ગાંઠે બાંધવાની હકીકત : જોઈએ છે, સાચું કહેનારા-સાંભળનારા
સચ્ચાઈ ‘બજાર’ની ચીજ નથી એ સાચું, પણ તેને માગ અને પૂરવઠાનો નિયમ લાગુ પાડી શકાય છે.
પાટીદારોના અનામત આંદોલન મુદ્દે પાટીદાર ધારાસભ્યો – મંત્રીઓની હાલત કફોડી થઈ છે. એક તરફ પક્ષની શિસ્ત, બીજી તરફ સમાજના મોટા સમૂહનું દબાણ. જાયે તો જાયે કહાં? આવી બાબતમાં અને ખરેખર તો મોટા ભાગની બાબતોમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે કશા ભેદ હોતા નથી. (જેમને એ હજુ ન સમજાયું હોય, તેમને ક્યારે સમજાશે?) પાટીદાર અનામતના મુદ્દે કોંગ્રેસનું શું વલણ છે? કોંગ્રેસના કોઈ મોટા નેતાએ પાટીદારોને અનામત કેમ મળવી અથવા ન મળવી જોઈએ, એ વિશે ખોંખારીને કશું કહ્યું? કે કાયદો – વ્યવસ્થાનો કકળાટ કરીને, સરકારનું રાજીનામું માગવાની ઠાલી ઔપચારિકતા નિભાવીને શટર પાડી દીધું?
વાત ફક્ત પટેલ અનામતની નથી. દલિત સહિતના બીજા સમુદાયોના નેતાઓનું ઉદાહરણ લઈએ. એ પોતપોતાના સમાજના બાહ્ય તેમ જ આંતરિક પ્રશ્નો વિશે કેટલું બોલે છે? કેટલા સવાલ કરે છે? પૂછવાના પ્રશ્નો બન્ને પ્રકારના હોય : સમાજ માટે અને સમાજ સામે. સમાજ માટે પ્રશ્નો ઉઠાવવા જરૂરી છે, પરંતુ વ્યાપક દેશહિત માટે હાનિકારક એવી પોતાના સમાજની રીતરસમો સામે સવાલ ઊભા કરવાનું એટલું જ — કે જરા વધારે — જરૂરી નથી? પોતાના સમાજને બે કડવી વાત કહી શકાતી ન હોય, તો ‘સમાજના’ હોવાનો અર્થ જ્ઞાતિવાદી હોવાથી વિશેષ શો રહ્યો? પરંતુ સાચું સમજવાની અને સમજ પડે તો પણ એ કહેવાની હિંમત રાજકીય કે આધ્યાત્મિક આગેવાનોમાં છે? અને જો નથી, તો તેમને આગેવાન – નેતા શી રીતે કહેવાય? આવા વખતે બે-પાંચ હજાર વર્ષ પહેલાં થયા હોય એવા લાગતા એક નેતા યાદ આવે છે : ગાંધી. તેમણે લોકપ્રિયતાની પરવા કર્યા વિના દેશહિત – સમાજહિતમાં જે સાચું લાગે તે કહેવાની પરંપરા ઊભી કરી — પછી ‘લોક ભલે નિંદો કે વંદો.’ (ગાંધીજી)
ગાંધીજીએ ૧૯૨૧માં અસહકાર આંદોલન પાછું ખેંચ્યું, ત્યારે તેમનાં પગલાંની આકરી ટીકા થઈ હતી. પરંતુ ગાંધીજીને સમજાઈ ગયું હતું કે પ્રજા આઝાદી માટે તૈયાર નથી. ચૌરીચૌરાનો બનાવ મુખ્ય કારણ નહીં, ઊંટની પીઠ પરનું છેલ્લું તણખલું હતો. અન્ના હજારેની ભ્રષ્ટાચારવિરોધી ઝુંબેશ કે પાટીદારોના અનામતમાગણી આંદોલન કરતાં સો ગણી વધારે પ્રભાવશાળી રાષ્ટૃીય ચળવળ ચરમસીમાએ પહોંચી હોય અને આઝાદી હાથવેંતમાં લાગતી હોય, ત્યારે એ ચળવળ પાછી ખેંચવાની નૈતિક હિંમત જેનામાં હોય, તેને નેતા કહેવાય. એવો નેતા, જે પ્રજાને રીઝવવા હવાતિયાં મારતો ન હોય ને તેમની પૂંઠે ઘસડાતો ન હોય, પણ લોકોને કહેવા જેવી વાત કહેતો હોય, કડવી દવા પાતો હોય અને ‘મારી નેતાગીરીનું શું થશે’ એની પરવા કરતો ન હોય.
સતત દુષ્પ્રચારને કારણે ઘણા લોકો ગાંધીજીને મુસ્લિમતરફી તરીકે કાઢી નાખે છે. એ ગાંધીજીએ એક વાર કોઈ આરબ દેશમાં થતી ‘સંગસારી’ની (પથ્થરો મારીને ગુનેગારનું મોત નીપજાવવાની) પ્રથાને અન્યાયી ગણાવતો લેખ લખ્યો. તેમણે લખ્યું કે આવી સજાને કુરાનનું સમર્થન ન જ હોય અને ધારો કે કુરાનનું સમર્થન હોય તો પણ એ વાજબી ન કહેવાય. એ વાંચીને એક મુસ્લિમ વાચકે ગાંધીજીને ઠપકો આપતાં લખ્યું કે આવું કહેતાં પહેલાં (‘કુરાનનો વિરોધ’ કરતાં પહેલાં) ઇસ્લામી જગતમાં તમારા મોભા વિશે તમારે વિચારવું જોઈતું હતું … ગાંધીજીએ તેમને જવાબ લખ્યો કે ઇસ્લામી જગતમાં તમે કહો છો એવો મારો મોભો સાચું કહેવાથી જતો રહેવાનો હોય, તો એવો મોભો હું કાણી કોડીની કિંમતે પણ ન ખરીદું.
કયો રાજનેતા ને કયો આધ્યાત્મિક નેતા પોતાના અનુયાયીગણને કે સમર્થકોને આવું કહેવા જેટલી નૈતિક તાકાત ધરાવે છે? ગાંધીજીને દલિતોના મત લેવાના ન હતા. છતાં, અમદાવાદના રૂઢિચુસ્તોની ખફામરજી વહોરીને તેમણે દલિત પરિવારને આશ્રમમાં વસાવ્યું. તેના કારણે આર્થિક મદદ મળતી બંધ થઈ અને આશ્રમ સંકેલી લેવો પડે એવી સ્થિતિ આવી, પણ તે અડગ રહ્યા. (અણીના સમયે અંબાલાલ સારાભાઈએ તેમને ગુપ્ત અને મોટી આર્થિક મદદ કરતાં આશ્રમ ચાલુ રહ્યો.) અસ્પૃશ્યતા સામેની ઝુંબેશ બદલ છેક ૧૯૩૪માં સનાતની હિંદુઓએ પૂનામાં ગાંધીજીની હત્યાનો પ્રયાસ કર્યો હતો. છતાં, ગાંધીજી કદી ટોળાંથી દોરવાયા નહીં કે પોતાને જે સાચું લાગે તે કહેતાં અચકાયા નહીં. પીડાતા વાછરડાને મૃત્યુદાન આપતાં તેમને ‘હિંદુઓની લાગણી દુભાશે’ એવો ખચકાટ ન થયો. કેમ કે, તેમના માટે નેતાગીરી એટલે લોકલાગણીના મોજા પર તરી જવાનું નહીં, લોકોનું ઘડતર કરવાનું કામ હતું. આચાર્ય કૃપાલાણી, (ઘણે અંશે) સરદાર પટેલ જેવા ગાંધીજીના સાથીદારો પણ લોકપ્રિયતાની પરવા કર્યા વિના સાચું કહેનારા તરીકે જાણીતા થયા.
સરદારના મોટા ભાઈ વિઠ્ઠલભાઈ પટેલનો રાજકીય અભિગમ ગાંધીજી – સરદાર કરતાં અલગ. પરંતુ સાચું લાગે તે કહેવાની બાબતમાં એ જરા ય જુદા ન હતા. અંગ્રેજી રાજમાં (લોકસભા સમકક્ષ) કેન્દ્રિય ધારાસભાના પહેલા ભારતીય અધ્યક્ષ વિઠ્ઠલભાઈ ૧૯૨૭માં લંડન ગયા, ત્યારે ત્યાંના ‘પટેલ વિદ્યાર્થી મંડળ’ તરફથી તેમના માનમાં હોટેલ સેસિલમાં સ્વાગત સમારંભ યોજાયો. એ સમારંભમાં,આગળ જતાં સરદાર પટેલના વિશ્વાસપાત્ર અધિકારી બનેલા – જનતા સરકારમાં નાણાંમંત્રીનો હોદ્દો શોભાવનાર એચ.એમ. પટેલ વિદ્યાર્થી તરીકે હાજર હતા. તેમની નોંધ પ્રમાણે, વિઠ્ઠલભાઈએ પટેલ મંડળના વિદ્યાર્થીઓને ઠપકો આપતાં કહ્યું હતું, ‘માદરેવતનથી છ હજાર માઈલ દૂર લંડન શહેરમાં પણ તમે જ્ઞાતિની ગણતરી કે મર્યાદા છોડી શકતા નથી, એ મારે મન આશ્ચર્યનો વિષય છે. ભારતે એક રાષ્ટ્ર તરીકે માથું ઊંચું રાખીને જીવવું હશે તો જુવાન ભારતીયોએ (જ્ઞાતિની) મર્યાદાઓથી પર થવું પડશે.’
સાચું બોલનારા અને સાચું સાંભળનારા બન્ને દુર્લભ છે, એવી કહેણી જૂની છે. ગુજરાતની વાત કરીએ તો, તેના દેખીતા વિકાસ પાછળ રહેલા અંધારાની વાતો અનેક વાર, અનેક રીતે થઈ ચૂકી છે. ઉદાહરણ તરીકે, તાતાને ‘નેનો’ પ્લાન્ટ માટે કેવી અસાધારણ ઉદાર શરતોએ જમીન આપવામાં આવી તેની સાચી વિગતો જાહેર થઈ હતી. છતાં, તત્કાલીન મુખ્ય મંત્રીએ ‘એક એસ.એમ.એસ. કર્યો ને તાતા આવી ગયા’ એવું જૂઠાણું ચલાવ્યું, ને લોકોએ હોંશેહોંશે પી લીધું. આવી ઘણી બાબતોમાં સચ્ચાઈ બતાવનારાને ‘ગુજરાતવિરોધી’ની ગાળો ખાવાની થઈ. કોમી હિંસાની ન્યાયપ્રક્રિયામાં સત્યશોધનના નામે કેવા ગોટાળા થયા, તેની સિલસિલાબંધ વિગતો અંગ્રેજી પત્રકાર મનોજ મિત્તાએ ‘ધ ફિક્શન ઓફ ફેક્ટ ફાઇન્ડિંગ : મોદી એન્ડ ગોધરા’ પુસ્તકમાં આપી.
છતાં, બહુમતીએ જાણે સાચું સાંભળવા માટે આંખ-કાન બંધ કરી દીધાં હતાં. અક્ષરધામ કેસમાં ખોટેખોટા સંડોવી દેવાયેલા મુફ્તીએ સર્વોચ્ચ અદાલતમાંથી નિર્દોષ છૂટ્યા પછી ગુજરાત પોલીસ અને તેમના સાહેબોનાં કરતૂતો વિશે સ્પષ્ટ ભાષામાં લખ્યું. છતાં, એન્કાઉન્ટરબાજોને ‘જાંબાઝ’ અને ‘હીરો’ ગણાવનારા ધરાર સચ્ચાઈ સ્વીકારવા માગતા નથી. સચ્ચાઈ ‘બજાર’ની ચીજ નથી એ સાચું, પણ તેને માગ અને પૂરવઠાનો નિયમ લાગુ પાડી શકાય છે. એ હકીકત નાગરિકોનું ઘડતર કરતા આગેવાનો અને આગેવાનો પેદા કરતા નાગરિક સમાજો ભૂલી જાય, તો એ જ થાય જે અત્યારે થઈ રહ્યું છે.
http://www.divyabhaskar.co.in/news/ABH-knot-bind-fact-should-be-true-nowhere-listeners-5113659-NOR.html
સૌજન્ય : ‘ગાંઠે બાંધવાની હકીકત’, “દિવ્ય ભાસ્કર”, 15 સપ્ટેમ્બર 2015