માર્ચે દાંડીયાત્રાની જયંતીએ ‘લોકનાદ’એ ભારતના સંવિધાન વિશે યોજેલી ત્રણ દિવસની યુવાશિબિરના છેલ્લા દિવસે થશે.

[08 ફેબ્રુઆરી 2015]

+++++

સૌજન્ય : કદર અને કિતાબ’ નામે લેખકની કટાર, “નવગુજરાત સમય”, 13 ફેબ્રુઆરી 2015

Loading

નવો વિસામો

પંચમ શુક્લ|Poetry|13 February 2015

સાવરણીએ ઝપટાયેલો જરકશી જામો જોઈ લો!
ગિલેટ જેમ જ ગરી ગયાં સોનેરી નામો જોઈ લો!
ભીમનું ભાણું હળવું કરતો શકુનિ-મામો જોઈ લો!
તમાશાનું તેડું છે – મૂકી પડતાં કામો – જોઈ લો!
બૂંધિયાળ આડો ઊતરેલો બિલ્લો-ઓબામો  જોઈ લો!
‘રઘુપતિ રાઘવ …’ રાખ વડે ઊટકાતાં ઠામો જોઈ લો!

ખુલ્લી ચકલી બંધ થશે શું ભડભડ બંબો બૂઝશે?
આખું કોળું શાક મહીં શું જતાં જતાં યે બચી જશે?
મુનશી ને કોઠારી જેવો નિપુણ રામો જોઈ લો!
પાણીમાં પતાસાં તળતો ખાનસમો જોઈ લો!

સાવરણીએ ઝપટાયેલો જરકશી જામો જોઈ લો!
‘રઘુપતિ રાઘવ …’ રાખ વડે ઊટકાતાં ઠામો જોઈ લો!

સડસઠ ઉંબર ઠેક્યા કેડે અડસઠ તીરથ જાતરા,
ત્રણનું ત્રેખડ સૂન શિખરનાં રચે ચઢાણો આકરાં,
કાશીને કરવત મેલાવે એવો વિસામો જોઈ લો!
મફલરનો બુનનારો ચૂંથશે હાડચામો જોઈ લો!

સાવરણીએ ઝપટાયેલો જરકશી જામો જોઈ લો!
‘રઘુપતિ રાઘવ …’ રાખ વડે ઊટકાતાં ઠામો જોઈ લો!

11/02/2015

Loading

...102030...3,8643,8653,8663,867...3,8703,8803,890...

Search by

Opinion

  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved