Opinion Magazine
Number of visits: 9871844
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સ્વાયત્તતા મુદ્દે સરકારનો વિરોધ ૨૦૦૭માં

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|3 August 2015

પ્રથમ વ્યક્તિ એકવચનથી થયેલા આ લખાણની વાત નવી નથી, જૂની છે. પણ અત્યારે તેને પ્રસ્તુત જણાઈ, એટલે સ્થાન આપવા માટે તંત્રીને વિનંતી કરું છું.

લક્ષ્મણ માનેના દલિત આત્મકથન ‘ઉપરા’ના ગુજરાતી અનુવાદ માટે દિલ્હીની કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો ‘અનુવાદ પુરસ્કાર ૨૦૦૬’ એ પછીના વર્ષે સ્વીકારતા અંગ્રેજીમાં કરેલા ભાષણમાં આભાર અને અનુવાદક તરીકેના ઘડતરની વાત કરી હતી. તદુપરાંત માનેનું પુસ્તક જે વિચરતી અને વિમુક્ત જાતિના અનુભવોનું કથન કરે છે, તે સમુદાયો વિશે કંઈક વાત કરી હતી. સામાજિક નિસબત ધરાવતા આવા સાહિત્યના અનુવાદની ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણની લોકવિરોધી નીતિઓના યુગમાં વિશેષ જરૂરિયાત છે, એમ એ નીતિઓ સામે ટીકાના સૂર સાથે નોંધ્યું હતું. એ વખતે કેન્દ્રમાં  યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સની સરકાર હતી. એ ભાષણ પછીથી ગુજરાતી વિચારપત્રોમાં પણ છપાયું હતું.

દિલ્હીની અકાદમીના પુરસ્કારને પગલે ગુજરાતી સાહિત્ય અકાદમીનો ૨૦૦૩ના વર્ષ માટેના અનુવાદ માટેનો પ્રથમ પુરસ્કાર પણ ‘ઉપરા’ માટે જાહેર થયો. તેનો પ્રશસ્તિપત્ર અને પાંચ હજાર રૂપિયાનો ચૅક પણ સપ્ટેમ્બર ૨૦૦૭ના પહેલા વર્ષમાં ટપાલ દ્વારા મોકલવામાં આવ્યાં. આ પુરસ્કારનો સ્વીકાર મેં વિરોધ સાથે કર્યો. વિરોધ વ્યક્ત કરતો પત્ર મેં ‘દિવ્ય ભાસ્કર’ને મોકલ્યો. અકાદમીને મોકલ્યો કે નહીં તેનું સાંભરણ નથી. તંત્રી અજય ઉમટે અગિયારમી સપ્ટેમ્બર ૨૦૦૭ના અખબારમાં તે પત્ર એક લેખ તરીકે તંત્રીપાને ઊલટભેર છાપ્યો. એ પત્રનો પહેલો વિરોધમુદ્દો અકાદમીની સ્વાયત્તતાનો હતો.

એ પત્ર આ નોંધ સાથે મૂકું છું. પણ તે પહેલાં એ જણાવવું જોઈએ કે આવો કોઈ વિરોધ કર્યો હતો, એ વાત હમણાં અકાદમી સ્વાયત્તતા માટેનું આંદોલન શરૂ થયું, ત્યારથી ગયા અઠવાડિયા સુધી યાદ જ આવી ન હતી. આવું કેમ તે વિચારતા એમ થાય છે કે આમ કરવું એ સહજ ક્રમ હતો. ‘આ તો આમ જ હોયને! આ સન્માન વિરોધ વિના શી રીતે સ્વીકારાય ?’ એવું કંઈક મનમાં હશે. એની પાછળ પ્રકાશ ન.શાહ, પુ.લ.દેશપાંડે, સરૂપ ધ્રુવ, હિરેન ગાંધી, નર્મદ-મેઘાણી લાઇબ્રેરીના સાથીઓ જેવાની વચ્ચે, તેમ જ સામયિકો-પુસ્તકો થકી થયેલું વિચારઘડતર હશે એમ ધારું છું. એ પણ નોંધવું જોઈએ કે મોટા અખબારમાં બહુ સાફ રીતે કરેલા વિરોધ પછી પણ સરકારની કે સાહિત્યકારોની  કનડગત કે કિન્નાખોરી અનુભવી નથી. સરકારે કોઈ સીધા કે આડકતરા ઇશારા  આપ્યા નથી. ‘શબ્દસૃષ્ટિ’માં મારા લેખો તે પછી પણ છપાયા છે. અકાદમીના એક ચર્ચાસત્રમાં વક્તવ્ય પણ આપવાનું થયું છે. લોકશાહીમાં  હોવાનો આ અનુભવ દિલાસો આપનારો રહ્યો છે. ‘દિવ્ય ભાસ્કર’માં આવેલો પત્ર આ મુજબ હતો :

‘ગાંધીનગરની ગુજરાત સાહિત્ય અકાદમીએ ઑગસ્ટમાં જાહેર કરેલા પુરસ્કારોમાં સાહિત્યકૃતિના અનુવાદ માટેનો ૨૦૦૩ના વર્ષનો પ્રથમ ક્રમાંકનો પુરસ્કાર આ લખનારને મરાઠી લેખક લક્ષ્મણ માનેના આત્મકથાત્મક પુસ્તક ‘ઉપરા’ના અનુવાદ માટે મળ્યો છે. પુરસ્કારના પાંચ હજાર રૂપિયાનો ચૅક મને ગયે અઠવાડિયે મળ્યો. ગુજરાત સાહિત્ય અકાદમીનો આ પુરસ્કાર હું સ્વીકારું છું, પણ વિરોધ સાથે.

‘અકાદમી અત્યારે ગુજરાત સરકારના હાથમાં છે. તે સરકારનો હું ત્રણ મુદ્દે વિરોધ કરું છું : (૧) લોકશાહી પદ્ધતિથી રચાયેલી રાજ્ય સરકારે લાંબા સમયથી અકાદમીને યેનકેનપ્રકારેણ પોતાના તાબા હેઠળ રાખીને તેની બંધારણલક્ષી સ્વાયત્તતાનો ભંગ કરવાની પેરવી કરી છે. (૨) એક અધ્યાપક તરીકે, નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રીપદ હેઠળની સરકારની ઉચ્ચશિક્ષણ અંગેની નીતિઓનો હું વિરોધ કરું છું. ઉજવણીઓ, ઉત્સવો અને ખુદની વાહવાહીની જાહેરખબરોમાં રાચતી સરકારે નવી ગ્રાન્ટ-ઇન-એઇડ કૉલેજો શરૂ કરવાને બદલે સેલ્ફ-ફાઇનાન્સ્ડ કૉલેજોને ફૂલવા-ફાલવા દીધી છે. ગ્રાન્ટ-ઇન-એઇડ કૉલેજોમાં નવા અધ્યાપકોની નિમણૂક ન કરીને શિક્ષણને ભારે નુકસાન પહોંચાડ્યું છે. શિક્ષણનું મોટા પાયે સરકારીકરણ થયું છે. સરકારના કહ્યામાં રહેનાર મોટા ભાગના વાઇસ-ચાન્સલરો અને યુનિવર્સિટીના હોદ્દેદારોએ અધ્યાપકોને અન્યાય અને અવહેલના સહન કરવી પડે તેવી રીતિનીતિ અપનાવી છે. (૩) પોસ્ટ દ્વારા ચૅક મોકલી દેવો એ પુરસ્કાર આપવાની રીત ન હોઈ શકે.

‘ઉપર્યુક્ત ત્રણેય મુદ્દા છતાં હું પુરસ્કાર એટલા માટે સ્વીકારું છું  કે સરકાર એટલે કોઈ વ્યક્તિ કે પક્ષ નહીં. સરકાર એટલે લોકો અને સમાજ. પુરસ્કારની રકમમાં મહેનતથી કમાણીમાંથી કરવેરા ભરતા લોકોનો પણ ફાળો છે. એ લોકોમાં અને સમાજમાં મને શ્રદ્ધા છે. પુરસ્કારની રકમનો ઉપયોગ હું ગુજરાતી વિચારપત્રોની સ્વલ્પઅલ્પ સહાય માટે કરવાનો છું.’                           

(૧૧ સપ્ટેમ્બર ૨૦૦૭)     

૨૪ જુલાઈ, ૨૦૧૫

e.mail : sanjaysbhave@yahoo.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉગસ્ટ 2015; પૃ. 11

Loading

શાંતિ અને સમાનતાના પત્રકાર : પ્રફુલ્લ બિડવાઈ

પાર્થ ત્રિવેદી|Opinion - Opinion|3 August 2015

વિશ્વશાંતિ, સામાજિક ન્યાય, બિનસાંપ્રદાયિકતા અને સમાનતા માટે અંગ્રેજીમાં આજીવન કલમ ચલાવનાર પત્રકાર-કટાર લેખક પ્રફુલ્લ બિડવાઈનું ત્રીસમી જૂનના રોજ ૬૬ વર્ષની વયે અવસાન થયું. નેધરલૅન્ડના એમ્સ્ટરડૅમ શહેરની એક હોટલમાં ભોજન લેતી વખતે ખોરાક ગળામાં ફસાઈ જતાં ગૂંગળામણથી તેઓ અચાનક જ મૃત્યુ પામ્યા.

પ્રફુલ્લ બિડવાઈનો જન્મ ૧૯૪૯માં મધ્યપ્રદેશના દેવાસ ગામમાં થયો હતો. પિતા નાગપુરની સરકારી કૉલેજમાં ભૂગોળ વિભાગના વડા હતા. ભણવામાં હોશિયાર પ્રફુલ્લે આઈઆઈટી-મુંબઈમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવ્યો. સાઠના દાયકામાં દુનિયાભરમાં ચાલતા નાગરિક-અધિકારો માટેના આંદોલનની અસર હેઠળ તેમણે તેમની કૉલેજમાં પણ પ્રગતિશીલ વિદ્યાર્થીઓના જૂથની સ્થાપના કરી. આ અંદોલનમાં યુરોપ, અમેરિકા સહિત એશિયા, લેટિન અમેરિકા અને આફ્રિકાના  યુવાનો જોડાયા. તેમણે  દરેક પ્રકારના સંસ્થાનવાદ અને સામ્રાજ્યશાહીનો વિરોધ કર્યો. તેમનાં ધ્યેયોમાં, રાજ્ય અને લોકો વચ્ચે સંવાદ વધે, વિકસિત અને વિકાસતા દેશો વચ્ચેની, તેમ જ ગરીબો અને ધનિકો વચ્ચેની ખાઈ ઓછી થાય, તેવા પ્રયત્નોનો પણ સમાવેશ હતો. સાથે નિઃશસ્ત્રીકરણ અને અણુહથિયારમુક્તિ માટે વિરોધ પ્રદર્શનોમાં પણ આ જૂથ જોડાતું. આ વૈશ્વિક ઘટનાઓની નોંધ ભારતીય પત્રકારો અને પુસ્તક-પ્રકાશકો દ્વારા લેવાઈ. તે સમયનાં પ્રગતિશીલ યુવાનો માટે સંદર્ભસાહિત્ય બન્યું.

ભારતની સામાજિક અસમાનતા અને ખાસ કરીને દલિતો-આદિવાસીઓની દુર્દશા પ્રફુલ્લને અસ્વસ્થ કરતી. તેમણે ટ્રૅડ યુનિયનો અને મુંબઈના દલિત યુવાનો સાથે કામ શરૂ કર્યું. ૧૯૬૯માં આઈઆઈટીનો  પાંચ વર્ષનો અભ્યાસ ત્રણ વર્ષમાં છોડી દઈને પ્રફુલ્લે પૂર્ણ સમયના રેડિકલ રાજકીય કર્મશીલ તરીકે કામ કરવાનું નક્કી કર્યું. ત્યાર બાદ તેઓ મહારાષ્ટ્રના ધુળે જિલ્લામાં ચાલતા શાહદાની ચળવળમાં જોડાયા. નક્સલબારીની ચળવળે ભારતનાં યુવક-યુવતીઓને આકર્ષ્યાં હતા તેમ શાહાદાની ચળવળે મહારાષ્ટ્રના યુવાનોને આકર્ષ્યા હતા. આ ચળવળ આદિવાસીઓ પર થતા અન્યાયના વિરોધમાં હતી. આ લડત આગળ જતાં ખેડૂતોની લડત બની અને ‘શ્રમિક સંગઠન’ અસ્તિત્વમાં આવ્યું.

અભ્યાસ છોડવાનો પ્રફુલ્લનો નિર્ણય માતા-પિતાને અવિચારી લાગ્યો હતો. માતા-પિતાના આ ઠપકાની પ્રતિક્રિયા રૂપે તેમણે કુટુંબ સાથેના સંબંધો લાંબા સમય માટે તોડી નાખ્યા. તે વર્ષો બાદ માતાની માંદગી દરમિયાન ફરી બંધાયા. શ્રમિક સંગઠન સાથે બે વર્ષ કામ કર્યા બાદ નાદુરસ્ત તબિયતને કારણે પ્રફુલ્લને મુંબઈ આવવાની ફરજ પડી. નવી સમાજ-રચનાના ધ્યેયથી ૧૯૭૨માં મુંબઈના મિત્રો સાથે ‘માગોવા’ નામના પ્રગતિશીલ જૂથના નિર્માણમાં પ્રફુલ્લ પણ જોડાયા. ‘માગોવા’માં ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફન્ડામેન્ટલ રિસર્ચ અને ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સાયન્સિસ તેમ જ પૂના અને મહારાષ્ટ્રની વિવિધ સંસ્થાઓના વિજ્ઞાનીઓ, ઇજનેરો, સામાજિક વિજ્ઞાનના અભ્યાસીઓ, તબીબો સામેલ હતા. ૧૯૭૫માં કટોકટી જાહેર થયા બાદ આ જૂથની પ્રવૃત્તિઓ પર કાપ મુકાયા છતાં બાર પૂર્ણ સમયના કર્મશીલોએ ૧૯૭૮ સુધી ‘માગોવા’ની વિવિધ પ્રવૃત્તિઓ ચાલુ રાખી.

પ્રફુલ્લ ૧૯૭૭ બાદ ‘માગોવા’ની પ્રવૃત્તિ ઓછી કરી હવે વધુ સમય વર્કર્સ ડેમોક્રેટિક યુનિયનને આપવા લાગ્યા. તે સમયે તેમણે ‘ઇકોનૉમિક ઍન્ડ પોલિટિકલ વિકલી ઑફ ઇન્ડિયા’માં લેખો લખવાનું શરૂ કર્યું. ત્યાર બાદ થોડો સમય ઑક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસમાં પ્રૂફરીડર તરીકે કામ કરી ૧૯૭૮માં ‘બિઝનેસ ઇન્ડિયા’માં પત્રકાર તરીકે જોડાયા. ૧૯૮૧થી ’૯૭ સુધી તેઓ ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’માં રહ્યા. ફ્રીલાન્સ પત્રકાર તરીકે તેમના લેખો અને અભ્યાસો આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સામયિકો અને અખબારોમાં છપાતા. તે બાર વર્ષ ‘ફ્રન્ટલાઇન’ પખવાડિક સાથે હતા. ભોપાલ ગૅસદુર્ઘટનાનાં કારણો અને તેની અસરો પરના  અનેક અભ્યાસપૂર્ણ તેમણે ‘ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’માં લેખો લખ્યા. વિકાસ માટેની દોડમાં બેપરવાહીથી લેવાયેલા નિર્ણયોની પર્યાવરણ અને સમાજ પર ઊભી થતી અસરની બાબતમાં તીવ્ર સંવેદનશીલતા ધરાવતા પ્રફુલ્લ નર્મદાબચાવ આંદોલનના પ્રખર સમર્થક હતા. તેમણે મેધા પાટકરને નવા હરિતયુદ્ધના પ્રણેતા ગણાવ્યાં છે. તે માનતા કે નર્મદાબચાવ અંદોલન માત્ર શાંતિપૂર્ણ રીતે લોકોની પુનર્વસનની અવિરત માંગણી કરનારું આંદોલન હતું. વળી, તેના થકી મોટી યોજનાની પર્યાવરણીય, સામાજિક અને આર્થિક અસરો પ્રત્યે ગુનાઇત બેપરવાઈ, અસરગ્રસ્તોનો લેવાતો ભોગ જેવા પ્રશ્નો વિશ્વ સ્તરે ચર્ચામાં મુકાયા. પ્રફુલ્લે બાબરી મસ્જિદનો ધ્વંસ, સાંપ્રદાયિકતાના અને શિક્ષણના કોમવાદીકરણના વિરોધમાં પણ લખ્યું છે. બજારવાદના તેઓ કડક ટીકાકાર હતા.

બિનજોડાણવાદના પુરસ્કર્તા પ્રફુલ્લ જણાવે છે કે નેહરુવિયન મત પ્રમાણે લોકશાહી, બિનસાંપ્રદાયિકતા અને આત્મનિર્ભર ન્યાયપૂર્ણ વિકાસ આજે પહેલાં કરતાં વધુ પ્રસ્તુત છે. અત્યારે આર્થિક અસમાનતા પાછલાં વર્ષો કરતાં અનેક ગણી વધી છે. આ સંજોગોમાં ભારતે કંઈક સારું કરવું હોય તો પશ્ચિમનું અનુકરણ છોડી વૈશ્વિક શાંતિ, ન્યાય અને સમાનતાના સમર્થન સાથે કચડાયેલા લોકોનો અવાજ બનવું પડશે.

પ્રફુલ્લ ઝિયોનવાદ વિરોધી હતા અને છેલ્લાં સિત્તેર વર્ષોથી સ્વતંત્ર રાજ્ય સ્થાપવા માટે મથતા પૅલેસ્ટાઇનના લોકોના સમર્થક હતા. દિલ્હીના પૅલેસ્ટાઇન દૂતાવાસે રાજ્ય અને લોકો વતી બિડવાઈના અવસાન અંગે દુઃખ વ્યક્ત કરીને તેમને બાંધછોડ ન કરતા પત્રકાર અને નૈતિક સભાનતા સાથેના જાહેરજીવનના બૌદ્ધિક ગણાવ્યા છે. પ્રફુલ્લ વૈશ્વિક અણુનિઃશસ્ત્રીકરણના હિમાયતી હતા. ૧૯૯૮માં જ્યારે ભારત-પાકિસ્તાને પરમાણુ-અખતરા કર્યા, ત્યારે તેમણે અણુનિઃશસ્ત્રીકરણ અને શાંતિ માટેના સંગઠનની રચનામાં સક્રિય યોગદાન આપ્યું. વળી, તેઓ કોઈ પણ પ્રકારના અણુ-ઊર્જા ઉત્પાદનના વિરોધી હતા તેમ જ અણુવિદ્યુત મથકોનાં વિસ્તરણ અને મથકો દ્વારા નિયત ધોરણોના ભંગ અંગે સખત વિરોધ નોંધાવતા. તાજેતરમાં તેઓ ભારતમાં ડાબેરી આંદોલન વિષય પર પુસ્તક લખી રહ્યા હતા. ભારતમાં ડાબેરી ચળવળનું ભાવિ સમજવા માટે તેમને આ વિષય સાથે સંકળાયેલા અનેક લોકોની રૂબરૂ મુલાકાત લીધી હતી.

ભવિષ્યના ગુજરાતી પત્રકારો જાહેરજીવનના પ્રશ્નોમાં રસ લઈ સ્વતંત્ર અને નિર્ભિકપણે સમાજના મૂંગા છતાં દબાયેલા અને કચડાયેલા લોકોનો અવાજ બની વ્યક્ત થાય તે પ્રફુલ્લ બિડવાઈને સાચી શ્રદ્ધાંજલી હશે.  

e.mail : parth.trivedi18@yahoo.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉગસ્ટ 2015; પૃ. 18

Loading

તિર્યકી

હિમાંશી શેલત|Opinion - Opinion|3 August 2015

‘સ્ટૅન્ડ’ લેવાનું, એટલે શું કરવાનું ?

તમે આ છેલ્લા કેટલાક દિવસોથી ‘સ્ટૅન્ડ લો, સ્ટૅન્ડ લેવું જોઈએ, સ્ટેન્ડ લેતા નથી’, એમ બબડો છો, તે હવે મારું માથું તપી ગયું છે. ગુજરાતીમાં કેમ બોલતા નથી આટલું વાક્ય? ‘સ્ટૅન્ડ લેવાનું’ એટલે શું કરવાનું? ઊભો તો છું બરાબર, પછી વળી વધારાનું કયું સ્ટૅન્ડ લઉં?

શું કહ્યું તમે? આને ટેકો આપ્યો એટલે પેલાને ના અપાય, અને પેલાને સમર્થન આપ્યું. તેથી આને ના અપાય, એમ વળી કોણે કીધું? અમે તો ભઈ ઉદારમત ધરાવીએ, આને, તેને, પેલાને, ઓલાને, તમામને ટેકા આપીએ અને સામેથી જે મળે એ લઈએ પણ ખરા, તમે શું આપો છો? ડિંગો? તો તમને ટેકો ક્યાંથી મળે? કઈ સદીમાં જીવો છો, ભલા આદમી! ગાંધીબાપુની? અચ્છા, અચ્છા, એ તો વળી સારું જ છેને! બાપુ તો મહાન હતા, એમણે સિદ્ધાંતનિષ્ઠાની કેટલી સરસ વાત કરેલી! આપણો ય ચોખ્ખો સિદ્ધાંત છે, ક્યાંકથી કશુંક પ્રાપ્ત થવાનું હોય, થતું હોય, થવાની સંભાવના હોય, સંભાવનાનીયે સંભાવના હોય, તો ‘ક્યાંક’કે ટેકો આપવો, ધારો કે કશુંયે ના મળવાનું હોય તોપણ કોઈની બેડ બુક્સમાં શા માટે આવવું? ગૂડ બુક્સમાં રહીએ તો નામ ઊજળું રહે, આપણે ‘સર્વમિત્ર’ તરીકે સ્વીકૃતિ પામીએ. એમ હોય તો આવું ચપટી જે મળે તે નમ્રભાવે ગ્રહણ કરીએ, ‘ના’ પાડીએ નહીં કદી. એક નન્નો સર્વ પીડાનું મૂળ. જ્યાં બોલાવે ત્યાં જઈએ અને સ્થાન શોભાવીએ. સ્થાન શોભાવવું એ જ તો જીવનનો સાર છે! જીવનના આ તબક્કે બીજું શું કરવાનું?

તે લો! આમાં વ્યક્તિત્વની પ્રામાણિકતા અને સત્યપ્રિયતા કે સુગ્રથિતતા ક્યાં આવી?

એવા ભારે-ભારે શબ્દો વાપરીને મને ડરાવો નહીં. મને તો એક બાબતનો પાકો ભરોસો, આ શ્વાસ લઉં છું તે મારી સ્વાયત્તતા નહીં કે? માનું છું કોઈનું કે એક મિનિટમાં અમુકતમુક શ્વાસ જ લેવાના? બંધાયો છું કશાથી? બસ, આ જ છેવટની સ્વતંત્રતા કે સ્વાયત્તતા, કે જે ગણો તે!

શું બોલ્યા તમે? એ દિવસોમાં જે ઠરાવને અમારી સહી આપી, એનાથી સાવ વિરોધી કહેવાય, એવા વર્તનને સમર્થન કેમ આપ્યું, એમ સવાલ કરો છો? અરે, જાણતા નથી, man is a bundle of contradictions ! માનવમાત્ર વિરોધાભાસોનું પોટલું છે, આ કાયમનું સત્ય છે, લખી રાખો મારા તરફથી. મનખામન તો વિરોધી વિચારોનો શંભુમેળો છે. તમે અમથું-અમથું જ ‘સ્ટૅન્ડ લો, સ્ટૅન્ડ લો’ કર્યા કરો છો! કોઈ આદરથી બોલાવે, માન આપે, નોંતરે, તો શું અનાદર કરવો નોતરવાનો? ના ના, તમે જ બોલો, આપણા સંસ્કાર આપણને તોછડા બનાવે?

મારે ‘ના’ પાડતાં શીખવું જોઈએ, એવી સલાહ આપો છો? ‘ના’ શા માટે ભઈ? હું તમને કહીશ કે તમે ‘હા’ પાડો, અને જુઓ, એક ‘હા’ કેટલાં બારણાં ખોલી શકે છે! મેં બે અલગ-અલગ, સામસામા છેડાને મુદ્દે ‘હા’ કેમ પાડી? અરે, બે શું, હું તો બાર જગ્યાએ પણ ‘હા’ પાડીશ. એ મારી મુનસફી, મારી સ્વાયત્તતા. બેસણી વગરના જલપાત્ર જેવો છું હું, એમ આપેક્ષ કરો છો? તે એ તો વધારે સારું, બેસણાવાળાં જલપાત્રો તો સ્થિર રહે, બેસણી વિનાનું અત્ર, તત્ર, સર્વત્ર જલનો છંટકાવ કરી સઘળું પરિપ્લાવિત કરે. બજારમાં આવાં પાત્રોનું વિશિષ્ટ મૂલ્ય હોય છે, ભાન પડે છે કંઈ? તમારી પાસે રતિભાર પણ વહેવાર બુદ્ધિ હોય તો તમે આ ફટાફટ સમજી શકો.

જુઓ, હવે ફરી ‘સ્ટૅન્ડ લો !’ એ રટણ ચાલુ ના કરશો. માતૃભાષામાં એને શું કહેવાય છે એ સમજાવો. ‘સ્ટૅન્ડ લેવાનું’ એટલે શું કરવાનું? મને સાફ ગુજરાતી કહી દેખાડો.

અરે, ના હોય એમ, સ્ટૅન્ડ લેવાની કોઈ સ્વચ્છ સુરેખ અને પર્યાપ્ત અભિવ્યક્તિ ગુજરાતીમાં નથી? શોધવાની બાકી છે, એમ?

– તો એ જ કરોને, ભલા માણસ! બીજી બધી લમણાંફોડ છોડીને …

સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉગસ્ટ 2015; પૃ. 19

Loading

...102030...3,8253,8263,8273,828...3,8403,8503,860...

Search by

Opinion

  • 1991ના દેશના આર્થિક સંકટમાંથી આપણે શું શીખી શકીએ?
  • અનામત કોઈને માટે ક્યાં સુધી ચાલુ રાખવી જોઈએ?
  • પરફોર્મેટિવ પૉલિટિક્સઃ રાજકારણ હવે માત્ર શાસન નહીં, વાયરલ થવાની કળા પણ
  • રાષ્ટૃની વિભાવના : સંઘર્ષ સમજૂતિ અને સ્થાપિત એજન્ડા
  • ચલ મન મુંબઈ નગરી—342

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved