Opinion Magazine
Number of visits: 9693882
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એમ.એસ. સુબ્બલક્ષ્મી, એમ.એફ. હુસૈન અને ભિષ્મ સહાની − શતાબ્દી સિતારા

તેજસ વૈદ્ય|Opinion - Literature|23 September 2015

કર્ણાટકી સંગીતની પવિત્રતાના પર્યાય એવાં ગાયિકા એમ.એસ. સુબ્બલક્ષ્મી અત્યારે હયાત હોત તો એક સોમાં વર્ષમાં પ્રવેશ્યાં હોત. ભારતીય ચિત્રકલાને જેમણે ભારત તેમ જ વિદેશમાં વધુ પોપ્યુલર કરી એવા દરજ્જેદાર ચિતારા એમ.એફ. હુસૈન જો હયાત હોત તો એક સોમાં વર્ષમાં પ્રવેશ્યા હોત. 'તમસ' જેવી સોંસરવી નવલકથા આપનારા તેમ જ ન માત્ર હિન્દી બલકે ભારતીય સાહિત્યના નોંધપાત્ર સાહિત્યકાર ભીષ્મ સહાની જો હયાત હોત તો સદી પૂરી કરીને એકસો ને એક વર્ષમાં પ્રવેશી ચૂક્યા હોત. યાદ કરીએ આ ત્રણેય મહાન કલાકારોને …

એમ.એસ. સુબ્બલક્ષ્મી જેમનો અવાજ કાનને પાવન કરી દે

લતા મંગેશકરને ૨૦૦૧માં ભારતરત્ન મળ્યો અને એમ.એસ. સુબ્બલક્ષ્મીને ૧૯૯૮માં ભારતરત્ન એનાયત થયો હતો. લતા મંગેશકરને ભારતરત્ન એનાયત થયો એના ત્રણ વર્ષ અગાઉ એમ.એસ. સુબ્બલક્ષ્મીને એ ઇલકાબ એનાયત થયો હતો. એમ.એસ. સુબ્બલક્ષ્મી ભારતનાં પહેલા મહિલા ગાયિકા છે જેમને ભારતનો પહેલો સંગીતક્ષેત્રનો ભારતરત્ન ઇલકાબ મળ્યો હતો. છતાં કોઈએ લતા મંગેશકરનું નામ સાંભળ્યું હોય અને એમ.એસ. સુબ્બલક્ષ્મીનું નામ ન સાંભળ્યું હોય એવું બની શકે છે. બંને સંગીતક્ષેત્રની હસ્તીઓ છે. બંને દેવીઓ છે. દેવીઓમાં સરખામણી ન હોય છતાં આ તો એક સાદો અભ્યાસ છે. સરખામણી કોઈને નીચા દેખાડવા માટે જ ન હોય, પણ એક પ્રમાણ મેળવવા માટે પણ હોઈ શકે. બસ એ રીતે જ આ સરખામણીને નિહાળવી. છતાં કોઈને એવું લાગતું હોય કે આ ગુસ્તાખી છે તો મિચ્છામી દુક્કડમ.

સુબ્બલક્ષ્મી જેવાં મહાન ગાયિકાથી ન માત્ર ગુજરાત બલકે ઉત્તર ભારત પણ ખાસ પરિચિત નથી. જે ખરેખર ખોટનો સોદો છે. જો કે, ખબર ન હોય તો કંઈ વાંધો નહીં! ખબર પડે પછી તો જાણવાની શરૂઆત થઈ શકેને! હવે એમ.એસ. સુબ્બલક્ષ્મી વિશેની વિગતોમાં વધુ ઊંડા ઊતરીએ.

નાકમાં બે હીરા. કપાળે દક્ષિણ ભારતીય ભરાવદાર ચાંદલો. માથામાં વેણી સાથે શ્રોતાઓને વંદન કરીને એમ.એસ. સુબ્બલક્ષ્મી દક્ષિણ ભારતીય શાસ્ત્રીય સંગીતની સરવાણી વહાવે ત્યારે ઓડિટોરિયમ આરાધનાખંડ બની જતો હતો. અવાજમાં પવિત્રતા શું છે એ જો જાણવું અને પામવું હોય તો કોઈ દિવસ ઘરે નીરવ શાંતિમાં ઘરની મ્યુિઝક સિસ્ટમ પર કે કાનમાં હેડફોન માંડીને એમ.એસ. સુબ્બલક્ષ્મીને સાંભળજો. પવિત્રતાની વ્યાખ્યાઓ સમજવા માટે વેદ-કુરાન નહીં ભણવા પડે કે કોઈ સંતનાં લેક્ચર સાંભળવાં નહીં પડે. સંગીતની સમજ નહીં હોય તો ચાલશે, શરત માત્ર એટલી જ કે તમારી અંદર સંવેદનાનો તંતુ હોવો જોઈએ. તમારી માત્ર આટલી તૈયારી હશે તો એમ.એસ. સુબ્બલક્ષ્મી ઉર્ફે અમ્મા સીધાં તમારા રુદિયાના દ્વાર ખખડાવશે. તેમની કર્ણાટકી ભાષા તમને ક્યાં ય બાધક નહીં રહે એની બાંહેધરી.

શાસ્ત્રીય સંગીતમાં પટિયાલા ઘરાણાના ઉસ્તાદ બડે ગુલામ અલી ખાનનું નામ કૈલાશ ગિરિશિખર જેવું છે. બડે ગુલામ અલી ખાને લતા મંગેશકરને તેમની યુવાનીમાં સાંભળ્યાં ત્યારે પ્રેમથી એવું કહ્યું હતું કે, "કમબખ્ત કભી બેસૂરી નહીં ગાતી." લતા મંગેશકર માટે એ પ્રમાણપત્ર જેવી વાત હતી. એ જ ઉસ્તાદ બડે ગુલામ અલી ખાને સુબ્બલક્ષ્મીને 'શુદ્ધ સ્વરોની દેવી' કહીને નવાજ્યા હતા.

અમ્માની મહાનતા એ હતી કે શાસ્ત્રીય સંગીતના પરખંદાઓ તેમની ગાયકીને જેટલા દિલથી માણે છે એટલા જ દક્ષિણ ભારતના ચાની લારીવાળા, હોટેલવાળા, રેંકડી ખેંચતા, નાળિયેર કે ઢોંસા-ઈડલી વેચતા લોકો પણ માણે છે.

ભારત સાંસ્કૃિતક દેશ છે અને એની જે છટાદાર મોરનાં પીંછાં જેવી ઇમેજ છે, એ ઇમેજનો એક રંગ એમ.એસ. સુબ્બલક્ષ્મી છે. વડાપ્રધાન જવાહરલાલ નહેરુ પણ સુબ્બલક્ષ્મીની ગાયકીના મુરીદ હતા. એક કાર્યક્રમમાં એમ. એસ. સુબ્બલક્ષ્મીનો પરિચય આપતાં નેહરુએ કહ્યું હતું કે, "હું તો કેવળ એક વડાપ્રધાન છું, પણ એમ. એસ. તો કર્ણાટકી શાસ્ત્રીય સંગીતનાં ક્વીન છે."

શીખતા રહેવું એના જેવો કોઈ સદ્દગુણ નથી. શીખવાની પ્રક્રિયા આજીવન ચાલે છે અને એ ગુણ વ્યક્તિને વિનમ્ર બનાવે છે. એમ. એસ. સુબ્બલક્ષ્મી આજીવન શીખતાં રહ્યાં.

એક સરસ કિસ્સો વાંચો. સુબ્બલક્ષ્મી એક વખત દિલ્હીમાં ગાંધીજીને મળ્યાં હતાં અને તેમની સમક્ષ રામધૂન ગાઈ હતી. ગાંધીજીએ એવી ઇચ્છા વ્યક્ત કરી હતી કે તેઓ મીરાંબાઈનું ભજન 'હરિ તુમ હરો …'નું ગાયન કરે. કર્ણાટકી સંગીતનાં સુબ્બલક્ષ્મી ત્યારે એ ભજનથી એટલાં પરિચિત ન હતાં. જો કે, ગાંધીજીની ઇચ્છા હતી તેથી તેમણે એ ભજનના શબ્દોનું ઉચ્ચારણ અને એ ભજન ગાવાનું શીખવાનું શરૂ કર્યું. થોડા દિવસમાં તેમણે જ્યારે એ ભજન બરાબર ગાતાં શીખી લીધું ત્યારે મદ્રાસના ઓલ ઇન્ડિયા રેડિયોના રેકોર્ડિંગ સ્ટુડિયોમાં એનું રેકોર્ડિંગ થયું. ૧ ઓક્ટોબરે મધરાત બાદ બે વાગ્યે એ રેકોર્ડિંગ થયું હતું. બીજા દિવસે બીજી ઓક્ટોબરે એ રેકોર્ડેડ ભજન સાંજે દિલ્હીમાં ગાંધીજીની સમક્ષ વગાડવામાં આવ્યું હતું. એ દિવસે ગાંધીજીનો ૭૮મો જન્મદિવસ હતો. વર્ષ ૧૯૪૭નું હતું. [લેખને અંતે આ ગાયિકાએ ગાયેલું આ પદ મુકાયું છે. : તંત્રી]

થોડા મહિનાઓ પછી ૩૦ જાન્યુઆરી, ૧૯૪૮ના રોજ ગાંધીજીની હત્યા થઈ ત્યારે ઓલ ઇન્ડિયા રેડિયોએ સુબ્બલક્ષ્મીએ ગાયેલું મીરાંનું એ ભજન સતત વગાડયું હતું. 

મકબૂલ ફિદા હુસૈન દાઉદ કરતાં પણ જેમની સામે વધુ કેસ હતા

મુંબઈમાં મકબૂલ ફિદા હુસૈનનાં કેટલાંક ચોક્કસ ઠેકાણાં હતાં. જેમ કે, તળ મુંબઈમાં આવેલા મેટ્રો સિનેમા પાસેની ઈરાની કેફે. ત્યાંના પારસી ઢબના ગોળ ટેબલ અને ટિપિકલ ખુરશીઓ પર બેસીને હુસૈનસાહેબ કલાકો કાઢી નાખતા હતા. ઉપરાંત, ક્યારેક જુહૂના પૃથ્વી થિયેટરમાં જઈ ચઢે. અમદાવાદ આવે ત્યારે જૂના અમદાવાદની લકી રેસ્ટોરાંની ચા પીવાનું ન ચૂકે. એ રેસ્ટોરાંને ખાસ ચિત્ર દોરીને હુસૈનસાહેબે ભેટ આપેલું જે આજે રેસ્ટોરાંની રોનક વધારે છે.

૯૦ની ઉંમર વટાવી ગયેલો ડોસલો કોલેજમાં પ્રવેશેલા લવરમૂછિયા જેવા જીન્સ અને જેકેટ પહેરે અને સરફિરાની જેમ ફર્યા કરે અને ચિત્રો દોર્યા કરે. મિજાજ એટલે કે એટિટયૂડ પણ એવો જ રંગદાર. ફિલ્મ જોવા બેઠા હોય ને ગીત ગમવા માંડે તો નાચવા માંડે. ૯૦ વટાવી ચૂકેલા હુસૈનને કોઈ કહી ન શકે કે તેમની એક ટાંગ કબરમાં છે. આ થયો તેમનો બાહ્ય પરિચય.

અફસોસ કે હુસૈનનું નામ પડે એટલે તેમનાં ચિત્રો કરતાં વિવાદ કેટલાંક લોકોને વધુ યાદ આવે. ડબલ અફસોસ એ કે હુસૈનનાં કેટલાંક ચિત્રો સામે વાંધો ઉઠાવનાર લોકોએ તેમના એ સિવાયનાં અન્ય ચિત્રોનો અભ્યાસ કરવાનો ક્યારે ય પ્રયાસ ન કર્યો.

'મીનાક્ષી' અને 'ગજગામિની' જેવી ફિલ્મો બનાવનાર ચિત્રકાર મરહૂમ મકબૂલ ફિદા હુસૈનની લાઇફ ખુદ એક બાયોપિકનો વિષય છે. જે દેશમાં તેમના ચિત્રપ્રદર્શન પર હુમલા થતા હોય ત્યાં કોઈ ફિલ્મમેકર ફિલ્મ બનાવવાની હિંમત કેમ કરે!? સવાલ માત્ર ભાંગફોડિયાં તત્ત્વોનો જ નહીં સેન્સરનો પણ છે. રાજા રવિ વર્માની બાયોપિક બનાવ્યા પછી ફિલ્મમેકર કેતન મહેતાને છ વર્ષની રાહ જોવી પડી હતી. રાજા રવિ વર્માથી માંડીને એમ. એફ. હુસૈન સુધીના તબક્કામાં પહોંચતાં આપણે ઘણી પ્રગતિ કરી છે. ડિજિટલ ક્રાંતિ થઈ ગઈ છે, પણ સાંપ્રદાયિક સ્થાપિત હિતો આજે પણ એટલાં જ સક્રિય છે જેટલાં રાજા રવિ વર્માના સમયમાં હતા. તેથી લોકશાહી મૂલ્યોની બાબતમાં આપણે કેટલા આગળ વધ્યા છીએ એ તમારે અને મારે નક્કી કરવાનું છે.

હાલમાં જ ગૂગલે હુસૈનની જન્મશતાબ્દી નિમિત્તે ડૂડલ બનાવ્યું. ટાઇમ મેગેઝિને પણ નોંધ લીધી. એમ.એફ. હુસૈન મહાન ચિત્રકાર હતા એવું ભારત સિવાયના દેશો પણ કહે છે. તેમની મહાનતા, ડૂડલ, ટાઇમ મેગેઝિન વગેરે યાદ રહે કે ન રહે, પણ તેમની સાથે જે અન્યાય થયો ત્યારે એ વખતની બિનસાંપ્રદાયિક યુપીએ સરકારે કેવા આંખ આડા કાન કર્યા હતા એ યાદ રાખવું જરૂરી છે અને તેનો સમયાંતરે હિસાબ મેળવવો પણ જરૂરી છે.

હુસૈનનાં ચિત્રો પ્રર્દિશત કરવા આર્ટ ગેલેરીઓ માટે મુસીબત થઈ પડી અને ખુદ હુસૈને દેશ છોડીને વિદેશ જતાં રહેવું પડયું ત્યારે સેક્યુલર ચહેરો ધરાવતી કોંગ્રેસના વડપણ હેઠળની એ સરકારનું વલણ ખેદજનક હતું.

માત્ર સાંપ્રદાયિક છબી ધરાવતી સરકારો જ નહીં, પણ બિનસાંપ્રદાયક છબી ધરાવતી સરકારે પણ હુસૈનના બચાવમાં માત્ર ખાનાર્પૂિત સિવાય કશું કર્યું નહોતું જે વધુ ખેદજનક હતું. હુસૈનના નિધન વખતે શ્રદ્ધાંજલિ આપતાં વડાપ્રધાન મનમોહન સિંહે કહ્યું હતું કે, "હુસૈને ભારતીય કલાને ભારત તેમ જ વિદેશમાં પોપ્યુલર કરવામાં મોટી ભૂમિકા ભજવી હતી. દેશે એક આઇકોનિક સિતારો ગુમાવ્યો છે." એ વખતે વડાપ્રધાન મનમોહન સિંહે મોટા મને શ્રદ્ધાંજલિ તો વ્યક્ત કરી હતી, પણ હુસૈન જીવતા હતા ત્યારે તેઓ ભારતમાં કોઈ ભય વગર રહી શકે એવી કોઈ વ્યવસ્થા કરી નહોતી કે ન તો બાંહેધરી આપી હતી. ૨૦૦૬માં ઇન્દૌરની એક અદાલતે હુસૈનને એક કેસમાં અદાલતમાં હાજર થવાનું ફરમાન કર્યું હતું. આરોપ હતો કે હુસૈન તેમની કલાકૃતિ દ્વારા ભારતની એકતાને તોડવાનો અને અશ્લીલતાને ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો ખરેખર જ એવું હોત તો હાલમાં જ હુસૈનની ૧૦૦મી જન્મજયંતી ઉજવાઈ ત્યારે ગૂગલે ડૂડલ ન બનાવ્યું હોત અને ટાઇમ મેગેઝિન સહિત વિશ્વભરનાં માધ્યમોએ તેમની નોંધ ન લીધી હોત. ઇન્દૌર, રાજકોટ, મેરઠ, દિલ્હી સહિત અનેક શહેરોમાં હુસૈનની સામે અનેક કેસ નોંધાયેલા હતા. દેશમાં દાઉદ ઇબ્રાહિમ કરતાં વધુ કેસ એમ.એફ. હુસૈન સામે હતા ! એ છતાં કેન્દ્રની ધર્મનિરપેક્ષ મનમોહન સિંહની સરકાર આંખ આડા કાન કરતી રહી.

યુપીએ સરકારે દિલ્હી અને મુંબઈ પોલીસને પુરાવાઓની પર્યાપ્તતાને આધારે હુસૈનની સામે કાર્યવાહી કરવાની છૂટ આપી હતી. એ પછી લંડનમાં એશિયા હાઉસ ગેલેરીમાં યોજાયેલા તેમના ચિત્રપ્રદર્શન પર કેટલાંક લોકોએ હુમલો કર્યો હતો. ગેલેરીએ પ્રદર્શન તો બંધ જ કરી દીધું, પણ પોતાની વેબસાઇટ પરથી હુસૈનનો ઉલ્લેખ પણ હટાવી દીધો હતો. એ વખતે લોર્ડ મેઘનાદ દેસાઈએ એ હુમલાને તેમ જ એશિયા હાઉસ ગેલેરીના વલણની આકરી ટીકા કરી હતી. વક્રતા જુઓ કે એ વખતે દેશનાં વિવિધ રાજ્યોમાં વિવિધ કારણસર સાંપ્રદાયિક છમકલાં થતાં તો કેન્દ્ર સરકાર એવો જવાબ આપતી કે કાયદો અને વ્યવસ્થા તો રાજ્ય સરકારનું કાર્યક્ષેત્ર છે, બંધારણીય રીતે કેન્દ્રના હાથ ત્યાં બંધાયેલા છે!

જે લોકોએ રાજા રવિ વર્માને નહોતા છોડયા તેમના માટે હુસૈન તો નિશ્ચિત ટાર્ગેટ હોવાના જ. જે સરકાર બિનસાંપ્રદાયિક હોવાનો ચહેરો ધરાવતી હોય એ જ્યારે આંખ આડા કાન કરે ત્યારે ભારતની જે સર્વસમાવેશક અખંડિતતાની છબી છે એનું વ્યાપક ધોવાણ થાય છે.

જે સરકાર એવો ચહેરો પણ ધરાવતી ન હોય એના વિશે તો ચર્ચા કરવાનો પણ મતલબ નથી.

ભીષ્મ સહાની હિન્દી જ નહીં ભારતીય સાહિત્યનો નોંધપાત્ર ચહેરો

૩ જાન્યુઆરી, ૧૯૮૮ના રોજ દૂરદર્શન પર 'તમસ' ટીવીસિરીઝ તરીકે રજૂ થવાની શરૂ થઈ ત્યારે લોકો હલબલી ગયા હતા. ચાર હપ્તાની એ ટીવીસિરીઝ એક વૈચારિક આંદોલન જેવી હતી. [આ લેખને અંતે આ ચારે ય ભાગની કડી મૂકી છે : તંત્રી] હિન્દીના મહાન સાહિત્યકાર ભીષ્મ સહાનીની નવલકથા 'તમસ' પરથી ફિલ્મમેકર ગોવિંદ નિહલાનીએ ટીવીસિરીઝ બનાવી હતી. જેમાં દીના પાઠક, ઓમ પુરી, દીપા સાહીથી માંડીને મંજાયેલાં કલાકારોનો જમાવડો હતો. ભારત-પાકિસ્તાનના વિભાજન બાદ દેશ બે ટુકડાઓમાં વહેંચાઈ ગયો અને પછી જે ખાનાખરાબી સર્જાઈ એનું રુવાંટાં સળગાવી દે એવું ચિત્રણ 'તમસ'માં છે.

'તમસ' નવલકથા પર લેખકનું નામ ન લખ્યું હોય અને વાંચો તો એ ઉર્દૂના ક્રાંતિકારી વાર્તાકાર સઆદત હસન મન્ટોએ લખેલી કોઈ નવલકથા લાગે. ભીષ્મ સહાનીની 'તમસ' ઉપરાંત 'ઝરોખે', 'બસંતી', 'નીલૂ નીલિમા નિલોફર', 'મય્યાદાસ કી માડી' વગેરે નવલકથાઓ લોકોને પસંદ પડી હતી. 'અમૃતસર આ ગયા', 'વાંગ્ચૂ' જેવી વાર્તાઓ તેમ જ 'કબીરા ખડા બાઝાર મેં' અને 'હાનૂશ' જેવાં નાટકો પણ લોકોને પસંદ પડયાં હતાં.

આલ્બર્ટ પિન્ટો કો ગુસ્સા ક્યોં આતા હૈ', 'સલીમ લંગડે પે મત રો', 'અરવિંદ દેસાઈ અજીબ દાસ્તાન', 'મોહન જોશી હાઝિર હો' જેવી નોંધપાત્ર ફિલ્મો ડિરેક્ટ કરનારા ડિરેક્ટર સૈયદ મિર્ઝા ભીષ્મ સહાનીના સાહિત્યના ફેન હતા. તેમણે 'તમસ' નવલકથા અનેક વખત વાંચી છે. સૈયદ મિર્ઝાએ ભીષ્મ સહાનીને એક્ટર તરીકે લઈને 'મોહન જોશી હાઝિર હો' ફિલ્મ બનાવી હતી. ભીષ્મ સહાનીને એક્ટર તરીકે રજૂ કરવા અંગેની કૈફિયત જણાવતાં તેમણે કહ્યું હતું કે, "જ્યારે હું 'મોહન જોશી હાઝિર હો' બનાવી રહ્યો હતો ત્યારે મને એક એવા ચહેરાની તલાશ હતી જે ચહેરામાં જમાનાની તસવીર વંચાય, ઇતિહાસ દેખાય. ઇતિહાસ એટલે પાઠયપુસ્તક બ્રાન્ડ ઇતિહાસની વાત હું નથી કરી રહ્યો. હું કહેવા માગું છું કે ઇતિહાસ એટલે જેના ચહેરા પર લાંબી સફર અને લાંબા અનુભવની ઝાંખી થતી હોય. જમાનાની તાસીરને જેણે જીવી જાણી હોય એવું વ્યક્તિત્વ. ભીષ્મ સહાનીના ચહેરામાં મને એ ઇતિહાસ વંચાતો હતો, તેથી તેમને મેં 'મોહન જોશી હાઝિર હો'માં લીધા હતા." અપર્ણા સેનની મિસ્ટર એન્ડ મિસિસ ઐયરમાં પણ તેમણે નાની ભૂમિકા ભજવી હતી.

ભીષ્મ સહાની કર્મશીલ તરીકે ભારતનાં કેટલાંક પ્રગતિશીલ આંદોલનોમાં પણ સક્રિય રહ્યા હતા. ઇપ્ટા – ઇન્ડિયન પીપલ્સ થિયેટર એસોસિએશનમાં પણ સક્રિય હતા.

ભીષ્મ સહાનીએ લોલીપોપ લિટરેચર કે લુગદી સાહિત્ય એટલે કે પલ્પ ફિક્શન નહોતાં લખ્યાં. તેમણે ભારત – પાકિસ્તાનના ભાગલા, સામાજિક વર્ગવિગ્રહ વગેરે પેચિદા વિષયોને કેન્દ્રમાં રાખીને સમસામયિક નવલકથા, વાર્તા અને નાટકો લખ્યાં હતાં. આ એવા વિષયો હતા કે જેમાં લેખકનો એક કચકચતો સૂર પ્રગટે. એમાંય ભીષ્મ સહાની તો કમ્યુિનસ્ટ હતા તેથી તેઓ તો લાલચોળ રીતે પોતાનો અભિપ્રાય પ્રગટ કરે એ સ્વાભાવિક માની શકાય. જો કે, તેઓ તેમની રચનાઓમાં લેખક તરીકે અભિપ્રાય આપતા ખચકાયા છે. એનો મતલબ એવો નહોતો કે તેઓ અડૂકિયાંદડૂકિયાં હતા કે કન્ફ્યૂઝ હતા કે બંને પક્ષે સંતુલિત રહેવા માગતા હતા. અભિપ્રાય ન આપવો એ તેમની વિનમ્રતા હતી. તેઓ માનતા હતા કે કલા-સાહિત્યનું કામ વિચાર અને સંવેદના જગવવાનું છે, અભિપ્રાય આપવાનું નહીં. તેથી તેમની રચનાઓ વાંચશો તો માલૂમ પડશે કે તેમણે પરિસ્થિતિ રજૂ કરી છે, અભિપ્રાય થોપ્યા નથી.

ભીષ્મ સહાની હિન્દી સિનેમાના બેનમૂન અભિનેતા બલરાજ સહાનીના નાના ભાઈ હતા. ભિષ્મ સહાનીના વખણાયેલા નાટક 'કબીરા ખડા બજાર મેં'નો પહેલો શો ૧૯૮૨માં થયો હતો અને છેલ્લો શો ૧૯૯૨માં થયો હતો. છેલ્લો શો સુરતમાં થયો હતો. ૧૯૯૮માં તેમને સાહિત્ય માટે પદ્મ ભૂષણ ઇલકાબ મળ્યો હતો.

દિલ્હી યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્ર ભણાવતાં તેમ જ રાજકીય વિશ્લેષક અપૂર્વાનંદે કહ્યું હતું કે, "કેટલાંક લોકો ભીષ્મ સહાની વાંચતાં ડરે છે. તેમને ડર છે કે સહાનીનું સાહિત્ય વાંચ્યા પછી તેમની અંદરની માણસાઈ તેમના સૂતેલા આત્માને ઢંઢોળીને જાગૃત કરી દેશે."

આ શબ્દો ભીષ્મ સહાનીની સાહિત્યિક સંવેદનાને યથાર્થ રીતે રજૂ કરે છે. 

e.mail : tejas.vd@gmail.com

સૌજન્ય : ‘છપ્પનવખારી’ નામક લેખકની કોલમ, “સંદેશ”, 23 સપ્ટેમ્બર 2015

http://www.sandesh.com/article.aspx?newsid=3137149

એમ.એસ. સુબ્બલક્ષ્મીએ ગાયેલું મીરાંકૃત ભજન, ‘હરિ તુમ હરો … ’ની કડી :
 https://www.youtube.com/watch?v=DuRp3OmnoMo

Tamas ( Darkness) (1987) is a period television film directed by Govind Nihalani, based on the Hindi novel of the same name written by Bhisham Sahni (1974), which won the author the Sahitya Akademi Award in 1975.

૧. https://www.youtube.com/watch?v=baAYhFuCK7A

૨. https://www.youtube.com/watch?v=0vI1UjpiSvc

૩. https://www.youtube.com/watch?v=03_m2uWiDW0

૪. https://www.youtube.com/watch?v=qvI5yjvXEj4

Loading

ચન્દ્રકાન્ત ટોપીવાળાનો આતમરામ

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Literature|23 September 2015

ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે ચૂંટાયેલા ચન્દ્રકાન્ત ટોપીવાળાના વિવેચનના વિભાજિત પટ પરના ઘણાં પુસ્તકો અભ્યાસીને પણ અઘરાં કે નિરસ જણાય છે. પણ ‘મારો આતમરામ’ (2009) નામનો તેમના ‘અંગત લેખનોનો સંચય’ પ્રસન્ન કરી દેનારો છે. વળી આ વિદ્વાન અધ્યાપક-સમીક્ષક-કવિ એ જીવનનો આનંદ માણનારા એક બહુરુચિસંપન્ન વ્યક્તિ કેવી રીતે છે તે પણ આ પુસ્તક બતાવે છે. ‘પારકૃતિત્વ’, ‘વાનરવૈયાકરણ’,‘ગણવર્તી’,‘ગલતા’,‘અનુગ્ર પરંપરા’, ‘યુરિ લોત્મનનો સંકેતમંડળનો ખ્યાલ’ જેવા નાનાવિધ  દુર્બોધ શબ્દપ્રયોગો તેમની લેખિની ઠેર ઠેર સહજ રીતે પ્રક્ષેપે છે. એટલે તેમની કલમ જ્યારે પ્રાઇમસ, કોગળા, કંટોલા, હથોડી, માખી, કરોળિયા, લાલચુડી, ઇડલી, થેલી, કરચલી જેવી વૈખરીમાં વિહાર કરે છે ત્યારે વાચકને મરમાળા રસિક ‘ચં.ટો.’ દેખાય છે. સરેરાશ ત્રણ પાનાં ધરાવતાં સિત્તેર લખાણોનાં પાર્શ્વ પ્રકાશને બહાર પાડેલા પુસ્તકના ‘અંતરંગ’માં લેખક કહે છે : ‘મારા ગદ્યની આ બીજી બાજુ છે. સૈદ્ધાન્તિક વિવેચન અને પ્રત્યક્ષવિવેચનમાં શિસ્તબદ્ધ, ઠાવકું અને ચુસ્ત રહેલું ગદ્ય અહીં હળવા વિનોદવ્યંગ અને રમતિયાળ વળાંકોમાં ઊતરી પડ્યું છે.’ આ ગદ્યાંશ જુઓ :  ‘આમ તો મારો પ્રભાતનો નિત્યક્રમ શાકથી જ શરૂ થાય છે. એ જ મારું પ્રભાતિયું કામ. શાકને જોવું, સ્પર્શવું, ચૂંટવું, સમારવું, કાપવું – બધાના ભાગ્યમાં નથી. મોગરીની એક એક સેરને તપાસી કૂણી કૂણી જુદી પાડી એને ઝીણી મોળવી … વિખરાતી રજ સાથે ફ્લાવરના ફોડવા તૈયાર કરવા .. ટીંડોળાને ઊભા કે આડા ગોળ સમારવાની મીઠી મૂંઝવણમાં પડવું …’  આહારવિદ્યા, રાંધણકલા અને સ્વાદેન્દ્રીય પરનાં રસદાર નિબંધો છે. ઘ્રાણેન્દ્રિયની તકલીફને લઈને તે ‘નાસિકાકાંડ’ લખે છે : ‘છેવટે નાકલીટી તાણી ડૉક્ટર પાસે પહોંચ્યાં. નસકોરામાં ચીપિયા નખાવ્યા.’ સોમરસેટ મૉમને યાદ કરીને લેખક ‘નાણું છઠ્ઠી ઇન્દ્રિય’ વિશે લખે છે. નાનામોટા પ્રસંગો-અનુભવોથી દુરારાધ્ય વિવેચકના વ્યક્તિત્વના રંગો અને માન્યતાઓ ઊઘડતાં જાય છે. ‘પોતાને વિશ્વાસનો અનુભવ થતો રહે તે માટે ટાઈ’ પહેરે છે. ઊંચા સ્ટૂલ , ચકડોળ અને કૂતરાંથી ડરે છે. પણ લખે છે : ‘મને મૃત્યુનો ભય નથી રહ્યો અને ઈશ્વર છેવટે તો નથી જ (મારે માટે) એટલે મને ઈશ્વરનો ભય નથી રહ્યો.’ વળી તે એમ પણ કહે છે : ‘દરેક જીવ અનન્ય છે. દરેક જીવમાં મારે જીવવું છે. મને મોક્ષ નથી જોઈતો.’ અન્યત્ર લખે છે : ‘તમે હાક મારશો એટલે બધું કામ પડતું મેલીને હું ફિલ્મ જોવા તમારી સાથે નીકળીશ’, અથવા ‘મન અનાયાસ માછલીની જેમ ટીવી તરંગોમાં બેએક કલાક ખુશહાલ તર્યા કરે છે.’ લખાવેલી પ્રસ્તાવના તેમને ‘બેહૂદી ચીજ’ લાગે છે. પોતાની આવી વાતો ઉપરાંત લેખક બાળપણનાં સંભારણાં, લયભંડોળ, વાચનનો ઢોળ, મુંબઈનું શિક્ષણ અને મહાનગરમાંથી દેશવટો, આચાર્ય તરીકેનું કામ વગેરે વિશે પણ લખે છે. દીકરી-દૌહિત્રીઓનાં સ્નેહચિત્રો છે. નાના ભાઈ ચૈતન્ય, કલાકાર નિમેષ દેસાઈ, વિવેચક કૃષ્ણરાયન, ‘ખોળી લાવેલા’ હિબ્રૂ કવિ યહૂદા અમિચાઈ, મિત્ર જયંત ગાડીત અને ‘રૂપેરી અવાજ’ના સ્વામી અનિરુદ્ધ બ્રહ્મભટ્ટને લેખકે અલગ અલગ નિબંધોમાં સરસ રીતે યાદ કર્યા છે. ‘રીંછસત્ર’ અને મરાઠી સંતકવિ વિશેનો ‘ચોખોબા જડ્યો’ બહુ જ વાચનીય છે. સાતેક લેખો ખુદનાં સર્જન-વિવેચનની કેફિયત પ્રકારના છે. શહેરના બગીચા, માખી, ઊંઘ, ખંડેર, ટ્રેન, પક્ષી દર્શન ‘ટ્રાયમ્ફ ઑફ ધ વિલ’ ફિલ્મ જેવા વિષયો પર ઉત્તમ લલિત નિબંધો મળે છે. જો કે એકંદરે પહેલા ચોંત્રીસેક નિબંધો ઓછા ‘સાહિત્યિક’ વધુ દુન્યવી, અને એટલે વધુ વાચનીય જણાય છે. અલબત્ત વિચાર અને અભિવ્યક્તિમાં ક્યાં ય  કનિષ્ઠતા (મિડિયોક્રિટી) નથી, સુબોધ ગુણવત્તા છે. 

પુસ્તકોમાં રાચનારા આતમરામનું બીજું ઓછું જાણીતું અને અપ્રાપ્ય પુસ્તક એટલે ‘રચનાવલી’. બુક અબાઉટ બુક્સ પ્રકારના આ પુસ્તકમાં ટોપીવાળાએ જુદી જુદી ભાષાઓના સાહિત્યના બસો અઢાર પુસ્તકોમાંથી દરેકનો સરેરાશ આઠસો શબ્દોમાં પ્રાથમિક પરિચય આપ્યો છે. તેમાં ત્રીજા ભાગની ગુજરાતી સહિત્યકૃતિઓમાં અઢાર મધ્યકાલીન અને પછીની ‘અર્વાચીન આધુનિક’ સમયની છે. સંસ્કૃત, હિન્દી, અંગ્રેજી અને ઉર્દૂ સહિત ચૌદ ભારતીય ભાષાઓનાં પુસ્તકો એમાં છે. વિશ્વસાહિત્યની વીસ શાખાઓનાં પુસ્તકો વિશે પણ અહીં છે. ‘અઘરું બહુ લખ્યું હવે સહેલું લખો’ એ મતલબની રસિકોની વિનંતીથી આ એક ઠીક લોકભોગ્ય ઉપક્રમ થયો છે.

‘રચનાવલી’(પાર્શ્વ, 2000)માં સામાજિક-રાજકીય નિસબત ધરાવતી કેટલીક સાહિત્યકૃતિઓ છે. તેમાં દલપતરામની ‘હુન્નરખાનની ચડાઈ’, મેઘાણીની ‘યુગવંદના’ અને બ.ક. ઠાકોરની ‘હિટલર’ રચના છે. સંસ્કાર (યુ.આર. અનંતમૂર્તિ), રણાંગણ (વિશ્રામ બેડેકર), ઈંધણ (હમીદ દલવાઈ) ઉઠાવગીર (લક્ષ્મણ માને),ધ કલર પર્પલ (ઍલિસ વૉકર), સર્વાયવલ ઇન આઉત્સવિત્સ (પ્રિમો લેવી), ધ ટ્રાયલ (ફ્રાન્ઝ કાફ્કા), કૅન્ટો જનરલ (પાબ્લો નેરુદા) જેવી કૃતિઓ પણ છે. તે બધામાં, એક યા બીજી રીતે, સ્વાતંત્ર્ય-સમતા-બંધુતાનાં મૂલ્યોના પુરસ્કારની અને એકાધિકારવાદના વિરોધની અભિવ્યક્તિ છે. તો વળી ગુજરાત સાહિત્ય અકાદમીની સ્વાયત્તતા માટેની લડત વળી બીજાં કયાં મૂલ્યો માટે હોય ?

એંશીની ઉંમરે આ લડતમાં ઝૂકાવનારા  ચન્દ્રકાન્ત ટોપીવાળાને અભિનંદન અને શુભેચ્છા !

20 સપ્ટેમ્બર 2015

+++++

સૌજન્ય : ‘કદર અને કિતાબ’ નામક લેખકની કોલમ, “નવગુજરાત સમય”, 23 સપ્ટેમ્બર 2015

e.mail : sanjaysbhave@yahoo.com

Loading

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પોષણ અને રક્ષણની કુનેહ હાંસલ કરી લીધી છે

રમેશ ઓઝા

, રમેશ ઓઝા|Samantar Gujarat - Samantar|22 September 2015

ઘણી વાર એવું બને કે તમને જ્યારે પોષણ અને રક્ષણની તરકીબ આવડી જાય ત્યારે કંઈ પણ કર્યા વગર કે કોઈ મોટા ઉદ્દેશ વગર વિકસતા જવાય છે. અન્ય ધર્મીઓનાં ઘરોમાં ડોકિયાં કરવાથી અને ભય બતાવવાથી પોષણ મળી રહે છે અને રક્ષણ માટે સલામત અંતર રાખવામાં આવે છે. છેલ્લા નવ દાયકામાં એવું એક પણ આંદોલન કે મુદ્દો બતાવો જે સંઘે ઉઠાવ્યો હોય કે સંઘે ભાગ લીધો હોય ને એને ચરમસીમાએ પહોંચાડ્યો હોય

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS)નો એજન્ડા હિન્દુ રાષ્ટ્રનો છે તો એના માટેની સામગ્રી ક્યાં છે? જે લોકો સો વર્ષ પછીનો એજન્ડા સેટ કરી શકતા હોય, નવ દાયકા સુધી એજન્ડા છુપાવી શકતા હોય અને વિશ્વનું કદાચ સૌથી મોટું અપારદર્શક જાળું રચી શકતા હોય એ લોકો કેટલા જિનિયસ હોવા જોઈએ. આવા જિનિયસ માણસોને હિન્દુ રાષ્ટ્રનું દર્શન વિકસાવવામાં, એને માટેની સામગ્રી શોધવામાં, એનો વિનિયોગ કરવામાં, એને લોકો સુધી પહોંચાડવામાં અને એને લોકોની સ્વીકૃતિ અપાવવામાં સફળતા ન મળે એવું બને?

તો પછી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની તાકાતનું રહસ્ય શું છે? ગયા અઠવાડિયે આ પ્રશ્ન સાથે લેખનો ઉપસંહાર કર્યો હતો. સામે પક્ષે સંઘનો નવ દાયકાનો અનુભવ બુદ્ધિદરિદ્રતાનો છે.

એસ.એચ. દેશપાંડે નામના મોટા કૃષિઅર્થશાસ્ત્રી હતા. ઍકૅડેમિક વર્લ્ડમાં આજે પણ તેમનું નામ આદરપૂર્વક લેવાય છે. એસ.એચ. દેશપાંડે તેમની તરુણાવસ્થાથી લઈને યુવાવસ્થા દરમ્યાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક હતા. એ આઝાદી પહેલાંનાં અને આઝાદી પછીનાં તરતનાં વર્ષો હતાં. તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં વિતાવેલાં વર્ષોનો અનુભવ લખ્યો છે જે પુસ્તક ‘સંઘા ચે દિવસ’ નામે મરાઠીમાં ઉપલબ્ધ છે. ભારતનાં અને પોતાની જિંદગીનાં નિર્ણાયક વર્ષોનો પૂરો એક દાયકો તેમણે સંઘને આપ્યો હતો અને છેવટે નિરાશ થઈને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખાઓમાં જવાનું બંધ કર્યું હતું.

તેમણે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે સંઘ શા માટે? એવો પ્રશ્ન તરુણોના અને યુવકોના મનમાં થવો સ્વાભાવિક હતો અને તેઓ જ્યારે આવો પ્રશ્ન પૂછતા હતા ત્યારે તેમને કોઈ સંતોષકારક ઉત્તર આપવામાં આવતો નહોતો. પહેલાં કહેવામાં આવતું હતું કે અહિંસાવાદી કાયર બુઢ્ઢાના નેતૃત્વમાં ભારતને આઝાદી મળવાની નથી એટલે આઝાદી માટેની આખરી લડાઈ સંઘે જ લડવાની છે. એ પછી સ્વયંસેવકોને સલાહ આપવામાં આવતી હતી કે તેમણે આડીઅવળી શંકાઓ કર્યા વિના સરસંઘચાલકના આદેશનું પાલન કરવું જોઈએ. અત્યારે પહેલું કામ હિન્દુઓને સંગઠિત કરવાનું છે. હિન્દુઓ સંગઠિત થશે એટલે આઝાદી તો ચુટકી વગાડતાં મળી જશે. એ પછી જ્યારે કાયર બુઢ્ઢાને કારણે ભારતને આઝાદી મળી ગઈ ત્યારે સ્વયંસેવકો પૂછવા લાગ્યા કે આઝાદી તો મળી ગઈ હવે સંઘે શું કરવાનું છે? એસ.એચ. દેશપાંડે લખે છે કે આ પ્રશ્નનો પણ કોઈ સંતોષકારક ઉત્તર આપવામાં આવતો નહોતો. હિન્દુ રાષ્ટ્રની રચના કરવાની છે એટલે હિન્દુઓને સંગઠિત કરવાના છે એટલે આડાઅવળા પ્રશ્નો પૂછીને શક્તિનો વ્યય ન કરો અને બીજા સ્વયંસેવકોના મનમાં શંકા પેદા ન કરો એવી સલાહ પ્રશ્નો પૂછનારા સ્વયંસેવકોને આપવામાં આવતી હતી. વારુ, હિન્દુ રાષ્ટ્ર કેવું હશે અને એને માટે અમારે કેવી તૈયારી કરવાની છે એવા પ્રશ્નના ઉત્તરમાં માત્ર એક જ જવાબ આપવામાં આવતો હતો : હિન્દુઓને સંગઠિત કરો અને સંઘમાં લઈ આવો.

આ ૧૯૪૦થી ૧૯૫૦નાં વર્ષોની વાત છે. ભારતના અત્યાર સુધીના ઇતિહાસમાં જો કોઈ એક દશક સૌથી વધુ નિર્ણાયક સાબિત થયો હોય તો એ ૧૯૪૦નો દાયકો છે. અત્યારના ભારતનું ભવિષ્ય અને અત્યારના ભારતનો ચહેરો એ દશકમાં નક્કી થયો હતો. માત્ર ભારત શા માટે, આખા વિશ્વ માટે ૧૯૪૦નો દાયકો નિર્ણાયક સાબિત થયો હતો. એ દાયકામાં બીજું વિશ્વયુદ્ધ થયું હતું જેમાં જગત ફાસીવાદ અને ખુલ્લા સમાજ વચ્ચે વહેંચાઈ ગયું હતું અને જગતના પ્રત્યેક માનવીએ અને દેશે બેમાંથી એકની પસંદગી કરવાની હતી. યુદ્ધ પછી વિશ્વ સામ્યવાદ અને મૂડીવાદ વચ્ચે વહેંચાઈ ગયું હતું અને જગતના પ્રત્યેક માનવીએ અને દેશે કોઈ એકની પસંદગી કરવાની હતી. એ દાયકામાં ભારતમાં હિન્દુઓ અને મુસલમાનો વચ્ચે અભૂતપૂર્વ કોમી વિભાજન થયું હતું જેમાં ભારતના પ્રત્યેક નાગરિકે અને ભારત સરકારે સેક્યુલર રહેવું કે કોમી એ બેમાંથી કોઈ એકની પસંદગી કરવાની હતી. એ દશકમાં અત્યારના ભારતનો ઘાટ ઘડનારું બંધારણ ઘડાઈ રહ્યું હતું જેમાં પરંપરા અને આધુનિકતા વચ્ચે ભારતના પ્રત્યેક નાગરિકે અને રાજ્યે પસંદગી કરવાની હતી. પસંદગી પરંપરા અને આધુનિકતાના સ્વરૂપ વિશેની અને પ્રમાણ વિશેની એમ બન્ને હતી. કેટલું આધુનિક બનવું અને કેટલું પરંપરાગત રહેવું એ નક્કી કરવાનું હતું. એ દશકમાં ગ્રામીણ અર્થવ્યવસ્થા અને ઔદ્યોગિક અર્થવ્યવસ્થા વિશે નિર્ણય લેવાનો હતો. એ દશકમાં અંગ્રેજી, હિન્દી, હિન્દુસ્તાની અને પ્રાદેશિક ભાષાઓ વિશે નિર્ણય લેવાના હતા. એ દશકમાં વર્ણવ્યવસ્થાને કારણે જેમને અન્યાય થયો છે તેમને કઈ રીતે ન્યાય આપવો અને ન્યાયનું સ્વરૂપ શું હોવું જોઈએ એ વિશે નિર્ણય લેવાનો હતો.

આગળ કહ્યું એમ ભારતનું ભવિષ્ય અને ભારતનો ચહેરો ૧૯૪૦ના દાયકામાં નક્કી થવાનાં હતાં. કલ્પના કરો કે એ દાયકો કેટલો નિર્ણાયક હશે. દેશની સામે જ્યારે કેટલાક વિકલ્પોમાંથી ચોક્કસ નિર્ણયો લેવાના હતા ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પાસે કંઈ જ કહેવાનું કે કરવાનું નહોતું એનું આશ્ચર્ય થાય છે. સ્વયંસેવકોને માત્ર એક જ સલાહ આપવામાં આવતી હતી કે શંકા ન કરો અને સંગઠન રચો. શેને માટે સંગઠન જ્યારે તમારી આટલા મહત્વપૂર્ણ દાયકામાં ઉપસ્થિત થયેલા મહત્ત્વપૂર્ણ પ્રશ્નો વિશે કોઈ ભૂમિકા જ નહોતી. ઊલટું તેઓ જે માનતા હતા એનાથી વિરુદ્ધ વર્તતા હતા અથવા મૂંગા રહેતા હતા. જેમ કે બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન સહાનુભૂતિ હિટલર અને મુસોલિની માટે હતી, પરંતુ ટેકો અંગ્રેજોને આપ્યો હતો અને ૧૯૪૨ની લડતનો વિરોધ કર્યો હતો. તેમની સહાનુભૂતિ ગ્રામીણ અર્થતંત્ર માટેની હતી, પરંતુ ગાંધીજીની ગ્રામસ્વરાજની કલ્પનાને ટેકો નહોતો આપ્યો. તેમનો પક્ષપાત પરંપરા માટેનો હતો, પરંતુ ખોંખારો ખાઈને બોલવાની હિંમત ક્યારે ય કરી નહોતી.

એસ.એચ. દેશપાંડેની જેમ સંઘના બીજા એક સ્વયંસેવક સંજીવ કેલકરે આને લૉસ્ટ યર્સ ઑફ ધ RSS તરીકે ઓળખાવ્યાં છે. આ નામનું તેમનું પુસ્તક છે જેમાં તેમણે કહ્યું છે કે ૧૯૪૦માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક ડૉ. હેડગેવારના અવસાન પછી સંઘની ધુરા ગોલવલકર ગુરુજીના હાથમાં આવી હતી અને તેઓ નિર્ણાયક વર્ષોમાં નિર્ણાયક પ્રશ્ને નિર્ણય લેવાનું અને બોલવાનું તો બાજુએ રહ્યું, એ વિશે વિચારવાની કે ચર્ચા કરવાની વાતને પણ પ્રોત્સાહન નહોતા આપતા. સલાહ માત્ર એક જ આપવામાં આવતી હતી : પ્રશ્નો નહીં પૂછવાના, શંકાઓ નહીં કરવાની, સરસંઘચાલકના આદેશોનું પાલન કરવાનું અને હિન્દુઓને સંગઠિત કરવાના. સંજીવ કેળકર કહે છે કે ગોલવલકર ગુરુજીએ જો ચર્ચાને પ્રોત્સાહન આપ્યું હોત અને ભૂમિકા લીધી હોત તો એ નિર્ણાયક વર્ષોમાં સંઘનું દર્શન વિકસી શક્યું હોત. અંતે ચર્ચા, ચોક્કસ ભૂમિકા અને કૃતિ વિના કોઈ દર્શન વિકસતું નથી. હિન્દુ રાષ્ટ્રની એક કલ્પના છે, પરંતુ એનું કોઈ દર્શન સંઘ પાસે નથી અને એને માટેની સામગ્રી તો મુદ્દલ નથી.

ગોલવલકર ગુરુજીએ જો કે આવો એક પ્રયાસ કર્યો હતો. ૧૯૩૯માં તેમના નામે એક અંગ્રેજી પુસ્તક પ્રકાશિત થયું હતું જેનું ર્શીષક હતું ‘વી ઑર અવર નેશનહુડ ડિફાઇન્ડ’. એ પુસ્તકની પ્રથમ આવૃત્તિમાં એમ.એસ. ગોલવલકરનું લેખક તરીકે નામ છે અને એમાં કોઈ જગ્યાએ કહેવામાં આવ્યું નથી કે પુસ્તકમાં પ્રકાશિત વિચારો કોઈ બીજાના છે અને તેમણે તો માત્ર એનું સંકલન કર્યું છે. ઊલટું પુસ્તકની પ્રસ્તાવનામાં તેમણે પોતે આ પુસ્તકના લેખક હોવાનો દાવો કર્યો છે. બન્યું એવું કે પુસ્તક પ્રકાશિત થતાંની સાથે જ બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું અને ફાસીવાદનો પુરસ્કાર કરતું આ પુસ્તક સંઘને મોંઘું પડવા લાગ્યું. ગોલવલકર ગુરુજીનાં ગાત્રો ઢીલાં થવા માંડ્યાં એટલે તેમણે જાહેર કર્યું કે એ પુસ્તક તો વી.ડી. સાવરકરના ભાઈ જી.ડી. સાવરકરના ‘રાષ્ટ્રમીમાંસા’નો મુક્ત અનુવાદ છે અને તેઓ એના લેખક નથી. હવે તો અનેક દાયકાઓથી સંઘ એ પુસ્તક પ્રકાશિત કરતું નથી અને ગોલવલકર ગુરુજીને ‘વી ઑર અવર નેશનહુડ ડિફાઇન્ડ’ના લેખક તરીકે ઓળખાવતો નથી. એ વાત ખરી છે કે એ રાષ્ટ્રમીમાંસાનો અનુવાદ છે, પરંતુ ગુરુજીએ પહેલી આવૃત્તિમાં મૂળ લેખકનો નામોલ્લેખ કરવા જેટલું પણ સૌજન્ય બતાવ્યું નથી. એ હતી તો તફડંચી, પરંતુ તફડંચી મોંઘી પડતાં મૂળ લેખકના ખોળામાં એને પધરાવી દેવામાં આવ્યું હતું.

બસ, અત્યાર સુધીમાં માત્ર એક પ્રયાસ કોઈકના ઉછીના લીધેલા વિચારો દ્વારા કરવામાં આવ્યો હતો, પરંતુ એની કસૂવાવડ થઈ ગઈ હતી. સવાલ એ છે કે સાવરકરનું હિન્દુત્વ પરવડે એમ નહોતું કે સ્વીકાર્ય નહોતું તો ગાંધીજીનું નરવું ઉદારમતવાદી હિન્દુત્વ સ્વીકારવું જોઈતું હતું અને એ પણ જો સ્વીકાર્ય નહોતું તો કોઈક વચ્ચેની ભૂમિ શોધવી જોઈતી હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે એ પછીથી આવો કોઈ પ્રયાસ કર્યો જ નથી.

બને છે એવું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શા માટે અને હિન્દુ રાષ્ટ્ર એટલે શું એ પ્રશ્નો અંગે સંઘના નેતાઓ કોઈ ખુલાસાઓ કરતા નથી એટલે સેક્યુલર લોકતંત્રમાં માનનારાઓ એમ માને છે કે સંઘનો કોઈક હિડન એજન્ડા છે, કોઈ મોટી યોજના માટે તૈયારી ચાલી રહી છે, તેમણે પ્રચંડ સંગઠન બાંધ્યું છે અને એની કાર્યશૈલી ગોપિત છે, તેમને જ્યારે લોકસભામાં બેતૃતીયાંશ બહુમતી મળશે ત્યારે ખરો એજન્ડા શું છે એ બહાર આવશે. મને એમ લાગે છે કે સંઘ પાસે હિન્દુત્વનું કોઈ દર્શન નથી અને દર્શન નથી એટલે કોઈ કાર્યક્રમ, કોઈ એજન્ડા પણ નથી.

ઘણી વાર એવું બને કે તમને જ્યારે પોષણ અને રક્ષણની તરકીબ આવડી જાય ત્યારે કંઈ પણ કર્યા વગર કે કોઈ મોટા ઉદ્દેશ વગર વિકસતા જવાય છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પોષણ અને રક્ષણની કુનેહ હાંસલ કરી લીધી છે. અન્ય ધર્મીઓનાં ઘરોમાં ડોકિયાં કરવાથી અને ભય બતાવવાથી પોષણ મળી રહે છે અને રક્ષણ માટે સલામત અંતર રાખવામાં આવે છે. છેલ્લા નવ દાયકામાં એવું એક પણ આંદોલન કે મુદ્દો બતાવો જે સંઘે ઉઠાવ્યો હોય કે સંઘે ભાગ લીધો હોય અને એને ચરમસીમાએ પહોંચાડ્યો હોય. અયોધ્યા, ગોહત્યા, કાશ્મીર, કૉમન સિવિલ કોડ, સ્વદેશી, ભ્રષ્ટાચાર વગેરેમાંથી એવો એક પણ મુદ્દો બતાવો જેમાં સંઘે પૂરી તાકાત લગાડી હોય કે લોહી વહાવ્યું હોય. નેવું વર્ષમાં નવ શહીદો સંઘે પેદા નથી કર્યા, જ્યારે ગાંધીજીના અહિંસક આંદોલનમાં સેંકડો લોકો શહીદ થયા હતા. વિશ્વનું સૌથી મોટું સંગઠન શું ન કરી શકે? ૧૯૭૪-’૭૫ના બિહાર આંદોલનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ભાગ લીધો હતો. જેવી ઇમર્જન્સી આવી કે તરત સરસંઘચાલક બાળાસાહેબ દેવરસે ઇન્દિરા ગાંધીને પત્ર લખીને તેમના નેતૃત્વનાં વખાણ કર્યા હતાં. બિહાર આંદોલનમાં સંઘની ભૂમિકા માત્ર સહાનુભૂતિની હતી, સક્રિય ટેકાની નહોતી એવો ખુલાસો કર્યા પછી દેવરસે ઇન્દિરા ગાંધીને ઑફર કરી હતી કે સંઘ વડાં પ્રધાનના ૨૦ મુદ્દાના કાર્યક્રમમાં મદદ કરવા તૈયાર છે. ટૂંકમાં; કારસો આવે ત્યારે બચી નીકળવાનું, કારણ કે હિન્દુઓનું સંગઠન બાંધવાનું છે.

તો પોષણની અને રક્ષણની તરકીબ સંઘે હસ્તગત કરી લીધી છે. આમાં તેમને કૉન્ગ્રેસના વીતેલા યુગના કેટલાક નેતાઓએ મદદ પણ કરી હતી. મુસ્લિમ કોમવાદ અને ઈસાઈ વટાળપ્રવૃત્તિ સામે હિન્દુઓનો પણ થોડો ગણગણાટ કાને પડવો જોઈએ એટલે સંઘને રક્ષણ મળતું રહ્યું છે. આપણે રહ્યા ખાદી પહેરનારા કૉન્ગ્રેસી, ગાંધીનું નામ જપનારા. પાછા શાસકો અને કાયદાના રાજના સોગંદ લેનારા એટલે આપણે હિન્દુ કોમવાદી ગણગણાટ કરીએ તો ભૂંડા લાગીએ એટલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો તેમને ખપ હતો. ગાંધીજીની હત્યા પછી સંઘ પરનો પ્રતિબંધ ઉઠાવી લેવાયો એનું આ કારણ હતું.

તો વાતનો સાર એટલો કે સાધારણ મેધા ધરાવનારા પહેલવાનની માફક આજે ૯૦ વર્ષે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ હૃષ્ટપુક્ટ પણ દર્શન અને દિશા વિનાનું સંગઠન બની ગયો છે.

સૌજન્ય : ‘નો નૉન્સેન્સ’ નામક લેખકની કોલમ, ‘સન્નડે સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 20 સપ્ટેમ્બર 2015

http://www.gujaratimidday.com/features/sunday-sartaaj/sunday-sartaaj-20092015-11

Loading

...102030...3,7463,7473,7483,749...3,7603,7703,780...

Search by

Opinion

  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved