Opinion Magazine
Number of visits: 9771025
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ધર્મક્ષેત્રે અકાદેમીક્ષેત્રે

પ્રકાશ ન. શાહ|Opinion - Literature|17 October 2015

અનાયાસ, અન્આયોજિત પણ બરાબર જયપ્રકાશ જયંતી પર્વે ગુજરાતે ‘ગણેશાય નમઃ’ ઠીક કર્યું : ગણેશ દેવીએ અકાદેમી સન્માન પાછું વાળ્યું અને દેશની સ્વાયત્ત હોઈ શકતી સાહિત્ય અકાદેમીને જરી જાતિસ્મરણજ્ઞાન વાસ્તે હૃદયકંપની ઉદય પ્રકાશ અને નયનતારા સહગલે શરૂ કરેલી અને ગુજરાત જેવા અપવાદ સિવાય તો જંગલના દવ જેવું પરિમાણ ધારણ કરી રહેલી પ્રક્રિયામાં સમિધ પૂર્યું. વળતે દહાડે, ગુજરાતમાં સ્વાયત્ત અકાદમી આંદોલનની ઉમાશંકર-દર્શક-નારાયણ દેસાઈ પરંપરાથી કિનારો કરતા રહેલા અનિલ જોશીએ પણ અકાદેમી સન્માન પાછું આપવાપણું જોયું.

કેન્દ્રીય સાહિત્ય અકાદેમીના વર્તમાન અધ્યક્ષ વિશ્વનાથ પ્રસાદ તિવારીથી ગુજરાત છેક અપરિચિત નથી. રઘુવીર ચૌધરીને અકાદેમીના મહત્તર સદસ્ય(ફેલો)નું માન આપવા અકાદેમીના અધ્યક્ષને નાતે તેઓ આવ્યા હતા અને પ્રત્યક્ષ જીવન તેમ જ સમાજ સાથે સાહિત્યના અનુબંધની ભૂમિકાએથી કંઈક કિસાની લહેજામાં વાત પણ કરી હતી. આ દિવસોમાં તેઓ પોતાના અને અકાદેમીના વજૂદની કસોટી ને કટોકટીમાંથી પસાર થઈ રહ્યા છે. કલબુર્ગી સરખા અકાદેમી સન્માન પ્રાપ્ત સાહિત્યસેવીની નિર્ઘૃણ હત્યા પરત્વે ધોરણસરના શોકઠરાવની રીતે પેશ આવવામાં અકાદેમી ઊણી ઊતરી એ વાનું ઊંટની પીઠ પરના છેલ્લા તણખલાની પેઠે ઊપસી રહ્યું છે. સફાળા જાગેલા તિવારીજી હવે સિતાંશુ યશશ્ચંદ્ર આદિએ સૂચવ્યા પ્રમાણે તરતના દિવસોમાં (૨૩મી ઑક્ટોબરે) અકાદેમી કારોબારી મંડળની તાકીદની બેઠક વાટે પથસંસ્કરણ કરવા ધારે છે.

પ્રશ્ન આ છે – પથસંસ્કરણ એટલે શું. એક રીતે અધ્યક્ષ તિવારી અને રાજ્યસ્તરના સાંસ્કૃિતક મંત્રી મહેશ શર્માનો મુદ્દો દુરસ્ત જ છે કે અકાદેમી એવોર્ડોની પ્રક્રિયા ‘લેખકો તરફથી લેખકોને’ પ્રકારની છે એટલે કે એમાં સરકારની સીધી સંડોવણી નથી. આ વિગત સંભારી આપવા બદલ આપણે એમના આભારી રહીશું. પણ સરવાળે તો એ સપાટ સમજૂત માત્ર છે. અકાદેમીની પોતાની કામગીરીમાં સરકારી અભિગમ અને રાજકીય વાયુમંડળનો તેમ વિચારધારાકીય હિંસ્ર જમાવડાનો ઓથાર નહીં હોય એમ તો કહી શકાતું નથી. છતી સ્વાયત્તતાએ જો વિવેકપુરસ્સર ઍસર્ટિવ ન રહી શકીએ તો તે કાગળ પરની શાહી માત્ર બની રહે છે. તેથી અકાદેમીની આગામી બેઠકે ધોરણસરના શોકપ્રસ્તાવના રસમી રાબેેતે નહીં અટકતાં ભોં ભાંગવાથી માંડીને જરી વંડીઠેકનું ય ઠેકાણું પાડવું રહેશે.

અહીં દાદરીખ્યાત મહેશ શર્માની ભૂમિકા સંદર્ભે બે શબ્દો લાજિમ છે. એમની અને તરુણ વિજય (પૂર્વતંત્રી, પાંચજન્ય)ની વાત કંઈક એવી રહી છે કે જો ખાલી ગોમાંસભક્ષણની  અફવાથી કોઈની હત્યા થઈ હોય તો એ ખોટું કહેવાય. બીજા શબ્દોમાં, પ્રતાપભાનુ મહેતાએ તત્ક્ષણ પણ સ્થાયી મૂલ્યવત્તાવાળી ટિપ્પણીરૂપે ખોલી બતાવ્યું હતું તેમ, ધારો કે એણે ગોમાંસભક્ષણ સાચે જ કર્યું હોય તો એની સરિયામ હત્યા (લિન્ચિંગ) વાજબી (બલકે, ધર્મ્ય) લેખાય.

પણ વાત આપણે સ્વાયત્ત એવોર્ડ પ્રક્રિયા અને અકાદેમી વિશે કરતા હતા એમાં આ દેખીતો અવાન્તર હવાલો શીદને, એમ પણ કોઈક પૂછી તો શકે. ભાઈ, એટલા માટે કે આપણને સુધબુધ રહે કે કિયા રાજકીય અગ્રવર્ગ હેઠળ આપણે કામ કરવાનું છે. મહેશ શર્મા કહે છે કે લેખકો ફરિયાદ કરે છે કે અમે સ્વતંત્રપણે લખી શકીએ નહીં એવો માહોલ બની રહ્યો છે. વારુ, શર્માજી અસંદિગ્ધ શબ્દોમાં ઉમેરે છે, એવું હોય તો એક વાર તમે લખવાનું બંધ કરો પછી જોયું જશે. રૂઢિચુસ્ત દબાણ (અને એ દબાણ પાછળના રાજકીય સૅન્ક્શનવશ) લેખકે લેખનપૂરતી આત્મહત્યા વહોર્યાથી માંડીને સામેવાળા તરફથી લગભગ આતતાયીવધની નોબત વહોર્યાનું બની રહ્યું છે. પણ મહેશ શર્માના સાંસ્કૃિતક સિસ્મોગ્રાફમાં તે સ્વાભાવિક જ ઝિલાતું નથી. આ સંજોગોમાં તિવારી અને કાર્યવાહક સાથીઓએ અકાદેમીના સ્તરે ખરા ઈલમી, ખરા શૂરા પુરવાર થવાની દૃષ્ટિએ ૨૩મીની કારોબારી બેઠક સાથે દુર્ગભેદની શરૂઆત કરવાની રહે છે.

કાયદો હાથમાં લઈને કથિત ગોમાંસભક્ષીની હત્યા કરવી કે રૂઢિદાસ્ય અને ધર્માંધતા પરત્વે આલોચનાત્મક વલણને વરેલા લેખક(જેમ કે, કલબુર્ગી)ની હત્યા કરવી તે વિચારધારાની રીતે અને માનસિકતાની રીતે લગભગ એક જ ફ્રિકવન્સી પરની બીના છે તે કહેવાની જરૂર ન હોવી જોઈએ. બલકે, સાથોસાથ, મહેશ શર્માની એ બુનિયાદી સફાઈની પણ સજગ નોંધ લેવાવી જોઈએ કે લેખકો કઈ વિચારધારા ધરાવે છે તે પણ અમારે જોવું રહેશે. ટૂંકમાં, આતતાયીવધની ભૂમિકાએથી ‘ધ અધર’ સારુ અમારી મૃગયા બરકરાર છે.

રાષ્ટ્રીય સ્તરના આ ઘટનાક્રમનો ગુજરાત બાબતે શો પદાર્થપાઠ, કોઈ જરૂર પૂછી શકે. ઠીક ઠીક પ્રાતિનિધિક અને ગૌરવોજ્જવલ પ્રણાલિપ્રસંગો છતાં કેન્દ્રિય સાહિત્ય અકાદેમી આજે વજૂદ પુરવાર કરવાની કે કદાચ એથીયે આગળ હયાતીના પ્રમાણપત્રની શોધ જેવી સ્થિતિમાં મુકાઈ ગઈ છે. એક ગુજરાતી તરીકે તમને ને મને આજે એ વાતનાં ઓસાણ નથી કે પાસ્તરનાકને મુદ્દે રશિયા સાથે કડક વલણ અખત્યાર કરી શકતા અકાદેમી અધ્યક્ષ (અને વડાપ્રધાન) નેહરુની વાત તો ખેર છોડો, અહીં ઉમાશંકર પણ હતા જેમણે સંબંધિત કેન્દ્રીય મંત્રીને કહ્યું હતું કે અકાદેમીનું અધ્યક્ષપદું એ કોઈ તમારા સેક્શન ઑફિસર તાબેનો ઇલાકો નથી.

ગુજરાત છેડેથી જો કે વિશેષ વિચારવાનું રહે છે. દર્શકના નેતૃત્વમાં શક્ય બનેલી સ્વાયત્ત સાહિત્ય અકાદમીનું ઘોર સરકારીકરણ એમના સોમા-એકસો એકમા વરસમાં બરદાસ્ત કરી લેનાર અક્ષરકર્મીઓ હવે શું કરવા ધારે છે ? સાહિત્ય પરિષદ જેવી પ્રજાકીય સંસ્થા પણ સ્વાયત્ત અકાદમીની માંગણીના પુનરુચ્ચારણ પછી, વર્તમાન પ્રમુખ ધીરુ પરીખની અસંદિગ્ધ ભૂમિકા અને સ્વાયત્તતાને મુદ્દે ડૉ. ટોપીવાળાની નિર્ણાયક ફતેહ છતાં, કશા ટેઇક ઑફ વગરના ચકરાવા ક્યાં લગી લેતી રહેશે? અને ઠીક ઠીક પ્રાતિનિધિક સ્વરૂપની હોવા છતાં જો કેન્દ્રીય સાહિત્ય અકાદેમી આવા એક હારણ દોરમાં મૂકાતી હોય તો ઘરઆંગણે ગુજરાતમાં સરકારીકરણને ધોરણે પરબારી નિયુક્તિથી હોદ્દાનશીન બનેલાઓ ક્યાં સુધી હાલની અનવસ્થાને વળગી રહેવા માગે છે ?

ન તો એ કોઈ પ્રાતિનિધિક કે નિઃશેષ સાહિત્યિક સંસ્થા છે. ન તો એ કોઈ યુનિવર્સિટી છે – અને રાજકીય પક્ષ તો એ નથી જ નથી. છતાં, આ તબક્કે એનું ધન્યસ્મરણ કરીને મારી વાત પૂરી કરીશ. મારો સંકેત આઠ સૈકા પુરાણા બૃહન્મઠ ભણી છે. ચિત્રદુર્ગ સ્થિત બૃહન્મઠે એનું પ્રથિતયશ બસવશ્રી સન્માન હજુ હમણે જ કલબુર્ગીને આપવાનું જાહેર કર્યું છે. એક મઠ તરફથી આવું મરણોત્તર સન્માન વાસ્તવમાં આપણા સમયની એક રોમહર્ષક ઘટના છે, અને ધર્મપ્રવણ હોવું તે કોઈ કઈ ગુજરી વાત નથી એની જીવંત સાહેદી પણ. કલબુર્ગીએ ચોક્કસ મુદ્દે બસવેશ્વરની આલોચના કર્યાને કારણે કેટલાંક ધર્માંધ તત્ત્વોની નજરમાં આતતાયી જેવા હતા. પણ બૃહન્મઠની ભૂમિકા એ છે કે જેમ બસવેશ્વરની તેમ કલબુર્ગીનીયે કોશિશ આલોચનાવિવેકપૂર્વક સમાજપરિવર્તનની હતી. તેથી કલબુર્ગી બસવશ્રી સન્માનના સાચ્ચા અધિકારી છે… ખરા ઈલમી, ખરા શૂરાઃ જેમ કલબુર્ગી તેમ બૃહન્મઠ પણ.

કલાપીકૃપાએ સૂઝી આવેલા આ બે પ્રયોગો – ખરા ઈલમી, ખરા શૂરા – આપણા અક્ષરકર્મીઓ વચ્ચે વાઇલ્ડ લાઈફ વન્ડર અગર ક્યુરિયો આઈટમ નહીં બની રહેતા ઉત્તમા સહજાવસ્થા શો સુખાનુભવ બની રહે એથી વધુ હું કશું ન માંગુ.                                    

સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૉક્ટોબર 2015; પૃ. 01-02 

Loading

ભીખાજીનો ભેદ

આનન્દરાવ લિંગાયત|Opinion - Short Stories|17 October 2015

એક નદી પર નાનો પૂલ બંધાઈ રહ્યો હતો. અમારી ટૅક્સી એ સ્થળે આવી. અમારો ડ્રાઈવર થાક્યો હતો. એને આરામ મળે અને પૂલનું બાંધકામ પણ જોવા મળે એ દૃષ્ટિએ અમે ત્યાં એક ઝાડ નીચે, થોડે દૂર અમારી ટેક્સી ઊભી રાખી. છાયામાં પાથરણું પાથર્યું. ભાથાના ડબ્બા ખોલ્યા. પાણીની બાટલીઓ ખોલી અને આરામથી ખાવાનું શરુ કર્યું.

થોડે દૂર મજૂરો પૂલનું કામ કરી રહ્યા હતા. મુકાદમ આંટા મારી રહ્યો હતો. કૉન્ટ્રાક્ટર સાહેબ પણ એમની ગાડી બીજા ઝાડ નીચે પાર્ક કરી અન્દર બેઠા હતા. કંઈક ઠંડું પીણું પીતાં પીતાં કામની પ્રગતિ નિહાળી રહ્યા હતા.

બપોરે વિરામનો ટાઈમ થયો એટલે થોડી વાર માટે કામ બંધ થયું અને મજૂરો ખાવાપીવામાં લાગી ગયા. કૉન્ટ્રાક્ટર સાહેબ પણ હવે એમની ગાડીમાં ત્યાંથી રવાના થઈ ગયા.

અમારી ટૅક્સીમાં અમે ચાર જણ હતા. એમાંના એક મારા મિત્ર અમેરિકાથી આવ્યા હતા. એન્જિનિયર હતા. બહુ વર્ષે એ દેશમાં આવેલા. એમને ગામડાઓમાં ફરવું હતું. ગ્રામ્ય વિસ્તારના જીવનનો અનુભવ નજરે જોવો હતો. એટલે અમે ટૅક્સી લઈને બધે ફરતા હતા. છેલ્લાં 45 વર્ષથી આ મારા મિત્ર અમેરિકામાં સ્થાયી થયેલા છે. કમાયા પણ બહુ છે. ‘મલ્ટીમીલિયોનેર’ ગણાય છે. એટલે કે અઢળક પૈસો એમની પાસે છે. એમનાં બાળકો અને પૌત્ર–પૌત્રીઓ તો અમેરિકામાં જ જનમ્યાં છે. એટલે એ છોકરાંઓને તો ઈન્ડિયા વિશે ઝાઝી માહિતી નથી. ક્યાંથી હોય ? મનુષ્ય આદિ કાળથી સ્થળાન્તર કરતો રહ્યો છે. અનુકૂળ આવે ત્યાં પોતાનું નવું ઘર વસાવે છે. રોજી–રોટી અને સાથે સુખસમૃદ્ધિ મળવા માંડે એટલે એ નવા સ્થળને ‘વતન’ બનાવી દેતો હોય છે. જોતજોતાંમાં એ નવી ધરતી ઉપર એકબે પેઢી થઈ જાય છે અને બાપદાદાનો મૂળ જૂનો મુલક વિસારે પડી જાય છે. અમેરિકા એક એવી ભૂમિ છે, જેણે દુનિયાના તમામ દેશોના લોકોને આવકાર્યા છે. કોઈ પણ પ્રકારની રૂકાવટ વગર એમને આબાદ થવાની તક આપી છે. એમની તમામ શક્તિઓને વિકસવા દેવાની તક આપી છે.

થોડું ખાઈ લીધા પછી મજૂરોને મળવા અમે એમના તરફ ચાલવા માંડ્યા. અમેરિકાથી આવેલા મિત્ર લેખક પણ છે. અમેરિકન મજૂરની તન્દુરસ્તી અને આ મજૂરોની શારીરિક હાલત વિશે એમણે મને થોડો ખ્યાલ આપ્યો.

મિત્રે કહ્યું, ‘ચાલો, આપણે જરા પગ છૂટા કરીએ … પેલા મજૂરો સાથે થોડીક વાતો કરીએ.’

‘ચાલો …’ હું એમની સાથે જોડાયો. ઝાંખરાં કાંટાથી સાચવતા સાચવતા અમે એક ઝાડ નીચે આવ્યા. ચાર–પાંચ મજૂરો ત્યાં રોટલા ખાઈ રહ્યા હતા.

‘કેમ છો બધા ?’ મારા મિત્રે એ બધાંને પૂછ્યું.

‘બસ .. સાહેબ, આ રોટલા ખાઈએ છીએ.’ જવાબ મળ્યો.

એમાંના એક બોકલણા મજૂરે પૂછ્યું …

‘સાહેબ, તમે અમારા કંટ્રાટી સાહેબના સમ્બન્ધી છો ?’

‘ના ભૈ ના. તમારા કંટ્રાટીને અને અમારે કાંઈ લેવા દેવા નથી. અમે તો ફરવા નીકળ્યા છીએ. થાક્યા છીએ એટલે થોડીવાર ટૅક્સી અહીં ઊભી રાખી છે … આ તમારું બાંધકામ કેમ ચાલે છે ?’ મારા મિત્રે પૂછ્યું.

‘કામ તો ચાલ્યા કરે સાહેબ …’ પેલા મજૂરે જવાબ આપ્યો. બીજા મજૂરો પણ એની ‘હા’માં ‘હા’ પરોવવા લાગ્યા. ‘મજૂરી છે સાહેબ … નરી મજૂરી, બીજું શું ? તાપતડકે કાળી મજૂરી કરીએ ત્યારે રોટલો પેટમાં નાંખવા મળે. અમારી તે કાંઈ જિન્દગી છે સાહેબ ! આ ધૂળઢેફાં જોડે જ અમારી જિન્દગી રગદોળાઈ જવાની. અને આ કંટ્રાટી માલામાલ થઈ જવાનો. એક તો મજૂરી ઓછી આપે અને ચોમાસુ આવે છે એટલે અમારી પાસે કામ ઝડપથી કરાવવા માંગે છે. એના પૂલ માટે અમે શું અમારી જાત તોડી નાખીએ ? અમે તો જેટલું થાય એટલું કરીએ.’ ત્યાં બેઠેલા બીજા મજૂરોએ પણ હસીને આ વાતનું સમર્થન કર્યું. ત્યાંથી અમે આગળ વધ્યા.

બીજા એક ઝાડ નીચે પણ થોડા મજૂરો રોટલા ખાતા બેઠા હતા. એમાં એક ત્રીસેક વર્ષનો યુવાન હતો. બાજુમાં એની પત્ની બેઠેલી લાગી. એમનાં બે નાનાં છોકરાં રમતાં હતાં. એક પ્રૌઢ સ્ત્રી પણ હતી. એ આ યુવાનની મા હોય એવું લાગતું હતું. આખું કુટુમ્બ મજૂરીએ આવેલું હતું.

‘કેમ છે ભાઈ… તારું નામ શું ?’ મારા મિત્રે પૂછ્યું.

‘સાહેબ, મારું નામ ભીખાજી છે …’ એણે હાથમાંની જાડી રોટલી નીચે મૂકી અને અમને પ્રણામ કર્યાં.

‘શું ભીખાજી, આ પૂલનું કામકાજ કેમ ચાલે છે ?’

‘આમ તો બધું બરાબર ચાલે છે, સાહેબ. અમારા કંટ્રાટી સાહેબને ચોમાસા પહેલાં પૂલ પૂરો કરવો છે. નહીંતર પાછું કામ અટકે અને એમને નુકસાન થાય. એટલે વરસાદ પહેલાં કામ પુરું થઈ જાય તો સારું એમ કહે છે. નદીમાં પાણીનાં પૂર આવે પછી કશું થાય નહીં.’

‘મજૂરીના પૈસા તો બરાબર મળે છે ને ?’ મિત્રે પૂછ્યું.

‘સાહેબ, એ તો બધાંને મળે એ અમને મળે. મજૂરીના જે ભાવ ચાલતા હોય એ મળે. આ તો મોટો ઉપકાર છે સાહેબ, કે આ કપરા કાળમાં પ્રામાણિકતાથી પેટ ભરવા માટે આ મજૂરી મળી રહે છે !’

‘ભીખાજી, આ મજૂરીનું કામ તને ગમે છે ?’

‘સાહેબ, ગમે કે ના ગમે … હું ભણ્યો નથી. એટલે જે મળે તે કરવું તો પડે જ ને ?’ મજૂરી તો કરવાની જ છે ! તો પછી આનન્દથી કેમ ના કરવી ? મજૂરી આનન્દથી કરીએ તો પછી એ વૈતરું ના લાગે … વૈતરું ના લાગે એટલે એનાથી થાક પણ ઓછો લાગે. માટે સાહેબ, હું તો આનન્દથી મજૂરી કરું છું. રોદણાં રડીને ફરિયાદ કર્યા કરવાથી શો ફાયદો ? મારા બાપા પણ આ જ રીતની મજૂરી કરતા હતા. હું પણ એ જ કરું છું … અને કદાચ મારાં આ છોકરાં પણ એ જ કરશે. ગરીબીનું ચક્કર છે, સાહેબ. અને સાહેબ, એક વાત કહું ?’ ભીખાજીએ કોળિયો ચાવીને ગળે ઊતાર્યો.

‘બોલ…’

‘આ પૂલ પૂરો થશે ત્યારે એના ઉપરથી રોજ હજારો લોકો, ગાડાં, ઢોરાં, રિક્સાઓ અને બીજાં કેટલાં ય વાહનો પસાર થશે. … એક ગામથી બીજા ગામ જવાનું અન્તર ઘટીને કેટલું ઓછું થઈ ગયું હશે ! લોકો કેટલાં ખુશ થશે ! અને સાહેબ, ભવિષ્યમાં હું ઘરડો થઈને આ પૂલ ઉપરથી પસાર થઈશ ત્યારે મનમાં ને મનમાં કેવો રાજી થઈશ કે આ પૂલના મોટામોટા થાંભલામાં સિમેન્ટ રેડનારો હું પણ એક મજૂર હતો ! લોકો ભલે મને યાદ ના કરે; પણ મને તો આખી જિન્દગી યાદ રહેશે જ ને !’

મારા મિત્ર ખૂબ ખુશ થઈને ભીખાજીના આ શબ્દો સાંભળી રહ્યા. ક્યાં ય સુધી એ ભીખાજીના મોં તરફ તાકી રહ્યા. ભીખાજીની બૈરી અને એની મા મારા મિત્ર તરફ જોઈ રહ્યાં. ભીખાજીની વાત ઉપર મારા મિત્ર આટલા બધા ખુશ કેમ થઈ ગયા છે તે આ સ્ત્રીઓને સમજાતું  ન્હોતું.

મારા મિત્ર તરત બોલ્યા.

‘ભીખાજી, આ તારાં છોકરા છે ?’

‘હા સાહેબ …’

‘નિશાળે જાય છે ?’

‘કોઈક વાર જાય … કોઈક વાર ના જાય. ગામથી દૂર મજૂરી કરવા આવ્યા હોઈએ તો પછી નિશાળ કેવી રીતે મોકલાય ?

મારા મિત્રને એકાએક કોણ જાણે શું સૂઝ્યું ! એમણે ભીખાજીને ઊભા થવા કહ્યું. એના ખભે હાથ મૂકી ધીમે ધીમે આગળ ચાલવા માંડ્યા.

એ બન્ને જણા સહેજ દૂર નીકળી ગયા હતા, એટલે એમનો વાર્તાલાપ તો મને સંભળાતો નહોતો. પણ હું એમને જોઈ શકતો હતો. મારા મિત્રે ખીસ્સામાંથી કાગળ પેન કાઢી કાંઈક લખવા માંડ્યું. ભીખાજીને મેં વાંકો વળીને મારા મિત્રના પગ પકડતો જોયો. મારા મિત્રે એના ખભા પકડી એને ઊભો કર્યા કરતા હતા. પોતાને પગે લાગવાની એ ના પાડ્યા કરતા હોય એવું લાગતું હતું. ભીખાજી વારંવાર આંખો લૂછ્યા કરતો હતો.

પછી એ બન્ને પાછા આવ્યા. ભીખાજી એની જગ્યાએ ચાલ્યો ગયો અને અધૂરી રહેલી રોટલી ખાવા પ્રયત્ન કર્યો. પણ આનન્દની ઉત્તેજનાને લીધે ખાઈ શકતો નહોતો. એણે એનાં બન્ને છોકરાંને ખોળામાં ખેંચ્યા અને જોરથી આલિંગન દીધું. એની પત્ની અને એની મા આ બધુ એકાએક શું બની ગયું એ સમજવા બાઘાની જેમ ભીખાજી તરફ જોયા કરતાં હતાં.

મારા મિત્ર મારા તરફ ફર્યા.

‘ચાલો, આપણે હવે અહીંથી આપણા રસ્તે આગળ જઈશું ?’

‘હા … જરુર … ચાલો.’ ભીખાજી અને એના આખા કુટુમ્બને ‘આવજો’ કહી અમે ટેક્સી પાસે પહોંચ્યા. ભીખાજી અને મારા મિત્ર વચ્ચે શું બની ગયું એ રહસ્ય મને કોરી ખાતું હતું. મારાથી સહેવાતું નહોતું. છેવટે મેં પૂછી નાખ્યું :

‘આ … આ … ભીખાજી આટલો બધો ભાવવિભોર કેમ થઈ ગયો હતો ? તમારા બે વચ્ચે શું બની ગયું ?

‘કાંઈ વિશેષ નહીં. મેં ભીખાજીને થોડી આર્થિક મદદ કરવાનું વચન આપ્યું. એટલે આભારની લાગણીથી એ ગળગળો થઈ ગયો. બીજું કાંઈ નહીં.’ બહુ શાંતપણે મિત્રે જવાબ આપ્યો.

‘તમે કઈ રીતની મદદ કરવાના છો ?’

‘બધું સમજાવું. અંગ્રેજીમાં શબ્દો છે : Make a difference in someone’s life – શક્ય હોય ત્યારે કોઈક જરુરિયાતમન્દના જીવનને સ્પર્શ કરીને એને ઉપર લાવવો. મારી આવડત અને મારી મહેનત તથા અમેરિકાએ આપેલી તકને લીધે, મારી પાસે પૈસા છે; એટલે મેં ભીખાજીનાં છોકરાંનો ભણવાનો બધો ખર્ચ પૂરો પાડવાનું એને કહ્યું. મારા થોડાક ટેકાથી ભીખાજી અને એનાં છોકરાંનું જીવન થોડું બદલાઈ જાય તો કેવું સારું ! શ્રીમંતોનું તો આ કામ છે. ફરજ છે. પૈસા એ બિયારણ છે. જ્યાં જરૂરત દેખાય ત્યાં એમણે ઉદારતાથી એની વાવણી કરવી જોઈએ. એનું વળતર દૃશ્ય અથવા અદૃશ્ય રીતે મળ્યા જ કરે છે. It’s an investment in Humanity. આ Philanthropic કામ છે. અમેરિકન શ્રીમંતો પાસેથી મને આ અંગે ઘણું શીખવાનું મળ્યું છે.’

‘પણ તમે આમ એકાએક ભીખાજીને જ મદદ કરવા કેમ તૈયાર થઈ ગયા ? આપણે તો ઘણા મજૂરોને મળ્યા !’

‘જુઓ, આ જગતમાં બધું જ છે. ગુણ છે. અવગુણ છે. સૌન્દર્ય છે. કદરૂપતા છે. દયા છે. ક્રૂરતા છે. ઉત્સાહ છે. રોદણાં છે. ફૂલ છે. કાંટા પણ છે. આ બધામાંથી આપણે જે પસન્દ કરીને લઈએ તે આપણને મળે. એક હિન્દી કવિ(બાપુરાવ)ના શબ્દો છે :

ભરી હૈ દુનિયા કાંટોંસે પ્યારે,
ઔર ભરે હૈ ફૂલ કે ક્યારે;
ચૂન ચૂન કાંટેં જલા ડાલ કર,
ફૂલ સે ઝોલી ભર લેના …..

આ દુનિયા કાંટાથી ભરેલી છે સાથેસાથે એમાં ફૂલોના ક્યારા પણ છે. કાંટાને વીણીવીણીને બાળી નાખજો અને તમારી ઝોળી ફૂલોથી ભરી લેજો ….

‘કેટલા સચોટ અને વ્યવહારુ શબ્દો છે !

‘ભીખાજી આ કવિતાના શબ્દો પ્રમાણે જીવે છે. આપણે પહેલાં મળ્યા, તે બધા મજૂરો રોદણાં રડતા હતા, ફરિયાદો કરતા હતા. કામ એમને માત્ર કાળી મજૂરી લાગતી હતી. એમની મજૂરી માનવતાના હિતમાં કેવો અગત્યનો ભાગ ભજવે છે એનો એમને ખ્યાલ પણ નહોતો. ખોરી દાનતથી માત્ર મજૂરી કર્યા કરતા હતા. આ બીજા મજૂરો અને ભીખાજીની દૃષ્ટિમાં બહુ જ ફેર છે.

‘ભીખાજી અભણ છે; પણ આ કવિતાના શબ્દોની જેમ એ કાંટા દૂર રાખીને ફૂલો તરફ નજર રાખનારો માણસ છે. એ એની મહેનતને માત્ર ‘મજૂરી’ નથી ગણતો. એની પાસે દીર્ઘદૃષ્ટિ છે. પૂલના બાંધકામથી ભવિષ્યમાં લોકોને કેટલો ફાયદો થવાનો છે તે એ સમજે છે. માનવહિતના આ કામમાં પોતે થોડો ઘણો પણ ભાગીદાર બન્યો છે એ વાતનું એને ભાન છે. ફરિયાદોને બદલે એને આનન્દ વધારે છે. બધા મજૂરો ગરીબ તો છે; છતાં ભીખાજી પોતાની મજૂરીને ભવિષ્યની કડી ગણે છે. જ્યારે પેલા મજૂરો પોતાના કામને માત્ર વેઠ સમજતા હતા. ભીખાજી વ્યવસાયે ભલે મજૂર છે; પણ સ્વભાવે મોટો વિચારક છે. એ જે કાંઈ કરે છે તે સમજદારીપૂર્વક કરે છે. પોતે માત્ર ‘મજૂરી’ જ નહીં; પણ માનવહિતનાં કામમાં કાંઈક ઉપયોગી ‘ફાળો’ આપી રહ્યો છે એનો એને ખ્યાલ છે. થોડો ટેકો અને માર્ગદર્શન મળતાં આવા માણસો દીર્ઘદૃષ્ટા બની શકે છે. કંઈક કરી શકે છે.

‘મેં ભીખાજીને ઓળખી લીધો છે. જીવન પ્રત્યેનું એનું વલણ, એનું એટીટ્યુડ (attitude) ઉમદા છે, પોઝીટિવ છે. એટલે એનાં છોકરાંને કારમી ગરીબીના ચક્કરમાંથી ઉગારી લેવા, એમના ભણતરનો બધો ખર્ચ ઉપાડી લેવાનું મેં એને વચન આપ્યું છે. માત્ર પૈસાના અભાવે એનાં બાળકો સ્કૂલકૉલેજમાં જતાં નહીં અટકે એની મેં એને ખાતરી આપી એટલે એ આટલો આનન્દવિભોર અને આભારવશ થઈ ગયો છે.’

હું મિત્રની આ વાત સાંભળતો રહ્યો. અમારી ટૅક્સી આગળ વધતી રહી ….

°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

સર્જકનું સર્જન :

1. ‘કંકુ ખર્યુંને..’ – વાર્તાસંગ્રહ; 2. ‘..સૂરજ ઊગ્યો – વાર્તાસંગ્રહ; 3. ‘થવાકાળ’ – નવલિકાસંગ્રહ; 4. ‘Wisdom Of Kabir’ – કબીરના દોહા 3 ભાષામાં; 5. ‘શિવપુરાણનો સાર’; 6. અમેરિકામાં વર્ષોથી ‘ગુંજન’ સામયિકનું પ્રકાશન અને તેનું નિ:શુલ્ક વિતરણ ..

ચાર દાયકાથી દરિયાપાર રહેતા ગુજરાતી ભાષાના અનન્ય સેવક તરીકે આનંદરાવનું નામ સુકીર્તિત છે.. સંસ્કૃત, હિન્દી, મરાઠી, અંગ્રજી અને ગુજરાતી પર એમનો ગજબનો કાબૂ. એમનાં પુસ્તકોનાં દક્ષિણની ભાષાઓમાં પણ ભાષાન્તર થયાં છે. એક અંગ્રજી વાર્તાસંગ્રહ પ્રકાશિત થવાની તૈયારીમાં છે..

2005માં અમે ‘સ.મ.’ શરુ કરી ત્યારે જ અમને એમણે એમના ‘ગુંજન’માં પ્રકાશિત થયેલી, અમેરિકાસ્થિત ડૉ. જયન્ત મહેતાની એક વાર્તા ‘કમુબહેન’ પ્રેમથી મોકલી ને તે અમે તા. 07-08-2005ના 11મા અંકમાં પ્રગટ કરી. તે વાર્તાએ ઈતિહાસ સર્જ્યો. બીજે મહિને ‘સ.મ’ના વાચકો બેવડાયા, જે સીલસીલો હજી ચાલુ જ છે.. તે વાર્તાની નીચે અમે લખ્યું હતું :

કેલીફોર્નિયા, અમેરિકામાં ત્રણ દાયકાથી રહેતા આનન્દરાવ લિંગાયત સુપ્રતિષ્ઠિત વાર્તાકાર અને ભાષાન્તરકાર છે. ‘ગુંજન’ નામનું ગુજરાતી દ્વૈમાસિક પ્રકાશિત કરી સૌ ગુજરાતી પરિવારોને તેઓ મફત વહેંચે છે. વિદેશમાં વસી ગુર્જરગિરાનો દીપ રોશન રાખનાર સૌ ગુજરાતીપ્રેમીઓને સલામ !

આમ, પોતાના સામયિક ‘ગુંજન’ મારફત, સમાજના પ્રશ્નોને રોચક વાર્તા દ્વારા, કલાત્મક રીતે સમાજ સામે રજૂ કરવાનો તેમનો આ કસબ, દાદ માગી લે તેવો છે.

.. બળવન્ત પટેલ અને ઉત્તમ ગજ્જર

લેખકસમ્પર્ક : 3834- Palomino Dr., Diamond Bar, CA- 91765 – USA 

e.Mail : gunjan_gujarati@yahoo.com

સૌજન્ય : ’સન્ડે ઈ–મહેફીલ’ – વર્ષઃ અગિયારમું – અંકઃ 333 – October 18, 2015

Loading

અકાદેમી મૌન કેમ?

ગણેશ દેવી|Opinion - Literature|17 October 2015

પ્રો. ગણેશદેવીએ દેશમાં વધતી જતી અસહિષ્ણુતાના વિરોધમાં પોતાનો ઍવોર્ડ પાછો આપી દેવાની જાહેરાત કરતી વખતે અકાદેમીને પાઠવેલો પત્ર, અક્ષરશઃ

પ્રતિ,

પ્રોફેસર વિશ્વનાથ પ્રતાપ તિવારી, અધ્યક્ષ, સાહિત્ય અકાદેમી,

ડૉ. ચંદ્રશેખર કંબર, ઉપાધ્યક્ષ, સાહિત્ય અકાદેમી

હું બહુ જ  ખેદ સાથે જણાવી રહ્યો છું કે મને મારી રચના ‘આફ્ટર એમનેઝિયા’ (૧૯૯૨) માટે ૧૯૯૩માં અંગ્રેજી પુસ્તકોની કૅટેગરીમાં મળેલો સાહિત્ય અકાદેમી ઍવોર્ડ હું પરત કરી રહ્યો છું. તાજેતરમાં દેશમાં મુક્ત અભિવ્યક્તિ માટેની ઘટતી જતી મોકળાશ અને ભિન્ન મત માટે વધતી જતી અહિષ્ણુતાના વિરોધમાં પોતાની ચિંતા અને વ્યગ્રતા વ્યક્ત કરવા માટે પોતાના ઍવોર્ડ પાછા આપી દેનાર કેટલાય અગ્રણી સાહિત્યકારોની સાથે સૂર પૂરાવવા માટે હું આ કદમ ઊઠાવી રહ્યો છું. આ પ્રસિદ્ધ સાહિત્યકારોએ તમને પાઠવેલાં નિવેદનમાં તથા વિવિધ મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂ તથા ચર્ચાઓમાં પોતાની ચિંતાઓને વાચા આપી દીધી છે અને તેથી તમને પહોંચાડવામાં આવેલા સંદેશાનો પુનરોચ્ચાર કરવાની જરૂર મને જણાતી નથી.

જો કે, હું એટલું ઉમેરવા ઇચ્છીશ કે સ્વ. ડૉ. એમ.એમ. કાલબુર્ગીનો ભોગ લેનાર અતિશય આઘાતજનક હુમલાના ત્રણ જ સપ્તાહ પહેલાં ઑગસ્ટના પહેલા સપ્તાહમાં મેં ધારવાડની મુલાકાત લીધી હતી. હું ત્યાં વી.કે. ગોકાક મેમોરિયલ લેક્ચરના પ્રથમ મણકારૂપે વક્તવ્ય આપવા ગયો હતો. આપને સ્મરણ હશે કે આપ અત્યારે સમગ્ર સાહિત્યિક સમુદાય વતી જે ઉચ્ચ ગૌરવશાળી પદ પર બિરાજમાન છો તે પદ પર આપના પુરોગામી તરીકે બિરાજી ચૂકેલા મહાન સાહિત્યકારોમાં એક વી.કે. ગોકાક પણ હતા. આઝાદીની ચળવળ દરમિયાન તેઓ વિલિંગ્ડન કૉલેજના આચાર્ય હતા. એકવાર પોલીસ વિદ્યાર્થીઓની ધરપકડ કરવા આવી હતી ત્યારે ગોકાક કૉલેજના પ્રવેશદ્વાર પર ઊભા રહી ગયા હતા અને તેમણે પોલીસને પ્રવેશ કરતી અટકાવી દીધી હતી. તેમણે પોલીસને જણાવી દીધું હતું કે તમારે વિદ્યાર્થીઓને હાથ લગાડતાં પહેલાં મારી ધરપકડ કરવી પડશે. ગોકાકે પોતે જે સંસ્થાઓના અધિષ્ઠાતા રહ્યા તે સંસ્થાઓમાં સ્વાતંત્ર્ય માટે આ પ્રકારે ચિંતા સેવી હતી. મને આશા છે કે તમે એવું નહીં માનતા હો કે ગોકાક પર્યાપ્ત શાણપણ ધરાવતા ન હતા.

મેં જ્યારે ગોકાક મેમોરિયલ લેકચર આપ્યું ત્યારે ડૉ. કાલબુર્ગી હયાત હતા. કમભાગ્યે તેઓ પણ અસહિષ્ણુ બળોનો ભોગ બન્યા. તેમની હત્યાના એક સપ્તાહ બાદ મેં સાહિત્ય અકાદેમી દ્વારા આયોજિત સેમિનારમાં ભાગ લીધો હતો. આ સેમિનાર નાગપુરમાં યોજાયો હતો. મારે ઉદ્દઘાટન સત્રમાં અધ્યક્ષ તરીકે હાજરી આપવાની હતી. ત્યારે હું એ વાતે બહુ જ ખિન્ન થયો હતો કે એ સેમિનાર અકાદેમી દ્વારા સન્માનિત થઈ એવા એક વિદ્વાન પર થયેલા હુમલાના કોઈ ઉલ્લેખ વિના જ શરૂ કરી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ સત્રના અંતે જ્યારે મારા વક્તવ્યનું ટાણું આવ્યું ત્યારે મેં ઉપસ્થિત શ્રોતાઓને પૂછ્યું હતું કે હું એ અધમ હત્યા અંગે શોક વ્યક્ત કરવા બે મિનિટનું મૌન પાળું તો શું કોઈને વાંધો હશે? મહેરબાની કરીને એ વાતની નોંધ લેજો કે ત્યારે ઉપસ્થિત તમામ લોકો મારી સાથે મૌન પાળવા માટે ઊભા થઈ ગયા હતા.

જો આપણા લેખકો અને સાહિત્યિક વિદ્વાનો નાગપુરમાં એ રીતે ઊભા થઈ શકવાની હિંમત દાખવી શકતા હોય, તો દેશમાં મુક્ત અભિવ્યક્તિના જે હાલ થઈ રહ્યા છે તે વિશે રવીન્દ્ર ભવન શા માટે અકળાવનારું મૌન સેવી રહ્યું છે તે સમજવામાં હું નિષ્ફળ ગયો છું. હું આપ બંનેને મારા વરિષ્ઠ તરીકે વ્યક્તિગત રીતે જાણું છું અને તમારાં લખાણો અને સાહિત્યરચનાક્ષમતાનો પ્રશંસક છું. શું હું એવું કહેવાનું સાહસ કરી શકું તે તમારે તમારો ધર્મ બજાવવાનો સમય પાકી ગયો છે? મને આશા છે કે તમે આ દેશને એવી ધરપત બંધાવશો કે ભૂતકાળમાં પણ તમામ સમયે સમજ, શુભેચ્છા, મૂલ્યો, સહિષ્ણુતા અને પરસ્પર સન્માનને બચાવવાનો માટે સાહિત્યકારો અને ચિંતકો જ આગળ આવ્યા છે. જો તેવું ના હોય તો આપણે આપણા મહાન સંત કવિઓને શા માટે યાદ કરી રહ્યા છીએ જેમણે આજની આધુનિક ભારતીય ભાષાઓને તે હાલ જે સ્વરૂપમાં જે તે સ્વરૂપ બક્ષ્યું છે. વિવિધતા અને વિભિન્નતા પરત્વે ગાઢ સહિષ્ણુતા એ જ તો ભારતની મહાન સંકલ્પનાનો આધાર છે. આ સંકલ્પના એટલી અગત્યની છે કે તે અન્ય તમામ મુદ્દાઓ કરતાં સર્વોપરી છે. હાલત એવી છે કે આપણા આદરણીય રાષ્ટ્રપતિને દેશને એ યાદ અપાવવું પડ્યું છે કે આ સંકલ્પનાને ભારતના-જેની સાથે કોઈ બાંધછોડને અવકાશ ના થઈ શકે તેવા – મૂળભૂત આધાર તરીકે જ જોવી જોઈએ. આ બાબત જ સાહિત્ય અકાદેમી પાસે હવે સક્રિય હસ્તક્ષેપ માટે પૂરતું કારણ છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૉક્ટોબર 2015; પૃ. 03

Loading

...102030...3,7623,7633,7643,765...3,7703,7803,790...

Search by

Opinion

  • તમાકુ ને પ્લાસ્ટિક : સઘળું ઇલાસ્ટિક !
  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • ગઝલ
  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved