Opinion Magazine
Number of visits: 9689910
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘ગુપ્ત દાન’ ઉર્ફે કાળા ધનનું વિકેન્દ્રીકરણ!

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|4 February 2017

વચ્ચે જરી ઝોલો પડતો લાગે ત્યારે કશુંક છાકો પાડતું કરીને છવાયેલા રહેવું તે વર્તમાન નેતૃત્વનો શૈલીવિશેષ છે

ગાલિબને પોતાના ‘અંદાજે બયાં ઑર’ પર ખાસ્સો નાઝ હતો. પણ આપણે તો અરુણ જેટલીના અંદાજપત્રની ચર્ચા કરવી રહે છે. જો કે આ કિસ્સામાં પણ અંદાજપત્ર બાબતે ઘાટ તો ‘બયાં ઑર’ જ છે. ચાલુ વિધાનસભા ચૂંટણીઓએ સરકારે બજેટ જાહેરાતો બાબતે ચોક્કસ જ સંયમ જાળવવો જોઈએ, પણ જે રીતે નોટબંધી કે નોટબદલી અંગે વડાપ્રધાને અગાઉ સામેથી માંગી લીધેલા દિવસો બાદ દિલખુલાસ પેશ આવવાને બદલે આંબાઆંબલીની તરજ પર ‘બયાં ઑર’નો રાહ લીધો હતો તેમ જ એમના મનની વાત અને આપણા મનની અમૂઝણ વચ્ચે વ્યાખ્યાગત ધોરણે જુવારાને વળગી રહેતા માલૂમ પડે છે એ જ રીતે ન તો રાષ્ટ્રપતિ(એટલે કે વડાપ્રધાન)ના બંને ગૃહો જોગ સંબોધનમાં અને નાણાં પ્રધાનના બજેટ વક્તવ્યમાં નોટબંધી-કાળાં નાણાં મામલે આગલાં ગર્જનતર્જનના ઉજાસમાં ‘બયાં ઑર’વાળી ન હોય ત્યારે પણ ભળતોસળતો સ્પિન આપીને બાજુએથી નીકળી જવાનો અંદાજ તો અનુભવાય જ છે.

પહેલાં નેવું/સો દિવસને અંતે ન તો નમોએ પોતે નોટબંધીથી પડેલ હાલાકી વિશે – અને નોટબંધીગત મૃત્યુદોર વિશે – દિલગીરી દાખવી, ન તો રાષ્ટ્રપતિ વાટે દિલગીરીના બે બોલનો સલામત વિવેક પણ દાખવ્યો. બીજું, કાળાં નાણાં સામેના બ્રહ્માસ્ત્ર પેઠે નોટબંધીને ઉછાળાતી હોય તો પણ હજુ સુધી ન તો આપણી પાસે એની વાસ્તવિક પ્રાપ્તિનો કોઈ ધોરણસરનો આંકડો છે, ન તો શરૂ થયા જેવી છતાં લગભગ-નહીં-શરૂ-થયેલી પ્રક્રિયા બાબતે કોઈ રોડમેપ સરકારે આપણી સામે મૂક્યો છે. જે પણ આગળની વાતું ચીતરી છે તે પેલા સામે (પણ છેટે ને છેટે) લટકતાં ગાજર જેવી કે પછી આવતી પેઢીના આંબાઆંબલીના ચિતરામણ જેવી પણ વાસ્તવમાં એમની મૃગયાની અસલિયતને છતી કરતાં મૃગજળ જેવી જ બહુધા તો છે.

આ બધાં પરથી હવે જે અનુમાન અને અવલોકન નકરો આરંભિક અંદાજ મટીને દુર્દૈવ વાસ્તવ રૂપે પ્રત્યક્ષપણે આવે છે તે એ છે કે વિમુદ્રીકરણ/વિ-ચલન (ડિમોનેટાઇઝેશન) એક આર્થિક આયોજનપૂર્વકના પગલા કરતાં વધુ તો રાજકીય દાવ હતો. આર્થિક નીતિ અને એના કાર્યાન્વયન માટે રાજકીય-શાસકીય સંકલ્પશક્તિ (પોલિટિકલ વિલ) જોઈએ છે એ બુનિયાદી અર્થમાં નહીં પણ રાજકારણી પેચપવિત્રાના અર્થમાં તે એક રાજકીય દાવ હતો અને છે. બડી બડી બાતોને ધોરણે હંકારતા રાજકારણમાં વચ્ચે જરી ઝોલો પડતો લાગે ન લાગે ત્યાં કશુંક નાટ્યાત્મક, એકદમ છાકો પાડી દેતું કરી પાડવું અને એમ છવાયેલા રહેવું તે વર્તમાન નેતૃત્વનો શૈલીવિશેષ છે.

એ રાહે આઠમી નવેમ્બરે જે વિ-ચલન જાહેરાત આવી પડી તે વસ્તુત: પોતે પ્ર-ચલનમાં રહેવા માટેનો આનર્તખેલ હતી. આ પક્રિયામાં ઊર્જિત પટેલ ગવર્નર નહીં પણ કલાર્ક બની રહે કે નીતિ આયોગના અને અન્ય અર્થશાસ્ત્રીઓ, પછી તે અરવિંદ પાનગરિયા અને અરવિંદ સુબ્રમણ્યમ હોય કે બીજા, અપ્રસ્તુત જેવા અગર તો ઉત્સર્ગોત્તર સફાઈ સિપાહી બની રહે અથવા તો ધંધાદારી ધોરણે બ્રીફબારિસ્ટરું કૂટનારા બની રહે.

અરુણ જેટલીનું તો જાણે સમજ્યા. એમને ગુજરાતમાંથી રાજ્યસભામાં બેસવાનું છે, અને ‘નોકરી’નો સવાલ છે. એટલે એમની સાથે કોઈ પૂર્વચર્ચા થઈ હતી કે નહીં એવા અપ્રસ્તુત સવાલમાં એ પડે શાના. બચાડા જીવ, અરુણ શૌરિને હતાશ (ફ્રસ્ટ્રેટેડ) કહે છે એ અર્થમાં ફ્રસ્ટેટ થવાની એમની કોઈ ગણતરી હાલ સ્વાભાવિક જ નથી. પણ જેમની પાસે વ્યાવસાયિક સજ્જતા અને સન્માન છે એ ઉચ્ચસ્તરીય લોક રઘુરામ રાજન જેવો સ્પિરિટ કેમ દાખવી નહીં શકતા હોય, એ એક ચિંતાનો મુદ્દો છે – કેમ કે પ્રશ્ન એમની અંગત નોકરીનો માત્ર નથી, જાહેર જવાબદારીનો છે.

હશે ભાઈ, એમના જેવી કોઈ વ્યાવસાયિક સજ્જતા ભલે નહીં પણ નાગરિક છેડેથી એકબે કાલાઘેલા સમજમુદ્દા તો આ ક્ષણે પાડવા જ રહે છે. એક કાળે ભા.જ.પ. છાવણીએ જેની ટીકા સૂંડલા મોંઢે કરી હતી અને પોતે આવતાંની વારમાં જેને કચરાટોપલીમાં ફેંકી દેવાના હતા તે મનરેગા માટેની રકમ અંદાજપત્રમાં અગાઉ કરતાં ખાસી વધારી દીધી છે, એ હકીકતને કેવી રીતે ઘટાવશું?

આ દેશમાં સામાન્ય માણસને છેવટે સો દિવસ વાસ્તે પણ રોજીટેકો મળી રહે તે કેટલું જરૂરી છે એ મોડે મોડે ય સમજાયું હોય તો આપણે ભા.જ.પ.ને એટલા માટે ટોણો મારવાથી પરહેજ કરીએ. બલકે, રાજીપો પણ વ્યક્ત કરીએ. પણ મનરેગા માટેની જોગવાઈ ખાસી વધારી દેવાઈ એ ઘટાનાનું રહસ્ય નોટબંધી પછીના દિવસોમાં સવિશેષ ઉકેલવા જોગ છે. જે બધી છૂટક રોજમદારીઓ છૂટી ગઈ અને ઠીક ઠીક લોક વતન પાછું ફર્યું અેને સારુ આવી જોગવાઈ દુર્નિવાર હતી અને છે.

નોટબંધીથી આવતી કાલે જે લાભ થવાનો હશે તે થશે – જો કે કેઇન્સ તો કહેશે કે લાંબે ગાળે સૌ મરે છે – પણ હમણાં તો મનરેગાના વિસ્તરણમાં ઉગાર શોધવો પડે એ નોટબંધીની ભેટ છે. જેને નેનો અને નાના ઉદ્યોગ કહેવાય છે (માઇક્રો-સ્મૉલ-મિડિયમ કહેતાં એમ.એસ.એમ.ઈ.) એમાં પાંચ ટકા જેટલી કરરાહતમાં પણ એ હકીકતનો છૂપો એકરાર પડેલો છે કે નોટબંધી આ સૌને કેવી ગ્રસી ગઈ છે.

અને કાળાં નાણાંને નાથવા વિશે તો શું કહેવું. અરુણ શૌરિ કહે છે કે તમારે જે પ્રશ્ન દેશ બહાર ઉકેલવાનો છે એને વાસ્તે તમે ઘરમાં સર્જિકલ સ્ટ્રાઈકનો ખેલ પાડી રહ્યા છો. ખેર, એ તો જે હોય તે પણ નાણાંવહેવાર કરતાં વધુ તો વકીલાતની વાતુંમાં રમેલાભમેલા અરુણ જેટલીએ આ નકો નકો જેવા અંદાજપત્રમાં એક પેરાને મથાળે ‘રાજકીય ફંડફાળામાં પારદર્શિતા’ એવો જે વરખ ચોંટાડ્યો છે તે જરી ઝીણવટથી જોવાતપાસવા જોગ છે. દેશના સર્વ રાજકીય પક્ષોનાં સિત્તેર ટકા નાણાં બેનામી ઉર્ફે અનામ સ્રોતને આભારી છે. રાજકીય પક્ષ રૂપિયા વીસ હજારના ફાળા લગી નામરૂપની ચિંતા ન કરે તે બિલકુલ કાનૂની જોગવાઈ છે. હવે એ ઘટાડીને બે હજારની કરાઈ છે. જો આ રકમ પણ અનામ રહી શકતી હોય તો એને વિશે શું કહીશું, સિવાય કે ‘ગુપ્તદાન’ ઉર્ફે કાળા ધનનું વિકેન્દ્રીકરણ!

પહેલાં તમે બેનામી લાખ રૂપિયા પાંચ પહોંચે લેતા હશો, હવે પચાસ પહોંચે લેશો, એટલું જ કે બીજું કૈં? એક વાર તમે કથિત ‘દાતા’ને અનામ રાખવાની સોઈ ઊભી કરો તો પછી રિટર્ન ભરો તો પણ શું. ન ભરો તો પણ શું. આમાં કશું નવું નથી. 1979ની એટલે જનસંઘ સહિતની જનતા જોગવાઈની રૂએ તેમ 2003ની જોગવાઈની રૂએ – આ બધું થયેલું છે. અને કાળું નાણું જેમનું તેમ કુંડળી માંડી દિવસરાત વિસ્તરતું ચપ્પટ જામતું રહેલ છે.

આ સમગ્ર પ્રક્રિયામાં ભા.જ.પ. આરંભથી અંગભૂત છે. એ ‘પાર્ટી વિથ અ ડિફરન્સ’ નથી તે નથી. એ જો પક્ષના ફંડફાળા સહિતની વિગતોને આર.ટી.આઈ.ના દાયરામાં લાવવાની પહેલચેષ્ટા કરે તો વાત બને. એ અલબત્ત અઘરું છે, કેમ કે જેઓ ચૂંટણીના મેદાનમાં અને સત્તાસંઘર્ષમાં સામસામા છે તે સૌ આવે પ્રસંગે એક જ વર્ગના બની રહે છે. તેઓ ભલે વિકલ્પના વેશમાં આવે, પણ નાગરિકની વિકલ્પશોધ એથી મંજિલ પર પહોંચે એવું ન પણ બને … ‘અંદાજે બયાં ઑર’!

સૌજન્ય : ‘વિ-ચલન, પ્ર-ચલન’, “દિવ્ય ભાસ્કર”, 04 ફેબ્રુઆરી 2017 

Loading

ક્યારેય ના ભુલાય એવું દૃશ્ય!

સાગર રબારી|Opinion - Opinion|3 February 2017

બગોદરાથી ફેદરાના રસ્તે, પહોળા થયેલા રસ્તાની ધારે નાનકડો ટુકડો જ કહેવાય એવું ખેતર. એમાં ઊભેલા ચાસિયા ઘઉં, ઓછા વરસાદને કારણે સાવ મરવાના વાંકે જીવતા છોડ પર ઉંબિયો (કણસલાં) માંડ માંડ જીવે એવા હાલ. બપોરના લગભગ ૨-૧૫ વાગ્યાના સુમારે બગોદરા વટી આંબળી મિટિંગ માટે જતાં જોયું તો એક આધેડ મહિલા હાથમાં ડૉલ અને ડબલાથી કંઈક છાંટે છે, પાછળ એક બાળક બીજા નાના ડબલામાં કંઈક લઈને આપવા આવતું દેખાયું. દૂરથી જોયું, ત્યારે લાગ્યું કે ચાસિયા ઘઉંમાં ખાતર કે દવા કેમ છાંટતાં હશે? પિયત વગર ખાતર કે દવા કેમ?

મહિલા ના તો દવા છાંટતી હતી, ના ખાતર, એ ડબલામાં ભરી લાવેલું પાણી છાંટતી હતી! ઢાળિયાથી, સ્પ્રિંકલરથી અને ડ્રીપથી થતી સિંચાઈ તો જોઈ, પરંતુ ડબલામાં પાણી લઈ, છાલકે છાલકે ખેતરમાં સિંચાઈ થાય તે કેવું ? ના, કોઈ નવી પદ્ધતિ નહીં, મજબૂરી હતી સાહેબ!

ભાલનો એ વિસ્તાર, ભૂગર્ભમાં સિંચાઈલાયક પાણી નહીં, નર્મદાનાં પાણી આવ્યાં નહીં, વરસાદ ઓછો, પાકનિષ્ફળતા ખમાય નહીં, ઘઉં સુકાય તો પરિવારનું તો આખું વરસ સુકાય. ધરતીની એટલી મહેર ખરી કે એ જમીનમાં છંટાયેલાં પાણીનો પણ ભેજ થોડો વધારે ટકે, એમાં ય જો રાતનો ઠાર ભળે, તો વળી એથી રૂડું શું? ઠાર પડશે ને ભેજ વધશે, ખાલી મરવાના વાંકે જીવતા ઘઉં જ નહીં, પરિવારનું આખું વરસ બચી જશે, એવી આશાએ સૂનાં ખેતરો વચ્ચે મા-બાળક કેટલી આશાએ પાણી છાંટતાં હતાં! એક નાનકડા ટુકડા-શા ખેતર પર જીવતા પરિવારની આ જિજીવિષા જ કહેવાયને? ટકી રહેવાની જિજીવિષા, આવતી કાલ ઊજળી થશે એવી આશા અને વિશ્વાસ જ તો કહેવાય.

ગાડી ચલાવતાં-ચલાવતાં આખા રસ્તે એ જ દૃશ્ય દેખાય. માનસિક ગડમથલ કે આ કોની નિષ્ફળતા? ખેડૂતોના હામીઓ હોવાનો દાવો કરતા નેતાઓની, સમાજની કે સરકારની? એક નાનકડા ટુકડા પર સ્વમાનભેર જીવવા જરૂરી એવી ખેતીની લઘુત્તમ જરૂરિયાત સમું પાણી આટલાં વરસે ય કેમ નથી પહોંચ્યું? આધેડવયની માતા અને નાનું બાળક ડોલ, ડોલ પાણીએ પોતાનું ખેતર સીંચે, પરિવારનું પેટ ભરવા જ તો! એવડા ટુકડામાંથી પરિવારનું જ માંડ પેટ ભરાય ત્યાં વેચીને નફો કમાવવાની તો કલ્પના ય એમને ક્યાંથી આવે?

એ નાનકડું બાળક જે માતાને ડબલે ડબલે ક્યાંક દૂરથી પાણી લાવી આપે છે, એનાં સપનાં શું હશે? આવું વેઠતું બાળક, મર્યાદિત ટુકડા ઉપર નભતાં પરિવારનું બાળક, એનાં સપનાં ય કેટલાં વિકસવાનાં? સૌની સામૂહિક નિષ્ફળતા છતાં ઉમાશંકર જોશીએ વર્ણવેલા ભૂખ્યાજનનો જઠરાગ્નિ જાગે ને દાવાનળ પ્રગટે, તો કોણ જવાબદાર? અસ્તિત્વ ટકાવી રાખવા ઝઝૂમતા આવાં કેટલાં પરિવારો ગુજરાતમાં હશે? એમને જી.ડી.પી., ગ્રોથ, એફ.ડી.આઈ., ડિમોનેટાઇઝેશન, કૅશલેસ ઇકોનૉમી, નૅગૅટિવ ઇન્કમટૅક્ષ સાથે સાત પેઢીયે ય, સ્નાનસૂતકનો ય કોઈ સંબંધ ખરો?

શનિવાર (તા. ૨૧-૧-૧૭)ની બપોરે જોયેલું દૃશ્ય ખસતું નથી, એકધારી સહિયારી છતાં ય ધરાર નિષ્ફળતાની અનુભૂતિ જતી નથી. વારેવારે સામે આવીને પૂછે છે કે મારે કેમ ડબલે ડબલે સિંચાઈ કરવી પડે ? મારા બાળકને રમવાની ઉંમરે આમ ખેતરે, છોડવે છોડવે પાણી કેમ છાંટવું પડે છે ? તમારે સ્પ્રિંક્લર ને ડ્રિપ જોઈએ ને અમારે માઇનોર-સબ માઇનોર, જે આપો એના ઢાળિયા ય નહીં? અમારે ડબલે ડબલે છોડ સિંચવાના? અમારી આટલી તે અવગણના શીદને? અને નાના ખેડૂત, નાના માણસ, પણ માણસ તો છીએને? તમારે પાણી બચાવવું છે. ભલે, પણ અમારે તો વરસ બચાવવું છે, જીવવું છે!

લાગે છે કે, છેવાડાના માણસ સાથેનો સંબંધ કપાઈ ગયો છે. હું ય એ જ સમૂહનો થઈને રહી ગયો, જેને રોટલા કરતાં રોટલાના ઘાટ ને ઘડતરની ચિંતા વધારે છે.

રોજરોજનાં આંદોલનો જોઈ કોઈને લાગે કે આમને પ્રસિદ્ધિ મેળવવાની ટેવ પડી ગઈ છે, સ્ટંટ કરે છે. શું કરવું? કાયર થઈને નિષ્ફળતા સ્વીકારી બેસી જવું કે તમામ અવરોધો વચ્ચે અંતિમ ક્ષણ સુધી લડી લેવું?

E-mail : sagar45rabari@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 02 ફેબ્રુઆરી 2017; પૃ. 20

Loading

અમેરિકાના ભાગલા

હરનિશ જાની|Opinion - Opinion|3 February 2017

ખરેખર તો આ અમેરિકાના સમાચાર છે. પણ આજકાલ દશા એ છે કે અમેરિકા છીંક ખાય છે, અને દુનિયા આખી પોતાનું નાક લૂછે છે.

૨૦૧૭ના જાન્યુઆરીમાં  ત્રણ બનાવ બન્યા. ૧૯મી જાન્યુઆરીએ  ગુરુવારે પ્રેસિડન્ટ ઓબામાનો વ્હાઈટ હાઉસમાં છેલ્લો દિવસ હતો. બીજે દિવસે લાખો લોકોની હાજરીમાં, નવા પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની શપથ વિધિ થઈ અને તેને બીજે દિવસે, શનિવારે લાખો સ્ત્રીઓ ઊમટી પડી ટ્રમ્પ સાહેબનો વિરોધ કરવા. હું પૂછું છું કે આ બધી બહેનો વોટિંગને દિવસે ક્યાં હતી ? જો હિલેરીને વોટ આપ્યો હોત, તો આજે હિલેરીબહેન ગાદી પર હોત; અને ગોરી પ્રજા – પુરુષો − દેખાવો કરવા નીકળી પડી હોત.

હવે આ દેખાવો કરવામાં એકલી સ્ત્રીઓ નહોતી. તેમાં મુસ્લિમો, આફ્રિકન અમેરિકનો (કાળા અમેરિકનો) અને બીજા ઈમિગ્રંટસ્ પણ જોડાયાં હતાં. વાત એમ છે કે પ્રેસિડન્ટ ટ્રમ્પે પોતાના ચૂંટણી ઢંઢેરામાં દરેક લઘુમતિના લોકોને ગભરાવ્યા છે. આ સ્ત્રીઓના વિરોધમાં પણ વજૂદ છે. જો ટ્રમ્પસાહેબ ભવિષ્યમાં સ્ત્રીઓના હકની સામે કોઈક પગલાં લેવા નીકળે, એના પહેલાં જ ટ્રમ્પસાહેબને વોરનિંગ આપી હોય તો સારું. ખાસ કરીને એબોર્સનના પ્રશ્નને લઈને આ પ્રદર્શનો થયા. અમેરિકન બહેનોને સહકાર આપવા લંડન, પેરીસ ને બર્લિનમાં પણ ત્યાંની સ્ત્રીઓએ  દેખાવો કર્યાં.

વરસો પહેલાં અમેરિકામાં સ્ત્રીઓનાં એબોર્સન ગેરકાયદેસર હતાં. ત્યારે બરાબર ૪૪ વરસ પહેલાં સેરાહ વેડિમ્ગ્ટન નામની ૨૬ વરસની લોયરે નોરમા મક્રોવી નામની સ્ત્રીનો કેસ લડીને સુપ્રિમ કોર્ટમાં એબોર્સનનો કેસ જીતી ગઈ, અને તે દિવસથી અમેરિકામાં એબોર્સન કાયદેસર બન્યાં. આ કેસ ‘રો વિ. વેડ”ના નામથી પ્રખ્યાત થયો.

હવે સુપ્રિમ કોર્ટમાં નવ જજ હોય છે. હાલ ડેમોક્રેટીક જજ બહુમતિમાં છે. જે એબોર્સનમાં માને છે. મતલબ કે તેઓ “પ્રો–ચોઈસ”માં માને છે. એટલે એબોર્સન કરાવવું કે નહીં તેનો નિર્ણય તે સ્ત્રી કરી શકે છે. જ્યારે ટ્રમ્પ સાહેબ એબોર્સનમાં માનતા નથી. તેમનો ક્રિશ્ચિયન ધર્મ એબોર્સનમાં માનતો નથી. એટલે તેમને સૌથી વધારે વોટ ક્રિશ્ચિયનોના મળ્યા છે. ટ્રરમ્પસાહેબ સુપ્રિમ કોર્ટમાં પોતાના વિચારોને ટેકો આપનારા જજ ને બેસાડવાની વાતો કરે છે. અને સુપ્રિમ કોર્ટની મદદથી તેને ગેરકાયદેસર બનાવવા માંગે છે. જે અમેરિકન સ્ત્રીઓને મંજૂર નથી. તેમનું કહેવું છે કે એબોર્સન કરાવવું કે ન કરાવવું એ નિર્ણય સ્ત્રીની ચોઈસ પર રહેવા દો.

બીજું કે ટ્રમ્પસાહેબ સ્ત્રીઓને હલકા–મવાલીઓ વાપરે તેવા શબ્દોથી નવાજે છે. એક જેન્ટલમેન જેવી ભાષા નથી વાપરતા.( હું જાણું છું કે આ વાતની સ્ત્રીઓને ઈલેક્સન પહેલાં ખબર હતી. તેમ છતાં હિલેરીબહેન હારી ગયાં.) બીજી બાજુ, ઓબામા પોતે લોયર હતા. પ્રોફેસર હતા. અને લેખક હતા. તેથી તેમની ભાષા પણ શિષ્ટ હતી. જ્યારે આ બિઝનેસમેન પોતાની વાત ખરી કરવા ગમે તેમ બોલે છે. ઈનાગ્યુરેશનમાં પણ મુઠ્ઠી ઉગામી ઉગામીને બોલતા હતા.

દેખાવોમાં મુસ્લિમો પણ હતા. હવે આ મુસ્લિમો ધર્મચુસ્ત પ્રજા છે. જ્યારે ટ્રમ્પસાહેબને જીતાડનાર મુખ્યત્વે ગોરા ક્રિશ્ચિયનો છે. તેઓ પણ રૂઢિચુસ્ત છે તેમને મુસ્લિમ સ્ત્રીઓનાં બુરખા કે માથે બંધાતાં હિજાબ ગમતાં નથી. એટલું જ નહીં પણ પોતાની નોકરીમાં મુસ્લિમોને દિવસમાં પાંચ વાર નમાઝનો સમય ફાળવવો ગોરા સુપરવાઈઝરને અઘરો લાગે છે. તે ઓછું હોય તેમ જગતના બધા આતંકના હુમલામાં મુસ્લિમોના હાથ છે, એમ ટ્રમ્પ અને તેમના ટેકેદાર ગોરાઓ માને છે. એટલે હવે ગામે ગામ રહેતા ગોરા પુરુષો મુસ્લિમોને રંજાડે છે.

મુસ્લિમો એટલે બ્રાઉન ચામડીવાળી પ્રજા. એટલે તેમાં ભારતીય કોમ પણ આવી જાય. એટલે આ દેખાવોમાં ભારતીયો અને મેક્સિકનો પણ જોડાયા હતા. ઓબામાએ બે વરસમાં ૧૦,૦૦૦  સીરિયન રિફ્યુજીને લેવાનું વચન આપ્યું હતું, તેને ગાદી પર બેઠા પછી ત્રીજે દિવસે ટૃમ્પસાહેબે ફતવો બહાર પાડયો કે મિડલ ઈસ્ટના, સીરિયા, ઈરાક, ઈરાન, સોમાલિયા, સુદાન વગેરે દેશોના  નિરાશ્રિતો – રિફ્યુજીને અમેરિકામાં પ્રવેશવા દેવામાં નહીં આવે. એટલું જ નહીં, પણ બીજા દેશોના નવા ઈમિગ્રંટસને પણ ખૂબ ચકાસણી પછી લેવામાં આવશે. ‘મેક અમેરિકા સેફ અગેઈન”.

આ બધી વાતોથી ને બધા ઈમિગ્રંટ્સ ગભરાઈને દેખાવો કરવામાં જોડાયા છે. હજુ તો રાજ્યાભિષેકને અઠવાડિયું થયું છે, અને જાહેર કરી દીધું કે ગેરકાયદેસર ઘુસી આવેલા ઈમિગ્રંટ્સને પકડી પકડીને કાઢી મુકાશે.

હવે આ વાત કયા અમેરિકનને ન ગમે? ગોરા કે કાળા બધા ટ્રમ્પસાહેબને  ટેકો  આપવા દોડ્યા છે. પરંતુ તેમને ભાન નથી કે ઈમિગ્રંટ્સ સિવાય આ દેશ એક દિવસ ન ટકે. (પણ આ વાત ગેરકાયદેસર ઈમિગ્રંટ્સનીછે.) વસ્તુ એમ છે કે રિપબ્લિકનો કહે છે કે આ ગેરકાયદેસર ઈમિગ્રંટ્સને રોકવા ડેમોક્રેટ્સે (ઓબામા–હિલેરીની પાર્ટી ) તેમણે ચૂંટણી પહેલાં અમેરિકા અને મેક્સિકો વચ્ચેની બોર્ડર પર દિવાલ બાંધવાની વાત કરી છે.

તો તે માટે પણ તેમણે પહેલા અઠવાડિયામાં તે વાત ચાલુ કરી દીધી છે. હવે જોવાનું એ છે કે દિવાલ ક્યારે બંધાશે. હકીકત એ છે કે ટ્રમ્પસાહેબ દિવાલ બાંધશે તો મેક્સિકનો સુરંગ બાંધશે. ઈમિગ્રંટ્સની આટલી બધી વાતો પછી નવાઈની વાત એ છે કે ભારતીય મા બાપને ત્યાં જન્મેલા નમ્રતા રંધવા – નિકી હેલી – જે સાઉથ કેરોલીનાનાં ગવર્નર હતાં તેને, એક સ્ત્રીને,  ટ્રમ્પ સાહેબે પોતાની કેબિનેટમાં લઈ અને યુનાઈટેડ નેશન્સમાં અમેરિકાનું પ્રતિનિધિત્વ કરવા મોકલ્યાં.

બીજી બાજુ પ્રેસિડન્ટ ઓબામાએ તેમના છેલ્લા દિવસે, ૩૩૫ કેદીઓને છોડી મુક્યા. આખો દિવસ કામ કરીને ડ્રગ્ઝ–હેરોઈન વેચવાવાળા અને ઉપયોગ કરવાવાળા પકડાયેલા ગુનેગારોના કેસ તેમણે પોતે તપાસીને પોતાની સત્તા વાપરી જે લોકો વરસોથી જેલમાં હતા. તેમની સજા પૂરી થઈ ગણીને જવા દીધા હતા.

હાલ, ટ્રમ્પસાહેબ દેશને કઈ દિશામાં લઈ જાય છે તે કોઈ કહી ન શકે. હા. તેમ છતાં ભારતને માટે તે એક મિત્ર સાબિત થઈ શકે. કારણ કે આપણા મોદીસાહેબ તેમને ગમે છે. અને મોદીસાહેબને ફોન કરે છે. અને મોદીજી  તેમને પોલિટીક્સનાં લેશન આપે છે.

કદાચ ટ્રમ્પસાહેબે મોદીજીની વાત શીખી લીધી છે. “મેક અમેરિકા – બાય અમેરિકન.” –

૧લી ફેબ્રુઆરી ૨૦૧૭

(“ગુજરાત મિત્ર”માં આવતી લેખકની ‘ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની’ કોલમ)             

E mail- harnishjani5@gmail.com

Loading

...102030...3,4963,4973,4983,499...3,5103,5203,530...

Search by

Opinion

  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved