Opinion Magazine
Number of visits: 9691583
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એ લોકો અમને રાષ્ટ્રવિરોધીઓ કહે છે

આનંદ પટવર્ધન (અનુવાદક : પાર્થ ત્રિવેદી)|Opinion - Opinion|2 April 2016

[અનુવાદકની નોંધ : આનંદ પટવર્ધન લોકશાહી અને નાગરિક સ્વાતંત્ર્યને લગતી બહુ મહત્ત્વની દસ્તાવેજી ફિલ્મોના સર્જક તરીકે  દુનિયાભરમાં જાણીતા છે. ગયાં પિસ્તાળીસ વર્ષથી તેઓ ધર્મનું રાજકારણ, અનેક પ્રકારની વિષમતા, અને વિનાશને ભોગે વિકાસ, એ વિષયોના અનેક પાસાં પર ડૉક્યુમેન્ટરી ફિલ્મ્સ બનાવતા રહ્યા છે. સેન્સર બોર્ડની સામે તે સર્વોચ્ચ અદાલત સુધી લડત આપીને એક કરતાં વધુ વખત જીત્યા છે. આનંદે “સ્ક્રૉલ” નામના વેબપોર્ટલ પર, એકવીસમી જાન્યુઆરીએ, મૂકેલા ‘ધે કૉલ અસ ઍન્ટિ-નૅશનલ’ નામના મૂળ અંગ્રેજી લખાણનો અનુવાદ અહીં રજૂ કર્યો છે. તેની પ્રસ્તુતતાની છણાવટ કરવાની ભાગ્યે જ જરૂર છે.]

એ લોકોના મોટાભાગના પૂર્વસૂરિઓ અને પ્રવર્તકો, કહેવાતી ઉચ્ચ બ્રાહ્મણ જ્ઞાતિના હતા, તેમને સત્તા અને આધિપત્ય  આપનારી  સંસ્કૃિતમાં  તેમને ઊંડી શ્રદ્ધા હતી.

તેમણે દેશના મુખ્ય પ્રવાહમાં ધર્મનિરપેક્ષ રીતે ચાલેલા સ્વતંત્રતા આંદોલનનો વિરોધ કર્યો, અને સાથે વીસમીની શરૂઆતથી જ લોકોને  ધર્મને આધારે એકઠા કરવાની શરૂઆત કરી.

હિટલર માટેની તેમની ચાહના જગજાહેર હતી. એ લોકો એમ પણ કહેતા કે લઘુમતી લોકો સાથે કામ પાડવાની નાઝીઓની  જે રીત હતી તેને અનુસરવાથી ફાયદો થશે.

તેમના  ટોચના ત્રણ દુ:શ્મનો એટલે મુસ્લિમો, ખ્રિસ્તીઓ અને સામ્યવાદીઓ.

હિન્દુ-મુસલમાન ક્યારે ય એક થઇ રહી ન શકે એવી દલીલ સાથે તેમણે દ્વિરાષ્ટ્ર સિદ્ધાંતનો પ્રસાર કર્યો, તેમના જ પ્રતિબિંબ સમા મુસ્લિમ લીગે પણ એમ જ કર્યું.  

મુસ્લિમ લીગની સાથે રહીને તેમણે ૧૯૪૨માં ‘હિંદ છોડો’ આંદોલનમાં અંગ્રેજોનો સાથ આપ્યો. દેશના ભાગલા વખતે મુસ્લિમ લીગની જેમ એ લોકોએ પણ અસાધારણ ખૂનામરકી કરાવી.

તેમણે તિરંગાનો ઇન્કાર કરીને ૧૯૪૭માં સ્વાતંત્ર્ય દિવસના પરોઢે ફક્ત પોતાનો ભગવો ધ્વજ જ ફરકાવ્યો.

તેમણે ૧૯૪૮માં મહાત્મા ગાંધીની હત્યા કરી અને મીઠાઈ વહેંચી.

તેમણે ૧૯૫૦માં ભારતીય સંવિધાન વિરુદ્ધ ઝેર ઓક્યું અને સંવિધાન સામે મનુસ્મૃિત તરફ પસંદગી દર્શાવી.

એ લોકોએ ૧૯૫૧માં કાયદા પ્રધાન ડૉ. આંબેડકરના હિન્દુ કોડ બિલનો વિરોધ કર્યો. તે બિલમાં હિન્દુ મહિલાઓ માટે પુરુષોના અધિકારોને સમાન અધિકારોનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. આંબેડકરે કટુતાપૂર્વક રાજીનામું આપી દીધું. આથી બાબાસાહેબે નક્કી કરેલા તરત પછીના, સમાન નાગરિક ધારા(કૉમન સિવિલ કોડ)નો મુસદ્દો ઘડવાના ધ્યેયનું કામ અધૂરું રહ્યું.

તેમણે  ૧૯૫૬માં ડૉ. આંબેડકરની સાથે, જાતિવાદ તળે કચડાતા હિન્દુ ધર્મને છોડીને જાતિ વિહીન બૌદ્ધ ધર્મ અપનાવનાર સહુનો વિરોધ કર્યો.

દલિતો વિરુદ્ધના સતત ક્રૂર અત્યાચારો પછી પણ તેમણે જાતિ વ્યવસ્થાને પ્રતિષ્ઠિત કરનારા ‘પવિત્ર’ ધાર્મિક ગ્રંથો સામે કોઈ પણ સવાલ ઉઠાવવાનો વિરોધ કર્યો . વળી તેમનો ધર્મ આ પૃથ્વી પરનો સહુથી સહિષ્ણુ ધર્મ છે એવો દાવો-દેખાડો પણ તેમણે ચાલુ જ રાખ્યો છે.

કાશ્મીરમાં ૩૭૦ની કલમ, જે એ વિસ્તારને કેટલીક સ્વાયત્તતા આપે છે, એના તેમણે કરેલા ભયંકર વિરોધના પરિણામે ત્યાં આતંકવાદને પ્રોત્સાહન મળ્યું.

ચૂંટણીમાં લાભ મેળવવા ૧૯૮૭માં રાજસ્થાનમાં સતી બનવાની ઘટનાનું તેમણે મહિમાગાન કર્યું. તેમણે દલિતો અને અન્ય છેવાડાના લોકોને મળતી અનામતની નીતિનો જોરદાર વિરોધ કર્યો. અલબત્ત, આ વિરોધ તેનાથી થનારા ચૂંટણીલક્ષી નુકસાનનો ખ્યાલ આવ્યો ત્યાં સુધી જ ચાલ્યો.

તેમણે ૧૯૯૨માં બાબરી મસ્જીદ તોડી પાડી અને હિન્દુ અને મુસ્લિમો વચ્ચેની નાજૂક એકતાને નષ્ટ કરી નાખી. તેમણે આદિવાસીઓના શિક્ષણ અને આરોગ્ય માટે કામ કરનાર ખ્રિસ્તીઓને નિશાન બનાવીને મારી નાખ્યા.

૧૯૮૮માં તેમણે અણુબોમ્બને પ્રોત્સાહન આપ્યું, એટલે સુધી કે તેમને અણુ અખતરાનું મંદિરેય બનાવવું હતું. એ લોકો અણુ બોમ્બનો શસ્ત્ર તરીકે જોતા થયા, એટલે પાકિસ્તાન સાથે અણુશસ્ત્રોની  હરીફાઈની શરૂઆત થઈ. આખો ય ઉપખંડ અણુ વિનાશને આરે મૂકાઈ ગયો .

આઝાદી પછી અગણિત કોમી રમખાણો કર્યા બાદ ૨૦૦૨માં ગુજરાતમાં મુસલમાનોના સામૂહિક સંહારની શરૂઆત કરી. તે પછી મુઝફ્ફરનગર અને અન્ય જગ્યાએ ચૂંટણીલક્ષી અનિવાર્યતાને કારણે તેમણે  જ્યાં, જેવી જરૂર પડી તેવા રમખાણો કરાવ્યાં.

તેમણે તીસ્તા સેતલવાડ અને તેમની ટુકડીના વ્હિસલ બ્લોઅર્સ વિરુદ્ધ શોધ-શિકાર ઝુંબેશનો આરંભ કર્યો, એટલા માટે કે એ જૂથે રમખાણો પછી તેમની ન્યાય વ્યવસ્થાએ  હિંસાચારીઓ માટે સર્જેલી ભયમુક્ત સ્થિતિને પડકારી હતી.

તેમણે ગોવા, થાણે, માલેગાંવ, સમઝૌતા એક્સપ્રેસ, મક્કા મસ્જીદ અને અન્ય સ્થાનો પર આતંકવાદી હુમલા અને બૉમ્બધડાકા કર્યા અને તેનો દોષ તેમણે મુસ્લિમો પર થોપવાની કોશિશ કરી. પણ  બહાદુર પોલીસ અધિકારી હેમંત કરકરેને કારણે  તેઓ ખુલ્લા પડી ગયા .

તેમણે ૨૦૧૩ બાદ ત્રણ પ્રસિદ્ધ રૅશનાલિસ્ટો સહિતના અનેક અજાણ્યા બૌદ્ધિકોની હત્યા કરી તેમ જ  ઘણાને ધમકીઓ આપી.

આજે તેઓ અને બિલાડીના ટોપની માફક વધી રહેલા તેમના સાગરિતો દેશભરના ગામડાંના વિસ્તારોમાં ગૌમાંસ પ્રતિબંધ અને લવ જિહાદના નામે લઘુમતીઓ પર હુમલો કરવા માટે દક્ષતા જૂથોને હથિયારો ચલાવવાની તાલીમ આપી રહ્યા  છે.

તેમના યુવામોરચા દેશભરના શિક્ષણ સંકુલોમાં ભય ફેલાવી રહ્યા છે. સેક્યુલર, લોકશાહી, ગાંધીવાદી, ડાબેરી અથવા આ બંધા વિચારોનો સમન્વય ધરાવતાં વિદ્યાર્થી સંગઠનોનો એ લોકો વિરોધ કરી રહ્યા છે. જેમના વિચારો તેમની સત્તાને પડકારે એવા હરિફ જૂથો અને વ્યક્તિઓને તે લોકો બદનામ કરે છે અથવા તેમની પર હિંસક હુમલા કરે છે. તેમાં બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયના પ્રોફેસર સંદીપ પાંડેથી લઇ કબીર કલા મંચના શીતલ સાઠે, ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ઇ ન્સ્ટિટ્યૂટ ઑફ  ઇન્ડિયાના, ચેન્નાઈના આંબેડકર-પેરિયાર ગ્રુપના અને હૈદરાબાદના આંબેડકર વિદ્યાર્થી સંગઠનોના  વિદ્યાર્થીઓનો તેમાં સમાવેશ થાય છે.

મધ્યયુગીન પછાત માનસ સાથે મુક્ત બજારવાદી આર્થિક મૉડેલની ભેળવણી સાથેની તેમની   વિચારધારા દેશનાં સાર્વભૌમત્વ અને કુદરતી સંપત્તિને વિદેશી બહુરાષ્ટ્રીય કંપનીઓને હવાલે કરી રહી  છે. તેઓ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના આધુનિક અવતાર છે.

તેમનો બિલકુલ તાજો શિકાર રોહિત વેમુલા છે. તે સમાજમાં હજારો વર્ષથી કચડાયેલા વર્ગનો છે. એ લોકો રોહિત વેમુલાને રાષ્ટ્ર વિરોધી કહે છે.

(અનુવાદક ઉમેરે છે : … અને હવે, એ લોકો, મુક્ત વિચારના સ્થાન સમી જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના જુદી  રીતે વિચારતા  વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને રાષ્ટ્ર વિરોધી કહે છે.) 

અંગ્રેજીમાંથી અનુવાદ: પાર્થ ત્રિવેદી, અનુસ્નાતક વિદ્યાર્થી, સમાજકાર્ય વિભાગ, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરા 

27 માર્ચ 2016 

+++++++ 

Loading

ન રણી, ન ધણી, એ જ કહાણી?

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|2 April 2016

‘કેગ’નો હેવાલ છેક છેલ્લે દા’ડે, લગભગ છેલ્લે કલાકે, ગૃહમાં મૂકવો એ તો રઘુકુલરીતિ પેઠે અફર રવૈયો રહેલો છે. 

વિચાર્યું હતું કે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના આઇ.આઇ. પંડ્યા જેવા સર્વ રીતે સજ્જ ને સિનિયર અધ્યાપકની સરખામણીએ ખાસા જુનિયર અધ્યાપકને વિભાગીય વડાપદે બેસાડવાનો જે અશૈક્ષણિક બેત રચાયો (જેવું પૂર્વે ભરત મહેતાના કિસ્સામાં પણ થયું હતું), એની વાતથી કે પછી સરકારી ઉર્દૂ અકાદમીનું પારિતોષિક હર્ષ બ્રહ્મભટ્ટે ન સ્વીકાર્યું એવા કોઈ ઉલ્લેખ સાથે જાહેર જીવનમાં અપેક્ષિત ધોરણો એક પા અને સરકારી તેમ જ બીજાં સત્તાપ્રતિષ્ઠાનોની રસમ બીજી પા, એ વિષાદપ્રેરક વિસંગતિ વિશે કાંક વાત કરીશું.

પણ, શુક્રવાર સવારનાં છાપાં જોયા ત્યારે આ બંને નાની છતાં મોટી વાતો છેક જ નાની લાગી! ગુજરાત વિધાનસભાના છેલ્લા દિવસે (ગેરહાજર-સસ્પેન્ડેડ-વિપક્ષની એસીતેસી સાથે) રાજ્યની યુનિવર્સિટીઓને એક છત્ર જેવી કરી નાખી સ્વાયત્તતાને નામે સૂનકાર, ધરાર એટલો જ ભેંકાર સૂનકાર, પ્રવર્તાવવાનો ખયાલ શિક્ષક મુખ્યમંત્રીના નેતૃત્વ તળે હુંકારભેર પ્રગટ થયો અને સરકારી કામગીરી વિશે કોમ્પ્ટ્રોલર ઍન્ડ ઑડિટર જનરલ કહેતાં ‘કેગ’નો હેવાલ હંમેશની જેમ સિફત અને સલુકાઈથી ગૃહ ચર્ચા જ ન કરી શકે એ રીતે છેક છેલ્લે દિવસે રજૂ થયો.

આ હેવાલમાં રાજ્યની આરોગ્યસેવા ખાડે ગઈ હોવાતી માંડીને ખાસા 19,000 કરોડ રૂપિયા જેટલી જે તે કામ માટે ફાળવાયેલી રકમ નહીં વાપરી શકાતા પાછી મોકલવી પડ્યા સહિતની વિગતો જ વિગતો છે. જળપ્લાવિત જમીન-વેટલેન્ડ-બાબતે બેતમા બેદરકારી, નિરમા સીમેન્ટ પ્લાન્ટ જ્યારે બંધારાને ગ્રસી જવા તડેપેંગડે હતો ત્યારે અપાયેલી જાનદાર લડત પછી અને છતાં, જારી હોય તેને વિશે અને મિશે શું કહેવું.

હમણાં ગૃહમાં મુક્ત ને પુખ્ત ચર્ચા બાબતે અલ્લાયો જ અલ્લાયો હોવાનો ઉલ્લેખ કર્યો પણ આ ઉલ્લેખ હજુ વધુ સખોલ ચર્ચા માગી લે છે. ગૃહ મળવાના દિવસોનું ઉત્તરોત્તર સંકોચાતા જવું અને પ્રશ્નોત્તરીના કલાકનો રચનાત્મક કસ કાઢવાને બદલે ભળતા બેત અજમાવવા એ અહીં રાબેતો બની રહ્યો છે. મતલબ, ખાટલે મોટી ખોટ (અને ખોડ) દાયિત્વ અને ઉત્તરદાયિત્વ કહેતાં ‘એકાઉન્ટેબિલિટી’ની છે. યુનિવર્સિટીઓની સ્વાયત્તતા ગ્રસી જતો ખરડો તો માનો કે વિપક્ષની ગેરહાજરીમાં ફૂલેકું ફેરવી ગયો, પણ ભૂતકાળમાં વિપક્ષ ગૃહ બહાર ન કઢાયેલો હોય ત્યારે પણ ‘કેગ’નો હેવાલ છેક છેલ્લે દા’ડે, લગભગ છેલ્લે કલાકે, ગૃહમાં મૂકવો એ તો રઘુકુલરીતિ પેઠે અફર રવૈયો રહેલો છે.

સવાલ એ છે કે સન્માન્ય ધારાસભ્ય, પછી તે સત્તાપક્ષમાં હોય કે વિપક્ષમાં, સરકાર સંસદીય લોકશાહીમાં અપેક્ષિત બંધારણીય રાહે ગૃહને જવાબદાર રહે તે બાબતે સતર્ક ને સક્રિય છે કે કેમ. વિપક્ષને તો માનો કે તમે ગૃહનિકાલ કરી શકો, વિપક્ષ વિશે તો એને વાતે વાતે વિરોધ કોઠે પડ્યો છે એમ કહી અભરાઈએ મૂકી શકો, પણ ભલે સત્તાપક્ષના પણ ધારાસભ્યે પ્રધાનમંડળ ગૃહને જવાબદાર રહે તે માટે સવાલદાર હોવા ને રહેવાપણું છે. સમજાતું નથી, સન્માન્ય ધારાસભ્યોને સરકાર લગભગ ગજવે ઘાલી (કે કોરાણે મેલી) જાહેર બાબતોમાં ધોરાજી ચલાવે તે ઘૂંટડો કેમ કરીને ગળે ઊતરતો હશે. વ્યક્તિગત કામે કાઢવા-કરાવવા કદાચ નાકમોં દાબીદબાવી શકાતાં હશે, પણ જાહેર કામોનું શું. સરકારને ગૃહને જવાબદાર રાખવા મુદ્દે ન રણી, ન ધણી – એ જ કહાણી?આ સંદર્ભમાં આજની તારીખે સૂઝતો સીધોસાદો દાખલો રાજ્યની સરકારી અકાદમીનો છે.

આરંભે જ હર્ષ બ્રહ્મભટ્ટે ઉર્દૂ અકાદમીના પારિતોષિકનો સ્વાયત્તતાને મુદ્દે અસ્વીકાર કર્યાની જિકર કરી. કાગળ પર પણ જે સ્વાયત્તતા હતી એનો સોસાયટી ઍક્ટ હેઠળ રજિસ્ટર્ડ બંધારણનો ઓળિયોઘોળિયો કરીને બારોબાર ઉપરથી પેરાશૂટ શૈલીએ ઉતારેલ પ્રમુખ થકી બધું કામકાજ રોડવવાનું શરૂ થયું એને ચાલુ અઠવાડિયે ખાસું એક વરસ થશે. આ વરસ દરમ્યાન ખૂણેખાંચરે તેમ પ્રસંગે પ્રગટપણે નાનામોટા વિરોધ અવાજો ઊઠતા રહ્યા છે. વિરોધસહીઓ એકત્ર કરાઈ સરકારને  પહોંચાડાઈ છે. સાહિત્યસંસ્થાઓએ વિરોધલાગણી દર્જ કરાવી છે તો સો વરસ વટી ગયેલી પ્રજાકીય સંસ્થા ગુજરાતી સાહિત્ય પરિષદની પ્રમુખીય ચૂંટણીમાં સ્વાયત્તતાને મુદ્દે પ્રતિબદ્ધ પ્રમુખને નિર્ણાયક બહુમતીથી ચૂંટી કાઢીને સર્વસામાન્ય સાહિત્યરસિક સમુદાયે પોતાની રૂખ સાફ કરી છે. સાહિત્યપ્રીત્યર્થ સદભાવથી જોડાયેલા વરિષ્ઠ સાહિત્યસેવીઓ સરકારી અકાદમીમાંથી એક પછી એક છૂટા થવા લાગ્યા છે.

રાજ્ય સરકારને આ સંદર્ભમાં, ધ્યાન દોર્યા છતાં, કોઈ પુનર્વિચાર કરવાપણું લાગ્યાના સંકેતો હમણાં સુધી તો નથી. દિલ્હીમાં જ્યારે રાષ્ટ્રીય સ્તરની અકાદેમી બની ત્યારે ‘ડિસ્કવરી ઑફ ઇન્ડિયા’ અને ‘ગ્લિમ્પ્સીઝ ઑફ વર્લ્ડ હિસ્ટરી’ના લેખક જવાહરલાલ નેહરુ એના પ્રમુખ હતા. એમણે કહેલું કે અકાદમીના પ્રમુખ નેહરુ અને વડાપ્રધાન નેહરુ વચ્ચે મતભેદ પડે ત્યારે હું અકાદમીના પ્રમુખ સાથે રહેવું પસંદ કરીશ. કાશ્મીર બાબતે રૂસી વીટોની કુમક ખાસી હતી અને જવાહરલાલ આમ પણ સોવિયેત બ્લોક ભણી કૂણા મનાતા હતા પણ ‘ઝિવાગો’ના લેખક પાસ્તરનાક સાથે મોસ્કોના દુર્વર્તાવ વિશે નિસબત વ્યક્ત કરતાં અકાદમી ખચકાઈ નહોતી. અકાદેમીનો હુંકાર અને સરકાર સમાદર તે શું, એના આ પેરેલલ સામ હાલના ગુજરાતનું ચિત્ર શું છે? નેહરુના સમયમાં મુંદડા પ્રકરણનો મુદ્દો ગૃહમાં એમના જ પક્ષના સાંસદ ફિરોઝ ગાંધીએ ઉઠાવ્યો હતો અને સંબંધિત મંત્રીને લબડધક્કે લીધા હતા. હર સાંસદ/વિધાયકને પોતાના હક્ક અને ફરજ બેઉનો ખયાલ રહે એ સીધોસાદો લોકશાહી હિસાબ છે. એને માટે રાષ્ટ્રવાદી કે સેક્યુલર કે સંપ્રદાયવાદી કશું થવું જરૂરી નથી.

જો ગૃહ પોતાની ફરજ ન બજાવી શકતું હોય અગર સરકાર તેને બજાવવા દેતી ન હોય તો શું? 1974માં ગુજરાત બિહારનાં આંદોલનોએ આ સવાલોનો જવાબ આપેલો છે. ગૃહ અને તેને જવાબદાર સરકાર જો કાનૂની સાર્વભૌમ (લીગલ સોવરેન) છે તો તેને ચૂંટનાર જનતા રાજકીય સાર્વભૌૈમ (પોલિટિકલ સોવરેન) છે. અને તે નાતે એ ગૃહને ‘ચલે જાવ’ ફરમાવી શકતી અપીલમાં એટલે કે આંદોલનમાં ચોક્કસ જઈ શકે છે. 1974 અને ગુજરાત બિહારનાં આંદોલનોનું સ્મરણ, એના સહભાગી (અને આગળ ચાલતાં વડા લાભાર્થી) ભાજપને કરાવવું પડે તે આ પક્ષે પ્રમાણમાં ટૂંકા શાસનકાળમાં મેદ અને કાટ કેટલા પ્રમાણમાં રળેલ છે એનો અચ્છો ખયાલ બિલકુલ સૂત્રાત્મકપણે આપી શકે છે.

ધારાસભ્યો અને પક્ષોની વાત તો ખેર છોડો. અક્ષરકર્મીઓ જો છેક જ અક્કરમી ન હોય તો છત્રીપ્રમુખ સહિત બચીખૂચી અકાદમી પંડે જ ગરવાઈથી ખડી પડીને સ્વાયત્તતા સારુ પથ પ્રશસ્ત કરવાનું નૈતિક સાહસ કેમ ન દાખવી શકે? બને કે આરંભે નિર્દેશેલી વિષાદ પ્રેરક વિસંગતિ એક આહલાદક મન્યુનુંયે રૂપ લઈ શકે.

સૌજન્ય : ‘ગૃહ અને સરકાર’,  “દિવ્ય ભાસ્કર”, 02 અૅપ્રિલ 2016

Loading

ભારત માતા કી જય : એટલે, એક્ઝેક્ટલી કોની?

રાજ ગોસ્વામી
, રાજ ગોસ્વામી|Opinion - Opinion|31 March 2016

ભારત માતા કી જય પોકારવાથી જ કોઈ માણસની રાષ્ટ્રભક્તિ પુરવાર થતી હોય તો વિજય માલ્યાથી મોટો રાષ્ટ્રભક્ત બીજો કોઈ ન હોઈ શકે

દુનિયામાં 50 જેટલી ભાષા કે દેશોમાં પિતૃભૂમિ અથવા તો તેનો  સમકક્ષ શબ્દ વપરાય છે. મોટાભાગે પિતૃભૂમિ શબ્દ યુરોપિયન દેશોનો છે. બાકીના દેશો માતૃભૂમિ શબ્દ વાપરે છે. જર્મન લોકો એમના દેશને ફાધરલેન્ડ કહે છે. રશિયામાં મધરલેન્ડ છે. આપણે ભારત માતા કી જય કહીએ છીએ, એના પરથી ભારત માતૃભૂમિ છે, તે સ્પષ્ટ થાય છે.

મજલિસ-એ-ઇત્તેહાદુલના નેતા અસદુદ્દીન ઓવૈસીએ આ કારણથી જ ‘ગર્દન પર છુરી મૂકો તો પણ ભારત માતા કી જય નહીં બોલું’ એવું નિવેદન કર્યું હતું. પાકિસ્તાનના (જેના માટે ‘વતન’ શબ્દ છે, જે પિતૃભૂમિનો દ્યોષક છે) મશહૂર ઇસ્લામિક સ્કોલર અને રાજનેતા તાહિર ઉલ કાદરીએ કહ્યું છે કે, ‘વતનની સરજમીનને માતાનો દર્જા આપવો એ ઇસ્લામની વિરુદ્ધ નથી.’ પયગમ્બર-એ-ઇસ્લામની એક હદીસમાં હજરત પયગમ્બર મોહમ્મદે કહ્યું છે કે, ‘હુલ્બલ વતની મિનલ ઇમાન’ અર્થાત્ વતનને મોહબ્બત કરવી એ ઇમાન(ધર્મ)નો ભાગ છે.

વંદે માતરમ્ ગાવાને લઈને મુસ્લિમોમાં ઘણાં વર્ષોથી બહસ ચાલે છે, જેમાં (કેટલાક) મુસ્લિમોનો વિરોધ એ બાબતને લઇને છે કે આ રાષ્ટ્રગીતમાં ભારત માતા સામે નમન કરવાનું આહ્્વાન છે, જ્યારે કુરાનમાં સ્પષ્ટ આદેશ છે કે અલ્લાહની જમાતમાં બીજા કોઈને સામેલ કરવાની મનાઈ છે. મતલબ કે ઇસ્લામમાં અલ્લાહ સિવાય બીજા કોઈની ઇબાદત કરવાની ઇજાજત નથી. ‘ભારત માતા કી જય’માં માતૃભૂમિ ભારતના જય જયકારની વાત છે કે પછી ભારત માતા નામની ‘દેવી’ના પૂજનનું ઇજન છે તેની અસ્પષ્ટતાને લઈને મુસ્લિમોના એક વર્ગમાં વિરોધ અને વિવાદ ચાલે છે.

ભારતની ભૂમિને માતા તરીકે જોવાની કલ્પના બહુ જૂની છે, અને મોટાભાગે એ સાંસ્કૃિતક પરંપરામાંથી આવે છે. બીજી તરફ એને દેવીની કક્ષાએ મૂકવામાં આવી છે તે પણ હકીકત છે, અને મોટા ભાગે એમાં રાજનૈતિક ચળવળોની હિસ્સેદારી છે. વારાણસીમાં ભારતઅંબા (અંબા એટલે માતા)નું મંદિર છે, જેમાં ભારતના નકશા સાથેની ભારત માતાની માર્બલની પ્રતિમા છે. ગાંધીએ 1936માં આ મંદિર ખુલ્લું મૂકતાં કહ્યું હતું કે, ‘મને આશા છે કે આ મંદિર હરિજન સહિતની તમામ જાતિઓ અને દરેક ધર્મ અને પંથના લોકો વચ્ચે ધાર્મિક એકતા, શાંતિ અને પ્રેમનું સ્થાન બની રહેશે.’

જન્મભૂમિને માતા તરીકે જોવાની વાત સર્વકાલીન છે, પરંતુ માત્ર ભારતના કિસ્સામાં જ આઝાદી આંદોલનને કારણે એ માતાએ દુર્ગાનું સ્વરૂપ પણ ધારણ કર્યું છે. મુસ્લિમોને આ દેવત્વારોપણ સામે વાંધો છે, કારણ કે ઇસ્લામમાં મૂર્તિપૂજા વર્જિત છે. આજથી 100 વર્ષ પૂર્વે 1905માં કનૈયાલાલ મુન્શીએ અરવિંદ ઘોષને પૂછેલું, ‘દેશપ્રેમી કેવી રીતે બનાય?’ ત્યારે અરવિંદે બ્રિટિશ ઇન્ડિયાનો નકશો બતાવીને જવાબ આપેલો, ‘આ નકશો દેખાય છે? આ નકશો નથી, પણ ભારત માતાનું ચિત્ર છે. એનાં શહેરો, પર્વતો, નદીઓ ને જંગલોથી અને શરીર બને છે. ભારતને એક જીવતી માની જેમ ધારી લો, અને નવવિધા ભક્તિથી એની પૂજા કરો.’

બંગાળમાં આ જ સમયગાળા દરમિયાન ભારતને માતા તરીકે આગળ ધરીને બંગાળના વિભાજનનો વિરોધ થયો હતો, અને એ પછી સ્વદેશી ચળવળમાં પણ માતાની છબી આગળ વધી હતી. રવીન્દ્રનાથ ટાગોરના ભત્રીજા અને પ્રસિદ્ધ ચિત્રકાર અવનીન્દ્રનાથ ટાગોરે 1905માં પહેલી વખત ભારત માતાની આ કલ્પનાને ચિત્ર સ્વરૂપે ઉતારી હતી, જેનો સ્વદેશી ચળવળમાં ખૂબ ઉપયોગ થતો હતો. દિલચસ્પ વાત એ છે કે અવનીન્દ્રનાથે જ્યારે સૌ પ્રથમ ચિત્ર દોર્યું ત્યારે તેમણે અવિભાજિત બંગ માતા તરીકે એની કલ્પના કરી હતી.

બંગાળના વિભાજનમાંથી બિહાર, આસામ, બંગાળ અને ઓરિસ્સા રાજ્યની રચના થઈ તે પછી બંગ માતાનો ભારત માતા તરીકે પુનર્જન્મ થયો હતો. આ અગાઉ 1882માં આવેલી બંકીમચન્દ્ર ચટ્ટોપાધ્યાયની નવલકથા ‘આનંદમઠ’માં આ માતાની શિવજીની છાતી પર નૃત્ય કરતી કાલિકા અને દસ હાથવાળી દુર્ગા તરીકે કલ્પના કરવામાં આવી હતી. અવનીન્દ્રનાથે એમના ચિત્રમાં વૈભવ અને સમૃદ્ધિની દેવી લક્ષ્મી તરીકે એની કલ્પના કરી હતી. ભારત માતાનો બીજો એક અવતાર ભારતીય ગૃહિણી તરીકેનો છે.

પશ્ચિમની દુનિયાને ભારતીય કળાનો પરિચય કરાવનાર તમિળ ઇતિહાસકાર કુમાર સ્વામીએ એક કહાનીમાં ‘ઊંચી, ગોરી અને યુવાન સ્ત્રી’ તરીકે ભારતમાતાનું ચિત્રણ કર્યું હતું. આ એ જ સમય હતો, જ્યાંથી કેલેન્ડર, લિથોગ્રાફ, સાડી અને ધોતીની બોર્ડર, મેચ બોક્સ અને કાર્ટૂનમાં ભારત માતાનો પ્રભાવ છવાઈ ગયો હતો. 1935માં ચિત્રકાર અમૃતા શેરગિલે ભારત માતાને આદિવાસી સ્ત્રી તરીકે દોરી હતી. ગુલામી અને પછાતપણાની માનસિકતામાં સબડતા ભારતીય સમાજમાં ચેતના જગાવવા માટે ભારત માતાની કોરી કલ્પના એક સશક્ત પ્રતીક તરીકે ઊભરી આવી તે સાચું, પરંતુ એ (33 કરોડ પૈકીની) એક દેવી ન બની જાય અને બહુમતી હિન્દુઓના પ્રભુત્વની લાકડી ન બની જાય તેની ચિંતા ત્યારે પણ થઈ હતી. 1920માં એક લેખમાં રાષ્ટ્રપ્રેમી અરવિંદ ઘોષે લખેલું,

‘કૉંગ્રેસની જે ભારત માતાની આપણે પૂજા કરીએ છીએ તે કૃત્રિમ છે અને બ્રિટિશરોની રાખેલી છે, આપણી મા નથી. જે દિવસે આપણે અખંડ ભારતમાનાં દર્શન કરીશું ત્યારે ભારતની સ્વતંત્રતા, એકતા અને વિકાસનો માર્ગ ખૂલી જશે, પણ આપણે હિન્દુ માતા કે હિન્દુ રાષ્ટ્રવાદનાં દર્શન પર ભાર મૂકીશું તો એ ભયાનક ભૂલ હશે, અને આપણું રાષ્ટ્રત્વ પૂરેપૂરું ખીલી નહીં શકે.’ 1937માં વંદે માતરમમાં ભારત માતા સામે સજદા કરવાનો વિવાદ થયો ત્યારે રવીન્દ્રનાથ ટાગોરે સુભાષચન્દ્ર બોઝને એક પત્ર લખીને વંદે માતરમ્્ને રાષ્ટ્રગીત નહીં બનાવવાની સલાહ આપી હતી, કારણ કે (ટાગોરના શબ્દોમાં), ‘વંદે માતરમના કેન્દ્રમાં દુર્ગા દેવીનું સ્તવન છે.

આ એટલું દેખીતું છે કે એમાં કોઈ શંકા નથી કે કોઈ પણ મુસલમાન દસ હાથવાળી દેવીની પૂજા નહીં કરે. ‘આનંદમઠ’ એક કાલ્પનિક કહાની છે, એટલે એમાં આ ગીત ઉચિત લાગે, પરંતુ સંસદ તમામ ધાર્મિક સમુદાયોના મેલજોલનું સ્થળ છે ત્યાં આ ગીત યોગ્ય નથી.’ ટાગોરની આ ટકોરના કારણે જ કૉંગ્રેસે વંદે માતરમ્્માંથી એ પંક્તિ હટાવી દીધી હતી, જેમાં રાષ્ટ્રને દુર્ગાના અવતાર તરીકે પેશ કરવામાં આવ્યું હતું.’ અત્યારે જે વિરોધ અને વિવાદ થયો છે તેની  પાછળ પણ પેલો ધાર્મિક લહેજો જ કારણભૂત છે.

રાષ્ટ્રધ્વજને સલામી કરવા માત્રથી જ, કે પછી ભારત માતા કી જય પોકારવાથી જ કોઈ માણસની રાષ્ટ્રભક્તિ પુરવાર થતી હોય તો વિજય માલ્યાથી મોટો રાષ્ટ્રભક્ત બીજો કોઈ ન હોઈ શકે, જેણે એની ઑફિસો અને મહેફિલોમાં ‘રાષ્ટ્રભક્તિની સંવેદના’ની બરાબર દરકાર કરી હતી. આપણને આવા દેશના લૂંટારા-પીંઢારાથી કોઈ સમસ્યા નથી (ઇનફેક્ટ, લાખો નવજવાનોના તો એ આદર્શ પણ છે) અને કપોળ કલ્પનાઓના મુદ્દે તલવારો લઈને નીકળી પડીએ છીએ!

આપણે કઈ ભારત માતાના જયની વાત કરીએ છીએ? એ માતાની જેણે ખજુરાહો અને કોણાર્ક મંદિરોની દીવાલો પર સ્ત્રી-પુરુષોના મૈથુનની રચનાઓને મંજૂરી આપી હતી? કે પછી એ ભારત માતાની જે 350 વર્ષ સુધી મુઘલોની ગુલામ રહી હતી અને જેમણે અંતે આપણને તાજમહાલ નામના ચમત્કારની ભેટ આપી હતી? આ એ જ માતાની જય છે જે એક સદી સુધી બ્રિટિશરોની એડીઓ નીચે કચડાતી રહી અને જે રજવાડાંઓને હાથમાં હાથ પરોવાવીને એક સશક્ત પક્ષ તરીકે ઊભરી હતી? કે પછી આ એ ભારત માતાનો જય જયકાર છે, જે કાશ્મીર અને હૈદરાબાદ અને પંજાબ જેવાં ‘છોરાં-છૈયાં’ વગર 15મી ઑગસ્ટ, 1947ના દિવસે આઝાદ થઈ હતી?

શું આ એ જ ભારત માતાને નમન છે જેના ખોળામાં બેઠેલાં આસામ, નાગાલેન્ડ, મણિપુર, અરુણાચલ, મિઝોરામ, ત્રિપુરા અને સિક્કિમ માતાની સ્થિરતા અને એકતાને સતત પડકારી રહ્યાં છે? આ જય એની જ છે, જેની છત્રછાયામાં આજે પણ દલિત કે હરિજનની હત્યા સહજ અને સામાન્ય છે અને જ્યાં સ્ત્રી હજુ ય ચાર દીવાલો વચ્ચે મનોરંજન અને ઇજ્જતનું સાધન છે?

ભારત માતા એટલે, એક્ઝેક્ટલી, કોણ?

e.mail : rj.goswami007@gmail.com

સૌજન્ય : ‘બ્રેકીંગ વ્યૂસ’ નામક લેખકની કોલમ, ’રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, Mar 27, 2016

http://www.divyabhaskar.co.in/news/MAG-breaking-views-by-raj-goswami-in-sunday-bhaskar-5284417-NOR.html

Loading

...102030...3,6443,6453,6463,647...3,6503,6603,670...

Search by

Opinion

  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved