Opinion Magazine
Number of visits: 9456867
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સો વરસમાં રાષ્ટૃીય સ્વયંસેવક સંઘે કર્યું શું ?

રમેશ ઓઝા|Opinion - Opinion|20 October 2024

રમેશ ઓઝા

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે નાગપુરમાં દશેરાના દિવસે આપેલું ભાષણ દેશમાં અનેક લોકોએ ધ્યાનથી સાંભળ્યું હશે. આનું મુખ્ય કારણ એ હતું કે આ દશેરાના દિવસે સંઘે ૯૯ વર્ષ પૂરાં કર્યા અને સોમાં વર્ષમાં પ્રવેશ કર્યો. ૧૯૨૫માં ૨૭મી સપ્ટેમ્બરના દિવસે દશેરાના રોજ સંઘની સ્થાપના કરવામાં આવી હતી. દશેરાના દિવસે સંઘના સરસંઘચાલક નાગપુરમાં સ્વયંસેવકોને સંબોધે એ ત્યારથી ચાલી આવતી પરિપાટી છે, પણ આ વખતનો અવસર જૂદો હતો. અસ્તિત્વનાં સો વર્ષ એ કોઈ સામાન્ય ઘટના નથી. એમાં આ તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જેની સ્થાપના જ ભારત વિષેની વિકસી રહેલી અને ગાંધીજીને કારણે ઝડપથી સ્વીકૃત બની રહેલી કલ્પનાને નકારવા માટે થઈ હતી.

કલ્પના એવી હતી ભારત કોઈપણ પ્રકારના ભેદભાવ વિના તમામ ભારતીય પ્રજાનો દેશ હશે, સહિયારો દેશ હશે, એ સેક્યુલર લોકતાંત્રિક દેશ હશે જેમાં દરેક નાગરિક એક સરખું સ્થાન ધરાવતો હશે અને તેનું સ્થાન બંધારણ દ્વારા સુરક્ષિત હશે. કોઈ એક પ્રજા બહુમતીમાં છે એટલે તેના ધર્મને કે તેની સંસ્કૃતિને ઝૂકતું માપ આપવામાં નહીં આવે. એમાં ગાંધીજીએ મુસલમાનો સાથે કોમી એકતા સાધવાનો પ્રયાસ કર્યો, ખિલાફત આંદોલનનું નેતૃત્વ કર્યું, સહઅસ્તિત્વ માટે શરતો લાદવાની ના પાડી અને અહિંસાનો મહિમા કર્યો. મહિમા નહીં, અહિંસાને આંદોલનનો આધાર બનાવ્યો. ગાંધીજીએ અસ્મૃશ્યતા નિવારણ માટે પ્રયાસ કર્યો, અસ્પૃશ્યતાને હિંદુઓનું કલંક કહ્યું અને દલિતોને બાથમાં લેવાનો પ્રયાસ કર્યો.

એ સમયે અનેક હિંદુ નેતાઓને વિકસી રહેલી અને સ્વીકૃત બની રહેલી આઝાદ ભારત વિશેની કલ્પના મંજૂર નહોતી. તેમને એમ લાગતું હતું કે ભારત બહુમતી હિંદુઓનો દેશ છે એટલે હિંદુઓને, હિંદુ ધર્મને અને હિંદુ સંસ્કૃતિને ઝૂકતું માપ મળવું જોઈએ. એમાં તેમને ગાંધીજીના હિંદુ-મુસ્લિમ એકતાના પ્રયાસ તો બિલકુલ સ્વીકાર્ય નહોતા. મુસલમાનો ક્યારે ય ભારતનાં નહોતા અને ભવિષ્યમાં ક્યારે ય થવાના નથી. તેમની વફાદારી ભારતની બહાર છે અને ઇસ્લામ પ્રાદેશિક રાષ્ટ્રીયતાનો વિરોધ કરે છે. આ સિવાય અહિંસા. તેમને એમ લાગતું હતું કે જગતમાં માત્ર હિંદુ પ્રજા અહિંસામાં માને છે અને અહિંસાએ હિંદુઓને દુર્બળ બનાવ્યા છે. વી.ડી. સાવરકરે તો ભારતને અને ભારતની પ્રજાને દુર્બળ બનાવવા માટે બુદ્ધ અને મહાવીરને દોશી ગણાવ્યા છે.

મોહન ભાગવત

૧૯૨૫માં કેટલાક હિંદુઓએ મળીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરી એ પાછળનો હેતુ આ હતો. તેઓ ભારતીય રાષ્ટ્રની જગ્યાએ હિંદુરાષ્ટ્ર સ્થાપવા માગે છે. એ માટે સંઘની સ્થાપના કરવામાં આવી હતી. ઉપલબ્ધ સાહિત્ય અનુસાર સંઘની સ્થાપના કરવામાં આવી ત્યારે તેના સ્થાપક ડૉ. કેશવ બલીરામ હેડગેવારે ચાર ઉદ્દેશ સ્વયંસેવકોને બતાવ્યા હતા : એક, હિંદુ નવોત્થાન. બે, હિંદુરાષ્ટ્રનું પુનરુત્થાન. ત્રણ, દેશની આઝાદી (ટોટલ ફ્રીડમ) અને ચાર. એ માટે હિંદુઓની એકતા. જ્યાં સુધી હિંદુઓ એક નહીં થાય ત્યાં સુધી બતાવવામાં આવેલા ત્રણ  ઉદ્દેશ સાકાર થઈ શકે એમ નથી. હકીકતમાં હિંદુ પ્રજા સર્વગુણસંપન્ન હોવા છતાં ય તેનું પતન થયું, વિદેશીઓ સામે ભારત પરાજીત થતું આવ્યું અને ગુલામ થયું એનું કારણ હિંદુઓમાં એકતાનો અભાવ છે. જગતની તમામ પ્રજાઓમાં હિંદુ પ્રજા સૌથી વધુ વિભાજીત છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના આ હેતુથી કરવામાં આવી હતી. આજે તો સંઘ વિરાટ બની ગયો છે. વિશ્વનું સૌથી મોટું સંગઠન છે. તેનો રાજકીય પક્ષ દેશમાં રાજ કરે છે. જીવનનું કોઈ એવું ક્ષેત્ર નહીં હોય જેમાં સંઘના સ્વયંસેવકની સીધી કે આડકતરી હાજરી ન હોય. સંઘ બહુઆયામી બની ગયો છે. એમાં અત્યાર સુધી વિભાજન નથી થયું કે નથી મતભેદ બહાર આવ્યા. આમ આ વિશ્વનું એક અનોખું સંગઠન છે. આવું સંગઠન જ્યારે શતાબ્દી વર્ષમાં પ્રવેશે ત્યારે આખા દેશની ઉત્સુકતા તેના સરસંઘચાલકના વક્તવ્યને સાંભળવાની હોય એ સ્વાભાવિક છે. અપેક્ષા હતી કે મોહન ભાગવત સંઘની સો વરસની યાત્રાનું વિહંગાવલોકન કરશે, સંઘની પ્યારી હિંદુરાષ્ટ્રની કલ્પના કેટલી સાકાર થઈ અને કેટલી સાકાર થવાની બાકી છે એ વિષે બોલશે, તેની સામે કઈ રીતના પડકારો છે તેની વાત કરશે, જે ભારતીય રાષ્ટ્ર લગભગ આઠ દાયકાથી અસ્તિત્વમાં છે અને જે બંધારણ પુરસ્કૃત છે તેનું શું કરવું એ વિષે વાત કરશે. વર્તમાન ભારતીય રાષ્ટ્ર તેના વર્તમાન સ્વરૂપમાં ટકશે કે તેમાં પરિવર્તન કરવામાં આવશે એ વિષે બોલશે. સંઘે હિંદુ નવોત્થાન માટે શું કર્યું અને કેટલું કરવાનું બાકી છે એ વિષે વાત કરશે. સંઘ વિશ્વનો સૌથી મોટો અને સૌથી પ્રચંડ ઉર્જાનો ધોધ છે. સોમાં વર્ષે તેના મુખિયાને કેટલું બધું કહેવાનું હોય! એ લોકો પણ ઉત્સુક હતા જે સંઘના હિંદુરાષ્ટ્રના સમર્થકો છે અને એ લોકો પણ સાંભળવા ઉત્સુક હતા જે તેનો વિરોધ કરે છે.

શું કહ્યું મોહન ભાગવતે સંઘના શતાબ્દીપ્રવેશ વખતે? કદાચ તમે ભાષણ સાંભળ્યું હશે તો તમે તેમની વાત નોંધી હશે. હિંદુઓએ સંગઠિત થવાની જરૂર છે. હિંદુઓએ નાત-જાત, ધર્મ-સંપ્રદાય-પેટા સંપ્રદાય, પ્રદેશ અને ભાષાની ઓળખથી ઉપરવટ હિંદુ ઓળખ વિકસાવવી જોઈએ, પ્રજાકીય દુર્બળતા અક્ષમ્ય અપરાધ છે અને વિભાજીત પ્રજા ક્યારે ય સબળ બનીને અપરાધમુક્ત ન થઈ શકે. ભારતની ગેર હિંદુ પ્રજાઓએ સમરસ થઈ જવું જોઈએ. મોહન ભાગવતે તેમના દશેરાના વ્યાખ્યાનમાં સમરસતાની વ્યાખ્યા નહોતી કરી, પરંતુ સંઘ એમ માને છે કે વિધર્મી પ્રજાએ હિંદુ ધર્મ અપનાવીને નહીં, પણ હિંદુ સંસ્કૃતિ અપનાવીને સમરસ થવું જોઈએ, કારણ કે હિંદુ સંસ્કૃતિ એ જ ભારતીય સંસ્કૃતિ છે. છેલ્લે લગભગ પાંચેક મિનિટનું વક્તવ્ય તેમણે વાંચ્યું હતું જેમાં એવી વાતો કહેવાઈ હતી જે સાંભળીને લાગે કે આ તો ગાંધીજીની વાણી છે કે શું!

સો વરસ પહેલા સંઘની સ્થાપના હિંદુઓને સંગઠિત કરવા માટે કરવામાં આવી હતી. કારણ? એ જ જે ઉપર કહેવામાં આવ્યાં છે. હિંદુ એકતા સાધન હતું અને સાધ્ય તો હિંદુ ન્વોત્થાન, હિંદુરાષ્ટ્ર અને સંપૂર્ણ આઝાદી હતાં, જેમાંથી આઝાદી તો તેમના યોગદાન વિના મળી ગઈ, પણ બાકીનાં બે સાધ્ય સાધવાના બાકી છે. પણ આજે સો વરસ પછી એ જ સાધનની જ ઉપર ભાર મૂકવામાં આવી રહ્યો છે. નિદાન પણ એ જ અને ઈલાજ પણ એ જ. સો વરસ પહેલાં પણ કહેવામાં આવ્યું હતું કે સંગઠિતપણાના અભાવે પેદા થતી પ્રજાકીય દુર્બળતા અપરાધ છે. ત્યારે પણ હિંદુઓને ચેતવણી આપવામાં આવી હતી અને આજે પણ એવી જ ચેતવણી આપવામાં આવી હતી. ત્યારે પણ હિંદુઓને ડરાવવામાં આવતા હતા અને આજે પણ ડરાવવામાં આવી રહ્યા છે. ત્યારે પણ હિંદુ ધર્મી-વિધર્મી વચ્ચે સમરસતાની વાત કહેવાઈ હતી અને આજે પણ એ જ કહેવાઈ રહી છે. ડીટ્ટો એ જ. દરેક વરસે અને દરેક પ્રસંગે સો વરસથી સંઘ આ કહી રહ્યો છે. ટૂંકમાં કેટલાક લોકો માને છે વિવિધતા ભારતની ઓળખ છે અને એ તેની તાકાત છે, જ્યારે સંઘ માને છે કે વિવિધતા ભારતની મર્યાદા છે. એકતા ભારતમાં સ્થપાવી જોઈએ, એકતા વિના તાકાત શક્ય નથી અને બહુમતી પ્રજા તરીકે હિંદુઓએ એક થવું જોઈએ. આ હિંદુઓનું પરમ કર્તવ્ય છે. દિવ્ય પુરુષાર્થ છે.

તો સવાલ એ છે કે સો વરસમાં સંઘે કર્યું શું? હિંદુરાષ્ટ્ર માટે હિંદુ એકતા જો અનિવાર્ય શરત છે તો સો વરસમાં કેટલી હિંદુ એકતા સાકર થઈ? નથી થઈ તો કેમ નથી થઈ? સામાજિક અધ્યન માટેની દેશની અત્યંત શ્રદ્ધેય સંસ્થા સેન્ટર ફોર સ્ટડીઝ ઓફ ડેવલપિંગ સોસાયટીઝના તાજા અભ્યાસ મુજબ દેશના માત્ર ૧૧ ટકા હિંદુઓ એમ માને છે કે ભારત હિંદુ રાષ્ટ્ર હોવું જોઈએ. ૮૯ ટકા હિંદુઓ વિવિધતાને ભારતની ઓળખ, ભારતની વિશેષતા અને ભારતની તાકાત તરીકે ઓળખાવે છે. તેમાં તેમને કોઈ દુર્બળતા નજરે પડતી નથી. તો શું હિંદુ એકતા શક્ય જ નથી કે પછી ભારતનાનાં હિંદુઓને સંઘ ઈચ્છે છે એવી એકતા જરૂરી લાગતી નથી? સંઘે હિંદુ નવોત્થાન માટે શું કર્યું? હિંદુ નવોત્થાન કઈ રીતે કરવાનું એની કોઈ રૂપરેખા સંઘે આપી છે ખરી? તમારા વાંચવા જોવામાં આવી છે? સંઘે તેનાં વહાલા હિંદુરાષ્ટ્રની કોઈ કલ્પના લોકો સમક્ષ રજૂ કરી છે ખરી? એવું તો નથી કે સંઘે તેની હિંદુરાષ્ટ્રની કલ્પના લોકો સમક્ષ ફોડ પાડીને રાખી નથી એટલે દેશની વિધર્મી પ્રજા તો ઠીક, હિંદુઓ પણ તેનાથી ડરે છે. ખાસ કરીને, દલિતો, પછાત કોમો અને સ્ત્રીઓ.

શતાબ્દી ટાણે આના વિષે ચર્ચા થવી જોઈએ અને સ્વયંસેવકોએ આ પ્રશ્ન સંઘના નેતાઓને પૂછવા જોઈએ. આખરે સંઘ છે શેને માટે? અને જેમ આ વખતે પણ જોવા મળ્યું એમ લગભગ દરેક પ્રસંગે સંઘના નેતાઓએ છેવટે ઉપનિષદ, વિવેકાનંદ, ગાંધી, વિનોબાની ભાષામાં તો બોલવું જ પડે છે. શું સંઘના નેતાઓને પોતાને જ આંતરિક ઉદાત્તતા વિનાનો હિંદુ અધૂરો લાગે છે? સંઘના સ્વયંસેવકોએ આ સવાલ પૂછવા જોઈએ. સંઘમાં વિચારવાની પરંપરા નથી એટલે વિનાયક દામોદર સાવરકર સંઘ વિષે મજાકમાં કહેતા કે સંઘનો સ્વયંસેવક જન્મે છે, શાખામાં જાય છે અને મૃત્યુ પામે છે.

જો આ જ પરિપાટી ચાલુ રહી તો સંઘની દ્વિશતાબ્દી પણ આવી જ કોરી ઉજવાશે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 20 ઑક્ટોબર 2024

Loading

ચલ મન મુંબઈ નગરી—269

દીપક મહેતા|Opinion - Opinion|19 October 2024

તાતા ખાનદાનના વડલાના બીજરૂપ જમશેદજી નસરવાનજી તાતા     

તાતા–કથા ૧ : 

તાતા ખાનદાનના રતન જેવા નબીરા ૮૬ વરસની માતબર જિંદગી ભોગવી નવમી ઓક્ટોબરે આય ફાની દુનિયા છોડી ગયા. એવનની યાદમાં સુરુ કરીએ છીએ તાતા ખાનદાનની આય તાતા-કથા.   

જમશેદજી નસરવાનજી તાતાના પૂતળા પાસે રતન તાતા

એક તેર વરસની ઉંમરનો પોરિયો, નામ જમશેદ. ગાયકવાડી નવસારીમાં ૧૮૩૯ના માર્ચની તીજી તારીખે દસ્તૂર વાડના મોટા ફળિયાના ઘેરમાં જન્મેલો. તવંગર નહિ, પણ ખાનદાન હુતું બે પાનરે સુખી. મુંબઈ રહેતા બાવા નસરવાનજીએ જમશેદને નવસારીની પન્તોજીની નિશાળમાં ભણવા મૂક્યો. થોરા વખત પછી માલમ થિયું કે અહીં ભણીને કાંઈ દીકરાનું ભાયેગ ખુલશે નહિ. એટલે ૧૩ વરસનો થિયો તેવારે ૧૮૫૨માં પોતાની પાસે મુંબઈ બોલાવી એલ્ફિન્સ્ટન સ્કૂલમાં ભરતી કીધો. ભલે આજના જેવું નહિ, પન એ વખતે બી મુંબઈ એટલે એક મોત્તું શેર. નવસારી જેવા ગામમાંથી – અરે, એ વેલાંએ તો એ ગામરું જ હુતું – આવેલો આ પોરિયો શુરૂમાં તો બાઘોચકવો થઈ ગિયો. પન ધીમે ધીમે ગોઠતું ગિયું આય શેરમાં. ૧૮૫૭માં યુનિવર્સિટી ઓફ બોમ્બેની શુરૂઆત થઈ તારે જમશેદજીને તો કોડ હુતા આગળ ભણવાના. પણ બાવાજીએ કીધું કે હવે ઘણું ભણીયા. આપરી ઓફીસમાં કામે લાગી જાવ. 

જ્યાં જમશેદજીનો જન્મ થયો તે નવસારીનું ઘર

બીજા ઘન્ના પારસીઓની જેમ, નસરવાનજી સેઠનો વેપાર બી ચીન સાથે હૂતો, અફીનનો. વહાણમાં અહીંથી અફીણ જાય, અને કોટન ભરીને પાછું આવે. એવામાં અમેરિકામાં સિવિલ વોર ફાટી નીકલી એટલે કોટનના ધંધામાં તાતાની કંપનીને સોનાનાં નલિયાં થઇ ગિયાં. એ વખતે જમશેદજી વેપારના કામના સબબે હોંગકોન્ગમાં હુતા. તાબડતોબ મુંબઈ આયા. કોટનના વેપારને મદદ થાય એટલા સારુ લંડનમાં બેંક સુરુ કરવાનું ઠરાવિયું. એટલે લંડન ગિયા. પણ પછી બેંક તો સુરુ થઈ નહિ, એટલે જમશેદજીએ બધો વખત કોટનના વેપારને આપ્યો. તાતાની કંપનીમાં પૈસાની રેલમછેલ. પણ પછી સિવિલ વોર એકાએક પૂરી થઈ તે બધ્ધું કરરભૂસ! પણ એક લડાઈએ પાયમાલ કીધા તો બીજી લડાઈએ પાછા માલામાલ કીધા. 

ગ્રેટ બ્રિટનના બે એલચી કંઈ વાટાઘાટ કરવા એબિસીનિયા ગયા હુતા. પન તાંના રાજાએ તો બંનેને હેડમાં પૂર્યા! ગ્રેટ બ્રિટને તરત હુમલો કીધો અને તે માટેની ફોજ સર રોબર્ટ નેપિયરની સરદારી નીચે મુંબઈથી એબિસીનિયા મોકલી. કેહે છે ને એકુ તાવરી તેર વાનાં માગે! પન લશ્કરની તાવરી તો સેંકડો વાનાં માગે. એ બધી જણસો પૂરી પાડવાનો કન્ત્રાક તાતા કંપનીને મલિયો. સર નેપિયરે કીધું કે આય લડાઈ તો એક વરસ વેર ચાલસે. એટલે એક વરસ ચાલે એટલો માલસામાન મોકલો. એટલે તાતા કંપનીને તો ઘી-કેલાં થઈ ગિયાં. પન નેપિયર લશ્કર લઈને પૂગો તેની આગમચ રાજા થિયોડોરે પોતાનો જાન લીધો. વરસનાં સીધું-સામાન ભરેલાં તે બધાં ગિયાં પાનીમાં. પન તાતાની કંપની થઈ ગઈ માલામાલ. ગ્રેટ બ્રિટનની પાર્લામેન્ટમાં ચર્ચા બી થઈ કે સરકારે નક્કામા આટલા બધા પૈસા પાનીમાં નાખિયા. એક મિલિયન પાઉન્ડની જગાએ અગિયાર મિલિયન પાઉન્ડનો ખરચ કીધો હૂતો સરકારે. બનાવો કમિટી. તેના રિપોર્ટમાં બતાવ્યું કે આમાં ભૂલ ગ્રેટ બ્રિટનની સરકારની લંડનની વોર ઓફિસની અને બોમ્બે ગવર્નમેન્ટની હુતી. તાતા કંપનીની નિ.

અમેરિકાની સિવિલ વોર ચાલુ હુતી તે વારનો જમશેદજીને વિચાર આવતો હુતો કે આપના દેશથી કોટન ઇન્ગ્લંડ જાય, ત્યાં માન્ચેસ્ટરની મિલોમાં તેમાંથી કાપડ તૈયાર થાય, એ કાપડ પાછું આપના દેશમાં આવે અને મોંઘે ભાવે વેચાય. એને બદલે આપને જ અહીં મિલો ઊભી કરીને કપડું કેમ નહિ બનાવીએ? એટલે એવન ગિયા માન્ચેસ્ટર. તાંની મિલો કઈ પેરે કામ કરે છ તે જોયું. તે વારે એક વાત સમજમાં આવી. કે જ્યાં કોટન ઊગતું હોય તે જગાથી આવી મિલ બને તેટલી નજદીક હોવી જોઈએ. એટલે પાછા આવીને નાગપુર પાસેની એકુ જાગો સસ્તા ભાવે ખરીદી. અને રાણી વિક્ટોરિયા જે દિવસે ‘એમ્પ્રેસ ઓફ ઇન્ડિયા’ બનિયાં તે જ દહારે —  ૧૮૭૭ના જાનેવારીની પેલ્લી તારીખે — નાગપુરમાં ‘ધ એમ્પ્રેસ મિલ’ શુરુ કીધી. 

સ્વદેશી મિલ, મુંબઈ

અને પછી જમશેદજીએ કીધી એક મોટ્ટી ભૂલ. મુંબઈમાં બંધ પડેલી ધરમસી મિલ ફક્ત સાડા બાર લાખ રૂપિયામાં ખરીદી. એ બાંધવા પાછલ પચાસ લાખ રૂપિયા ખર્ચાયેલા. એટલે એવનને હુતું હે થોરા પૈસા નાખીને મિલ ચાલુ કરી ડેવસ. પન પછી સમજિયું કે આય મિલને ચાલતી કરવા તો લાખ્ખો રૂપિયા નાખવા પરસે. દસ વરસ સુધી પૈસા નાખિયા, નાગપુરની મિલના સોનાની લગડી જેવા પોતાના શેર વેચીને પૈસા ઊભા કીધા. દિવસ-રાત કામ કીધું અને પછી પેલા ફિનિક્સ બર્ડની જેમ એ મિલને ઊભી કીધી, નવું નામ આપિયું ‘સ્વદેશી મિલ.’

આપરા દેશમાં મહાત્મા ગાંધીજીએ સ્વદેશીની ચલવલ ૧૯૦૫માં સુરુ કિધેલી. પણ જમશેદજી શેઠે ‘સ્વદેશી મિલ્સ કંપની લિમિટેડ’ નામ રજિસ્ટર કરાવ્યું હુતું ૧૮૮૬ના સપ્ટેમ્બરની ૧૩ તારીખે. અને આજે આપરે ‘મેઈડ ઇન ઇન્ડિયા, મેઈડ ફોર ઇન્ડિયા’ના નારા સાંભળિયે છ. પન જમશેદજી સેઠે એ જમાનામાં આય ‘સ્વદેશી’ નામ અને કામ સુરુ કીધેલું! જમશેદજીએ રાત દહારો મહેનત કીધી. ગાંઠનાં ગોપીચંદન કીધાં, જાણકારોની મદદ લઈ નવી મશીનરી લાવિયા અને સેવટે સ્વદેશી મિલ બી ધમધમટી થઈ. આજે બી આપરા મુંબઈમાં સ્વદેશી મિલ રોડ અને કમ્પાઉન્ડ બી છે. પણ અફસોસ! ત્યાં મિલ નથી. પણ જમશેદજી શેઠનાં બે સૌથી મોટ્ટાં કામ તો હવે થવાનાં હુતાં. આ બે મોટ્ટાં કામની વાત કરીશું હવે પછી. 

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 19 ઓક્ટોબર 2024

Loading

માણસ આજે (૯)  

સુમન શાહ|Opinion - Opinion|19 October 2024

સુમન શાહ

‘ધ બ્યુરો’ નામની કાફ્કાની એક અપૂર્ણ વાર્તા છે : એક ઉંદર જેવું અથવા badger જેવું પ્રાણી બખોલ (બ્યુરો) બનાવે છે, એવી કે, કોઈ અન્ય પ્રાણી કદી એને મારી શકે નહીં. તેમછતાં, એ સતત ભય હેઠળ જીવે છે બલકે ક્રમે ક્રમે બખોલ એને ભુલભુલામણી જેવી લાગે છે. પોતાનું એ સર્જન એને વ્યર્થ લાગે છે. 

માણસે સરજેલી એવી જ સર્વથા સલામત શાસન-પ્રણાલિ લોકશાહી છે, પણ આજે એની સાર્થકતા પ્રશ્નાર્થ હેઠળ છે. એ વાત હું યથાસમયે આગળ ચલાવીશ.  

+ +

આ અગાઉના લેખમાં મેં કહેલું કે સ્વાતન્ત્ર્ય-સંગ્રામને પણ એવાં સંગઠનોની જરૂર પડેલી, જેને માહિતી-જાળ કહી શકાય.

૧૮૫૭-ના ‘બળવા’-સમયની આસપાસ એવું કોઈ સંગઠન હતું નહીં, જેને માહિતી-જાળ કહી શકાય. પરન્તુ બ્રિટિશ શાસનના બળવાન પ્રતિકારનો પ્રારમ્ભ અવશ્ય થયો હતો. એ પ્રતિકારના મને બે વિભાગ સમજાયા છે : પહેલો વિભાગ, જે રાજા રામ મોહન રાયથી શરૂ થયો હતો, અને બીજો વિભાગ, જે ગાંધીજી દ્વારા વિકસ્યો હતો અને ૧૯૪૭-માં સ્વાતન્ત્ર્ય મળ્યું ત્યારે સમ્પન્ન થયો હતો. 

એ સંદર્ભમાં, બંગાળના ઉલ્લેખથી શરૂઆત કરવી જોઇશે. રાજા રામ મોહન રાય (૧૭૭૨-૧૮૮૩), દેબેન્દ્રનાથ ટાગોર (૧૮૧૭-૧૯૦૫), ઈશ્વર ચન્દ્ર વિદ્યાસાગર (૧૮૨૦-૧૮૯૧), દયાનંદ સરસ્વતી (૧૮૨૪-૧૮૮૩), કેશવ ચન્દ્ર સેન (૧૮૩૮-૧૮૮૪) ઇત્યાદિ મહામનાઓનો નિર્દેશ કરવો જોઈએ. 

એ સૌએ જોયું-વિચાર્યું હશે કે જ્યાં લગી અજ્ઞાન તેમ જ રૂઢિઓ અને સમાજે લાદેલાં બન્ધનોથી પ્રજા મુક્ત નહીં થાય, ત્યાંલગી દેશનો ઉદ્ધાર શક્ય નથી. ગાંધીજીને પણ એવું જ સમજાયેલું કે જ્યાંલગી ગામડાં બેઠાં નહીં થાય, ત્યાંલગી આઝાદી શક્ય નથી.

હું ત્રણ મહામનાઓ વિશે ટૂંકી વાત કરું : 

રાજા રામ મોહન રાય —

તેઓ ઇન્ડિયન રેનેસાંસના, ભારતીય પુનર્જાગરણના, અગ્રયાયી કહેવાયા છે, અર્વાચીન ભારતના ઘડવૈયા ગણાયા છે. જાણીતું છે કે સામાજિક અને ધાર્મિક સુધારાના મુખ્ય હેતુથી એમણે ‘બ્રહ્મો સમાજ’-ની સ્થાપના કરેલી. એમનું મન્તવ્ય હતું કે ‘વિશદ ચર્ચા વડે જ સત્યને શોધી શકાય’. એમણે ‘બ્રહ્મનિકલ મૅગેઝિન’ તેમ જ ‘મિરાત-અલ-અખબાર’ અને ‘સંવાદ કૌમુદી’ નામનાં અઠવાડિક શરૂ કરેલાં. એમણે ‘ઍન્ગ્લો હિન્દુ કૉલેજ’-ની સ્થાપના કરેલી. એમણે કહેલું કે મહિલાઓના શોષણને કારણે સમાજની પ્રગતિ રૂંધાઇ રહી છે. એમણે સતી અને બાળલગ્ન પ્રથાઓનો સખત વિરોધ કરેલો. લૉર્ડ બૅન્ટિકે સતી-પ્રથા વિરુદ્ધ કરેલા કાયદાના રખોપા માટે, જરૂરી વકીલાત માટે, મુઘલ સામ્રાજ્યના પ્રતિનિધિ તરીકે, ૧૮૩૦-માં તેઓ ઇન્ગ્લૅન્ડ ગયેલા. તેઓ એકેશ્વરવાદના આગ્રહી હતા, તેમછતાં, એમણે વેદો આદિ હિન્દુ શાસ્ત્રોનું અને મુસ્લિમ તેમ જ ખ્રિસ્તી ધર્મગ્રન્થોનું ઊડું અધ્યયન કરીને પોતાનાં તુલનાત્મક મન્તવ્યો પ્રકાશિત કરેલાં. 

પરન્તુ નૉંધપાત્ર બાબત એ છે કે ‘બળવા’ પૂર્વે જ એમણે બ્રિટિશ શાસનની સિસ્ટમમાં જ સુધારો ઇચ્છ્યો હતો – સવિશેષે કેળવણી અને કાયદા બાબતે, તેમ જ સતી-પ્રથાની નાબુદી માટે. એમણે મર્યાદિત એવા સેલ્ફ-ગવર્નન્સની ઇચ્છા પણ વ્યક્ત કરી હતી. એમની માન્યતા હતી કે અંગ્રેજી કેળવણી ભારતીયોને દેશના વિકાસ માટે વધુ કાર્યક્ષમ બનાવશે. 

દેવેન્દ્રનાથ ઠાકુર (ટાગોર) —

ઘણાં વર્ષ તેઓ ઘરે રહીને ભણ્યા હતા પણ પાછળથી એમને રાજા રામ મોહન રાયની ‘ઍન્ગ્લો હિન્દુ કૉલેજ’-માં દાખલ કરવામાં આવેલા. તેઓ રાજકારણમાં સક્રિય થયેલા. ૧૮૫૧-માં ‘બ્રિટિશ ઇન્ડિયન ઍસોસિએશન’-ની સ્થાપના થયેલી, એમાં એમની સૅક્રેટરી તરીકે નિમણૂક થયેલી, ગ્રામવાસી ગરીબોને ‘ચૉકીદારી ટૅક્સ’ ભરવો પડતો હતો, એ કાયદો દૂર કરાવવા તેમ જ ભારતની સ્વાયત્તતા માટે એમણે બ્રિટિશ પાર્લામૅન્ટ સાથે પત્રવ્યવહાર કરલો. 

દયાનંદ સરસ્વતી — 

સ્વામી દયાનંદ સરસ્વતી

પુનર્જાગરણમાં એમનું પણ યોગદાન મહત્ત્વનું ગણાય છે. જાણીતું છે કે હિન્દુ ધર્મમાં સુધારણા માટે એમણે ‘આર્યસમાજ’-ની સ્થાપના કરેલી. એમના ‘સત્યપ્રકાશ’-માં જોઇ શકાય છે કે વેદોના દર્શનને એમણે આત્મસાત કર્યું છે અને પોતાના દૃષ્ટિબિન્દુથી તેનાં નૂતન અર્થઘટન અને મૂલ્યાંકન કર્યાં છે. તેઓ કદાચ સ્વાતન્ત્ર્યની લડતમાં સીધા ન્હૉતા જોડાયા, પરન્તુ એમના વિચારોથી સ્વાતન્ત્ર્યના અનેક લડવેયાઓને બળ મળેલું. ‘સ્વરાજ’-ની સૌથી પહેલાં અહાલેક જગવનાર દયાનંદ છે, એથી ‘ભારત ભારતીયો માટે છે’ ભાવનાને વેગ મળેલો. જોઈ શકાય છે કે એ ભાવના લોકમાન્ય ટીળકના, ‘સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે’ સૂત્રથી વિકસી હતી.

આમ, આ મહામનાઓના આવા અથાગ પ્રયાસો, તેમનાં સ્વરચિત પુસ્તકો, ઉપરાન્ત, ‘મિરાત-અલ-અખબાર’ (૧૮૨૨), ‘ધ ઇન્ડિયન મિરર’ (૧૮૬૧), ‘અમૃત બાઝાર પત્રિકા’ (૧૮૬૮ ), ‘ધ હિન્દુ’ (૧૮૭૮) વગેરે માધ્થમોથી સરજાયેલા માહિતી-સંચયે બ્રિટિશ શાસનની ટીકાટિપ્પણીમાં તેમ જ પ્રજાકીય જાગૃતિમાં મોટો ભાગ ભજવેલો. કહી શકાય કે કૉલોનિયલ સિસ્ટમના પ્રતિકાર માટેની એક માતબર પૂર્વભૂમિકા રચાઇ હતી.

એ પૂર્વભૂમિકા દરેક પ્રાન્તમાં, ત્યાંના નેતાઓના નેતૃત્વ હેઠળ વિકસી હતી. દાખલા તરીકે, મહારાષ્ટ્રમાં, લોકમાન્ય ટીળક (૧૮૫૬-૧૯૨૦), પંજાબમાં, લાલા લજપતરાય, વીર ભગતસિંહ (૧૯૦૭-૧૯૩૧), બાંગ્લા દેશમાં, બિપિન ચન્દ્ર પાલ (૧૮૫૮-૧૯૩૨), વગેરે વગેરે અનેકાનેક દૃષ્ટાન્તો સુવિદિત છે. 

‘બળવો’ ૧૮૫૭માં, દલપતરામનો સમય, ૧૮૨૦-૧૮૯૮. નર્મદનો સમય, ૧૮૩૩-૧૮૮૬. ત્યારથી શરૂ થયેલા સાહિત્ય-યુગને આપણે ‘સુધારક યુગ’ ગણીએ છીએ. પણ, જાણીતું છે કે એમાં સમાજની સુધારણા માટે જે પડકારો ઝિલાયા એવા કોઈ પડકારો બ્રિટિશ શાસન સામે ન્હૉતા સંભવ્યા. 

ગુજરાતમાં, દલપત-નર્મદના સમયમાં બ્રિટિશ શાસનની દેશ-વ્યાપી સિસ્ટમનાં પરિણામોથી જુદું પરિણામ ન્હૉતું આવ્યું. એ સમયે પ્રતિકાર કરવો પડે એવા શોષણ કે દમનના પ્રશ્નો પણ ગુજરાતમાં નથી નૉંધાયા. ગુજરાત ત્યારે બૉમ્બે પ્રૅસિડેન્સી હેઠળ હતું. લૉર્ડ ઍલ્ફિન્સ્ટન આદિ ગવર્નર નિમાયા હતા, અને ત્યારે જે કંઈ સ્થાપનાઓ થઇ હતી તે મુખ્ય તો વિદ્યાકીય હતી. ગુજરાતમાં ફારબસ અને દપલતરામના સહયોગથી સાહિત્ય લાભાન્વિત થયેલું. 

ખરો પ્રતિકાર તો ગાંધીજી ૧૯૧૫-માં દક્ષિણ આફ્રિકાથી આવ્યા ત્યારે શરૂ થયો. ખેડૂતોના હક્કો માટેની ૧૯૧૭-ની ચમ્પારણ લડત, એ પછી, બારડોલી સત્યાગ્રહ, દાંડી-કૂચ, ગોળમેજી પરિષદ, ક્વીટ ઇન્ડિયા મૂવમૅન્ટ, ગાંધીજીને અનેક વાર જેલવાસ, એમ એક પછી એક સંભવેલી પ્રતિકારની ઘટનાઓથી અંગ્રેજ શાસકોને ગાંધીજીની પ્રભાવક વ્યક્તતિતાનો પરચો મળી ગયેલો. 

મોટો ફર્ક એ હતો કે ગાંધીજીનાં ખુદનાં લેખનો, ગાંધીજીના અન્તેવાસીઓનાં લેખનો, પુસ્તકો, વિદેશી ગ્રન્થોના અનુવાદો વગેરે માધ્યમોથી વિશાળ કદનો માહિતી-સંચય થયો હતો. 

બીજો ફર્ક એ હતો કે સ્વાતન્ત્ર્યની લડતમાં નવી પેઢી મોટી સંખ્યામાં જોડાઈ હતી અને લડતની પદ્ધતિ સવિનય કાનૂનભંગ અને અસહકારની હતી – ટૂંકમાં, પદ્ધતિ અહિંસક સત્યાગ્રહની હતી. ગુજરાતી સાહિત્યના ‘ગાંધી યુગ’-માં, સાહિત્યકારો અને અન્ય વિચારકો પર ગાંધીદર્શનની ઠીક ઠીક અસર પડી હતી, સવિશેષે, ગાંધીવિચારને પોષક સામાજિક ચિન્તન શરૂ થયું હતું અને સાહિત્યમાં ગ્રામજીવનનું વાસ્તવ પ્રતિબિમ્બિત થયું હતું.

માહિતી-સંચયને સ્વાતન્ત્ર્ય-સંગ્રામના સમગ્ર નેટવર્કનો અનિવાર્ય ભાગ ગણવો જોઈશે. ગાંધીજીના આગમન પછી, લડતને ઘણો વેગ મળ્યો હતો અને માહિતી-સંચયમાં ઘણી જ વૃદ્ધિ થઈ હતી. કહેવું હોય તો કહી શકાય કે ગાંધીજીના આગમન પછી એ જાળ સરજાઇ અને સ્વાતન્ત્ર્ય-પ્રાપ્તિ લગી વિકસતી રહી.

+ +

સ્વાતન્ત્ર્ય-સંગ્રામના એ સમગ્ર નેટવર્કથી જુદું પણ એના જેવું જ નેટવર્ક છે, રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રીયતા માટેનું નેટવર્ક – નેશનાલિઝમ. આજના વિશ્વમાં તીવ્ર પ્રશ્ન એ છે કે માણસ આજે રાષ્ટ્રપ્રેમી હોય એ પૂરતું છે કે એ વિશ્વપ્રેમી પણ હોવો જોઈએ …

= = =

(18Oct24USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...384385386387...390400410...

Search by

Opinion

  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved