Opinion Magazine
Number of visits: 9767885
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મૂલ્યનિરપેક્ષતાના મુલકમાં સ્વૈરવિહાર

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|15 April 2017

આખરે એ ‘ગુજરાત ગૌરવ’ અને ‘વિકાસ’ સ્તો હતાં જે વેચીને મોદી અખિલ હિંદ અપીલના ધરાર ધણી લેખાયા છે

ઇતિવૃત્તકાર રામચંદ્ર ગુહાના તાજેતરના લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિક્સ ખાતેના એ ઉદ્‌ગારોને કેવી રીતે ઘટાવશું વારુ? સહેજે બારપંદર દિવસ થઈ ગયા એ વાતને, અને દૈનિક પત્રના આ ચહેતા કતારચીએ હજુ તે વિશે રદિયાથી સમજૂતની તરજ પર કશી વાત પણ કરી નથી! રહો, ઓર નુક્તેચીનીમાં જવા પૂર્વે ગુહાના લંડન વક્તવ્યનો ટૂંકસાર જરી ઉતાવળે આપી દઉં: નરેન્દ્ર મોદી નાતજાતપ્રદેશને વટી જતી અખિલ હિંદ અપીલ ધરાવે છે. એ રીતે જોઈએ તો જવાહરલાલ નેહરુ અને ઇંદિરા ગાંધી પછીના ત્રીજા સફળ વડાપ્રધાન તરીકે ભાવિ ઇતિહાસ મોદીની નોંધ લેશે.

સામાન્યપણે ગુહા મોદી નેતૃત્વના ટીકાકાર તરીકેની છાપ ધરાવે છે. ભ્રષ્ટાચારનાબૂદી બાબતે તે ખરેખાત ઇચ્છુક છે કે કેમ એવો પ્રશ્ન પણ સવિશેષ તો વિભાજક અને વિષાક્ત કોમી રાજનીતિથી માંડીને આપણી ક્રિમિનલ જસ્ટિસ પદ્ધતિની મર્યાદાઓ સાથે તોડમરોડ સહિતનાં વાનાં એમનો બેબાક ટીકાવિષય રહ્યાં છે. મોદીના વિશ્વદર્શનની સંકીર્ણતા વિશે બોલતાં ગુહાએ સંકોચ કર્યો જાણ્યો નથી. આ ગુહા, નમોને નેહરુ, અને ઇંદિરા સાથે મૂકે? ખરું જોતાં, એ તો નેહરુ અને ઇંદિરાને પણ એક સાથે મૂકી ન શકે, કેમ કે નેહરુનું ઇતિહાસદર્શન-માનવતા-લોકશાહી સમાજવાદ એમને જે રીતે જમાતજુદેરા ને મૂઠીઊંચેરા મૂકી આપે છે એ રીતે કટોકટીખ્યાત ઇંદિરા ગાંધી સુધ્ધાં કિસ ગિનતી મેં એવો સવાલ લાજિમ છે. ટૂંકા ગાળાની વડાપ્રધાન આયુમાં દંતકથારૂપ ઉભરેલા લાલબહાદુર શાસ્ત્રી, ટટ્ટાર મોરારજી દેસાઈ, ઇન્સાનિયતની રાજનીતિ ચાહતા વાજપેયી, આ સૌને કોરાણે રાખીને નમોનું નામ લેવું તે જરૂર સાહસ માગી લે છે.

અધૂરામાં પૂરું, વાતમાં મોણ નાખવાને ધોરણે નહીં પણ પરિપ્રેક્ષ્યસર, બીજી જે એક વિગત અહીં નોંધવી જોઈએ તે પણ સંભારી લઉં. એજન્સીએ લંડન વક્તવ્ય પ્રસારિત કરતી વેળાએ ખાસ કાળજી રાખીને અંબોળેલી ટિપ્પણી એ હતી કે મોદીની અને હિંદુત્વ રાજનીતિની ટીકા સબબ ગુહાને ‘થ્રેટ મેલ’ (માત્ર ‘હેટ મેલ’ નહીં પણ ‘થ્રેટ મેલ’) મળે છે. જોકે ગુહા એને મહત્ત્વ નથી આપતા અને એક રોજિંદી બીના માત્ર તરીકે જ ઘટાવે છે એમ પણ એજન્સીએ ઉમેર્યું હતું. છતાં, એણે બે બાબતોને એક સાથે મૂકી આપવાની ચેષ્ટા કરી હતી એમાંથી કેમ જાણે કોઈ સૂચક સહોપસ્થિતિની બૂ ઊઠતી હતી.

ઇતિવૃત્તકાર કહેતાં ક્રોનિકલર ગુહા તાજેતરનાં વરસોમાં એક એવા બૌદ્ધિકરૂપે ઉભર્યા છે જેણે જાહેર જીવનમાં કાંક કહેવાપણું છે. જ્યારે એક પબ્લિક ઇન્ટેલેક્ચ્યુઅલ તરીકે એમનો વિશેષોલ્લેખ કરીએ ત્યારે હમણાં સુધીની એમની મોદીમીમાંસાનું એ એક વાનું પણ બિનચૂક સંભારી લેવુ રહે કે બૌદ્ધિકો બાબતે મોદી સરકાર જે તુચ્છકારથી પેશ આવતી માલૂમ પડી છે એના ગુહા ટીકાકાર રહ્યા છે. મોદીના નેતૃત્વમાંથી સોડાતા બૌદ્ધિકવિરોધવાદ બલકે એન્ટિ-ઇન્ટેલેક્ચ્યુઅલિઝમ વિશે બોલવાલખવામાં ગુહાએ કોઈ સંકોચ દાખવ્યો નથી. તેમ છતાં નેહરુ-ઇંદિરા-મોદી ત્રણેને અખિલ હિંદ અપીલને ધોરણે સફળતાના એક જ સોપાને ગુહાએ મૂક્યાં છે તે મૂક્યાં છે. એટલે જાહેર ચર્ચાના ક્ષેત્રમાંથી એમણે પણ પાપપુણ્યની બારી પેઠે પસાર થવું તો પડે. બલકે, પોતે પાપપુણ્યની બારીમાંથી પસાર થઈને પોતાનું વજૂદ અંકે કરવું રહે છે એ સમજવામાં જાહેર મતે એમને પ્રેમથી પુચકારીને કે લગરીક આરીનો અનુભવ કરાવીને ય મદદરૂપ થવું રહે છે. આ કોશિશ, આ પ્રક્રિયા અલબત્ત ગુહા સંદર્ભે જ નહીં જાહેર મતના બાકી સૌ લખવૈયા (આ લખનાર સહિત)ના લાભાર્થે ય ઈષ્ટ છે.

દરમ્યાન, કદાચ દૂરાકૃષ્ટ છતાં અહીં સાંભરતો એક પેરેલલ ચિમનભાઈ પટેલના ગુજરાતકારણ (અને સત્તાકારણ)નો છે. સોળ વરસ પછી એ બીજી વાર મુખ્યમંત્રી બન્યા ત્યારે એમની એક નવી સ્વીકૃતિ બની હતી. નહીં કે એમનાં અગાઉનાં ટીકાસ્થાનો હવે નહોતાં; પણ તે છતાં સ્વીકૃતિ બની’તી તે બની’તી. એમના જૂના ટીકાકારોનો ટીકાભાવ ઝાઝો ઘટ્યો હશે, એવું પણ નહોતું. પણ જ્યારે ખરીખોટી અનવસ્થા વચ્ચે આ એક જણ ‘ડિલીવર’ કરી જાણનાર જણ છે, આપણે જે દોરમાંથી ગુજરી રહ્યા છીએ તેમાં ‘ત્રાહિમામ્’ને દાદ આપી શકે એવો કાબેલ જણ છે, એવો ભાવ પ્રજામાનસમાં જાગે ત્યારે આવી સ્વીકૃતિ બનતી હોય છે. આવી સ્વીકૃતિ વખતે કથિત વ્યક્તિત્વની મૂળભૂતપણે નીતિનિરપેક્ષ-મૂલ્યનિરપેક્ષ ગતિવિધિ કાં તો લક્ષમાં જ રહેતી નથી કે પછી તેવી ગતિવિધિ પોતે કાબેલિયતરૂપે મહિમામંડન પામી ભાગ્યશાળીને ભૂત રળે એ કહેવત સાચી પાડી આપે છે.

એટલે ગુહા જ્યારે નેહરુ-ઇંદિરા-મોદીને એક શ્વાસે એક સોપાને મૂકતા જણાય છે ત્યારે કાં તો જનમાનસનો પડઘો પાડતા (કે એમાં જોડાઈ જતા) માલૂમ પડે છે. આ સંજોગોમાં નીરક્ષીર અને નિકષને ધોરણે એ ક્યાં ઊભા છે એવો સવાલ પૂછવો લાજિમ છે. અથવા તો, એમણે એક સાથે બે ધાગે અને બે સ્તરે કામ લેવાપણું જરૂરી લાગે છે. એક પા, તે આ સ્વીકૃતિની જો નોંધ લે તો બીજી પા આ સ્વીકૃતિમાં ગૃહીત પારનૈતિક (અમોરલ) અભિગમ વિશે એ અજાણ નથી અને જનમતે પણ જાગ્રત રહેવાપણું છે તે એમણે ચોખારી અને ખોખારીને બોલવું રહે. જો આ વાતે, ‘સ્વીકૃતિ’નું વાસ્તવ સ્વીકારતે છતે આપણે ઢીલું મૂકીએ તો શું બને એ કલ્પવું પડે એમ નથી. મોદી સહી અને યોગી નહીં, એવો જે તર્ક આ આખું રાજકીય પેકેજ પ્રીછ્યા વગર આજકાલ આગળ ધરાઈ રહ્યો છે તે આનું જ એક ઉદાહરણ છે.

વણઝારાની બનતી આવતી સ્વીકૃતિ પણ આ સંદર્ભમાં જોવાતપાસવાપણું છે. ગુહા જો આ મુદ્દો ચૂકીને ચાલવાના હોય – એટલે કે બે ધાગે અને બે સ્તરે – એક સાથે સ્પષ્ટતાથી ચાલી શકવાના ન હોય તો એક જાગતલ અને જાણતલ પબ્લિક ઇન્ટેલેક્યુઅલ તરીકે એમને પક્ષે એ ઇતિહાસગોથું હશે. અંગ્રેજી પત્રકારત્વમાં મેઘનાદ દેસાઈ, તવલીન સિંહથી માંડીને એકાધિક ગુજરાતી કટારચીઓ આજે આવા એક ગોથાને અંગે ગુરુત્વાકર્ષણની પરિસ્થિતિ જાણેઅજાણે સરજી રહ્યાં છે. આ ગુરુત્વાકર્ષણની બલિહારી એ છે કે વિજ્ઞાનનિરપેક્ષપણે તે ઉપર (મોદી તરફ) અને નીચે (પારનૈતિક ને મૂલ્યનિરપેક્ષ ભોંય ભણી) એક સાથે ખેંચી શકે છે. આમાં બાદશાહના મહેલના દીવે જોઈ કાતિલ ઠંડીમાં નદી વચાળે ઉષ્મા મેળવતા નિરીહ નાગરિકની સરળતા જ નહીં, બાદશાહના ‘દિવ્ય વસ્ત્રો’ની અસલિયત જોતે છતે નહીં જોતા વિચક્ષણ જણની વશેકાઈ પણ છે. મધુ કિશ્વરની મોદીનામા ભણીની સફર અને તે પછી કંઈક ભોંયપછાડ પણ અહીં જરૂર સંભારી શકીએ.

કદાચ, કરવા જેવું એક કામ એનું એ જ જૂનું ગાણું લાગે તો પણ કથિત ગુજરાત મોડેલનો વાંસો લોક સમક્ષ લાવવા જેવું છે. માયા કોડનાની કેસમાં અમિત શાહને સાક્ષી તરીકે હાજર થવાનું બને તે આ સંદર્ભમાં તપાસવા જેવું છે. ગોધરા-અનુગોધરા તપાસ છેડા ક્યાં ને કેમ છૂટા મુકાયા છે ત્યાંથી માંડીને વિકાસનું વાસ્તવ શું છે તે વિશે પણ હજુ વિશેષ ઊહાપોહની જરૂરત છે. આખરે એ ‘ગુજરાત ગૌરવ’ અને ‘વિકાસ’ સ્તો હતાં. જે વેચી વેચીને મે 2014માં દિલ્હીપતિ બની મોદી અખિલ હિંદ અપીલના ધરાર ધણી લેખાયા છે. આ આખી પ્રક્રિયાથી લગારે અજાણ નહીં એવા ગુહા જ્યારે મૂલ્યનિરપેક્ષતાના મુલકમાં પોતાના લંડન વક્તવ્ય સાથે નાંગરે છે ત્યારે મોદીના સફાઈ અભિયાન સાથે નાગરિકને પક્ષે જરૂરી સફાઈ બેલાશક સાફ, સાફ અને સાફ હોવાની. નિયતિ કહો તો નિયતિ, સૌભાગ્ય કહો તો સૌભાગ્ય, આ નહીં તો શું છે, કહો જોઉં.

સૌજન્ય : ‘મુખ અને વાંસો’, “દિવ્ય ભાસ્કર”, 15 અૅપ્રિલ 2017

Loading

ચાંગદેવ ખૈરમોડેએ સાડા હજાર પાનાંમાં બાર ભાગમાં લખેલું ડૉ.આંબેડકરનું સૌથી સર્વગ્રાહી જીવનચરિત્ર 40 વર્ષે સંપૂર્ણ પ્રગટ થયું

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|14 April 2017

બાબાસાહેબના જીવનકાર્ય માટેની નિસ્બત અને ચાળીસ વર્ષનાં આકરા સંશોધનનું ફળ

બાર ભાગમાં લખાયેલા મહાગ્રંથના પ્રકાશનનું અધુરું કામ ચાંગદેવનાણ પત્ની દ્વારકાતાઈએ પાર પાડ્યું

ચાંગદેવ ભવાનરાવ ખૈરમોડેએ મરાઠીમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરનું જીવનચરિત્ર બાર  ભાગમાં લખ્યું છે. સાડા ચાર હજાર જેટલાં પાનાંનું આ ચરિત્ર પુનાના સુગાવા પ્રકાશને 1982 થી 2012 દરમિયાન પ્રસિદ્ધ કર્યું છે. આ અભૂતપૂર્વ મૌલિક ગ્રંથશ્રેણીના પહેલા બે ભાગનો વિમલકીર્તિએ કરેલો હિંદી અનુવાદ દિલ્હીના સમ્યક પ્રકાશને 2009-2010માં બહાર પાડ્યો છે.

ખૈરમોડે (1904-1971) બાબાસાહેબના અંતેવાસી હતા અને મુંબઈમાં બ્રિટિશ સરકારના સચિવાલયના વહીવટી કર્મચારી હતા. ચાળીસ વર્ષની મહેનતથી લખાયેલા આકરગ્રંથના ફક્ત પહેલા પાંચ ભાગનું પ્રકાશન અને આર્થિક નુકસાન જ તે જીવન દરમિયાન  જોઈ શક્યા હતા. તેમનું હૃદયરોગના હુમલાથી અવસાન થયું. તેનાં થોડાંક વર્ષ પછી બાકીના સાત ભાગના સંપાદન-પ્રકાશનની કપરી કામગીરી તેમનાં પત્ની દ્વારકાતાઈએ પાર પાડી. પતિએ એકઠી કરેલી સામગ્રીનું સંકલન કરી તેમણે ઉચિત નિવેદનો તથા અભ્યાપૂર્ણ પ્રસ્તાવનાઓ સાથે ગ્રંથોનું પ્રકાશન, અને સતત માગ મુજબ પુનર્મુદ્રણ કરાવ્યું. તેમાં મહારાષ્ટ્ર રાજ્ય સાહિત્ય આણિ સંસ્કૃિત મંડળની તેમ જ કેટલાક અભ્યાસીઓની બહુમૂલ્ય મદદ મળી.

જો કે 1952માં બહાર પડેલો પહેલો ભાગ તો ખુદ બાબાસાહેબે વાંચ્યો હતો. એ અંગે બીજા ભાગની પ્રસ્તાવનામાં ખૈરમોડેએ નોંધ્યું છે કે કેટલાક યુવાનોએ એ પુસ્તક વિશે બાબાસાહેબનો અભિપ્રાય માગ્યો ત્યારે તેમણે કહ્યું હતું : ‘આના કરતા તો વધારે હું શું લખી શક્યો હોત ? લેખકે મારા જીવનની પંચોતેર ટકા મહિતી આ ગ્રંથમાં આપી છે. જે જાણકારી બાકી રહી છે તે મારા અંગત જીવનની છે. એ માહિતી એ બિચારાને શી રીતે આપી શકાય ? એ તો હું જ લખીશ.’ લેખક એ પણ જણાવે છે કે ‘બાબાસાહેબ પોતાનું જીવનચરિત્ર પોતે અંગ્રેજીમાં લખવા માગે છે. એમાં અત્યાર સુધીની અજાણી વિગતો આવશે. ત્યાં સુધી મારી જાણકારીનો સ્વીકાર કરવા વાચકોને વિનંતી.’ ખૈરમોડે અભ્યાસીઓને ડૉ. આંબેડકરનાં અનેક રૂપ તપાસવાનું જણાવે છે. તે રૂપ છે : ‘પોતાનાં પરિવાર અને સુખદુ:ખ પર તુલસીપત્ર મૂકીને સતત વિદ્યાભ્યાસ-સંશોધન-મનન-લેખન કરનાર વિશાળ બુદ્ધિના પ્રબુદ્ધ વ્યક્તિ’, ‘સામાજિક ક્રાન્તિના તત્વવેત્તા અને ઉદ્‌ગાતા’, ‘પદદલિતોનાં અંત:કરણામાં માણસાઈનો ધગધગતો લાવારસ પેદા કરનાર કિમિયાગર નેતા’ અને ‘સામાજિક ક્રાન્તિ દ્વારા રાષ્ટ્રવ્યાપી શાંતિનું નિર્માણ કરનાર ધાર્મિક દ્રષ્ટા’.

આટલાં બધાં રૂપોમાં બાબાસાહેબને અભ્યાસનારા ખૈરમોડે પોતાના વિદ્યાર્થીકાળથી તેમના સંપર્કમાં આવ્યા હતા. તે  મહારાષ્ટ્રના સાતારા જિલ્લાના પાચવડ ગામમાં 1904 માં જન્મ્યા હતા. એ દિવસોમાં બાબાસાહેબને આદર્શ ગણીને ગામડાંના કેટલાક દલિત વિદ્યાર્થીઓની જેમ એ પણ ભણવા માટે મુંબઈ આવ્યા. ઉત્તમ ગણાતી એલફિન્સ્ટન્સ શાળામાં અંગ્રેજી છઠ્ઠા ધોરણમાં દાખલ થયા. તેમની વાંચવાની અને રાત્રે સૂવાની વ્યવસ્થા પરળ વિસ્તારના પોયબાવાડીમાં લેબરર્સ કૉમ્પેન્સેશન બ્યૂરોની કચેરીમાં થઈ. અહીં બાબાસાહેબ ‘બહિષ્કૃત ભારત’ની કચેરી પણ ચલાવતા. અભ્યાસમાં તેજસ્વી અને કવિતા લખવામાં ઇનામ મેળવનાર ચાંગદેવ બાબાસાહેબનાં વ્યક્તિત્વ, વિચારસરણી અને કામની પૅશનથી પ્રભાવિત ન થાય તો જ નવાઈ. એમણે 1920ના અરસામાં આંબેડકરને એમના કામમાં મદદ કરવાની શરૂઆત કરી. થોડાક સમયમાં તેમણે બાબાસાહેબનું જીવનચરિત્ર લખવાનું પણ નક્કી કર્યું. દ્વારકાતાઈ નોંધે છે કે જાણીતા અંગ્રેજી સાહિત્યકાર-શબ્દકોશકાર ડૉ. સૅમ્યુએલ જૉન્સનનું તેમના સાથી જેમ્સ બૉઝવેલે વીસ ભાગમાં 1791માં લખેલું ચરિત્ર ખૈરમોડેને નમૂનારૂપ લાગતું. તેમણે આંબેડકરનાં ભાષણોની નોંધો, તેને લગતાં અખબારી અહેવાલોનાં કતરણો, લખાણોનાં અંશો, પત્રવ્યવહાર, સંસ્થાઓના અહેવાલો જેવી સામગ્રી એકઠી કરવાની શરૂઆત કરી. આંબેડકર ચાંગદેવને વખતોવખત પોતાના જીવનની વાતો કરતા અને ‘તું મારું સરખું ચરિત્ર લખીશ’ કહીને પ્રોત્સાહન આપતા એવું પણ દ્વારકાતાઈને સાંભરે છે. ચાંગદેવજીએ 1929માં બી.એ. થઈને સેક્રેટરિયેટમાં નોકરી મેળવી, જે એ સમયના દલિત માટેની મોટી સિદ્ધિ હતી. તેમણે આંબેડકરના ‘હૂ વેર દ શૂદ્ર’ પુસ્તકનો અને ‘ધ રાઇઝ અ‍ૅણ્ડ ફૉલ ઑફ ધ હિન્દુ વુમન’ દીર્ઘ નિબંધનો અનુવાદ પણ કર્યો છે.

કહેવાની ભાગ્યે જ જરૂર છે કે ખૈરમોડેના ચરિત્રનો પટ અતિ વિશાળ છે. લેખકે તો ‘હું બાબાસાહેબનું જીવનચરિત્ર ત્રણ ખંડોમાં લખી રહ્યો છું’, એમ પહેલાં ખંડમાં જણાવ્યું. પછીના પુસ્તકમાં પાંચ ભાગનું કહ્યું અને અંતે થયું એક તપ ! બાર ખંડોમાં વર્ષોને સરખા ભાગે વહેંચવામાં આવ્યાં નથી. બલ્કે જરૂરિયાત મુજબનું વિભાજન છે. જેમ કે, પહેલો ખંડ 1891 થી 1920 સુધીના ગાળાને આવરે છે, પછીના દસ વર્ષ બીજા ખંડમાં છે; દસમો ખંડ આઝાદીથી પાંચ વર્ષ સુધીનો છે, અગિયારમો તે પછીના બે વર્ષનો અને છેલ્લો ખંડ 1955થી મહાનિર્વાણ સુધીનો છે.

ખૈરમોડેનો મહાગ્રંથ બહુ આધારભૂત એવા આંબેડકર સર્વસંગ્રહની ગરજ સારે છે. એક દાખલો જોઈએ. અમ્બાવડેકર એવી મૂળ અટક આંબેડકર કેવી રીતે થઈ તેના માટે ચરિત્રકાર આંબેડકર જ્યાં ભણ્યા તે બે શાળા અને એક કૉલેજના સાત દસ્તાવેજોનો આધાર આપે છે. તેમણે આવી અપાર સામગ્રી દેશ અને દુનિયાના ખૂણેખૂણામાંથી ભેગી કરી છે તે પાદટીપો અને ગ્રંથસૂચિ ઉપરાંત ઋણનિર્દેશમાં પણ જોવા મળે છે. આ સામગ્રી માટેની સલામત જગ્યા માટે લેખકની કોશિશો ચાલી તે દરમિયાન તેમાંથી કેટલાક કાગળ ઉધઈ અને ઉંદરોનો ભોગ બન્યા. પછી મુંબઈ યુનિવર્સિટીએ આ સામગ્રી માટે જગ્યા ફાળવી, જેનો ઉપયોગ પશ્ચિમને આંબેડકરનો પરિચય કરવનાર વિદુષી એલિનોર ઝેલિયટે કર્યો. તદુપરાંત તેનો આધાર લઈને સ્વિટઝર્લૅન્ડના પીટર હેસે ધર્માન્તરની ચળવળનો અને ન્યુયૉર્કના એડેલ ફિસ્કેએ બુદ્ધના સંદર્ભે આંબેડકર પરનો અભ્યાસ કર્યો. આવાં નામોની યાદી પુષ્કળ લાંબી થઈ શકે જે તેમના કામની મહત્તા બતાવે.

અલબત્ત, આ મહત્તા સમજતા સમાજને વાર લાગી છે. પહેલાં પાંચ ખંડોના પ્રકાશકો અલગ અલગ હતા. તેની નવી આવૃત્તિ માટે મુશ્કેલી પડી. લેખકના અવસાન પછી આખા ચૌદ વર્ષે 1985 માં છઠ્ઠો ખંડ બહાર પડ્યો અને શ્રેણી એકવીસ વર્ષે 1992માં સાહિત્ય અને સંસ્કૃિત મંડળના ઉપક્રમે પૂરી થઈ. હયાતીમાં બહાર પડેલા ભાગ વિશે લેખક નોંધે છે : ‘આ ખંડોના પ્રકાશકો પાસેથી પુરસ્કાર તરીકે મને એક પૈસો ય મળ્યો નથી.’ દ્વારકાતાઈ નોંધે છે: ‘ત્રણસો-સાડીત્રણસો પાનાંનું સમગ્ર ચરિત્ર લખીને આપશો તો તમે માગશો એ રકમ આપશું એવી માગણી કેટલાક પ્રકાશકોએ કરી હતી. પણ ‘દુનિયાની સામે સામાજિક ચળવળનો સત્ય ઇતિહાસ મૂકવાનો છું, પૈસા માટે હું આ કામ કરતો નથી એમ કહીને તેમણે ટૂંકું ચરિત્ર લખવાનો સાફ ઇનકાર કર્યો હતો.’

આવી નિ:સ્વાર્થ નિષ્ઠા, પહેલો ખંડ વાંચ્યા પછીના બાબાસાહેબે કરેલા ઉદ્‌ગારોને સાર્થક ઠેરવે છે : ‘ મારા આત્મચરિત્રમાં મૂકી શકાય તેવું બધું જ આ ખંડમાં આવી ગયું છે.’

++++++

13  એપ્રિલ 2017

e.mail : sanjaysbhave@yahoo.com

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 14 અૅપ્રિલ 2017 

Loading

દિનેશભાઈની સંવેદનશીલતા

પ્રહ્લાદ જોશી|Opinion - Opinion|13 April 2017

થોડા દિવસ પહેલાં આપણે મારાં લીલાફઇની વાત કરી હતી. એમને પાંચ સંતાનો. પ્રેમિલાબહેન, નીતિબહેન, દિનેશભાઇ, મંજુલા, અને હિતેશ. સહુથી નાનો હિતેશ પણ મારાથી તો છ વર્ષ મોટો. તો ય નાનપણથી જ એને અને એનાથી મોટી બહેન મંજુને તુંકારે જ બોલાવવાની ટેવ છે.

દિનેશભાઇનું હુલામણું નામ ભીખુ. પણ ઘરનાં વડીલો સિવાય એમને એ નામે કોઇ બોલાવતું નથી. હું નાનો હતો ત્યારે એમણે મને ખોળામાં બેસાડી રમાડ્યો છે. હું છએક મહિનાનો હોઇશ, તેઓ આંબલિયા આવ્યા હતા. એમના ખોળામાં બેઠો હતો અને દડી ગયો. દાદાનું તો ગારમાટીવાળું ખોરડું હતું એટલે ખાસ વાગવાનો તો પ્રશ્ન જ ન હતો પણ છ મહિનાનું બાળક થોડી વાર તો રડે જ ને! હું ય ગાંગર્યો. પણ દિનેશભાઇના પસ્તાવાનો પાર ન રહ્યો. જયારે મા મળે, ત્યારે પૂછે “હેં મામી, ભાઇને બહુ લાગ્યું તો નોતું ને! હું તો ખોળામાં બેસાડીને રમાડતો હતો, હોં મામી! ભાઇ જ એની મેળે ગોથિકલું ખાઇ ગયો હતો.” મા કહે ય ખરાં કે હા ભીખુ, હા. ભાઇ તો નાનો હતો ને! નાના છોકરાં તો પડી જાય ને વાગે ય ખરું. તું ચિંતા કર મા.

વળી છ મહિના વરસ જાય અને ફઇના ઘરે જવાનું થાય. વળી દિનેશભાઇ અપરાધભાવના સાથે માને એ જ વાત યાદ કરાવે. મામી, હું તો ભાઇને ખોળામાં બેસાડીને ખાલી બેઠો જ હતો હોં! ઇ જ દડી ગયો હતો ને રોવા માંડ્યો હતો. હેં મામી, એને બહુ લાગ્યું તો નહતું ને!

ફરી પાછા જ્યારે ભેગાં થાઇયે ત્યારે દિનેશભાઇ ફરી યાદ દેવડાવે કે ભાઇ એમના ખોળામાંથી ગબડી પડ્યો હતો એમાં એમનો વાંક ન હતો, અને ખાતરી કરે કે એમની જરા સરખી બેદરકારીના લીધે હું એમના ખોળામાંથી પડી ગયો હતો તો મને ખાસ વાગ્યું તો નહતું ને!

આ ક્રમ હું પચીસીમાં આવી ગયો ત્યાં સુધી ચાલ્યો હતો. પછી ય અટક્યો તો ન જ હતો, રીત બદલાઇ હતી. પછી મને જ કહેતા કે હેં ભાઇ, તું ધાવણો હતો ને, ત્યારે મારા ખોળામાંથી દડી ગયો હતો ને રોવા માંડ્યો હતો. પણ ભાઇ, છોકરું તો પડી જાય ને, એટલે રડે. તને લાગ્યું નોતું હોં ભાઇ!

હવે મેં ચાલીસ વટાવ્યાં. તો ય વાત પૂરી થઇ નથી. હવે એ મને પણ નથી કહેતા પણ મને જુવે એટલે સ્વગત જ બોલે “ભાઇને મેં નોતો પાડ્યો. એની મેળે પડી ગયો હતો. મામા ને મામી ય કહેતાં હતાં કે છોકરું તો પડી જાય એટલે રડે. એને લાગ્યું ન હોય તો ય રડે. પછી તો મામીએ ખોળામાં લીધો હતો ને, એટલે છાનો ય રહી ગયો હતો.” વળી મને પૂછીને જ ખાતરી કરી લે “હેં ભાઇ, સાચી વાત ને! તને લાગ્યું નથી ને!” અને ફરી સ્વગત બોલે “ઇ તો છોકરું ઘડીક રડે. પછી મટી જાય.”

ભાઇ હિતેશનાં લગ્ન થયાં. એ સમયે ફઇનું ઘર તો એક ઓરડો ને એક રસોડું. એટલે એમણે ઓસરીની ધારે દિવાલ ચણીને રસોડું ત્યાં ફેરવી નાંખ્યું હતું. મુખ્ય ઓરડો તો હિતેશ અને રમાભાભીનો બેડરૂમ થઇ ગયો. એમનાં લગ્નને અઠવાડિયું ય નહતું થયું. ભાભીને કપડાં બદલવાં હતાં. પણ દિનેશભાઇ રૂમમાં નીચે સૂતા હતા. ભાભીએ એમને ઓરડામાંથી બહાર જવા વિનંતી કરી. કહ્યું પણ ખરું કે એમને કપડાં બદલવાં છે. પણ દિનેશભાઇ કહે “તમે બદલી લ્યો કપડાં. હું એ બાજુ નહીં જોઉં.” ભાભીને તો સ્વાભાવિક જ આ મંજૂર ન હોય. પણ એમની વાત માને તો દિનેશભાઇ થોડા કહેવાય! એક વાર નિર્ણય લેવાઇ ગયો, પછી કોઇની તાકાત નથી કે એ બદલાવી શકે. મારાં માને એમના આ સ્વભાવની ખબર. એમને બધી રીતે ઓળખ્યા હતા. રમાભાભીએ એમને કહ્યું કે મામી, દિનેશભાઇને કહોને, કે બહાર નીકળે, મારે કપડાં બદલવાં છે. અને પાછા કહે છે કે તમે કપડાં બદલી લ્યો, હું એ બાજુ નહીં જોઉં.” માએ પૂછ્યું “એ બહાર આવવાની ના પાડે છે!” હા. ભાભીએ કહ્યું. એટલે માએ કહ્યું કે “તો કોઇનો કહ્યો બહાર નહીં નીકળે. પણ તું ચિન્તા કર્યા વિના કપડાં બદલી લે. એ નહીં જ જુવે.” રમાભાભીએ બીતાં બીતાં હિંમત કરી. દિનેશભાઇ ભીંતભર મોઢું કરીને સૂતા હતા. સહેજ પણ હલ્યા નહીં. એમને ફરીને જોવા કોઇ કારણ પણ ન હતું. એ પછી તો ભાભીને કપડાં બદલવાં હોય તો એટલું જ કહેવું પડે “દિનેશભાઇ! હું કપડાં બદલું છું હોં!”

સ્વીચને ક્યારે ય હાથ નહીં લગાડવાનો. ઓન હોય તો ઓન અને ઓફ હોય તો ઓફ ભલે રહે પણ દિનેશભાઇ એને હાથ લગાડે નહીં. એ બાબતમાં કોઇની ય વાત નહીં જ સાંભળવાની – ફઇની ય નહીં. પણ એમનો એક મિત્ર ધોબી અપવાદ. એની દુકાનમાં એ કહે એ સ્વીચ ચાલુ કે બંધ કરી આપે. ત્યાં કોઇ બીક ન લાગે. દીવાસળીને ય હાથ નહીં લગાડવાનો.

અને ફઇ ક્યારે ય મરવાનાં નથી. એમણે ક્યાં કોઇનું કાંઇ બગાડ્યું છે કે મરવું પડે! મોત તો કાંઇક ખોટું કર્યું હોય એને જ આવે.

ગમે તેવા તડકામાં દિનેશભાઇ ઉઘાડા પગે જ ફરે. તળિયાં દાઝવાની જાણે કોઇ અસર જ નહીં. અજાણ્યા કોઇના દેખતાં કાંઇ ખાય નહીં. કાંઇક ખાવું હોય અને લોકો હોય તો લોકોથી પીઠ ફેરવી લેવાની અને ભીંતભર થઇ ખાઇ લેવાનું.

એક વાર દિનેશભાઇ માનસિક રીતે અવિકસિત છે એવા અર્થનું સિવિલ સર્જનનું મેડિકલ પ્રમાણ લેવાનું હતું. ફઇ એમને લઇ ગયાં જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં. સિવલ સર્જન સાહેબે દિનેશભાઇને બધી રીતે તપાસ્યા. એમને એમનામાં કાંઇ ખોટું ન દેખાયું. જે પૂછે એનો સંતોષકારક જવાબ. સર્જન સાહેબ કહે કે બહેન, તમારા દીકરામાં મને તો કાંઇ વાંધો નથી દેખાતો. ભણ્યો નથી એના આધારે આવું સર્ટિફિકેટ તો ન જ આપી શકું ને! ફઇએ એમને એક બાજુ બોલાવી કહ્યું કે એની હાજરીમાં મને એટલું કહો કે હું મરી જવાની છું એટલે એનાં લગન લઇ લેવાં જોઇએ. ડોકટરે આટલું કહ્યું અને પછી જે દિનેશભાઇનો પિત્તો ગયો છે! એટલું સાંભળીને દિનેશભાઇએ કરેલું કરુણતા અને ક્રોધ મિશ્રિત વર્તન જોઇ ડોકટરને એમનું એસેસમેન્ટ કરવા પર્યાપ્ત સામગ્રી મળી ગઇ અને એમનો માનસિક વિકાસ અમુક ઉંમરે થંભી ગયાનું પ્રમાણપત્ર લખી આપ્યું.

મને નવાઇ લાગતી કે દિનેશભાઇ મંદબુદ્ધિ કહી શકીએ એવા તો છે નહીં. બધી સમજણ છે. તો વર્તન આવું કેમ! પણ પહેલેથી એવું જ સાંભળતો આવ્યો હતો કે લીલીબહેનનો દિનેશ મંદબુદ્ધિ, એટલે આવું જ જે માણસો કહેતા હોય એમની પાસે શું જાણવાની અપેક્ષા રાખવી! એટલે પૂછતો ય નહીં.

પણ એકાદ વર્ષ પહેલાં દિનેશભાઇને સ્વગત બોલતાં સાંભળી ગયો “એ બેયનું મોત હતું તે મરી ગયા. એમાં કોઇ શું કરે! મેં નથી માર્યાં હોં!”

આ પહેલી વાર સાંભળ્યું હતું. મેં ફઇને વાત કરી. કેમ દિનેશભાઇ આવી વાતો કરે છે! ફઇની આંખોમાંથી દડ દડ આંસુ ટપકવા લાગ્યાં. ફઇએ વાત કરી.

નાનપણમાં દિનેશભાઇ ગોફણના માસ્ટર અને એક્કા નિશાનબાજ હતા. કહીએ એ વસ્તુનું નિશાન લઇ શકતા. માંડ આઠ વર્ષના હશે. એક વાર ફઇ એક વાડીએ કપડાં ધોવા ગયાં હતાં, સાથે દિનેશભાઇ. બેસતો ઉનાળો હતો અને આંબામાં કેરીઓ. દિનેશભાઇ ગોફણ ભેગી જ રાખતા ને વારંવાર નવાં નવાં નિશાન લઇ એમનો ગોફણનો અભ્યાસ ચાલુ રાખતા. ફઇ કપડાં ધોઇ રહ્યાં હતાં અને દિનેશભાઇની ગોફણ આંબાની કેરીઓ માટે સટાકા બોલાવી રહી હતી. એક પછી એક કેરીઓ ખિસ્સામાં ભરાઇ રહી હતી.

પણ, એક પત્થર કેરીને પાડ્યા વિના એની બાજુમાંથી નીકળી ગયો અને ગયો ખેતરની વાડ કુદાવીને પેલી બાજુ. પડ્યો ચાર વર્ષના એક છોકરાના માથા પર. છોકરો ત્યાં ને ત્યાં ઢળી પડ્યો. કોઇએ જોયું અને સેકન્ડોમાં તો ટોળું થઇ ગયું. છોકરાને તેડી લીધો. છોકરાનો બાપ – એ ખેતરનો માલિક પણ દોડતો આવ્યો. પણ એના ભાગે દીકરાનો નિષ્પ્રાણ દેહ જ ઊંચકવાનો આવ્યો હતો.

લોકોએ જોયું જ હતું કે એ મૃત્યુનું નિમિત્ત શું અને કોણ બન્યું હતું એટલે દિનેશભાઇ પર શું વીતી શકે એનો એ બાપને અંદાજ આવી ગયો. તરત જ એના દીકરાના શરીરને નીચે મુકી દોડતા આવી રહેલાં ફઇની સામે દોડતો ગયો અને હાથ જોડીને કહ્યું કે બહેન, જો તમે તમારા દીકરા પર હાથ ઉપાડો તો તમને મારા મરી ગયેલા દીકરાના સમ. તમારો દીકરો ય બાળક છે. વાડની પાછળ મારો દીકરો છે એ એને થોડી ખબર હતી! એનું મોત આમ લખાણું હશે, બહેન. તમે તમારા દીકરાને કાંઇ ન કહેતા. “મારા સમ છે જો કોઇએ છોકરાને કાંઇ કીધું છે તો” એમ કહી હાજર બધાની સામે હાથ જોડ્યા. કોઇએ આ જોઇ બાળક દિનેશને કાંઇ ન કહ્યું. દિનેશભાઇ પણ બાઘા થઇ જોઇ રહ્યા.

ફઇ તો કેવું ભારે હૃદય લઇ ઘરે આવ્યાં હશે એની કલ્પના ય નથી થઇ શકતી. પણ ઘરે આવી ક્રોધમાં દિનેશભાઇને જે કહેવાનું હતું એ એમનું દારુણ રુદન થઇને બહાર આવ્યું કારણ કે દિનેશભાઇને તો ખિજાવાની એ છોકરાના બાપે સમ દઇને ના પાડી હતી ને! દિનેશભાઇ સુન્ન થઇ ગયા હતા. ગોફણને ત્યારથી જ ભૂલી ગયા.

હશે. ભગવાને જે નિમિત્ત બનાવ્યું હોય તે. એ ય બાળક જ છે ને! વિચારી ફઇએ મન મનાવ્યું. જે થવાનું હતું એ થઇ ગયું એમ વિચારી જાણે કાંઇ નથી બન્યું એમ બે દિવસ પછી દિનેશભાઇને અને નીતિબહેનને થેલીમાં પાટી પેન આપી નિશાળે મોકલ્યાં.

દિનેશભાઇથી નાની મંજુ. એ નિશાળે જવા જેવડી તો નહીં, પણ ફળિયામાં રમવા જેવડી હતી. એનાથી નાની એક દીકરી હતી એ ત્યારે છ મહિનાની હતી. દિનેશભાઇ નિશાળેથી આવ્યા ત્યારે એ ઘોડિયામાં સુતી હતી. ચંચલ સ્વભાવના બાળક દિનેશભાઇ દોડતા આવ્યા અને એમની થેલી ઘોડિયાની એક મોરવાઇ (ઘોડિયાની આડી દાંડીના છેડે બંને બાજુ લાકડાના જે ઊભા આધાર હોય તે) પર ઉતાવળમાં ટાંગી દઇને ઝટ ઝટ જેવા આવ્યા હતા એવા જ દોડતા ફળિયામાં ગરિયો રમવા ભાગી ગયા. ફઇ ત્યારે રસોડામાં.

થેલી ઘોડિયાની અંદરની બાજુ ટંગાઇ ગઇ હતી અને હીંચી રહેલા ખોયાના સળિયા સાથે ઊંચી નીચી થઇ રહી હતી. એક વાત પર કોઇનું ધ્યાન નહતું પડ્યું, કે થેલીની નીચલી સિલાઇ ઢીલી થઇ ગઇ હતી અને એક એક ટાંકા તૂટી રહ્યા હતા. એક દુર્ભાગી ક્ષણે થેલીમાંની પાટીને ખમી રહેલો છેલ્લો ટાંકો ય તૂટ્યો અને પાટી સરકી બહાર. પાટીને ય ફરતે લાકડાની કોઇ ફ્રેમો નહીં. એટલે પાટી એક અણિયાળો પત્થર જ બની ગઇ અને પડી સૂઇ રહેલી ફઇની છ મહિનાની દીકરીના માથે. એનો ખૂણો એક વેઢ જેટલો એ બાળકીના માથામાં ઉતરી ગયો અને બાળકી ત્યાં જ મરી ગઇ.

પછી તો શું શું થયું હશે એની આપણે તો કલ્પના ય ક્યાંથી કરી શકીએ! દિનેશભાઇ બે દિવસના અંતરમાં બીજા બાળકના મૃત્યુના નિમિત્ત બન્યા હતા.

આ વાત સાંભળી એટલે દિનેશભાઇના વર્તનનો તાળો મળી ગયો. અપરાધને ભૂલવા મન બધું કરી છૂટે છે. મૃત્યુને એ કોઇ ખોટા કર્મનું પરિણામ પણ કહી દે છે. મન ત્યાંથી આગળ શીખવાનું અને બૌદ્ધિક રીતે વિકસવાનું બંધ કરી દે છે કારણ કે વધુ શીખેલું અને વિશ્લેષણ કરી શકતું મન અજાણતાં થયેલા આ બંને અપરાધો પણ વારંવાર યાદ દેવડાવવાનું જ છે. મનને બધું ગમે છે પણ અપરાધભાવના નથી ગમતી. એને એ ટાળવા જ માંગે છે. એટલે એ એણે દિનેશભાઇને કાંઇ પણ શીખવા અને કાંઇ પણ યાદ રાખવા માટે અસમર્થ એવા વ્યક્તિ બનાવી દીધા. મન ગેમમાંથી આ રીતે બહાર નીકળી ગયું. દિનેશભાઇને એ આઘાતે આજીવન બહાવરા બનાવી દીધા. એમના ખોળામાં બેઠેલો છ મહિનાનો હું ગબડી પડ્યો એ પ્રસંગથી પણ એટલા ભયભીત થઇ ગયા કે એમણે એ જાણી જોઇને નથી કર્યું એ આટલાં વર્ષો પછી પણ અમને સમજાવવા મથે છે. એ મનને મંદબુદ્ધિ ગણાવામાં પણ આ જ કારણે કોઇ વાંધો નથી. એમાં એને સુરક્ષા મળી છે, અસહ્ય અપરાધભાવનાથી મુક્તિ મળી છે.

પણ મિત્રો, આ સાથે મને યાદ આવી વિકસિત દેશોની હેલ્થકેર સર્વિસીઝ. એ ક્ષેત્રમાં ત્યાં સરકાર તરફથી જ એટલું સંશોધન અને રોકાણ થયું છે કે બાળકો માટે તો ખાસ કાઉન્સેિલંગ ઉપલબ્ધ છે. દિનેશભાઇને લાગ્યો એ આઘાત નાનોસૂનો તો નહીં જ હોય પણ મનોવિજ્ઞાન એટલું આગળ વધ્યું છે કે એના વિકાસનો પૂરેપૂરો ઉપયોગ કરી એમને આઘાતમાંથી બહાર તો લાવી જ શકાયા હોત. વૈજ્ઞાનિક ઉપલબ્ધિઓનો પૂરેપૂરો ઉપયોગ સરકાર નાગરિકોનાં જીવનમાં સ્વાસ્થ્ય, સરળતા, અને સુવિધા માટે કરે છે. દિનેશભાઇને આજીવન બહાવરા થઇને રહેવાની કોઇ જ જરૂર ન હતી. એમનું તો જીવન જાણે વેડફાઇ જ ગયું છે પણ દેશમાં બીજાં કેટલાં બાળકો હશે કે જે રોજ કોઇ ને કોઇ માનસિક આઘાતનો ભોગ બનતાં હશે! એમના માટે આપણા દેશમાં શું સગવડ છે! અરે, સગવડ તો પછી આવે. જાગૃતિ પણ ક્યાં છે! માનસિક બિમારી જાણે એક સંતાડવાની વસ્તુ છે. જેમનું મન થાકી રહ્યું હોય એમના માટે આપણામાં પણ ધીરજ છે ખરી! અરે માનસિક રીતે બિમાર તો ઠીક, શારીરિક રીતે વિકલાંગતાનો ભોગ બનનાર માટે પણ આપણામાં સંવેદનશીલતા લાવવા માટે નરેન્દ્રભાઇ પ્રધાનમંત્રી બન્યા ત્યાં સુધી કાંઇ જ નહતું થઇ રહ્યું. એ લોકો તો જાણે નાગરિક જ મટી ગયા હોય એવો વ્યવહાર હતો અને છે. વિકલાંગને દિવ્યાંગ કહી એમનાં જીવન સુધારવાની એમની પહેલને ખરેખર ધન્યવાદ આપવા જ પડે.

જરૂર આની છે મિત્રો. નથી જરૂર શ્રીરામજન્મભૂમિ પર મંદિર બાંધવાની, કે નથી જરૂર સ્વીસબેંકોમાંથી પૈસા પાછા લાવવાની. આપણા ભાઇઓ, બહેનો, અને બાળકોને શારીરિક કે માનસિક વિકલાંગતાના લીધે કોઇ અન્યાય ન થાય, એમને બધી રીતના સમાન અવસર મળે. કોઇ તકથી એમને વંચિત ન રહેવું પડે, એમનું જીવન એળે ન જાય એવું તંત્ર સર્જવાની જરૂર સહુથી પહેલી છે. આ હાથીના પગલાં જેવું ધ્યેય છે જેમાં બીજાં ઘણાં આપોઆપ સમાઇ જાશે. એ કરી શકશું તો આપણે સમૃદ્ધ તો ક્યારના થઇ ગયા હોઇશું.

https://www.facebook.com/prahlad.joshi/posts/10210964449059157

Loading

...102030...3,4703,4713,4723,473...3,4803,4903,500...

Search by

Opinion

  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો
  • ચલ મન મુંબઈ નગરી—335

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved