Opinion Magazine
Number of visits: 9552231
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘પચાસ સેન્ટમાં આપ’

ગાંડાભાઈ વલ્લભ પટેલ|Opinion - Opinion|25 July 2016

ઘણાં વર્ષો પહેલાંની – લગભગ ચોવીસેક વર્ષો પહેલાંની આ વાત છે. અમારાં એક સમ્બન્ધી પાસે વેલિંગ્ટનમાં શૉપ હતી. એ શૉપ વેલિંગ્ટનના એક પરામાં, અમે રહીએ છીએ ત્યાંથી લગભગ ૩૦થી ૩૫ કિલોમીટર દૂર છે. એ લોકો હોલીડે કરવા કેટલાક સમય માટે સ્વદેશ જવાનાં હતાં. આથી એ શૉપ સંભાળવાનું અમને કહ્યું.

જે વિસ્તારમાં એ શૉપ હતી ત્યાંની લોકાલિટી કંઈ બહુ સારી તો ન હતી; પણ અમારાં એ સમ્બન્ધીઓને હેલ્પ થાય એટલા માટે અમે, એટલે કે મેં અને મારાં પત્નીએ શૉપ સંભાળવાનું સ્વીકાર્યું હતું. હા, કુદરતી સૌંદર્યની દૃષ્ટિએ તો સ્થળ ઘણું જ રળિયામણું છે. એક ડુંગર પાર કર્યા પછી આ નાનકડો કસ્બો શરૂ થાય છે. કંઈક અંશે થોડો ઉચ્ચ પ્રદેશ કહી શકાય એવો એ એરિયા છે. આથી જ કદાચ વેલિંગ્ટન કરતાં ત્યાં ઠંડી વધુ હોય છે. વેલિંગ્ટનમાં સ્નો ભાગ્યે જ પડે છે – અમારા ચાળીસ વર્ષના અહીંના વસવાટમાં માત્ર એક જ વાર સાવ નજીવો સ્નો પડેલો અમે જોયો છે; પણ જે સ્થળની હું વાત કરું છું, ત્યાં કોઈ કોઈ વાર શિયાળામાં સ્નો પડે છે.

શૉપમાં આવનારાં મોટા ભાગનાં લોકો બહુ ફ્રેન્ડલી હોવા છતાં પણ; કોઈ કોઈ ચોરી કરી જતા. નાની વસ્તુ બાંયમાં સંતાડીને લઈ જતા અમુક લોકોને અમે જોયેલા. એટલું જ નહીં; અમે શૉપ સંભાળી ને થોડા સમયમાં રાત્રીના સમયે શૉપનું તાળું તોડીને ચોરી પણ થયેલી.

એક દિવસ એક ભાઈ આવ્યા. ચિપ્પીઝ(પોટેટો ચિપ્સ)ની નાની બેગ એને જોઈતી હતી.

એણે ભાવ પૂછ્યો, ‘આનું શું લેવાના?‘

મેં કહ્યું, ‘૮૦ સેન્ટ.’

એ કહે, ‘કેમ એટલા બધા ?’

‘ભાઈ, આ પ્રકારની શોપમાં એનો બધે આ જ ભાવ હોય છે.’

‘તમે લોકો અમને લૂંટો છો. મને એ ૫૦ સેન્ટમાં આપ.’

‘ના, ૫૦ સેન્ટમાં તે તમને ન મળી શકે, તમારે લેવી જ હોય તો ૮૦ સેન્ટ આપીને લઈ જાઓ.’

આ રીતે એમણે ઘણી જીભાજોડી કરી.

છેવટે એને મેં કહ્યું, ‘તમારા માગેલા ભાવે તમને એ મળી શકશે નહીં. તમને જોઈતી હોય તો ૮૦ સેન્ટ આપીને લઈ જાઓ.’

ત્યારે એ મારા પર ખૂબ જ ગુસ્સે ભરાયો અને મને કહે, ‘તું બહાર આવ, તને બતાવી આપું.’

આમ કહેવા પાછળનું કારણ અહીંના કાયદા પ્રમાણે એ મારી મારપીટ દુકાનમાં જ, એટલે કે મારી જ પ્રોપર્ટીમાં કરે, તો એ ઘણો મોટો ગુનો ગણાય.

મેં એને કહ્યું, ‘જુઓ, હું કંઈ જંગલમાં નથી રહેતો, જંગલી નથી. હું કાયદાને અનુસરીને ચાલનારો છું. વસ્તુ તમારે ખરીદવી હોય તો એનો અમારો જે ભાવ છે, તે આપીને લઈ જાઓ.’

‘સારું હું તમને જોઈ લઈશ. અને એ ચિપ્પીઝ લીધા વિના ચાલી ગયો.

આ પછી શૉપમાં દૂધની ડિલિવરી કરનારું કપલ આવ્યું. એ લોકોએ કદાચ અમારી વચ્ચેની વાતચીત–જીભાજોડી ઘણીખરી સાંભળી હશે. એ બન્ને જણાં ઘણાં ઓલ્ડ હતાં. ઓલ્ડ લેડી મને કહે, “મિ. પટેલ, તમે જાણો છો કે તમારી સાથે દલીલ કરનાર કોણ હતો? એ અહીંનો નામચીન અને પહેલા નંબરનો ગુંડો છે. પોલીસ પણ એને કશું ન કરે.”

દેખીતું છે કે અમે એ વિસ્તારથી અજાણ્યાં હતાં, આથી અમને તો કશી જ ખબર ન હતી, કે એ કોણ હતો અને કેવો હતો. પણ મારા સ્વભાવ મુજબ કોઈ ગેરવ્યાજબી માગણી કરે તો તેને તાબે ન થવું, એ રીતે મેં એની સાથે દલીલ કરી હતી. શારીરિક રીતે તો મને એ ચપટીમાં ચોળી–રોળી નાખે તેવી હાઈટવાળો અને કદાવર દેખાતો હતો.

શૉપમાં તે દિવસે અમે બંને જણાં હતાં. બાકી કેટલીક વાર શૉપમાં મારાં પત્ની એકલાં જ હોય, કેમ કે મારે શોપ માટે ખરીદી કરવા જવાનું હોય. તો કોઈક વાર હું પણ શૉપમાં એકલો હોઉં. વળી શૉપ સાથે રહેઠાણની વ્યવસ્થા ન હતી. એટલે કે એ લોકઅપ શૉપ હતી. આથી રાત્રે શૉપ બંધ કરીને ઘરે જવાનું થાય.

પણ મને નવાઈ એ વાતની લાગી કે એ માણસ ફરી મને કદી રસ્તામાં મળ્યો નથી અને નડ્યો નથી કે ફરી કદી અમારી એ શૉપમાં પણ આવ્યો નથી. જે મને ધમકી આપીને ગયેલો અને નંબર વન ગુંડાગીરી કરનાર હતો એમ કહેવાતું હતું, તો પછી એણે કેમ કશું કર્યું નહીં હોય?

હા, એ ખરું કે મેં એનું કશું બગાડ્યું ન હતું. જે સત્ય હકીકત હતી, તે જ મેં એને વિનયથી; પણ મક્કમતાથી કહી હતી, કે પચાસ સેન્ટમાં એ વસ્તુ આપવાનું અમને પરવડે નહીં તેથી પચાસ સેન્ટમાં એને આપવામાં આવશે નહીં.

બસ, આટલું જ !

પણ આ પ્રસંગે મને વિચારતો કરી મુક્યો. મને લાગે છે કે ના પાડવામાંયે આપણી મક્કમતા, વિનમ્રતા, ગ્રાહક પ્રત્યે સદ્ ભાવ; તોછડાઈ કે તુચ્છકારનો સદન્તર અભાવ જ કારણભૂત હશે.

બાકી, કેમ તેણે અમને જવા દીધાં હશે ?

વેલિંગ્ટન, ન્યુઝીલેન્ડ

લેખક-સમ્પર્ક : Gandabhai Vallabhbhai Patel, 77 Freyberg Street, Lyall Bay, WELLINGTON – 6022 – New Zealand

સૌજન્ય :  ‘સન્ડે ઈ.મહેફીલ’ – વર્ષઃ બારમું – અંકઃ 353 – July 24, 2016; અક્ષરાંકનઃ  ઉત્તમ ગજ્જર

Loading

દલિતોની વેદના અને તેમનો વિદ્રોહ સમજીએ સાહિત્યકૃતિઓ થકી

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Literature|23 July 2016

ઉના તાલુકાના મોટા સમઢિયાળા ગામના દલિતો પર થયેલા અત્યાચારના વિરોધમાં ગુજરાત  ખળભળી ઊઠ્યું છે તે સામાજિક પ્રતિરોધ અને પરિવર્તનની નિશાની છે.

ઢોરના ચામડાના કામ સાથે અને એકંદર સફાઈના કામ સાથે સંકળાયેલા શ્રમજીવી સમુદાયો આપણા દેશમાં સદીઓથી હીણપત અને હિંસાનો ભોગ બનતા રહ્યા છે. સફાઈ, નાતજાત, ધર્મ, ભૂખ, માંસાહાર ગરીબી, બેકારી એ બધી સુખાળવા સવર્ણ લોકો સમજી શકે એના કરતાં વધુ સંકીર્ણ બાબતો છે. એ સમજ કેળવવાનું કામ પ્રત્યક્ષ રીતે શિક્ષણ અને પરોક્ષ રીતે સાહિત્ય તેમ જ કલા કરતાં હોય છે. પીડિત દર્શન એ સાહિત્ય, સિનેમા, સંગીત અને ચિત્ર જેવી કલાઓનું એકમાત્ર નહીં તો ય મુખ્ય કર્તવ્ય છે. એ કામ સાહિત્યના અનેક પ્રવાહોમાંથી દલિત અને જનવાદી  સાહિત્ય વધુ  અસરકારક  રીતે કરે છે. વાચકને આ પ્રકારનાં લખાણો હાંસિયા બહારના લોકોની દોજખભરી જિંદગીનો અનુભવ નહીં તો ય અસરકારક અંદાજ આપે છે. એટલા માટે જ અગ્રણી ગુજરાતી સાહિત્યકાર-વિવેચક  દલપત ચૌહાણની ‘ગીધ’ (2000) નવલકથા ઉના ઘટનાએ ખાસ યાદ આવે છે. અહીં લેખકે મરી ગયેલાં ઢોરને લઈ જઈને, તેનું માંસ કાપીને, ખાઈને તેના ચામડામાંથી પગરખાં અને અન્ય વસ્તુઓ બનાવનાર લોકોની જિંદગીનું ઝીણવટભર્યું ચિત્રણ  કર્યું છે.

ઉનામાં ચાર દલિતોને મોટર સાથે બાંધીને દંડા ફટકારતા લુખ્ખાઓનું દૃશ્ય જોતાં ‘ગીધ’ નવલકથાનું દૃશ્ય મનમાં આવી ગયું. નવલકથામાં ચામડાંનું કામ કરનાર શ્રમજીવી કોમનો ‘સાથી’ એટલે કે બંધવા મજૂર નાયક ઇસાને તેના ચૌધરી માલિક માવજીભા તેમ જ  તેમના દીકરા લવજી-વેલજીને ઊભા ખેતરમાં લાકડીઓથી ઝૂડી નાખે છે, સાથે બેફામપણે તેની નાતને ગાળો બોલતા જાય છે. ઈસાની ‘લાશ’ને નીકમાં ગબડાવી તેની પર પૂળા ઢાંકી દે છે. ઇસો જીવી જાય છે,પણ ડરનો માર્યો જુલમીઓના નામ દેતો નથી. ઇસા પર હુમલાનું કારણ માવજીની શરીરસંબંધ ઝંખતી સોળ વર્ષની દીકરી દિવાળીનું ઇસા માટેનું એકતરફી આકર્ષણ  છે. અલબત્ત ઇસો જ્યારે ખેતરમાં જ્યાં પીટાય  છે તેના થોડા જ અંતરે દિવાળીની પાછળ પડેલો બીજો સાથી શનિયો પાક વચ્ચે છૂપાઈને તેનો લાભ લેતો હોય છે. પેલાં બંને ભાગી જાય છે અને ઇસો વગર વાંકે કૂટાઈ જાય છે. ઇસાને ફસાવવાની દિવાળીની કોશિશો સાથે લેખકે માલિકના કુટુંબમાં થતાં તેના ખૂબ શોષણ અને અપમાન પણ બતાવ્યાં છે. અસલામતી અનુભવતો શનોજી ઇસાને મારી નખાવે છે. ઇસાની વાર્તા સાથે લેખકે તેના પંથકમાં ચામડાનું કામ કરતાં દલિતોની આખીય દુનિયાનો ચિતાર, નવલકથા કેવળ દસ્તાવેજ ન બને તે રીતે આપ્યો છે. ગામની ભૂગોળ, રોજબરોજની જિંદગી, જ્ઞાતિઓનાં વરણવેશ અને વાસ, ચામડાં કમાવા માટેનાં કુંડનું સ્થાન, ચામડાનાં કામનાં ઓજાર-રીત-પેદાશો, રીતરિવાજ, ભૂવા-જાગરિયા, મેળા-તૂરી-તરગાળાં જેવી અનેક બાબતો અહીં મળે છે. આભડછેટની અને નિરક્ષરતાની નિશાનીઓ ઠેરઠેર છે. બસો સાત પાનાંની નવલકથાનાં પચીસ પાનાંમાં મરેલી એક ભેંસ પરની મહેનતનો આબેહૂબ ચિતાર છે. તેમાં તેના મોતના સમાચાર પહોંચાડવા, ટુકડી બનાવીને લાશ ઊપાડી જવી, તેને કાપવી, નાતીલા વચ્ચે માંસની વહેંચણી કરવી, ચામડાની કામગીરી શરૂ કરવી, માંસ મળતાં વાસમાં તેને રાંધવાની ખુશ્બૂ અને ખાવાની ખુશી ફેલાઈ જવી જેવી કેટલી ય બાબતો લેખકે વર્ણવી છે. નવલકથાનાં કથન-વર્ણન નાગરી ભાષામાં, જ્યારે તમામ સંવાદો દૉતોર પરગણાની, ચામડાનું કામ કરતી કોમની બોલીમાં છે. એટલે તેને ‘તળની બોલી’ નામના લેખકે પોતે જ સંશોધિત-સંપાદિત કરેલા શબ્દાર્થ સંગ્રહની મદદથી વાંચતાં સરળતા રહે છે. ભાષાની આ ભિન્નતાને હળવી કરીએ એટલે સમાજના એક અતિશય ઉપેક્ષિત વર્ગનાં પછાતપણા અને  અવદશાનું ચિત્રણ  અસ્વસ્થ કરી  જાય છે.

ચામડાનું કામ કરતાં મહેનતકશ વર્ગની દુર્દશા અને ચૌધરી સમૂહના તેના પરના જુલમોનું ચિત્રણ હિન્દી લેખક જગદીશચન્દ્ર માથુર (1930-1996) પંજાબની પશ્ચાદભૂ પરની  ત્રણ નવલકથાઓમાં પણ કરે છે : ‘ધરતી ધન ન અપના’, ‘નરકકુંડમેં બાસ’ અને ‘જમીન અપની તો થી’. તેમાં હોશિયારપુર જિલ્લાના ઘોડેવાહા ગામની ચમાદડી એટલે કે ચર્મકાર દલિતોની વસ્તી કેન્દ્ર સ્થાને છે. તેમાંથી મોટાભાગના ચૌધરીઓને ત્યાં વેઠ કરે છે, ગાળો અને માર ખાય છે, પાણી માટે ટળવળે છે, ગામના છેવાડે ચીતરી ચડે તેવી  ગંદકીમાં રહે છે. ‘ગાંવમેં કુત્તોંકી ઔર ઇનકી પહચાન રખના મુશ્કિલ હૈ’ – આવા પ્રકારની પસ્તાળ ત્રણેય નવલકથાઓમાં વારંવાર વાંચવા મળે છે. કંઈક  અંશે વિદ્રોહી નાયક કાલી સમાજમાં બદલાવ લાવવાની કોશિશો પછી ગામ છોડીને જલંધર આવે છે. ચામડા કમાવાના, નરકકુંડ સમા કારખાનામાં વૈતરું કરે છે. પછી તે પગરખાંની દુકાને કામ કરે છે. આ વળાંકે તેની જિંદગી થોડીક સુધરે છે. તેનો એક  પુત્ર સનદી અધિકારી અને બીજો દાક્તર બને છે,પણ કાલી પોતાના કામને ગરિમાપૂર્વક વળગી રહે છે. જગદીશચન્દ્ર અને જૉસેફ મૅકવાનની નવલકથાઓમાંના દલિત ચેતનાના નિરુપણ વિષય પર પુસ્તક લખનાર હિંદી સાહિત્યના અધ્યાપક ગોવર્ધન બંજારા માથુરની નવલત્રયીને ‘ચમડેકા કામ કરનેવાલી જાતિકા મહાકાવ્યાત્મક ઉપન્યાસ’ ગણાવે છે.

દલિત ગુજરાતી નવલિકા ‘આઘાત’માં પસો મરેલી ભેંસને કાપે છે, તેમાંથી મળેલ માંસ રંધાતા વાસમાં ગંધ ‘બાદશાહી ઠાઠથી’ ફરવા લાગે છે. અલબત્ત પસાને વધુ આનંદ તો ભેંસના પેટમાંથી સોનાનો અછોડો નીકળ્યાનો છે. બીજી ભેંસ માંદી હોવાના સમાચાર આવે છે. પસાનો સાથી જેઠો રાજી થાય છે. તેને ક્ષયથી રિબાતી યુવાન દીકરી લીલાની સારવાર માટે પૈસાની જરૂર છે. માંદી ભેંસના પેટમાં પણ ઘરેણું હોવું જોઈએ એવી આશ એને છે. પણ ડૉક્ટર આવીને ભેંસને સાજી કરે છે. વાર્તાને અંતે લેખક કહે છે : ‘આજે પાંચ વર્ષ પછી પણ પસો એ નથી સમજી શક્યો કે જેઠાકાકા ભેંસ જીવી ગઈ એના આઘાતથી ગાંડા થઈ ગયા છે કે યુવાન દીકરીના મૃત્યુથી …’. મરાઠી દલિત વાર્તાકાર અમિતાભની ‘પાડ’(1980) નામની વાર્તામાં ઢોરનું શબ આવી પહોંચ્યા પછી વખાના માર્યા ગરીબ દલિતો તેનું માંસ કાઢીને લઈ જવા કેવી રીતે તૂટી પડે છે તેનું હચમચાવી નાખે તેવું બયાન છે. તે પન્નાલાલ પટેલની ‘માનવીની ભવાઈ’ના ‘ભૂખી ભૂતાવળ ?’ પ્રકરણમાં ભેંસોને ખાવા માટે તૂટી પડેલાં દુષ્કાળગ્રસ્ત ભૂખ્યા જંગલવાસીઓના વર્ણનની યાદ અપાવે છે.

ભારતીય સાહિત્યની એક મહત્વની દલિત આત્મકથા તે મરાઠી લેખક દયા પવારની ‘બલુતં’ (1978, ગુજરાતી અનુવાદ : સુરેન્દ્ર દોશી). એમાં ઢોરનાં ચામડાં ઊતારવાના કામ અને માંસભક્ષણના ઉલ્લેખો છે. તેમાંથી એક :  ‘મરેલા ઢોરનું માંસ તેં ખાધું છે કે ? એનો સ્વાદ કેવો હોય છે ? એવો સવાલ મને એક સાહિત્યિક ચિંતકે પૂછ્યો. મારો શ્વાસ રુંધાવા લાગ્યો. મેં કહ્યું : ‘ જે દિવસોમાં મેં આ માંસ ખાધું એ દિવસોમાં મારી ઉંમર સ્વાદ પરખવાની નહોતી. માત્ર પેટનો ખાડો પૂરવાનું હું જાણતો હતો.’

21 જુલાઈ 2016

+++++

e.mail : sanjaysbhave@yahoo.com

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, /22 જુલાઈ 2016

Loading

માન્ચેસ્ટરમાં શાંતિ અને એકતાની મશાલ

આશા બૂચ|Opinion - Opinion|23 July 2016

તારીખ 17મી જુલાઈ [2016] રવિવારની બપોરે, માન્ચેસ્ટર ટાઉનહોલના મધ્યખંડમાં, વિવિધ ભાષા, સંસ્કૃિત, ધર્મ અને વિચારોની પૃષ્ઠભૂમિ ધરાવનારા લગભગ અઢીસો જેટલાં નાગરિકો ‘શાંતિ અને એકતા’ નામક કાર્યક્રમમાં હાજરી આપવા ઉમટી પડેલાં.

કોમી એખલાસ માટે જુદી જુદી પ્રવૃત્તિઓમાં ભાગ લેનાર આમેર સાલેમનું ચિત્ત થોડા વખત પહેલાં પેરિસમાં આતંકવાદી હુમલાને કારણે થયેલ જાનહાનિથી અત્યંત વ્યથિત થઈ ગયું. આથી તેઓ પહોંચ્યા સીધા માન્ચેસ્ટર કેથેડરલના ડીન રોજર્સ ગવન્ડર પાસે, અને કહ્યું, “આ ‘ઇસ્લામોફોબિયા’ નામના દૈત્યને ઉંબર બહાર રાખવા, ચાલોને આપણે કઇંક કરીએ.” કેથેડરલના ડીનને થયું, આ પ્રશ્ન કંઈ માત્ર મુસ્લિમ પ્રજાનો નથી, સહુ કોઈનો છે. તેમણે આ વિશે માન્ચેસ્ટર સીટી કાઉન્સિલના અધિકારીઓ સાથે વાત કરી અને વિવિધ સંસ્કૃિતના પ્રતિનિધિઓ અને ધર્મના આગેવાનોને આ વિશે વિચાર વિમર્શ કરવા નિમંત્ર્યા, જેમાં માન્ચેસ્ટર સ્થિત ભારતીય સમુદાયના પ્રતિનિધિ તરીકે હાજર રહેવાની મને તક મળી. પરસ્પરના અનુભવો, વિચારો અને ભાવનાઓની આપ લે કર્યા બાદ એક સુંદર સાંસ્કૃિતક કાર્યક્રમનું આયોજન થયું.

કાર્યક્રમના શ્રીગણેશ કરતાં ડીને સાંપ્રત સમયમાં દરેક ગામ, શહેર, અને સમગ્ર દેશમાં રહેતી પ્રજાના ખાન-પાન, રહેણી-કરણી, પોશાક, ભાષા, જીવન પદ્ધતિ, સાંસ્કૃિતક ધરોહર, ધર્મ વિશેના ખ્યાલો અને તેમની અસ્મિતા વિશે એક બીજાને જાણ હોવી કેટલું અગત્યનું છે તે વિશે વાત કરી. ગુનેગાર ગુનો કરે અને ન્યાયતંત્ર તેને સજા કરે તેથી સમાજ સુધરે નહીં, શાંતિ સ્થપાય નહીં. ગુનાઓ અને આતંકની જડ પ્રજાના પરસ્પર માટેના અજ્ઞાન, પૂર્વગ્રહો અને નફરતમાં છે. જો આપણે એક બીજાના જીવનમાં રસ લઈએ, તેમના તહેવારો ઉજવવામાં ભાગીદાર થઈએ, સાથે ગાઈએ, નાચીએ, ભોજન લઈએ, પ્રાર્થના કરીએ તો આપોઆપ ઉપર કહી તેવી નકારાત્મક લાગણીઓ જન્મવાની શક્યતા ઘટી જાય એ હેતુથી આ સાંસ્કૃિતક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે એવું તેમણે પ્રતિપાદિત કર્યું.

અર્ધા કલાક સુધી ખ્રિસ્તી પ્રાર્થનાનું રેવરન્ડ બોબ ડેએ કરેલ વાંચન, રબાઈ નાટન ફાગલમેનના બુલંદ સૂરમાં ગવાયેલ જુઇશ ધર્મની હિબ્રુ ભાષાની પ્રાર્થના, ઇમામ ઇરફાન ચિસ્તીએ ઊંચા સ્વરમાં ગયાયેલ કુરાનની આયાત, દાસ હની સીંગે ભક્તિભાવ પૂર્વક ગાયેલ સીખ અરદાસ, બુદ્ધ લાઈટ ઇન્ટરનેશનલ એસોસિએશને કરેલ બૌદ્ધ પ્રાર્થનાનું સમૂહ વાંચન અને મોક્ષ નામના સંગઠનના સામવેદના સંસ્કૃત શ્લોકના સુરીલા ગાનથી સમગ્ર હોલ ગુંજી ઊઠ્યો. દરેક પ્રાર્થનાનો અર્થ ટૂંકમાં સમજાવાયો જેથી શ્રોતાઓ તેનો પૂરેપૂરો રસાસ્વાદ માણી શક્યા. વળી, દરેક પ્રાર્થના કરનાર પોતપોતાના દેશના પારંપરિક પોશાક પહેરીને આવેલા, તેથી સમગ્ર દ્રશ્ય એક રંગીન અને વિવિધતાથી ભરપૂર ભાષા તથા પોષાકથી રસાયેલું લાગતું હતું. તે અવસરની એક તસ્વીર અહીં પ્રસ્તુત છે.

આ વિવિધ રંગી શહેરના તમામ પ્રકારના લોકોને સમાવિષ્ટ કરવાનો અભિક્રમ હતો. તેથી સાંસ્કૃિતક કાર્યક્રમની શરૂઆત આફ્રિકન કેરેબિયન ડિમેન્શિયા ક્વાયરના જીવંત ગાનથી થઈ. જે લોકો વિસ્મૃિતનો ભોગ બન્યાં છે એવાં ભાઈ-બહેનો, તેમનાં કુટુંબીજનો અને તેમની સંભાળ રાખનારાં આશાવાદી લોકોએ ભેળાં મળીને ત્રણ સુંદર રચનાઓ રજૂ કરી.  ઈંગ્લીશ ભાષાના ગાન બાદ કિંગ ડેવિડ પ્રાથમિક શાળાના બાળકોએ હિબ્રૂમાં સાબાથને આવકારતાં ત્રણ ગીતો ભારે ઉત્સાહ સાથે ગાયાં. ત્યાર બાદ બૌદ્ધ બહેનોએ મંજુશ્રી મંત્ર અભિનય સાથે રજૂ કરીને શ્રોતાઓને પરમ શાંતિનો અનુભવ કરાવ્યો.

કોઈ પણ મેળાવડો હોય ત્યાં ખાણી-પીણી પણ તેનું અવિભાજ્ય અંગ હોય છે. માન્ચેસ્ટર ટાર્ટ, કોશર પેસ્ટ્રી અને કૅઇક એ આ શહેરની વિશિષ્ટ વાનગીઓ, જે આરોગતાં લોકોને એકબીજાનો પરિચય કેળવતા જોઈને મન ખુશ થઈ ગયું.

માન્ચેસ્ટરના લોર્ડ મેયર ઑસ્ટીન બેહન, પોલીસ કમિશનર ટોની લોઇડ અને ચીફ પોલીસ ઇન્સ્પેકટર ઉમેર ખાને વિચાર પ્રેરક વક્તવ્યો આપ્યાં. તેઓને માર્ટિન લ્યુથર કિંગ અને મહાત્મા ગાંધીના વિચારોએ ખૂબ પ્રેરણા આપી છે અને તેથી જાતિ, રંગ, ધર્મ, કે સંસ્કૃિત જેવા કશાના ભેદભાવમાં ન માનતા હોવાને કારણે પ્રજાને વિભાજીત કરનારા તત્ત્વો સામે ઐક્યની ભાવના કેળવવાની સહુને ટહેલ નાખી.

દરેકના ટેબલ પર ‘તમારી કોમમાં અને બે અલગ અલગ કોમ વચ્ચે શાંતિ અને એખલાસ સ્થાપવા – ટકાવી રાખવા તમે શું કરશો?’ એ પ્રશ્ન મુકેલો. હાજર રહેલા સહુને વ્યક્તિદીઠ ત્રણ સૂચનો મેળવીને તેમાંથી કોઈ એક પસંદ કરી પાન આકારના કાગળ પર લખી એક સુંદર નાના ઝાડ પર મુકવાનું કહેવામાં આવ્યું. જે સૂચનો વંચાયાં એ સાંભળીને હાજર રહેલા લોકો તમામ કોમ માટે કેટલો આદર ધરાવે છે, એકબીજા વિશે જાણવા કેટલું ખુલ્લું મન ધરાવે છે અને કેટલી શાંતિપ્રિય છે તે જાણીને તેમને માટે માન ઉપજ્યું.

વક્તવ્યો અને ચર્ચા બાદ સેક્રેડ સાઉન્ડ વિમેન્સ કવાયરની બહેનોએ સર્બિયન ભાષામાં ગવાયેલ એક લોકગીત રજૂ કર્યું જેમાં ગન એક બાજુ મૂકી, લડાઈ છોડીને શાંતિની શોધમાં નીકળી પડીને સાથે મળીને નાચવાનું આમન્ત્રણ છે. તેમની બીજી રચના હિબ્રુ ભાષામાં હતી જેનો અર્થ છે, મને તારો અવાજ સાંભળવા દે, કેમ કે તે અતિ સુંદર છે. આ બહેનોએ તો શ્રોતાઓને પણ પોતાના ગાનમાં જોડી દીધાં. નોર્થ વેસ્ટની જાણીતી સૂફી કવયિત્રી અને ગાયિકા સારાહ યાસીને તેના સાથીદારો સાથે ત્રણ નશીદ રજૂ કરીને એક જુદી જ સંગીત પ્રણાલીનો પરિચય કરાવ્યો. તેમના સંગીતના તાલે કશ્મીરી લોકોને અભિનય કરતા જોવાનો લ્હાવો મળ્યો. બારથી ચૌદ વર્ષની ઉંમરના ચાર બાળકોએ તેમના કુમળા પણ સંપૂર્ણ તાલીમ પામેલા કંઠમાં બાજા અને તબલાની સંગાથે ત્રણ સીખ શબદ ગાઈને સહુને પ્રભાવિત કરી દીધા. તે પછી સ્ટેજનો કબજો બે યુવા ગાયકોએ લીધો. તેમણે ઉર્દૂમાં ખ્રિસ્તી ધર્મનાં ગીતો એવી હલકથી ગાયાં કે શ્રોતાઓના પગ થનગની રહ્યા. સૂફી નર્તકોની આગેવાની હેઠળ ધીરે ધીરે લગભગ બધા શ્રોતાઓ/દર્શકો નર્તન કરવા લાગ્યા. ત્રણેય કવાયરની બહેનો, શાળાના બાળકો તો છૂટથી જોડાયા, પરંતુ માન્ચેસ્ટર કેથેડ્રલના ડીન, લોર્ડ મેયર, પોલીસ કમિશનર, ચીફ પોલીસ ઇન્સ્પેકટર, રબાઈ, ક્રિસ્ટિયન મિનિસ્ટર, સૂફી ભક્ત, બૌદ્ધ બહેનો, ઇમામ અને કાર્યક્રમનું સંચાલન કરનારા સહુ એકદમ સહજતાથી એકબીજાની કમરે હાથ મૂકીને ઝૂમી ઝૂમીને મિનિટો સુધી આનંદે તાલબદ્ધ નાચતા રહ્યા અને ત્યાર બાદ ખૂબ પ્રમેથી એકબીજાને ભેટતા રહ્યા, એ આખું દ્રશ્ય આંખને ભીંજવી ગયું. તેની ઝાંખી એક નાની ક્લિપથી આપવા કોશિશ કરું છું.

https://www.facebook.com/snehal.pandit.923/videos/649567085193323/

આયોજન કરનાર માન્ચેસ્ટર કેથેડ્રલ, કાઉન્સિલ અને તેની સમિતિના સભ્યોને ધાર્યા કરતાં વધુ સફળતા મળ્યાનો સંતોષ થયો, ભાગ લેનારા કલાકારોને આવી સુંદર તક માટે આભારની લાગણી થઈ અને શ્રોતાઓને આવા અદ્દભુત ઐક્યના અનુભવ બદલ આનંદ થયો એ આ કાર્યક્રમની ફલશ્રુતિ. ‘આવો મેળાવડો દર વર્ષે કરશોને?’ એવું પૂછીને લોક જુદા પડયા.

કોણ કહે છે ધર્મ અને સંસ્કૃિત એકબીજાને વિભાજીત કરે છે? આવા સાંસ્કૃિતક કાર્યક્રમો જેમનાં મન અસંતોષ, નફરત, ક્રોધ અને હિંસાથી ભરાઈને ભટકી રહ્યાં છે તેમની પાસે લઈ જવા રહ્યા.

e.mail : 71abuch@gmail.com

Loading

...102030...3,5193,5203,5213,522...3,5303,5403,550...

Search by

Opinion

  • હગ ડિપ્લોમસી અને આકરી પસંદગી: પુતિનની મુલાકાત અને ભારતની વ્યૂહરચના
  • ભારત નથી અમેરિકાને નારાજ કરી શકતું કે નથી રશિયાને છોડી શકતું
  • ચલ મન મુંબઈ નગરી —318
  • બાલદિને જાગતો સવાલ : ગિજુભાઈનું ‘દિવાસ્વપ્ન’ સાકાર થશે? 
  • વૈશ્વિક સ્તરે નારી-હત્યા નાં ચોંકાવનારા આંકડા

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved