RSSનો એજન્ડા હિન્દુ રાષ્ટ્રનો છે તો એ માટેની સામગ્રી ક્યાં છે?
જે લોકો સો વર્ષ પછીનો એજન્ડા સેટ કરી શકતા હોય, નવ દાયકા સુધી એજન્ડા છુપાવી શકતા હોય અને જે લોકો વિશ્વનું કદાચ સૌથી મોટું સંગઠનનું અપારદર્શક જાળું રચી શકતા હોય એ કેટલા જિનિયસ હોવા જોઈએ. આવા જિનિયસ માણસોને હિન્દુ રાષ્ટ્રનું દર્શન વિકસાવવામાં, એને માટેની સામગ્રી શોધવામાં, એનો વિનિયોગ કરવામાં, એને લોકો સુધી પહોંચાડવામાં અને એને લોકોની સ્વીકૃતિ અપાવવામાં સફળતા ન મળે એવું કેમ?
૧૯૨૫માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS)ની સ્થાપના જ ગાંધી અને કૉન્ગ્રેસની કલ્પનાના ભારત (આઇડિયા ઑફ ઇન્ડિયા)ને નકારવા માટે કરવામાં આવી હતી. ગાંધીની કલ્પનાનું ભારત કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના બધાને સમાન દરજ્જા સાથે લઈને ચાલનારું સર્વસમાવેશક હતું. RSSને એ સ્વીકાર્ય નહોતું. ભારતમાં હિન્દુઓ બહુમતીમાં છે એટલે ભારતીય રાષ્ટ્ર હિન્દુઓના વર્ચસને માન્ય રાખનારું હિન્દુ રાષ્ટ્ર હોવું જોઈએ. ગાંધીજી કૉન્ગ્રેસમાં સર્વેસર્વા છે અને ગાંધીજી ઉદારમતવાદી છે એટલે કૉન્ગ્રેસ હિન્દુિહત માટે કામ કરવાની નથી એ સ્થિતિમાં હિન્દુઓ માટે અલાયદા સંગઠનની જરૂર છે એમ સંઘના સ્થાપક ડૉ. કેશવ બલિરામ હેડગેવારને લાગ્યું હતું. તેમણે ૧૯૨૫ના દશેરાના દિવસે RSSની સ્થાપના કરી હતી.
ગાંધીજીના આઇડિયા ઑફ ઇન્ડિયાને નકારવાનો દરેક ભારતીયને અધિકાર છે. ખુદ જવાહરલાલ નેહરુએ ગાંધીજીની કલ્પનાના ભારતના કેટલાક અંશો નકારી કાઢ્યા છે. RSSને ગાંધીજીની કલ્પનાનું ભારત સ્વીકાર્ય ન હોય તો એમાં કોઈ આશ્ચર્યની વાત નથી. આશ્ચર્ય એ વાતનું છે કે આજ સુધી સંઘે પોતાની કલ્પનાના ભારતની કોઈ રૂપરેખા નથી રાખી. ૯૦ વર્ષ એ કોઈ ટૂંકો સમય નથી. નવ-નવ દાયકા સુધી સંઘ સંગઠન બાંધ્યે જાય છે, પરંતુ એ સંગઠન કયા હેતુ માટે બાંધવામાં આવી રહ્યું છે અને કેવા ભારતનું નિર્માણ સ્વયંસેવકોએ કરવાનું છે એ કોઈ જાણતું નથી.
RSSની આ ગોપનીયતાનો સરવસાધારણ અર્થ એવો કરવામાં આવે છે કે સંઘનો કોઈ છૂપો (હિડન) એજન્ડા છે જે સમય આવ્યે પ્રગટ થશે. આવો અભિપ્રાય ધરાવતા લોકોના મતે સંઘ ફાસીવાદી સંગઠન છે. આમ માનવા પાછળનાં કારણો એ છે કે સંઘનું બંધારણ નથી, સ્વયંસેવકોની યાદી નથી, વિધિવત્ સભ્ય બનાવવામાં આવતા નથી, અધિવેશનો થતાં નથી, ચૂંટણી થતી નથી, ચર્ચાઓ થતી નથી, સંઘના પ્લૅટફૉર્મ પર કોઈ સ્વયંસેવકને બોલવાનો મોકો આપવામાં આવતો નથી, ઠરાવો કરવામાં આવતા નથી, શા માટે RSSનો કોઈ વિધિવત્ દસ્તાવેજ પ્રકાશિત કરવામાં આવતો નથી અને સંઘના સંઘપરિવારનો સાથીસંગઠનો સાથેનો સંબંધ કેવો છે એની પણ કોઈ સ્પષ્ટતા કરવામાં આવતી નથી. સંઘના નવ દાયકાનો ઇતિહાસ સંઘના જ કોઈ નેતાને લખવાનું કહેવામાં આવે તો એ સાધાર (પ્રમાણો ટાંકીને) ન લખી શકે એની ગૅરન્ટી. બીજાની ક્યાં વાત કરો, ખુદ સરસંઘચાલક મોહન ભાગવત ન લખી શકે. સંઘના નેતાઓનો આપસી પત્રવ્યવહાર પણ કોઈએ નહીં જોયો હોય. ગાંધીજી, નેહરુ, સરદાર, રાજેન્દ્રબાબુ, રાજાજી, કૃપલાની વચ્ચેના એક લાખ કરતાં વધુ પત્રો ઉપલબ્ધ છે; પરંતુ હેડગેવાર અને ગોલવલકર વચ્ચે થયેલા પત્રવ્યવહારનો એક પત્ર આજ સુધી જોવામાં નથી આવ્યો.
દિલ્હીમાં નૅશનલ આર્કાઇવ છે. આર્કાઇવમાં ૧૭૪૮થી લઈને આજ સુધીના પત્રો અને દસ્તાવેજો સંગ્રહાયેલા છે. આર્કાઇવ પાસે સરકારી દસ્તાવેજો ઉપરાંત ભારતના સેંકડો નેતાઓના ખાનગી પેપર્સ પણ છે જે તેઓ પોતે કે તેમના વારસો ભવિષ્યમાં કોઈ બાબતનો સાચો ઇતિહાસ લખી શકાય એ માટે પ્રમાણ તરીકે આપતા ગયા છે. આમાં તમને હિન્દુિહતનું રાજકારણ કરનારા લાલા લજપતરાય, મદન મોહન માલવીય કે શ્યામ પ્રસાદ મુખરજીના પત્રો અને દસ્તાવેજો મળશે; પરંતુ સંઘપરિવારના કોઈ નેતાના કે સંગઠનના કોઈ પેપર્સ નહીં મળે. ગૃહખાતાએ કે ગુપ્તચર ખાતાએ તેમના વિશે તૈયાર કરેલી ફાઇલો મળી આવશે, પરંતુ તેમણે પોતે કોઈ દસ્તાવેજ કે પત્રવ્યવહાર રાષ્ટ્રીય સંગ્રહાલયને સુપરત નથી કર્યા. કાં તો તેઓ દસ્તાવેજો તૈયાર કરતા જ નથી અથવા એને છુપાવી રાખે છે. પહેલી શક્યતા વધુ છે. સંઘનો વહેવાર લેખિત કરતાં મૌખિક વધુ છે.
આ ગોપનીયતા પાછળ જરૂર કોઈ એજન્ડા છે એવો ભારતમાં અને વિદેશમાં સંઘ વિશેનો સર્વસાધારણ અભિપ્રાય છે. આટલી ગોપનીયતા આયોજન વિના અકસ્માતે ન હોઈ શકે. સંઘપરિવારનાં સંગઠનોનું મોટું જાળું છે અને એ આખેઆખું અપારદર્શી છે. જેમ કે ગાંધીજીનો હત્યારો નાથુરામ ગોડસે સંઘનો સભ્ય હતો પણ અને નહોતો પણ. નાથુરામના સંઘના સભ્યપદના કોઈ પુરાવાઓ મળતા નથી, કારણ કે વિધિવત્ સભ્યપદ આપવામાં આવતું જ નથી. નાથુરામે કહ્યું હતું કે તે સંઘનો સભ્ય હતો એટલે સંઘે ખુલાસો કરવો પડે છે કે તે પહેલાં સભ્ય હતો, પરંતુ ગાંધીજીની હત્યા પહેલાં નાથુરામે સભ્યપદ છોડી દીધું હતું. જ્યારે કોઈને ય વિધિવત્ સભ્ય બનાવવામાં જ નથી આવતો ત્યાં છોડવાનો સવાલ જ ક્યાં આવ્યો. આ તો ગાંધીજીની હત્યા પછી સંઘ પર મૂકવામાં આવેલા પ્રતિબંધને ઉઠાવવા માટેની તરકીબ હતી. નાથુરામ ગોડસેનો ભાઈ ગોપાલ ગોડસે આજીવન કહેતો રહ્યો છે કે સંઘના નેતાઓએ નાથુરામને મળીને સંઘને બચાવવા માટે આવું નિવેદન કરવાની વિનંતી કરી હતી અને નાથુરામે એ માન્ય રાખી હતી. કેન્દ્રના ગૃહપ્રધાન સરદાર પટેલે સભ્યપદ વિનાના સભ્યના સભ્યપદેથી આપેલા રાજીનામાની વાત સ્વીકારી લીધી હતી એ પરમ આશ્ચર્ય છે.
તો આટલી અપારદર્શકતા અકસ્માતે ન જ હોઈ શકે. એ ગણતરીપૂર્વકની આયોજનબદ્ધ જ હોય અને માટે સંઘનો જરૂર કોઈ છૂપો એજન્ડા છે એમ સંઘથી સાવધાન રહેવાની હિમાયત કરનારા લોકો કહે છે. મોટા ભાગના લોકો આમ માને છે અને તેમની વાત ગળે ઊતરે એવી પણ છે. આમ છતાં કેટલીક શંકાઓ છે.
સમાજ પ્રવાહી હોય છે. કાળના પ્રવાહમાં વ્યક્તિ સમાજને અને સમાજ વ્યક્તિને સતત પ્રભાવિત કરતાં રહે છે. સરવાળે માણસનો વ્યક્તિગત અને સમાજનો સામૂહિક એમ બન્ને ચહેરા બદલાતા રહે છે. કોઈ માણસ સો-બસો વર્ષ પછી સમાજ કેવો ચહેરો ધારણ કરશે અને ક્યારે યોગ્ય તક મળશે એ વિશે એટલું લાંબું વિચારી શકે ખરું? ડૉ. હેડગેવાર સો વર્ષ પછી લાગુ કરવા માટેનો એજન્ડા સેટ કરીને ગયા હોય અને યોગ્ય સમયે લાગુ કરવાનું કહેતા ગયા હોય એ કોઈ ગળે ઊતરે એવી વાત નથી. ૧૮મી સદીમાં ક્યાં કોઈએ કલ્પના કરી હતી કે માર્ક્સ્વાદનો પ્રાદુર્ભાવ થશે અને ૧૯મી ક્યાં કોઈએ કલ્પના કરી હતી કે વીસમી સદીમાં માર્ક્સવાદ નિષ્ફળ સાબિત થશે. બીજું, નેવું વર્ષની યાત્રા દરમ્યાન એક માણસ એકલા હાથે તો આવી ચુસ્ત યોજના ન જ બનાવી શકે. સો-બસો અત્યંત તેજસ્વી માણસો આ યોજનાની પાછળ હોવા જોઈએ અને જ્યારે આટલા બધા માણસો છૂપા એજન્ડા વિશે જાણતા હોય ત્યારે એ છૂપો રહી શકે ખરો? ત્રીજું, આવું અપારદર્શક જાળું રચનારાઓની બૌદ્ધિક ક્ષમતા કેવી હશે! પણ આ બાજુ નક્કર અનુભવ તો સંઘના નવ દાયકાની બુદ્ધિદરિદ્રતાનો છે.
ભારત અત્યારે સર્વસમાવેશક સેક્યુલર રાષ્ટ્ર છે તો એ કોઈ કોરી રાજકીય વ્યવસ્થા નથી, પણ એની પાછળ વિચાર અને સંસ્કૃિત છે. વેદોની વસુધૈવ કુટુમ્બકમની ભાવના છે, બુદ્ધનું સમાનતા-આધારિત દર્શન છે, કબીર છે, અન્ય સૂફી-સંતો છે, હિન્દુસ્તાની ખયાલ સંગીત છે, સ્થાપત્ય છે, ગંગા-જમના સંસ્કૃતિ છે, ઇતિહાસ છે, પશ્ચિમનો પ્રગતિનો અનુભવ છે એમ કેટલી બધી સામગ્રી છે. આ સવર્સમાવેશક સેક્યુલર રાષ્ટ્ર માટેનાં સાધનો છે. આના આધારે ભારતના નાગરિકોને વિવિધતામાં એકતા માટે અને સહિષ્ણુતા માટે તૈયાર કરવામાં આવે છે.
રાજા રામમોહન રૉયથી લઈને વિનોબા ભાવે સુધીના ઉદારમતવાદી ચિંતકોએ ભારતની પરંપરામાંથી ઉદારમતવાદનું દોહન કર્યું હતું અને ભારતની પ્રજાને નવયુગ માટે તૈયાર કરી હતી. વિવેકાનંદ અને વિનોબા ભાવે જેવાઓએ ભારતીય દર્શનનું આધુનિક ઉદારમતવાદી ભાષ્ય કર્યું હતું. રવીન્દ્રનાથ ટાગોરે કે મહર્ષિ કર્વેએ શિક્ષણના ક્ષેત્રમાં ઉદારમતવાદી પ્રયોગો કર્યા હતા. બાબા આમટે જેવા સેવકોએ છેવાડાના માણસ સુધી પહોંચવાની કોશિશ કરી હતી. કમલાદેવી ચટ્ટોપાધ્યાય અને બીજી સ્ત્રીઓએ નારીને પરંપરાની નાગચૂડમાંથી મુક્ત કરવા માટે કામ કર્યું હતું. કોઈની સામગ્રી ચિંતનની હતી, કોઈની કેળવણીની હતી, કોઈની સેવાની હતી, કોઈની સંઘર્ષની હતી, ઉદયશંકર કે રુક્મિણીદેવી અરુંડલે જેવાની સામગ્રી કલામાધ્યમોની હતી. ટૂંકમાં, આવા એકથી એક તેજસ્વી માણસોએ પોતપોતાનાં માધ્યમો દ્વારા આઇડિયા ઑફ ઇન્ડિયાને લોકો સુધી પહોંચાડ્યો હતો જેના પરિણામે એને બંધારણીય સ્વીકૃતિ મળી હતી. આધુનિક સેક્યુલર રાષ્ટ્ર એ પશ્ચિમમાંથી ઉછીનું લાવવામાં આવેલું મૉડલ નથી; પરંતુ ભારતીયોએ, ભારતીય સામગ્રી દ્વારા ભારતમાં વિકસાવેલું મૉડલ છે જેને બંધારણે માન્ય રાખ્યું છે.
RSSનો એજન્ડા હિન્દુ રાષ્ટ્રનો છે તો એના માટેની સામગ્રી ક્યાં છે? એવી સામગ્રી શોધનારા ચિંતકો ક્યાં છે? એનો પોતપોતાના માધ્યમ દ્વારા વિનિયોગ કરીને લોકો સુધી પહોંચાડનારાઓ ક્યાં છે? ક્યાં છે વિનોબા જેવો ચિંતક? ક્યાં છે રવીન્દ્રનાથ જેવો કેળવણીકાર? ક્યાં છે બાબા આમટે જેવો સેવક? ક્યાં છે ઉદયશંકર જેવો કલાકાર? અહીં જે નામ આપ્યાં એની કક્ષાના છોડો, એના દસમા ભાગનું કૌવત ધરાવનારા માણસો પણ સંઘ પાસે નથી. જે લોકો સો વર્ષ પછીનો એજન્ડા સેટ કરી શકતા હોય, નવ દાયકા સુધી એજન્ડા છુપાવી શકતા હોય, જે લોકો વિશ્વનું કદાચ સૌથી મોટું અપારદર્શક જાળું રચી શકતા હોય એ કેટલા જિનીયસ હોવા જોઈએ. જિનીયસ સિવાય બીજો કોઈ શબ્દ જ ન હોઈ શકે. આવા જિનીયસ માણસોને હિન્દુ રાષ્ટ્રનું દર્શન વિકસાવવામાં, એને માટેની સામગ્રી શોધવામાં, એનો વિનિયોગ કરવામાં, એને લોકો સુધી પહોંચાડવામાં અને એને લોકોની સ્વીકૃતિ અપાવવામાં સફળતા ન મળે એવું બને?
તો પછી RSSની તાકાતનું રહસ્ય શું છે? તેમણે ગૂંથેલા અપારદર્શક જાળાનું રહસ્ય શું છે? એક વાત તો નક્કી કે સંઘ ચોક્કસ વૈકલ્પિક દર્શન ધરાવતા વીર્યવાન માણસોનું સંગઠન નથી. વીર્યવાન માણસનું વીર્ય પ્રગટે નહીં એવું બને નહીં. તો પછી સંઘે આટલી તાકાત પ્રાપ્ત કેવી રીતે કરી?
http://www.gujaratimidday.com/features/sunday-sartaaj/sunday-sartaaj-13092015-11
સૌજન્ય : ‘નો નૉન્સેન્સ’ નામક લેખકની કોલમ, ‘સન્નડે સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 13 સપ્ટેમ્બર 2015