Opinion Magazine
Number of visits: 9874963
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આપણા સમયના ફાઉસ્ટ

પ્રવીણ પંડ્યા|Opinion - Opinion|5 January 2016

બ્રિટિશ રેનેસાં ટ્રેજેડીનાં મહાકવિ ક્રિસ્ટોફર માર્લોનું ‘ટે્રજિકલ હિસ્ટ્રી આફ ડાક્ટર ફાઉસ્ટ્સ’ અને એના પરથી જર્મન મહાકવિ યોહાન  વુલ્ફગેંગ વોન ગથે(૧૭૪૯-૧૮૩૨)એ લખેલું ‘ફાઉસ્ટ’ આજે  યાદ આવે છે. યાદ આવે છે એટલું જ નહીં પણ નવા અર્થઘટનો પણ આપે છે અને એના અજવાસમાં આજની સ્થિતિમાંથી પાર ઉતરવાનો ઝાંખો પાંખો માર્ગ પણ બતાવે છે. આ  ફાઉસ્ટ અત્યંત વિદ્વાન છે અને અતિ મહત્ત્વાકાંક્ષી પણ છે. એની મહત્ત્વાકાંક્ષાઓ હીન નથી. એને તો પહેલાં કોઈએ ય ન કર્યા હોય એવાં અને એટલા સારાં કામ કરવાં છે. આયખું પૂરું થાય તે પહેલાં પોતાના ક્ષેત્રમાં ઘણે આગળ નીકળી જવું છે. સીમાચિહ્નરૂપ બનવું છે. ધ્રુવતારક જેવું સ્થાન પામવું છે. અને આ બધામાં ખોટું શું છે? આ તો આપણે સહુ કરવા ઇચ્છીએ છીએ. આ તો સહુએ કરવું જોઈએ. પણ ફાઉસ્ટ આપણી સામે જે પ્રશ્ન લઈને આવે છે તે એ છે કે આ મહત્ત્વાકાંક્ષાઓ પૂરી કરવા માટે શું મેફિસ્ટોફેલિસ જેવા શેતાનને શરણે જવાય? એની શેતાની શક્તિના સહારે પોતાનો રસ્તો બનાવાય? એની સાથે આ મહાત્ત્વાકાંક્ષાઓ પૂર્ણ કરવાની અવેજમાં અંતરાત્મા ગિરવે મૂકાય?

અંતરાત્મા … દરેક સાહિત્યકાર પાસે જાગૃત અંતરાત્મા તો હોય જ છે. એટલે જ તો જ્યારે કોઈ પણ શાસનધુરા પોતાની મક્કમ (નિર્દયી) ઇચ્છાશક્તિથી  વર્તમાન દુનિયાનો પોતાની દૃષ્ટિએ સુંદર એવો નકશો તૈયાર કરતી હોય છે ત્યારે એને આવનારી દુનિયાના નકશાની આછી પાતળી રેખાઓ દેખાતી હોય છે અને એ આછી પાતળી રેખાઓમાં જો એને શાસન દ્વારા ખોટો રસ્તો પકડાઈ રહ્યો છે એવું લાગે તો એ શાસન સાથે અસહમત થતો હોય છે. ક્યારેક ક્યારેક તો બહારવટે ચડતો હોય છે. આ બધામાં ય ખોટું શું છે? આ તો આપણે સહુ કરવા ઇચ્છીએ છીએ. સહુએ કરવું જોઈએ. પણ તો ય થતું કેમ નથી?

હિંદીના એક યુવાન કવિ છે બદ્રીનારાયણ. એ બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયમાં ભણાવે છે. એમની એક કવિતામાં એક રાજાને લોકકથાના નાયકની જેમ લોકોના હૃદયમાં કાયમ માટે સ્થાન પામીને અમર થવાની ઇચ્છા થાય છે. રાજા પોતાની ઇચ્છા દરબારીઓને જણાવે છે અને દરબારીઓ અનેક નૂસખાઓ બતાવે છે. પણ અંતે કહે છે કે એ માટે તો કોઈક સારાં કામ માટે મરવું પડે! અમર થવા માટે આવી રીતે મરવા સિવાય બીજો કોઈ રસ્તો જ ક્યાં છે? હોત તો ફાઉસ્ટની પહેલાં એ રસ્તો ઝેર પીને અમર થયેલા સોક્રેટિસને ન દેખાત? આપણી મુશ્કેલી એ છે કે આપણે વાત સોક્રેટિસની જરૂર કરી શકીએ છીએ પણ રસ્તો તો ફાઉસ્ટનો જ પસંદ કરીએ છીએ. આપણે સત્યને સાથ આપવાનો નિર્ધાર જરૂર કરીએ છીએ પણ જ્યારે આપણું એ સત્ય આપણને સોક્રેટિસને મળ્યું એવું અમરત્વ આપવા આપણી સામે આવે છે ત્યારે આપણે એ અમૃતરસનો પ્યાલો છોડીને ભાગી છૂટીએ છીએ. આપણે સાહિત્યકાર છીએ એટલે એથિક્સમાંથી એસ્થેિટક્સ જન્મે છે એ આપણે જાણીએ છીએ, એટલે એથિક્સ માટેની લડત માટે ના પાડવાનો તો આપણી પાસે વિકલ્પ જ નથી. પણ આ લડત માટે ય આપણી શરત એ હોય છે કે ઉઝરડા જેટલું ય નુકસાન ન થવું જોઈએ! આવું કેવી રીતે બને?

પણ તમે સહુ જાણો છો કે આવું બની રહ્યું છે. આપણે એના સાક્ષી પણ બની રહ્યા છીએ. કેટલાક તો નર્યા સાક્ષીભાવે આ બધું જોઈ રહ્યા છે. એમનું રૂંવાડું ય ફરકતું નથી. કશી જ અવઢવ નથી.

ફાઉસ્ટને અવઢવ હતી. એને જે જોઈએ તે મળશે એવું વચન જ્યારે શેતાન તરફથી એને મળ્યું ત્યારે એક બાજુથી એ ખુશ થયો. એ મેળવવા માટે મેફિસ્ટોફેલિસે એક નિશ્ચિત સમય પછી એનો અંતરાત્મા શેતાનના કબજામાં આવી જશે એવું કહ્યું ત્યારે એને થોડી ચિંતા પણ થઈ. અને અંતે જ્યારે શેતાન સાથેની સહમતીના કરારમાં એને સહી કરવાની આવી તો કલમ ન ચાલી. શેતાને એની આંગળીમાં સોય ભોંકીને લોહીનું ટીપું કાઢી આપ્યું તો એ પણ થીજી ગયું. અંતે શેતાને એ થીજી ગયેલાં લોહીના ટીપાં સામે મીણબત્તી ધરી એને ઓગાળ્યું અને એમ કરારમાં સહી થઈ. ફાઉસ્ટને અવઢવ હતી. એક જ જન્મમાં ઘણું બધું કરી લેવાની મહત્ત્વાકાંક્ષાએ એના અસ્તિત્વ પર કબજો કર્યો હતો અને તો ય એના અંતરાત્મામાં ઊંડે ઊંડે અસહમતી હતી. આપણા સમયના એકે ય ફાઉસ્ટમાં ઊંડે ઊંડે પણ આવી અંતરાત્માની અસહમતી નથી. અથવા તો એમ કહો કે અંતરાત્મા જ ….

મૂળ ફાઉસ્ટની વાત કરતાં આપણા સમયના ફાઉસ્ટની વાત ઘણે બધે અંશે જૂદી છે. એનો પણ વિકાસ થાયને! જુદી એ રીતે છે કે ત્યાં બાઈબલના સંદર્ભ પ્રમાણે એક શેતાન છે તો પ્રભુ પણ છે. પણ અહીં લોકશાહી વ્યવસ્થામાં તો બાઈબલનું સ્થાન બંધારણે લીધું છે અને એ પણ છાશવારે બાજુ પર મૂકાય છે. પ્રભુ તો છે જ નહીં અથવા તો ભગવાનોની એટલી ભીડ ઊભી થઈ છે કે ભક્તોની ખોટ પડે. ખોટું કરનારાઓની વચ્ચે હોડ લાગી છે. આપણા સમયના ફાઉસ્ટ અંતરાત્માના ઊંડાણમાં પણ આંગળી પર આવીને થીજી ગયેલાં લોહીનાં ટીપાં જેટલી ય અવઢવ નથી અનુભવતા એ વાત તો બાજુ પર રહી પણ ન્યાયાલયમાં મેફિસ્ટોફેલિસની વકીલાત કરતા પણ અચકાતા નથી. પેલાઓએ પોતાના સમયમાં કેટલું ખોટું કર્યું હતું, એમને કેવા ઠેર ઠેર, સાયન્સ હોય કે ટેક્નોલોજી, સાહિત્ય હોય કે શિક્ષણ પોતપોતાના ફાઉસ્ટ બેસાડ્યા જ હતાને! અને હવે અમે બેસાડીએ એટલે વિરોધ કરો છો? પેલાઓ ક્યાં બધું સીધું કરતા હતા તે અમે કરીએ.

‘આ’ અને ‘પેલા’ એવી બે કે એથી પણ વધુ છાવણીઓ તણાઈ છે અને સહુએ પોતપોતાના ફાઉસ્ટ ઊભા કર્યા છે. રેનેસાં ટ્રેજેડીમાં ફાઉસ્ટ એક પાત્ર હતું પણ આપણા સમયમાં આવતાઆવતા એનો એટલો વિકાસ થયો કે હવે તેઓ જુદા જુદા ઝંડા હેઠળ બેઠેલા સત્તાધારી સમૂહો છે. એમના ઝંડાઓમાં જ્યારે ઝંઝાવાતી હવા નથી હોતી ત્યારે તેઓ એકબીજા સાથે બહુ કમ્ફર્ટેબલી ડાયલોગ કરતા હોય છે. સત્તાધારી સમૂહો હોવાને નાતે એમની છાવણીઓ ભલે જુદી જુદી હોય પણ એમને એકમેકની જરૂર પડતી હોય છે એટલે એમની વચ્ચે આપ-લેના વહેવારો પણ થતા હોય છે. આ વહેવારો પણ કેવા હોય છે? અમારા ગામની ગોવાલણોના સમૂહ જેવા. દૂધ દેવા ઘેર આવે ત્યારે તમે તમારી નીરક્ષીર તારવવાની સમજના આધારે ચોક્કસ એમ કહો કે આમાં તમે પાણી ભેળવ્યું છે અને એ જવાબ આપે –
‘મેં મારા હાથે પાણી નાખ્યું હોય તો મારા છોકરા ફાટી પડે.’

તમને ખબર હોય પણ તમે લાચાર. કેમ કે તમને એ પણ ખબર છે કે એ બધી ગોવાલણો આ જુદી જુદી છાવણીના સત્તાધારી ફાઉસ્ટ સમૂહની જેમ સાથે બેસતી હોય એટલું જ નહીં પણ એકબીજાની મટુકીઓમાં એકબીજાના હાથેથી સરકારી નળનું પાણી ભેળવતી હોય જેથી ‘ક્લીન ચીટ’ મળવાની વેતરણ તો પહેલેથી જ થઈ હોય અને હવે દૂધને નામે તમને પાણી મળ્યું એ તમારા ભાગ્ય. તો સ્થિતિ એ છે કે આપણે અનેક ફાઉસ્ટ સમૂહો વડે ઘેરાયેલા છીએ. એમની મહત્ત્વાકાંક્ષાઓની કોઈ સીમા નથી એમ મહત્ત્વાકાંક્ષા પૂરી કરવા માટે કોઈ પણ હદે જવામાં શરમ કે સંકોચ પણ નથી. ક્યારેક તેઓ એકમેક સામે જીવલેણ લડાઈ લડતા દેખાય અને અને તમને દેખતાવેંત જ બંને એક થઈને તમારા પર પ્રહાર કરે. એમને તો આમ જ એકમેકની સામે લડવાનું નાટક કરતા કરતા એકમેકને ટેકે ટકવાનું છે અને આપણે આપણા  ક્ષેત્રમાં પગદંડો જમાવી રહેલી આ અટપટી, અનએથિકલ અને વરવી વ્યવસ્થા બદલવા મથવાનું છે. અંતે આ વર્ષ પૂરું થયું. આશા છે આવતા વર્ષે કંઈક સારી સ્થિતિ નિર્માય અને આપણા સમયના ફાઉસ્ટની પણ ઉત્ક્રાંતિ થાય.

એક તથ્ય આધારિત નોંધ : જર્મનીના હુક્મરાન એડોલ્ફ હિટલર (૧૮૮૯-૧૯૪૫) અને જર્મન મહાકવિ યોહાન વુલ્ફગેંગ વોન ગથે (૧૭૪૯-૧૮૩૨) વચ્ચે એક સો ચાલીસ વર્ષનો ફર્ક છે. હિટલર જનમ્યા તે પહેલાં ગથે આ ફાની દુનિયામાં પોતાની બહુચર્ચિત સુપ્રસિદ્ધ નાટ્યકૃતિ ફાઉસ્ટ મૂકીને વિદાય પણ થઈ ગયા હતા. ફાઉસ્ટના પાત્રમાં રહેલી મર્યાદિત સમયમાં બહુ બધું સીમાચિહ્નરૂપ કામ કરવાની મહત્ત્વાકાંક્ષામાં અને એડોલ્ફ હિટલરમાં રહેલી વિશ્વમાં પોતાને અને જર્મનીને શ્રેષ્ઠ પૂરવાર કરવાની મહેચ્છા વચ્ચે મને સામ્ય દેખાય છે. મહાકવિઓ ભવિષ્યમાં કેટલે દૂર સુધી જોઈ શકતા હોય છે!

e.mail : pjagjivandas@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2016; પૃ. 23 & 22

Loading

‘એવું નથી કે એમને સ્વાયત્તતાનું મૂલ્ય ખબર નથી…’

ચંદ્રકાન્ત ટોપીવાળા|Opinion - Literature|5 January 2016

ચંદ અલ્ફાઝ

‘એવું નથી કે એમને સ્વાયત્તતાનું મૂલ્ય ખબર નથી…’

પ્રશ્ન ઃ સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે ઉમેદવારી નોંધાવી ચૂંટણી લડવી પડે એ સ્થિતિને આપના સંદર્ભમાં કઈ રીતે મૂલવો છો?

ઉત્તર ઃ આમ તો મારો નિર્ધાર હતો કે નિવૃત્તિ પછી કોઈ સંસ્થા સાથે ન જોડાવું. પણ વર્તમાન સ્થિતિમાં ગુજરાતી સાહિત્ય અકાદમીમાં જ્યારે ગેરબંધારણીય નિમણૂકની સામે ચૂંટણીનો અને સ્વાયત્તતાનો મુદ્દો છેડાયો ત્યારે ગુજરાતી સાહિત્ય પરિષદમાં પણ એ પ્રથાને પુનર્જીવિત કરવા માટે મેં ચૂંટણી લડવાનું સ્વીકાર્યું. હું મને પોતાને વિરોધાભાસોમાં ન મૂકી શકું.

પ્ર. ઃ અગાઉ પરિષદ સંચાલિત ક.લા. સ્વાધ્યાય મંદિરના નિયામક તરીકેનો કાર્યકાળ અને હવે પરિષદ પ્રમુખ તરીકે આપની પસંદગી – કેવું અનુભવો છો?

ઉ. ઃ ક.લા. સ્વાધ્યાય મંદિરના નિયામક તરીકેના મારા કાર્યકાળ સાથે મારો હોદ્દાની રૂએ, ગુજરાતી સાહિત્ય પરિષદના નિયામક તરીકેનો પણ કાર્યકાળ હતો. પણ એ મર્યાદિત જવાબદારીમાંથી પ્રમુખ તરીકે મોટી જવાબદારીમાં હવે પ્રવેશ્યો છું.

પ્ર. ઃ પરિષદપ્રમુખની જવાબદારી અને અધિકારોની મર્યાદા વિશે તાજેતરમાં આપણાં વિચારપત્રોમાં થયેલી ચર્ચાના અનુસંધાનમાં આપનો પક્ષ સ્પષ્ટ કરશો?

ઉ. ઃ આમ તો સાહિત્ય પરિષદના બંધારણ પ્રમાણે કોઈ પણ કાર્યવાહીમાં પ્રમુખશ્રીનો નિર્ણય કે અર્થઘટન છેવટનું ગણાય છે, પરંતુ મધ્યસ્થ સમિતિ અને કાર્યવાહક સમિતિ પ્રમુખપદના સહકારી અને સામૂહિક મુખો છે. એમાં શક્ય તેટલું ઓરકેસ્ટ્રેશન જાળવવું અનિવાર્ય છે.

પ્ર. ઃ પરિષદના વહીવટની બાબતમાં તથાકથિત વ્યક્તિલક્ષી પ્રભાવની સ્થિતિ સંદર્ભે આપને જે સંજોગોમાં સેવા આપવાની થશે તેને આપ કઈ રીતે જુઓ છો ?

ઉ. ઃ પરિષદની બંધારણની પુસ્તિકાના પૂંઠા પર કે. હ. ધ્રુવનો એક પરિચ્છેદ છે – ‘સમષ્ટિશ્રેય માટે વ્યષ્ટિ પ્રવૃત્તિ.’ આ મહત્ત્વનો સંદેશ છે. સમષ્ટિશ્રેય માટે જ વ્યષ્ટિ પ્રવૃત્તિ હોવી જોઈએ. એમાં જે આવશ્યક હોય એને ભારપૂર્વક સ્થાપિત કરવાનું છે અને જે અનાવશ્યક હોય, એને ભારપૂર્વક વિસ્થાપિત કરવાનું છે.

પ્ર. ઃ સાહિત્ય પરિષદના મુખપત્ર ‘પરબ’ની કાયાપલટ થવી જોઈએ એમ માનનાર વર્ગને આપ કઈ રીતે આશ્વસ્ત કરો છો ?

ઉ. ઃ ‘પરબ’ની કાયાપલટ માગનારાઓમાં મોટેભાગે પરત થયેલી રચનાઓના રચનાકારો હોય છે અથવા સંપાદકના વિરોધી હોય છે. વસ્તુલક્ષી ધોરણે સૂચનો સ્વીકારી હયાત પરિસ્થિતિને વધુ પ્રભાવક અને આકર્ષક જરૂર બતાવી શકાય. ‘પરબ’ પરિષદનું  મુખપત્ર છે. એમાં આવતી નાનામાં નાની સામગ્રીનું ચયન-મૂલ્ય છે. ચયનની કક્ષા વધુ સુધારી શકાય. ઉપરાંત પ્રાપ્ત સામગ્રીનું સંપાદન નહીં પણ નિમંત્રિત લેખનો દ્વારા અંકોને વધુ કલ્પનાશીલ બનાવી શકાય.

પ્ર. ઃ પરિષદ આયોજિત કાર્યક્રમોમાં વિષય-વક્તા પસંદગીનાં ધોરણો અંગે નારાજગીનો સૂર વ્યાપક થતો જાય છે; એ બાબતે આપ શું કહેશો ?

ઉ. ઃ આજે પુસ્તકોનાં અવલોકનોથી માંડી સંપાદનોમાં જે રીતે ‘ગોઠવણી’ જોવાય છે, જે રીતે પરસ્પરના વ્યક્તિગત લાભ સેવાય છે, જે રીતે વિષયને લક્ષમાં રાખીને નહીં પણ વ્યક્તિને લક્ષમાં રાખીને વ્યાખ્યાનો યોજાય છે, એ સમગ્ર દૂષિત પરિસ્થિતિનું કારણ આપણે છીએ. સાહિત્ય માત્રને લક્ષ્ય કરી, અન્ય સંદર્ભોને કાપી નાખવાની આપણી ત્રેવડ હશે ત્યારે જ સાહિત્યની યોગ્ય પ્રતિષ્ઠા થશે.

પ્ર. ઃ પરિષદ પ્રજાભિમુખ બને એવા પ્રયત્નોમાં આપનું માર્ગદર્શન શું હોઈ શકે?

ઉ. ઃ મૂળ વાત તો પ્રજા પરિષદાભિમુખ બને, સાહિત્યાભિમુખ બને એ જરૂરી છે.

પ્ર. ઃ અકાદમીની સ્વાયત્તતા ચળવળ અને પરિષદ ટ્રસ્ટી-પ્રમુખશ્રીના ઠરાવનું ભાવિ કેવું જણાય છે?

ઉ. ઃ ગુજરાત સાહિત્ય અકાદમી સામે અસહકારની સંમતિ આપી સરકારને સહકાર આપ્યા કરવાનું જે ચાલ્યું છે એમાં સાહિત્યકારોને સ્વાયત્તતાના મૂલ્યની ખબર નથી એવું તો નથી, પણ બીજાં અનેક મૂલ્ય-અમૂલ્યનાં લેખાંજોખાં એમની સાથે રહ્યાં છે. સાહિત્યકાર સ્વનિર્ભર નથી.

પ્ર. ઃ ચળવળને સાહિત્યકારોના ઝઘડા તરીકે મૂલવાય તે બાબતે વ્યાપક નાગરિક સમાજ સમક્ષ આપનો પક્ષ કઈ રીતે મૂકો છો ?

ઉ. ઃ કમનસીબ ઘટના છે કે સ્વાયત્તતા જેવા મૂળભૂત મૂલ્યની સમજણ હોવા છતાં સાહિત્યકારોનો એક પ્રતિપક્ષ માત્ર અંગત સ્વાર્થ માટે તર્કદલીલોમાં ઊતરી પડ્યો છે, જેનો આભાસ ઝઘડા સિવાય ઇતરજનને શો હોઈ શકે?

ભુજ અધિવેશનની પૂર્વસંધ્યાએ યોગેન્દ્ર પારેખ સાથેની મુલાકાતમાં વ્યક્ત કરેલા વિચારોમાંથી સંકલિત અંશ

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2016; પૃ. 24

Loading

ભારત-પાક.: ધાર્મિકતાના ‘અજવાળા’માં ખોવાયેલી ચાવી

રાજ ગોસ્વામી
, રાજ ગોસ્વામી|Opinion - Opinion|5 January 2016

ભારત ધર્મનિરપેક્ષ અસ્તિત્વમાં માને છે અને પાકિસ્તાન ઇસ્લામિક પહેચાનના બલબૂતા પર ઊભેલું છે. ખયાલોનો આ તફાવત બંને દેશોને પૂરા સંસારમાં સૌથી જોખમી સરહદો તરીકેનો તાજ પહેરાવે છે

કોઇપણ ઇતિહાસને જો સાચી અને સરખી રીતે સમજવો હોય તો એને ફિલ્મોના હીરો અને વિલનની પરિભાષાથી અલગ થઈને વાંચવો જોઇએ. ઇતિહાસને આપણે ભૂતકાળમાં બની ગયેલી ઘટનાઓના કુલ સરવાળા રૂપે જોઇએ છીએ જેમાં કાં તો નફો અને નુકસાન છે અથવા હાર અને જીત છે. ઇતિહાસને જોવાનો બીજો (અને બહેતર) રસ્તો ભૂતકાળમાં થયેલા માનવીય વ્યવહારનો અભ્યાસ છે. કાર્લ માર્ક્સે એટલા માટે જ કહેલું કે, ‘ઇતિહાસ પોતાને દોહરાવે છે’ કારણ કે ઇતિહાસમાંથી આપણે કશું શીખતા નથી અને ભૂતકાળના આચાર-વિચારને રિપીટ કરતા રહે છે. ગયા સપ્તાહે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અફઘાનિસ્તાનથી પાછા ફરતી વખતે વચ્ચે લાહોરમાં ઊતરીને પાકિસ્તાની પીએમ શરીફની નવાજિશ માણી આવ્યા, એની દુનિયાભરમાં એક સરખી તારીફ એટલા માટે જ થઈ કારણ કે ભારત-પાકિસ્તાનના સતત દોહરાતા જતા ઇતિહાસમાં આવી રીતે ‘અધવચ્ચે’ કોઇક દેશમાં ઊતરી જવાનો બીજો કોઈ સમાંતર કિસ્સો નથી.

આ એ જ નરેન્દ્ર મોદી છે જેમણે અંકુશરેખા પર સતત ગોળીબાર, સીમા પર ઘૂસણખોરી, કાશ્મીરી ભાગલાવાદીઓને પાકિસ્તાનના સમર્થન અને આતંકવાદને પાકિસ્તાની પ્રોત્સાહન જેવી બાબતો પર કોંગ્રેસ(અને પાકિસ્તાન)ને ભાંડવામાં કશું બાકી રાખ્યું ન હતું. ફર્ક એટલો જ છે કે ત્યારે એ વિરોધ પક્ષના નેતા હતા, બીજી રીતે કહીએ તો, કોંગ્રેસ ત્યારે હીરો હતી અને ‘વિલન’ મોદીને હીરોનો રોલ કરવો હતો. હવે, એ જ્યારે ડ્રાઇવિંગ સીટમાં છે એટલે આચાર-વિચાર બદલાઈ ગયા છે. આ સારું પણ છે. એટલીસ્ટ, પાકિસ્તાનના મોરચે આપણને ભૂતકાળની જંજીરમાં ઝકડાયેલા રહેવું પરવડે તેવું નથી.

એમ તો બ્રિટિશરાજના ‘વફાદાર સૈનિક’ તરીકે ગાંધીજીને 1915માં લોર્ડ હાર્ડિંગે કૈસર-એ-હિન્દ એવોર્ડથી નવાજ્યા હતા, જે એમણે જલિયાંવાલાં બાગમાં બ્રિટિશરોએ આચરેલા હત્યાકાંડના વિરોધમાં 1920માં પાછો આપી દીધો હતો. એવી જ રીતે, સુભાષચંદ્ર બોઝ 1920 સુધી અહિંસક ગાંધીના ભક્ત હતા પણ ગાંધીની ‘નિષ્ફળતા’ જોઇને લશ્કરી યુનિફોર્મ પહેરી લીધો અને લોહિયાળ ક્રાંતિની ઘોષણા કરી. પાકિસ્તાનના અધિનાયક મોહમ્મદ અલી ઝીણા કોંગ્રેસી હતા અને ભારતની એકતા, અખંડતા અને સ્વતંત્રતાના પૂજારી હતા પણ ગાંધીજીના ‘હિન્દુ રવૈયા’થી પરેશાન થઈને 1920માં અલગ પડી ગયા અને 30 જ વર્ષમાં સ્વતંત્ર ઇસ્લામિક રાષ્ટ્ર લઈને ઝંપ્યા.

કોઈ પણ દેશનું જીવન હીરો અને વિલનની બ્લેક એન્ડ વ્હાઇટ કહાનીઓ કરતાં વધુ જટિલ હોય છે. એમાં હીરો અને વિલન સમય-સંજોગ પ્રમાણે રોલ બદલતા રહે છે. એવું કરવું પડતું હોય છે, કારણ કે એમાં વ્યક્તિગત પસંદગી ઓછી અને રાષ્ટ્રની સામૂહિક ચેતના વધુ સક્રિય હોય છે.

નરેન્દ્ર મોદી પાકિસ્તાનને ભાંડતા હતા ત્યારે જ (તેમના ભક્તોને બાદ કરતાં) બધાને ખબર હતી કે એમાં વ્યાવહારિકતા ઓછી અને ડ્રામાબાજી વધારે છે. ભારત-પાકિસ્તાન સંબંધોની જટિલતા એટલા માટે નથી કે બંને સમાન સંસ્કૃિત, સમાન ઇતિહાસ, સમાન જબાન અને સમાન જમીન પરથી અલગ પડેલાં બે રાષ્ટ્રો છે. એ સમાનતા તો સંબંધોને સરળતા બક્ષે છે. જટિલતા તો બંનેના પરસ્પર વિરોધી ખયાલાતમાં છે. ભારત ધર્મનિરપેક્ષ અસ્તિત્વમાં માને છે (જે પાકિસ્તાનની નજરમાં દંભ છે) જ્યારે પાકિસ્તાન એની ઇસ્લામિક પહેચાનના બલબૂતા પર ઊભેલું છે. ખયાલોનો આ તફાવત બંને દેશોને પૂરા સંસારમાં સૌથી જોખમી સરહદો તરીકેનો તાજ પહેરાવે છે. બંને દેશો વચ્ચે એકબીજા પ્રત્યેની નફરત અને પરસ્પર ઝનૂન એકબીજાના ખયાલાતમાં અવિશ્વાસને કારણે છે. છેલ્લા બે દાયકાથી ભારતમાં જે લડાયક હિન્દુત્વનો આવિષ્કાર થયો છે તે ભારતમાં રહેતા મુસ્લિમોને લઈને નહીં, પરંતુ એમને બહેકાવાની કોશિશ કરી રહેલા પાકિસ્તાનને લઈને છે.

બે દેશો વચ્ચે એના ઇમાન-ધર્મના આધાર પર નફરત અને અવિશ્વાસનો ઇતિહાસ રચાય ત્યારે તમામ પ્રકારની હિંસાને ઔચિત્ય મળી જાય છે. વ્યાવહારિક વિવાદો અને મતભેદોની સરખામણીમાં ધાર્મિક તકરારમાં બંને પક્ષ એકબીજાના આચાર અને વિચારમાં અસંદિગ્ધ અને જક્કી હોય છે. ધર્મ હંમેશાંથી નૈતિક સત્તા (મોરલ ઑથોરિટી) રહ્યો છે. એની અનુમતિ કે અનુમોદનથી માણસ એ બધું જ કરી શકે છે જે સામાન્ય અને વ્યાવહારિક જગતમાં અનુચિત કે અશક્ય હોય છે. આસ્તિક વ્યક્તિને પોતાની સચ્ચાઈ વિશે કોઈ શંકા નથી હોતી કારણ કે એનું ‘સત્ય’ એના ઇશ્વર (કે ખુદા) તરફથી આવેલું છે. પોતાના ‘સત્ય’માં નિર્વિવાદિત, અતૂટ શ્રદ્ધા જ ધાર્મિક માણસને બીજા ધર્મ પ્રત્યે અસહિષ્ણુ બનાવે છે. સાચા શ્રદ્ધાળુને નૈતિક સાહસની કમી નથી હોતી. આપણા જેવા નાસ્તિકોને જે સંદિગ્ધતા કમજોર બનાવે છે તેવી મુશ્કેલી આસ્તિકોને નડતી નથી.

2001માં ન્યૂ યૉર્કના ટ્વિન ટાવર્સ પર આતંકવાદીઓએ તેમનાં વિમાન અથડાવ્યાં ત્યારે તેમના અંતિમ શબ્દો ‘અલ્લાહુ અકબર’ (ખુદા મહાન છે) હતા. તેમની ચટ્ટાન જેવી શ્રદ્ધા આ નૈતિક સત્તાના અનુમોદનમાંથી આવી હતી. આ આતંક સામે વૉર ઓન ટેરર જાહેર કરનાર બુશ પણ એક વાર કહી ચૂક્યા હતા કે જે લોકો જીસસમાં શ્રદ્ધા રાખે છે તે જ સ્વર્ગમાં જાય છે. એકબીજાના ઇશ્વર પ્રત્યેની શ્રદ્ધામાંથી જન્મેલા આતંક અને આતંકવિરોધી યુદ્ધમાં કોણ સાચું અને શું ઉચિત એ પ્રશ્ન જ અસ્થાને થઈ ગયો છે અને એના કારણે જ દુનિયા હતી તેના કરતાં વધુ અસલામત અને જોખમી બની ગઈ છે. પાકિસ્તાન અગાઉથી જ આ નૈતિક સાહસની છલનામાં ફસાયેલું છે. ભારતે પોતાનો પગ એમાં આવી ન જાય તે જોવાની જરૂર છે. પોતપોતાના ઇશ્વર અને ખુદાના આદેશની સચ્ચાઈમાં શ્રદ્ધા રાખતો એક હિન્દુ અને એક મુસલમાન કઈ હદ સુધી જઈ શકે છે તે સમજવું રોકેટ સાયન્સ નથી.

તકરારનો મતલબ મતભેદ થાય, પણ મોટા ભાગના લોકો માને છે તેમ, એનો મતલબ લડાઈ હરગિજ થતો નથી. વિવાદ સમાધાન(કોન્ફ્લિક્ટ રિસોલ્યુશન)નો પ્રથમ નિયમ સંવાદ છે, ખામોશી નહીં. ભારત-પાકિસ્તાન વચ્ચે સન્નાટા, ચુપકીદી અને ઉદાસીનો એક ઇતિહાસ છે અને એવું એકથી વધુ વખત સાબિત થયું છે કે વાતચીત વગર બીજો કોઈ ઉપાય પણ નથી. એક ઓછા ડાહ્યા માણસે કહેલું, ‘જેને તમારા મૌનની ભાષા સમજાવી ન હોય એને તમારા શબ્દો ય નહીં સમજાય.’ આ સાંભળીને ડાહ્યા માણસે કહ્યું, ‘જેને સંવાદની ઇચ્છા ન હોય એ લાંબો વખત મૌનને માણી ન શકે.’

ઇંટનો જવાબ પથ્થરથી આપવાની ભાષામાં વાતો કરનારા નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી બન્યા પછી આ ડહાપણ સમજાયું છે. વિવાદ સમાધાનની દિશામાં સંવાદનો રસ્તો ખુલ્લો રાખ્યો છે તે નિશ્ચિતપણે ઉમદા પગલું છે. મોદી સંવાદના માણસ નથી એટલે એમના માટે આ કેટલું કઠિન હશે એ સમજી શકાય તેમ છે. પેલી જાણીતી કહાનીમાં એક બત્તી નીચે એક માણસ ચાવીઓ શોધતો હતો પણ મળતી ન હતી. એક બીજો માણસ આવ્યો અને પૂછ્યું, ‘ભાઈ, તને બરાબર ખબર છે કે ચાવીઓ અહીં જ ખોવાઈ ગઈ છે?’ પહેલાએ કહ્યું, ‘ના, ચાવીઓ તો હું એક માઈલ પાછળ ખોઈને આવ્યો.’ બીજા માણસે પૂછ્યું, ‘તો પછી અહીં કેમ શોધે છે?’ જવાબમાં પહેલો બોલ્યો, ‘કારણ અજવાળું તો અહીં જ છે.’

મુસીબતના સમયમાં આપણે સમાધાન ત્યાંથી શોધીએ છીએ જ્યાંથી એ સહેલાઈથી મળી જાય છે. નહીં કે એ સમાધાન વ્યાવહારિક રીતે જ્યાં છે ત્યાંથી. કોઈ પણ વિવાદના સમાપનમાં એનો ઉકેલ એ વિવાદમાં જ હોય છે, એની બહાર કે એનાથી દૂર નહીં. આપણે એની બહાર કે દૂર જતા રહીએ છીએ જેથી વિવાદની ગરમી આપણને અડતી નથી અને આપણને એવો અહેસાસ થાય છે કે મુસીબત દૂર થઈ રહી છે. અમેરિકાના (અને જગતના) તમામ મિલિટરી સમાધાનો નાકામ ગયાં છે (અને વધારાની મુસીબત લઈને આવ્યા છે) તેનું કારણ ચાવીને એની મૂળ જગ્યાએ નહીં પણ જ્યાં અજવાળું છે ત્યાં શોધવાની મૂર્ખામી છે. ભારત-પાકિસ્તાનની છ દાયકા જૂની તકરારમાં આપણે છ ઈંચ પણ સમાધાનની દિશામાં ચાલી શક્યા નથી, એનું કારણ એ છે કે બંને દેશ એના પરસ્પર વિરોધી ખયાલાતોમાં બંધક રહ્યા છે. આચાર અને વિચારોની વિક્ષિપ્તતાથી પાકિસ્તાન તો લડખડાતું રહ્યું જ છે, ભારત પણ એની નવી ‘આક્રમકતા’થી પેરાલિસિસમાં જકડાઈ રહ્યું છે.

કહાનીની આ સાતત્યતામાં જે હીરો છે તે સુપરહીરો અને વિલન છે તે પિશાચ સાબિત થશે, પણ એ ક્રોસ ફાયરમાં બંને સીમાઓની અંદર ‘ચરિત્ર કલાકારો’ કોઈ જિંદગી જીવવા સાબુત નહીં રહે. નરેન્દ્ર મોદી આ સ્ટ્રેટ જાકીટમાંથી બહાર નીકળીને અજવાળાને બદલે અંધારામાં ચાવી શોધી શકે તેમ છે. એમણે કશું ગુમાવવાનું નથી સિવાય કે હીરોગીરી (અથવા ખલનાયિકી).

e.mail : rj.goswami007@gmail.com

સૌજન્ય : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની કોલમ, ‘સન્નડે ભાસ્કર’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”, 04 જાન્યુઆરી 2016

http://www.divyabhaskar.co.in/news/MAG-breaking-view-by-raj-goswami-in-sunday-bhaskar-5213915-NOR.html

Loading

...102030...3,7423,7433,7443,745...3,7503,7603,770...

Search by

Opinion

  • 1991ના દેશના આર્થિક સંકટમાંથી આપણે શું શીખી શકીએ?
  • અનામત કોઈને માટે ક્યાં સુધી ચાલુ રાખવી જોઈએ?
  • પરફોર્મેટિવ પૉલિટિક્સઃ રાજકારણ હવે માત્ર શાસન નહીં, વાયરલ થવાની કળા પણ
  • રાષ્ટૃની વિભાવના : સંઘર્ષ સમજૂતિ અને સ્થાપિત એજન્ડા
  • ચલ મન મુંબઈ નગરી—342

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved