Opinion Magazine
Number of visits: 10031073
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ના.દે. વિશે પૌત્ર : દીવા તળે અંધારું?

સંજય શ્રીપાદ ભાવે|Gandhiana|12 May 2016

કદર અને નિસબત

ગાંધીકથાકાર નારાયણભાઈ દેસાઈના પૌત્ર અને ‘ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’(અમદાવાદ)ના ચીફ કૉપી એડિટર સુકરાત દેસાઈએ તેમના દાદાનું લખેલું ચરિત્ર ‘ધ લાસ્ટ ઑફ ધ ગાંધીયન્સ’ (નોશન પ્રેસ, ચેન્નાઈ રૂ. ૨૩૦/-) તાજેતરમાં બહાર પડ્યું છે. ‘ઍન અન ઑથોરાઇઝ્‌ડ બાયોગ્રાફી ઑફ નારાયણ દેસાઈ’ એવું પેટાશીર્ષક ધરાવતા આ પુસ્તકને ઊતાવળે જોઈ ગયા પછી તેના વિશેનો પ્રાથમિક પ્રતિભાવ એવો કે એ રસપ્રદ, અસરકારક લેખનના અનેક ઝબકારાવાળું, વિવાદનો અવકાશ ધરાવતું પુસ્તક છે. આ પુસ્તકમાં સુકરાતનો સૂર, અને કેટલેક અંશે એ લખવા પાછળનો હેતુ, ‘દીવા તળે અંધારું’ એવી વ્યથા વ્યક્ત કરવાનો છે. સુકરાત નારાયણભાઈ સાથેના તેના સંબંધને ગાંધીજી અને હરિલાલ ગાંધી વચ્ચેના જાણીતા તણાવયુક્ત સંબંધની સાથે સરખાવે છે. લેખક શરૂઆતની નોંધમાં લખે છે :

એમની લોકપ્રિયતા આસમાનને અડે છે. અને હું એમનો પૌત્ર સુકરાત દેસાઈ અંધકારમાં ડૂબું છું … ગાંધીવાદી વારસાના બધાં સંતાનોને – નહેરુ પરિવારના સોનિયા અને રાહુલ, ગાંધી પરિવારના રાજમોહન અને તુષારને – રાજકારણી, લેખક કે બૌદ્ધિક તરીકેની કારકિર્દી ઊભી કરવા માટે વારસામાં એક પરફેક્ટ પ્લૅટફૉર્મ મળ્યું છે. પણ ગાંધીનો એક બદકિસ્મત બેટો હતાશામાં સરી ગયો. એ દારૂ પીએ છે અને વ્યભિચાર કરે છે. એ સાવ મામૂલી માણસ તરીકે એકલવાયી દશામાં મૃત્યુ પામે છે. ગાંધીજન એવા ઇતિહાસકાર ચંદુલાલ ભગુભાઈ દલાલે લખેલું હરિલાલનું જીવનચરિત્ર મેં વાંચ્યું. મારામાં પણ હરિલાલનાં લક્ષણો હતાં. નારાયણભાઈ ગાંધીને જીવી ગયા, ગાંધીની લઘુપ્રતિમા (મિનિએચર) બન્યા. એમની છાયામાં હું ઓઝપાઈ ગયો, અજાણતા જ હું હરિલાલની જેમ જીવવા લાગ્યો.

દાદાજીની અનેક મુલાકાતોમાંની પહેલી મુલાકાતને ટાંકીને સુકરાત લખે છે : નારાયણભાઈ ઉપરાંત મારે મારા વિશે લખવું છે – આજના જમાનાના હરિલાલ વિશે, એની આપઓળખની મથામણ (આઈડેન્ટિટી ક્રાઇસિસ), એની હતાશા, નારાયણભાઈ સાથેની એની લવ-હેઇટ રિલેશનશીપ વિશે લેખકના વ્યથાજનક અનુભવોનું વર્ણન ‘મેમરિ લેન્સ ઑફ વારણસી  એન્ડ જિનેસિસ ઑફ મૉડર્ન ડે હરિલાલ’ અને ‘ગાંધી = ત્યાગ, હરિલાલ = સ્વાર્થ’ પ્રકરણોમાં છે. સુકરાતે નારાયણભાઈના જન્મથી લઈને એકંદર જીવનકાર્યનું ગૌરવપ્રેરક  નિરુપણ પચીસેક પ્રકરણોમાં કર્યું છે. જેમાં આઝાદીની લડતના તબક્કા ઉપરાંત ભૂદાન, શાંતિસેના, નયી તાલીમ, બાંગ્લાદેશ, જયપ્રકાશ આંદોલન,સંપૂર્ણ ક્રાન્તિ વિદ્યાલય, સાહિત્યસર્જન, આંતરરાષ્ટ્રીય સ્વીકૃતિ ઇત્યાદિનો સમાવેશ થાય છે. પુસ્તકની શરૂઆત ગોધરાકાંડને પગલે થયેલા હિંસાચાર અને તેના ઓસડ તરીકે નારાયણભાઈને સૂઝેલી ગાંધીકથાથી કરી છે. પુસ્તકમાંથી  ઝડપથી પસાર થતાં ય બે પ્રકરણો બિનજરૂરી જણાય છે. વ્યાવસાયિક અંગ્રેજી લેખનપ્રણાલીને અનુસરીને હકીકતોના બયાનમાં માત્ર ‘નારાયણ’ નામ જ વપરાયું છે, ‘ભાઈ’ એવો ઉપસર્ગ નથી. અભિવ્યક્તિ અનેક જ્ગ્યાએ અસરકારક તો ક્યારેક ખરબચડી પણ લાગે છે. સુકરાતમાં આક્રોશ છે, ક્યાંક અપશબ્દોય છે. પણ તેનાથી છળી ઊઠવાની જરૂર નથી. વેદનાને વાચા આપવામાં નારાયણભાઈની મૂર્તિ ખંડિત થાય છે એવું જણાય. પણ બધાએ મૂર્તિને જોયા કરવી કે પૂજવી એવું ય ક્યાં છે? નારાયણભાઈના ચાહકો-અભ્યાસીઓ આ મૂર્તિભંજકતા પરત્વે પ્રતિભાવ-બચાવ-પ્રતિક્રિયા આપે એમ થવું જોઈએ. સુકરાતનો આક્રોશ કેટલે અંશે સાચો અને ન્યાયોચિત (જેન્યુઇન ઍન્ડ જસ્ટિફાયેબલ) છે તેનું વિશ્લેષણ પણ થઈ શકે.

છેલ્લેથી બીજા પ્રકરણ ‘લાસ્ટ ડાયલૉગ્સ’ને અંતે સુકરાતે નારાયણભાઈને ટાંક્યા છે :

આપણે વારાણસીમાં પહેલી વાર મળ્યા ત્યારે મારા તરફની તારી નકારાત્મકતા તે બતાવી હતી. મને ખ્યાલ આવ્યો કે ગાંધીવાદી તરીકેના મારા અહમને કારણે કદાચ એ લાગણી ઊભી થઈ હોય. તારા આરોપ મુજબનો કોઈક પ્રકારનો અન્યાય પણ મેં તને કર્યો હોય. હજુ પણ તને એવું લાગતું હોય તો માફી માગવા સિવાય બીજું હું શું કરી શકું ? બેટા, મહેરબાની કરીને મને માફ કરી દે. અને અહીં હું એ બધાની માફી માગવા ઇચ્છું છું કે જેમને મેં અભાનપણે, શરતચૂકથી પણ દૂભવ્યાં હોય …

છેલ્લા તેંત્રીસમા પ્રકરણને છેડે લેખક નોંધે છે : ‘નારાયણભાઈ કે એમના ગાંધી મને ક્યારે ય ગમ્યા ન હોવા છતાં મને તેમની વાત માંડવાની અદમ્ય ઇચ્છા જાગે છે. એવી વાત કે જેના થકી આવતી પેઢીઓ એમના ગાંધીમાં રસ લેતી થાય.’ પુસ્તકના આખરી  વાક્યમાં લેખક કહે છે કે એમનો નાનો દીકરો અંગ્રેજી કક્કો વાંચતાં ‘જી ફૉર ગન’ બોલતો હતો, એમણે એને અટકાવીને કહ્યું ‘જી ફૉર ગાંધી!

e.mail : sanjaysbhave@yahoo.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 મે 2016; પૃ. 20

Loading

દેશપ્રેમી એશિયન કેન્યાવાસીઓની ઓળખાણ : પત્રકારો – સંપાદકો – પ્રકાશકો – મુદ્રકો

નઝમી રામજી|Diaspora - History|10 May 2016

– 1 –

કેન્યાના અંગ્રેજ સામ્રાજ્યશાહી વિરોધી સંઘર્ષમાં અનેક દેશપ્રેમી એશિયન કેન્યાવાસી પત્રકારો, સંપાદકો, પ્રકાશકો, મુદ્રકો તેમ જ ચોપડી બાંધનારોએ ઘણો મોટો ફાળો આપેલો છે. આપણે પહેલાંના લેખોમાં મણિલાલ દેસાઈ, અંબુભાઈ પટેલ, પીઓ ગામા પીંટો અને મખનસિંહ વિશે જાણ કરી છે. આ સિવાય બીજા પણ ઘણા રષ્ટ્રભક્તોએ આ લડતમાં ભાગ લીધેલ, આ લડત હતી અંગ્રેજ શાસન સત્તાની જાતિય અને રંગ ભેદભાવની રાજ્યનીતિને પડકાર દેતી લડત અને દેશની આઝાદીની લડત.

આ દેશપ્રેમીઓના બાપદાદાઓ ભલે ભારત અથવા પાકિસ્તાનથી આવેલા, પરંતુ તેઓની માન્યતા હતી કે એશિયન કેન્યાવાસીઓની વફાદારી કેન્યા પ્રત્યે પહેલી હોવી જોઈએ. આનો મતલબ એમ ન થયો કે આપણે આપણી અસલિયત ભૂલી જઈએ. આપણે આપણી સંસ્કૃિત, આપણી ભાષાઓ વગેરેને ઉત્તેજન આપવું જોઈએ પણ એ સાથે આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે જે દેશમાં આપણે જન્મ લઈએ એ દેશ આપણો, અહીંની હવા અને અહીંનાં અન્નપાણીથી આપણે પોષાયા, એટલે આ દેશ તરફની ભક્તિ, એના તરફની વફાદારી એ આપણી ફરજ છે. આવી માન્યતા રાખવાવાળા આ દેશપ્રેમીઓ કેન્યાના ગોરા વિરોધી આંદોલનમાં પરોવાઈ ગયા. આ સાથે ભારતમાં જે સામ્રાજ્યશાહીની સામે સંઘર્ષ ચાલી રહ્યો હતો તેની સાથે પણ સંબંધ રાખ્યો. બન્ને દેશોની લડતના દુ:શ્મન એક હતા : અંગ્રેજ સામ્રાજ્યવાદ.

પત્રિકા કે ખબરપત્ર દ્વારા પરદેશી શાસન સત્તાને પડકાર કરવાવાળા સૌપ્રથમ કેન્યાવાસી એશિયન સીતારામ આચાર્ય હતા. તેઓ 1912માં દક્ષિણ ભારતથી પૂર્વ આફ્રિકા આવ્યા. અહીં તેઓએ રેલવેમાં અને અંગ્રેજ લશ્કરમાં ટેલિગ્રાફરનું કામ કર્યું. ભારતમાં તેમ જ દુનિયાના બીજા મુલકોમાં વસેલા ભારતીયોએ ભેગા મળી સામ્રાજ્ય સરકારને પડકાર કરવા માટે એક છૂપો રાજકીય પક્ષ શરૂ કરેલ, આનું નામ હતું ગદ્દર પક્ષ. આ પક્ષની માન્યતા હતી કે બિનહથિયારી લડતથી પરદેશી કબજો આપણા દેશોમાંથી નહિ નીકળે. આ કામ કરવા માટે સશસ્ત્ર બળવો પોકારવો પડશે.

ગદ્દર પક્ષની પૂર્વ આફ્રિકાની શાખાના નેતા આચાર્ય હતા. પહેલી વિશ્વ લડાઈ દરમ્યાન તેઓએ એક છૂપું ખબરપત્ર છપાવી અને તેની વહેંચણી કરી. આ વાતની જાણ ગોરાઓને થતા તેઓએ આચાર્યને દેશનિકાલ કર્યા અને પંજાબમાં તેઓને નજર કેદ રાખ્યા. જ્યારે 1915ની અંતમાં તેઓ પકડાયા ત્યારે અંગ્રેજોને બરાબર જાણ ન હતી કે આ પક્ષનું કામ અહીં કેટલું બધું ફેલાઈ ગયું હતું. આ બાદ જે ગદ્દર પક્ષના સભ્યો પકડાયા તેઓને તો ફાંસી સુધીની સજા થયેલ. બે કેન્યાવાસી એશિયનો 1916માં ફાંસીને માંચડે ચઢ્યા અને બીજા ત્રણને બંદૂકથી મારી નાખવામાં આવેલ. આ સિવાય આઠ માણસોને છ મહિનાથી લઈ ચૌદ વરસની જેલની સજા કરવામાં આવેલ અને એ ઉપરાંત વીસ માણસોને દેશમાંથી બળજબરીથી કાઢી મુકવામાં આવેલ. આ શૂરવીરો ઉપર આક્ષેપ મૂકવામાં આવેલ કે તેઓ પાસે ગુપ્ત પત્રિકાઓ મળેલ હતી કે જેમાં સામ્રાજ્ય વિરોધી માહિતી હતી અને તેઓએ જનતાને અંગ્રેજો વિરુદ્ધ ઉશ્કેર્યા હતાં.

વિશ્વ યુદ્ધ પૂરું થયા પછી સીતારામ આચાર્ય પાછા કેન્યા આવ્યા અને 1923માં તેઓએ મણિલાલ દેસાઈ અને એન. એસ. ઠાકુર સાથે મળી અંગ્રેજી ભાષામાં ‘ડેમોક્રેટ’ નામનું એક છાપું શરૂ કર્યું. આ છાપામાં તેઓએ સામ્રાજ્ય શાસન સત્તાની અન્યાય ભરેલી વર્તણૂકની જાહેરાત આપી અને આફ્રિકી અને કેન્યાવાસી એશિયનોની લડતને જોરદાર ટેકો આપ્યો. દેશમાં વિલાયતી વસાહતોનાં છાપાઓમાં જે ખોટો પ્રચાર પ્રગટ થતો, તેની સામે તેઓએ ‘ડેમોક્રેટ’માં ખરી હકીકત પ્રજા સામે રજૂ કરી. આ સિવાય તેઓએ પોતાના ખબરપત્રનું જે પ્રિન્ટિંગ પ્રેસ હતું તેમાં આફ્રિકી છાપાંઓ અને પત્રિકાઓ છાપવાનું કામ પણ કર્યુ. આ છાપાઓમાં કીકુયુ સેન્ટ્રલ એસોશિયેશનનું ‘મ્વીગ્વીથાન્યા’નો સમાવેશ થાય છે. આના સંપાદક મ્ઝે જોમો કેન્યાટા હતા.

ગિરધારીલાલ વિદ્યાર્થી

જેઓનું મૃત્યુ 31 જુલાઈ 1985માં થયેલ, એ એક બીજા દેશપ્રેમી પ્રકાશક હતા. તેઓનો જન્મ ઓગષ્ટ 1907માં નાઈરોબીમાં થયો હતો. 1930માં તેઓએ હિંદી-ઉર્દૂ-અંગ્રેજી સાપ્તાહિક ‘મિત્રો’ અને 1933માં ગુજરાતી-અંગ્રેજીમાં છપાતું ‘કોલોન્યલ ટાઈમ્સ’ શરૂ કર્યાં. આ છાપું લગભગ ત્રીસ વરસ સુધી છપાયું. આ સિવાય આફ્રિકી જનતા સુધી સામ્રાજ્યશાહીઓના પ્રચાર વગરના સમાચાર પહોંચે તે માટે કિસ્વાહીલી ભાષામાં 1933માં ‘હબારી ઝા ડુન્યા’ (‘દુનિયાના સમાચાર’) અને 1952માં ‘જીચો’ (‘આંખ’) નામના સાપ્તાહિક ખબરપત્રો પણ પ્રસિદ્ધ કરવાનું શરૂ કરેલ. આ બન્ને કિસ્વાહીલી છાપાંઓમાં જે ગોરાઓની ગેરવ્યાજબી રાજ્યનીતિ વિષે સમાચાર છપાતા તે પરદેશી શાસન સત્તાને પસંદ ના પડ્યું. તેથી તેઓએ ‘હબારી’ને 1947માં અને ‘જીચો’ને 1962માં બંધ કરવાની ફરજ પાડી.

પોતાના છાપાઓ પ્રસિદ્ધ કરવાની સાથે સાથે વિદ્યાર્થીએ બીજા આફ્રિકી દેશપ્રેમીઓના ખબરપત્રો પણ છાપવામાં મદદ કરેલ. દાખલા તરીકે એક નેતા જેમ્સ બ્યુટાહસે તેઓ વિષે નીચે મુજબ લખ્યું છે :

“1937માં મે એક ખબરપત્ર પ્રસિદ્ધ કરવાનું શરૂ કર્યું કે જેનું નામ હતું ‘મુથીથુ’ (‘ખજાનો’) જો વિદ્યાર્થીએ મને મદદ ન કરી હોત તો આ છાપું કદી પ્રગટ ન થાત. અમારી પાસે છપાવવા માટે પૈસા ન હતા. તેઓએ અમારા માટે બધું કમ્પોઝીંગનું તેમ જ છાપવાનું કામ કર્યુ. આમાં તેઓને ન કોઈ પૈસાની લાલચ હતી કે ન કોઈ અંગત સ્વાર્થ. તેઓને ફકત એમ જોઈતું હતું કે આફ્રિકીઓને પોતાના હકોની માંગ કરવાનો મોકો મળે.”

આ સિવાય જુદા જુદા વખતે વિદ્યાર્થીના કોલોન્યલ પ્રિન્ટિંગ વર્કસે બીજા ઘણા ખબરપત્રો છાપ્યા. આમાં ‘લુઓ મેગેઝીન’ 1937માં અને 1940-50ના દાયકા દરમ્યાન લુઓ ભાષામાં ‘રામોગી’ અને કીકુયુમાં ‘મુમેન્યેયેરે’નો સમાવેશ છે.

સૌજન્ય : “અલક મલક”, માર્ચ 1986; પૃ. 6-7 

– 2 –

એક બીજા કેન્યાવાસી એશિયન દેશપ્રેમી, હારુન અહમ્મદના સંપાદન નીચે ‘કોલોન્યલ ટાઈમ્સે’ એક જોરદાર પરદેશી હકૂમત વિરુદ્ધી ઝુંબેશ ઉપાડેલ. ઘણી શોષણખોરી અને જુલમી રાજ્યનીતિઓ સામે પડકાર કર્યો. દેશમાં જાતિય અને રંગભેદભાવની વર્તણૂક, આફ્રિકી ખેતીવાડીની જમીન બળજબરીથી ઝૂંટી લેવી, દેશની લેજસ્લેટીવ કાઉન્સિલમાં આફ્રિકી પ્રતિનિધિત્વ ન હોવાનું અને કેન્યાવાસી એશિયનોનું પ્રતિનિધિત્વ વિલાયતી વસાહતો કરતાં ઘણું ઓછું, મજૂરોની સંસ્થાઓને નાબૂદ કરવી અને તેઓના હકોની માંગને દબાવી દેવાની કોશિશ, આફ્રિકી મજૂરોને બળજબરીથી સરકારી નોંધણીપત્રકો ગળામાં તાંબાની ડબલી(કીપેડ)માં પહેરવા.

આવા અનેક સામ્રાજ્યશાહીઓના જુલમોના સમાચાર અને તેના વિરુદ્ધ અભિપ્રાય પ્રસિદ્ધ કરવાથી વિદ્યાર્થી તેમ્ જ તેઓના છાપાઓના પત્રકારો અને સંચાલકોને ગોરી સરકાર તરફથી ઘણી તકલીફો ભોગવવી પડેલ. જ્યારે 1945માં બીજું વિશ્વ યુદ્ધ પૂરું થયું ત્યારે અંગ્રેજ સરકારે ગોરા સૈનિકોને કેન્યા આવવાનું ઉત્તેજન આપ્યું અને તેઓને દેશના ફળદ્રુપ પહાડી પ્રદેશમાં હજારો એકરો જમીન આપી. પરંતુ જ્યારે આફ્રિકી સૈનિકો અંગ્રેજ લશ્કરમાં બર્મા તેમ જ ઉત્તર આફ્રિકામાં લડાઈમાં ભાગ લઈ જ્યારે દેશ પાછા આવ્યા ત્યારે તેઓને કોઈ પણ જાતનો બદલો કે ઇનામ ના મળ્યો. આવા ભેદભાવની સામે જ્યારે ‘કોલોન્યલ ટાઈમ્સે’ વાંધો નોંધાવ્યો ત્યારે વિદ્યાર્થી ઉપર મુકદ્દમો ચલાવવામાં આવ્યો અને તેઓને 2,000 શિલીંગનો દંડ ભરવો પડ્યો.

1946માં નાઈરોબી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના ભૂતપૂર્વ મંત્રી ડબલ્યુ. એલ. સોહનએ ‘કોલોન્યલ ટાઈમ્સ’માં એક કાગળ લખેલ. આમાં તેઓએ અંગ્રેજ સામ્રાજ્યશાહી હકૂમત નીચેના મુલકોની રૈયત તરફ અંગ્રેજોની વર્તણૂકની સરખામણી જર્મનીના કોન્સન્ટેૃશન કેમ્પોમાં કેદીઓ સાથેની વર્તણૂક સાથે કરેલ. આ અભિપ્રાયને ગોરી અદાલતે રાજદ્રોહી ઠરાવી સોહનને અને વિદ્યાર્થીને ચાર-ચાર મહિનાની સખત કેદની સજા કરેલ. આ સાથે ‘કોલોન્યલ ટાઈમ્સ’ના એક સંચાલક, વન્શીદારને એક મહિનાની સખત કેદની સજા ભોગવવી પડેલ.

સોહને અદાલતમાં જે ન્યાય કરવાનો ઢોંગ થઈ રહ્યો હતો તેને પડકારતા કહ્યું : “હું માનું છું કે હું અંગ્રેજોનો ગુલામ છું. મારું એમ પણ માનવું છે કે દરેક ગુલામની પવિત્ર ફરજ છે કે તે પોતાની ગુલામીની હાલત સામે બળવો પુકારે. ગુલામ તરીકેની મારી ફરજ એમ પણ છે કે હું સર્વ ગુલામો પાસે બળવાનો સંદેશો પહોંચાડું. આમાં જ પીડાતી અને ગુલામી ભોગવતી માનવતાનો છુટકારો છે.”

જેલની બહાર નીકળ્યા પછી પણ સોહનએ સામ્રાજ્યશાહીઓની સામે ટક્કર લેવાનું ના મૂક્યું. આથી એક વખત જ્યારે તેઓ ભારત કોઈ કામ અર્થે ગયા અને જ્યારે પાછા આવવાનો પ્રયત્ન કર્યો, તો શાસન સત્તાએ તેઓને દેશમાં દાખલ થવાની મનાઈ કરી દીધી. અંગ્રેજ સરકારને સોહનથી ડરવાનું બીજુ કારણ એ હતું કે તેઓની કોશિશ હતી કે સામ્રાજ્ય વિરુદ્ધી ઝુંબેશમાં આફ્રિકીઓ અને કેન્યાવાસી એશિયનો હાથ મળાવીને કામ કરે. દાખલા તરીકે તેઓની આ કોશિશને કારણે નવેમ્બર 1944માં જે ઇસ્ટ આફ્રિકન નેશનલ કોંગ્રેસની સભા ભરાયેલ તેમાં કેન્યા આફ્રિકન સ્ટડી યુનિયનના પ્રમુખ જેમ્સ ગીચુરુ હાજર રહેલ. આની સામે અંગ્રેજ પદ્ધતિ હતી માણસને માણસથી અલગ કરીને શાસન કરવાની.

સૌજન્ય : “અલક મલક”, માર્ચ 1986; પૃ. 6-7

– 3 – 

1947માં ગુજરાતી-અંગ્રેજી ભાષાઓમાં છપાતું એક બીજું ખબરપત્ર ‘ડેઈલી ક્રોનિકલ’ શરૂ થયું. આના સંસ્થાપકો હારુન આહમદ, પીઓ ગામા પીંટો, પ્રાણલાલ શેઠ, ડી. કે. શારદા, મખનસિંહ, ચનન સિંહ અને લેજીસ્લેટીવ કાઉન્સિલના સભ્ય એ. બી. પટેલ હતા. મણિલાલ દેસાઈનું ‘ઇસ્ટ આફ્રિકન ક્રોનિકલ’ તેમ જ સીતારામ આચાર્યનું ‘ડેમોક્રેટ’નો જે સામ્રાજ્યશાહી વિરુદ્ધી પદ્ધતિનો દાખલો હતો તે ‘ડેઈલી ક્રોનિકલે’ અનુસર્યો. આ છાપાના સંપાદકો હારુન આહમદ અને પીંટો હતા.

માઉ માઉનો સ્વતંત્રતાની લડાઈ વિષે તપાસ કરવા માટે અંગ્રેજ સરકારે કોરફિલ્ડ નામના એક ગોરાની નિમણૂક કરેલ. કોરફિલ્ડે પોતાના વર્તમાન પત્રમાં ‘ડેઈલી ક્રોનિકલ’ વિષે લખેલ કે આ છાપાએ દેશની આફ્રિકી જનતાના હકોની માંગની લડતને જરા પણ પાછી પાની કર્યા વગર ટેકો આપેલ. અંગ્રેજ ગવર્નર ફિલીપ મીચલને આ ખબરપત્રના કર્મચારીઓની જે કેન્યા પ્રત્યે દેશપ્રેમની વર્તણૂક હતી, તેને અંગ્રેજ સામ્રાજય સામે રાજદ્રોહી જેવી લાગી.

1947થી 1950ના ગાળા દરમ્યાન આ છાપા ઉપર પચાસથી વધારે વખત રાજદ્રોહના આરોપ સબબ મુકદ્દમા કરવામાં આવેલ. 1947માં મોમ્બાસાના મજૂરોએ પોતાના હકોની માંગ કરતાં એક સાર્વત્રિક હડતાલ બોલાવેલ. ‘ક્રોનિકલે’ આ હડતાલને પૂરેપૂરો ટેકો આપ્યો. આ સાથે અંગ્રેજ સરકારે મજૂરો તેમ જ તેઓના નેતાઓ સામે જે સખત ગેરવ્યાજબી પગલાં લીધેલ તેની સામે પડકાર કર્યો. આ કારણસર ત્યારના સંપાદક હારુન આહમદને છ મહિનાની કેદ ભોગવવી પડેલ.

આ દેશપ્રેમીએ ‘કોલોન્યલ ટાઈમ્સ’ અને ‘ડેઈલી ક્રોનિકલ’માં એક પત્રકાર તરીકે જે લડત લડ્યા તે સિવાય રાજકીય સંઘર્ષ તેઓએ બીજા ક્ષેત્રમાં પણ ચાલુ રાખી. દાખલા તરીકે ઓકટોબર 1946માં તેઓએ ભારતીય યુવાન સંઘ(ઇન્ડિયન યુથ લીગ)ના આશ્રય હેઠળ એક ગંજાવર મોરચો યોજ્યો કે જેમાં દક્ષિણ આફ્રિકાના નાગરિકોની લડતને ટેકો આપવામાં આવેલ. મોરચા પછી જે સભા બોલાવવામાં આવેલ તેમાં અનેક નેતાઓ એ ભાષાણો કર્યાં તેમાં જોમો કેન્યાટા અને આહમદનો સમાવેશ હતો. આહમદની કોશિશ હતી કે અંગ્રેજ સામ્રાજ્યશાહી સામેની લડતમાં કેન્યાના આફ્રિકી અને એશિયાઈ લોકો સાથે મળી કામ કરે.

1953માં આહમદ હીરાભાઈ પટેલ નામના એક વકીલે સાથે મળી ગુજરાતી ભાષામાં ‘આફ્રિકા સમાચાર’ નામનું સાપ્તાહિક શરૂ કરેલ. આમાં પણ તેઓએ સર્વ નાગરિકોના હકોની બરાબરી અને લોકશાહીની જોરદાર માંગ કરવાનું ચાલુ રાખ્યું. એશિયન કેન્યનો વચ્ચે જે હિંદુ-મુસલમાનના ભેદભાવો ઊભા થયેલ તેને હટાવવાનો તેઓએ પ્રયત્ન કર્યો. આ સાથે દેશની આફ્રિકી અને એશિયાઈ જનતા વચ્ચેનું જુદાપણું પણ દૂર કરવાની તેઓની કોશિશ ચાલુ રહી.

આવા પત્રકારો સિવાય બીજા દેશપ્રેમી પ્રકાશકો અને મુદ્રકો પણ હતાં કે જેઓએ સામ્રાજ્યશાહીઓ સામેની લડતમાં પોતાના અંગત સ્વાર્થનો જરા્ પણ વિચાર ના કર્યો. દાખલા તરીકે વી. જે. પટેલ નામના એક પ્રકાશકે હેનરી મુઓર્યાના કીકુયુ ભાષાનું ખબરપત્ર ‘મુમેન્યેરેરે’ છાપવાના આક્ષેપ ઉપર જેલમાં ગયેલ. આ પછી જૂન 1950માં તેઓ તેમ જ શ્રીમતી બેસન્ત કૌર, અમરસિંહ અને તેમલ સિંહને એક મહિનાની કેદ થયેલ. આ વખતે તેઓ એક બીજા દેશપ્રેમી ખબરપત્રમાં અંગ્રેજ સરકાર વિરોધી લખાણ છાપવાનો આક્ષેપ હતો. આ છાપું હતું કે. સી. કમાઉ અને વિકટર મુરાગેનું ‘હીંડીયા ગીકુ યુ.’

એક બીજા દેશપ્રેમી પત્રકાર હતા ડી. કે. શારદા કે જેઓએ 1947-51 દરમ્યાન ‘ડેઈલી ક્રોનિકલ’માં કામ કરેલ. ત્યાર બાદ તેઓએ પોતાનું સાપ્તાહિક, ‘ટ્રીબ્યુન’ પ્રસિદ્ધ કરવાનું શરૂ કર્યું. આ છાપામાં તેઓ રંગ અને જાતિય ભેદભાવ દૂર કરવાની જોરદાર માંગ કરેલ. તેઓની એમ પણ કોશિશ હતી કે એશિયન કેન્યનોની બિરાદરીના લોકોમાં જે હિંદુ, મુસલમાન અને ક્રિશ્ચન ધર્મોના ફાંટા પડેલ હતા, તે હટાડી દેવામાં આવે. તેઓને એમ પણ જોઈતું હતું કે સામ્રાજય સરકાર સામેની લડતમાં આફ્રિકી અને એશિયાઈ લોકો સાથે મળી અને રાજકીય પક્ષોની સ્થાપના કરે. આવી બધી એકતાની કોશિશોએ અંગ્રેજ શાસન સત્તાને ગભરાવી મૂકી એટલે 1952ના અંતમાં માઉ માઉના કટોકટીના કાયદાઓ હેઠળ ‘ટ્રીબ્યુન’નો અટકાવ કરવામાં આવ્યો.

આ બધા એશિયન કેન્યન દેશપ્રેમીઓ કે જેઓએ આપણા દેશની આઝાદીની લડતમાં પૂરેપૂરો અને નિસ્વાર્થ ભાગ લીધેલો તેઓ આપણા માટે ગર્વ પાત્ર છે. દેશ પ્રત્યેની લાગણી અને વફાદારીનો જે દાખલો તેઓ આપણા માટે રાખી ગયા છે તેનું પાલન કરવું એ આપણી ફરજ છે

જય કેન્યા

સૌજન્ય : “અલક મલક”, માર્ચ 1986; પૃ. 6-7

Loading

ઐતિહાસિક અવલોકન

નઝમી રામજી|Diaspora - History|10 May 2016

‘કેન્યાનું સૌ પ્રથમ ગુજરાતી અને અંગ્રેજી માસિક’ −ની ઘોષણા સાથે “અલક મલક” સામયિક કેન્યાના પાટનગર નાઇરોબીથી 1985-86ના અરસામાં આરંભાયેલું. સામયિકના માનદ્દ તંત્રી તરીકે પંકજ પટેલ હતા, જ્યારે માનદ્દ સહતંત્રી તરીકે રશ્મિ પટેલ હતા. તેનું સંચાલન અિશ્વન ડી, શાહ (વિક્કી શાહ) તેમ જ જે.કે. મુટુરી કરતા. તો મુદ્રણ સ્થળ ‘આર્ટીસ્ટીક પ્રિન્ટર્સ’ હતું તેમ કહેવાયું છે.

આ સામિયકમાં નઝમી રામજી નામના એક અભ્યાસુ લેખકની કલમે કટાર આવતી. વિક્ટોરિયા સરોવર કાંઠે આવેલા કિસુમુ ખાતે 31 માર્ચ 1942ના રોજ જન્મેલા આપણા આ નઝમુદ્દીન દૂરાણીનું એક અકસ્માતમાં નાઇરોબીમાં 01 જુલાઈ 1990ના દિવસે કારમું અવસાન થયેલું. નઝમીભાઈએ ગુજરાતી, કિસ્વાહિલી અને અંગ્રેજીમાં ય લખાણ કર્યાં છે. ખોજા પરિવારના આ નબીરાનું અવસાન થયા પછી, ગુજરાતી આલમે આ ઇતિહાસ ખોયો હોય, તેમ હાલ અનુભવાય છે.

નઝમી રામજી 'ડિસેમ્બર ટ્વેલ્વ મૂવમેન્ટ' નામક ભુગર્ભ પ્રવૃત્તિમાં ય સક્રિયપણે સંકળાયેલા હતા અને કવિતા સર્જન ઉપરાંત પત્રકારત્વ ય કરતા રહેતા. વળી, કેટલાંક સામયિકોનું પણ એ સંચાલન કરતા.

'નઝમી રામજી' નામે લખતા, નઝમુદ્દીન દૂરાણી વિશેની આ વિગતો અને આ સમગ્ર લેખન સામગ્રી એમના નાના ભાઈ શિરાઝ દૂરાણીના સૌજન્યે પ્રાપ્ત થઈ છે. સહૃદય આભાર. 

••••••••••••••••••••••••••••••••••••••••••

— 1 —

એશિયન કેન્યાવાસીઓએ મોટી સંખ્યામાં આ દેશને પોતાની જન્મભૂમિ તરીકે અપનાવવાની શરૂઆત કરી, તેને નજીકમાં 100 વરસ થશે. એટલે આ સમય અનુકૂળ કહેવાય કે આપણે જરા આપણા ઇતિહાસ તરફ નજર નાખીએ. આપણા બાપ-દાદાઓ શા માટે પોતાની માતૃભૂમિનો ત્યાગ કરી એક નવા સ્વદેશની શોધમાં નીકળી પડ્યા ?

આમ તો પૂર્વ આફ્રિકા અને ભારત વચ્ચેનો સંબંધ હજારો વરસોનો છે. આ સંપર્કનું કારણ હતો વેપાર. હિંદી મહાસાગરના માર્ગ દ્વારા આફ્રિકા અને એશિયા વચ્ચે ઘણી સદીઓથી વેપાર ચાલી રહ્યો હતો. આ સંબંધને કારણે થોડા ઘણા ભારતીયોએ આ ખંડના કાંઠાના વિસ્તારમાં વસાહતો થોડી સંખ્યામાં ઊભી કરી હતી. આવી જ રીતે થોડા ઘણા આફ્રિકી લોકોએ પણ ભારતના જુદા જુદા ભાગોમાં વસાહત કરેલ. આ લોકોના વંશ આજે પણ જોવામાં આવે છે કે જેઓ સીદીઓ તરીકે ઓળખાય છે.

આ ઘણા લાંબા ગાળાનો સંબંધ 16મી સદીમાં પોર્ચુગીઝ સામ્રાજ્યશાહીઓએ બળજબરીથી બંધ કરાવ્યો. આની સાથે આ બે ખંડોની મિલકત મોટી કલમે અહીંના દેશોમાંથી નીકળી યુરોપ લઈ જવામાં આવી. 17મી સદીના અંતમાં પોર્ચુગીઝ સામ્રાજ્ય શાહીઓનો જોરદાર હથિયારબંધ સામનો થવાને કારણે હાર થઈ અને હિંદી મહાસાગર પરનો તેઓનો કબજો તૂટી ગયો. આ સાથે પૂર્વ આફ્રિકા, અરબસ્તાન અને ભારતના પશ્ચિમ વિસ્તાર વચ્ચેનો જૂનો સંબંધ ફરી ચાલુ થયો. ભારતથી આવતા વેપારીઓ અને ખલાસીઓમાં વધારે પડતા ગુજરાત પ્રાંતના માણસો હતા.

પરંતુ આ સંબંધ પાછો વધારે ન વધી શક્યો કારણ કે આ દરમ્યાન એક નવી હુમલાખોર સત્તા અહીં દાખલ થઈ. આ  વખતે આ  શાંત સંપર્ક તોડવાવાળા હતા અંગ્રેજ સામ્રાજ્યવાદીઓ. તેઓએ પહેલાં ભારતના પૂર્વના વિસ્તાર ઉપર બળજબરીથી કબજો કર્યો. ત્યાંથી આસ્તે આસ્તે આખા દેશ પર કબજો જમાવ્યો, અનેક શૂરવીરોએ તેઓનો સામનો કર્યો અને શહીદી વહોરી લીધી.

19મી સદીમાં ગુલામોનો વેપાર બંધ કરવાના બહાને અંગ્રેજ સામ્રાજ્‌યશાહીઓએ પૂર્વ આફ્રિકા ઉપર હુમલો કરવાનું શરૂ કર્યું અને આ સદીના અંતમાં અહીં પણ પોતાનો લશ્કરી કબજો જમાવ્યો. આ સિવાય અંગ્રેજોનો કબજો દુનિયાના બીજા ઘણા ભાગોમાં પણ ફેલાએલ.

પૂર્વ આફ્રિકામાં જે ભારતીઓની વસાહત 19મી સદીમાં થયેલ તે અંગ્રેજ સામ્રાજ્યના બીજા ભાગોમાં થયેલ વસાહતનો એક જ ભાગ છે. દાખલા તરીકે 1834 પછી અંગ્રેજ હકુમત નીચેના વેસ્ટઇન્ડિઝના મુલકો જેવા કે જમાઇકા, ટ્રીનીડાડ, ગુયાના વગેરેમાં ઘણા ભારતીઓને શેરડીના મોટા ખેતરોમાં કામ કરવા લઈ જવામાં આવેલ. આ સિવાય દક્ષિણ આફ્રિકા, મોરેશિયસ, ફીજી અને બીજા ઘણા મુલકોમાં મજૂરોને લઈ જવામાં આવેલ.

દેખાવમાં તો આ મજૂરો પોતાની બિન-દબાણ મરજીથી કરારનામા ઉપર સહી કરી પરદેશ લઈ જવામાં આવ્યા. પરંતુ બે નોખી જાતના દબાણ આ લોકો પર હતા. ઘણા જેઓ શહેરોમાં નોકરીની શોધમાં આવ્યા હોય તેઓને ઘણી ગોરી કંપનીઓ બળજબરીથી પકડી અને સહી કરાવતી અથવા તો ખોટી વાત કરી અને છેતરીને સહી કરાવતા. બીજી બાજુ ઘણા માણસોની આર્થિક સ્થિતિ એવી કફોડી હતી કે પરદેશ કમાવા ગયા વગર બીજો કોઈ છૂટકો જ ન હતો. આવી સ્થિતિના કારણો આપણે નીચે વધારે વિગતવાર તપાસશું.

અંગ્રેજ સામ્રાજ્યના બીજા મુલકોમાં આવા કરારનામી મજૂરોની હાલત અને 15થી 19મી સદી સુધી જે આફ્રિકી ગુલામોને બળજબરીથી લઈ જવામાં આવેલ તેઓની હાલતમાં ઘણો ફેર ન હતો. આ મજૂરોની જિંદગી તેઓના ગોરા શેઠ્યાના હાથમાં હતી. દિવસના 20 કલાક સુધી કામ કરાવવું. મનમાં ફાવે ત્યારે તેઓને કીર્તાથી માર મારવો, પોતાના છુટ્ટીના વખતમાં પણ તેઓને રજા નહીં કે જ્યાં જવું હોય ત્યાં જઈ શકે અથવા તો મન ફાવતું કરી શકે. છ છ મહિનાઓ સુધી પગારના પૈસા રોકી રાખવા, આવી વર્તણૂક સામે તેઓને ફરિયાદ કરવાનો અધિકાર પણ નહીં.

પૂર્વ આફ્રિકામાં આવા જ કરારનામામાં સહી કરાવી ભારતીય મજૂરોને કેન્યા-યુગાન્ડા વચ્ચેની રેલ બનાવવા માટે લાવવામાં આવ્યા. 1896થી 1903ના વરસો દરમ્યાન લગભગ 32,000 મજૂરો અહીં આવ્યા. આમાંથી 2,500 જેટલા માણસો અકસ્માત, બીમારી કે બીજા કારણોસર મૃત્યુ પામ્યા. બીજા 6,500 કામ કરતા ઈજા થતા પાછા ઘર ભેગા કરી દેવામાં આવેલ. 16,000થી ઉપર મજૂરો કરારનો વખત કે કામ પૂરું થતાં પાછા ચાલ્યા ગયા, અને 6,700 માણસોએ પૂર્વ આફ્રિકામાં રહી જવાનું નક્કી કર્યું.

આ સિવાય થોડા ઘણા વેપારીઓની તેમ જ તેઓની પેઢીઓમાં નોકરી કરવાવાળાની વસાહત તો અહીં પહેલેથી હતી. જો કે આ પેઢીઓ તો કિનારાના ગામોમાં હતી પરંતુ ધંધાના કારણે આ લોકોનું પૂર્વ આફ્રિકાના અંદરના ઇલાકામાં અવર-જવર તો ચાલુ જ હતી. ગઈ સદીના છેલ્લા દાયકા દરમ્યાન આ વેપાર વધવા લાગ્યો. ભારતીય વેપારી પેઢીઓનો ધંધો વધારવાને કારણે બીજા માણસો અહીં આવ્યા. આ સાથે બીજા ઘણા માણસો કે જેઓની આર્થિક સ્થિતિ સારી ન હતી તેઓએ થોડા ઘણા પૈસાની બચત કરી પોરબંદર, કરાંચી કે મુંબઈથી વહાણની સફર કરી પૂર્વ આફ્રિકા કામની શોધમાં આવ્યા.

ઉપરના અહેવાલથી સવાલ એ ઊભો થાય છે કે 19મી સદીમાં ભારતની એટલે કે અત્યારના ભારત, પાકિસ્તાન અને બંગલા દેશની હાલત કેવી હતી કે જેના કારણસર પોતાની માતૃભૂમિનો ત્યાગ કરી લાખો વતનીઓ હજારો માઇલની સફર કરી. દુનિયાના અનેક ભાગોમાં જઈ અને આ અજાણ્યા મુલકોમાં વસાહત કરી? આમ કરતાં અનેક લોકો માર્યા ગયા અને બીજાઓએ ઘણા દુખો સહન કરી આ નવા મુલકોને અપનાવ્યા. શું પોતાની જન્મભૂમિમાં તેઓની હાલત આ બધાં દુ:ખો અને મોત કરતાં પણ ખરાબ હતી ?

આ સવાલનો જવાબ આપવા માટે આપણને અંગ્રેજ સામ્રાજ્યશાહી નીચેના ભારતના ઇતિહાસ તરફ નજર નાખવી પડશે.

સૌજન્ય : “અલક મલક”, જૂન 1986; પૃ. 09- 10

**************************

— 2 —

આ પહેલાં, આપણે એ સવાલ રજૂ કરેલ કે ગઈ સદીમાં અંગ્રેજ સામ્રાજ્ય નીચેના ભારતની આર્થિક સ્થિતિ કેવી હતી કે જેના કારણે લાખો ભારતીઓ પોતાની માતૃભૂમિ છોડી દુનિયાના બીજા ભાગોમાં પોતાનું નવું રહેઠાણ બનાવ્યું?

1757થી 1857 સુધીની સદી દરમ્યાન અંગ્રેજોના રાજનું સાધન ઇસ્ટ ઇન્ડિયા કંપની (કંપની સરકાર) હતી. 1857માં દેશપ્રેમીઓએ બળવો પોકાર્યો અને પરદેશી શાસન સત્તાને ખતમ કરવાની કોશિશ કરી. બે વરસથી વધારે લડાઈ ચાલુ રહ્યા બાદ દેશભક્તોની હાર થઈ. ત્યાર બાદ દેશનો કબજો અંગ્રેજ સરકારે સીધો પોતાના હાથમાં લીધો. આ કબજાે, પછી 1947 સુધી ચાલ્યો. આ વરસો દરમ્યાન અંગ્રેજોએ ભારતીઓની એકતા તોડવા માટે તેઓમાં અનેક ભેદભાવો ઊભા કર્યા. ખાસ કરીને હિંદુ-મુસલમાનો વચ્ચે ખટપટ ઊભી કરી. 1857ની પહેલી આઝાદીના જંગમાંથી તેઓએ પાઠ શીખ્યા કે આ બન્ને કોમો જો સાથે મળીને લડે તો તેઓનું સામ્રાજ્ય જલદીથી ખતમ થઈ જશે. દાખલા તરીકે આ લડાઈના નેતાઓમાં નીચે મુજબના સરદારોનો સમાવેશ હતો : મંગળ પાંડે, આહમદ શાહ, લક્ષ્મીબાઈ (ઝાંસીની રાણી), બહાદુર શાહ ઝફર (મુઘલ બાદશાહ), તાત્યા ટોપે.

આવી એકતાના બીજા અનેક દાખલાઓ આપણને ભારતના ઇતિહાસમાં મળે છે. આ સદીની શરૂઆતમાં જ્યારે અંગ્રેજોએ બંગાળના હિંદુ અને મુસલમાનોના વિસ્તારોના ભાગલા કરવાનું ઠરાવ્યું ત્યારે આ કોમોએ સાથે મળી તેનો જોરદાર સામનો કર્યો. રવીન્દ્રનાથ ટાગોર, અબ્દુલ રસૂલ, સુરેન્દ્રનાથ બેનરજી વગેરેની આગેવાની નીચે બંગાળીઓએ સ્વદેશી આંદોલન ઉપાડ્યું. ‘વંદે માતરમ’નો નારો પોકારી વિદેશી માલનો બહિષ્કાર કર્યો. આ જોરદાર વિરોધની સામે અંગ્રેજોને લાચાર થઈ ભાગલાની નીતિ છોડવી પડેલ.

આવો એક બીજો દાખલો આ સદીના બીજા દાયકા દરમ્યાનના પંજાબમાં જોવા મળે છે. દેશભરમાં આ વખતે પરદેશી શોષણ અને અત્યાચારો વિરોધી ઝુંબેશ ચાલી રહી હતી. 1919માં ડૉ. કીચલુ અને ડૉ. સત્યપાલની નેતાગીરી હેઠળ પંજાબના હિંદુ, શીખ અને મુસલમાન લોકો કોઈ પણ ભેદભાવ વગર આ ઝુંબેશને આગળ વધારવા હડતાળો અને મોરચાઓ રચતા અને ‘હિંદુ-મુસલમાન કી જય’ના નારા પોકારતા. આવી એકતા જોઈ, ડરી જઈ જુલમગાર સરકારી ફોજે જલિયાવાલા બાગમાં બિનહથિયારી લોકો ઉપર બંદૂકથી હુમલો કર્યો. આ હુમલામાં એક હજારથી વધારે દેશભક્તો શહીદ થયા અને બીજા હજારો ઘાયલ થયેલ.

આવાં તો કેટલાંએ કિસ્સાઓ આપણને ઇતિહાસમાં જોવા મળે છે. દેશપ્રેમીઓની આવી એકતાને તોડવા ગોરાઓએ પૂરજોર ઝુંબેશ ઉપાડી અને અનેક ભેદભાવો ઊભા કર્યા. આમાં તેઓ સફળ થયા અને અંતે 1947માં દેશના બે ભાગલા થયા.

ભારત ઉપરના 200 વર્ષના પરદેશી શાસન સત્તાના રાજ દરમ્યાન એક ચીજ એવી હતી કે જેમાં જરા પણ ફેર નહતો. પડેલ-દેશ ઉપરનું શોષણ અનેક રીતે દેશની મિલકતને હાથ કરી પોતાના દેશ ભેગી કરી દેવી. ભારત ઉપર લશ્કરી હુમલો કરી અનેક દેશભક્તોને લડાઈમાં હરાવી અંગ્રેજોએ દેશ ઉપર કબજો જમાવ્યો. પરંતુ આ કબજો કરવા માટે જે ખર્ચો થયો તે ભારતવાસીઓ પાસેથી જ કઢાવ્યો. 19મી સદીના પહેલાં 30 વર્ષ દરમ્યાન સામ્રાજ્યશાહીઓએ દેશને 70 કરોડ પાઉન્ડની રકમ આપવાની ફરજ પાડી. દર વરસે ભારતને એક મોટી રકમ અંગ્રેજ સરકારને ભરપાઈ કરવી પડતી અને જો કોઈ કારણસર આ ભરપાઈ ના થઈ તો તેના ઉપર 12% ચક્રવૃદ્ધિ વ્યાજ (કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ) ભરવું પડે. દાખલા તરીકે 1901-1902ના વર્ષ દરમ્યાન આ વ્યાજની રકમ 1 કરોડ 70 લાખ પાઉન્ડ(17,000,000)ની હતી.

અંગ્રેજ સામ્રાજ્ય ભારતમાં સ્થાપિત થયું તે પહેલાં સેંકડો વરસોથી ભારતની કામગીરી અને હાથઉદ્યોગની વસ્તુઓ દુનિયાભરમાં પ્રખ્યાત હતી. પોતાનાં કારખાનાંઓમાં બનેલી વસ્તુઓને ઉત્તેજન આપવા માટે અંગ્રેજોએ ભારતના ઉદ્યોગોનો નાશ કર્યો. કારીગરો તેમ જ હાથઉદ્યોગ ચલાવનારાને સામ્રાજ્ય સરકારને કર ભરવાની ફરજ પડી, તેઓને હુકમ કરવામાં આવ્યો કે તેઓ શાસનસત્તાના કારભારી દ્વારા જ માલ વેચે અને તે પણ એકદમ નીચેના ભાવે. જો હુકમનું જરા પણ પાલન ના થયું તો કારખાનાંઓ બાળી નાખવામાં આવે, કારીગરોના હાથ કાપી નાખવામાં આવે અથવા તેઓની જાન પણ લઈ લેવામાં આવે. આવી વર્તણૂકને કારણે લાખો માણસો કામ વગરના થઈ ગયા.

ખેડૂતોની હાલત પણ અંગ્રેજોના રાજમાં આવી જ કફોડી થયેલ. પરદેશી સરકારે જમીન ઉપર એકદમ જ ઊંચો કર (લગામ) મૂક્યો. પાક સારો હોય કે ખરાબ, ખેડૂતે સરકારને કર તો ભરવો જ પડે. અગાઉના વખતમાં સારો પાક નીકળે તો તેઓ થોડો એક બાજુ રાખી મૂકે કે જે કોઈ વરસે સારો પાક ના ઉતરે ત્યારે કામ આવે. હવે તો એક પાકથી બીજો પાક ઉતરે તે દરમ્યાન પણ સાંસા પડવા લાગ્યા. સરકારને કર ના ભરાય તો તે ખેતરની લીલામી કરે. કર ભરવા માટે મોટે વ્યાજે પૈસા ઉધાર લેવા પડે અને તે પાછા ના ભરાય તો વ્યાજખાઉ જમીન જપ્ત કરી લે આવી હાલતમાં લાખો ખેડૂતો જમીન વગરના થઈ ગયા.

દેશમાં ભૂખમરો પણ વધી ગયો. 19મી સદીના પહેલાં 50 વરસમાં દેશના નોખા નોખા ભાગોમાં 7 વખત દુકાળ થયેલ કે જેમાં 5 લાખ માણસો માર્યા ગયા. આની સરખામણી આપણે આ જ સદીના છેલ્લા 50 વરસ સાથે કરીએ તો જોવા મળે છે કે આ વરસો દરમ્યાન 24 વખત દુકાળ પડેલ આમાં 2 કરોડ (20,000,000) માણસો ભૂખે મરી ગયેલ.

જમીન વગરના ખેડૂતો ગામો તરફ કામની શોધમાં આકર્ષાયા, પરંતુ અહીં પરદેશી સરકારે દેશી ઉદ્યોગનો નાશ કરેલ શહેરોમાં પણ કામ મળવું મુશ્કેલ હતું. એટલે જો દેશ બહાર સુધારવાની આશા હોય તો તે તરફ ખેંચાઈ એ તો સ્વાભાવિક છે. આવું ખેંચાણ અંગ્રેજ સામ્રાજ્યના બીજા વિસ્તારોમાંથી આવ્યું.

સૌજન્ય : “અલક મલક”, જુલાઈ 1986; પૃ. 09-10

*************

— 3 —

18મી સદીના છેલ્લા ભાગમાં, અંગ્રેજો પોતાનું ઉત્તર અમેરીકાનું સામ્રાજ્ય ખોઈ બેઠેલા. આની સાથે તેઓએ પોતાની ખેતીવાડીની વસાહતો પણ ગુમાવી. પરંતુ 19મી સદીના પહેલા ભાગમાં ફ્રાન્સ સાથે લડાઈમાં તેઓની જીત થતાં, ફ્રાન્સના જૂના ટાપુ સામ્રાજ્ય ઉપર કબજો જમાવ્યો અને ત્યાં મોટી કલમે વેચવા માટેના પાકો (દા.ત. શેરડી) પેદા કરવાનું નક્કી કર્યું, પણ આ ઇલાકાઓમાં મજૂરોની કમી હોવાને કારણે ભારતથી કરારનામી મજૂરોને લઈ જવામાં આવ્યા. આ સદીની અંતમાં જ્યારે તેઓએ દક્ષિણ અને પૂર્વ આફ્રિકા ઉપર કબજો વધારે જોરદાર બનાવ્યો ત્યારે અહીં પણ ભારતથી વસાહતીઓને લાવ્યા.

પૂર્વ આફ્રિકામાં જે ભારતીયો આવ્યા. તેઓ બે વર્ગના હતા. કરારનામી મજૂરો કે જેઓ રેલ બનાવવા લાવવામાં આવ્યા, અને બીજા વેપારીઓ અને તેઓની પેઢીઓમાં નોકરી કરવા વાળાઓ જેમ જેમ તેઓનો કબજો વધારે મજબૂત થતો ગયો તેમ તેમ રાજ્ય કારભાર વધતો ગયો. અંગ્રેજ વસાહતો એ ખેતીવાડીની ફળદ્રુપ જમીન આફ્રિકી હકદારો પાસેથી જપ્ત કરી. ગામો અને શહેરોનો વધારો થયો. આ સાથે અનેક કારીગરોની જરૂર ઊભી થઈ. એટલે ભારતથી સુથારો, ઇજનેરો, લુહારો, કડિયા, રંગારાઓ, દરજીઓ, મોચીઓ વગેરે આવ્યા. સરકારમાં બૅંકોમાં એની વેપારી પેઢીઓ માટે કારકુનો, હિસાબનીસો વગેરેની જરૂર પડતાં થોડાં ઘણાં અંગ્રેજી ભણેલા માણસોને પણ અહીં આવવાનું ઉત્તેજન અપાયું. આ સાથે શિક્ષકો, વકીલો અને ડૉક્ટરોને લાવવામાં આવ્યા અથવા તો અહીંના ભારતીય વસાહતોના બાળકોને આવી કેળવણી આપવા માટે ઉત્તેજન આપ્યું.

પણ અંગ્રેજ સરકારે વધારે ઉત્તેજન તો વેપારી વર્ગને આપ્યું. સામ્રાજ્યશાહીઓને ખપતું હતું કે ભારતીય વેપારીઓ અને તેઓના નોકરિયાતો દેશના એક એક ખૂણામાં જઈ વેપાર ધંધો ફેલાવે. આનાથી તેઓને બે બાજુથી ફાયદો થાય. એક બાજુ આફ્રિકી જનતામાં પૈસાથી ખરીદાયેલ વસ્તુઓની માંગ વધે. રોકડની જરૂર પડતાં આફ્રિકી મજૂરો અંગ્રેજ વસાહતોનાં ખેતરોમાં કામ કરવા નીકળી પડે. બીજી બાજુ વેપારીઓ પોતાની દુકાનોમાં અંગ્રેજ કારખાનાંઓમાં બનાવેલી ચીજો વેચે, આ ચીજો વિલાયતથી અંગ્રેજ આગબોટમાં પૂર્વ આફ્રિકા પહોંચે, આ માલનો વીમો ઉતરે અંગ્રેજ વીમાકંપનીઓમાં, ધંધામાં જે પૈસા આ વેપારીઓ કમાય તે જમા થાય અંગ્રેજ બૅંકોમાં, એટલે બધી તરફથી નફો તો છેલ્લે બાકી અંગ્રેજ મૂડીદારોને જ મળે. પરંતુ અજાણ્યા મુલકમાં વેપાર કરવાનાં જે કષ્ટ અને જોખમ હોય તે ભારતીય વેપારીઓ ઉપાડે.

આ રીતે અંગ્રેજ શાસન સત્તાએ પૂર્વ આફ્રિકા અને દુનિયાના બીજા ભાગોમાં જ્યાં પોતાનો કબજો હતો તેવા મુલકો અને ત્યાંની પ્રજાના શોષણમાં ભારતીય વસાહતોનો ઉપયોગ કર્યો. આ સિવાય બીજી પણ ઘણી રીતે આ પ્રજાઓનું શોષણ કર્યું અને તેઓ ઉપર અત્યાચારો કર્યા. દાખલા તરીકે જેમ ભારતમાં તેઓએ બળજબરીથી મોટી કલમે લગામ એકઠી કરી અને રૈયતને પાયમાલ કરી નાખી તેવી જ રીતે કેન્યાની પ્રજા ઉપર ઘર દીઠ એક કર મૂક્યો (અંગ્રેજીમાં જે ‘હટ ટેક્સ’ તરીકે ઓળખાતો). ગઈ સદીની અંતમાં અને આ સદીની શરૂઆતમાં કોઈ પણ બહાને ગોરાઓ દેશના ખેડૂતો અને ભરવાડો પાસેથી લાખોના હિસાબે ગાયો અને બકરાંઓ જપ્ત કરેલ. આ ઉપરાંત દેશની ફળદ્રુપ જમીનના લાખો એકરો ઉપર કબજો કરી અને તેના અસલી માલિકોની હાલત આ જ જમીન ઉપર ગુલામો જેવી કરી નાખેલ.

કેન્યા અને ભારતની પરદેશી હકૂમત દરમ્યાનની સ્થિતિમાં ઘણું સરખાપણું જોવામાં આવે છે. આ ખાલી અંગ્રેજ સામ્રાજ્યશાહીની શોષણ અને જુલમમાં જ નહિ, પણ આવા શાસન સામે જે બળવો રચવામાં આવેલ તેમાં પણ જોવામાં આવે છે.

ભારતમાં તાત્યા ટોપે અને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, ખુદીરામ બોઝ અને અશફાક ઉલ્લાખાન, ચંદ્રશેખર આઝાદ અને ભગત સિંહ, સુભાષચંદ્ર બોઝ અને તેના સાથીદારો શાહનવાઝ ખાન અને લક્ષ્મીબાઈ, સ્વામીનાથન અને બીજાં અનેક લડવૈયાઓએ પરદેશી હુમલાખોરોનો હથિયારબંધ સામનો કરેલ. તેવી જ રીતે કેન્યામાં પણ અનેક દેશભક્તોએ ફિરંગીઓનો વિરોધ કરવા શસ્ત્ર ઉપાડેલ. તેઓના અમુક સરદારો હતા. ગીરિયામાનાં સ્ત્રી નેતા મે કટી લીલી, નાંડીના કોઈટાલેલ, માસાઈના મ્બાટેયાની, કીકુયુના વાયાકી, આરબ કેન્યાવા સીઓના મઝરુઈ કીસીના સ્ત્રી નેતા બોનારીરી, વકામ્બાના ઇટુમામુકા, ટાઇટાના મ્વાંગેકા અને માઉ માઉના કીમાથી …

આવું જ ઐતિહાસિક સરખાપણું જોઈ ઘણાં દેશ પ્રેમી એશિયન કેન્યાવાસીઓએ આ દેશની આઝાદીની લડતમાં દિલોજાનથી ભાગ લીધેલ.

સૌજન્ય : “અલક મલક”,  અૉગસ્ટ 1986; પૃ. 12-13

Loading

...102030...3,7233,7243,7253,726...3,7303,7403,750...

Search by

Opinion

  • પ્રેમ પકડવાનું જ નહીં, છોડવાનું પણ નામ છે … 
  • એવરેસ્ટ પરના ‘ગ્રીન બુટ્સ’નું રહસ્ય કેવી રીતે ઉકેલાયું?
  • વગદાર, શક્તિશાળી, ધનવાન અને આગેવાન કોને કહેવાય? 
  • મોદી સરકારની મજબૂત છબિ ભૂંસાઈ રહી છે?
  • ફાધર્સ ડે પર પિતાને આપો એક સ્મિત, એક સ્પર્શ, એક આલિંગન  

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ
  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved