Opinion Magazine
Number of visits: 9456862
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારતીય સ્વતંત્રતા ચળવળમાં મુસ્લિમોની ભૂમિકા ..

હિદાયત પરમાર|Opinion - Opinion|6 November 2024

૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ના રોજ આપણને મળેલી આઝાદી લાંબા સંઘર્ષનું પરિણામ હતું, જેમાં વિવિધતામાં એકતાના પ્રતિક એવા આપણા ભારતના તમામ વર્ગ અને સમુદાયોનાં પુરુષો અને મહિલાઓનાં યોગદાન અને બલિદાન સામેલ હતાં. ભારતીય રાષ્ટ્રીય ચળવળના ઇતિહાસમાં ભારતીય મુસ્લિમોની ભૂમિકાનો ઉલ્લેખ કર્યા વિના આ આઝાદીની ચળવળ અધૂરી રહેશે, જે દસ્તાવેજો અને પુસ્તકોનાં સ્વરૂપે આપણી પાસે ઉપલબ્ધ છે જ.

અંગ્રેજો સામેની ભૂમિકામાં અઢારમી સદીના મધ્યમાં પલાસી(પ્લાસી)-ના યુદ્ધ સાથે ૨૩ જૂન, ૧૭૫૭માં શરૂ થયેલ બળવો. તે વખતના નવાબ સિરાજ-ઉદ-દૌલા કે જેમણે પ્રથમ ભારતીય શાસકોને જાગૃત કર્યા અને બ્રિટિશરો વિરુદ્ધ બ્યુગલ ફૂંક્યું. તેમ છતાં, તેઓ તે યુદ્ધ હારી ગયા અને ૨૪ વર્ષની નાની ઉંમરે તેમને ફાંસી આપવામાં આવી. ૧૭૮૦થી ૧૭૯૦ના દાયકામાં મૈસૂરના શાસક હૈદર અલી અને તેમના પુત્ર ‘મૈસૂરના વાઘ’ ટીપુ સુલતાન દ્વારા અઢારમી સદીમાં ભારતમાં અંગ્રેજો સામે પ્રથમ સ્વતંત્રતા સંગ્રામનું નેતૃત્વ કરવામાં આવ્યું. ૧૭૯૯માં ચોથા એંગ્લો-મૈસૂર યુદ્ધ દરમિયાન લોર્ડ વેલેસ્લી દ્વારા ટીપુ સુલતાનની ષડ્યંત્ર થકી હત્યા કરવામાં આવી હતી.

મુહંમદ અશફાકઉલ્લાહ ખાન

શાહજહાંપુરના મુહંમદ અશફાકઉલ્લાહ ખાન જેમણે કાકોરી (લખનૌ) ખાતે બ્રિટિશ તિજોરી લૂંટવાનું કાવતરું રચ્યું અને લૂંટ કરી સરકારી વહીવટને અપંગ બનાવી દીધું અને તેમને ફાંસી આપતાં પહેલાં તેમની છેલ્લી ઈચ્છા પૂછતાં તેમણે કહેલ કે : કોઈ જ ઈચ્છા બાકી રહી નથી, બસ, કોઈક મારા કફનમાં મારી માતૃભૂમિની થોડી માટી મૂકી દે, એ જ અંતિમ ઈચ્છા.

અબ્દુલ ગફાર ખાન

‘સરહદના ગાંધી’ તરીકે જાણીતા ખાન અબ્દુલ ગફ્ફાર ખાન સ્વાતંત્ર્ય સંગ્રામના મુખ્ય સેનાનીઓમાંના એક હતા અને પોતે ‘સરહદના ગાંધી’નું બિરુદ મેળવી મહાત્મા ગાંધીના અનુયાયી બન્યા હતા. અબ્દુલ ગફ્ફાર ખાન ગાંધીને મળ્યા અને ૧૯૧૯માં રોલેટ એક્ટ આંદોલન દરમિયાન રાજકારણમાં જોડાયા, જે આંદોલને રાજકીય અસંતુષ્ટોને અજમાયશ વિના ધરપકડ કરવાની મંજૂરી આપી. પછીનાં વર્ષોમાં તેઓ ખિલાફત ચળવળમાં જોડાયા.

એ જ રીતે, ગદ્દર પાર્ટીના બરકતુલ્લાહ અને સૈયદ રહેમત શાહે ભારતીય આઝાદી માટે પોતાનું બલિદાન આપ્યું. તે વખતના એક બહુ મોટા ઉદ્યોગપતિ એવા ઉમર સુભાની, બોમ્બેના કરોડપતિ, જેમણે, ગાંધીજીને કાઁગ્રેસના ખર્ચ માટે એક કોરો ચેક રજૂ કર્યો હતો અને આખરે આઝાદી માટે લડતાં લડતાં પોતાના જીવનનું બલિદાન આપ્યું. મૌલાના હસરત મોહાનીએ પોતાની કવિતાઓ થકી યુવાન હ્રદયોમાં સ્વતંત્રતાનો ઉત્સાહ ભર્યો હતો.

છેલ્લા મુઘલ બાદશાહ, બહાદુર શાહ ઝફર, ભારતીય સ્વતંત્રતા માટે મજબૂતાઈથી લડનારા રાજવી હતા, જે લડત ૧૮૫૭ની સ્વતંત્રતા સંગ્રામ તરફ દોરી ગઈ. મુસ્લિમોએ આઝાદીની લડત માટે મસ્જિદોનો ઉપયોગ કર્યો. જ્યારે એક ઈમામ ઉત્તર પ્રદેશની એક મસ્જિદમાં ભારતીય સ્વતંત્રતા વિશે સંબોધન કરી રહ્યા હતા, ત્યારે બ્રિટિશ આર્મીએ તે મસ્જિદમાં રહેલા તમામ મુસ્લિમો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.

મૌલાના અબ્દુલ કલામ આઝાદ

ભારતના મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓમાંના એક, જેમનું નામ સ્વતંત્રતાની લડતમાં અગ્રેસર લેવાય છે એવા મૌલાના અબુલ કલામ આઝાદ કે જો માત્ર ૧૬ વર્ષની નાની વયે ભારતીય સ્વતંત્રતા ચળવળમાં જોડાયા હતા. ભારત આઝાદ થયા પછી પણ રાષ્ટ્ર માટે તેમની સેવા બંધ નહોતી થઈ, અવિરત તેમણે તેમના છેલ્લા શ્વાસ સુધી ભારતની સેવા ચાલુ રાખી હતી.

ઉત્તર પ્રદેશના બિજનૌર જિલ્લાના બખ્ત ખાને, ૧૮૫૭ના બળવામાં મુખ્ય ભાગ ભજવ્યો હતો. અનુભવી આર્મીમેન તરીકે, બખ્ત ખાને ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સેનામાં સુબેદાર તરીકે સેવા આપી હતી. પછીથી બખ્ત ખાને બળવાખોર દળોની કમાન સંભાળી. તેમની મજબૂત અને શક્તિશાળી આ બળવા પ્રવૃત્તિઓએ બ્રિટિશ શાસકોને આ માણસનો શિકાર કરવા માટે પ્રેરિત કર્યા. ૧૮૫૯ના મે મહિનામાં બ્રિટિશરોએ તેમને ગોળી મારી દીધી હતી.

કેરળના મુહંમદ અબ્દુર રહીમે મીઠા સત્યાગ્રહની જેમ જ ત્યાં સત્યાગ્રહ કરેલ અને તેમને સાત  મહિનાની સખત કેદની સજા ફટકારાઈ હતી. તેમણે મુસ્લિમ લીગ પાર્ટીના બે રાષ્ટ્રના સિદ્ધાંત વિરુદ્ધ મુસ્લિમ જનતાને એકત્રિત કરી ૨૩ નવેમ્બર ૧૯૪૫ના રોજ કોડિયાથુર ખાતે જાહેર સભાને સંબોધ્યા બાદ તરત જ અંતિમ શ્વાસ લીધા હતા.

ભગતસિંહ અને ચંદ્રશેખર આઝાદથી પ્રેરિત, અબ્બાસ અલી શિક્ષણ પૂર્ણ કર્યા પછી કિશોરાવસ્થામાં જ ભારતીય સ્વતંત્રતા ચળવળમાં જોડાયા. તેઓ ઇન્ડિયન નેશનલ આર્મી (આઈ.એન.એ.) / ‘આઝાદ હિંદ ફોજ’માં જોડાયા અને ત્યારબાદ કોર્ટ-માર્શલ કરવામાં આવ્યા અને તેમને મૃત્યુદંડની સજા આપવામાં આવી હતી.

સૈયદ મુહંમદ શરફુદ્દીન કાદરી ૧૯૩૦માં મીઠાના સત્યાગ્રહ આંદોલન દરમિયાન ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાયા હતા. તેમણે દરેક સંઘર્ષમાં મહાત્મા ગાંધીને ભરપૂર ટેકો આપ્યો હતો અને મહાત્મા ગાંધી સાથે એક જ જેલમાં કેદ રહ્યા હતા.

જ્યારે હજારો સ્વાતંત્ર્ય સેનાનીઓ દરરોજ જેલમાં જઈ રહ્યા હતા, ત્યારે આસીફ અલી આગળ આવ્યા અને તેમને જેલોમાંથી બહાર કાઢવા માટે કાનૂની લડાઈઓ લડી હતી. તેઓ જવાહરલાલ નેહરુ સાથે જેલમાં પણ ગયા હતા. તેમણે ‘ભારત છોડો ચળવળ’માં ભાગ લીધો હતો અને ભારતને સ્વતંત્રતા પ્રાપ્ત કરવામાં મદદ કરવા માટે શક્ય એટલા તમામ પ્રયાસો કર્યા હતા. ૧ એપ્રિલ ૧૯૫૩ના રોજ, આસીફ અલીનું ભારતના પ્રતિનિધિ તરીકે સેવા આપતી વખતે બર્ન(સ્વિટ્ઝરલેન્ડ)માં અવસાન થયું. ૧૯૮૯માં તેમના સન્માનમાં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.

મૌલાના મઝહરુલ હક

સૈફુદ્દીન કિચલૂ

૨૨ ડિસેમ્બર ૧૮૮૬ના રોજ બિહારના પટના જિલ્લામાં જન્મેલા, મૌલાના મઝહરુલ હક ૧૮૯૭ના દુકાળ દરમિયાન તેમના સામાજિક-સેવાકીય કાર્યો માટે જાણીતા બન્યા હતા. તેમણે અસહકાર અને ખિલાફત ચળવળો અને ચંપારણ સત્યાગ્રહને સફળ બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. જાન્યુઆરી ૧૯૩૦માં તેમનું અવસાન થયું તે પહેલાં તેમણે શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે તેમની બધી મિલકત દાનમાં આપી દીધી હતી. તેમના સન્માનમાં, એપ્રિલ ૧૯૮૮માં, પટના ખાતે અરબી અને પર્શિયન (ફારસી) યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી. જલિયાંવાલા બાગના હીરો તરીકે ઓળખાતા ડો. સૈફુદ્દીન કિચલૂએ ભારતીય રાષ્ટ્રીય ચળવળ દરમિયાન રોલેટ એક્ટનો વિરોધ કરીને ૩૦ માર્ચ, ૧૯૧૯ના રોજ ઐતિહાસિક જલિયાંવાલા બાગમાં જાહેર સભા યોજી હતી. ત્યાં તેમણે બ્રિટિશ સામ્રાજ્યવાદી શાસકોની નિંદા કરતું વ્યાખ્યાન આપ્યું. બ્રિટિશ સરકારે ડો. કિચલુને ચર્ચા માટે આમંત્રિત કર્યા, પરંતુ તેમને એ બહાને કસ્ટડીમાં લીધા અને તેમને દેશનિકાલ કરવામાં આવ્યા હતા.

મગફૂર એહમદ એઝાઝી બિહારના રાજકીય કાર્યકર્તા રહ્યા હતા. મહાત્મા ગાંધીના અનુયાયી બનવા બી.એન. કોલેજ, પટનાનો અભ્યાસ છોડી દીધો અને ૧૯૨૧માં અસહકાર આંદોલનમાં જોડાયા. ત્યાં તેમણે સ્વતંત્રતા ચળવળમાં સક્રિય ભાગ લીધો, જેમાં વિદેશી કપડાં સળગાવવા અને બહિષ્કાર, મીઠાનો કાયદો તોડવો, વ્યક્તિગત સત્યાગ્રહ, સાયમન કમિશન વિરોધ અને ભારત છોડો સામેલ છે. યુસુફ મહેર અલી ભારતીય સ્વાતંત્ર્ય સેનાની અને સમાજવાદી નેતા હતા. તેઓ નેશનલ મિલિશિયા, બોમ્બે યુથ લીગ અને કાઁગ્રેસ સોશિયાલિસ્ટ પાર્ટીના સ્થાપક હતા અને અનેક ખેડૂત અને ટ્રેડ યુનિયન ચળવળોમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

જે.પી. અને લોહિયા જોડે મહેર અલી

મહેર અલીએ “સાયમન ગો બેક” અને “ભારત છોડો”નો આવિષ્કાર કર્યો હતો અને બ્રિટિશ સામ્રાજ્ય પાસેથી સ્વતંત્રતા મેળવવા માટે ભારતના છેલ્લા રાષ્ટ્રવ્યાપી અભિયાન માટે મહાત્મા ગાંધી સાથે ભારત છોડો આંદોલનનો ભાગ બન્યા હતા. તેઓ ભૂગર્ભમાં ચાલતી ચળવળોના સહભાગી રહ્યા હતા અને ભારત છોડો આંદોલનમાં મોખરે હતા. હૈદરાબાદના રહેવાસી આબિદ હસન સફરાની, જેઓ નેતાજી સુભાષચંદ્ર બોઝના વિશ્વાસુ સહાયક, આઈ.એન.એ.ના મેજર અને પછીથી, સ્વતંત્ર ભારતના પ્રારંભિક રાજદ્વારીઓમાંના એક હતા. તેમણે ‘જય હિન્દ’ના નારાનો આવિષ્કાર કર્યો હતો.

અસહકાર આંદોલન અને સ્વદેશી ચળવળમાં જબરદસ્ત મુસ્લિમ ભાગીદારી જોવા મળી હતી. જનાબ સબુસિદ્દીક, જે તે સમયના સુગર-કિંગ હતા તેમણે અંગ્રેજ હુકુમતના બહિષ્કારના સ્વરૂપ તરીકે પોતાનો વ્યવસાય છોડી દીધો. ખોજા અને મેમણ સમુદાયો તે સમયના સૌથી મોટા બિઝનેસ હાઉસની માલિકી ધરાવતા હતા અને તેમના આ બહિષ્કારને ટેકો આપવા માટે તેમના ભંડારવાળા ઉદ્યોગોથી અલગ થઈ ગયા હતા !

મુસ્લિમ સ્વાતંત્ર્ય સેનાનીઓ પત્રકારત્વના ક્ષેત્રમાં પણ એટલા જ સક્રિય હતા. મૌલાના આઝાદને ઘણી વખત વસાહતી શક્તિઓ દ્વારા રોકવામાં આવ્યા હોવા છતાં અંગ્રેજો સામે તેમની કલમનો ઉપયોગ ચાલુ રહ્યો હતો. હકીકતમાં, ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામને કારણે જાહેરમાં શહીદ થનાર પ્રથમ પત્રકાર પણ મુસ્લિમ હતા – તે હતા મૌલાના બાકર.

ભારતીય રાષ્ટ્રીય ચળવળનો ઇતિહાસ મુસ્લિમ મહિલાઓની હૃદયપૂર્વકની સેવાઓના ઉલ્લેખ વિના પણ અધૂરો જ રહેશે. એક અંદાજ મુજબ લગભગ ૨૨૫ મુસ્લિમ મહિલાઓએ વિદ્રોહમાં પોતાનો જીવ આપ્યો હતો. ઓગણીસમી સદીની શરૂઆતથી જ મુસ્લિમ ક્રાંતિકારીઓનું યોગદાન જોઇ શકાય છે. ૧૮૫૭-૫૮ દરમિયાન દિલ્હીમાં ફાંસી આપવામાં આવેલા મુસ્લિમોની સંખ્યા ૨૭,૦૦૦ આસપાસ હતી. આ બળવા દરમિયાન અસગરી બેગમ (કાઝી અબ્દુર રહીમના માતા, થાના ભવનના ક્રાંતિકારી, મુઝફ્ફરનગર) બ્રિટિશરો સામે લડ્યાં હતાં અને હાર્યાં ત્યારે તેણીને જીવતા સળગાવી દેવામાં આવ્યાં હતાં.

૨૨૫ મુસ્લિમ મહિલાઓએ વિદ્રોહમાં પોતાનો જીવ આપ્યો હતો, એમાંથી એક અવધના ક્રાંતિકારી રાણી બેગમ હઝરત મહલ, આઝાદીના પ્રથમ યુદ્ધના નાયિકા રહ્યાં હતાં, જેમણે બ્રિટિશ શાસક સર હેનરી લોરેન્સને ગોળી મારી હતી અને ૩૦ જૂન,૧૮૫૭ના રોજ ચિન્હાટ ખાતે નિર્ણાયક યુદ્ધમાં બ્રિટિશ સેનાને હરાવી હતી. સેંકડો મહિલાઓ કે જેમણે બ્રિટિશ રાજ સામે તેમના પારિવારિક પુરુષો (પતિ, ભાઈ, પિતા) સાથે રહી આઝાદીની લડાઈ લડી હતી. અબાદી બેગમ (મૌલાના મુહમ્મદ અલીનાં માતા), અમજદી બેગમ (મૌલાના મુહમ્મદ અલીનાં પત્ની), અમીના તૈયબજી (અબ્બાસ તૈયબજીનાં પત્ની), બેગમ સકીના લુકમાની (ડો. લુકમાનીના પત્ની અને બદરૂદ્દીન તૈયબજીનાં પુત્રી), નિશાત-ઉન-નિસા (બેગમ,હસરત મોહાની), સાદત બાનો કિચલૂ (ડો. સૈફુદ્દીન કિચલૂનાં પત્ની), ઝુલેખા બેગમ (મૌલાના આઝાદનાં પત્ની), મેહર તાજ (ખાન અબ્દુલ ગફ્ફાર ખાનનાં પુત્રી), ઝુબૈદા બેગમ દાઉદી (શફી દાઉદીનાં પત્ની, બિહારના પ્રતિષ્ઠિત રાષ્ટ્રવાદી ) અને અન્ય ઘણાંબધાં હતાં, યાદી લાંબી છે.

અરુણા અસફ અલી સ્વતંત્રતા ચળવળના ‘ગ્રાન્ડ ઓલ્ડ લેડી’ તરીકે જાણીતાં છે. તેણી ભારત છોડો આંદોલન દરમિયાન મુંબઈના ગોવાલિયા ટાંકી મેદાનમાં ભારતીય ધ્વજ ફરકાવવા માટે જાણીતાં છે. ૧૯૩૨માં, તેઓ રાજકીય કેદીઓ સાથેના દુર્વ્યવહાર સામે તિહાડ જેલમાં ભૂખ હડતાળ પર ઉતર્યા હતાં. આવી અન્ય ઘણી, અસંખ્ય બહાદુર વ્યક્તિઓ કે જેમણે દેશના તમામ લોકો સાથે મળીને નાત-જાત-ધર્મ જોયા વગર એકતા સાથે પોતાના રાષ્ટ્ર માટે લડ્યા.

“જય હિન્દ” “ભારત છોડો” “સાયમન પાછો જા” “ઇન્કિલાબ જિંદાબાદ” “સરફરોશી કી તમન્ના, અબ હમારે દિલ મેં હૈ” “સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાં હમારા” જેવા પ્રખ્યાત દેશભક્તિના સૂત્રો સામાન્ય રીતે ભારતીય સ્વતંત્રતા ચળવળ દરમિયાન વપરાતા હતા. સ્વતંત્રતા સંગ્રામના આ નારાઓ મુસ્લિમ સ્વાતંત્ર્ય સેનાનીઓ દ્વારા રચવામાં આવ્યા હતા.

[પાલનપુર]
સૌજન્ય : “ભૂમિપુત્ર”’ 16 ઑક્ટોબર 2024; પૃ. 18-19

Loading

અલગ દૃષ્ટિકોણ

આશા વીરેંદ્ર|Opinion - Short Stories|6 November 2024

ઘડિયાળમાં આઠના ડંકા પડ્યા. સુનિને યાદ આવ્યું કે, લગ્ન પછી જ્યારે એ અને વિવેક હોંશે હોંશે ઘર વસાવી રહ્યાં હતાં ત્યારે એનો ડંકાવાળું ઘડિયાળ લેવાનો આગ્રહ હતો. એણે કહ્યું હતું, “ડંકા પડે ત્યારે ઘરમાં એકલાં હોઈએ તો ય વસ્તી લાગે.” લગ્નના શરૂઆતના દિવસોમાં ઘડિયાળમાં આઠના ડંકા પડે ન પડે ત્યાં વિવેક આવી જતો અને સલામ ભરતાં કહેતો, મેડમ, બંદા હાજર છે.

કેટલા ઝડપથી વીતી ગયા હતા એ દિવસો! જીવનની ભાગદોડમાં ક્યારે પૂર્વી અને પરાગનું આગમન થયું અને ક્યારે બંને મોટાં થઈ ગયાં, ખબર જ ન પડી. વિવેકને એની આવડતને કારણે પ્રમોશન મળતું જ જતું હતું. જવાબદારીભર્યાં કામને કારણે હવે એને બહુ ઓછો સમય મળતો. પૂર્વીને હૈદ્રાબાદમાં નોકરી મળી હતી એટલે એ હવે ત્યાં હતી. શરૂ શરૂમાં અઠવાડિયે આવતા એના ફોન હવે દસ પંદર દિવસે આવતા થઈ ગયા હતા. સુનિ સામેથી ફોન કરે તો તો એનો મૂડ ખરાબ થઈ જતો.

“મમ્મી, કેટલી વાર કહ્યું છે કે, હું જ તને અને પપ્પાને ફોન કરીશ. ગમે ત્યારે તમારો ફોન આવે ને હું એટલી કામમાં હોઉં કે મારી કફોડી હાલત થાય.” બે-ચાર વાર આવું બન્યા પછી હવે સુનિ ફોન સામે તાકતી બેસી રહેતી. પરાગ કોલેજ અને મિત્રો સાથે વ્યસ્ત હતો. ઘરમાં કોઈને એને માટે સમય નહોતો અને એની પાસે સમય જ સમય હતો. રાત્રે આઠના ટકોરા પડે ત્યારથી માંડીને વિવેક દસ-સાડા દસે આવે ત્યાં સુધી એ બાલ્કનીમાંથી રૂમમાં અને રૂમમાંથી રસોડામાં આંટા માર્યા કરતી. ઘડિયાળના ડંકાનો અવાજ જે પ્રિય લાગતો હતો એ જ હવે કંટાળો આપતો હતો. એની ફરિયાદના જવાબમાં વિવેક કહેતો, “કંપનીમાં એટલું બધું કામ રહે છે કે, હું વહેલો તો આવી જ નહીં શકું. એના કરતાં તું જ કંઈ મનગમતી પ્રવૃત્તિ શોધી કાઢતી હોય તો!”

આજે વિવેક જમવા બેઠો ત્યારે સુનંદાએ ખાવાનું ગરમ કરીને એની થાળી પીરસી.

“કેમ, તારી થાળી ક્યાં છે?”

“આટલું મોડું જમવાનું મને નથી ફાવતું. એસિડિટી થઈ જાય છે.”

એ મોઢું ચઢાવીને બેડરૂમમાં જતી રહી પછી વિવેકનો પણ જમવાનો મૂડ ન રહ્યો. એણે રૂમમાં જઈને સુનિને પૂછ્યું, પરાગ નથી જમવાનો?

“આ ઘરમાં કોણ શું કરવાનું છે એ મને ક્યાં ખબર હોય છે? હમણાં થોડીવાર પહેલાં એનો ફોન આવ્યો કે, એ દોસ્તારો સાથે બહાર જમવા જવાનો છે. દસ દિવસથી પૂર્વીનો ફોન નથી આવ્યો, એ પણ તમને ક્યાં ખબર છે? બધાંની ઉપાધિ મારે જ કરવાની. હું એક જ નવરી છું ને ઘરમાં!”

“જો સુનિ, આવા ખોટા ખોટા વિચારો કર્યા કરીશ તો તું જ નાહકની દુ:ખી થઈશ.” વિવેકે સ્નેહથી એનો હાથ પકડતાં કહ્યું પણ સુનિના મગજનો પારો એટલો ચઢેલો હતો કે, એણે વિવેકના હાથમાંથી ઝાટકીને પોતાનો હાથ છોડાવી લીધો. થાકેલો વિવેક પડખું ફરીને સૂઈ ગયો. સુનિને ઊંઘ નહોતી આવતી. રહી રહીને એની આંખો ભીની થઈ જતી હતી. ‘શું હું જ બધી વાતમાં ખોટી છું? તે દિવસે બીજું કંઈ કામ નહોતું તે મેં પરાગનો વેરવિખેર પડેલો રૂમ વ્યવસ્થિત ગોઠવ્યો એમાં તો એ કેવો ખિજાઈ ગયેલો?

“મમ્મી, તને કોણે કહ્યું મારો રૂમ સાફ કરવાનું? તું બધું આમથી તેમ કરી નાખે છે તે મને મારી કોઈ ચીજ મળતી નથી.”

કેમ બધાંને મારો જ વાંક દેખાય છે? હું બે દિવસ ન હોઉંને, તો બાપ-દીકરાને ખબર પડી જાય કે, કેટલી વીસે સો થાય છે? હું જ મૂરખી છું કે, ઘર પકડીને બેસી રહી છું. એના કરતાં થોડા દિવસ મા પાસે જઈ આવું તો એને ને મને બેઉને સારું લાગશે. એ માને ફોન કરવા જતી હતી ત્યાં થયું કે, પત્રમાં જે લાગણીઓ વર્ણવી શકાય એ ફોન પર ક્યાંથી વ્યક્ત થાય?

પત્રમાં એણે બધી મૂંઝવણ, અને આક્રોશનું વર્ણન કર્યું અને છેલ્લે લખ્યું, ‘મા, મારે તારી પાસે આવવું છે. તારા ખોળામાં માથું મૂકીને સૂવું છે. અહીં તો કોઈને મારી કદર નથી. તું મને કહે ત્યારે હું આવી જઈશ.”

માનો જવાબ આવ્યો,

‘મારી ગાંડી સુનિ,

મને તો એમ હતું કે, હવે તું ઠરેલ અને પરિપક્વ થઈ ગઈ, પણ તારો પત્ર વાંચીને સમજાયું કે, બે છોકરાંઓની મા થઈ પણ હજી તું એવી ને એવી સુનિ જ રહી. વાતે વાતે રિસાઈ જાય, જરા જરામાં ઓછું આવી જાય એવી મારી સુનિ. બેટા, અત્યારે તારી જિંદગીમાં જે તબક્કો ચાલે છે એ તો દરેક સ્ત્રીનાં જીવનમાં આવે છે. તું પરણીને સાસરે ગઈ, ભાઈ પરદેશ ગયો ને હજી એ બધામાંથી બહાર નીકળવા જાઉં ત્યાં તારા બાપુએ વિદાય લીધી. શું મને એકલું નહીં લાગ્યું હોય? આવા સમયે માનસિક સ્વસ્થતા જાળવી રાખવી એમાં જ આપણી કસોટી છે. હસીને કે રડીને એમાંથી પાર ઉતરવાનું જ છે તો હસવાનું કેમ પસંદ ન કરીએ? હું કંઈ તારી જેટલું ભણેલી નથી પણ એટલું તો ચોક્કસ કહીશ કે મારી પાસે તારી કરતાં ગણતર વધારે છે. એ ગણતરના આધારે કહું છું કે, આપણી ખુશીનો આધાર અન્ય પર ન હોવો જોઈએ. વધારે નથી લખતી, નહીં તો વળી તું કહીશ કે, મા લેક્ચર આપે છે. તું લખે છે કે, તારે મારી પાસે આવવું છે. તું આવે તો મને ખૂબ ગમે જ, પણ ઘરના લોકોથી રિસાઈને નહીં – રાજીખુશીથી. ગમે ત્યારે આવ, મારો ખોળો તારી રાહ જુએ છે. અંતે, મેં જે પંક્તિઓ મારા જીવનમાં ઉતારી છે એ લખવાનું મન થાય છે.

‘આપણે તો આપણાં મનના માલિક, આપણી તે મસ્તીમાં રહીએ

વાયરા તો આવે ને વાયરા તો જાય, આપણે શું કામ ઊડી જઈએ?

લિ. ગાંડી દીકરીની ડાહી મા.

પત્ર વાંચીને સુનિની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યાં. એણે હસીને કહ્યું, ‘થેંક યૂ, મા.’

(સુસ્મિતા રથની ઓડિયા વાર્તાને આધારે)
સૌજન્ય : “ભૂમિપુત્ર”’ 16 ઑક્ટોબર 2024; પૃ. 24

Loading

જનરેશન ગેપ

નરેન્દ્ર ત્રિવેદી|Opinion - Short Stories|6 November 2024

એક મોંઘી કાર વૃદ્ધાશ્રમ પાસે આવીને ઉઊભી રહી. કારમાંથી ત્રણ ભાઈઓ અને એક માજી ઉતર્યાં. ત્યારે વૃદ્ધાશ્રમમાં ટ્રસ્ટીની મિટિંગ ચાલતી હતી. આર્થિક મદદ, ડોનેશન, વહીવટ વિશેની વાત માટેની ચર્ચા થતી હતી. કારમાંથી શ્રીમંત લોકોને ઉતરતા જોઈ ટ્રસ્ટીઓનાં મુખ પર સ્મિત આવ્યું કે આજે મોટું ડોનેશન મળશે. બધાએ ઊભા થઈ આવકાર આપ્યો.

“હા, બોલો હું આપની શું સેવા કરું?” મુખ્ય ટ્રસ્ટીએ ત્રણે ભાઈઓ અને માજી સામે જોઈને પૂછ્યું, “માજી તો નિસ્તેજ ચહેરે, શૂન્યમનસ્ક મને બેઠાં હતાં. ભાઈઓ વાત કેમ શરૂ કરવી એ દ્વિધામાં હતા. કોણ વાતની શરૂઆત કરે અને કેવી રીતે વાત કરવી એ દ્વિધામાં હતા.

“મારું નામ મલય, જતન અને આ નાનો ભાઈ તપન છે. આ વૃદ્ધ માજી અમારા માતુશ્રી જડીબા છે. અમે જડીબાને વૃદ્ધાશ્રમમાં મૂકવા આવ્યા છીએ. અને તેમનો રહેવાનો તેમ જ તમામ અન્ય વ્યવસ્થાનો ખર્ચ સાથે ડોનેશન પણ આપવું છે.” વાત સાંભળી મુખ્ય ટ્રસ્ટી સાથે હાજર બધા જ ટ્રસ્ટીઓ આશ્ચર્યચકિત થઈ ગયા કે આવું ઉમદા જાજરમાન વ્યક્તિત્વ ધરાવતી સ્ત્રીને આ પુત્રો શા માટે વૃદ્ધાશ્રમમાં મૂકવા આવ્યા હશે?

“તમારી વાત તો બરોબર છે પણ તમે ત્રણેય ભાઈઓ સમજુ અને શ્રીમંત હોવા છતાં જડીબાને અહીંયા મૂકવા કેમ આવ્યા એ સમજાતું નથી, એટલે વિગતથી વાત કરો પછી આગળ વિચારીએ.”

“એ બાબત તમારે જાણીને શુ કામ છે? અમે બધો જ ખર્ચ અને તગડું ડોનેશન આપવા તૈયાર છીએ.”

“કેટલું આપશો?”

“પચીસ લાખ, પ્લસ જડીબાને અહીંયા રહેવા માટેનો તમામ ખર્ચ અમે આપશું.”

“અમારે વૃદ્ધાશ્રમ માટે ડોનેશનની જરૂરિયાત છે, પણ વિગત જાણ્યા વગર તમારી વાતને સ્વીકારવી શક્ય નથી એટલે તમારે પૂરી વિગત તો આપવી પડશે.”

“ભલે મને વાંધો નથી.”

“અમારા પિતાશ્રી અમારા માટે ધીકતો ધંધો મૂકી ગયા છે. કોઈ વાતની કમી નથી.”

“તમારા પિતાશ્રીએ જડીબા માટે શું વ્યવસ્થા કરી છે?”

 “કાંઈ જ નહીં! બધુ જ અમારા નામે કરતા ગયા છે.”

“તો એનો અર્થ એ થયો કે તમારા પિતાશ્રીને તમારી ઉપર સંપૂર્ણ વિશ્વાસ હશે કે તમે તમારા માતુશ્રી, જડીબાને કોઈ તકલીફ નહીં પડવા દો. તમે આજે આ નિર્ણય કરી પિતૃદ્રોહ તો કર્યો જ છે પણ સાથે સાથે માતૃદ્રોહ કરવા પણ તૈયાર થયા છો.” આ બધી વાત જડીબા નિર્લેપ ભાવે સાંભળી રહ્યાં હતાં. કદાચ પુત્રોનાં વર્તનથી મૃત્યુ પહેલા મનથી, જીવનથી મૃત્યુ પામી ગયાં હતાં. તેમને માટે બધી જ પરિસ્થિતિ સરખી હતી.

ત્રણે ભાઈઓને ટ્રસ્ટીઓએ ખૂબ સમજાવ્યા પણ માન્યા નહીં. અંતે ટ્રસ્ટીએ પૂછ્યું, “તમારે સંતાનમાં શુ છે?”

“અમારે બે ભાઈને એક જ પુત્ર છે અને મોટાભાઈને પુત્ર અને પુત્રી છે.”

“એટલે ત્રણ પુત્રો અને એક પુત્રી છે. સારું તમે વિચાર કરી જુવો ત્યાં સુધી જડીબાને અમે અહીયાં અમારા મહેમાન તરીકે રાખશું. મારે તમારા ત્રણે પુત્રો અને પુત્રીને મળવું છે તો મોકલજો.”

ચારે ય બાળકો, વાત પ્રમાણે ટ્રસ્ટીને મળવા આવ્યાં. ટ્રસ્ટીએ બધી જ વાત વિગતથી કરી પૂછ્યું, “યંગ જનરેશન છો એટલે આ બાબતમાં તમારો શુ મત છે? એ મારે જાણવું છે.” ચારે ય બાળકોએ એકી સાથે કહ્યું, “અમે દાદીમાને વૃદ્ધાશ્રમમાં મુકવાની વાત માટે વિરોધમાં હતા, વિરોધ પણ કરેલો. અમારી મમ્મીઓને દાદીમા ભારરૂપ, જવાબદારી અને તેઓની સ્વતંત્રતા ઉપર તરાપ લાગે છે. હકીકતમાં દાદીમા ક્યાંક અડચણ રૂપ નથી. બીજું દાદાજી જીવિત હતા ત્યાં સુધી બધું બરોબર ચાલતું હતું, પણ દાદાજીએ અતિ વિશ્વાસમાં અમારા પપ્પાને બધી જ મિલકત આપતા, દાદીમા ભારરૂપ થઈ ગયા અને પરિસ્થિતિ બદલાઈ ગઈ. અમને સુઝતું નથી કે અમારે શું કરવું.”

“હવે, તમારો શું અભિપ્રાય છે. જડીબાને અમે અહીં મહેમાન તરીકે રાખ્યા છે.” બાળકોએ ટ્રસ્ટી સાથે વાત કરી સલાહ સૂચન લઈ ઘરે આવ્યાં. મમ્મી, પપ્પા સાથે વાત કરી કે અમે ચાર ભાંડરડા એક અલગથી ફ્લેટ રાખી ત્યાં રહેવા જવાનાં છીએ. આ સાંભળી છએ જણાં હબકી ગયાં.

“અરે! શુ કામ? આપણું આટલુ મોટું ઘર મૂકી ફ્લેટમાં રહેવા શું કામ જવું છે?”

“પણ અમારો નિર્ણય અફર છે. અમારે અમારી જિંદગી અમારી રીતે જીવવી છે.”

અઠવાડિયા પછી ત્રણે ભાઈઓ વૃદ્ધાશ્રમ આવ્યા. ટ્રસ્ટીએ જાણકારી આપી, જડીબા અહીં નથી તેમને તેનાં સગાં લઈ ગયાં.

“અરે કોણ લઈ ગયું? સગા દીકરા તો અમે છીએ.”

“તમારી વાત સો ટકા સાચી છે, સગા દીકરા તમે છો પણ સગા દીકરાના, સગા દીકરા જડીબાને અહિયાથી લઈ ગયાં.”

“કોણ અમારા દીકરાઓ? “હા તમારા દીકરા અને દીકરીએ તમારી આબરુને બચાવી લીધી.”

ઘરે આવી વાત કરી. ભૂલનો અહેસાસ થતો લાગ્યો. પત્નીઓને વાત કરી. હવે કંઈ સમજાય છે? કે પછી બાળકોએ જે કેડી કંડારી છે તે પ્રમાણે તેઓને આગળ વધવાં દેવાં છે? પછી આપણે પણ આ જ જડીબાની કેડી પર ચાલવું પડશે. તેનો કોઈ પાસે જવાબ નહોતો.

બીજે દિવસે ત્રણેય ભાઈઓ, બાળકોએ જે ફ્લેટ રાખ્યો હતો ત્યાં ગયા. બહારથી, અંદરનો દાદી અને બાળકોનો ખુશ મિજાજ અવાજ સંભળાતો હતો. બે ક્ષણ ઊભા રહી બેલ દબાવી, બારણું ખુલ્યું, સામે જડીબા બાળકો સાથે નાસ્તો કરી રહ્યાં હતાં. “તમારા પપ્પાઓને પણ નાસ્તો આપો, તેને પણ ખબર પડે મારી પૌત્રીને પણ રસોઈ આવડે છે. અને બાળકોને આ વૃદ્ધ અને નકામા શરીરને સાંચવતા આવડે છે.”

“બા, અમે બહુજ શર્મિદા છીએ. અમારી ભૂલ અમે સ્વીકારીએ છીએ. હવે ઘરે ચાલો.”

“તમે તમારી પત્નીઓને પૂછીને આવ્યા છો ને? ક્યાંક ધરમ કરતા ધાડ ન પડે.”

“ના, બા, અમે પણ તમને લેવાં જ આવ્યા છીએ.”

“મને વાંધો નથી આ યંગ જનરેશનનાં વૃદ્ધાશ્રમવાળા સંમતિ આપે તો? કારણ કે તમે બધાએ હાથ ઊંચા કરી દીધા, ત્યારે તમારા આ બાળકોએ મારા હાથ પકડ્યો છે.”

બધાએ બાળકો સામે જોયું, ”અમારે તમને એટલું જ કહેવું છે કે જનરેશન ગેપ, જનરેશન ગેપ કરીને યંગ જનરેશનને વગોવવામાં આવે છે. પણ સમજણનો, માન સન્માનનો, વડીલોના સ્વીકારનો અને પરિસ્થિતિ સાથે સમાધાનનો ગેપ બધે જ પ્રવર્તતો હોય છે, જરૂર છે વડીલથી બાળક સુધીનાં અનુશાસનની અને અનુભવોને સમજવાની, બોલો અમારી વાત સાચી છે ને?”

“હા, બેટા, હા.”

“તો આ દાદીમાને વૃદ્ધાશ્રમમાંથી રજા આપવામાં આવે છે.” એ સાથે જ રૂમ સૌના મુક્ત હાસ્યથી ગુંજી ઉઠ્યો…..

ભાવનગર (ગુજરાત)
e.mail : nkt7848@gmail.com

Loading

...102030...366367368369...380390400...

Search by

Opinion

  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved