Opinion Magazine
Number of visits: 9689071
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નવા સૂરજની નાગરિક તલાશ

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|25 February 2017

મણિપુરમાં કોઈ મુસ્લિમ મહિલા ધારાસભા માટે મેદાનમાં ઊતરી હોય એવું સિત્તેર વરસમાં પહેલી વાર બની રહ્યું છે

વિધાનસભાઓની ચૂંટણીનાં પરિણામ આડે હજુ પખવાડિયું છે, મતદાનના પણ કોઈક તબક્કા બાકી છે. વચગાળાનાં અનુમાનો જે પણ હોય, એક વાત ચોક્કસ કે મહારાષ્ટ્રની કોર્પોરેશનોમાં વિજયવાવટો લહેરાવવા સાથે ભાજપ આગેકૂચનો ઓચ્છવઆનંદ ખસૂસ લઈ શકે. મુંબઈમાં શિવસેના અને ભાજપ કટોકટ છે એ સાચું; પણ અગાઉને મુકાબલે ભાજપ ત્યાં પણ ખાસો આગળ છે એ ય સાચું. રાજ્યોનાં પરિણામો આવતાં આવશે. દરમ્યાન, મહારાષ્ટ્ર સાથે ભાજપની આગેકૂચમાં કેટલાંક વર્તુળો આવતી કાલનો અણસાર જરૂર જોઈ શકે. અલબત્ત, પંજાબ-ગોવામાં ‘આપ’નો પ્રવેશ અને ઉત્તરપ્રદેશમાં કૉંગ્રેસ-સમાજવાદી સમજૂતી જોતાં આટલો સરળ ઉત્તર નયે આપી શકાય. હમણાં એ ચિંતા છોડી દઈએ અને નાગરિકની વિકલ્પખોજની રીતે થોડું સહચિંતન, કંઈક પ્રગટ ચિંતન કરીએ એવો ઉપક્રમ છે.

નમૂના દાખલ, મહારાષ્ટ્રથી જ શરૂ કરીએ તો કૉંગ્રેસ, રાષ્ટ્રવાદી કૉંગ્રેસ વગેરે ખાસાં પાછાં પડ્યાં છે અને સ્પર્ધીઓ તરીકે શિવસેનાને ભાજપ ઉભર્યાં છે. ખરું જોતાં હિંદુત્વ રાજનીતિની દૃષ્ટિએ તો બેઉ એક જ પીંછાંનાં પંખી છે એટલે વિકલ્પખોજનો જવાબ બેમાંથી એકે નથી એમ જ કહેવું જોઈએ. અમે રાષ્ટ્રીય પક્ષ છીએ અને શિવસેના પ્રાદેશિક પક્ષ છે એવી એક સમજૂત ભાજપ તરફે વખતોવખત અપાતી રહે છે, પણ તે વિગત બંનેના એક જ વિચારધારાકીય અખાડાનો અવેજ નથી તે નથી. તો શું આ ચર્ચાને આપણે ભાજપ એક પા અને કૉંગ્રેસ આદિ બીજી પા, એ રીતે આગળ ચલાવીશું? ચલાવી તો શકાય, પણ એમાં તરત જ જે એક મુદ્દે મોચ નહીં તો મર્યાદાનો અહેસાસ થાય છે તે એ કે ભ્રષ્ટ નીતિરીતિના એકંદર વિવાદમાં ભાજપ આજે ‘પાર્ટી વિથ અ ડિફરન્સ’ નથી તે નથી. કૉંગ્રેસમુક્ત ભારત તો થતાં થશે, હાલનું વાસ્તવ ઉત્તરોત્તર કૉંગ્રેસયુક્ત બની રહેલ ભાજપનું છે. મહારાષ્ટ્રમાં ભાજપના વિજેતા કોર્પોરેટરોમાં શિવસેનામાંથી આવેલા આણેલા ઉપરાંત કૉંગ્રેસ-રાષ્ટ્રવાદી કૉંગ્રેસમાંથી કેટલા બધા છે!

બિહારમાં નીતીશકુમાર અને કૉંગ્રેસ ભાજપનો રોક લગાવી અગર તો આજે ઉત્તરપ્રદેશમાં ભાજપની વિજયાકાંક્ષા સામે અખિલેશ અને કૉંગ્રેસ કંઈક રોક લગાવી શકવાનાં હોય તો પણ; એક વિકલ્પ તરીકે ભાજપ વિ. શિવસેનાને બદલે, એમાં વિકલ્પનું તત્ત્વ છતાં ઘણીબધી નીતિરીતિમાં તો પાછાં એક જ પીંછાંનાં પંખી જેવું વરતાય છે. કમાલ તો તાજેતરના વરસોમાં આ સૌને, રિપીટ, સૌને પ્રશાન્ત કિશોર જેવાઓની વ્યાવસાયિક સલાહસુવિધા લગભગ નિર્વિકલ્પ ધોરણે મળી રહે છે તે છે. ભાજપ-શિવસેનાને હમણાં એક જ વૈચારિક અખાડાનાં કહ્યાં. ઉત્તર પ્રદેશમાં ચૂંટણીના ત્રીજા તબક્કા સાથે ભાજપની શીર્ષ પ્રચારઝુંબેશે કબ્રસ્તાન-સ્મશાન પૅરિટી અને સામેવાળા ‘કસાબ’ એ તરેહની જે તુલ પકડી છે એ વિકાસના વરખ તળેના અસુખનો એક સંકેત નથી તો કશું નથી. અહીં ગુજરાતના ગધેડાઓની જાહેરાત સબબ થયેલ ઊહાપોહ અલબત્ત ખયાલ બહાર નથી, પણ ‘કસાબ’ની તરજ પર વાત કરવા સાથે ગંધારું કોમીકરણ અને ‘ધ અધર’ની ખોજ એકદમ ખુલ્લાણમાં આવી જાય છે. શિવસેનાનું અને એનું કોઈ તાત્ત્વિક અંતર પછી રહેતું નથી.

નાગરિકની વિકલ્પખોજે જે રીતે ભીંત સાથે માથું પછાડવાની નિયતિ રહી છે તે આ દિવસોમાં એક બીજે છેડેથી વળી અનુભવાઈ રહ્યું છે. ઉત્તર પ્રદેશના સર્વ પક્ષોના ઉમેદવારો પૈકી આપરાધિક છબી ધરાવતા ઉમેદવારોની સરેરાશ પાંત્રીસ ટકા છે. હમણાં બહાર આવેલી વિગત પ્રમાણે પહેલા દોરના મતદાનમાં ચાલીસ ટકા દાગી ઉમેદવારો સાથે ભાજપ મોખરે હતો. બીજા દોરના મતદાનમાં છત્રીસ ટકા દાગી ઉમેદવારો સાથે કૉંગ્રેસ મોખરે હતી. ત્રીજા દોરમાં એકતાલીસ ટકા દાગી ઉમેદવારો સાથે સમાજવાદી પક્ષ મોખરે હતો. અલબત્ત, અહીં એક વાનું અક્ષરશ: અધોરેખિત કરવું રહે છે – અને તે એ કે ગુજરાતમાં આપણે અનુભવ્યું છે તેમ આપરાધિક પૃષ્ઠભૂ સબબ ભાજપને વિચારધારાકીય કવચસુવિધા ઠીક મળી રહે છે, અને સદી પણ ગઈ છે.

નોટબંધી નજરબંધી વાટે નૈતિકતાના પુરસ્કર્તારૂપે ઉભરેલું નમો નેતૃત્વ આ બધી બાબતોમાં સરળતાથી નામકર જતું માલૂમ પડે છે. અરુણાચલના પૂર્વ મુખ્યમંત્રી કાલિખો પુલે આત્મહત્યા પૂર્વે સાઠેક પાનાંની જે લાંબી નોંધ લખી છે એમાં એમણે જાહેર તિજોરીનું દોહન કરીને તગડમસ્ત બનેલા રાજનેતાઓની અને તે પૈકી હાલ રાજ્ય ભાજપમાં ને સરકારમાં આરૂઢ પૂર્વ કૉંગ્રેસમેનોની ખાસી તપસીલ આપી છે. કાલિખો પક્ષમાં (કૉંગ્રેસમાં) આ મુદ્દે જેમની સામે લડતા હતા, તે હવે ભાજપના કવચે સજ્જ થઈ કેન્દ્રપુરસ્કૃત અભય માણી રહ્યા છે. સદ્‌ગત નેતાએ શીર્ષસ્તરે રજૂઆત કરી હતી, પણ નમો-અમિત વ્યૂહરચનાની કાર્યસૂચિમાં એ અગ્રસ્થાને કે ક્યાં ય પણ હોય તો તે આપણે જાણતા નથી.

ગમે તેમ પણ, નીતીશ-કૉંગ્રેસ કે અખિલેશ-કૉંગ્રેસ કંઈક વિકલ્પવત્ ટક્કર આપી રહ્યા હોય તો પણ ભલે ખૂણામાં અને નાને પાયે પણ વિકલ્પની લડાઈ તો મણિપુરમાં આ દિવસોમાં આપણી એકની એક ઇરોમ શર્મિલા એની સહયોગી નજીમા બીબી આપી રહ્યાં છે. ઇરોમ શર્મિલા આર્મ્ડ ફોર્સિઝ (સ્પેશિયલ પાવર્સ) એક્ટ – આફ્‌સ્પા સામેની એમની એકલવીર જેવી લોકલડતને અનશનના એકાન્તિક ચોકાની બહાર ચૂંટણીના ચાચર ચોકમાં આણી છે. કૉંગ્રેસ-ભાજપનાં વારાફરતી નેતૃત્વનાં સત્તાપ્રતિષ્ઠાનો આ માટે તૈયાર નથી. સીપીએમના માણિક સરકારે ત્રિપુરામાં આ માટેની ભોં ભાંગી એ હજુ તો એકનો એક અપવાદ છે. નજીમા બીબી ઇરોમ શર્મિલાના સહયોગીરૂપે ઉભરી છે.

મણિપુરમાં કોઈ મુસ્લિમ મહિલા ધારાસભા માટે મેદાનમાં ઊતરી હોય એવું સિત્તેર વરસમાં પહેલી વાર બની રહ્યું છે. ચાલુ રાજનીતિમાં પૂર્વે કામ પાડતા રહેલા બનાતવાલા કે હાલ ખેલ પાડતા રહેલા ઓવેસી કરતાં આ એક ગુણાત્મક પ્રવેશ છે, એ નક્કી. એમ તો, પંજાબમાં કૉંગ્રેસ, ભાજપ-અકાલી જેવી પરંપરાગત છાવણીઓથી ઉફરાટે ‘આપ’ પરિબળે જે ગજું કાઢ્યું લાગે છે તે પણ એક મોટી વાત છે. અલબત્ત, ઇરોમ શર્મિલા તરેહની એકલવીર ધારીએ નહીં પણ દિલ્હી કબજે કરી શકનાર કદ ને કાઠીના પક્ષ તરીકે એનામાં ‘સ્થાપિત’ પક્ષોની મર્યાદા ઉઘાડી છે. તો પણ એ ચાલુ પક્ષોથી જુદો જરૂર પડે છે, અને એ રીતે વિકલ્પ તરીકેનો એક કેસ હમણાં તો બને છે. કાશ પ્રશાન્ત ભૂષણ અને યોગેન્દ્ર યાદવના ‘સ્વરાજ અભિયાન’ને ભલે સલામત અંતરેથી પણ અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા વગેરે જરી અંતરખોજભેર પ્રીછી શકે!

નાગરિક સમાજના ખયાલને સભાનપણે વરેલા રચનાત્મક કાર્યકરો, નાનાવિધ કર્મશીલો સ્વતંત્ર ગતિમતિના શિક્ષકો ને પત્રકારો, સૌએ આ આખી ગતિવિધિ અને ઘટનાક્રમ પરત્વે પરંપરાગત વિકલ્પખોજ તેમ જ ઢાંચા બહારની મથામણો બાબતે સહયોગી ચોંપ દાખવવાપણું રહે છે. 2014 અને 2019ના લગભગ વચગાળામાં 1 માર્ચ 2017ની પરિણામી સાંજે નવા સૂરજની નાગરિક તલાશ ને કોશિશની આવી એક વિચારસંધિ ભલે આવી મળો.

સૌજન્ય : ‘ઉજળી આશા’, “દિવ્ય ભાસ્કર”, 25 ફેબ્રુઆરી 2017

Loading

સાવરણાં અને શકોરાં, કામ અને કીર્તન, લોકો અને લાગણી થકી બદલાવ લાવનાર સમાજ સુધારક ગાડગે બાબા

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|25 February 2017

લોકસેવાનાં દશવ્રત કરનાર  કર્મયોગી ગાડગે બાબાની આજે મહાશિવરાત્રીએ જન્મતિથિ છે

સંત તુકડોજી મહારાજ સાથે સંત ગાડગેજી મહારાજ

અમદાવાદના બાપુનગરમાં સંત ગાડગે બાબા ચોક છે. આ ગાડગે બાબા (1876-1956) એટલે મહારાષ્ટ્રના અજીબો-ગરીબ સમાજસુધારક સંત. ગામડાંમાં ફરતા રહેલા આ ફકીરે અરધી સદીથી વધુ વર્ષો દિવસે હાથમાં ઝાડુ લઈને જાહેર જગ્યાઓની સફાઈ કરી. રાત્રે તેમણે બિલકુલ લોકોની ભાષામાં કીર્તન કરીને તેમના દિલોદિમાગની  સફાઈ કરી. હજારોની મેદનીને ભગવાન મૂર્તિમાં નહીં પણ બધામાં છે, અને ભક્તિ કર્મકાંડમાં નહીં પણ દીનદુખિયાની સેવામાં છે એમ સોંસરા તર્કથી શીખવ્યું. દારુના વ્યસન અને પશુબલિની અંધશ્રદ્ધામાંથી બહાર નીકળવાની સમજ આપી. પોતાની દિવસરાત મહેનત દ્વારા તેમણે જનતાને શ્રમયજ્ઞ અને લોકફાળા માટે પ્રેરી. તેનાથી અનેક યાત્રાધામોમાં ગરીબો માટેની ધર્મશાળાઓ ઊભી કરી. મહારાષ્ટ્રના પંઢરપુરમાં અસ્પૃશ્યો માટેની પહેલી જંગી ધર્મશાળા ઊભી કરી. ભૂખ્યાં માટે સદાવ્રતો, ઘરડાં અને ઘરવિહોણાં માટે આશ્રયસ્થાનો, પછાત ગણાતી કોમોનાં બાળકો માટે શાળાઓ તેમ જ છાત્રાલયો પણ ઊભાં કર્યાં. પ્રાણીઓ માટેની ઊંડી કરુણાને કારણે ગાડગે બાબાએ મરઘાં-બોકડા-પાડાનો ભોગ ધરાવવાની બદી સામે ઝુંબેશ ચલાવી, જેમાં તેમને જીવસટોસટના વિરોધનો સામનો કરવાના કિસ્સા બન્યા. ઢોરને કસાઈવાડે જતાં અટકાવવાં ગાડગે બાબાએ પાંજરાપોળો શરૂ કરાવી.

ગાડગેબાબાએ કઠોર ગરીબીનાં જે વ્રત પાળ્યાં તેનો જોટો નથી – માગીને લીધેલો અરધો રોટલો હાથમાં લઈને એક ખૂણામાં ભોંય પર બેસીને ખાવાનો, ચીંથરાંનાં કપડાં અને ગાભાંનાં જૂતાં પહેરવાનાં, માથે માટલાના ઠીકરાની ટોપી મૂકવાની, ફાટેલાં પાથરણાં પર સૂવાનું, ઝાડ નીચે કે ઝૂંપડામાં રહેવાનું, કલાકો સુધી અંગમહેનતનું કામ કર્યા વિના રોટલો માગવાનો નહીં, પોતાની મિલકત તરીકે ફક્ત માટીનું એક શકોરું રાખવાનું.

શકોરા માટેનો મરાઠી શબ્દ ‘ગાડગં’ તેના પરથી બન્યા ગાડગે બાબા. આમ તો તેમની અટક જાનોરકર, નામ ડેબૂ, જન્મ 23 ફેબ્રુઆરીની મહાશિવરાત્રીએ પૂર્વ મહારાષ્ટ્રના વિદર્ભ પ્રાંતના અમરાવતી જિલ્લાના શેણગાવમાં.પરિવાર ગરીબ ધોબીનો. દેબૂ આઠેક વર્ષનો હતો ત્યારે કંગાળ પિતા ઝિંગરાજીનું મૃત્યુ થયું. તેનું કારણ એ જમાનામાં ઘણા કિસ્સામાં જોવા મળતું – અંધશ્રદ્ધામાં સબડતા ગામડાંનાં લોકોને ધાર્મિક કુરૂઢિને નિમિત્તે દારૂની લાગેલી લત. પણ મરતી વખતે તેણે પત્નીને કુરિવાજ અને બંધાણથી બાળકને દૂર રાખવા તાકીદ કરેલી. દેબૂ તેના મોસાળના દાપુર ગામમાં મામાને ત્યાં ઊછર્યો. આશ્રિત તરીકે તેનાં મા સખુબાઈ સાથે એણે પુષ્કળ પરિશ્રમ કર્યા. ખેતર અને પશુધનનાં તમામ કામોમાં ભારે આવડત મેળવી. ભજન અને કીર્તનની કળા કેળવી. મામાને છેતરનાર શાહુકાર સાથે બાથ ભીડી. પણ પરિવારે નમતું જોખ્યું. તેનાથી આવેલી હતાશા અને મનની એક ચૈતસિક અવસ્થાના સંયોજને તેમને ઘરબાર છોડવા પ્રેર્યા. તે નાના, મા, મામા, પત્ની, બે દીકરી, એક દીકરાને છોડીને ચાલ્યા ગયા.

બાર વર્ષ દૂર સુધી રઝળપાટ કર્યો. ખાવાનું માગે, સામે કામ કરે. બગીચો સાફ કરે, જમીન સરખી કરે, ખડ-નિંદામણ કાઢે, લાકડાં ફાડે, બાવળિયા કાપે. અરધો જ રોટલો ખાય, પૈસા પાછા આપી દે. સવાલોના ગાંડા-ઘેલા જવાબ આપે. દિવસે ગામલોક મારઝૂડ કરે, પાગલમાં ખપાવે. પણ મોડી સાંજે મંદિરનું આંગણું સાફ કરીને મીઠા અવાજે ભજન ગાવાં લાગે, પછી કીર્તન શરૂ કરે. તેમાં કબીર આવે, જ્ઞાનેશ્વર આવે, ખાસ તો તુકારામ એમની જીભે રમે. તેમની બાનીમાં ચાબખાં હોય ને ચિની હોય, કટાક્ષ હોય ને કરુણા હોય.  લોક સાંભળતું જ રહે. મોડી રાત સુધી કીર્તન ચાલે. સવારે શોધે તો બાબા નીકળી ગયા હોય. રેલવેમાં જાજરૂ પાસે બેસીને ખુદાબક્ષ હોય. ટિકીટ ચેકરે કરેલું અપમાન સહન કરી લે, ઊતારી મૂકે તો ઊતરી જાય. એ ગામમાં રોકાણ, સફાઈ, મજૂરી,પાગલપન, કીર્તન.

જાતમહેનતથી મોટા પાયે શરૂ કરેલું લોકહિતનું પહેલું કામ તે વતનના વિસ્તારમાં આવેલ ઋણમોચન મુકામે પૂર્ણા નદી પર ઘાટ બાંધવાનું. ડેબૂજી ત્રિકમ-પાવડો-તગારું મેળવીને કામ કરવા લાગ્યા. સવારે કામ, રાત્રે કીર્તન. લોકો જોડાયા, દાન પણ આવતું ગયું. પછીનાં બધાં વર્ષોમાં તો મહારાષ્ટ્રભરમાં કામ ચાલ્યું. લાખો રૂપિયાનાં દાન મેળવ્યાં. પણ બાબા અકિંચન જ રહ્યા. તેમના કુટુંબના કોઈ પણ સભ્યને તેમણે પોતાનાં અંગત કે જાહેર કામમાં કોઈ રીતે સ્થાન આપ્યું નથી. ઘરના તારણહાર ડેબૂનો ગાડગેબાબા બન્યા પછી ઘરના માણસો સાથેનો વ્યવહાર નિષ્ઠુર હતો તે મોટી વક્રતા ગણાય. 

ગાડગે બાબાના ધસમસતા કાર્યધોધમાં કરુણા, જાતમહેનત, નિસ્વાર્થવૃત્તિ, પ્રામાણિકતા, સમયપાલન, સુઘડતા, કરકસર જેવી બાબતો બહુ જરૂરી હતી. પૂરેપૂરા અભણ હોવા છતાં હિસાબ-કિતાબ, મોજણી-માપણી, ખોદકામ-બાંધકામ જેવાં અનેક કૌશલ તેમની પાસે હતાં. કલાકો સુધી મજૂરી કરવાની અને માઇલો ચાલવાની તાકાત લગભગ અંત સુધી ટકી. બાબા બહુ અસરકારક પત્રો લખાવતા. મદદનીશોને તે આકરી કસોટીથી પસંદ કરતા. અનુયાયીઓને પગે લાગવા દેતા નહીં, ફૂલહાર-પૂજાવિધિથી પર રહેતા. ‘હું કોઈનો ગુરુ નહીં, કોઈ મારો શિષ્ય નહીં’ એ તેમનું જાણીતું વાક્ય છે. જો કે ડૉ. બાબાસાહેબ આંબેડકર એમને ગુરુ જેવું માન આપતા. બાબાસાહેબે ધર્મપરિવર્તન કરતાં પહેલાં એમની સલાહ લીધી હતી. તે પૂર્વે કાયદા મંત્રી એવા આંબેડકર ખૂબ માંદા પડેલા ગાડગે બાબાને ચૌદ જુલાઈ 1949 ના દિવસે મુંબઈના દાદરમાં  મળ્યા અને પંઢરપુરની ધર્મશાળાનો કાર્યભાર સોંપ્યો. એ વખતે બાબાએ આંબેડકરને કહ્યું, ‘આપ શીદને મળવા આવ્યા ? આપનો સમય બહુ કિમતી છે. તમારો હોદ્દો કેટલો મોટો છે.’ આંબેડકરે ભાવુક થઈને કહ્યું હતું : ‘બાબા અમારો અધિકાર બે દિવસનો. કાલે ખુરશી પરથી ઊતરીએ એટલે કોણ પૂછે ? આપનો અધિકાર અજરામર છે.’

પંઢરપુર ધર્મશાળાનું કામ ચાલી રહ્યું હતું તે 1920 ના અરસામાં ગાડગે બાબાને મળેલા ભિક્ષુ અખંડાનંદે તેમના કામથી પ્રભાવિત થઈને વીસ હજાર રૂપિયાનો ચેક આપ્યો હતો. બાબા તેમના ચાહક અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બાળાસાહેબ ખેરના આગ્રહથી ફૈજપુર કૉન્ગ્રેસ અધિવેશનમાં ગયા હતા અને ત્યાં સભાના પરિસરની સફાઈનું કામ માગ્યું હોવાની નોંધ મળે છે.

ગાડગે બાબા પરનાં બારેક મરાઠી પુસ્તકોમાં સહુથી પહેલું ચરિત્ર બાળ ઠાકરેના પિતા પ્રબોધનકાર ઠાકરે પાસેથી મળે છે. ગુજરાતીમાં સર્વોદય કાર્યકર્તા ગોકુળભાઈ ભટ્ટનું ‘દિવ્યાત્મા ગાડગે મહારાજ’ (નવજીવન,1982) વાંચવા મળે છે. આઠમી નવેમ્બર 1956ના રોજ તેમણે મુંબઈના વાંદ્રામાં કરેલું છેલ્લું કીર્તન યુટ્યુબ પર છે. ગાડગે બાબા પર બનેલી એક ફિલ્મનું નામ છે ‘ડેબૂ’ (2010). શ્વેતશ્યામ ફિલ્મનું નામ બાબાએ લોકપ્રિય બનાવેલાં ભજન પરથી રાખવામાં આવ્યું છે – ‘દેવકીનંદન ગોપાલા’ (1977). તેમાં મુખ્ય ભૂમિકા ભજવનાર શ્રીરામ લાગુએ લખ્યું છે: ‘સમાજવાદી વિચારસરણી ધરાવતા આ લોકસેવકનું જીવનચરિત્ર આજના ઐયાશીવાદી અને આત્મકેન્દ્રી બની રહેલા સમાજ માટે જરૂરી લાગે છે.’

ગાડગેબાબાના દશવ્રત હતાં : ભૂખ્યાને ભોજન, તરસ્યાને પાણી, ઉઘાડાને વસ્ત્ર, અભણને ભણતર, બેઘરને ઘર, રોગીને ઓસડ, બેરોજગારને રોજગાર, પશુપક્ષીને અભય, ગરીબ છોકરા-છોકરીનાં લગ્ન, હતાશને હિમ્મત.

સ્વચ્છ ભારત અભિયાનના આડંબર અને ગંદા ગૉડમેનો પાછળના ગાંડપણના જમાનામાં સાવરણાં અને શકોરાંની સનદ લઈને આવેલા ગાડગેબાબા આ દેશના સફાઈકામના આદર્શ  હોઈ શકે.

22 ફેબ્રુઆરી 2017

+++++

e.mail : sanjaysbhave@yahoo.com

સૌજન્ય : ‘ક્ષિતિજ’નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 24 ફેબ્રુઆરી 2017

Loading

નલિયાકાંડઃ ડાળખાં-પાંદડાં અને મૂળિયાં

નેહા શાહ|Samantar Gujarat - Samantar|24 February 2017

પુરુષના હાથમાં સત્તા વધારે, એટલો સ્ત્રીના મનમાં ડર વધારે અને જેટલો ડર વધુ એટલો સત્તાનો દુરુપયોગ વધે

નલિયાની ઘટનાથી બળાત્કાર અંગે ફરી એક વાર ચર્ચા ઊઠી છે. ઘટનાક્રમ જોઈએ તો પીડિતાએ હિંમત ભેગી કરીને એફ.આઈ.આર. કરીને કહ્યું છે કે તેની પર સામૂહિક બળાત્કાર થયો હતો.   મુખ્ય આરોપીની ગેસ એજન્સીમાં તે નોકરી કરતી હતી. આરોપ મુજબ, ગઈ દિવાળી ટાણે તેને પૈસાની જરૂર ઊભી થતાં તેને ઘરે આવીને પૈસા લઈ જવા કહેવામાં આવ્યું. એ જ્યારે આરોપીના ઘરે ગઈ, ત્યારે તેને કેફી પીણું પાઈ તેની પર એકથી વધુ પુરુષોએ બળાત્કાર કર્યો. જેનો તેમણે વીડિયો પણ ઉતાર્યો, જે થકી તેઓ પીડિતાને બ્લેકમેલ કરતાં રહ્યા. અવારનવાર એની પર અલગ અલગ જગ્યાએ અલગ અલગ પાત્રો બળાત્કાર કરતાં રહ્યાં.

આ સિલસિલો દોઢ વર્ષથી ચાલુ હતો. પીડિતાએ કુલ નવ વ્યક્તિ સામે આક્ષેપ કર્યા છે અને બીજી ઘણી છોકરીઓ પણ આ ટુકડીનો શિકાર બની હોવાનું કહ્યું છે. આ કાંડના મુખ્ય આરોપી ભા.જ.પ.ના અબડાસા તાલુકાના ઓ.બી.સી. સેલના કન્વિનર છે અને અન્ય આરોપીઓ પક્ષમાં અલગ અલગ હોદ્દા ધરાવે કે પછી સામાન્ય સભ્ય છે. આ આરોપ ખૂબ ગંભીર હોઈ તાત્કાલિક ઊંડી તપાસ માગે છે, કારણ કે ઘણી છોકરીઓ આ જાળમાં ફસાઈ હોય તેવી ધારણા છે અને સામે આરોપીઓ વગદાર માણસો છે.

સુઆયોજિત રીતે થતાં સ્ત્રીનાં શારીરિક શોષણની ઘટના નવી નથી. આવી ઘટનાને ઉઘાડી પાડવા લોકોએ, ખાસ કરીને સ્ત્રી સંગઠનોએ શેરીઓમાં આવીને સંઘર્ષ કર્યો છે. નવા કડક કાયદા પણ બન્યા છે, છતાં આવી ઘટના વારંવાર બનતી રહે છે. પાત્રો બદલાયાં કરે પણ ગુનેગાર પુરુષની સ્ત્રી પ્રત્યેની માનસિકતા અને મગજમાં ભરાયેલી સર્વોપરિતાની ભાવના એની એ જ રહે છે. આસારામ આશ્રમમાં મહિલા ભક્તો સાથે થયેલાં કરતૂતોમાં તેમ જ પારુલ યુનિવર્સિટીમાં વિદ્યાર્થિનીનાં જાતીય શોષણ જેવી તાજેતરની ઘટનામાં પણ આ જ વાત પ્રતિબિંબિત થાય છે.

બળાત્કાર કોઈ ક્ષણિક આવેગનું પરિણામ નથી. મોટે ભાગે એ સભાનતાપૂર્વક આચરાયેલો ગુનો હોય છે. એમાં મગજમાં ભરાયેલા સત્તાના મદની મોટી ભૂમિકા હોય છે. તે ગુનેગારના મનમાં પૈસા, રાજકીય પહોંચ, જ્ઞાતિ, વર્ણ કે ધર્મની સામાજિક ઓળખમાંથી ઊભા થતાં વર્ચસ્વમાંથી જન્મે છે. આમ તો પુરુષ હોવાની ઓળખ જ વર્ચસ્વ જમાવવા માટે પૂરતી છે. ભાગ્યે જ કોઈ કિસ્સામાં બળાત્કારીએ પોતાના જાતીય આવેગો પર સંયમ ગુમાવી દીધો હોવાથી ઘટના બની હોય છે. નલિયાના કિસ્સામાં આરોપી પીડિતાનો બૉસ હતો. જરૂરતમંદ પીડિતાને પૈસા ધીરી શકે એ આર્થિક ક્ષમતાવાળો અને તેમાં ય સત્તાધારી રાજકીય પક્ષના મહત્ત્વના હોદ્દા પર આરૂઢ હતો. વળી, હાથવગી થયેલી મોબાઇલ ટેક્નોલોજીએ ગમે તે ક્ષણે ફોટા પાડવાનું અને વીડિયો ઉતારવાનું સહેલું કરી દીધું છે, જે બળાત્કારીઓના હાથમાં બ્લેકમેલ કરવાની તાકાત ઉમેરે છે.

સત્તાનો વિકૃત દુરુપયોગ કરવા માટે સત્તાનું આટલું સંયોજન પૂરતું છે. જેટલી પુરુષના હાથમાં સત્તા વધારે, એટલો સ્ત્રીના મનમાં ડર વધારે અને જેટલો ડર વધારે એટલો સત્તાનો દુરુપયોગ વધારે. મોટા ભાગના કિસ્સામાં ભયવશ સ્ત્રી હથિયાર હેઠાં મૂકી દેતી હોય છે, જેનાથી બળાત્કારીનો આત્મવિશ્વાસ અને તાકાત વધે છે. વિશ્વભરનાં નારીવાદી સંગઠનો આ સમજી ચૂક્યાં છે અને ભારપૂર્વક કહી રહ્યાં છે કે જો ભવિષ્યમાં સ્ત્રી સામેની જાતીય હિંસા ઘટાડવી હશે તો આજે ખૂલીને બોલવું પડશે.

જો કે, બોલવું એટલું સહેલું નથી. આત્મસન્માનનાં લીરેલીરાં ઉડાડતી પરિસ્થિતિમાં સ્ત્રી લડી લેવાનું પસંદ ન કરે એ સમજી શકાય એવું છે, કારણકે લડાઈ અનેક મોરચે આપવાની હોય છે. તેમાં કાનૂની લડાઈનો ક્રમ તો સૌથી છેલ્લો આવે. સૌથી પહેલાં જાત સાથે લડવાનું. બળાત્કાર એક હિંસક ઘટના છે જેમાંથી જન્મતી હતાશામાં, પોતાની સાથે આવું બની શકે એ સ્વીકારવું સહેલું નથી. સાથે સાથે કુટુંબીજનો તેમ જ સમાજની કૂથલી સામે તો લડવાનું જ હોય.

આ બધાં વિઘ્નોને પસાર કરીને જો પીડિતા ફરિયાદ નોંધાવવાનું નક્કી કરે ત્યારે શરૂ થાય નવો સંઘર્ષ. પોલીસ સ્ટેશનના ધક્કા, પોલીસનો અસંવેદનશીલ અભિગમ, વકીલોની તગડી ફીના ખર્ચા, પુરાવા ભેગા કરવાની ભાંજગડ, ફરીને ફરી તાજા થતા ઘા અને  કેસ શરૂ થયા પછી કોર્ટમાં પડતી તારીખ પર તારીખ. કાયદા અને ન્યાયની વ્યવસ્થામાં પણ મોટે ભાગે સંવેદનશીલતાનો અભાવ  હોય છે, કારણ કે એને નિભાવનારા લોકો પણ આજ સમાજમાંથી આવે છે.

બળાત્કાર અને જાતીય શોષણની કોઈ ઘટના સામે આવે ત્યારે હજુ પણ પીડિતાનાં ચરિત્રની ચર્ચા પહેલી ઉપડે છે. એના ચરિત્રમાં નાનોસરખો ડાઘો પણ ના ચાલે. પીડિતાના ભૂતકાળને એની સાથે થયેલી જાતીય દુર્ઘટનાથી છૂટી પાડતાં આપણે ક્યારે શીખીશું? નલિયાના કેસમાં પણ પીડિતાનાં અંગત જીવનની સાચી-ખોટી વિગતો મારી-મચડીને રજૂ થઈ રહી છે, જેની કથિત ઘટના સાથે કોઈ લેવાદેવા નથી. પીડિતાને હતોત્સાહી કરવાની આ જૂની ચાલ હજુ પણ કામ કરે છે.

આ બધાં વિઘ્નો છતાં નલિયાની પીડિતાએ જે હિંમત દાખવીને ગુનેગારો સામે મોરચો માંડ્યો છે એ કાબિલે તારીફ છે. વિરોધપક્ષ તેમ જ મીડિયા તરફથી દબાણ ઊભું થતાં કચ્છ પોલીસે ફરિયાદના આધારે આરોપીઓની ધરપકડ કરી છે અને તપાસ માટે ખાસ સમિતિની રચના પણ કરી છે જે આવકારદાયક છે. સમિતિ ઘટનાની નિષ્પક્ષ તપાસ કરે અને પીડિતાને સમયસર યોગ્ય ન્યાય મળે એવી આશા રાખીએ. આ સાથે સ્ત્રીને સેક્સ ઓબ્જેક્ટ ગણવાની માનસિકતાને ઝંઝોડવાની પણ જરૂર છે, કારણ કે તે બળાત્કાર પાછળનું મુખ્ય કારણ છે. 

સ્ત્રી એટલે ઉપભોગનું સાધન. અલબત્ત, બધા પુરુષો બળાત્કારી નથી જ હોતા, પણ કેટલા પુરુષો પ્રામાણિકતાથી કહી શકશે કે તેઓ સ્ત્રીને ઉપભોગની ‘વસ્તુ’ નથી ગણતા? શું એવા પુરુષો પણ નથી કે તેઓ પોતે ભલે બળાત્કારી ન હોય, પણ અન્ય બળાત્કારી પુરુષ સામે વાંધો પણ ન હોય? જો સજાનો ભય ન હોય તો તેઓને પણ કદાચ મોકો ઝડપી લેવાનો વિચાર આવી જાય? સ્ત્રીને સેક્સ ઓબ્જેક્ટ તરીકે રજૂ કરતી ફિલ્મો કે મેગેઝિન જોવામાં તેમને આનંદ આવતો હોય? સ્ત્રી પર પોતાનું વર્ચસ્વ જમાવવાના વિચારથી તેઓ ઉત્તેજિત થતા હોય? કદાચ પોતાના જાતીય જીવનમાં પણ એવો જ અભિગમ રાખતા હોય? સૌ જાણીએ છીએ કે આ પ્રશ્નોના પ્રામાણિકપૂર્વકના જવાબ મળે તો એ માહિતી આખા સમાજને વિચલિત કરનારી હશે. મોજશોખ માટેની ‘ચીજ-વસ્તુઓ’ની યાદીમાં સ્ત્રી અને શરાબને જોડે મુલવતા અભિગમને સમાજમાંથી નહીં બદલીએ ત્યાં સુધી સ્ત્રી પર થતી રહેતી જાતીય હિંસાને કઈ રીતે અટકાવીશું?

e.mail : nehakabir00@gmail.com

સૌજન્ય : ‘વિષચક્ર’, “દિવ્ય ભાસ્કર”, 24 ફેબ્રુઆરી 2017 

Loading

...102030...3,4793,4803,4813,482...3,4903,5003,510...

Search by

Opinion

  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved