Opinion Magazine
Number of visits: 9691216
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ધનના ઢગલા અને ગરીબીની ખાઈ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|11 February 2016

દુનિયાના સુપર રીચની દોલત છેલ્લા પાંચ વરસમાં વધીને 44 ટકા થઈ જ્યારે ગરીબોની આવક 41 ટકા ઘટી છે

ડૉ. બાબાસાહેબ આંબેડકરે ભારતની બંધારણસભા સમક્ષના પોતાના અંતિમ પ્રવચનમાં દેશમાં પ્રવર્તતી સામાજિક-આર્થિક અસમાનતા અંગે સાવધાનીના સૂર ઉચ્ચાર્યા હતા. બિનસરકારી દાતાસંસ્થા ઓક્સફામના તાજેતરના “એન ઈકોનોમી ફોર ધી વન પર્સન્ટ” અહેવાલના પ્રાગટ્ય સાથે અસમાનતાની ફરી ચર્ચા ઊઠી છે. ખ્યાત અર્થશાસ્ત્રી થોમસ પિકેટીના “કેપિટલ ઈન ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચૂરી”નો પણ અસમાનતા સંબંધી ચર્ચાઓમાં સિંહફાળો છે.

ઓક્સફામનો અહેવાલ અસમાનતાનું જે ચિત્ર આલેખે છે તે મુજબ દુનિયાના 62 મૂડીપતિઓની સંપત્તિ 17.6 ખર્વ ડૉલર એટલેકે 1187.64 ખર્વ રૂપિયા છે. જે દુનિયાની અડધોઅડધા વસ્તીની સંપત્તિ જેટલી છે. એક ટકો ધનપતિઓ પાસે દુનિયાની 99 ટકા વસ્તી જેટલી દોલત છે અને તે રાજાની કુંવરીની ઉંમરની જેમ દિનરાત વધતી જાય છે. ઓક્સફામના રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે દુનિયામાં સૌથી અમીરોની સંખ્યા દર વરસે ઘટતી જાય છે એનો અર્થ એ થાય કે સંપત્તિ મર્યાદિત લોકોના હાથમાં કેદ થઈ રહી છે.

2010માં વિશ્વના સૌથી વધુ ધનિકો 388 હતા. 2014માં તે ઘટીને 85 અને હવે 2015માં 62 જ થઈ ગયા છે. અમીરી અને ગરીબીની અસમાનતા કેટલી મોટી છે તે એ હકીકત પરથી જણાય છે કે દુનિયાના “સુપર રીચ”ની દોલત છેલ્લાં પાંચ વરસમાં વધીને 44% થઈ છે ત્યારે દુનિયાના ગરીબોની આવક 41% ઘટી છે. દુનિયાનો એક નાનકડો વર્ગ ધનના ઢગલા પર વિરાજમાન છે તો બહુ મોટી વસ્તી ગરીબી, ભૂખમરો અને અભાવોની ખાઈમાં સબડે છે.

ભારતના અમીરો વિશે જાતજાતના સર્વે અવારનવાર અખબારી પૃષ્ઠો પર પ્રકટ થાય છે. ”ફોર્બ્સ” સામયિકના એક સર્વે મુજબ ભારતમાં ડોલર બિલિયોનર્સ અર્થાત એક અબજ ડોલર કરતાં વધુ સંપત્તિના માલિક હોય તેવા ભારતીય અમીરો 2013માં 103 હતા, જે 2014માં ઘટીને 100 થયા. અંત્યત ધનવાન-સંપત્તિવાન લોકોની સંખ્યાની દ્રષ્ટિએ ભારતનો દુનિયામાં 11મો નંબર છે. વિશ્વના સૌથી અમીર દેશ અમેરિકામાં 62,800 અલ્ટ્રા હાઈનેટવર્થ ઇન્ડિવીડ્યુઅલ્સ છે. તો ભારતમાં આવા લોકોની સંખ્યા 1800 છે. ભારતમાં કરોડપતિઓની સંખ્યા 14,800 છે અને એકલા મુંબઈમાં 2,700 કરોડપતિઓ છે. કરોડપતિઓની સંખ્યામાં ભારત વિશ્વમાં આઠમા ક્રમે છે.

શૌચાલયોની ભારે અછત અને સમૃદ્ધિથી ફાટફાટ દેવાલયો એ ભારતની વિષમતાની વરવી વાસ્તવિકતા છે. અહીં કરોડો લોકોને ખોરાક-પાણી-વીજળી- જાજરૂની પ્રાથમિક સુવિધા મળતી નથી.તો મંદિરોની સંપત્તિ સરકારી તિજોરીમાં જમા કરાવવા સરકારને યોજના ઘડવી પડે છે.  જ્યાં એશિયાની સૌથી મોટી ધારાવીની ઝૂંપડપટ્ટી છે તે મહાનગર મુંબઈમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનું ઘર ‘એન્ટીલિયા’ માત્ર 27 માળનું જ છે. તેની કિંમત રૂ.1,42,720 કરોડ રૂપિયાની છે.

મુંબઈના પોશ એરિયા મલબાર હિલ્સનું જટિયા હાઉસ ઉદ્યોગપતિ કુમારમંગલમ બિરલા 425 કરોડમાં ઘર માટે ખરીદે છે તો દિલ્હીની શકુર બસ્તીની ઝૂંપડપટ્ટી પર કાતિલ ઠંડીમાં બૂલડોઝર ફરે છે. ઈંદિરા આવાસ, સરદાર આવાસ, અને આંબેડકર આવાસની સરકારી યોજનાઓમાં મકાનસહાય માટે સરકાર થોડાક હજાર રૂપિયા આપે છે, તો અમીરો મસ્ત મોટા મહાલયોમાં મહાલે છે.

ભારતમાં અમીરો અને ગરીબો વચ્ચેની આ વિકરાળ ખાઈને પાછો જાતિ અને ધર્મનો પણ રંગ લાગે છે. તેંડુલકર અને રંગરાજન કમિટી મહિને અનુક્રમે રૂ.1,000 અને 1,407 રૂપિયા કમાતા ભારતીયને ગરીબ ગણે છે. આવા ગરીબો મોટે ભાગે દલિત-આદિવાસી-પછાત અને લઘુમતી હોય છે. આર્થિક અસમાનતામાં સામાજિક-ધાર્મિક અસમાનતા પણ હોય છે. મહિને માંડ હજાર રૂપિયા જ કમાતો ભારતીય આ દેશમાં ગરીબ ગણાય છે, પણ આ અખિલ ભારતીય માપદંડમાં “દૂધમાં સાકરની જેમ ભળી ગયેલા” પારસીઓ અપવાદ છે. મુંબઈની પારસી પંચાયતે ઠરાવેલા અને મુંબઈની વડી અદાલતે પણ જેનું સમર્થન કર્યું છે તે પ્રમાણે મહિને રૂ.90,000 કમાતો પારસી ગરીબ ગણાય છે!

મુકેશ અંબાણીની રોજની આવક રૂ.11,000 કરોડ છે અને તેમનું વાર્ષિક વેતન 15 કરોડ રૂપિયા છે. પરંતુ મોટાભાગના મજૂરોને રોજની સો રૂપિયા મજૂરી માંડમાંડ મળે છે. કેન્દ્ર સરકારના ગ્રામીણ ભારતના સામાજિક –આર્થિક વસ્તી ગણતરીના અહેવાલ મુજબ દેશની 73% વસ્તી ગામડાંમાં વસે છે અને તેમાંથી માત્ર 4.6% કુટુંબો જ આવકવેરો ભરવાપાત્ર કમાણી ધરાવે છે. 74.49% ગ્રામીણ કુટુંબોની આવક મહિને રૂ.5,000 જ છે. 51.14% લોકો મજૂરી પર નભે છે. દેશમાં 4 લાખ કુટુંબો કચરો વીણીને તો 6.68 લાખ કુટુંબો ભીખ માંગીને આયખું ટૂંકુ કરે છે. હ્યુમન ડેવલપમેન્ટ ઈન્ડેક્સ (માનવ વિકાસ આંક) અને હંગર ઈન્ડેક્સ(ભૂખ સુચકાંક)ની તો હવે દેશમાં કોઈને પડી જ નથી.

સર્વસમાવેશક વિકાસની વાતો બહુ થાય છે પણ અમલમાં નર્યા અખાડા જ છે. ગ્લોબલ હંગર ઈન્ડેક્સમાં 2015માં 80 દેશોમાં પુણ્યભૂમિ ભારત 68મા ક્રમે છે. જે દક્ષિણ એશિયામાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાન પછી ત્રીજા નંબરે છે. નેપાળ, બાંગ્લાદેશ અને શ્રીલંકા કરતાં પણ ગરીબીમાં ભારતનો ચડતો ક્રમ છે. ‘ભારતમાં બાળકો-2012’ નામક એક સરકારી રિપોર્ટમાં કહેવાયું છેકે ભારતમાં દરરોજ કુપોષણથી 1,500 બાળકોના મોત થાય છે. વરસે દહાડે પાંચ વરસની ઉમરના 2.1 મિલિયન બાળકો ભૂખમરાથી મરે છે. 57% માતાઓ અને પાંચ વરસ કરતાં ઓછી ઉંમરના 75% બાળકો ઓછું લોહી અને સરેરાશ કરતાં ઓછું વજન ધરાવતા હોય છે.

દેશના માત્ર પાંચ અતિ ધનાઢ્યો પાસે દેશની કુલ સંપત્તિની અડધાથી વધુ સંપત્તિ હોય તે અસમાનતા અતિ ભયંકર ગણાવી જોઈએ. તેનું કારણ તો શ્રમિકોનું શોષણ જ છે ને? ઓગસ્ટ 1963માં ડો. રામમનોહર લોહિયા અને વડાપ્રધાન નહેરુ વચ્ચે લોકસભામાં ત્રણ આના વિરુધ્ધ ત્રણ રૂપિયાની ચર્ચા થઈ હતી. ડો. લોહિયાએ એ ઐતિહાસિક ભાષણમાં કહેલું કે આ દેશમાં એક ગરીબ રોજના ત્રણ આના કમાય છે અને વડાપ્રધાનના કૂતરા પાછળ રોજના ત્રણ રૂપિયા ખર્ચાય છે. આજે નહેરુના વંશજ રાહુલ ગાંધી વર્તમાન કેન્દ્ર સરકારને “સૂટબૂટ કી સરકાર” કહે છે ! આર્થિક અસમાનતાએ દેશના રાજકીય એજન્ડામાં આ હદે પ્રગતિ કરી છે.

ડો.આંબેડકરે બંધારણસભા સમક્ષ જો અસમાનતા નાબૂદ નહીં થાય તો પરિણામ શું આવશે તેની આગાહી કરતાં કહેલું, “અસમાનતાનો ભોગ બનેલા લોકો બંધારણસભાએ અપાર પુરુષાર્થ કરીને બનાવેલા આ લોકતંત્રના મહેલને ધૂળભેગો કરી નાંખશે”. એના દોઢેક દાયકા બાદ લોહિયાએ બહુ દુખી દિલે લોકસભામાં કહેવું પડેલું કે જો હું 20-30 વરસો પહેલાં આ વિષય પર બોલતો હોત તો મેં અસમાનતા નાબૂદીની વાત કરી હોત પણ હવે આજે તો હું એને ઘટાડવાની જ વાત કરી શકું એમ છું. એ પછીના પાંચ દાયકે આજે આર્થિક વિષમતાનું જે ચિત્ર ખડું થયું છે તેના પરથી જાહેર જીવનના કવિ ઉમાશંકર જોશીની ‘ભૂખ્યા જનોનોનો જઠરાગ્નિ જાગશે’ ની વાત સાચી ઠેરવવા કેટલો કપરો સંઘર્ષ કરવાનો છે તેનો ખ્યાલ આવે છે.         

e.mail : maheriyachandu@gmail.com

સૌજન્ય : ‘આર્થિક અસમાનતા’, “દિવ્ય ભાસ્કર”, 11 ફેબ્રુઆરી 2016 

Loading

નારી વાદ-વિવાદ નહિ પણ વિચાર

મેઘા જોશી|Opinion - Opinion|10 February 2016

તાજેતરમાં જ 21જાન્યુઆરીથી 25 જાન્યુઆરી દરમ્યાન જયપુર લિટરેચર ફેસ્ટિવલમાં કી નોટ સ્પીકર વિશ્વ પ્રસિદ્ધ કવયિત્રી અને લેખિકા માર્ગારેટ એટવૂડ કહે છે, "ફેમિનીઝમનો ખરો અર્થ જ્યાં સુધી જાણીએ નહિ ત્યાં સુધી હું ફેમિનીસ્ટ હોવાનો દાવો નથી કરતી અથવા મારી જાતને ફેમિનીસ્ટ નથી ગણાવતી. કોઈ સ્ત્રી પુરુષને ધક્કો મારે એ અર્થ હોય તો હું એવી નારીવાદી નથી. જો તમે એમ કહેતા હોય કે સ્ત્રી માણસ પણ છે, તો હા હું નારીવાદી છું. આ એક શબ્દ સાથે વ્યક્તિ વ્યક્તિ એ અર્થ અને જોડાણ બદલાય છે. જ્યાં સમાન હક, સમાન તક, સમાન કાયદાની વાત છે ત્યાં મને ગણજો, બાકી સ્ત્રી પુરુષો કરતાં ચઢિયાતી જ છે, એવું સાબિત કરવામાં હું નથી માનતી.”

વર્ષોથી નારીવાદ વિષે લખાતું આવ્યું અને બોલાતું આવ્યું છે. છતા એમ કહી શકાય કે સૌથી વધુ વપરાતો આ શબ્દ સૌથી વધુ વાર અનર્થ અથવા અન્ય અર્થો સાથે જોડાતો ગયો છે. નારીવાદની પ્રણેતા અને પ્રથમ ફેમિનીસ્ટ મનાતી સિમોન દ બુઆએ 1949માં "ધ સેકંડ સેક્સ” પુસ્તકમાં તત્કાલીન નારીવાદ અને અસ્તિત્વવાદ વિષે લખ્યું. પુરુષ સમાજે સ્ત્રીને સમજવાને બદલે "મિસ્ટ્રી “ગણાવી. તેને હંમેશાં “અન્ય" બનાવી દીધી છે. સિમોન પહેલાં, 1792માં, અંગ્રેજ લેખિકા અને પત્રકાર મેરી વોલ્સ્ટોન ક્રાફ્ટે તેમનાં પુસ્તક "અ વિન્ડીકેશન ઓફ રાઈટસ ઓફ વુમન"માં સ્ત્રીની પરવશતા અને પરિસ્થિતિની ચર્ચા કરી, તેને અભ્યાસની સમાન તક મળવી જોઈએની હિમાયત કરી. દરેક સમયગાળામાં નારીવાદ વિષે વિચારો અને તેનું લખાણ પ્રકાશિત થયું. સમાજની માનસિકતા બદલવા માટે અને વૈચારિક ક્રાંતિ માટે જે તે સમયના લેખકોએ પોતાનું યોગદાન આપ્યું. ભારતમાં પણ ટાગોર, કામિની રોય જેવાં લેખક અને સમાજ સુધારકોએ આપણી સામાજિક પરિસ્થિતિને અનુલક્ષીને ફેમિનીઝમનો ખ્યાલ સ્પષ્ટ કર્યો. તે છતાં હજી આજે પણ ફેમિનીઝમ સાથે પુરુષના નાકના ટીચકાં ચઢે છે અને સ્ત્રીનું મગજ સાતમે આસમાને પહોંચે છે.

ફેમિનીઝમ નામનો આ શબ્દ અને વિચાર માત્ર વિરોધ પ્રદર્શિત કરવા માટે વપરાતો ગયો. સમાજમાં સ્ત્રીને સહન કરવી પડતી દરેક મુસીબતની જડ માત્ર પુરુષ જ હોય તેમ પુરુષનો વિરોધ કરવો અથવા તે કરે તે બધું જ કરવાનો પ્રયત્ન કરવો, જ્યાં અને જયારે જે કામ માટે કે જે વિચાર માટે સામે પક્ષે “ના" આવે તેને તો ખાસ કરવી. ઘટનાનું મૂળ જાણ્યાં વગર જ્યારે કોઈ પણ સ્ત્રીને સામાજિક સમસ્યા નડે ત્યારે "હમારી માંગે પૂરી કરો "ની જેમ ધરણા કરવા કે દરેક પ્રતિકૂળ પરિસ્થિતિને શોષણનું નામ આપવું એ નારીવાદ નથી જ. સ્ત્રીત્વ એ ઝંડા ફરકાવીને કે વિરોધ પ્રદર્શન કરીને સાબિત કરવાની વસ્તુ કે વિચાર નથી. ખરેખર તો એ લખવાનો વિષય રાખવો પડે છે એ જ પીડા છે. એક સ્ત્રીને માણસ સમજવું, સામાજિક અને બૌધિક સ્તરે એકસરખું માનવું એ ફેમિનીઝમની મુખ્ય વ્યાખ્યામાં આવી શકે. દરેક સ્ત્રીને સમાન સામાજિક હક મળે તે મુખ્ય હેતુ છે.

હજી મેટરનિટી લીવ માટે કે બાળકને ફિડીંગ આપવા બાબતે પણ સ્ત્રી એ અવરોધનો સામનો કરવો પડે છે. હજી આજે પણ એણે સેકન્ડ જેન્ડર હોવાને કારણે સમાજમાં એક પગથિયે નીચે ઊભા રહેવું પડે. એ સ્ત્રી છે આથી તેને સમજણ ના પડે કે અગત્યના નિર્ણયમાં એને બોલવાની તક ના મળે. એને બૈરું કહીને બેસાડી દેવામાં આવે ત્યારે મક્કમ રહીને વિરોધ કરવો પડે. વૈચારિક અને બૌદ્ધિક સ્વતંત્રતા જાતે લેતા શીખવું પડે. પોતાના જ ઘરના પુરુષોની બીક રાખીને સહેમીને અજંપા કે રોષ સાથે જીવવાનો અર્થ નથી. પુરુષ માટે ગણાતા વ્યવસાયમાં દાખલ થવું કે બળાત્કારનો ભોગ બનેલી પીડિતા માટે ભાષણ ઠોક્વાને બદલે પોતાના જ વાતાવરણમાં હાવભાવ, વર્તન, ભાષા દ્વારા પૂરેપૂરા આત્મવિશ્વાસ સાથે પોતાનો વિચાર કહેવો, વહેતો કરવો અને તેનું અમલીકરણ કરો તો નારીનો વાદ કે વિવાદ નહિ નારીચેતનાના પાયા નંખાઈ શકે.

ફેમિનીઝમ એટલે કે નારીવાદની તરફેણ અને વકીલાત કરવાને બદલે કે તે માટે વિવાદ કરવાને બદલે નારી-ચેતનાની વાત થાય તે જરૂરી છે.

સૌજન્ય : ‘વુમનોલોજી’ નામે લેખિકાની કોલમ, ‘મધુરિમા’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”, 08 ફેબ્રુઆરી 2016

https://www.facebook.com/meghanimesh/posts/10205936005612587

Loading

‘સ્વચ્છ ભારત’ માટે કરાયેલો ઐતિહાસિક ‘કોરસપોન્ડન્ટ કોર્સ’

વિશાલ શાહ|Opinion - Opinion|9 February 2016

લંડનમાં પ્રતિ એકર ૪૧ લોકો રહે છે, બોમ્બેમાં ૫૨, અમદાવાદ શહેરમાં ૮૩, પણ ચારે ય તરફ દીવાલો ધરાવતા નાનકડા સરસપુર ગામમાં પ્રતિ એકર ૯૯.૯ લોકો રહે છે. અમદાવાદના એક ભાગમાં તો પ્રતિ એકર ૧૧૪ લોકો રહે છે. અહીં ૭૦ ટકા વસતી હિંદુ, ૨૦ ટકા મુહમ્મદો અને દસ ટકા બૌદ્ધોની છે. જો કે, આશરે ૧,૧૨,૦૦૦ની વસતીએ ખ્રિસ્તીઓની વસતી કેટલી છે? આ ખ્રિસ્તી શાસકોની સંખ્યા નહીંવત બરાબર એટલે કે માત્ર ૨૬૪ છે.

વસતીની ગીચતા અને સ્વચ્છતાની વાત સમજાવવા ફ્લોરેન્સ નાઇટિંગલે જુલાઈ ૧૮૭૯માં 'એ મિશનરી હેલ્થ ઓફિસર ઈન ઇન્ડિયા' નામના લેખમાં અમદાવાદના સરસપુર વિસ્તારની વસતીના આંકડા ટાંક્યા હતાં. એટલે કે, અમદાવાદના પહેલા મેયર રણછોડલાલ છોટાલાલની કામગીરી વખાણવા લખેલા પત્રના આશરે દસ વર્ષ પહેલાં નાઇટિંગલ પાસે આ માહિતી હતી. આટલાં વર્ષો પહેલાં ભારતના જાહેર આરોગ્યથી લઈને સ્વચ્છતાના પ્રશ્નો ઉકેલવા નાઇટિંગલે કેવી ઝીણી ઝીણી વિગતો ભેગી કરી હતી તેનું આ નાનકડું ઉદાહરણ છે. આટલું નોંધીને નાઇટિંગલ અમદાવાદના 'ખાળકૂવા'ની મુશ્કેલીઓની વાત સમજાવે છે.

નાઇટિંગલે લખ્યું છે કે, ''આ ખાળકૂવા શું છે? બદલો લેવા આવેલા કોઈ દેવદૂત? હિંદુ દેવી? કોઈ કુદરતી શક્તિ? આ ત્રણ ફૂટ વ્યાસ ધરાવતો વીસેક ફૂટ ઊંડો ખાડો હોય છે, જે જમીનની નીચે મળનો નિકાલ કરવા ઘરની બાજુમાં ખોદાયો હોય છે. ૩૦ કે ૪૦ વર્ષમાં આ ખાડાની એકાદ વાર સફાઈ થાય છે. તેના લીધે આખા શહેરના કૂવાનું પાણી ખૂબ જ ગંદુ થઈ ગયું છે. આપણને એ સાંભળીને આશ્ચર્ય ના થવું જોઈએ, થોડું હકારાત્મક રીતે, કે આ પાણીનો બગીચા માટે ઉપયોગ નથી થતો, એ પાણીથી ફૂલો નાશ પામે છે. શું આ પાણીથી બાળકો ના મરી જાય? …'' આ લેખમાં અમદાવાદમાં ફેલાયેલા રોગચાળાને 'દેવી પ્રકોપ' સાથે જોડી દેવાયો હતો એનો પણ ઉલ્લેખ મળે છે.

નાઇટિંગલની મુખ્ય ચિંતા એ હતી કે, બ્રિટિશ પ્રેસિડેન્સી હેઠળ બોમ્બે પછી સૌથી મોટું શહેર અમદાવાદ હોવા છતાં ત્યાં તાવના કારણે આટલા બધા લોકોનાં મૃત્યુ કેમ થાય છે? બોમ્બે મહાકાય શહેર હોવા છતાં તાવના કારણે ત્રણ ગણા ઓછાં મૃત્યુ થતાં હતાં, પરંતુ અમદાવાદમાં દર હજારે ૪૬ લોકો પાણીજન્ય રોગોથી કમોતે મરી જતા હતા. નાઇટિંગલનાં લખાણોમાં જાહેર આરોગ્ય અને સ્વચ્છતાના પ્રશ્નોની સાથે સાથે ગરીબો-નિરક્ષરો-વંચિતો માટેની નિસબત ઊડીને આંખે વળગે છે. જેમ કે, બે ભાગમાં લખાયેલા આ અત્યંત લાંબા લેખમાં નાઇટિંગલે નોંધ્યું છે કે, ''અમદાવાદમાં એક જૂની કહેવત છે. અમદાવાદ ત્રણ તાંતણે લટકી રહ્યું છે, એક કપાસ, બીજું રેશમ અને ત્રીજું સોનું. એટલે કે, અમદાવાદ આ ત્રણેયના વેપારમાં સ્વનિર્ભર છે. અફસોસ કે, ગરીબ વણકરોના ભોગે! આ તાંતણાની મદદથી તેમનું નસીબ તેમના મગજમાં નહીં પણ તેમના પગના તળિયાની નીચે લટકી રહ્યું છે …''

ભારતમાં મોટા ભાગના લોકો દેવાના બોજ તળે દટાયેલા છે અને જમીનદારો ગરીબોને ઊંચા વ્યાજે પૈસા ધીરે છે, એ વિશે પણ નાઇટિંગલે જબરદસ્ત વિગતો ભેગી કરી હતી. આ વિગતો ટાંકીને તેમણે લાગતા-વળગતા લોકોને સરકારી લોનને પ્રોત્સાહન આપી વ્યાજખોરીનું દૂષણ બંધ કરાવવા પણ અપીલ કરી હતી. આવાં લખાણો વાંચીને આપણે અંદાજ લગાવી શકીએ છીએ કે, નાઇટિંગલે ભારત વિશે કેવી માહિતી ભેગી કરી હશે! અહીં અમદાવાદનું ઉદાહરણ આપીને તેમના કામનું મૂલ્યાંકન કરવાનો પ્રયાસ કરાયો છે, પરંતુ તેમણે ભારતના સ્વચ્છતા અને જાહેર આરોગ્યના પ્રશ્નો સમજવા જે તે શહેર-નગરોના જાતિ આધારિત વસતીના આંકડા, રીતિરિવાજો, પરંપરા, પ્રજાની આદતો-કુટેવો, મ્યુિનસિપાલિટીઓનું કામકાજ, ભારતીય અને બ્રિટિશ સરકારી અધિકારીઓનું વલણ તેમજ સ્થાનિક સંસ્કૃિત વિશે અત્યંત ઊંડી માહિતી મેળવી હતી.

ભારતને સમજવા નાઇટિંગલે ડિસેમ્બર ૧૮૫૭થી સખત વાંચન શરૂ કર્યું હતું. આ દરમિયાન તેમણે ભારતમાં જાહેર આરોગ્ય અને સ્વચ્છતા માટે રચાયેલા રોયલ કમિશનમાં ભારતીયોની ચિંતા કરે એવા જવાબદાર સભ્યોની નિયુક્તિ માટે સઘન પ્રયાસ કર્યા હતા. નાઇટિંગલે બ્રિટિશ રાજને અપીલ કરી હતી કે, તમારે રાજકારણ સિવાયના અત્યંત મહત્ત્વના કહી શકાય એવા જાહેર આરોગ્ય અને સ્વચ્છતા, દુકાળ-પૂર જેવી કુદરતી આફતોમાં રાહત કાર્યો, રોગચાળો, જેલોની સ્થિતિ, નર્સોને યોગ્ય તાલીમ, નર્સિંગ કોલેજો અને લોક ભાગીદારીના પ્રશ્નોમાં પણ રસ લેવો જોઈએ. આ માટે તેમણે વાઇસરોય, ભારતના વહીવટમાં સામેલ ઉચ્ચ બ્રિટિશ અને ભારતીય અધિકારીઓ, રાજકારણીઓ સાથે પત્રવ્યવહાર કરીને ગાઢ સંપર્ક બનાવ્યા હતા. સખત પત્રવ્યવહાર કરવા પાછળ નાઇટિંગલનો એકમાત્ર હેતુ ભારત વિશે માહિતી મેળવીને તેના ઉકેલ શોધવાનો હતો.

આ વિશિષ્ટ પ્રકારનો 'કોરસપોન્ડન્ટ કોર્સ' ચાલુ કર્યાનાં સાત જ વર્ષ પછી ૧૮૬૪માં નાઇટિંગલે 'સજેશન્સ ઈન રિગાર્ડ ટુ સેનિટરી વર્ક્સ રિક્વાયર્ડ ફોર ઈમ્પ્રુિવંગ ઈઇન્ડિયન સ્ટેશન્સ' શીર્ષક હેઠળ લખાયેલા પેપરમાં શહેરોને સ્વચ્છ કરવા ઊંડા ટેકનિકલ સૂચન કર્યાં હતાં. તેમાં ગટરોની ડિઝાઈન, ઢાંકણાં, ખાળમોરીઓ, ગંદવાડનો નિકાલ કરતી પાઈપો, જુદી જુદી ગટરોમાં ઉપયોગમાં લેવાતી ટાઈલ્સનું માપ અને તેનો આકાર, ગટર સિસ્ટમની ડિઝાઈન અને ગંદકીનો નિકાલ ક્યાં-કેવી રીતે થવો જોઈએ એની ચિત્રો સાથેની સમજૂતી અપાઈ છે. જો કે, આ પેપરમાં રોયલ કમિશનના કેટલાક અધિકારીઓ સાથે નાઇટિંગલના હસ્તાક્ષર નથી, પરંતુ તેમણે ભારતમાં અનેક લોકોને સ્વખર્ચે તેની નકલો મોકલી હતી, એના પુરાવા મોજુદ છે. 

નાઇટિંગલે વર્ષ ૧૮૯૩થી ૧૮૯૬ વચ્ચે 'હેલ્થ લેક્ચર્સ ફોર ઇન્ડિયન વિલેજીસ' અને 'હેલ્થ મિશનરીઝ ફોર રૂરલ ઇન્ડિયા' નામના પેપર પણ રજૂ કર્યાં હતાં. આ પેપર્સ તૈયાર કરવા તેમણે ભારતમાં નિયુક્ત સ્કોટલેન્ડના ઉચ્ચ સરકારી અધિકારી વિલિયમ વેડરબર્ન તેમ જ સમાજસુધાર-પત્રકાર બહેરામજી મલબારી પાસેથી માહિતી મેળવી હતી. નાઇટિંગલે ગોપાલકૃષ્ણ ગોખલે, દિનશા વાચ્છા અને આગા ખાન જેવા રાજકારણીઓ સાથે પણ પત્રવ્યવહાર કરીને વિશિષ્ટ સંબંધ વિકસાવ્યો હતો. ફક્ત પત્રવ્યવહાર કરીને તેઓ વર્ષ ૧૮૯૭-૯૮ સુધી ઇન્ડિયન સેનિટરી પેપર્સ મંગાવી શક્યાં હતાં, જેનો હેતુ અભ્યાસ કરીને સ્વચ્છતાના પ્રશ્નોનો કાયમી ઉપાય શોધવાનો હતો.

નાઇટિંગલે ૨૦મી ઓગસ્ટ, ૧૮૯૪ના રોજ હંગેરીના બુડાપેસ્ટમાં યોજાયેલી આઠમી 'ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓફ હાઇજિન એન્ડ ડેમોગ્રાફી'માં 'વિલેજ સેનિટેશન ઓફ ઇન્ડિયા' નામનું પેપર રજૂ કર્યું હતું. આ પેપરમાં તેમણે મહિલાઓનાં આરોગ્યની સ્થિતિનો અભ્યાસ કરીને મહિલા નર્સિંગ કોલેજો અને નર્સોને તબીબો જેવી વિશિષ્ટ તાલીમની હિમાયત કરી હતી કારણ કે, તેઓ જાણતાં હતાં કે ભારતમાં લાખો હિંદુ અને મુહમ્મદ (મુસ્લિમ માટે નાઇટિંગલ મુહમ્મદ શબ્દનો ઉપયોગ કરતાં) સ્ત્રીઓ પરદામાં રહેતી હોવાથી પુરુષ તબીબ પાસે જવાનું ટાળે છે. તેઓ માનતાં હતાં કે, ભારતમાં સ્વચ્છતા અને જાહેર આરોગ્યના પ્રશ્નો ઉકેલવા સ્ત્રીઓની સક્રિય ભાગીદારીની જરૂર છે.

'ઇન્ડિયન ઓપિનિયન'માં ગાંધીજીએ નાઇટિંગલ વિશે લખ્યું હતું કે, ''જ્યાં આવી સ્ત્રીઓ જન્મ લેતી હોય એ દેશ સમૃદ્ધ હોય એમાં આશ્ચર્ય ના થવું જોઈએ. ઇંગ્લેન્ડ તેની લશ્કરી તાકાતના કારણે નહીં પણ આવાં પુરુષો-સ્ત્રીઓની પ્રશંસનીય કામગીરીના કારણે વિશાળ પ્રદેશો પર રાજ કરે છે…'' 'ઇન્ડિયન ઓપિનિયન'માં નાઇટિંગલના ત્યાગ અને ચત્કારિક રીતે મૃત્યુદર ઘટાડયો એ વિશે ગાંધીજીએ કરેલા ઉલ્લેખો મળે છે. રસપ્રદ વાત એ છે કે, વર્ષ ૧૮૭૯ના સંખ્યાબંધ લેખોમાં નાઇટિંગલે મીઠા પરના લદાયેલા ૪૦ ટકા વેરાનો સખત વિરોધ કર્યો હતો.

ભારતમાં ગાંધીજીના સમગ્ર જીવનને આવરી લેતું 'કલેક્ટેડ વર્ક્સ ઓફ ગાંધી'નું કામ થયું છે, એવી જ રીતે કેનેડાના મહિલા પ્રોફેસર લિન મેક્ડોનાલ્ડની આગેવાનીમાં 'કલેક્ટેડ વર્ક્સ ઓફ ફ્લોરેન્સ નાઇટિંગલ'ના ૧૬ દળદાર ગ્રંથો તૈયાર થયા છે. આ ગ્રંથોમાં નાઇટિંગલના પ્રકાશિત-અપ્રકાશિત તમામ પત્રો, પેપર્સ, લેખો, ચર્ચાપત્રો (લેટર્સ ટુ એડિટર) તેમ જ બ્રિટિશ સરકાર અને રોયલ કમિશન સાથેના સંપૂર્ણ પત્રવ્યવહારને સમાવી લેવાયો છે. આ ૧૬ પૈકી નવમા અને દસમા ભાગમાં નાઇટિંગલે ચાર દાયકા સુધી ભારત પર કેવી રીતે ધ્યાન કેન્દ્રિત કર્યું હતું એની આશ્ચર્યજનક માહિતી મળે છે. નવમા ભાગનું નામ છે, 'ફ્લોરેન્સ નાઇટિંગલ ઓન હેલ્થ ઈન ઇન્ડિયા' અને દસમા ભાગનું નામ છે, 'ફ્લોરેન્સ નાઇટિંગલ ઓન સોશિયલ ચેન્જ ઈન ઇન્ડિયા'. આ બંને ગ્રંથમાં સમાવેલી માહિતી આજે ય પ્રસ્તુત અને ઉપયોગી છે.

ફ્લોરેન્સ નાઇટિંગલનો જન્મ ૧૨મી મે, ૧૮૨૦માં થયો હતો. વિશ્વભરમાં આ દિવસ આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ તરીકે ઊજવાય છે. આ દિવસે ભારત સરકાર નર્સિંગમાં ઉત્કૃષ્ટ પ્રદાન બદલ 'નેશનલ ફ્લોરેન્સ નાઇટિંગલ એવોર્ડ આપે છે. કદાચ આ કારણોસર નાઇટિંગલ આજે ય ભારતમાં 'પેલા અંગ્રેજ નર્સ' તરીકે થોડાં ઘણાં જાણીતાં છે કારણ કે, નર્સિંગ રિફોર્મ્સ સિવાય તેમણે શું કર્યું એ હજુયે લોકો સુધી પહોંચ્યું નથી.

e.mail : vishnubharatiya@gmail.com

Loading

...102030...3,6683,6693,6703,671...3,6803,6903,700...

Search by

Opinion

  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved