Opinion Magazine
Number of visits: 9770131
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શું નરેન્દ્ર મોદી હિન્દુત્વવાદીઓ સાથે ભાગીદાર નથી, પરંતુ સ્વ-પ્રેમમાં ચોવીસે કલાક મશગૂલ રહેતા એક લાચાર અને કમજોર વડા પ્રધાન છે?


રમેશ ઓઝા
, રમેશ ઓઝા|Opinion - Opinion|7 November 2015

જે રીતે નરેન્દ્ર મોદી વિકાસના રથને આગળ ધપાવી શકતા નથી એ જોઈને લોકો ગુજરાત મૉડલ વિશે પુન:સમીક્ષા કરવા લાગ્યા છે. ખાસ કરીને પાટીદારોના આંદોલને આવી સમીક્ષા માટે કારણ પૂરું પાડ્યું છે. જે રીતે યોગી આદિત્યનાથ જેવા બે બદામના માણસો રાજ્યને હાઇજૅક કરી રહ્યા છે એ જોઈને પ્રશ્ન પૂછવામાં આવી રહ્યો છે કે જેમ ૨૦૦૨માં બન્યું હતું એનું પુનરાવર્તન તો નથી થઈ રહ્યુંને?

ઘણા સમયથી મનમાં એક મૂંઝવણ ચાલી રહી છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી લાચાર છે, કમજોર છે કે પછી તોફાનો કરનારા હિન્દુત્વવાદીઓ સાથે મળેલા છે. આમ તો વિચારધારાનું કુળ એક જ છે એટલે તેઓ મળેલા હોવા જોઈએ એમ માની લેવામાં કંઈ જ અતાર્કિક નથી. ૨૦૦૨માં ગુજરાતમાં મુસલમાનોનો નરસંહાર કરવામાં આવ્યો ત્યારે સેક્યુલરિસ્ટોએ માની લીધું હતું કે એ શરમજનક રમખાણોમાં મુખ્ય પ્રધાન અને ગુજરાત સરકાર ભાગીદાર હતાં. આનું કારણ એ હતું કે મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતમાં નરસંહાર કરનારા લોકોનું કુળ એક જ હતું. સરકારની સીધી કે આડકતરી ભાગીદારી વિના આવડો મોટો હત્યાકાંડ શક્ય જ નથી એ સાદી સમજની વાત છે. ૧૯૮૪માં ઇન્દિરા ગાંધીની હત્યા પછી જે રીતે અને જે પ્રમાણમાં સિખોની હત્યા કરવામાં આવી હતી એમાં દિલ્હીના કૉન્ગ્રેસી શાસકો અને નેતાઓનો હાથ હતો.

જ્યાં સુધી આરોપી સામેનો આરોપ અદાલતમાં સાબિત ન થાય ત્યાં સુધી તેને ગુનેગાર ન કહી શકાય એ ન્યાયનું મૂળભૂત તત્ત્વ માન્ય છે, પણ આપણે ત્યાં હજારો લોકોની નજર સામે હત્યા કરનારો પણ ગુનેગાર સાબિત થતો નથી ત્યાં માની લેવા સિવાય બીજો વિકલ્પ શું છે. દિલ્હીના સિખવિરોધી હત્યાકાંડમાં કૉન્ગ્રેસીઓનો હાથ હતો અને એમાં સરકારનો સાથ હતો એમ માની લેવામાં આવ્યું હતું અને એ રીતે જ ગુજરાતમાં જે બન્યું એમાં હિન્દુત્વવાદીઓનો હાથ હતો અને સરકારનો સાથ હતો એમ માની લેવામાં આવ્યું હતું.

આની સામે કેટલાક લોકો કહેતા હતા કે હજી તો બે મહિના પહેલાં ગુજરાતના મુખ્ય પ્રધાન બનેલા નરેન્દ્ર મોદીને ગુજરાતના ૨૦૦૨ના હત્યાકાંડ માટે જવાબદાર ઠેરવવા એ અન્યાય છે. એવું બને કે બિનઅનુભવી નરેન્દ્ર મોદીના હાથમાંથી પરિસ્થિતિ સરકી ગઈ હોવી જોઈએ. બીજું, નરેન્દ્ર મોદીનું નેતા તરીકેનું મૂલ્યાંકન ૨૦૦૨ની ઘટના પછી તેમણે કરેલા કામના આધારે કરવું જોઈએ. ૨૦૦૨થી ૨૦૧૪માં તેઓ વડા પ્રધાન બન્યા ત્યાં સુધી તેમના કામકાજમાં હિન્દુ એજન્ડા જોવા નહોતો મળતો. ત્રીજી દલીલ એવી હતી કે અદાલતોમાં ભલે ગોકળગાયની ઝડપે ખટલાઓ ચાલતા હોય, પરંતુ નરેન્દ્ર મોદીની સંડોવણીને લાગેવળગે છે ત્યાં સુધી સર્વોચ્ચ અદાલતે તેમને ક્લીન ચિટ આપી દીધી છે.

ઘણા લોકોએ આ રીતે નરેન્દ્ર મોદીને શંકાનો લાભ આપ્યો હતો. કેટલાક સેક્યુલરિસ્ટોએ પણ નરેન્દ્ર મોદીને લોકસભાની ચૂંટણીમાં મત આપ્યા હતા. ભારતીય જનતા પાર્ટીને ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં માત્ર ૩૧ ટકા જ મત મળ્યા છે એ ધ્યાનમાં રાખવું જોઈએ અને એમાંથી ઓછામાં ઓછા દસ ટકા મતદાતા એવા હોવા જોઈએ જેમણે નરેન્દ્ર મોદીને શંકાનો લાભ આપીને મત આપ્યા હતા. સેક્યુલરિસ્ટો તો ઠીક, મુસલમાનોએ પણ શંકાનો લાભ આપીને ભારતીય જનતા પાર્ટીને મત આપ્યા હતા. નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા એ પછી આ લખનારે પણ આ કૉલમમાં લખ્યું હતું કે આપણે ૨૦૦૨ને પાછળ છોડીને નરેન્દ્ર મોદીને મુક્ત મને જોવા જોઈએ. દરેક માણસ બદલાવાની ક્ષમતા ધરાવે છે એટલે તેને તક આપવી જોઈએ. બીજી વાત એ છે કે નરેન્દ્ર મોદીએ જો ભારતના અમર અને અમર નહીં તો સફળ વડા પ્રધાન બનવું હોય તો સબકા સાથ સબકા વિકાસ સિવાય બીજો કોઈ માર્ગ નથી. નરેન્દ્ર મોદી મહત્ત્વાકાંક્ષી છે, ભારતના મહાન વડા પ્રધાનોમાં સ્થાન મેળવવા માગે છે, તેઓ પોતે જ સબકા સાથ સબકા વિકાસની વાત કરે છે ત્યારે તેઓ એક તકની લાયકાત ધરાવે છે એમ જો કોઈ દલીલ કરે તો એ અતાર્કિક નથી. એવી દલીલ ત્યારે કરવામાં આવતી હતી અને એનું પરિણામ નરેન્દ્ર મોદીનું વડા પ્રધાનપદ છે.

હવે દોઢ વર્ષે ફરી પાછો સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે કે નરેન્દ્ર મોદી લાચાર છે, કમજોર છે કે પછી તોફાનો કરનારા હિન્દુત્વવાદીઓ સાથે મળેલા છે? ઘણા લોકો એવી દલીલ કરે છે કે ૨૦૦૨માં નરેન્દ્ર મોદીને ગુજરાતકાંડમાં ભાગીદાર ઠેરવ્યા એ ખોટું આકલન હતું, વાસ્તવમાં તેઓ લાચાર અને કમજોર હતા. હિન્દુત્વવાદીઓ એ સમયે રાજ્યને હાઇજૅક કરી ગયા હતા અને નરેન્દ્ર મોદી જોતા રહી ગયા હતા. એ સમયના વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ નરેન્દ્ર મોદીને રાજધર્મ નિભાવવાની જે સલાહ આપી હતી એ તટસ્થતા જાળવવા માટેની કાન આમળનારી નહોતી, પરંતુ રાજ્યની શક્તિનું અને શાસક તરીકેની ફરજનું ભાન કરાવનારી શિખામણરૂપ હતી. ગુજરાતનાં હુલ્લડો પછી ગુજરાતના હિન્દુઓ એટલી હદે કોમવાદી બની ગયા હતા કે નરેન્દ્ર મોદી પોતાની લોકપ્રિયતા બચાવવા અને પોતાનું સ્થાન બચાવવા રાતોરાત હિન્દુરક્ષક બની ગયા હતા. તેમણે એટલી હદે મુસલમાનો વિરુદ્ધ બોલવાનું શરૂ કર્યું હતું જેને કારણે હિન્દુઓમાં છાપ એવી પડી હતી કે ૫૬ની છાતી ધરાવનારા નરેન્દ્ર મોદીએ મુસલમાનોને તેમનું સ્થાન બતાવી આપ્યું છે. નરેન્દ્ર મોદીએ સિફતથી નિષ્ફળતાને સફળતામાં ફેરવી નાખી હતી.

નરેન્દ્ર મોદીની આમાં માસ્ટરી છે. તેઓ એટલી હદે પોતાને પ્રેમ કરે છે કે તેઓ પોતાને વેચી શકે છે, પ્રોજેક્ટ કરી શકે છે, ઇમેજ મેકઓવર કરી શકે છે, સેલ્ફ-માર્કેટિંગ કરી શકે છે. તેઓ ઉત્તમ અને ચતુર વક્તા છે, ગમે તેને હડસેલો મારવાની નિદર્‍યતા ધરાવે છે. સીડી ચડવા માટે જેટલા ગુણ આવશ્યક છે એ બધા જ ગુણો નરેન્દ્ર મોદી ધરાવે છે, માત્ર શાસક તરીકે તેઓ કમજોર છે. કહેવાતું ગુજરાત મૉડલ એ માર્કેટિંગ છે. જો ગુજરાતમાં એવો અધધધ વિકાસ થયો હોત તો પાટીદારો અનામતની માગણી કરતા હોત? પાટીદારોએ અનામતની માગણી કરીને ગુજરાતના કહેવાતા વિકાસની હવા કાઢી નાખી છે. એટલે તો હાર્દિક પટેલ સામે દેશદ્રોહનો અકલ્પનીય આરોપ લગાવીને તેને અનિશ્ચિત મુદત માટે જેલમાં ધકેલી દીધો છે.

આજે નરેન્દ્ર મોદીના આકલને પાછળ નજર કરનારી પુનર્વિચારની ઊલટી દિશા પકડી છે. જે રીતે નરેન્દ્ર મોદી વિકાસના રથને આગળ ધપાવી શકતા નથી એ જોઈને લોકો ગુજરાત મૉડલ વિશે પુન:સમીક્ષા કરવા લાગ્યા છે. ખાસ કરીને પાટીદારોના અંદોલને આવી સમીક્ષા માટે કારણ પૂરું પાડ્યું છે. જે રીતે યોગી આદિત્યનાથ જેવા બે બદામના માણસો રાજ્યને હાઇજૅક કરી રહ્યા છે એ જોઈને પ્રશ્ન પૂછવામાં આવી રહ્યો છે કે જેમ ૨૦૦૨માં બન્યું હતું એનું પુનરાવર્તન તો નથી થઈ રહ્યુંને? ક્યાંક એવું તો નથીને કે નરેન્દ્ર મોદી હિન્દુત્વવાદીઓ સાથે ભાગીદાર નથી, પરંતુ સ્વ-પ્રેમમાં ચોવીસે કલાક મશગૂલ રહેતા લાચાર અને કમજોર વડા પ્રધાન છે? રાહ જુઓ, થોડા મહિનાઓમાં જવાબ મળી જશે.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 06 નવેમ્બર 2015

http://www.gujaratimidday.com/features/columns/narendra-modi-helpless-and-weak-prime-minster-2

Loading

પ્રજાતંત્ર સંસ્કૃિતને ટકાવનારાં ઇલમી, શૂરાં

પ્રકાશ ન. શાહ

, પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|7 November 2015

વાપસીકારોનાં ટીકાવચન અને રઘુરામ રાજન જેવાનાં હિતવચનોમાં સપરમે દા’ડે સબરસ લાયક સામગ્રી ખાસી છે

આવતી કાલે [08 નવેમ્બર] બિહારનાં પરિણામો નવસંવતને વાસ્તે કેવીક વધામણી આપે છે એ તો જોતાં જોશું, પણ એવોર્ડ વાપસીનો દોર સંકેલાતે અઠવાડિયે પણ જેમનો તેમ જારી છે. રાષ્ટ્રીય સ્તરે ફિલ્મકારોની એવોર્ડ વાપસીમાં ગુણાત્મક વધારો જારી છે તો ગુજરાત સ્તરે ય સ્વાયત્ત અકાદેમી પ્રકરણ નિમિત્તે એવોર્ડ વાપસીનું ખાતું ખૂલ્યું છે. વાપસીકારોનાં ટીકાવચનોમાં તેમ નારાયણ મૂર્તિ, અરુણ શૌરિ અને સવિશેષ તો રઘુરામ રાજન જેવાનાં હિતવચનોમાં સપરમે દા'ડે સબરસ લાયક સામગ્રી ખાસી છે એટલું તો સૂચિત ને સંભવિત વધામણીથી નિરપેક્ષપણે પણ કહી શકાય તેમ છે. જો કે, એને શું કહીશું – કૌતુક કે પછી વિધિવિપર્યાસ જેવું વાનું તો કદાચ એ છે કે જેમ સાહિત્ય અકાદેમીની ગયે પખવાડિયે ખાસી ગાજેલી બેઠક વેળાએ વાપસી હિલચાલના વિરોધમાં રાષ્ટ્રવાદી રેલી યોજાઈ હતી તેવો જ એક ઓર રેલી દોર આ લખાણ સૂર્યપ્રકાશ જુએ તે પૂર્વે યોજાઈ (ખરું જોતા પ્રાયોજાઈ) ગયો હશે. છતાં, આવા દોર વચાળે સુધ્ધાં, જોવાનું એ છે કે એવોર્ડ વાપસીનો વિરોધ કરનાર અનુપમ ખેર, આદિત્યનાથને જે પ્રતિભામાં આતંકવાદી હાફીઝ સઈદનાં યૌગિક દર્શન થયા છે તે શાહરૂખની ટીકા સબબ નારાજ છે. જોવાનું એ પણ છે કે કમલ હાસન જેવા એવોર્ડ વાપસીનો વિરોધ કરે છે ત્યારે એવી સ્પષ્ટતા કરે છે કે વિરોધમુદ્દો સાચો છે, પણ એનો રસ્તો આ સિવાયનો હોઈ શકે છે.

મુદ્દે, લેખકો અને બીજા કલાકારો વગેરે માટે કેન્દ્રીય પ્રધાન અરુણ જેટલીએ જે ભાષા વાપરી એનાથી અને એના માંહ્યલાને પ્રગટ કરી આપતી યોગીવાણીથી – સમજદાર સૌ આહત છે. જો કે, શૌરિ તો યોગી પડમાં પધાર્યા એ પૂર્વે જ કરણ થાપર સાથેની દિલખુલાસ ને બેબાક ચર્ચામાં કેન્દ્ર સરકારની નબળી કામગીરી વિશે તેમ લેખકોના વિરોધ પરત્વે સરકારી રૂખ સંવેદનશૂન્ય હોવા વિશે બોલી જ ચૂક્યા છે. નરેન્દ્ર મોદીના (વડાપ્રધાનને નાતે) ગંભીર મૌન બાબતે શૌરિએ એક દાખલો ભરીબંદૂક આપ્યો છે: 28 સપ્ટેમ્બરના રોજ દાદરીમાં હત્યાકાંડ થયો ને તેના બીજા જ દિવસે તેમણે (મોદીએ) ટ્વિટ કરીને મહેશ શર્માને જન્મદિવસની શુભેચ્છા આપી છે. અંતિમ તબક્કાના મતદાનને આગલે દિવસે ભાજપની ‘બીફ’ જાહેરખબર બાબતે ચૂંટણી પંચે એક એફઆઇઆર દર્જ કરાવવાની નોબત આવી તે ઘટનાને આની સાથે મૂકીને જોવી જોઈએ. છતાં, શૌરિને તો માનો કે એક પદવંચિત લેખે ખતવીને એમનાં ક્ષ-પરીક્ષણને તુચ્છતાની ટોપલીમાં પધરાવવાની ભાજપના વૈખરીછૂટાઓને સકારણ પણ સગવડ છે. પણ નારાયણ મૂર્તિનાં વિધાનોનું શું કરીશું? સવિશેષ તો, રીઝર્વ બૅંકના ગવર્નર રઘુરામ રાજને ડાબેરી – જમણેરી અંતિમવાદો તેમ જ સમાજનું સંકોચાતું ને ઓજપાતું ખુલ્લાપણું એકંદર વિકાસમાં અવરોધ હોવાનો મુદ્દો હજુ હમણે જ બ્લુમબર્ગ ટીમ સાથેની ચર્ચામાં દોહરાવ્યો છે, એને કઈ રીતે જોશું?

નારાયણ મૂર્તિ અને રઘુરામ રાજનની ચિંતા શાહરૂખ ખાનને હાફીઝ સૈયદ સાથે સરખાવવાની ચેષ્ટામાં જ નહીં, તે સિવાય પણ અંકે થાય છે. તમે જુઓ, ગુજરાતમાં સરકારી અકાદમીના અધ્યક્ષને સાહિત્ય પરિષદની ભૂમિકામાં ‘આતંકવાદ’ દેખાય છે. ભગતસિંહ બ્રિટિશ છેડેથી આતંકવાદી (ટેરરિસ્ટ) હતા તો ભારત છેડેથી ક્રાંતિકારી (રેવોલ્યુશનરી) હતા એ પેરેલલ છોડી દઈએ તો પણ અસહકારની શાંતિમય કોશિશમાં ‘આતંકવાદ’ જોઈ શકાય? પ્રવીણ પંડ્યા અને ભરત મહેતાની એવોર્ડ વાપસીનો ધક્કો, બને કે, આ અધ્યક્ષીય માનસિકતામાં પડ્યો હોય. પક્ષપરિવારના વૈખરીછૂટાઓના ઉદ્દગારો અને સાહિત્યરસિક સનદી અધિકારીને જિહવાગ્રે વસતી સરસ્વતી, બે વચ્ચે કશુંક તો ગુણાત્મક અંતર હોય કે નહીં. બીજા વિશ્વયુદ્ધ પછીના દાયકામાં અમેરિકામાં મેકાર્થી અને ડલેસના મનોવલણોની બોલબાલા હતી – આપણે એવા દિવસોમાં પાછા જવું છે?

આ ‘સાથે નહીં તે સામે’ની તરજ ઉપર, આગળ જતાં ‘ધ અધર’ લગી લંબાતા મનોવલણ વિશે સંબંધિત સૌએ જરી જાતમાં ઝાંખવું જોઈશે. દાદરીખ્યાત મહેશ શર્માએ એપીજે અબ્દુલકલામ વિશે એક અદ્દભુત ટિપ્પણી કરી હતી કે તેઓ મુસ્લિમ હોવા છતાં રાષ્ટ્રવાદી હતા. (પક્ષપ્રમુખ અમિત શાહ, પછીથી ‘સામેવાળા’ જીતે તો પાકિસ્તાનમાં ફટાકડા ફૂટશે એમ કહે એમાં શું આશ્ચર્ય.) પદ્મસન્માન પાછું વાળનાર શીર્ષસ્થ વૈજ્ઞાનિક ભાર્ગવે એક વાત માર્કાની કહી છે: મારે-અમારે યુપીએનો વિરોધ કે ટીકા કરવાના પ્રસંગો આવેલા છે, અને એમ તેમ કર્યું પણ છે. અત્યારે, કેમ કે તે સત્તા પર છે, અમારે એનડીએનો વિરોધ કે ટીકા કરવાના પ્રસંગો પ્રાપ્ત થાય છે. પણ યુપીએના સમયમાં અમારે શું ખાવું, શું પહેરવું તે કહેવામાં નહોતું આવતું. એનડીએ કાળમાં જે બની રહ્યું છે તે કેમ જાણે ભારતને પાકિસ્તાનને પંથે મૂકી આપે છે. હાલ જે સંજોગો ઊભા થઈ રહ્યા છે તેે 2005માં એટલે કે કૉંગ્રેસકાળમાં એવોર્ડ પાછો વાળનાર અરુંધતી રોયના શબ્દોમાં ‘ટોળાં વાટે સેન્સરશિપ’ના છે. ‘ફના’ અને ‘પરઝાનિયા’ ખ્યાત ગુજરાતના મોડેલના સંદર્ભમાં આ અલબત્ત કોઈ નવી નવાઈની વાત નથી.

આ બધું કહ્યા પછી અને છતાં એક વાત અધોરેખિતપણે, યથાસંભવ મુખરપણે, કહેવી જોઈએ કે બૌદ્ધિકો-કલાકર્મીઓ-વ્યાવસાયિકો આજે જે કંઈ લખીબોલી કરી રહ્યા છે એને એસ્ટાબ્લિશમેન્ટનાં તેમ સમાજનાં પણ કેટલાંક વર્તુળો ભાજપ વિ. કૉંગ્રેસનાં સરળસપાટ રાબેતામાં ઢાળીને જુએ છે એમાં વિવેક કે ઔચિત્ય નથી. એવોર્ડ ક્યારે પાછો આપવાપણું લાગ્યું એ વિશે અલગ અલગ અવલોકનો હોઈ શકે પણ કટોકટીનો વિરોધ પોકારનાર – 1984માં પીયુસીએલ મારફતે તપાસના અગ્રભાગી – 1992 અને 2002નાં એવાં જ ટીકાકાર, નયનતારા સહગલ સહિત કેટલાં બધાં ખરાં ઈલમી ખરાં શૂરાં આ દેશમાં હશે, જેમની પુણ્યાઈથી અહીં પ્રજાતંત્ર સંસ્કૃિત ટકી રહી છે. જરી તો વિચારો.

જેએનયુ કહેતા જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીની ટીકાનો ચાલ સુપ્રતિષ્ઠ છે. પણ કટોકટીમાં, 1984માં, 1991 પછી કૉંગ્રેસ-ભાજપ બેઉ સરકારોના નિયોલિબરલ એજન્ડામાં અને 1992 કે 2002માં, બધો વખત જેએનયુ એક ‘નર્વ સેન્ટર’ રહેલ છે. તમે એને કૉંગ્રેસ કે ભાજપના ખાનામાં નાખી શકશો? હા, ધારો કે, માર્કસવાદનો થપ્પો મારી શકો – પણ એની પણ કોઈ મોનોલિથિક સમજ તો હવે રહી નથી.

નવા વિક્રમવરસમાં પ્રવેશતી વેળાએ આવી થોડીકેક સફાઈ થઈ જાય અને જતી આવતી સરકારો વચ્ચે તેમ જ ‘સેન્સરશિપ આઉટસોર્સ્ડ ટુ મોબ’ની ચાલુ તાસીર અને તરાહ વચ્ચે પ્રજાસૂય ભૂમિકામાં રોપાયેલા સ્વતંત્ર બૌદ્ધિકોની થોડીકે કદરબૂજ વાસ્તે રાજકીય શાસકીય અગ્રવર્ગની ઈન્દ્રિય કંઈકે કેળવાય એથી રૂડું શું. જતી આવતી, સત્તે બેસતી, સત્તાથી ઊઠતી રાજકીય મંડળીઓ વચ્ચે ‘આપણી નોકરી પાક્કી છે’ એવી પ્રતીતિપૂર્વક પ્રતિબધ્ધ પ્રજાસૂય જણ, તારી ખોટ કદી ન પડો.

સૌજન્ય : ‘વિચારવલોણું’, “દિવ્ય ભાસ્કર”, 07 નવેમ્બર 2015

Loading

ફાસીવાદી માહોલમાં ‘દર્શક’નાં નાટકો

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Literature|6 November 2015

દાદરી અને મુઝફ્ફરનગરની હિંસા, કાલબુર્ગી-પાનસરે-દાભોલકરની હત્યા તેમ જ તે અંગેનાં બેફામ નિવેદનો જેવાં વિવિધ રૂપે દેશના બારણે ફાસીવાદના ટકોરા થઈ રહ્યા છે. એવા સંજોગોમાં હિટલરના અત્યાચારો પર આધારિત નાટ્યત્રયી રચનાર એકમાત્ર ગુજરાતી સાહિત્યકાર મનુભાઈ પંચોળી ‘દર્શક’ પ્રસ્તુત છે. આ પહેલાના લેખમાં તેમના ‘સોદો’ નાટકની વાત જોઈ હતી. તેની સાથેના ‘હેલન’ નાટકમાં, યાતના-છાવણીના વડા હમ્બોલ્ટના જુલમે માતા બનેલી યહૂદી યુવતીની નૈતિક ખેંચતાણની કથા છે. તેને મળવા રુબેન્સ આવે છે. રુબેન્સનું પાત્ર નાઝી જુલમગારોને શોધી શોધીને સજા કરાવવાનું કામ કરનાર લડવૈયા સાયમન વિસેન્થેલ પર આધારિત છે. હમ્બોલ્ટને સજા અપાવવાની કાર્યવાહીમાં હેલન તેના ભયંકર ભૂતકાળનો ઓછાયો બાળક ચાર્લ્સ પર પડવા દેવા માગતી નથી. રુબેન્સને સમજાય છે : ‘… જાતિ સમસ્તની જરૂરિયાત કોઈનું માતૃહૃદય ઝૂંટવી શકે નહીં.’ ‘અંતિમ અધ્યાય’ નાટક હિટલરના છેલ્લા દિવસોની આસપાસની ઘટનાઓ પર આધારિત છે. આ ત્રણેય નાટકો ભરત દવેના દિગ્દર્શન હેઠળ એંશીના દાયકામાં યાદગાર રીતે ભજવાયાં હતાં અને પછી તેની ટેલિફિલ્મસ્ પણ બની હતી. એ વિશે ભરતભાઈનાં સંભારણાં  ‘મારી રંગયાત્રા’ પુસ્તકમાં વાંચવા મળે  છે.

‘અંતિમ અધ્યાય’ નાટકમાં બીજા વિશ્વયુદ્ધનો આખરી તબક્કો છે. અમેરિકા, રશિયા અને મિત્રરાષ્ટ્રોનાં લશ્કર જર્મનીમાં પ્રવેશી ચૂક્યાં છે, નાઝી હરોળો તૂટી ગઈ છે, બર્લિન ઘેરાવાની અણી પર છે. તેના રાજભવનમાં ભૂગર્ભગૃહમાં છેલ્લા તળિયાના મુખ્ય ખંડમાં જરા-વ્યાધીગ્રસ્ત હિટલર મહત્ત્વના સાથીઓ વચ્ચે વ્યૂહરચનામાં ખુમારીપૂર્વક મશગૂલ છે. સત્યાવીસ હજાર સૈનિકોને ખોયા  પાછી પાની કરીને આવેલા સેનાપતિ ડાઈટ્રીશ પ્રવેશે છે. ફ્યુરરના ખોફનો જવાબ આપતાં એ કહે છે : ‘તમારો હુકમ કાગળ પર હતો, અને હરોળ ભૂમિ પર હતી … સૈનિકોને બિનજરૂરી સંહારમાંથી બચાવવા એ સેનાપતિનું કર્તવ્ય છે. સેનાપતિ કંઈ કસાઈ નથી.’ ડાઈટ્રીશ તેના સિપાઈઓનાં  ચંદ્રકો એક મૃત સૈનિકના કપાયેલા હાથ પર લગાવીને હિટલરની સામે ધરે છે ! વધુ તીવ્ર સંઘર્ષ હિટલર હિટલરના મિત્ર એવા સ્થપતિ અને શસ્ત્રસરંજામ ઉત્પાદન ખાતાના મંત્રી આલ્બર્ટ સ્પીયર વચ્ચેનો છે. તેને હિટલરે હુકમ કર્યો છે કે રૂહર નામના નગરમાં હારીને પીછેહઠ કરતી વખતે જર્મન લશ્કર ‘પુલનાળાં જ નહીં, જળાશયો, વીજળીઘરો, બંધો, કારખાનાં બધું જ ઊડાડી દે … આવનારને ટીપું પાણી, કે એક કિલોવૉટ વીજળે કે એક સરખો રસ્તો ન મળે.’ ત્યાં  રહેતા એક કરોડ નાગરિકો વિશે નાઝી હૃદયસમ્રાટ એમ માને છે કે, ‘અમેરિકનો સમર્થ હોય તો ભલે જીતે, પણ પછી જર્મન પ્રજાને જીવવાનો હક્ક નથી – તેવાના મૃત્યુનો શો શોક ? જંતુ જીવ્યાં કે મર્યાં તેનો થોડો જ આપણે વિચાર કરીએ છીએ ?’ માનવતાવાદી સ્પીયર હિટલરના આદેશનું પાલન કરતો નથી અને એનો એકરાર પણ કરે છે. નવાઈની વાત એ છે કે હિટલરે નજરબંદી છાવણીઓમાં યહૂદીઓની સામૂહિક કતલ કરાવી છે એ વાતથી સ્પીયર અજાણ છે. ટેક્નોલૉજિના જ્ઞાનથી જર્મન લશ્કરને સજ્જ કરવામાં વ્યસ્ત અને રાજકારણથી અળગા રહેનારા સ્પીયરને જ્યારે તેના ‘મનોદેવતા’ની ક્રૂરતાની અને તેના રાજકારણની ખબર પડી ત્યારે બધું ખેદાનમેદાન થઈ ચૂક્યું હતું. અલબત્ત ત્યાર પછી તેણે હિટલરની સાથેની ગાઢ મૈત્રીને બાજુ પર રાખીને સર્વનાશી યોજનાઓને નાકામિયાબ બનાવી તેને પતાવી દેવા પણ પ્રયત્ન કર્યો. સ્પીયરે હિટલરના કુકર્મોમાં પોતાની નૈતિક જવાબદારી, અને તેના માટે વીસ વર્ષની સજા પણ સ્વીકારી. નાટકમાં એ કહે છે : ‘જર્મનીની અવદશા માટે કોઈ જવાબદાર હોય તો અમે. અમે નેતાઓ જ, પ્રજા નહિ જ. આ કહેવા અમારે બહાર આવવું જોઈએ. તો જગત અમને દોષિત ઠરાવશે – સામાન્ય જનોને નિર્દોષ, તે બધા કલંકના ડાઘ વિના જીવન શરૂ કરી શકશે … આપણાં કૃત્યો માટેની જવાબદારી ઊઠાવી લેવી તે જ મર્દાઈ, એ જ અંતરાત્મા પ્રત્યેની સચ્ચાઈ …’ દર્શકના મનમાં સ્પીયરની મહત્તા વસી ગઈ છે. પ્રસ્તાવનામાં એ નોંધે છે : ‘ભાવિમાં મહાપુરુષ ગણાવાપાત્ર આ વ્યક્તિને હું આ નાટ્યકૃતિમાં સજીવ કરી શક્યો હોઉં તો મને મારી સરસ્વતીપૂજાની સફળતા લાગશે.’ સ્પીયરના અસાધારણ સંઘર્ષ ઉપરાંત દર્શકે આ નાટકમાં હિટલરના વ્યક્તિત્વના પાસાંને પણ સમાવ્યાં છે. તેમાં ઇવા બ્રાઉન સાથેનો પ્રેમ, કલારુચિ, શાકાહાર, નિરાંતની જિંદગી માટેનાં તેનાં સપનાં, તેનો એકાધિકારવાદ અને યહૂદીદ્વેષ જેવી બાબતો છે.

હિટલર વિશે સ્પીયરનું દર્શકે ટાંકેલું એક મંતવ્ય તેના ‘ઇનસાઇડ ધ થર્ડ રિશ’ સ્મરણપુસ્તકમાં મળે છે : ‘હિટલરની સરમુખત્યારી વર્તમાન ટેકનોલૉજીના જમાનાનું ઔદ્યોગિક રાજ્ય હતું. રેડિયો અને જાહેર ઉદબોધનો જેવાં ટેકનોલૉજીનાં સાધનો વડે આઠ કરોડ માણસો એક માણસના મનોબળને આધિન થયા …’ સ્પીયરના આ વિધાનમાં જાણે નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડિયાનો જ નિર્દેશ મળે છે. વળી, ફાસીવાદી વિચારધારાનો એક તબક્કે હાથો બન્યા પછી વ્યાપક માનવતાવાદી મૂલ્યો તરફ પગલાં માંડનાર સ્પીયર અને તેની જદોજહદ ક્યાંક સુધીન્દ્ર કુલકર્ણીને મળતી આવતી નથી લાગતી?                   

21 ઑક્ટોબર 2015                      

e.mail : sanjaysbhave@yahoo.com

(‘કદર અને કિતાબ’ કોલમ, “નવગુજરાત સમય”, 04 નવેમ્બર 2015)

Loading

...102030...3,7493,7503,7513,752...3,7603,7703,780...

Search by

Opinion

  • તમાકુ ને પ્લાસ્ટિક : સઘળું ઇલાસ્ટિક !
  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • ગઝલ
  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved