Opinion Magazine
Number of visits: 9552178
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દીઠું મેં …

બકુલા ઘાસવાલા|Opinion - Literature|19 October 2015

“આઈ.પી.સી.એલ.-૧ ટાઉનશિપની ખૂબી એ હતી કે તેમાં ઉચ્ચનીચનો ભેદ ન મળે, અમારે ડ્રાઇવર, રસોઇયા, કંપાઉન્ડર અને અધ્યક્ષની સાથે ઘરોબો. સાંજે એ બધાંનાં છોકરાં સાથે અમે બેડમિંગ્ટન રમીએ અને વારતહેવાર પણ અમે સાથે ઊજવીએ. એ સંબંધો ચાલીસ વર્ષે પણ જીવંત રહ્યા. તેજસ્વી યુવાન અધિકારીઓ અને જેને ક્લાસ ફોર કહેવાય એવા લોકો સાથે વધુ ઘરોબો હતો.” (પૃ. ૧૨૫-૧૨૬)

“મોરારજીભાઈ ક્યાંય કૂણા પડે તો દલિતો અને સ્વાતંત્ર્ય- સેનાનીઓ માટે.” (પૃ. : ૧૮૨)

“ખેડૂત માટે જમીન એ માત્ર સંપત્તિ નથી, એ પાયાની વાત જ જમીન-સંપાદનને લગતી નીતિની ચર્ચામાં સાવ વિસરાઈ ગઈ છે. એની સાથે એમનું સમગ્ર જીવન અભિન્ન રીતે જોડાયેલું હોય છે. જીવનના એ ચોક્કસ ટુકડા સાથે એમનો ઊંડી લાગણીનો સંબંધ સ્થપાઈ ચૂક્યો હોય છે. ખેડૂત પાસેથી ખેતીની જમીન લેવાની થાય, ત્યારે એના બદલામાં થોડાઘણા પૈસા આપી દેવાથી ન ચાલે. એની આજીવિકાના એક માત્ર સાધનની સાથે એની ગરિમા અને સમાજમાં મોભો પણ એ ખરીદીમાં લઈ લઈએ છીએ. એમને આજીવિકાનું વૈકલ્પિક સાધન તો પૂરું પાડવું જ પડે. એ ઉપરાંત જમીન સાથેના એમના વિશિષ્ટ સંબંધને પણ ધ્યાનમાં રાખવો પડે.” (પાનું : ૩૧૯)

હસમુખભાઈ શાહની ‘મેં દીઠું …’ સ્મરણયાત્રાના વિવિધ પડાવે ઉપર દર્શાવેલા અનેક સંવેદનાત્મક બાજુઓ અને પ્રતિબદ્ધ નિસબત વાચક તરીકે જ નહીં, ભાવક તરીકે અમે દીઠી. અમે વલસાડના, અમારી દુનિયા નાની પણ ગામના મોરારજીકાકાને ‘ભારતરત્ન’ અને ‘નિશાને પાકિસ્તાન’થી નવાજવામાં આવ્યા હોય, એઓ વડાપ્રધાન હોય ત્યારે લેખકે એમની સાથે કામ કર્યું હોય, મોરારજીકાકા વિશે વડાપ્રધાન કાર્યાલયની ગતિવિધિ વિશે વિગતે તટસ્થ આલેખન મળે, ત્યારે વાચનયાત્રાના સંગાથે અમારી નાની દુનિયા પણ વિસ્તરી જાય છે. વલસાડનો લોકો માટે એમની યાદો કાંઈ અલ્હાબાદ, રાયબરેલી કે અમેઠી જેવી નથી, છતાં ખાસ્સી રોચક તો ખરી. વાપીથી તાપીનો વિસ્તાર પારસીઓ અને અનાવિલો માટે મૂળિયાંનો કે ગર્ભનાળનો છે. મારી દૃષ્ટિએ એમનું મૂલ્યાંકન ભારતરત્ન, નિશાને પાકિસ્તાન, વડાપ્રધાન, મુખ્ય પ્રધાન, ગાંધીમાર્ગી, સિદ્ધાંતનિષ્ઠ, શિસ્તપ્રિય વિભૂતિ તરીકે થાય તે તો યોગ્ય જ છે, માનવી તરીકે ગુણાત્મક પાસાં ઉજાગર થાય તે ય યોગ્ય છે. હજી ઊંડાણથી એમની અનાવિલ (દોષરહિત), પારિવારિક, સામાજિક નિસબત અને તટસ્થ વ્યવહારનાં લેખાંજોખાં પણ જરૂરી છે.

ગાંધીજીના નેહરુ અને સરદારના સંબંધોની ચર્ચા આપણે ત્યાં ખૂબ થાય છે. લેખકે નેહરુના ઇન્દિરા તરફના વલણની, શાસ્ત્રીજીના વર્તનની અને તે સમયના પ્રવાહ અને પરિવર્તનની ચર્ચાની માંડણી કરી છે. આજની પરિસ્થિતિને મૂલવવા માટે પણ એ માંડણીનું વલોણું ઉપયોગી થઈ પડે છે. (સંઘર્ષ જયપરાજયનો – પૃ. ૧૬૮થી ૧૭૭, ૧૭૮થી ૧૮૮ અને ૧૮૯થી ૧૯૫) આ દેશમાં સિદ્ધાંતનિષ્ઠ, અપરિગ્રહી, પ્રામાણિક, પારદર્શક, તળપદી સમજ ધરાવતી વ્યક્તિઓનો માર્ગ સહજ રીતે સંઘર્ષનો હોય. લેખકને એવી વ્યક્તિઓ અને નક્કર કાર્ય સાથે જ જોડાવાનું બન્યું. એમાં ક્યાંક વિરોધાભાસ લાગે છતાં અંતે તો હેમનું હેમ હોય જેવી જ પરિણામદાયી સ્થિતિ સર્જાઈ.

બજાણામાં કમાલખાન બાપુ અને એમના પૂર્વજોની ઐતિહાસિક ભૂમિકાની વિગતપ્રચુર માંડણી સાથે લેખક પોતાના બાળપણ – બાલકિશોરવયનાં ઘડતર, ગણતર, ચણતરની વાતો કરે છે. સાહિત્ય, સંગીત, ચિત્રકલા સમેત જીવનના સાંસ્કૃિતક વિકાસનાં બીજ આ સમયખંડમા જ એમના પિંડમાં વેરાયાં અને બિનસાંપ્રદાયિક, સમતોલ અભિગમ ધરાવનાર ન્યાયપ્રિય સજ્જનનું વિકસવું શક્ય બન્યું. અલબત્ત, એ પ્રક્રિયાનું ઉદ્દગમસ્થાન તો પિતા, માતા, ભુભાબા અને પરિવારમાં જ છે. વહીવટ અને ન્યાયમાં અવ્વલ હરોળના પિતાની વારસાઈ તો અમૂલ્ય. મજાની વાત એ છે કે લેખકની ઝોળી જે તત્ત્વ, સત્ત્વથી ભરાતી હતી, તેથી તે સમયે અજાણ તેઓ પોતાના બાળપણના મોજમસ્તીને નિર્ભ્રાન્તપણે માણી શકતા હતા. એટલે જ પોતાના જીવનના દરેક સમયખંડનું એ રોચક, મોહક વર્ણન કરતા રહે છે.

સરળ પ્રવાહીત લેખિની જેવી જ જિંદગી અણમોલ તકો પણ લાવે છે. ‘કલેક્ટેડ વર્ક્સ ઑફ મહાત્મા ગાંધી’ના કામ સાથે જોડાવાની પ્રારંભિક કામગીરી જ આશીર્વાદ જેવી ગણાય. ત્યાર પછી જ્યાં જ્યાં કામ કર્યું તેના હાર્દમાંએની પ્રબળ અસર રહી. મોરારજીકાકા અને ચરણસિંહ કે ઇન્દિરાજી જેવાં વડાંપ્રધાનોના પ્રતાપને જીરવી શકાય. એમને આ મહાનુભાવો સાથે દેશપરદેશના પ્રવાસોનો ખાસ્સો અનુભવ મળ્યો છે, ખાસ કરીને મોરારજીકાકા સાથે. એ અનુભવોની ગઠરી એમને માટે ભાવિ કામગીરીની સફળતા માટે પણ પથદર્શક બની રહી. પછી તો તાર-ટપાલ, આઈ.પી.સી.એલ, જીઇસી કે DAI / CT (તક્નિકી સંસ્થા) કે ઇકોલૉજી કમિશનના ચૅરમેનપદનો પડકાર હોય, એમને માટે દરેક જવાબદારી સહજ બની રહી. અલબત્ત, અહીં જે રીતે નોંધ લેવાઈ છે, તેટલી સરળ કે સહજ તો આ બધી જવાબદારીઓ ન જ હોય તે સમજી શકાય છે.

જેમણે આવા હોદ્દા અને આલા દરજ્જાની વ્યક્તિઓ સાથે કામ કર્યું હોય એમને દરેક ક્ષેત્રના દિગ્ગજો, મહાનુભાવોનો પરિચય, સંબંધ પણ હોય જ. ખંડુભાઈ દેસાઈ, મધર ટેરેસા, પ્રો. સતીશ ધવન, સૈફ આઝાદ, ગિરિરાજ કિશોર, દેવિકા રાણી, કૃષ્ણલાલ શ્રીધરાણી, લવરાજ કુમાર, કિશોર પારેખ અને ધીરુભાઈ અંબાણી જેવી અનેક હસ્તીઓના શબ્દચિત્રનું અહીં આલેખન છે. સૈફ આઝાદ અને કિશોર પારેખનું ચિત્રણ હૃદયસ્પર્શી બની રહે છે. તે જ રીતે નટવર ઠક્કર, બોબ ખતિંગ, દેવસાહેબ વિશે છે, લેખકને બધું ગમે, ફાવે, ચાલે એવી છાપ પડે છતાં પોતાના વ્યક્તિત્વની ગરિમા અખંડ રાખતા પણ આવડ્યું. ‘હું નહીં, અમે’નો આલાપ છેડતા આવડ્યું. પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીથી પર્યાવરણ-સંરક્ષણની કામગીરીમાં જમીન, ઝાડપાન કે પાણી (જળ) સુધીના મુદ્દા હોય એમની દૃષ્ટિ ‘અંત્ય’ સુધી રહે. આઈ.પી.સી.એલ.ની એમની સ્મૃિતયાત્રામાંથી પસાર થતાં અમને પણ ખૂબ આનંદ થયો. એમના યુવાન ઇજનેરોની પલટણમાં અમારા પરિચિત ત્રણ ચાર ‘દેહાઈ’ હતા. તેમાંના એક તો અમારા બનેવી. એમની કારકિર્દી ત્યાંથી જ પાટે ચડેલી તે છેક નિવૃત્ત થયા ત્યાં સુધી તેઓ ત્યાં જ રહ્યા. અમારા માટે એઓનું જી.બી.- આઈ.પી.સી.એલ. એવું જ સંબોધન રહ્યું. ત્યાંથી ભણીને જ અમારી બહેનની દીકરી ડૉક્ટર અને દીકરો ઇજનેર થયાં. આજે એમનો વિચાર કરું છું ત્યારે થાય છેકે કેવા સમૃદ્ધ વાતાવરણમાં મોટા થવાની એમને તક મળી હતી. હસમુખભાઈનું નામ સાંભળેલું પણ ક્યારે ય જોયેલા નહીં. મોરારજીભાઈ, આઈ.પી.સી.એલ. કે પર્યાવરણ (અમને પર્યાવરણ સંબંધી છેડા અડે છે.) અને પ્લાસ્ટિક (અમારી આજીવિકા જ પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી છે.) – આ બધા સાથે અમારો ક્યાંક ને ક્યાંક સંબંધ છે. સાહિત્ય, સંગીત, કલા અને સ્ત્રી-કેન્દ્રિત પ્રવૃત્તિ સાથે અમારો નાતો છે. જે દૃષ્ટિએ આ પુસ્તકમાંથી પસાર થતા એવી લાગણી થઈ કે હસમુખભાઈ, તમે કેટલા નજીક છતાં કેટલા દૂર!

અમે રહ્યા નારીવાદી એટલે નીલાબહેન, અલ્પના, ગજરાબહેન કે પદ્માબહેન વિશે અમને ખાસ જાણવાનું ન મળે, તે અમારાથી ખમાય નહીં. મહાત્મા ગાંધી કલેક્ટેડ વર્ક્સની વાત આવે અને બાનું નામ પણ ન આવે એટલે અમે રઘવાયાં થઈ જઈએ. અમ્લાનની ઝલક તો આછી – પાતળી મળે છે. તેવી રીતે અર્પણપંક્તિ થોડામાં ઝાઝું કહે છે. ખબર તો પડે છે કે નીલાબહેન, અમ્લાન અને અલ્પના સદાસમીપે રહી તમારા’ માટે ન્યૂનતા પૂરી કરનારા હૃદયસ્થ અંશ છે. એક દૃષ્ટિએ એમની કલમ સંયમ ધારણ કરી લેતી જણાયા કરે છે. એ સંયમ જરૂરી હોય તો પણ અમારી અપેક્ષા પૂર્ણ થઈ હોત અને એમણે અમે ઉલ્લેખ કર્યો તે પાત્રો વિશે લખ્યું હોત તો સારું. અમે તો માનીએ છીએ કેPersonal is political.

લખતરની, કુત્તાપીરની, બજાર બેઠકની, દાદા-દાદીની, બહાઉદ્દીન કૉલેજના કાર્યકાળની, આઈ.પી.સી.એલ.ની શાળા – ગ્રંથાલયની, બ્રાયોનીના પ્રવાસની, સમય-આયોજનની (પાનું ૧૩૫) મૌલાબક્ષ (પાનું ૨૦૩), દેવિકારાણી (પાનું ૨૭૭-૨૭૮), પર્સે પોલીસ લાયબ્રેરી (૨૮૧) વિષયક લેખન પણ ધ્યાનાકર્ષક બને છે.

શિરીષભાઈ પંચાલ અને સિતાંશુભાઈ જેવા અભ્યાસુ વિદ્વાનોએ આ પુસ્તકને ઉત્તમ દસ્તાવેજી સ્મરણયાત્રા કહી નવાજ્યું છે. અમને તો આ સ્મરણયાત્રાના આલેખનમાં વણાયેલી રમૂજ, હળવાશ, સહજ, સરળ પ્રવાહીત શૈલીએ પણ પ્રભાવિત કર્યા છે. વર્તમાન રાજકારણ, સમાજ, પરિવાર, શિક્ષણ, પર્યાવરણ, વિકાસ જેવા મુદ્દા પર હજી હસમુખભાઈ પાસેથી સમૃદ્ધ વિચારસામગ્રી સંભવિત છે. એમણે જે દીઠું તે આપણને દેખાડ્યું અને જે છાપ પડી તે માટે આટલું : ‘હસમુખભાઈ, એક આસમાન તમારી મુઠ્ઠીમાં’.

વલસાડ

દીઠું મે : હસમુખ શાહ; રંગદ્વાર પ્રકાશન, યુનિ. પ્લાઝા, દાદાસાહેબનાં પગલાં, નવરંગપુરા, અમદાવાદ-૩૮૦ ૦૦૯; ૨૦૧૩, પૃ. ૩૮૮, કિ. રૂ. ૨૫૦

સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૉક્ટોબર 2015; પૃ. 17-18

Loading

આવો આવો આમ, હે નાગરિકો તમામ !

હિમાંશી શેલત|Opinion - Opinion|19 October 2015

તિર્યકી

એક નવીન અને ઉત્તેજક સ્પર્ધાનું રાષ્ટ્રીય કક્ષાએ ભવ્ય આયોજન થઈ રહ્યું છે, અને એ અંગેની જાહેરાતો પણ એટલી જ ધામધૂમથી થઈ રહી છે, ત્યારે આ સ્પર્ધાઓની વિગતો આપની જાણ માટે રજૂ કરતાં અતિશય આનંદ અને ગર્વની લાગણીનો અનુભવ થાય છે, કારણ કે સારે જહાં સે અચ્છા …

સ્પર્ધાના નિયમો હજી ઘડાઈ રહ્યા છે, છતાં એટલી માહિતી મળી છે કે સ્પર્ધકોની પાત્રતા વિશે કોઈ પણ માપદંડનો આગ્રહ રાખવામાં નહીં આવે. જેને એમાં ભાગ લેવાની ઇચ્છા છે તે વેલકમ. ધર્મી-વિધર્મી, આ સંપ્રદાય તે સંપ્રદાય, આ જાતિ-પેલી જાતિ, ગરીબ-તવંગર, આપણા ભાષી-પરભાષી, સહુ એમાં સામેલ થઈ શકશે. વયનો પણ બાધ નથી. આટલી ઉદારતા અને વિશાળતા પ્રસ્તુત સ્પર્ધામાં ભાગ લેનારાં ઇચ્છુકો માટે દેખાડવામાં આવી છે, એનું ખાસ કારણ સ્વયં સ્પર્ધા છે, અર્થાત્ સ્પર્ધાનું લક્ષણ છે.

આ સ્પર્ધાનું નામ છે સંકહ. અલબત્ત, ટૂંકા રૂપોની ફૅશનને પગલે આવું નામ પસંદ થયું છે. જો આનાથી યોગ્ય નામ મળશે, તો આ રદ કરવામાં આવશે. તો સંકહ એટલે સંકુચિતતા-કટ્ટરતા-હરીફાઈ. સ્પર્ધકે એમાં પોતાની વિચારશૈલી, હૃદય અને બુદ્ધિ કેટલી હદે નાનાં છે એ સાબિત કરવાનું રહેશે. જેમની પાસે અત્યંત Nano-નેનો-હૃદય, મન અને દૃષ્ટિ, બુદ્ધિ કે વિચાર હશે (આ સઘળું જુદું ન પડે તો નહીં પાડવાનું, અમારે તો વિશદ થવાનું છે, એટલે જુદાં જુદાં નામ પાડ્યાં) તે સ્પર્ધામાં વિજેતા નીવડશે. દેશની માનવસંખ્યાને આધારે સ્પર્ધાનાં દસ લાખ પારિતોષિકો રખાયાં છે.

સ્પર્ધાનો પડકાર હવે આવે છે. એમાં ભિન્ન-ભિન્ન સ્તર રહેશે. પ્રથમ સ્તર માન્યતાઓનું. સ્પર્ધક પોતાની માન્યતાઓમાં કેટલો લઘુ છે, તે એણે દેખાડવું પડશે. જો એ પોતે જે સ્વીકારે છે, તેનાથી અલગ કંઈ પણ જુએ / અનુભવે તો કેટલો ઉશ્કેરાય છે, તે એણે બતાવવાનું છે. આ સ્તરમાં હત્યા કરવા સુધી જે જઈ શકે તે શ્રેષ્ઠ ગણાશે. (હત્યા કરવા દેવામાં નહીં આવે, એ માટે રક્ષાકર્મીઓને હાજર રાખવામાં આવશે.)

બીજા સ્તરે સ્પર્ધકો અન્યોનાં વર્તનને કેટલું ખમી શકે છે એની કસોટી થશે. વર્તનમાં ખાનપાન ને વસ્ત્ર ઇત્યાદિ આવરી લેવામાં આવશે. સ્ત્રીપુરુષ મૈત્રી અને જાતપાતના ભેદ સ્વીકારવામાં સ્પર્ધક કઈ હદે અસહિષ્ણુ છે, તે આ તબક્કે સ્પષ્ટ કરવું પડશે. જો સ્પર્ધક વસ્ત્રની છૂટછાટ કે વર્તાવની સ્વતંત્રતા પરત્વે ઉગ્ર બની, મત્ત અવસ્થામાં ફરી વળે, તોડફોડ આચરે, કાપે, બાળે અને સ્થાવર-જંગમ સંપત્તિને ભસ્મીભૂત કરવાની ક્ષમતા દેખાડે, તો એને આ સ્તરે ઉત્તમ ગણવામાં આવશે. કેટલા સમયમાં તે કેટલો વિનાશ કરવા સમર્થ છે એની ખાસ નોંધ લેવાશે.

ત્રીજા સ્તરે ભાષાની-વાણી કહેતાં વૈખરીની તીવ્રતા અને કટુતાની સ્પર્ધા થશે. આ તબક્કે સર્વ પ્રકારનાં ભાષણો-સંભાષણો, નિવેદનો-ફતવાઓ, આક્ષેપો-પ્રતિ-આક્ષેપો (છેલ્લા એક વર્ષ દરમિયાન થયેલાં) ધ્યાન પર લેવામાં આવશે. નિષ્ણાતોની ખાસ સમિતિ બારીક નજરે, અને સચેત કાને, શબ્દેશબ્દ સાંભળશે અને બોલનારની દેહભાષા નીરખશે. (વીડિયોની મદદથી) જેમના બોલમાંથી સંકુચિતતા અને કટ્ટરતા પ્રબળ વેગમાં બહાર પડતાં હશે, જેમના શબ્દોથી દાહનો અનુભવ થતો હશે, જેમના હાથમાં-ભાષણનાં કાગળિયાં હોય તો – તત્કાલ સળગીને ધુમાડો થઈ જતાં હશે, અને જેમના સમગ્ર વ્યક્તિત્વમાંથી તણખા અથવા તાતાં તીર નીકળતાં હશે, તેમને આ સ્પર્ધામાં સંકર અર્થાત્ સંકુચિતતા-કટ્ટરતા-રત્નનો ઇલકાબ મળશે. આ સન્માન પ્રાપ્ત કરનાર પરમ ભાગ્યશાળીને મળનારાં અન્ય, પારિતોષિકો, ધનલાભ અને ભૌતિક સુખસગવડનાં સાધનોની યાદી લાંબી છે. એટલી લાંબી યાદી અત્રે પ્રગટ નહીં થાય, સ્થળસંકોચ નડશે.

– તો આ નવીન, તાજગીસભર, ઉત્તેજક અને રોમહર્ષક સ્પર્ધા આ દેશનાં સ્પર્ધકોની પ્રતીક્ષા કરે છે!

સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૉક્ટોબર 2015; પૃ. 19

Loading

મૅન્યુફૅક્ચર્ડ પ્રોટેસ્ટ : જો વિદ્રોહ ઉત્પાદિત કરી શકાતો હોત તો કૉન્ગ્રેસને ઉથલાવતાં સંઘપરિવારને નવ દાયકા ન લાગ્યા હોત

રમેશ ઓઝા

, રમેશ ઓઝા|Opinion - Opinion|19 October 2015

વધતી અસહિષ્ણુતાના વિરોધમાં સાહિત્યકારો અને સર્જકો સરકારી માન-સન્માન પાછાં કરી રહ્યા છે એ જોઈને સરકાર હેબતાઈ ગઈ છે. એણે ધાર્યું નહોતું કે પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ એમ ચારેકોરથી એવા લોકો બહાર નીકળશે જે રૂઢ અર્થમાં સેક્યુલરિઝમના ઝંડાધારી નથી કે ઝોળાવાળા કર્મશીલો નથી. એમાંના કેટલાક એવા લોકો છે જેમનાં અત્યાર સુધી નામ પણ અજાણ્યાં હતાં. એક સ્કૂલમાં ભણતી વિદ્યાર્થિની છે જેણે રાજ્ય સરકારનો પુરસ્કાર પાછો કર્યો છે અને બીજા એક વિદ્યાર્થીએ શિક્ષણપ્રધાન સ્મૃિત ઈરાનીના હાથે પુરસ્કાર લેવાની ના પાડી દીધી છે.

ક્યાંથી આ અવાજ ઊઠ્યો? જવાહરલાલ નેહરુનાં ભાણી નયનતારા સેહગલ અવાજ ઉઠાવનારાં પહેલાં સાહિત્યકાર હતાં એ તો એક નિમિત્ત માત્ર છે. અવાજ ક્યાંક ઊંડે-ઊંડે ઘૂંટાતો હતો અને અભિવ્યક્તિનો મોકો શોધતો હતો. ગૂંગળામણની પણ એક ભાષા હોય છે જે યોગ્ય સમયે અને સામૂહિકપણે અવાજ ધારણ કરતી હોય છે. માનવીય મૂલ્યોના પક્ષધરો સતત ઊહાપોહ કરતા રહે છે જેને રોજના કકળાટ તરીકે નજરઅંદાજ કરી શકાય છે, પરંતુ એને જ્યારે હોંકારો મળવા લાગે ત્યારે ભલભલા શાસકો થથરી જાય છે. અચાનક માનવતાના સાદને હોંકારા મળી રહ્યા છે જેની સરકારે અપેક્ષા નહોતી રાખી.

અકળાવનારો અવાજ કાને પડવા લાગે ત્યારે શરૂઆતમાં તો એની ઠઠ્ઠા કરવામાં આવે છે. એ પછી પણ જ્યારે એ અવાજ બળકટ બનવા લાગે ત્યારે એની ઉપેક્ષા કરવામાં આવે છે અને એ એની રીતે શાંત પડી જાય ત્યાં સુધી રાહ જોવામાં આવે છે. જો અવાજ એ છતાં પણ શાંત ન પડે ત્યારે એમાં કાવતરું જોવામાં આવે છે અને એ પછી પણ જ્યારે અવાજ શાંત નથી પડતો ત્યારે શાસકોએ અવાજના પક્ષે રસ્તો કરી આપવો પડતો હોય છે. દાદરી ઘટના પછી નયનતારા સેહગલ અને હિન્દી સાહિત્યકાર અશોક વાજપેયીએ સાહિત્ય અકાદમીના પુરસ્કાર પાછા કર્યા ત્યારે તેમની ઠઠ્ઠા કરવામાં આવી હતી. કેરી ખાઈ લીધી, હવે ગોટલા પાછા આપવામાં આવી રહ્યા છે અથવા પુરસ્કારની રકમ તો આપી, વ્યાજ કોણ આપશે વગેરે. એ પછી પણ જ્યારે પુરકાર પાછા કરવાની ઘટના વણથંભી ચાલુ રહી ત્યારે એની ઉપેક્ષા કરવામાં આવી હતી અને હવે સરકારને એમાં કાવતરું અને એ પણ આંતરરાષ્ટ્રીય કાવતરું નજરે પડી રહ્યું છે.

નાણાપ્રધાન અરુણ જેટલીએ પુરસ્કાર પાછા કરવાની ઘટનાઓને મૅન્યુફૅક્ચર્ડ પ્રોટેસ્ટ તરીકે ઓળખાવ્યો છે. કોઈ એક જગ્યાએ બેસીને કાવતરાના ભાગરૂપે ઉત્પાદિત કરવામાં આવેલો પ્રતિકાર. જેટલીસાહેબનો આ ફ્રેઝ વિશ્વપ્રસિદ્ધ ભાષાવિદ અને પબ્લિક ઇન્ટેલેક્ચ્યુઅલ નોમ ચોમ્સ્કી દ્વારા પ્રેરિત છે. મૅન્યુફૅક્ચરિંગ કન્સેન્ટ એ ચોમ્સ્કીનો ફ્રેઝ છે. મૂડીવાદી સમાજ માર્કેટિંગ દ્વારા પોતાને માફક આવે એવું વિકાસનું પ્રિસ્ક્રિપ્શન જગત આખામાં વેચે છે. વિકાસનો પશ્ચિમનો ઢાંચો અપનાવવામાં જ તમારું કલ્યાણ છે એવો એકસરખો સૂર કાઢવામાં આવે છે. વર્લ્ડ બૅન્ક, ઇન્ટરનૅશનલ મૉનિટરી ફન્ડ, હેરિટેજ ફાઉન્ડેશન જેવી અમેરિકન સંસ્થાઓ દ્વારા વિકસાવવામાં આવેલી સવર્‍સંમતિને વૉશિંગ્ટન કન્સેસસ તરીકે પણ ઓળખવામાં આવે છે.

માર્કેટિંગ દ્વારા કન્સેન્ટ (સંમતિ) તો પેદા થઈ શકે, પરંતુ પ્રોટેસ્ટ પણ પેદા થઈ શકે એ પહેલી વાર સાંભળવા મળ્યું. જો કાવતરાં કરીને વિદ્રોહ થતાં હોત તો અંગ્રેજો ભારતમાં બે સદી રાજ ન કરી શક્યા હોત, ગોરાઓ આફ્રિકામાં શોષણ ન કરી શક્યા હોત અને આઝાદી પછી ભારતમાં કૉન્ગ્રેસ પાંચ દાયકા રાજ ન કરી શકી હોત. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તો નવ દાયકાથી ગાંધી અને નેહરુની કલ્પનાના ભારતને નકારવા મથી રહ્યો છે. નાગપુરમાં બેસીને તેઓ વિદ્રોહનું ઉત્પાદન કરી શક્યા હોત. જો પ્રોટેસ્ટનું મૅન્યુફૅક્ચરિંગ થતું હોત તો આ જગતમાં અરાજકતા હોત. આજકાલ સોશ્યલ મીડિયાના યુગમાં આવો ભય વ્યક્ત કરવામાં આવી રહ્યો છે જેમાં લોકો વિચારે છે ઓછું અને બોલે છે વધુ. અરુણ જેટલીને એટલી જાણ હોવી જોઈએ કે વિદ્રોહનાં પોતાનાં પરિમાણો (ડાયનૅમિક્સ) હોય છે અને એને પેદા નથી કરી શકાતાં. હા, એને નિવારી શકાય છે, પરંતુ એ માટે રસ્તો બદલવો પડે. ૧૮૫૭ના વિદ્રોહ પછી અંગ્રેજોએ બીજી વાર વિદ્રોહ ન થાય એ માટે ભારતનો વહીવટ કંપની સરકાર પાસેથી પોતાના હાથમાં લઈ લીધો હતો અને રાજ્યને પરવડે એટલું જવાબદાર બનાવ્યું હતું.

કેન્દ્ર સરકાર પાસે બે વિકલ્પ છે. કાં તો એણે અંગ્રેજોએ જેમ શાસનની ગુણવત્તા સુધારી હતી અને ભારતની પ્રજાને પ્રમાણમાં જવાબદાર રાજ્ય આપ્યું હતું એમ ભારતનું અને ભારતીય જનતા પાર્ટી શાસિત રાજ્યોનું શાસન બંધારણીય મૂલ્યો આધારિત અને એની મર્યાદામાં રહીને કરવું જોઈએ. લોકતંત્ર, સહિષ્ણુતા, સેક્યુલરિઝમ ભારતનાં બંધારણીય મૂલ્યો છે અને શાસકનો ધર્મ છે જેને ૨૦૦૨માં અટલ બિહારી વાજપેયીએ રાજધર્મ ગણાવ્યો હતો. વાજપેયીને એ અમૂલ્ય સલાહ પાછી નરેન્દ્ર મોદીને જ આપી હતી જે અત્યારે વધારે જવાબદારીનો હોદ્દો ધરાવે છે. જો એ સ્વીકાર્ય ન હોય તો તેમણે એટલે કે સકળ સંઘપરિવારે મુક્તપણે પોતાના અસલી એજન્ડા સાથે બહાદુરીપૂર્વક બહાર આવવું જોઈએ. મુસોલિની, તાલિબાન, ઇસ્લામિક બ્રધરહુડના નેતાઓ વગેરેએ કોઈ પણ પ્રકારનો ઢોંગ કર્યા વિના સહઅસ્તિત્વના સેક્યુલર રાજ્યને નકાર્યું હતું અને નકારી રહ્યા છે. તેમની હિંમતને અને પ્રામાણિકતાને તો દાદ આપવી જ જોઈએ. એક માણસ ઊંબાડિયાં કરે, બીજો દાદ આપે, ત્રીજો બચાવ કરે, ચોથો વારે, પાંચમો હિન્દુ સભ્યતાની દુહાઈ આપે, છઠ્ઠો કાવતરાંની વાતો કરે અને સાતમો સેક્યુલરિઝમ તેમ જ વિકાસની વાતો કરે એવું નાટક શા માટે કરો છો? આવી જાઓ મેદાનમાં તમારા અસલી ચહેરા સાથે. હિંમત અને પ્રામાણિકતા ન હોય એને સાચો હિન્દુ કઈ રીતે કહી શકાય.

પાંચ દિવસ પછી દશેરા આવે છે જ્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરવામાં આવી હતી. સંઘના સરસંઘચાલક દશેરાના દિવસે સ્વયંસેવકોનું માર્ગદર્શન કરે છે. નવ દાયકા જૂની આ પરંપરા છે. આ વખતે સરસંઘચાલક મોહન ભાગવતે હિંમતપૂર્વક સંઘનો અસલી એજન્ડા અને સાચો ચહેરો પ્રગટ કરી દેવા જોઈએ.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 19 અૉક્ટોબર 2015

http://www.gujaratimidday.com/features/columns/is-rashtriya-swayamsevak-sangh-manufacturing-product-2

Loading

...102030...3,6693,6703,6713,672...3,6803,6903,700...

Search by

Opinion

  • ભારત નથી અમેરિકાને નારાજ કરી શકતું કે નથી રશિયાને છોડી શકતું
  • ચલ મન મુંબઈ નગરી —318
  • બાલદિને જાગતો સવાલ : ગિજુભાઈનું ‘દિવાસ્વપ્ન’ સાકાર થશે? 
  • વૈશ્વિક સ્તરે નારી-હત્યા નાં ચોંકાવનારા આંકડા
  • ગુજરાતની સાહિત્યિક સંસ્થાઓમાં વ્યાપેલું મીંઢાપણું ઘાતક છે …

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો
  •  ૨૧ સદીને સ્મૃતિપત્ર

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved