Opinion Magazine
Number of visits: 9552872
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કોણ સંસ્કૃત?

આશા બૂચ|Opinion - Opinion|8 December 2015

આજકાલ ‘સંસ્કૃિત’ શબ્દ અનેક સંદર્ભમાં છૂટથી વપરાતો અને ચર્ચાતો જોવા મળે છે. પોતાના જ દેશમાં જન્મીને ઉછરેલા લોકો પોતાની નવી પેઢીના સંતાનો ‘અમારી સંસ્કૃિત આ નવી પેઢી નથી જાળવતી’ તેવી હૈયા વરાળ કાઢતાં હોય છે, વિદેશમાં જઈને તંબુ તાણીને રહેલી પ્રજા તો સતત ‘હાય અમારી સંસ્કૃિત તો સાવ ભુલાતી જાય છે’ તેવું અરણ્ય રુદન સતત કરતાં સંભળાય છે અને એ બધું જાણે પૂરતું ન હોય તેમ ઘણા દેશોની આંતરિક સમસ્યાઓ અને આંતરરાષ્ટ્રીય સંઘર્ષો માટે પણ વિવિધ સંસ્કૃિતઓ વચ્ચેના તફાવત અને વિરોધાભાસોને જવાબદાર ગણવાનું વલણ જોર પકડતું જાય છે. છેલ્લા ત્રણ-ચાર દાયકાઓથી વકરેલ આતંકવાદ ‘અમારી ધાર્મિક માન્યતાઓ, અમારા સામાજિક મૂલ્યો અને સંસ્કૃિત પર આક્રમણ થાય છે, તેના પર ખતરો પેદા થયો છે માટે જેઓ અમારા પંથના નથી તેમનો સર્વનાશ કરો’ એવી વિકૃત વિચારધારા પર ચણાયેલો જોવા મળે છે. અને એ વિફરેલ આતંકવાદને ડામવા કેસરિયા કરી નીકળી પડેલા તેમનાથી વિશેષ જોરથી સાંપ્રદાયિકતનો દંડ લઈને વાર કરે છે. સવાલ એ થાય કે તો આ ‘સંસ્કૃિત’ની વિભાવના શી ચીજ છે?

આ મુદ્દા પર સ્વ. મનુભાઈ પંચોળીએ એક સુંદર નોંધ કરેલી વાંચવામાં આવેલી. તેમણે કહ્યું છે કે વિલાયતના એક વિચારકના મતે અન્ય જીવ સૃષ્ટિ કરતાં માનવી ત્રણ બાબતે વિશિષ્ટતા ધરાવે છે: 1) કાર્યકારણ બુદ્ધિ, 2) સૌન્દર્યાભિમુખતા, અને 3) નીતિ વિષે અંતરનો અવાજ. જગતની કોઈ પ્રાણી સૃષ્ટિ પાસે આ ત્રણ શક્તિઓ નથી જે મનુષ્ય પાસે છે અને તેથી જ તેની પાસે સંસ્કૃિત છે, તે ‘સંસ્કૃત’ છે તેમ કહી શકાય અને આ ત્રણ લાક્ષણિકતાઓથી તે પ્રાણી, પક્ષી, જંતુઓથી અળગો તરી આવે તે સમજાય તેવું છે.

હવે જો આ ત્રણ લાક્ષણિકતાઓને સંસ્કૃત હોવાનું માપદંડ ગણીએ તો ગોરા કે કાળા, ક્રિશ્ચિયન કે મુસ્લિમ, હિંદુ કે સીખ, પશ્ચિમી દેશોના રહીશ કે પૂર્વીય દેશોના રહેવાસીઓ, શહેરી કે આદિવાસીઓ, ભણેલા કે અભણ, ગરીબ કે તવંગર, ઉત્તર ગોળાર્ધમાં રહેનારા કે દક્ષિણ ગોળાર્ધના રહેવાસીઓ એ બધા જૂથોમાંથી કોણ વધુ કાર્યકારણ બુદ્ધિ, સૌન્દર્યાભિમુખતા અને નીતિ વિષે અંતરનો અવાજ ધરાવે છે અને પરિણામે કોણ વધુ સુસંસ્કૃત છે એ કહી શકાય ખરું? સંસ્કૃત હોવાના આ માપદંડમાં સાક્ષર હોવું, અમુક ધાર્મિક પંથના હોવું કે ભૌતિક સુખના સાધનોના માલિક હોવાનું જરૂરી નથી મનાયું. છતાં દુનિયા કેમ આજે અમુક ધર્મના અનુયાયીઓને, વિશિષ્ટ પ્રકારનું શિક્ષણ પામેલાને અને ધનવાન લોકોને જ ‘સંસ્કૃત’ ગણે છે?

હાથી અને વ્હેલ જેવાં પ્રાણીઓ કદમાં માનવીથી અનેક ગણાં મોટાં છે તો વળી કીડી જેવાં જંતુઓ સામાજિક રચનામાં માનવ સમાજ રચના કરતાં વધુ વ્યવસ્થા ધરાવતા માલુમ પડ્યા છે પરંતુ બુદ્ધિ પૂર્વક કાર્ય-કારણનો વિચાર કરીને નિર્ણય લેવો, સૌન્દર્ય દ્રષ્ટિને મધ્ય નજર રાખી વ્યક્તિગત અને જાહેર જીવનનું આયોજન કરવું અને નૈતિક મૂલ્યોને જીવનમાં વણી લેવા એ માત્ર માનવ જાત માટે જ શક્ય છે. ઈશ્વરદત્ત આ બક્ષિસનો આપણે સદ્દઉપયોગ કરીએ છીએ ખરા? આધુનિક અર્થ વ્યવસ્થાને પરિણામે ઉત્પન્ન થયેલી આર્થિક અને સામાજિક અસમાનતા આપણી કાર્ય-કારણની સમજણની ઉણપ ઉઘાડી પાડે છે. પ્રાકૃતિક સ્રોતોનો કરોડો હાથ વડે થતો ઉપભોગ માનવ જાતની સૌન્દર્ય પીપાસાનું લીલામ થઈ ગયાનું અને જરૂરિયાતોને અતિક્રમી જવાની તેની લોભી વૃત્તિનું પ્રમાણ છે. વિશ્વ ભરમાં ઉઘાડે છોગ અને બંધ બારણે થતા શત વિધ પ્રકારના અન્યાયો અને ફલસ્વરૂપ આચરવામાં આવતી હિંસા સાબિત કરે છે કે મહા મહેનતે મળતો માનવ અવતાર નીતિ અને ધર્મ ભાવનાથી યોજનો દૂર જવાને પરિણામે એળે જતો હોય તેમ ભાસે છે. શું આજે આપણે દાવો કરી શકીએ કે હા, માનવ જાત ઉપરોક્ત ત્રણ લાક્ષણિકતાઓ ધરાવે છે અને તે ખરા અર્થમાં સુસંસ્કૃત છે?

પેરિસમાં તાજેતરમાં પર્યાવરણ સમિટ મળી, જે વર્ષોવર્ષ મળે છે, કેટલાક નિર્ણયો લેવાય છે અને નીર્ધારેલ સમયે પ્રદૂષણ ઓછું કરવાના પ્રયત્નોમાં નિષ્ફળ જવાના કારણો માટે પોતાના સિવાયના અન્ય દેશોને જવાબદાર ઠેરવીને રાજકારણીઓ અને તેમના દેશના પ્રજાજનો ફરી એવી જ ભુખાળવી જીવન પદ્ધતિમાં જોતરાઈ જતા જોઈએ છીએ.

‘ભોમિયા વિનાના મારે ભમવાતા ડુંગરા’ એ કાવ્ય ઝરણાને કિનારે પાણી પીતાં હરણાં ન લખી શકે, એ વરદાન માત્ર માનવીને જ મળ્યું છે, તો એ ઝરણાં વહેતાં રહે એ ફરજ પણ તેની જ છે, નહીં તો તેને સંસ્કૃત કેમ કહેવો? પશુ-પક્ષી પોતાનું ઉદર પોષણ કરવા અને પોતાનાં બચ્ચાંને ઉછેરવા ખોરાક લાવે અને થોડો સંગ્રહે તે જોયું છે પણ તેનામાં પોતાની કે અન્ય જાતિના પશુ-પક્ષીને ભૂખે મરતાં હોય તો પણ ભાગ પાડીને આપવાની ક્ષમતા નથી, એ નૈતિક ભાન તો માનવીને જ હોય છે. એટલે જો માણસ પોતાને જરૂરી હોય તે કરતાં વધુ ખોરાકના જથ્થાનો સંગ્રહ કરે, વધુ પડતો ભાવ લઈને વેંચે, તેના કાળા બજાર કરે અને પોતાનાં જ ભાંડરૂ ભૂખ્યાં હોય છતાં અનાજનો વ્યય કરે તો તેને સંસ્કારી કેમ ગણવો?

આપણા શાસ્ત્રમાં લખ્યું છે:

આહારનિદ્રાભય મૈથુનમ ચ સામાન્યમેતત પશુભિર્ન્રાણામ
ધર્મો હિ તેષાં અધિકો મતો મે ધર્મેણ હીના: પશુભિ: સમાના

આહાર નિદ્રા અને મૈથુનને અંકુશમાં રાખવાની શક્તિ એ જ માનવીને પશુથી અલગ પાડનારું તત્ત્વ છે, એ જ ધર્મનો બોધ છે અને ધર્મ પાલન વિનાનો મનુષ્ય પશુ સમાન છે. જ્યારે આજે તો વધુ પડતો આહાર આરોગનારો અથવા વ્યય કરનારો, અનિયમિત નિદ્રા લેનારો અને નિરંકુશ મૈથુનમાં રાચનારો, પોતાના અંતરનો અવાજ ન સંભળાય તેટલાં ઉપકરણો વસાવનાર આદમી ઊંચા વર્ગનો, આદરણીય અને સંસ્કૃત ગણાય છે. લોકો સ્થાપિત ધાર્મિક ક્રિયાકાંડથી દૂર જાય તેની એટલી ચિંતા નથી જેટલી એ નૈતિક મૂલ્યોથી વેગળો થઈ રહ્યો છે તેની છે.

આપણા શાણા પૂર્વજોએ એમ પણ કહ્યું છે:

વિદ્યા વિવાદાય ધનમ મદાય શક્તિ: પરેશાં પરિપીડનાય
ખલસ્ય સાધોર્વિપરીત મેતત જ્ઞાનય દાનાય ચ રક્ષણાય

આપણે સંસ્કૃત છીએ એ સાબિત કરવું હોય તો વિદ્યાવાન બનીને બીજાને જ્ઞાન આપીએ, ધનવાન બનીને ધનનું છુટ્ટે હાથે દાન કરીએ અને બળવાન બનીએ તો નિર્બળનું રક્ષણ કરીએ; અને તો જ રામના સાચા અનુયાયી ઠરીએ નહીં તો રાવણના વંશ જ કહેવાઈએ. જે ઉપરોક્ત શ્લોકનો અમલ કરીને જીવે તે સંસ્કૃત, ન કરે તે લગીરે સંસ્કૃત ન કહેવાય.

આજે જાણે દુનિયાના તમામ દેશો પોતાને આધુનિક, સહિષ્ણુ, ઉદારમતવાદી અને સર્વસમાવેશી ગણાવવાની હોડમાં પડ્યા છે, ત્યારે ભારત પણ કેમ પાછળ રહે? ભારતની પુરાતન સંસ્કૃિત વિષે પુરાતત્વીય શોધને આધારે વ્યવસ્થિત ગ્રથિત માહિતી હજુ જોઈએ તેટલી ઉપલબ્ધ નથી પરંતુ આપણાં શિલ્પ-સ્થાપત્ય અને ચિત્રકલામાં સંસ્કૃિતના દર્શન થાય છે, એ સાહિત્ય, નાટ્ય, સંગીત, નૃત્યમાં ધબકે છે અને લોકકળાઓમાં શ્વસે છે. ભારતની યુવા શક્તિ આજે ટેકનોલોજી ક્ષેત્રે અપરાજિત ભાસે છે તો તેનો સદુપયોગ કરી ગુજરાતની વાત કરીએ તો જેસલ-તોરલની સમાધિ, તાનારીરીનું સ્મારક, નરસિંહ મહેતાનો ચોરો અને કીર્તિમંદિર અને દેશ આખામાં પથરાયેલ તેના જેવાં અસંખ્ય ઐતિહાસિક મહત્ત્વ ધરાવતાં સ્થળો વિષે પૂરતી માહિતી એકઠી કરી વિવિધ ભાષાઓમાં ઉપલબ્ધ કરી, તેની જાળવણી કરી, એવા સ્થળોએ જવાની અને રહેવાની સુવિધાઓ કરી અને તેને અનુલક્ષીને આગવા ઉત્સવો ઉજવીને તેને ચિરંજીવ બનાવવાનું બીડું ઝડપવું જોઈએ. જો કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં પ્રવાસન વિભાગે એ દિશામાં પ્રશંસનીય કામ કર્યાનું જાણમાં આવ્યું છે. એક બાજુ મોટા ભાગના ધર્મના પ્રચારકો પરલોકની વાતો કરે, સ્વર્ગમાં સ્થાન મેળવવા પુણ્ય કમાવાના રસ્તા બતાવે છે પણ આ લોકનાં વંદનીય તેમ જ સામાન્ય જન જીવનની તવારીખો ન સચવાય તો સૌને પોતપોતાની અને અન્યની સંસ્કૃિતની મહાનતાનો સાક્ષત્કાર કેવી રીતે થાય?

એક એવી માન્યતા છે કે વેદ સમયના ઋષિઓ માત્ર વેદ રચના કરતા, પરંતુ હકીકત એ છે કે તેઓ ખેતર ખેડતા અને રાજ્ય કરતા અને એટલે લડતા પણ ખરા પણ સાથે જ પરમ સત્યની શોધ પણ કરતા, જેની ગાથા સુંદર છંદોમાં કરી. ભારતીય સંસ્કૃિત અનેક હાથ વડે ઘડાયેલી છે, કોઈ એક વિરાટ માનવે વામણા અને અજ્ઞાન લોકો માટે બનાવેલ કોઈ યોજના નથી. સનાતન ધર્મના ઉદ્દભવ સમયે કોઈ મંદિર નહોતાં, મૂર્તિઓ નહોતી કે મૂર્તિ પૂજા ય નહોતી. કુદરતના સર્જનહાર અને તેની રચેલી તમામ પ્રકૃતિ એકબીજા સાથે સહયોગ યુક્ત સન્માનથી રહેતી, જરૂર પૂરતું લેતી અને તે બદલ કુદરતનો ઉપકાર માનવા વેદીમાં કુદરતે આપેલ સમિધો ‘ઈદમ ન મમ’ – આ મારું નથી એવા નિ:સ્વાર્થ ભાવે હોમતી.

ચાલો આપણે ફરી એ સમયમાં પાછા જઈએ. ખુલ્લા આકાશ નીચે જીવતા સહુ માનવો પોપોતાના કર્મ રૂપી ધર્મ બજાવી પોતપોતાનો યજ્ઞ કરી લે, કોઈ બ્રાહ્મણ-પુરોહિતની જરૂર નહીં કેમ કે સહુને યજ્ઞ ક્રિયાનું જ્ઞાન હશે. વેદકાળમાં એવી વ્યવસ્થા હતી કે જે ગાયો ચારે તે કાવ્યો પણ રચતાં, કાપડ વણે તે વેદ ઋચાઓ પણ ઉચ્ચારતા. આમ જો સમાજના બધા સભ્યો બધા પ્રકારનું કામ કરે તો એક વિશિષ્ટ સમૂહનો અમુક કાર્યો કરવા પરનો વિશેષાધિકાર ન રહે અને પરિણામે એક સમૂહ દ્વારા બીજા સમૂહના શોષણ થવાનો સવાલ જ ન રહે. પણ એવી સ્થિતિ લાવવા માટે દેશના તમામ નાગરિકોને ઉચ્ચ કક્ષાનું ઉત્તમ શિક્ષણ મળે તેવી સુવિધા કરવી જોઈએ અને દરેક વર્ગને વેઠમાંથી મુક્તિ મળે તેવી અર્થવ્યવસ્થા કરવી રહી. આમ બને તો જ સ્ત્રીઓ પણ સક્ષમ થાય. વેદ-ઉપનિષદ કાળમાં થઈ ગયેલી લોપામુદ્રા અને ગાર્ગી જેવી વિદુષીઓ એકાકી હતાં કે તે જમાનાનો તમામ સ્ત્રી વર્ગ સુશિક્ષિત હતો તેના તો કોઈ પુરાવા આપણી પાસે નથી, પણ આજે કોઈ એક મહિલા પોતાના રાજ્ય કે દેશના વડા બને, અવકાશમાં જાય કે કોઈ કંપનીમાં ઉચ્ચ પદ ભોગવે એવા 4% મહિલાઓની ઉન્નતિથી બાકીની 96% સ્ત્રીઓની દશાનું માપ કેમ નીકળે? જરૂર છે ઊભી દિશામાં થઈ રહેલા વિકાસને પ્રસરાવીને ક્ષિતિજની રેખાઓ સુધી ખેંચી જઈને વધુમાં વધુ માનવ સમૂહને સમાવવાનો, ત્યારે જ માનવ ખરો સંસ્કૃત કહેવાશે.  

સમયે સમયે માનવી સ્થળાંતર કરે, રાજાઓ પોતાના રાજ્ય વિસ્તારની પિપાસા છીપાવવા ચડાઈઓ કરે ત્યારે સ્થાનિક પ્રજાને મારીને સ્થાયી થતા તેનો ઇતિહાસ સાક્ષી છે. પણ એવા સામ્રાજ્ય વિસ્તાર માટેની ચડાઈઓ પછી બંને પ્રજાઓ અને રાજા-પ્રજા વચ્ચે સુમેળ અને સમાધાન ન સધાય તો રાજ્ય વહીવટ અને પ્રગતિ સાધવાનું અશક્ય બને તે પણ એટલું જ સાચું છે. આર્યો-અનાર્યો, યુરોપીયનો-નેટિવ અમેરિકાનો અને અંગ્રેજો-માઓરી વગેરે જેવી અનેક પ્રજા કેવી રીતે છેવટ સમાધાન સાધીને સાથે રહી તે તેના જ્વલંત ઉદાહરણો છે. સવાલ એ છે કે નાશવંત જાતિઓની સંસ્કૃિત જાણવાનું, જાળવવાનું અને તેનો પુનરુત્થાન કરવાનું કામ કોણ કરે? બહારથી આવેલી આક્રમક પ્રજાને પોતાની સત્તા ટકાવવા, પોતાની જીવન પદ્ધતિ બીજા પર ઠોકી બેસાડવામાં જ લાભ જણાય અને જે તે પ્રદેશની મૂળ પ્રજાને પોતાની સંસ્કૃિતના હ્રાસ લગીરે માન્ય ન હોય ના એમાંથી સંઘર્ષમય સ્થિતિ પેદા થાય એ સમજાય તેવું છે. અમેરિકામાં શ્વેત  અને અશ્વેત લોકો માટે પાણીના નળ જુદા હતા, તો ભારતમાં હજુ આજે પણ કેટલાંક ગામડાં ઓમાં સવર્ણ અને અછૂતો માટે જુદા કૂવા કે નળ પર પાણી ભરવાના સમય જુદા હોય છે. આવા ભેદભાવ દૂર કરવાનું ક્યારે શીખશું? જોવાનું એ છે કે સમયના વહેણ સાથે આર્ય-અનાર્યનું લોહી એક થઇ ગયું, તો હવે ધર્મના અને નાત-જાતના વાડા નડે છે. લોહી કે પાણીનો રંગ એક જ છે, માણસની આંખ અવળું જુએ છે. આપણે કહીએ છે કે ‘મારી સંસ્કૃિત મારા રગમાં – લોહીમાં છે’ સાથે એમ પણ માનીએ છીએ કે બીજાનું લોહી અશુદ્ધ છે, મારું શુદ્ધ છે, માટે મારી સંસ્કૃિત સાચવવા બીજા સાથે કોઈ પ્રકારનો વ્યવહાર ન કરવો એટલું જ નહીં, તેમને નિષ્કાસિત કરવા, જાનથી મારવા નહીં તો અમારી અશુદ્ધિ વધશે અને સંસ્કૃિત નહીં  બચે. ગજબ છે આ વિચાર (કે કુવિચાર?) પોતાની સંસ્કૃિત શુદ્ધ રાખવા બીજી સંસ્કૃિતના માનવોને મારવા એ સંસ્કૃત પગલું ગણાય? અરે કરુણતા તો એ વાતની છે કે આજે સામાન્ય માણસને આજે કઈ તારીખ છે કે કાલ શું કામ કરવાનું છે એ યાદ નથી રહેતું, પણ 1500 વર્ષ પહેલાં પોતાના ધર્મમાં થયેલ મતભેદોને આધારે આજે પણ એકબીજાને રહેંસી નાખવાનો ઉપક્રમ યાદ રહે છે, 150 કે 900 વર્ષ પહેલાં થયેલી લડાઈ કે આચરાયેલા દમનનું વેર કોઈ એક પ્રજાની સામૂહિક કતલ કરવાનું યાદ રહે છે. આ વર્તન કરનારને કઈ સંસ્કૃિતના સભ્યો કહીશું?

કેટલીક વાતો સમજવા જેવી છે જે આપણા સંત-મહંતોએ ગાઈ-વગાડીને કહી છે, અને તે એ કે જીવનમાં જન્મ મહત્ત્વનો નથી, કર્મ અને સંસ્કાર મહત્ત્વનાં છે. સંસ્કૃિત એ ખીલવવાની અને શીખવા-શીખવવાની ચીજ છે, બીજાની સંસ્કૃિતનો નાશ કરવાથી પોતાની પણ રસાતાળ જશે. અન્યની જીવન પદ્ધતિ કે વિચારધારાથી દોરાવાને બદલે કે તેનાથી દૂર ભાગવાને બદલે તેને સમજવાની કોશિશ  કરીએ, તેમાંથી જેટલું સારું લાગે તે ગ્રહણ કરીએ, બાકીનું તેમને માટે છોડી દઈએ. પોતાની અસ્મિતાનો લોપ કર્યા વિના દિલથી આપવું-લેવું તેનું નામ ‘સમન્વય’. વ્યક્તિગત, કૌટુંબિક અને સામાજિક સ્તરે જીવન જીવવા માટે શું મહત્ત્વનું, શું ગૌણ, કેટલું અંદરનું, કેટલું ઉપરછલ્લું અને શું શાશ્વત, શું ક્ષણિક છે તે વચ્ચેના ભેદ સમજાય તો ભયો ભયો. આવું જ્ઞાન લાધે તો માનવીય મૂલ્યો મહત્ત્વનાં અને અમુક પોષાક ગૌણ, ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા અંદરની બાબત અને પ્રાર્થના કરવાની રીત બહારની બાબત, સત્યમય જીવન એ શાશ્વત અને ભૌતિક સુખ એ ક્ષણિક છે, એમ સમજાઈ જશે અને તો આ બધા વાદ વિવાદ અને સંઘર્ષો ખત્મ થઈ જશે. આર્ય-અનાર્યના મિલન પછી સમાજમાં વ્યવસ્થા લાવવા ચાર વર્ણ થયા હશે. તે પહેલાંની ત્રીવર્ણીય પ્રથામાં નીચલા વર્ણને પોતાના કર્મને આધારે ઉચ્ચ શિક્ષણ મેળવી ઊંચી દિશામાં આગળ જવાની સગવડ હતી. મહાભારતના રચયિતા કૃષ્ણ દ્વૈપાયન – વ્યાસ શ્યામ હતા – એક માછી કન્યાના પુત્ર એ શું આપણે નથી જાણતા? રામાયણના કવિ કોળી જાતના અને ધંધે લુંટારા હતા વાલ્મીકિ, પણ તેમની મહાનતા તેમની મહાકાવ્યની રચનાને આભારી છે. આ બધું સૂચવે છે કે તે સમયની વર્ણ વ્યવસ્થા આજે છે તેવી સ્થગિત નહોતી. આજે કહેવાતા ભણેલા લોકોએ પોતાની જાતને પ્રશ્ન પૂછવા જેવો છે કે વ્યક્તિ અને સમષ્ટિની પ્રગતિ માટે જન્મ મહત્ત્વનો કે સંસ્કાર અને પુરુષાર્થ અગત્યનો?

હિંદુ ધર્મનાં શાસ્ત્રો, સંતોના કવનો અને ઉપદેશો માનવ માત્ર માટે ઉત્તમોત્તમ સંદેશથી ભરપૂર પડ્યાં છે:

“એકમ સત, વિપ્રા બહુધા વદન્તિ”

“એકો દેવ: કેશવો વા શિવો વા”

“ઘાટ ઘડિયા પછી નામ રૂપ ઝૂઝવાં, અંતે તો હેમનું હેમ હોયે”

ભારતીય પ્રજાને પોતાના દેશમાં રહેતા હોય કે વિદેશમાં, જો પોતાની જાતને ‘સંસ્કૃત’ કહેવડાવા હોય તો આ અને આવા ઉપદેશોનો શો અર્થ ઘટાવ્યો, તેને કેટલા પચાવ્યા અને તેમાંનું કેટલું અમલમાં મુક્યું એની જાત તપાસ કરવી રહી. જો દરેક વ્યક્તિ પોતાના ઘરમાં, કામના સ્થળે અને જાહેરમાં પોતાના દરેક કાર્યને એ કાર્યકારણ બુદ્ધિથી તર્કથી ચકાસે, એ સૌદર્યની જાળવણી અને વધારો કરનાર છે કે નહીં તે તપાસે અને નીતિમત્તાના ધોરણોને પગલે ચાલનાર છે એવા અંતરના અવાજની અનુમતિથી ચાલે તો પોતે સંસ્કારી બનશે અને તેની આસપાસનો સમાજ આપોઆપ સંસ્કૃત થશે.

e.mail : 71abuch@gmail.com

Loading

સોક્રેટિસના બે સંઘર્ષ – દર્શકની નજરે

અશોક ગોહિલ|Opinion - Literature|4 December 2015

‘પેરેક્લીઝે ભલે કિલ્લા બાંધ્યા કે નૌકા કાફલો તૈયાર કર્યો પણ તેણે માણસોને નથી ઘડ્યા તે તેની ભૂલ છે, અને તેથી હું પેરેક્લીઝને સાચો રાજનીતિજ્ઞ ગણતો નથી.’ સોક્રેટિસ અને પેરેક્લીઝ બંને મિત્રો છે. તેને ઘેર સોક્રેટિસ જતો-આવતો હોય છે, છતાં પણ એ ભૂલ બતાવે છે. કારણ કે તે સ્વાયત્ત છે.

‘પેરેક્લીઝ તમને બગાડી રહ્યો છે. આ રીતે તમને ભથ્થાંઓ આપી ન્યાયને બદલે પૈસાના લાલચુ બનાવી દીધા છે, અને પૈસાની લાલચથી તમે તમારા આત્માને અવનત કરો છો. લોકોનું ભલું તેમની વાસનાઓ પરિશુદ્ધ કર્યા વિના ન થાય. લોકોએ વિચાર કરતાં શીખવું જોઈએ. લોકોની વાસનાઓને બહેકાવી મતો મેળવવા તો સહેલું છે. પણ આવા બધાને ભેગા કરી સત્તા લાવે તો તેનો નાશ થાય. લોકશાહીનો આવો અર્થ છે જ નહીં.’ સોક્રેટિસ આવું કહે તો કોને ગમે ?

‘હું મરીશ, પહેલાં પણ મર્યા છે અને હજી મરશે. કારણ કે કોઈ પણ ટોળું એના વિરુદ્ધના અભિપ્રાયને સહન કરી શકતું નથી.’ એણે સ્પષ્ટ ભેદ પાડ્યો છે લોકશાહી અને ટોળાશાહી વચ્ચે. લોકશાહીને નામે ટોળાશાહી ખપાવી દેવાનું જે રાજકારણીઓ કરી રહ્યા છે, તેઓ લોકશાહીના મોટામાં મોટા ઘાતકો છે. લોકશાહીમાં પાયાથી માની લેવામાં આવ્યું છે કે – (૧) મતદારો સર્વસામાન્ય હિતને સમજી શકે છે. (૨) સમજી શકે છે એટલું જ નહીં, બીજી લાલચોને વશ થયા વિના સાચી રીતે મત આપી શકે છે. (૩) આવું કોઈનામાં ન હોય તો સમજાવટથી તેનામાં આવી શકે છે.

હવે, આવી સમજાવટ કરે નહીં, ઊલટું સમજશક્તિ નષ્ટ થાય તેવી લાલચો આપી, અંધ જૂથ કે સ્થાનિક અભિમાન ચગાવી મતો લેવાની કરામત કરે તેને લોકશાહીના ઘાતકો જ કહેવા જોઈએ ને ? આપણા દુર્ભાગ્યે આજે સોક્રેટિસ નથી, જ્યારે આ ઘાતકોની સંખ્યા મોટી છે.

સોક્રેટિસને પૂછવામાં આવ્યું કે, ‘તને આટલી બધી ખબર છે કે આ સારું અને આ યોગ્ય, આ અયોગ્ય, આ ડહાપણ અને આ ગેરડહાપણ, તો પછી તું રાજનીતિમાં પડીને, ધારાસભામાં બેસીને કે સામાન્ય સભામાં બોલીને કે ઉમેદવારી કરીને અમને સુધારવાની કોશિશ કેમ કરતો નથી ?’ ત્યારે એણે કહ્યું કે, ‘તમે મને આ પૂછી શકો છો, પણ મારે તમને એમ કહેવું છે કે જો મેં એવી કંઈ કોશિશ કરી હોત તો હું આટલાં વર્ષ જીવ્યો તે પણ ન જીવી શક્યો હોત. બહાર રહીને તો આ ચાલીસ વર્ષ હું જીવ્યો. પણ જો હું તમે કહો છો તે સત્તાના રસ્તે ચાલ્યો હોત તો આટલાં વર્ષ જીવી શકત નહીં, કારણ કે કોઈ પણ લોકશાહીમાં અજ્ઞ સમાજ તેની સામે મત આપનારાઓને લાંબો વખત સહન કરી શકે નહીં.’

સોક્રેટિસનો એક જ ગુનો છે કે તે બધા માણસને પૂછે છે, તમે કંઈ સમજો છો કે સમજ્યા વિના જ ચાલો છો ? તમને સુખ જોઈએ છે, પરંતુ સુખ શું એ ખબર છે ? સાચું સંરક્ષણ, સાચી ઉદારતા, સાચી મૈત્રી, સાચી બહાદુરી, સાચો પ્રેમ, સાચી કેળવણી વિષે તમે કાંઈ વિચાર્યું છે ? આ વિચાર્યા વિના સુખ તમારા હાથમાં કેમ આવશે ? ન્યાયાધીશોને તે એમ કહે છે, ‘તમે કદાચ કહેશો કે તારી સામેના આરોપ જેઓ મૂકે છે તેને અમે સાચા નથી માનતા …. તને છોડી મૂકીએ છીએ પણ એટલી બાંહેધરી તું આપ કે તત્ત્વજ્ઞાનના આવા સવાલો તું નહીં પૂછે. તો એથેન્સ નગરના નગરજનો, હું તમને ચાહું છું. તમારે માટે મને માન છે, પણ જો તમે મને આવું કહો તો હું એટલું જ કહીશ કે તમે મને એક વાર મારો કે સો વાર મારો પણ હું બધાને પ્રશ્ન પૂછતો અટકવાનો નથી. હું તો જે મને મળશે તેને પૂછીશ કે અરે ! આવા એક એથેન્સ જેવા મહાન નગરનો તું રહેવાસી છે તો તું આ ધન પાછળ અને કીર્તિ પાછળ શા માટે પડ્યો છે ? તારા પોતાની આત્માની શા માટે સંભાળ નથી લેતો ? અને તે મને કહેશે કે હું લઈશ તો પણ હું માની નહીં લઉં. હું તેને ફરી પૂછીશ કે તું શું સંભાળ લઈ શકે તે તો મને કહે ! હું તેનો કેડો મૂકવાનો નથી.’

લોકોને એણે ચેતવ્યા કર્યા, સમજાવ્યા કર્યા કે, ‘ભાઈ તમે ખોટે રસ્તે છો, આ રસ્તે તમે ચડો છો તેમાં તમને અને લોકશાહીને નુકસાન થશે.’ સોક્રેટિસનો આટલો વાંક.

સોક્રેટિસ મતદારોની કેળવણી માટે શહીદ થયો. એને જ્યારે કહેવામાં આવ્યું કે તમે છૂટા થઈ શકો છો પણ તત્ત્વજ્ઞાનની ચર્ચા ન કરશો તો કહે, ‘તમે સો વાર મારો કે એક વાર મારો પણ હું જ્ઞાનનું તત્ત્વ, અને તત્ત્વના જ્ઞાનની વાત તો કર્યા જ કરીશ, કારણ કે આત્મચિકિત્સા વિનાનું જીવન નિરર્થક છે – પશુઓ જીવે છે, ભાઈ !’

આ વાતને આજની લોકશાહીની પરિભાષામાં કહીએ તો શું કહેવાય ? એ જ કે …. મતદારોને કેળવવાનો મૂળભૂત અધિકાર હું કોઈ પણ સંજોગોમાં જતો કરવા માગતો નથી. આટલો જ છે આજના સંદર્ભે એનો અર્થ. આ મારો મૂળભૂત અધિકાર છે. એ મારી ફરજ છે કે મારે લોકોને કેળવવા, લોકોને વિચાર કરતા કરવા અને લોકોનાં મૂલ્યોનું પરિવર્તન કરવું. મૂલ્ય-પરિવર્તન કર્યા વિનાની લોકશાહી એ ભયજનક છે. આ પ્રતીતિએ સોક્રેટિસને કહેરાવ્યું કે, ‘હું આ અધિકાર જતો નહીં કરું, જે કરવું હોય તે કરો !’ આનો અર્થ એટલો જ કે લોકશાહીમાં મત એટલો જરૂરી નથી, પક્ષ એટલો જરૂરી નથી – એ સેકંડરી ચીજ છે, પણ પહેલી જરૂર મતદારોની કેળવણીની છે.

એટલે જ સોક્રેટિસે કહ્યું કે, ‘હું રાજનીતિમાં પડ્યો જ નથી, મારે સત્તા જોઈતી જ નથી. મારે એક જ સત્તા જોઈએ છે, મતદારોને કેળવવાની.’ અને એ જ પેલા રાજકારણીઓને પસંદ નહોતું. તેમને ખુશામત જોઈએ છે. કેળવણી નથી જોઈતી. ગ્રીસને જ નહીં, બધી ટોળાંપરસ્ત લોકશાહીને ઓછીવત્તી આ વાત લાગુ પડે છે. સોક્રેટિસનો આ પહેલો સંઘર્ષ હતો – મતદારોની કેળવણીના અધિકારનો સંઘર્ષ.

સોક્રેટિસની જે મહત્તા છે તે તો એ છે કે એને સજા ખોટી રીતે થઈ છે તે એ જાણે છે. સજા કરવાવાળામાં પણ એવું માનનારા છે કે એણે અમથા અમથા અમને ખીજવ્યા. ખરી રીતે આ કરવાનું કારણ નહોતું. તેણે સીધીસાદી વાત કરી હોત તો આપણે તેને છોડી મૂકવાના હતા. પણ મૂળે એ માણસનો વાંક નથી, અને આપણે આટલી આકરી સજા કરી તે ઠીક નથી. એટલે તે લોકોએ, એના મિત્રો વગેરેએ, આમતેમ કરીને તેને અહીંથી ભગાડી મૂકીએ એવું બધું ગોઠવી દીધું. જેલમાંથી તે નાસી જાય તેની બધી તૈયારી કરીને એક દિવસે સવારે તેનો મિત્ર-શિષ્ય હતો તે ક્રિટો સોક્રેટિસ પાસે ગયો. કહે છે …. ‘હવે ઝાઝા દિવસ રહ્યા નથી. બે ત્રણ દિવસમાં તો તમારે ઝેર લેવાનો વખત થશે. એટલે અમે બધાંએ નક્કી કર્યું છે કે તમારે નાસી જવું જોઈએ, કારણ કે તમારાં બાળકો, તમારી સ્ત્રી, તમારા મિત્રો – એ બધાંનો વિચાર કરવો જ જોઈએ. પણ તે ઉપરાંત બીજા બે વિચારો તમારે કરવા જ જોઈએ – એક તો, તમને સજા થવી ન જોઈએ. તમને સજા ખોટી રીતે થઈ છે. સજા કરનારા ખોટા છે અને તમે સાચા છો. એટલે તમે કાંઈ સજા સ્વીકારવા બંધાયેલા નથી જ. બીજી વાત, એ લોકોને પણ થોડા વખત પછી પસ્તાવો થશે. પસ્તાવો થશે તેમ અમને ખાતરી છે અને એમાંના કેટલાક ઇચ્છે છે, ભાઈ શા માટે અમને પાપ કરાવો છો, નસાડી મૂકો ને ! બધું તૈયાર રાખ્યું છે, હોડી તૈયાર છે. જેલરને અમે ફોડ્યો છે. કોઈ કાંઈ કરવાનું નથી, બધા આંખો મીંચી દેશે.’

સોક્રેટિસ કહે, ‘હા, જરા વિચાર કરી જોઉં.’ ‘અરે, આમાં વિચાર કરવાનું શું છે ? જિંદગી આખી વિચાર કર્યો. હવે વિચાર કરવાનું શું છે ? હવે તમે અમે કહીએ એમ કરો.’ ‘ના, ના, વિચાર કરતાં જો સાચું લાગે તો તો તું કહે એમ જ કરીશું.’

પછી સોક્રેટિસ શાંતિથી કહે, ‘માનો કે હું નાસી જવાનું ઠરાવું અને ઊભા થઈને ચાલવા માંડું અને ત્યાં રસ્તામાં એથેન્સના કાયદા સદેહે મારી આડે આવી ઊભા રહીને મને પૂછે, ‘અલ્યા, અમે તારો શો ગુનો કર્યો કે તું અમને દગો દઈને ચાલ્યો જાય છે ? તું સત્તર વર્ષનો થયો ત્યારે તને પૂછવામાં આવ્યું હતું કે તારે એથેન્સમાં રહેવું છે કે નથી રહેવું ? અમે તને છૂટ આપી હતી કે તારે એથેન્સમાં રહેવું હોય તો રહે, નહિ તો તારી બધી મિલકત સાથે બીજે જવું હોય તો પણ છૂટ છે. તું પસંદ કરી લે.’ મેં અહીં રહેવાનું પસંદ કર્યું. અહીંના બધા કાયદાઓનો બધો લાભ લીધો, હવે જ્યારે એ કાયદાના આધારે મને સજા થાય છે ત્યારે કેમ ફરી બેસું ?’

‘પણ તમને ખોટી સજા થઈ છે તે તો ખરું ને ?’ ‘હા, એ વાત સાચી છે. મને ગુનેગાર ઠરાવ્યો તે ખોટું છે. પણ ઠરાવ્યો તે પદ્ધતિ સાચી છે. કાયદા મુજબ જ મને આ સજા કરી છે, કાયદાની બહાર જઈને નહીં. તો એ કાયદા મને પૂછે, ‘તેં ઘડેલા કાયદા પ્રમાણે આ ચુકાદો આપ્યો છે, અને હવે અમને દગો દઈને શા માટે ચાલ્યો જાય છે ?’ એ પ્રશ્ન મને પૂછે છે કે તારે લાભ લેવો હતો ત્યારે તું એથેન્સમાં રહ્યો અને હવે માનો કે અમે ભૂલ કરી હોય તો પણ આખરે તારે એમ વિચારવું જોઈએ કે નવ્વાણું વાર જેનો લાભ લીધો, તેની એક વાર ભૂલ થાય તો તારે કાયદાનું ખૂન નહિ કરવું જોઈએ. અને જો તું આ પ્રમાણે કરીશ તો પછી દુનિયાને તેં આ બધું શીખવ્યું તેમાંથી લોકો શું સાર કાઢશે ? તે કહેશે, ફાવે ત્યારે કાયદાને અનુસરવું, અને નહીં ફાવે ત્યારે તેને તોડી નાખવો. તું અમને અન્યાય કરે છે.’

લોકશાહીમાં કાયદો સર્વોપરી છે – તે પૂર્ણ હોય કે અપૂર્ણ. અપૂર્ણ હોય તો ય તમે જવાબદાર છો, અને પૂર્ણ હોય તો તમે યશભાગી છો. તમે એટલે આખો સમૂહ. ત્યારે એ સમૂહમાં તમે લાભને માટે રહ્યા છો, તો સમૂહનો કોઈક વાર ગેરલાભ પણ થાય. તે સમૂહે નિયમ પ્રમાણે નિર્ણય કર્યો છે. તે ખરી રીતે તમે કર્યો છે, કોઈકે તો કર્યો જ નથી. આ કાયદાને ધક્કો મારીને સજ્જન જઈ શકતા નથી. લોકશાહીને લાગેવળગે છે ત્યાં સુધી કાયદાની સર્વોપરિતા એ અજર-અમર છે. કાયદા કેમ કરવા તે તમારા બંધારણમાં બતાવવામાં આવ્યું છે. તેમાં તમારે સુધારા-વધારા કરવા હોય તો કેમ કરવા તે પણ બતાવવામાં આવ્યું છે. પછી તમે કેવી રીતે કહી શકશો કે મને આ કાયદો અનુકૂળ નથી ? તો તો દુનિયાની અંદર લોકશાહી ટકી શકે જ નહીં. જે લોકશાહીમાં નાગરિકો કાયદાની સર્વોપરિતા સ્વીકારતા નથી તે લોકશાહી ગમે તેવી હોય પણ ટકી શકે નહીં. અહીં કોયડો એ ઊભો થાય છે કે કાયદાની દૃષ્ટિએ બરાબર હોય પણ નૈતિક દૃષ્ટિએ ખોટું હોય – લીગલી બરાબર પણ મોરલી બરાબર ન હોય – ત્યારે શું કરવું ? સોક્રેટિસનો આ બીજો સંઘર્ષ હતો.

તેનો ઉપાય લોકશાહીમાં શું હોઈ શકે ? એનો ઉપાય સોક્રેટિસે કહ્યું તે છે : ‘સેલ્ફ સફરિંગ, આત્મ બલિદાન.’ જેને ગાંધીએ સવિનય કાનૂન ભંગ, સત્યાગ્રહ કહ્યો. ગાંધીએ કહ્યું, કાનૂન એટલી બધી પવિત્ર ચીજ નથી કે તે બદલી જ ન શકાય. સત્યાગ્રહી બધા જ વાજબી કાનૂનો પાળવા બંધાયેલો છે, પણ કોઈ અનૈતિક કાનૂન પાળવા બંધાયેલો નથી. પણ બીજી બાજુ નાગરિક તરીકે કાનૂનનું પાલન કરવા સત્યાગ્રહી બંધાયેલો છે. તો આ પાલન કરવું અને ભંગ કરવો એ બે વસ્તુ એકસાથે કેવી રીતે કરવી ?

ગાંધીજીએ કહ્યું કે કાયદાનો ભંગ કરીને આ કાયદો નહીં જ ચાલવા દઉં. આ કાયદો બદલો, પણ મારા કાયદાભંગ માટે હું જાતે ખુલ્લંખુલ્લા સજા વહોરી લઈશ અને આનંદભેર પુનઃપુનઃ વેઠીશ. કાયદો હાથમાં લેવાનો નથી. તે તો લોકશાહીમાં શક્ય જ નથી. હું કાયદાને મારા હાથમાં નથી લેતો, પણ કાયદાને મારા માથા પર ચડાવીને કહું છું કે આ કાયદા મુજબ સજા હું સ્વીકારું, મારા જેવા લાખ બીજા પણ આમ સહન કરશે, પણ આ કાયદો બદલાવો જોઈએ.

સેલ્ફ સફરિંગ દ્વારા લોકમત ઘડો. તમે સમાજમાં કાયદો બદલો છો. કાયદાને તમે વશ ન થાઓ, અને છતાં થાઓ. વશ ક્યાં થાઓ છો ? તો ગાંધી કહે, ‘ભાઈ તમે મોતની સજા કરો તો મોતની ! છ મહિનાની કરો તો છ મહિનાની, અને કાળા પાણીની કરો તો કાળા પાણીની ! મને સ્વીકાર્ય છે. પણ તમે મને એમ કહો કે, તારે તો પેટે ઘસડાતાં ઘસડાતાં અહીં આવવાનું તો હું તે નહીં સ્વીકારું. કાયદામાં એમ પણ લખ્યું હશે ને કે આમ પેટે ઘસડાઈને ન ચાલનારને આટલી સજા કરવી – તે સજા કરો – તે હું સ્વીકારું છું. એટલે હું કાયદાનું પાલન જ કરું છું.’ ગાંધીજીએ સોક્રેટિસની એપોલોજીનો અનુવાદ કર્યો તેનું કારણ એ માણસ પ્રથમ સત્યાગ્રહી હતો. આ જગતમાં પ્રથમ સત્યાગ્રહી છે, સોક્રેટિસ.

(ગાંધીયુગના પીઢ સમાજસેવક, સંનિષ્ઠ શિક્ષક અને સુપ્રસિદ્ધ સાહિત્યકાર સ્વ. મનુભાઈ પંચોળી ‘દર્શક’એ તા. ૨૭ નવેમ્બર ૧૯૮૧ના રોજ સદ્ગત દાદાસાહેબ માવળંકરના ૯૩મા જન્મ દિને, લેસ્કી ઇન્સ્ટિટ્યૂટના સોક્રેટિસ હોલમાં ‘સોક્રેટિસ : લોકશાહીના સંદર્ભમાં’ એ વિષય પર આપેલું પ્રવચન – જે પછીથી લેસ્કી ઇન્સ્ટિટ્યૂટ, અમદાવાદ દ્વારા ૧૯૮૨માં પુસ્તિકા સ્વરૂપે પ્રગટ કરવામાં આવેલું. પ્રસ્તુત લેખ આ પ્રવચનમાંથી ટૂંકી નોંધ રૂપે સંકલિત કરેલો છે.)

સૌજન્ય : “ભૂમિપુત્ર”, 01 અૉક્ટોબર 2015; પૃ. 05-06

Loading

પ્રાણશક્તિ અને જ્ઞાનશક્તિ

વિનોબા|Opinion - Opinion|4 December 2015

શિક્ષણ એટલે યોગ-ઉદ્યોગ-સહયોગની કેળવણી. શિક્ષણ દ્વારા સાક્ષરતા જ નહીં, જીવનની સાર્થકતા સાધવી છે. માણસના સર્વ ગુણોનો વિકાસ કરવો છે. મૂલ્યોબદલીને સમાજને બદલવો છે. સહુને ઉદ્યોગશીલ ને વિચારશીલ બનાવવા છે. અર્થશુચિ ને સામ્યયોગના સંસ્કાર આપવા છે.

‘હું એક શિક્ષક છું’ – એમ કહેવામાં કાંઈ ખોટું તો નથી. હું શિક્ષક છું જ. અને તેમ છતાં મને લાગે છે કે ‘હું એક વિદ્યાર્થી છું’ – એમ કહેવું વધારે ઠીક થશે. અધ્યાપન કરતાં અધ્યયનની પ્રેરણા મારા માટે વધુ સહજ રહી છે. અધ્યાપન કરતાં-કરતાંયે મારું અધ્યયન જ ચાલ્યું છે. ખરું જોતાં, મારા વિદ્યાર્થીઓ પાસેથી હું જેટલું શીખ્યો છું, તેની તુલનામાં મેં તો એમને કાંઈ જ નથી શીખવ્યું. મારો વિદ્યાર્થી મારી પાસે આવીને જેવો બેસે છે કે મારા હૃદયમાં જે કાંઈ મલીનતા હોય, તે બધી સાફ થઈ જાય છે. આ હૃદય ધોવાની ક્રિયા મારા માટે તીર્થસ્નાન છે. મેં મારા વિદ્યાર્થીઓ પાસેથી જ વધુ મેળવ્યું છે.

ખરું કહું તો, કોઈના શિક્ષક કહેવડાવવું મને બહુ પસંદ નથી. હું કોઈને શિક્ષણ આપી રહ્યો છું, એ વિચાર જ મને જચતો નથી, ઠીક લાગતો નથી. વાસ્તવમાં, શિક્ષક અને વિદ્યાર્થી અન્યોન્ય શિક્ષક હોય છે, જેમ અન્યોન્ય મિત્ર એક બીજાના મિત્ર હોય છે, બે ભાઈ એકબીજાના ભાઈ હોય છે, તેમ શિક્ષક ને વિદ્યાર્થી એકબીજાના શિક્ષક હોય છે. આપણે કોઈને શીખવી રહ્યા છીએ, તે વિચાર જ છોડી દેવો જોઈએ. જે કંઈ શીખવાય છે અને શીખાય છે, તે સહજ ભાવે થતું રહે છે. શિક્ષક પોતે શિક્ષણનું કેન્દ્ર છે અને તેની સમીપ રહેવાથી શિક્ષણ મળતું રહે છે.

વળી, શિક્ષક કાંઈ નવું નથી કરતો. પોતે નિમિત્ત માત્ર બને છે, એમ તેણે માનવું. વિદ્યાર્થીને જ્ઞાન શિક્ષક નથી આપતો, જ્ઞાન તો વિદ્યાર્થીના દિમાગમાં ભર્યું જ છે. શિક્ષક તે જ્ઞાનને પ્રગટ કરવામાં મદદગાર થાય છે. શિક્ષકે વિદ્યાર્થીમાં જ્ઞાન ભરવાનું નથી, તેણે એનામાં જ્ઞાન માટેની પિપાસા પેદા કરવાની છે, જ્ઞાન મેળવવાની શક્તિ ઊભી કરવાની છે. બાકી તો વિદ્યાર્થી પોતે જ શીખતો હોય છે.

આજકાલ વિદ્યાલયોમાં જે શિક્ષણ અપાય છે, તેમાં વિદ્યાર્થીઓને કાંઈ ને કાંઈ જાણકારી આપવામાં આવે છે, પણ સ્વતંત્રપણે જ્ઞાન-પ્રાપ્તિ કેવી રીતે કરવી, તે નથી શીખવાતું. ખરું જોતાં, શિક્ષણમાં એવી પદ્ધતિ અપનાવવી જોઈએ કે જેથી વિદ્યાર્થીઓની પ્રજ્ઞા સ્વયંભૂ બને અને તેઓ સ્વતંત્ર વિચારક બને, તેઓ જાતે જ્ઞાન પ્રાપ્ત કરી શકે. દુનિયામાં અનંત જ્ઞાન છે. તે બધાની તો કાંઈ જરૂર નથી પડતી. છતાં જીવન માટે પર્યાપ્ત જ્ઞાન મેળવી લેવું પડે છે. પરંતુ જીવન માટેનું આ ઉપયોગી જ્ઞાન કોઈ સ્કૂલ-કૉલેજમાં નથી મળી શકતું. જીવન માટેનું ઉપયોગી જ્ઞાન તો જીવનમાંથી જ મળે છે. વિદ્યાર્થીઓમાં તે મેળવી શકવાની શક્તિ જાગૃત કરવી, એટલું જ વિદ્યાલયોનું કામ છે. વિદ્યાલયોમાંનું તમારું શિક્ષણ પૂરું થયું, તો તેનો અર્થ એટલો જ કે હવે તમે તમારા પોતાના પ્રયત્નથી વિદ્યા પ્રાપ્ત કરી શકશો. હવે તમે નિજ-આધાર, નિજાધાર બન્યા, નિરાધાર ન રહ્યા. અન્ય આધારોથી, અન્ય આલંબનોથી મુક્તિ, એ જ ખરું સ્વાવલંબન કહી શકાય. વિદ્યાર્થીને આવો સ્વાવલંબી બનાવવો, એ જ શિક્ષણનો ઉદ્દેશ છે. એવી જ રીતે વિકારવશતાયે ઉચિત નથી. જે માણસ પોતાની ઇંદ્રિયોનો ગુલામ છે અને વિકારોને કાબૂમાં નથી રાખી શકતો, તે પણ સ્વાવલંબી નહીં કહેવાય. એટલા વાસ્તે શિક્ષણમાં સંયમ, વ્રત, સેવા આદિનોયે સમાવેશ થવો જોઈએ.

સ્વાવલંબનનો આવો ઊંડો અર્થ છે. શિક્ષણ દ્વારા વિદ્યાર્થીનું મુખ્ય ત્રણ પ્રકારનું સ્વાવલંબન સધાવું જોઈએ. શિક્ષિત માણસે પોતાના ઉદર-નિર્વાહ માટે બીજાઓ ઉપર આધાર રાખવો ન પડે. બીજું એ કે જ્ઞાન મેળવવાની સ્વતંત્ર શક્તિ એનામાં જાગૃત થાય. અને ત્રીજી વાત એ કે પોતાની જાત ઉપર કાબૂ રાખવાની શક્તિ એનામાં આવે, ઇન્દ્રિયો અને મનને વશમાં રાખવાની શક્તિ આવે. શિક્ષણ દ્વારા વિદ્યાર્થીનું આવું ત્રિવિધ સ્વાવલંબન સધાવું જોઈએ.

વિદ્યાર્થીનું પહેલું કર્તવ્ય એ છે કે તે પોતાનું દિમાગ એકદમ સ્વતંત્ર રાખે. એ સાચું કે વિદ્યા શ્રદ્ધા વિના નથી મળતી. એટલે શ્રદ્ધા તો જાણે જોઈએ જ. પરંતુ શ્રદ્ધાની સાથોસાથ બૌદ્ધિક સ્વાતંત્ર્યનીયે એટલી જ જરૂર છે. ઘણાને એમ થાય છે કે શ્રદ્ધા અને બુદ્ધિ અલગ છે અને એકબીજાની વિરોધીયે છે, પણ તે ખોટો વિચાર છે. જેમ કાન અને આંખ બે અલગ-અલગ શક્તિઓ છે તથા બંને વચ્ચે કોઈ વિરોધ નથી, એવી જ રીતે શ્રદ્ધા અને બુદ્ધિનું પણ છે. શ્રદ્ધા વિના વિદ્યાની પ્રાપ્તિ અસંભવ છે. મા બાળકને ચાંદો દેખાડીને કહે છે કે, ‘‘જો બેટા, આ ચાંદ છે.’’ હવે બાળકને જો માતામાં શ્રદ્ધા ન રહી અને તેના મનમાં શંકા ઊઠી કે મા દેખાડી રહી છે તે ચાંદ છે કે નહીં, કોણ જાણે, તો તેને જ્ઞાન નહીં થાય. જ્ઞાન-પ્રાપ્તિ માટે શ્રદ્ધા એક પાયાની ચીજ છે. જ્ઞાનનો આરંભ જ શ્રદ્ધાથી થાય છે. પરંતુ જ્ઞાનની પરિસમાપ્તિ બુદ્ધિમાં છે. શ્રદ્ધાથી જ્ઞાનનો આરંભ થાય છે અને સમાપ્તિ સ્વતંત્ર ચિંતનશક્તિ ખીલવાથી થાય છે.

વિદ્યાર્થીની બાળ-અવસ્થા અને કિશોર-અવસ્થા એવી છે કે જ્યારે તેને ‘હીરો-વરશિપ’ —વીરપૂજાની આદત હોય છે અને શિક્ષક સ્વાભાવિક જ તેનો ‘હીરો’ બની શકે છે. પરંતુ શિક્ષક પણ એવો હોવો જોઈએ. જે શિક્ષક વિદ્યાર્થીને પૂરતી સ્વતંત્રતા ન આપતો હોય, તેના ઉપર જબરદસ્તી કરતો હોય, તે શિક્ષક જ નથી, એમ હું કહીશ. શિક્ષક તો એવો હોય, જે વિદ્યાર્થીઓને એમ કહે કે મારી વાત તમને ગળે ઊતરે તો જ માનજો, નહીં તો હરગિજ નહીં માનતા. આવી રીતે જ પોતાના વિદ્યાર્થીઓને પૂરેપૂરું બુદ્ધિ-સ્વાતંત્ર્ય આપે, એ જ સાચો શિક્ષક છે. બુદ્ધિ-સ્વાતંત્ર્ય એ જ ખરું સ્વાતંત્ર્ય છે. આને માટે બહેતર શબ્દ ચિંતન-સ્વાતંત્ર્ય છે. વિદ્યાર્થીનું ચિંતન-સ્વાતંત્ર્ય કદાપિ છીનવાઈ જવું ન જોઈએ.

જ્ઞાનની બાબતમાં આજ્ઞા ને હુકમ ચાલી જ ન શકે. બીજા કોઈ કામમાં હુકમ હોઈ શકે અને તેનું પાલન પણ થઈ શકે. પરંતુ જ્ઞાનની બાબતમાં તો નહીં જ. કોઈ વસ્તુ ગોળ છે, તો હું તમને એવી આજ્ઞા નહીં કરી શકું કે તમે તેને ત્રિકોણ માનો. તેમાં આજ્ઞા કામ ન કરી શકે. જે વસ્તુિસ્થતિ છે, તે છે જ અને તેનું જ્ઞાન વસ્તુગત (ઑબ્જેક્ટિવ) છે. આજ્ઞાથી તેને બદલી ન શકાય. શિસ્તના કે અનુશાસનના નામે તેને બદલી ન શકાય. હા, વિદ્યાર્થી અનુશાસન જરૂર પાળશે, પણ તે સ્વયં-અનુશાસન હશે. કૃત્રિમ કે જબરદસ્તીનું અનુશાસન નહીં. વિદ્યાર્થી વિનયી હોવો જોઈએ એનો અર્થ એ કે તે સેવા-પરાયણ હોય, આજ્ઞા-પરાયણ નહીં.

વળી, વિદ્યાર્થીઓને અમુક વિચારસરણીમાં ઢાળવાનીયે કોશિશ થતી હોય છે. આ પણ ન થવું જોઈએ. આવું દિમાગનું યંત્રીકરણ ચિંતન-શક્તિને કુંઠિત કરનારું છે. માટે વિદ્યાર્થીઓએ કોઈ પણ યંત્રના પૂર્જા બની જવાનું નથી. વિદ્યાર્થી તો સત્યનો ઉપાસક છે. એ કોઈ પંથમાં ભળી જઈ શકે નહીં. વિદ્યાર્થી તો સાવધાન રહીને દુનિયામાં જે બધી હલચલો ચાલતી હશે, તેનું અધ્યયન કર્યા કરશે. જે કાંઈ વિચારો અને વાદો સમાજમાં હશે, તે બધાનું એ તટસ્થ બુદ્ધિથી અવલોકન ને અધ્યયન કર્યા કરશે. વિદ્યાર્થીએ તો સર્વવ્યાપક થવાનું છે, પોતાની બુદ્ધિને સંકુચિત થવા દેવાની નથી. ધર્મના, ભાષાના, પ્રાંતના, દેશના, કોઈ પણ વાડામાં તેણે પુરાઈ જવાનું નથી. એનામાં લગીરે સંકીર્ણતા આવવી જોઈએ નહીં. તેણે તો વ્યાપક બુદ્ધિએ જ વિચારતા રહીને પોતાને વિશ્વ-નાગરિક જ માનવો જોઈએ. પોતે વિશ્વમાનવ છે, વિદ્યાનો ઉપાસક છે, તટસ્થ બુદ્ધિથી વિચારનારો છે, એવી જ અનુભૂતિ એને નિરંતર થવી જોઈએ.

તેથી જ વિદ્યાર્થીઓ રાજકારણમાં નહીં પડે. રાજકારણની બાબતમાં વિદ્યાર્થી સાક્ષી અને અધ્યક્ષ બનીને રહેશે. ‘અધ્યક્ષ’ એટલે જેની આંખ દુનિયા આખી ઉપર રહેતી હોય છે. વિદ્યાર્થી અવસ્થામાં તમે જીવનને સંબંધિત બધા પ્રશ્નોનું અધ્યક્ષની ભૂમિકાથી નિરીક્ષણ-પરીક્ષણ કરતા રહેશો અને તમારો સ્વતંત્ર અભિપ્રાય બાંધતા રહેશો. આજે સૌથી વધુ જરૂર છે, વિશ્વવ્યાપક દૃષ્ટિની, વિશ્વમાનવની વૃત્તિની. આજે આપણે વિજ્ઞાનયુગમાં જીવી રહ્યા છીએ. આજે સૌથી મોટી સમસ્યા એ છે કે માણસનું દિમાગ તો અત્યંત વ્યાપક બની ગયું, પણ એનું દિલ નાનું જ રહી ગયું. એટલા વાસ્તે નવી પેઢીએ દિમાગની સાથે પોતાના દિલને ય મોટું બનાવવું પડશે, વ્યાપક બનાવવું પડશે. વ્યાપક દિમાગ, એવું જ વ્યાપક દિલ પણ. નવી પેઢી હોય છે જ કંઈક નવું કરવા માટે, જૂનું પુરાણું ચાલુ રાખવા માટે નહીં. ઋગ્વેદમાં એક બહુ સુંદર મંત્ર આવે છે : ‘અચિત્તં બ્રહ્મ જુજુષુર્યુવાનઃ’ —યુવાન એ બ્રહ્મનું ચિંતન કરે છે, જે બ્રહ્મનું અગાઉ ચિંતન નથી થયું.

વિદ્યાર્થીની સ્વતંત્ર ચિંતનશક્તિ ખીલતી રહે, તેની સાથોસાથ તેનો પોતાની જાત ઉપરનો કાબૂ પણ વધતો જવો જોઈએ. જેનો પોતાનાં દેહ, મન, બુદ્ધિ ઉપર કાબૂ રહેશે, એ જ પોતાના સંકલ્પમાં દૃઢ રહી શકશે તથા દુનિયામાં સ્વતંત્ર રીતે વિચરી શકશે અને ટકી શકશે. જેની સંકલ્પ-શક્તિ દૃઢ હશે, એ જ સ્થિતપ્રજ્ઞ બની શકશે. સ્થિતપ્રજ્ઞ એટલે જેની પ્રજ્ઞા સ્થિર છે, જેનામાં સ્વસ્થ ને દૃઢ નિર્ણયશક્તિ છે. અને એવી નિર્ણયશક્તિની આજના જમાનામાં તાતી જરૂર છે. વિદ્યાર્થીએ પોતાનાં દેહ, મન, બુદ્ધિ પર કાબૂ મેળવીને આવી સ્થિતપ્રજ્ઞતા કેળવવાની છે.

ઉપનિષદમાં યુવાનનાં આવાં લક્ષણો ગણાવવામાં આવ્યાં છે — ચારિત્ર્યવાન, શીલવાન, ઉત્તમ અધ્યયનશીલ, દૃઢ નિશ્ચયી અને બળવાન. હૃદયમાં આશા અને હાથમાં બળ હોય, એવા યુવાનથી કામ થાય છે. યુવકોમાં ઉત્સાહ તો હોય જ છે, તેની સાથે ધૈર્યનીયે આવશ્યકતા છે. જોશ અને હોશ, બંને જોઈએ. અને કર્મયોગી બનવા માટે યુવકોએ કાંઈ ને કાંઈ નિર્માણકાર્ય કરતા રહેવું જોઈએ. નિર્માણ વિના, પ્રયોગ વિના સંશયરહિત જ્ઞાન નહીં થાય. ટૂંકમાં, દરેક વિદ્યાર્થીના હાથને કામ મળવું જોઈએ, એના હૃદયને પોષણ મળવું જોઈએ, અને તેની બુદ્ધિનો વિકાસ થવો જોઈએ.

સરવાળે, બે વાતનું ખાસ ધ્યાન રહે. વિદ્યાર્થી દસ-પંદર વરસનું શિક્ષણ લઈને જ્યારે જીવનમાં પ્રવેશ કરે, ત્યારે બે શક્તિ તેણે પ્રાપ્ત કરી લીધી હોવી જોઈએ, જેના વિના વ્યક્તિનું તેમ જ સમાજનું જીવન સારી રીતે ચાલી નથી શકતું. તે બે શક્તિ છે, એક પ્રાણશક્તિ અને બીજી જ્ઞાનશક્તિ. આ બે શક્તિ જેણે મેળવી લીધી, તેને પછી જીવનમાં કોઈ વાંધો નહીં આવે, એ જીવનમાં સફળ થઈ શકશે. આમાંથી એક પણ શક્તિ ઓછી પડશે, તો જીવનમાં એટલી ઓછપ રહી જશે.

પ્રાણશક્તિ અને જ્ઞાનશક્તિ, બંનેથી જ્યારે માણસ સંપન્ન બને છે, ત્યારે તેનું જીવન સમર્થ બને છે. પ્રાણશક્તિના વિકાસ માટે શરીરને સારું પોષણ જોઈએ, ઉત્તમ વ્યાયામ જોઈએ અને સંયમ જોઈએ. આ ત્રણ ચીજ જો હોય, તો પ્રાણશક્તિનો વિકાસ થાય છે.

જ્ઞાનશક્તિનો વિકાસ કરવા માટે જોઈએ મનનશક્તિ. કાંઈક વાંચીએ, નિરીક્ષણ કરીએ, સાંભળીએ. આપણી ચિંતનશક્તિ વધવી જોઈએ. આપણને સારાસાર વિવેક કરતાં આવડવું જોઈએ. તેને માટે ચિત્તમાં સમત્વ જોઈએ, વિવેક અને તટસ્થતા જોઈએ. આપણી બુદ્ધિ સ્વતંત્ર હોય. આ રીતે બુદ્ધિમાં સ્વતંત્રતા, સમત્વ અને વિવેક, એ ત્રણ ચીજ જો હોય, તો જ્ઞાનશક્તિનો વિકાસ થાય છે.

આખાયે જીવનની બુનિયાદ વિદ્યાર્થી-જીવન છે. જેમ છોડને શરૂમાં ઉત્તમ ખાતર-પાણી મળે, તો તે પરિપુષ્ટ થાય છે, તેમ માણસને પણ બાળપણમાં ને વિદ્યાર્થી-જીવનમાં ઉત્તમ ખાતર-પાણી મળવાં જોઈએ. આને માટે બ્રહ્મચર્યથી બહેતર બીજું કાંઈ નથી. પાછળથીયે તે કલ્યાણકારક જ છે. પરંતુ વિદ્યાર્થી-અવસ્થા માટે તો બ્રહ્મચર્ય અનિવાર્ય છે.

એવી જ રીતે વિદ્યાર્થી-અવસ્થામાં જેને વિદ્યાની લગન છે, તેણે નિરંતર ચિંતન-મનન કરતા રહેવાનું છે. દિમાગ જ જીવનમાં આપણું મુખ્ય માર્ગદર્શક છે. તેનો વિકાસ નહીં કરીએ, તો ઘણું બધું ખોઈ બેસીશું. માટે વિદ્યાર્થીએ સતત અધ્યયનશીલ રહેવાનું છે.

અધ્યયનમાં લંબાઈ-પહોળાઈ મહત્ત્વની ચીજ નથી, મહત્ત્વ છે, ગંભીરતાનું ને ઊંડાણનું. બહુ વખત સુધી, કલાકના કલાક જાતજાતના વિષયોનું અધ્યયન કરતા રહેવું, તેને હું લાંબું-પહોળું અધ્યયન કહું છું. સમાધિસ્થ થઈને નિત્ય નિરંતર થોડો વખત કોઈક નિશ્ચિત વિષયના અધ્યયનને હું ગંભીર ને ઊંડું અધ્યયન કહું છું. દસ-બાર કલાક પથારીમાં સૂતા રહેવું, પાસાં ફેરવતાં રહેવાં, સપનાં જોતાં રહેવાં — આવી નીંદરથી કાંઈ વિશ્રાંતિ નથી મળતી. પરંતુ પાંચ-છ કલાક જ સૂઈએ અને ગાઢ નિદ્રા આવે, તો તેનાથી પૂર્ણ વિશ્રાંતિ મળી જાય છે. આવું જ અધ્યયનનુંયે છે. ‘સમાધિ’ અધ્યયનનું મુખ્ય તત્ત્વ છે.

આવા સમાધિયુક્ત ગંભીર અધ્યયન વિના જ્ઞાન નથી. અધ્યયનથી પ્રજ્ઞા, બુદ્ધિ સ્વતંત્ર ને પ્રતિભાવાન થવી જોઈએ, બુદ્ધિમાં નવી-નવી કૂંપળો ફૂટતી રહેવી જોઈએ. નવી-નવી કલ્પના, નવો ઉત્સાહ, નવી ખોજ, નવી સ્ફૂિર્ત, આ બધાં પ્રતિભાનાં લક્ષણ છે.

અધ્યયન તો કરીએ, પણ તે વર્તમાન જીવનમાં આવશ્યક એવા કર્મયોગ માટે પૂરતું સ્થાન રાખીને કરીએ. નહીં તો અધ્યયન જીવન માટે કલ્યાણકારક સિદ્ધ નહીં થાય. અધ્યયન માટે બુદ્ધિ હંમેશાં તાજી રહેવી જોઈએ. અને ખુલ્લી હવામાં કાંઈક ને કાંઈક શરીરશ્રમ નિયમિત કરતા રહેવાથી જ બુદ્ધિ તાજી રહેશે. જેમ ખરડાયેલી અને તડકામાં તપેલી ભૂમિ વરસાદ માટે તૈયાર રહે છે, તેમ શરીરશ્રમને કારણે બુદ્ધિ પણ જ્ઞાન-ગ્રહણ માટે તૈયાર રહે છે અને તે જ્ઞાનને પણ ફળદ્રુપ બનાવે છે.

આની સાથે જ જીવનની દિશા નિશ્ચિત હોવી જોઈએ. બે બિંદુ મળે તો સરળ રેખા બને છે. જીવનનો માર્ગ પણ બે બિંદુઓના મળવાથી જ નિશ્ચિત થાય છે. ક્યાં છીએ ? — આ પહેલું બિંદુ છે. ક્યાં જવું છે ? — એ બીજું બિંદુ છે. આ બે બિંદુ નક્કી કરી લેવાથી જીવનની દિશા નક્કી થઈ જાય છે. તેના વિના અહીં-તહીં ભટકતા રહેવાથી રસ્તો નિશ્ચિત થતો નથી.

સારાંશ કે, ગંભીર અધ્યયનનું સૂત્ર છે — અલ્પ માત્રા, સાતત્ય, સમાધિ, કર્મ માટે અવકાશ અને નિશ્ચિત દિશા.

આ રીતે પ્રાણશક્તિ અને જ્ઞાનશક્તિ, બંને સંપન્ન થશે અને તેને લીધે વિદ્યાર્થી પૂર્ણ આત્મવિશ્વાસ સાથે સંસારમાં પ્રવેશ કરી શકશે. સંસારમાં એ પછી કોઈની સામે માથું ઝુકાવીને નહીં, બલ્કે છાતી ફુલાવીને ચાલશે. ‘નમયતીવ ગતિર્ ધરિત્રીમ્’ — જાણે એના ચાલવાથી ધરતી દબાઈ જઈ રહી છે !      

[સંકલિત]

સૌજન્ય : “ભૂમિપુત્ર”, 01 અૉક્ટોબર 2015; પૃ. 01-02 અને 23

Loading

...102030...3,6463,6473,6483,649...3,6603,6703,680...

Search by

Opinion

  • વિવેકહીન વ્યક્તિપૂજાનું વહેણ દેશને કઈ દિશામાં લઈ જશે?
  • બચ્ચે મન કે સચ્ચે
  • હગ ડિપ્લોમસી અને આકરી પસંદગી: પુતિનની મુલાકાત અને ભારતની વ્યૂહરચના
  • ભારત નથી અમેરિકાને નારાજ કરી શકતું કે નથી રશિયાને છોડી શકતું
  • ચલ મન મુંબઈ નગરી —318

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved