Opinion Magazine
Number of visits: 9871653
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સત્યજીવીના સત્યાગ્રહાશ્રમની શતાબ્દી

અશ્વિનકુમાર|Gandhiana|7 July 2015

દક્ષિણ આફ્રિકામાં સફળ સત્યાગ્રહ કર્યા બાદ, કર્મવીર ગાંધીભાઈ ૦૯-૦૧-૧૯૧૫ના રોજ સ્વદેશ પરત થયા. તેઓ રાજકીય માર્ગદર્શક ગોપાલકૃષ્ણ ગોખલેની સલાહને અનુસર્યા. આથી, તેમણે ભાષણને નહીં, પણ ભ્રમણને મહત્ત્વ આપ્યું. વિદેશી શાસન ઉપર ફરી વળતાં પહેલાં, ગાંધીજી સ્વદેશની જમીન ઉપર ફરી વળ્યા હતા. સ્વામી શ્રદ્ધાનંદજીની માગણી હતી કે ગાંધી હરદ્વારમાં વસે. કલકત્તાના કેટલાક મિત્રોની સલાહ હતી કે ગાંધી વૈદ્યનાથધામમાં વસે. કેટલાક મિત્રોનો ભારે આગ્રહ હતો કે ગાંધી રાજકોટમાં વસે. પણ જ્યારે તેઓ અમદાવાદમાંથી પસાર થયા ત્યારે ઘણા મિત્રોએ અમદાવાદ પસંદ કરવા કહ્યું, ને આશ્રમનું ખર્ચ તેમણે જ ઉપાડી લેવાનું બીડું ઝડપ્યું. મકાન શોધી દેવાનું પણ તેમણે જ કબૂલ કર્યું. મોહનદાસ કરમચંદ ગાંધી ‘સત્યના પ્રયોગો’(પુનર્મુદ્રણ એપ્રિલ, ૧૯૯૩; પૃષ્ઠ ૩૭૮)માં ‘આશ્રમની સ્થાપના’ શીર્ષક તળે લખે છે : “અમદાવાદ ઉપર મારી નજર ઠરી હતી. હું ગુજરાતી હોવાથી ગુજરાતી ભાષા મારફતે દેશની વધારેમાં વધારે સેવા કરી શકીશ એમ માનતો હતો. અમદાવાદ પૂર્વે હાથવણાટનું મથક હોવાથી રેંટિયાનું કામ અહીં જ વધારે સારી રીતે થઈ શકશે એવી પણ માન્યતા હતી. ગુજરાતનું પાટનગર હોવાથી અહીંના ધનાઢ્ય લોકો ધનની વધારે મદદ દઈ શકશે એ પણ આશા હતી.”



‘દિનવારી’નાં પાનાંમાંથી હળવેથી પસાર થઈએ તો ગાંધીજીનાં પોત અને પ્રતિભાનો પાકો પરિચય મળી રહે. કાઠિયાવાડી પહેરવેશના એ દિવસોમાં, ગાં.મો.ક.ને અમદાવાદે કેવો આવકાર અને આદર આપ્યો હશે એની ઝીણી જાણકારી ઝડપથી મેળવી લઈએ. મુંબઈમાં નવથી પંદર જાન્યુઆરી, ૧૯૧૫નું એ પ્રથમ અઠવાડિયું વ્યસ્ત કાર્યક્રમોમાં ગાળ્યા બાદ, મુંબઈથી રાજકોટ જવા નીકળેલા ગાંધીનું સોળ જાન્યુઆરીની સવારે અમદાવાદના રેલમથકે સ્વાગત કરવામાં આવ્યું. જ્યાં ડૉ. હરિપ્રસાદ દેસાઈ સાથે પ્રથમ મેળાપ થયો. રાજકોટથી ધોરાજી, પોરબંદર, ગોંડળ, અને ત્યાંથી રાજકોટ થઈને પહેલી ફેબ્રુઆરી, ૧૯૧૫ની સાંજે અમદાવાદ આવેલા ગાંધીનો સત્કાર થયો અને સરઘસ નીકળ્યું. હરખઘેલા માણસો તો ગાંધી જે મોટરમાં બેઠા હતા તેને ખેંચવા માગતા હતા. પણ વાહનમાં જ બેસી રહે એ મોહન શેના?! આથી, ગાંધીએ ચાલવા માંડ્યું એટલે પછી હરખવીરોએ તેમને મોટરમાં બેસવા દીધા. તેમનો ઉતારો શેઠ મંગળદાસને ત્યાં હતો.



બીજી ફેબ્રુઆરીએ અમદાવાદમાં તેમનાં સન્માનમાં સરઘસ-સભા-સમારોહ યોજાયાં હતાં. સ્ત્રીઓ તરફથી હાટકેશ્વર મહાદેવ મુકામે કસ્તૂરબાને અને સર ચીનુભાઈના પ્રમુખપદે મનસુખભાઈની વાડીમાં મોહનદાસને માનપત્ર આપવામાં આવ્યું હતું. એ દિવસે તેમણે દક્ષિણ આફ્રિકાની લડતના સાથી સુરેન્દ્ર મેઢને ત્યાં ભોજન લીધું હતું અને અમદાવાદમાં સ્થાયી થવા સારુ શહેરના અગ્રેસરો સાથે વાતચીત પણ કરી હતી. ત્રીજી ફેબ્રુઆરીના દિવસે શહેરમાં ગાંધીના માનમાં ચા-પાણીનો જાહેર મેળાવડો હતો. તેમણે એક ટંકનું ભોજન શેઠ અંબાલાલ સારાભાઈને ત્યાં અને બીજા ટંકનું ભોજન સર ચીનુભાઈને ત્યાં લીધું હતું. શેઠ મંગળદાસના પ્રમુખપદે યોજાયેલા કાર્યક્રમમાં, ગાંધીને મોઢ જ્ઞાતિ તરફથી માનપત્ર એનાયત થયું હતું. એ દિવસે ગાંધીએ અમદાવાદમાં મહીપતરામ અનાથાશ્રમ અને વનિતા વિશ્રામ, સ્વદેશી સ્ટોર અને આયુર્વેદિક ફાર્મસી, શાહઆલમના રોજા અને દાદાભાઈ વાચનાલય વગેરેની મુલાકાત પણ લીધી હતી. તેઓ આશારામ દલીચંદ શાહ તથા સ્વામી અખંડાનંદને મળવા ગયા હતા. ગાંધીજી આશ્રમ માટે જમીન જોવા પણ ગયા હતા.



ગાંધીએ અમદાવાદમાં આશ્રમ સારુ મકાનની શોધ આદરી. ગાંધીને અમદાવાદમાં વસાવવામાં અગ્રભાગ લેનાર બારિસ્ટર જી.વ્ર.દેસાઈ હતા. ગાંધી ૧૧ મે, ૧૯૧૫ના રોજ જીવણલાલ વ્રજરાય દેસાઈ સાથે કોચરબમાં આવેલું એમનું મકાન જોવા ગયા. આ એ જ મકાન હતું જેને ભાડે લઈને ગાંધીએ પોતાનો આશ્રમ સ્થાપ્યો હતો. મોહનદાસે ખરચ વગેરેનો તારીજો કરીને શેઠ મંગળદાસને આપ્યો. ધર્મવીર ગાંધીએ ૧૯૧૫માં મે મહિનાની વીસમીએ નવા ઘરે એટલે કે કોચરબ આશ્રમમાં ટોપી પહેરીને વાસ્તુ કર્યું. તેઓ બાવીસમીએ ત્યાં રહેવા ગયા. તેમણે પચીસમીએ કોચરબ આશ્રમની સ્થાપના કરી. ‘ગાંધીજીની દિનવારી’(સંવર્ધિત આવૃત્તિ ૧૯૯૦, પૃ. ૧૩)માં સંગ્રાહક ચંદુલાલ ભગુભાઈ દલાલ પચીસમી મે, ૧૯૧૫ના રોજ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના અંગે પાદનોંધ કરે છે કે, “આને માટે કોઈમાં ૨૦મી તારીખ છે, કોઈમાં ૨૨મી છે અને કોઈમાં ૨૩મી છે. પરંતુ ઘણાખરા આધારોમાં તા. ૨૫મી છે. તેથી એ માન્ય રાખી છે.”



ઘર હોય કે બાળક, સ્વૈચ્છિક સંસ્થા હોય કે સરકારી યોજના હોય – આપણે ત્યાં નામ પાડવા અંગેની મૂંઝવણ મીઠી પણ મોટી હોય છે! વળી, અહીં તો કર્તા તરીકે ગાંધી અને કર્મ તરીકે આશ્રમ છે! આશ્રમને અપાયેલા અજોડ નામ અંગે સજ્જડ કારણ આપતાં ગાંધી ‘આત્મકથા’(પૃ. ૩૭૯)માં લખે છે : “આશ્રમનું નામ શું રાખવું એ પ્રશ્ન તુરત ઊઠ્યો. મિત્રોની સાથે મસલત કરી. કેટલાંક નામો મળ્યાં. સેવાશ્રમ, તપોવન, વગેરે સૂચવાયાં હતાં. સેવાશ્રમ નામ ગમતું હતું. પણ તેમાં સેવાની રીતની ઓળખ નહોતી થતી. તપોવન નામ પસંદ ન જ કરાય, કેમ કે જો કે તપશ્ચર્યા પ્રિય હતી છતાં એ નામ ભારે પડતું લાગ્યું. અમારે તો સત્યની પૂજા, સત્યની શોધ કરવી હતી, તેનો જ આગ્રહ રાખવો હતો, અને દક્ષિણ આફ્રિકામાં જે પદ્ધતિનો મેં ઉપયોગ કર્યો હતો તેની ઓળખ ભારતવર્ષમાં કરાવવી હતી, અને તેની શક્તિ ક્યાં લગી વ્યાપક થઈ શકે તે જોવું હતું. તેથી મેં અને સાથીઓએ સત્યાગ્રહાશ્રમ નામ પસંદ કર્યું. તેમાં સેવાનો અને સેવાની પદ્ધતિનો ભાવ સહેજે આવી જતો હતો."

ઈ.સ. ૧૯૧૫ના એ નિર્ણાયક સમયખંડમાં, ગાંધીને અમદાવાદમાં શેઠ મંગળદાસ ગીરધરદાસ, શેઠ અંબાલાલ સારાભાઈ, સર ચીનુભાઈ થકી આવકાર-આતિથ્ય-અનુકૂલન સાંપડ્યાં હતાં. આપણા મહાજનોની ઉદાત્ત સખાવત આજે તો કોર્પોરેટ સોશિયલ રીસ્પોન્સિબિલિટી (મહાધનગૃહ સામાજિક જવાબદારી) ઉર્ફે સી.એસ.આર. જેવા શબ્દપ્રયોગમાં જ સીમિત થઈ ગઈ છે. પ્રવર્તમાન સમયમાં પણ – મુખ્યમંત્રી હોય કે વડા પ્રધાન, ગાંધીનગર હોય કે નવી દિલ્હી, શાસક પક્ષ હોય કે વિરોધ પક્ષ – મહાત્મા ગાંધીનું નામ આગળ ધર્યા વગર કોઈને ચાલે એમ નથી. જો કે ગાંધીજીનું નામ વટાવીને વળતર મેળવવાની મોટા ભાગની યોજના પહેલી નજરે તો આકર્ષક જણાતી હોય છે.

ધર્મ, રાજ્ય, અને બજારની ત્રિપુટીને ‘મહાત્મા મંદિર’ ભલે વધારે અનુફૂળ આવતું હોય, પરંતુ સામાન્ય માણસ માટે તો ‘સત્યાગ્રહાશ્રમ’ જ સાચું આસ્થાઠેકાણું છે. સત્યાગ્રહાશ્રમની શતાબ્દીના સ્મરણટાણે, હે મારા ભારત, તું ગાંધીજીના રસ્તે કોશિયાનો વિકાસ કરીશ ને?!

વીજાણુ ઠેકાણું : ashwinkumar.phd@gmail.com

અક્ષર-આકાશિકાનું ઠેકાણું : http://ashwinningstroke.blogspot.in 

સૌજન્ય : 'નિરીક્ષક', 16-06-2014, પૃષ્ઠ : 16-17

પુનર્મુદ્રણ : 'સર્વોદય પ્રેસ સર્વિસ', 01-07-2014; અંક : 249, પૃષ્ઠ : 03-04

Loading

સોશ્યો-ઇકૉનૉમિક કાસ્ટ સેન્સસ, ખાઈ કેટલી ઊંડી છે ને કેટલી પહોળી છે એની જાણ થઈ ગઈ હવે જોઈએ એને

રમેશ ઓઝા

, રમેશ ઓઝા|Opinion - Opinion|6 July 2015

રૂઢ અર્થમાં આ જ્ઞાતિગત સર્વેક્ષણ નથી પરંતુ સામાજિક સર્વેક્ષણ છે જેમાં જ્ઞાતિઓના પરંપરાગત પછાતપણાને ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. જ્ઞાતિની ઓળખને વચ્ચે લાવ્યા વિના ભારતની પ્રજાની સામાજિક-આર્થિક વાસ્તવિકતાનું સર્વેક્ષણ ન થઈ શકે? વિકાસ માટે વંચિત શોધવાનો છે, એ વંચિતની જ્ઞાતિ શોધવાની કોઈ જરૂર નથી.

ગયા અઠવાડિયે આ કૉલમમાં મેં લખ્યું હતું કે જે લોકો વંચિત છે એ વિકાસમાં ભાગીદારી માગી રહ્યા છે જેને પરિણામે વિકાસની દિશામાં આગળ વધવામાં મડાગાંઠ સર્જા‍ઈ છે. આ એવી મડાગાંઠ છે જેવી સો વરસ પહેલાં સત્તામાં ભાગીદારી માગવાના પ્રશ્ને સર્જા‍ઈ હતી. સો વરસ પહેલાં સત્તામાં ભાગીદારી માગનારાઓએ સંગઠિત થઈને કૉન્ગ્રેસના નેતાઓને સંભળાવી દીધું હતું કે જ્યાં સુધી અમને (બહુજન સમાજ અને દલિતોને) સત્તામાં ભાગીદારી આપવામાં નહીં આવે ત્યાં સુધી અમે રસ્તામાંથી હટવાના નથી.

સો વરસ પહેલાં બહુજન સમાજ જે રીતે સંગઠિત હતો એમ આજે વંચિતો સંગઠિત નથી. સો વરસ પહેલાં બહુજન સમાજે જે રીતે કૉન્ગ્રેસના નેતાઓનો રસ્તો આંતર્યો હતો એમ આજે વંચિતો શાસકોનો રસ્તો આંતરવાની સ્થિતિમાં નથી. સો વરસ પહેલાં બહુજન સમાજ વાચા મેળવવા લાગ્યો હતો, જ્યારે આજે એનાથી ઊલટું વંચિતો વાચા વિનાના છે. કોઈ ધરણાં, કોઈ દેખાવો, કોઈ સત્યાગ્રહ, કોઈ રસ્તા રોકો આંદોલન કે કોઈ ઘેરાવ ક્યાં ય જોવા મળતાં નથી. ચાર વર્ષ પહેલાં દિલ્હીમાં રામલીલા મેદાનમાં અણ્ણા હઝારેના નેતૃત્વમાં જે આંદોલન થયું હતું એ વિકાસાભિમુખ મધ્યમ વર્ગનું આંદોલન હતું, વિકાસવંચિતોનું નહોતું. જો કોઈ વર્ગ બોલકો છે તો એ મધ્યમ વર્ગ છે અને જો કોઈ મૂંગો છે તો એ વંચિતો છે. અહીં સ્વાભાવિક પ્રશ્ન થશે કે મૂંગાની ઉપેક્ષા તો સહેજે થઈ શકે છે તો પછી સરકાર વિકાસના માર્ગે આગળ કેમ નથી વધતી? મડાગાંઠ તો ત્યારે સર્જા‍ય જ્યારે સામેથી દબાણ આવતું હોય. શાસકો માટે ઢાળ જેવી સ્થિતિ છે તો મડાગાંઠ ક્યાં આવી?

આ પ્રશ્નોનો ઉત્તર કેન્દ્ર સરકારે બહાર પાડેલા જ્ઞાતિ આધારિત સામાજિક-રાજકીય વસ્તીગણતરી સોશ્યો-ઇકૉનૉમિક કાસ્ટ સેન્સસ(SECC)ના આંકડાઓમાંથી મળે છે. ભારતમાં વિકાસથી વંચિત રહી ગયેલો વર્ગ ધારવા કરતાં ખાસ્સો મોટો છે અને એની ઉપેક્ષા કરવામાં જોખમ છે એ ભારતના શાસકો જાણે છે. એ કેટલો મોટો છે એ SECCના આંકડાઓએ બતાવી આપ્યું છે એટલું જ નહીં, એ ધારણા કરતાં ઘણો મોટો છે. એ વર્ગ ભલે સંગઠિત નથી, પરંતુ એની પાસે વોટ નામનું હથિયાર છે અને એ ગમે ત્યારે લોહીલુહાણ કરી શકે છે એનો શાસકોને ડર છે.

ભારતમાં વસ્તીગણતરી કરવાની શરૂઆત ૧૩૦ વર્ષ પહેલાં ૧૮૮૧માં અંગ્રેજોએ કરી હતી. વસ્તીગણતરીના જે કેટલાક માપદંડો હતા એમાં એક માપદંડ જ્ઞાતિનો હતો. ભારતમાં જ્ઞાતિ એ પ્રમુખ સામાજિક એકમ અને પરિબળ છે એટલે એની ઉપેક્ષા કરીને જો વસ્તીગણતરી કરવામાં આવે તો એ અધૂરી ગણાય એ એની પાછળનું એક કારણ હતું તો બીજું કારણ ભાગલા પાડો અને રાજ કરોનું હતું. પછાત જ્ઞાતિઓને જાણ થવી જોઈએ કે એમની સંખ્યા કેવડી મોટી છે અને એમને એ વાતની પણ જાણ થવી જોઈએ કે એમને સેંકડો વર્ષથી દબાવી રહ્યા છે એ સવર્ણોની સંખ્યા કેટલી ઓછી છે. આ સિવાય એમને એ વાતની પણ જાણ થવી જોઈએ કે આર્થિક, શૈક્ષણિક અને સર્વાંગીણ વિકાસને સામાજિક પછાતપણા સાથે સીધો સંબંધ છે. સામાજિક રીતે વિકસિત ઉજળિયાત સવર્ણ જેટલી ઝડપથી વિકાસના લાભ ઝીલી લેશે, કહો કે આંચકી જશે એટલી ઝડપથી પછાત કોમનો માણસ વિકાસના લાભ નહીં મેળવી શકે.

ભાગલા પાડો અને રાજ કરોની અંગ્રેજોની જે રાજકીય ગણતરી હતી એ સો વરસ પહેલાં સફળ થઈ હતી, પરંતુ જે બીજું પાસું હતું એ વધારે મહત્ત્વનું હતું. એક, ભારતમાં જ્ઞાતિ એ પ્રબળ સામાજિક-રાજકીય પરિબળ છે અને બે, સામાજિક પછાતપણાને અને વિકાસને સીધો સંબંધ છે. આનો અર્થ એ થયો કે ભારતના સામાજિક-આર્થિક વાસ્તવને સમજવું હોય તો જ્ઞાતિની ઉપેક્ષા ન થઈ શકે. ઘણાં વર્ષોથી સમાજશાસ્ત્રીઓ આનો અભ્યાસ કરતા હતા, પરંતુ આઝાદી પછીથી જ્ઞાતિના સત્તાવાર આંકડા મળતા બંધ થઈ ગયા હતા. સમાજશાસ્ત્રીઓએ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવતા સૅમ્પલ સર્વે દ્વારા કે આયોજન પંચ દ્વારા કરાવવામાં આવતાં રેન્ડમ સર્વે દ્વારા કામ ચલાવવું પડતું હતું. જે આંકડા મળતા હતા એ આખા દેશના નહોતા, સર્વાંગીણ નહોતા અને આધારભૂત તો જરા ય નહોતા.

બન્યું એવું કે આઝાદી પછી ભારત સરકારે વસ્તીગણતરી વખતે જ્ઞાતિકીય વસ્તીગણતરી કરવાનું અને જ્ઞાતિકીય વિકાસના માપદંડોના આધારે સર્વેક્ષણ કરવાનું બંધ કરી દીધું હતું. વિવિધતામાં એકતા ખરી, પરંતુ જ્ઞાતિ નામની વિવિધતા ભારત સરકારને માન્ય નહોતી. જ્ઞાતિને જ્યારે ખતમ કરવાની છે ત્યારે એના સ્થાન વિશે આકલન કરવું એમાં સરકારને વિરોધાભાસ દેખાતો હતો. આમાં જ્ઞાતિ નામની પરંપરાગત દુક્ટ સંસ્થા અને જ્ઞાતિવાદ ખતમ થવાની જગ્યાએ મજબૂત થવાનો ડર લાગતો હતો. બીજું, જ્ઞાતિગત અસંતોષ અને જ્ઞાતિવાદ વકરે તો દેશમાં એકતાની પ્રક્રિયા અને જાહેર શાંતિ બન્ને ખોરવાય એવો ભય હતો. ત્રીજું, જ્ઞાતિગત પછાતપણાના આંકડા બહાર આવે તો અનામત માટે કે અનામતના વિરોધમાં આંદોલનો થવાનો ભય હતો. કોમી રમખાણોથી ગ્રસ્ત દેશ જ્ઞાતિરમખાણોથી પણ ગ્રસ્ત બને એ સ્થિતિ સરકાર ટાળવા માગતી હતી.

ભારતમાં જ્ઞાતિગત છેલ્લી વસ્તીગણતરી ૧૯૩૧માં થઈ હતી. એ પછીથી જ્ઞાતિના ધોરણે વસ્તીગણતરી ન કરવી એવી લગભગ બધા જ પક્ષોમાં સમજૂતી હતી. દેશહિતમાં સમજૂતી તો થઈ હતી, પરંતુ જ્ઞાતિ નામના વાસ્તવની ઉપેક્ષા શક્ય નહોતી. ખાસ કરીને વિકાસની નિસરણી પર દેશ ક્યાં ઊભો છે એના જો વાસ્તવિક આંકડા જોઈતા હોય, ભ્રમમાં ન જીવવું હોય અને આવતી કાલે થઈ શકનારા સંભવિત વિદ્રોહથી બચવું હોય તો કોણ ક્યાં છે એ સમજી લેવું જોઈએ. છેલ્લાં ઘણાં વર્ષોથી કેટલાક સમાજશાસ્ત્રીઓ માગણી કરતા હતા કે વસ્તીગણતરીમાં જ્ઞાતિનો પાછો સમાવેશ કરવો જોઈએ. બહાર પડનારા આંકડાઓને કારણે જે રાજકીય પ્રશ્નો સર્જા‍શે એને રાજકીય રીતે ઉકેલી શકાશે, પરંતુ સાવ અંધારામાં રહેવામાં જોખમ છે. જ્ઞાતિનું રાજકારણ કરનારા રાજકીય પક્ષોએ પણ જ્ઞાતિકીય વસ્તીગણતરી કરવાની માગણી કરવા માંડી હતી.

૧૯૯૦ના દાયકામાં ભારતના રાજકારણે, સમાજકારણે અને અર્થકારણે એમ ત્રણેએ એકસાથે નવા યુગમાં પ્રવેશ કર્યો હતો. ભારતે આર્થિક સુધારાઓ કર્યા, સાડાત્રણ ટકાનો વિકાસદર સાડાસાત ટકાએ પહોંચ્યો, મધ્યમવર્ગ વિશાળ અને પ્રભાવી બનવા લાગ્યો, ગામડાં અને ગ્રામીણ અર્થતંત્ર વધારે ઝડપથી તૂટવા લાગ્યાં. ખેતીનો વિકાસદર ત્યાં ને ત્યાં જ રહ્યો; પરંતુ ખેતીની જમીન પર શહેરી રોકાણકારોની ભીંસ વધવા લાગી. આ અઢી દાયકા દરમ્યાન સરકારે બે મોટી ભૂલ કરી. એક તો એ કે આર્થિક સુધારાઓની સાથે-સાથે કરવા જોઈતા રાજકીય, ન્યાયતાંત્રિક અને અન્ય પ્રકારના સુધારાઓ કરવામાં ન આવ્યા જેને કારણે મૂડીવાદી અર્થતંત્રમાં નવી પેદા થયેલી સંપત્તિ થોડા હાથમાં જમા થઈ ગઈ અને બીજી ભૂલ એ કરી કે ગ્રામીણ રોજગાર માટે સરકારે ખાસ કોઈ પ્રયત્નો ન કર્યા. આ બે ભૂલને કારણે શ્રીમંત અને ગરીબ વચ્ચે તેમ જ શહેરી ભારત અને ગ્રામીણ ભારત વચ્ચેની ખાઈ વધવા લાગી. એ ખાઈ કેટલી ઊંડી છે અને કેટલી પહોળી છે એ સમજવું જરૂરી લાગવા માંડ્યું.

અજાણ્યા પાણીમાં કૂદવું નહીં એમ કહેવામાં આવે છે. ૧૯૩૧ પછીના સામાજિક આંકડાઓના અભાવમાં અને ૧૯૯૧ પછી કોણ કેટલું પામ્યા એના વાસ્તવિક આંકડાના અભાવમાં ભારતીય સમાજ અજાણ્યા પાણી જેવો થવા માંડ્યો હતો. ૨૧મી સદીમાં જ્યારે પ્રત્યાયનનાં આટલાં આધુનિક માધ્યમો વિકસ્યાં છે ત્યારે ભારતીય સમાજ અજાણ્યો ભાસવા લાગ્યો હતો. ૨૦૦૮ પછીથી ભારતનું અર્થતંત્ર સ્થગિત થઈ ગયું તે હજી આજ સુધી સ્થગિત છે. આ સ્થગિતતાનું મુખ્ય કારણ અજાણ્યા પાણી જેવા ભારતીય સમાજનો ભય છે. આ સ્થિતિમાં ૨૦૧૧માં ભારત સરકારે વસ્તીગણતરી વખતે જ્ઞાતિકીય ગણતરી હાથ ધરવાનો નિર્ણય લીધો હતો.

અહીં એક પ્રશ્ન ઉપસ્થિત થઈ શકે કે જ્ઞાતિની ઓળખને વચ્ચે લાવ્યા વિના ભારતની પ્રજાની સામાજિક-આર્થિક વાસ્તવિકતાનું સર્વેક્ષણ ન થઈ શકે? જેમ કે ભારતમાં ૩૧ ટકા લોકો ગરીબીની રેખા નીચે જીવે છે એ શોધી કાઢવું પૂરતું છે પછી એ કઈ જ્ઞાતિનો છે એ શોધવાની શી જરૂર છે? આવી જ રીતે ભારતમાં આટલા ટકા નિરક્ષરતા છે કે આટલા ટકા બાળમરણ થાય છે કે આટલા ટકા સ્ત્રીઓનાં સુવાવડ વખતે મરણ થાય છે એના આંકડા ઉપલબ્ધ હોય એ પૂરતું છે. એને જ્ઞાતિ સાથે શા માટે જોડવા જોઈએ? વિકાસ માટે વંચિત શોધવાનો છે, એ વંચિતની જ્ઞાતિ શોધવાની કોઈ જરૂર નથી. હજી છેલ્લા એક દાયકામાં આપણે ત્યાં તેન્ડુલકર સમિતિ અને રંગરાજન સમિતિએ ગરીબી વિશે સર્વેક્ષણ અને અભ્યાસ કર્યા છે અને બન્નેના ગરીબીની રેખા નીચે જીવતા લોકોના આંકડામાં ખાસું મોટું અંતર છે. આ સિવાય બીજાં કળશીએક સર્વેક્ષણો થયાં છે. જ્યારે જ્ઞાતિનિરપેક્ષ સર્વેક્ષણો દ્વારા આંકડા મળતા રહે છે ત્યારે જ્ઞાતિકીય વસ્તીગણતરી કરાવવાની શી જરૂર છે? જ્ઞાતિકીય વસ્તીગણતરી ફરી શરૂ કરવાની દરખાસ્ત આવી ત્યારે આ બધી જ દલીલો કરવામાં આવી હતી અને એ છતાં જ્ઞાતિકીય વસ્તીગણતરી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આનું કારણ એ છે કે ભારતની ૩૧ ટકા પ્રજા ગરીબીની રેખા નીચે જીવે છે એવા એક નિવેદન કરતાં ભારતમાં ગરીબીની રેખા નીચે જીવતા લોકોમાં દલિતોનું પ્રમાણ રાષ્ટ્રીય પ્રમાણ કરતાં બમણું કે દોઢું છે એમ જ્યારે કહેવામાં આવે ત્યારે એ નિવેદનના સૂચિતાર્થો બદલાઈ જતા હોય છે. વ્યક્તિની અંગત આપદા જ્યારે સામાજિક ઓળખ ધરાવનારા સમૂહની સાર્વત્રિક બની જાય ત્યારે એનાં મોટાં રાજકીય પરિણામો આવતાં હોય છે અને કેટલીક વાર અણધાર્યા પણ આવતાં હોય છે. બીજી એક વાત એ ધ્યાનમાં રાખવા જેવી છે કે આ રૂઢ અર્થમાં જ્ઞાતિગત સર્વેક્ષણ નથી પરંતુ સામાજિક સર્વેક્ષણ છે જેમાં જ્ઞાતિઓના પરંપરાગત પછાતપણાને ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. મૂળ ઉદ્દેશ વાસ્તવિકતા સમજવાનો છે અને વાસ્તવિકતા ધારવા કરતાં પણ વરવી છે. આ મારા શબ્દો નથી, દેશના નાણાપ્રધાન અરુણ જેટલીના છે.

ખાઈ કેટલી ઊંડી છે અને કેટલી પહોળી છે એની જાણ તો થઈ ગઈ. હવે જોઈએ એને કઈ રીતે પૂરવામાં આવે છે.

સૌજન્ય : ‘નો નૉન્સેન્સ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 05 જુલાઈ 2015

http://www.gujaratimidday.com/features/sunday-sartaaj/sunday-sartaaj-05072015-16

Loading

VVIP કલ્ચર : બહુ અસંભવ છે નેતા ને નમ્રતાનું સહઅસ્તિત્વ

રમેશ ઓઝા

, રમેશ ઓઝા|Opinion - Opinion|4 July 2015

કિરેન રિજીજુએ માફી માગી લીધી છે. તેઓ ઈશાન ભારતના પહાડોમાં જન્મેલા આદિવાસી છે એટલે ચડિયાતાપણાના જ્ઞાતિવાદી કે સામંતશાહી સંસ્કારો તેમના લોહીમાં નથી અને બીજું, મેદાની પ્રદેશની બિનઆદિવાસી પ્રજામાં જોવા મળતી હરામખોરી હજી સુધી તેમણે શીખી નથી

આ દેશ જ્ઞાતિવાદી અને સામંતશાહી પરંપરા ધરાવે છે એટલે આપણે બીજા કરતાં ચડિયાતા એવા સંસ્કાર ગળથૂથીમાં મળે છે. જો કોઈનો જન્મ પછાત અને વંચિત પરિવારમાં થયો હોય અને તે જો કોઈ સિદ્ધિ મેળવી લે તો તે એવો ભાવ અનુભવવા લાગે છે કે જુઓ, હું પણ ત્યાં પહોંચી ગયો જ્યાં થોડા લોકોની ઇજારાશાહી હતી. આમાં જ્યારે સત્તા ભળે ત્યારે સત્તાના મદને કારણે તેઓ છકી જાય છે.

ભારતમાં VIP કલ્ચરની બીમારી ભારતના લોકતંત્ર જેટલી જૂની છે. અંગ્રેજોએ બાદશાહી ઠાઠ અને પ્રજાથી અંતર એટલા માટે રાખ્યાં હતાં કે તેમના માટે આ દેશ એક કૉલોની હતો, કોઈ માદરે વતન નહોતો. દબદબો અને કડપ એવાં હોવાં જોઈએ કે પ્રજા અભિભૂત રહે અને દબાયેલી રહે. અંગ્રેજોની જગ્યા નેતાઓએ લીધી છે અને તેઓ પણ પ્રજાને અભિભૂત અને દબાયેલી રાખવા માટે બાદશાહી ઠાઠ અને દબદબાનો ઉપયોગ કરે છે. હવે આ ઠાઠ અને દબદબો ભારતીય રાજકીય સંસ્કૃિતનો હિસ્સો બની ગયો છે. છૂટભૈયા નેતાઓ પણ હવે પોતાને VIP તરીકે ઓળખાવે છે એટલે અસ્સલ VIPઓએ હજી આગળ એક V જોડીને પોતાને VVIP તરીકે ઓળખાવવાનું શરૂ કર્યું છે. કાલે એવું પણ બને કે બાવાઓ જેમ પોતાના નામની આગળ શ્રી શ્રી શ્રી ૧૦૦૮ એવું વિશેષણ વાપરે છે એમ VVIP ૧૦૦૮ જેવું કોઈ લેબલ ભારતીય રાજકારણમાં ચલણમાં આવે. જો કોઈ નેતા સાદગીથી જીવતો હોય અને હંમેશાં પ્રજા માટે ઉપલબ્ધ હોય તો એવા નેતાને ઢીલો સમજવામાં આવે છે. ગુજરાતના વરિષ્ઠ કૉન્ગ્રેસી નેતા ઝીણાભાઈ દરજીએ એક વખત આ લખનારને કહ્યું હતું કે લાલ દીવાની ગાડી અને સર્કિટ હાઉસ નેતા બન્યા હોવાનાં પ્રતીકો બની ગયાં છે.

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રમાં નાણાકીય રોકાણ મેળવવા અમેરિકા જવાનું હતું. આજકાલ ભારતના મુખ્ય પ્રધાનો નેતાની જગ્યાએ સેલ્સમૅન બની ગયા છે જે LICના એજન્ટની જેમ વિવિધ સ્કીમ્સ અને પ્લાન્સ લઈને વિદેશોમાં ફરે છે. જે કામ બાબુઓ કરી શકે છે એ કામ કરવામાં તેમને નાનપ નથી લાગતી, કારણ કે સરકારના પૈસે મફતમાં વિદેશપ્રવાસ કરવા મળે છે. દેવેન્દ્ર ફડણવીસ સાથે તેમના રસાલામાં તેમના મુખ્ય સચિવ પ્રવીણ પરદેશી પણ હતા. પ્રવીણભાઈ પરદેસી હોવા છતાં પરદેશ જવાના વીઝા જે પાસર્પોટમાં ઇશ્યુ થયા હતા એ પાસર્પોટ ઘરે ભૂલી ગયા હતા. બોર્ડિંગ-પાસ ઇશ્યુ થઈ ગયા હતા અને બીજા પૅસેન્જરો ઍર ઇન્ડિયાની ફ્લાઇટમાં બેસવા લાગ્યા હતા ત્યારે પરદેશીને જાણ થઈ હતી કે વીઝા હોવા છતાં પણ અત્યારે એ તેમની પાસે નથી. એ પછી ભૂલી જવાયેલો પાસર્પોટ ઘરેથી મગાવવામાં આવ્યો હતો અને વિમાનને એક કલાક કરતાં વધુ સમય રોકી રાખવામાં આવ્યું હતું. કોઈ વાંકગુના વગર પૅસેન્જરોને હેરાન કરવામાં આવ્યા હતા, કારણ કે તેમને મુખ્ય પ્રધાન સાથે પ્રવાસ કરવાનું સૌભાગ્ય મળવાનું હતું.

બીજી ઘટના ૨૪ જૂનની છે. કેન્દ્રના રાજ્યકક્ષાના ગૃહપ્રધાન કિરેન રિજીજુ અને જમ્મુ અને કાશ્મીરના નાયબ મુખ્ય પ્રધાન નર્મિલ સિંહને લેહથી દિલ્હી જવું હતું. ઍર ઇન્ડિયાની ફ્લાઇટ ઊપડવાની તૈયારી કરતી હતી. દરવાજા બંધ થઈ ગયા હતા અને ગ્રાઉન્ડ-સિગ્નલ મળી ગયું હતું. એવામાં આ પ્રધાનો આવી ચડ્યા અને આગ્રહ રાખ્યો કે આ વિમાનમાં જ તેમને દિલ્હી જવું છે એટલે વિમાનને થોભાવવામાં આવે. ઍરર્પોટ ઑથોરિટીના સત્તાવાળાઓએ તેમને નમ્રતાથી કહ્યું હતું કે સાહેબ, વિમાનના દરવાજા બંધ થઈ ગયા પછી સુરક્ષાના સંકટ જેવા અસાધારણ સંજોગો સિવાય પાછા ખોલવામાં આવતા નથી. આમ છતાં પ્રધાનોએ એ જ વિમાનમાં પ્રવાસ કરવાનો આગ્રહ રાખ્યો ત્યારે તેમને કહેવામાં આવ્યું હતું કે વિમાનને અટકાવવામાં આવે તો ય એમાં એક પણ સીટ ખાલી નથી. તરત તેમને આદેશ આપવામાં આવ્યો કે તો પછી ત્રણ પૅસેન્જરોને ઉતારી મૂકવામાં આવે. પ્રધાનસાહેબો માટે વિમાન અટકાવીને, દરવાજા ખોલીને ત્રણ પૅસેન્જરોને ઉતારવામાં આવ્યા હતા.

આવી તુમાખી તો અંગ્રેજ લાટસાહેબોએ પણ ક્યારે ય નહોતી બતાવી. છકી ગયેલા, અવિવેકી અને બેશરમ માણસો જ આવું વિચારી અને કરી શકે. બેશરમ એટલા માટે કે બન્ને ઘટનાઓમાં લૂલો બચાવ કરવામાં આવ્યો હતો. કમસે કમ આ યુગમાં ખોટા બચાવ કરવાનું બંધ કરવું જોઈએ જ્યારે કોઈ ચીજ છાની રહેતી નથી. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ કહે છે કે વિમાન ટેક્નિકલ ખામીને કારણે મોડું પડ્યું હતું, પ્રવીણ પરદેશીને કારણે નહીં. તેઓ અમેરિકામાં રોકાણકાર ક્લાયન્ટ સાથે મીટિંગ પણ કરે એ પહેલાં ઍર ઇન્ડિયાની ઇન્ટરનલ નોટ બહાર આવી ગઈ. આવાગમનનું નિયમન કરનાર સ્ટાફ પ્રત્યેક આવનારી અને જનારી ફ્લાઇટના શેડ્યુલ, ડિલે અને એનાં કારણોની એક નોટ્સ તૈયાર કરે છે અને ઉપરી અધિકારીને મોકલે છે. મુખ્ય પ્રધાન જેમાં પ્રવાસ કરવાના હતા એ ફ્લાઇટ વિશે એ નોટમાં કહેવામાં આવ્યું હતું કે વિમાન મોડું પડવાનું કારણ પ્રવીણ પરદેશી પાસર્પોટ ભૂલી ગયા એ હતું. મુખ્ય પ્રધાને પ્રવીણ પરદેશીને સાથે લીધા વિના પ્રવાસ કરવાની ના પાડી દીધી હતી એટલે જો દસ જણનો સામાન પાછો ઉતારવામાં આવે તો પણ અડધા કલાકનો વિલંબ થવાનો હતો. પ્રવીણ પરદેશી પછીની કોઈક ફ્લાઇટમાં ન આવી શક્યા હોત?

જમ્મુ અને કાશ્મીરના નાયબ મુખ્ય પ્રધાન નર્મિલ સિંહે પણ પહેલાં સિંહની જેમ પડકાર કર્યો હતો અને ઊલટો ચોર કોટવાલને દંડે એમ ઍર ઇન્ડિયાના સ્ટાફ સામે ફરિયાદ કરવાની અને સસ્પેન્ડ કરાવવાની ધમકી આપી હતી. જૂઠાણાની જિંદગી લાંબી હોતી નથી અને આ યુગમાં તો જરા ય હોતી નથી. નર્મિલ સિંહનો ખુલાસો અને આક્ષેપો હજી તો મીડિયામાં પહોંચે એ પહેલાં વિમાનની અંદર બનેલી ઘટનાની વિડિયો-ક્લિપ્સ મીડિયામાં પહોંચી ગઈ હતી.

મુંબઈ ઍરર્પોટની નોટ અને લેહની વિડિયો-ક્લિપ્સ બહાર પડ્યા પછી હવે બચાવ કરવા જેવું કંઈ બાકી રહ્યું નહોતું. કેન્દ્રના નાગરિક ઉડ્ડયન ખાતાના પ્રધાન અશોક ગજપતિ રાજુએ બન્ને ફ્લાઇટના ઉતારુઓની માફી માગી લીધી છે. કેન્દ્રીય પ્રધાન કિરેન રિજીજુએ નમ્રતાપૂર્વક માફી માગી લીધી છે, પરંતુ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન હજી મીડિયા સામે બદનક્ષીનો કેસ કરવાની ધમકી આપી રહ્યા છે. કિરેન રિજીજુ ઈશાન ભારતના પહાડોમાં જન્મેલા આદિવાસી છે એટલે ચડિયાતાપણાના જ્ઞાતિવાદી કે સામંતશાહી સંસ્કારો તેમના લોહીમાં નથી અને બીજું, મેદાની પ્રદેશની બિનઆદિવાસી પ્રજામાં જોવા મળતી હરામખોરી હજી તેમણે શીખી નથી.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામે લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 04 જુલાઈ 2015

http://www.gujaratimidday.com/features/columns/feature-columns-4-7-2015-5

Loading

...102030...3,8403,8413,8423,843...3,8503,8603,870...

Search by

Opinion

  • 1991ના દેશના આર્થિક સંકટમાંથી આપણે શું શીખી શકીએ?
  • અનામત કોઈને માટે ક્યાં સુધી ચાલુ રાખવી જોઈએ?
  • પરફોર્મેટિવ પૉલિટિક્સઃ રાજકારણ હવે માત્ર શાસન નહીં, વાયરલ થવાની કળા પણ
  • રાષ્ટૃની વિભાવના : સંઘર્ષ સમજૂતિ અને સ્થાપિત એજન્ડા
  • ચલ મન મુંબઈ નગરી—342

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved